શબ્દલોકના યાત્રીઓ – ૧/એનીબહેન સરૈયા
બાળસાહિત્યને નામે આપણે ત્યાં ઘણી ભળતી સામગ્રી ઢંગધડા વગર પ્રગટ થતી રહે છે. આ પરિસ્થિતિમાં બાળકોના માનસને સમજીને બાળકોને રોચક અને પોષક નીવડે એવાં પુસ્તકો પ્રગટ થતાં જોઈએ છીએ ત્યારે આપણે રાજી થઈ ઊઠીએ છીએ. બાળકના એવા કવિ-લેખકોમાં એનીબહેન સરૈયાની ગણના થાય. કદાચ અત્યારના સાહિત્યમાં બાળકોની કવયિત્રી ગણી શકાય એવાં તો તે એક જ છે. બાળકાવ્યોના અનેક સંગ્રહો તેમણે પ્રગટ કર્યા છે. જેટલા પ્રગટ કર્યા તેથી ઝાઝા તેમના ભંડારમાં છે. કૃષ્ણ ભક્તિનાં પણ સરસ કાવ્યો તેમણે લખ્યાં છે. પોતાના સંગ્રહોનું સ્વરાંકન કરી શકે એવી સંગીતની સૂઝ તે ધરાવે છે, બાળકાવ્યોનાં પુસ્તકોનાં ચિત્રો પણ તે પોતે જ તૈયાર કરે છે. આમ શ્રી એનીબહેનમાં કવયિત્રી, ચિત્રકાર અને સંગીતકારનો ત્રિવેણીસંગમ થયેલો છે. શ્રી એનીબહેનનો જન્મ મુંબઈમાં ૯ ઑકટેબર ૧૯૧૭ના રોજ થયો હતો. એમના પિતા સ્વ. દેવીદાસ જે. દેસાઈ મુંબઈ હાઈકોર્ટના જાણીતા સૉલિસિટર અને શિક્ષણકાર હતા અને માતા સ્વ. મોતીબહેન દેસાઈ સામાજિક કાર્યકર્તા હતાં. સમાજસેવા અને શિક્ષણના સંસ્કાર તેમને વારસામાં મળ્યા હતા. તેમણે મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની ડિગ્રી મેળવી શિક્ષણ અને સમાજસેવાનાં ક્ષેત્રમાં ઝંપલાવ્યું. તેઓ એક દાયકા સુધી મુંબઈ યુનિવર્સિટીની સેનેટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલનાં સભ્ય હતાં. એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીની સેનેટમાં સભ્ય હતાં. ઍડલ્ટ એજ્યુકેશન કમિટીમાં પણ તેમણે સેવાઓ આપેલી. મુંબઈની અનેક સામાજિક સંસ્થાઓ સાથે તે સંકળાયેલાં છે. ભગિની સમાજ, બૉમ્બે સિટી કાઉન્સિલ ફૉર ચાઈલ્ડ વેલફેર, એ. આઈ. ડબલ્યૂ. સી. મહાલક્ષ્મી, વાલકેશ્વર શાખા વગેરેમાં પણ તે સેવાઓ આપે છે. અખિલ ભારતીય લેખક સંસ્થા પી.ઈ.એન.ના પણ તે સભ્ય છે. આકાશવાણીના કાર્યક્રમોમાં તે ભાગ લે છે અને તેમનાં ગીતો પ્રસારિત થાય છે. તેઓ એલિફન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કરતાં હતાં ત્યારે રાસગરબામાં સક્રિય ભાગ લેતાં. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘નૂપુર’ ૧૯૫૮માં પ્રકાશિત થયો, એમાં કૃષ્ણપ્રેમનાં ૧૦૯ ગીતો આપ્યાં છે. બીજે જ વર્ષે ૧૯૫૯માં બાળગીતોનો સંગ્રહ ‘તારલિયા’ પ્રગટ થયો. ‘તારલિયા’ને આવકાર આપતાં સાક્ષર શ્રી રામપ્રસાદ બક્ષીએ લખેલું : “જેમાં વાણી સરલ અને મૃદુમંજુલ હોય, ગીતરચના લલિત લયવાહી હોય, વાણીની અને પદ્યની રચના મંજુલ પ્રાસથી સંકળાયેલાં ટૂંકાં ચરણોમાં વિભક્ત થઈ હોય અને એવા શબ્દદેહમાં ક્યાંક મુગ્ધ ભાવની, ક્યાંક ઉલ્લાસની, ક્યાંક રેખારંગતેજયુક્ત ચિત્રની, ક્યાંક ચંચલ ગતિની, ક્યાંક સ્વભાવોક્તિની, ક્યાંક કલ્પનાની ચમત્કૃતિ હોય, એવાં ગીતો બાલકોને ગમે અને બાલગીતની ગણનામાં ગુણગરવે સ્થાને આવે. શ્રીમતી એનીબહેન સરૈયાનાં આ બાલગીતોમાં શબ્દદેહનું માર્દવ અને સૌષ્ઠવ સર્વત્ર પરખાય છે; અને ઉપર ગણાવેલાં અર્થ તત્ત્વો તે તે કાવ્યમાં વહેંચાય છે. ‘બાપુજીની લેખણ લઈને’ અને ‘મા મને જો!! એ મુગ્ધ ભાવનાં, ‘વહાણું વાયું’ અને ‘કેવી મઝા’ એ ઉલ્લાસનાં, ‘સૂરજ અને ચંદા ‘, ‘લાવી દે મા’, અને ‘કોણે?’ એ રેખારંગતેજનાં, ‘તારલિયા’ અને ‘પૂજારણ’ ચંચલ ગતિનાં, ‘ગલૂડિયાં’ અને ‘ફેરિયો આવ્યો’ સ્વભાવોક્તિનાં, અને ‘હે, ચાંદામામા’ તથા ‘રૂડો દરબાર!’ એ કલ્પનાનાં ઉદાહરણો છે.” આ સંગ્રહને ભારત સરકાર યોજિત પાંચમી ‘બાલ સાહિત્ય સ્પર્ધા’માં ગુજરાતી ભાષાની એક ઉત્તમ કૃતિ તરીકે પારિતોષિક પ્રાપ્ત થયું હતું અને મુંબઈ સરકારે પણ એને પ્રથમ પારિતોષિક પાત્ર ગણ્યો હતો. આ સંગ્રહની ત્રણ આવૃત્તિઓ થઈ છે. ૧૯૬૦માં ‘તારલિયા’ના અંગ્રેજી અનુવાદ ‘સ્ટાર્સ’ને ભારત સરકારે વધારાના પારિતોષિક વડે સન્માન્યો હતો. ૧૯૭૧માં ‘મોતીડાં’ નામે બાલગીતોનો સંગ્રહ તેમણે પ્રગટ કર્યો. ૧૯૭૭માં ગોપીભાવનાં ૧૦૧ ગીતોનો સંગ્રહ ‘વેણુનાદ’ પ્રગટ કર્યો. એમાં લેખિકાએ પોતે દોરેલાં છ સુંદર રાધાકૃષ્ણનાં રંગીન ચિત્રો પણ આપવામાં આવ્યાં છે. આ સંગ્રહ એમના પતિ ડૉ. ચન્દ્રકાન્ત સરૈયાને અર્પણ કરતાં તેમણે લખેલી પંક્તિ “મારા સારસ્વત સહૃદય જીવનસાથી” સાર્થક છે. ડૉ. સરૈયા મુંબઈના જાણીતા ગાયનેકોલૉજિસ્ટ છે, અને એનીબહેનની પ્રવૃત્તિઓમાં સતત પ્રોત્સાહન આપતા રહ્યા છે. ‘વેણુનાદ’ એમને અર્પણ થાય એમાં શું આશ્ચર્ય? ૧૯૭૮માં તેમણે ‘સ્વરસરિતા’ પ્રગટ કર્યો. આ સંગ્રહની વિશિષ્ટતા એ છે કે એમાં શ્રી એનીબહેને પોતાનાં ૩૫ ગીતોનું શ્રી સન્મુખબાબુ ઉપાધ્યાયે કરેલું સ્વરાંકન આપ્યું છે અને લેખિકાએ પોતાના અનુભવોને ચિત્રબદ્ધ કરતાં છ મૉડર્ન આર્ટનાં ચિત્રો પણ આપ્યાં છે. સંગ્રહસ્થ રચનાઓમાં રહેલા ભક્તિરસના ગેય ઉદ્રેકની અને હૃદયને તર કરી દેતી પ્રસન્નતાની શ્રી હરીન્દ્ર દવેએ તારીફ કરી છે. ૧૯૭૯માં ૨૩ પ્રકરણોવાળી લાંબી રૂપાંતરિત વાર્તા ‘સોનલનું સપનું’, શ્રેષ્ઠ રશિયન વાર્તા પરથી રૂપાંતરિત કૃતિ ‘જાદુઈ વીંટી’ અને આંતરરાષ્ટ્રીય બાળવર્ષ નિમિત્તે ૧૦ બાલગીતોનો સચિત્ર સંગ્રહ ‘મોરપીંછ’ પણ ખાસ ઉલ્લેખપાત્ર છે. તેમણે વિશ્વના જુદા જુદા દેશોનો સાંસ્કૃતિક પ્રવાસ પણ કર્યો છે. ‘પ્રવાસિકા’માં એ પ્રવાસનું પ્રતિબિંબ પાડતાં ૨૩ કાવ્યો આપ્યાં છે. આ વર્ષે કૅસેટમાં ઉતારેલાં ૧૭ બાલગીતોનું પુસ્તક ‘ગીતગુંજન’ પ્રગટ થયું છે, શ્રી એનીબહેન અંગ્રેજીમાં પણ કાવ્યો રચે છે. ‘એશિયન લિટરેચર’માં તે પ્રગટ થાય છે. શ્રી એનીબહેનનું સામાજિક કાર્યકર્તા તરીકેનું કાર્ય ઘણું પ્રશસ્ય કહી શકાય એવું છે. સામાજિક સંસ્થાઓને તેમની હુંફ મળી છે. ‘ઇન્ટરનૅશનલ કૉન્ફરન્સ ફૉર સોશિયલ વર્ક’ તરફથી બે વખત તેમણે ડેલિગેટ તરીકે કૅનેડા અને જાપાનનો પ્રવાસ કર્યો હતો. સ્પેશિયલ એકિઝક્યુટિવ મૅજિસ્ટ્રેટ તરીકે તેમણે બે ટર્મ કામ કર્યું હતું. ચિત્રકલામાં તેમને જીવંત રસ છે. ૧૯૭૯માં બાળવર્ષ નિમિત્ત બાળકોના વિષયો લઈને કરેલાં ચિત્રોનું પ્રદર્શન યોજાયું હતું. ૧૮ ફૂલોનાં ચિત્રોના પ્રદર્શને આકર્ષણ જમાવેલું. ભારતીય શાસ્ત્રીય સંગીત અને સુગમ સંગીતનો તેમનો અભ્યાસ વ્યાપક અને ઊંડો છે. તે પોતે સરસ ગાઈ શકે છે. રમતો રમવાનો પણ તેમને શોખ છે. ટેનિસ, બૅડમિંટન અને ટેબલ ટેનિસમાં તેમને રસ છે. શ્રી એનીબહેને સેંકડો બાળકાવ્યો રચ્યાં છે. એમના સંગ્રહોની ‘શ્રેણી’ પ્રગટ થશે ત્યારે તેમણે આ ક્ષેત્રમાં કરેલા મહત્ત્વના પ્રદાનનો ખ્યાલ આવશે. અંગ્રેજીમાં પણ તેમણે ઘણી રચનાઓ કરી છે. બાળકો માટે જેમ તેમણે કાવ્યો રચ્યાં છે તેમ ભક્તિભાવથી નીતરતાં પ્રૌઢો માટેનાં કાવ્યો પણ રચ્યાં છે. તેમનાં કાવ્યોની મધુરમંજુલ ભાષા, એનો સરલ લયહિલ્લોલ અને કલ્પનાની ચમત્કૃતિ આસ્વાદ્ય નીવડે એવાં છે. શ્રી એનીબહેનમાં બાળકોને એમની સહૃદય કવયિત્રી સાંપડી છે.
૧૭-૫-૮૧