શબ્દલોકના યાત્રીઓ – ૨/ઈવા ડેવ
‘ઈવા ડેવ’ તખલ્લુસ છે. મૂળ નામ છે પ્રફુલ્લ દવે. પ્રફુલ્લભાઈએ આ ઉપનામ કેમ રાખ્યું? અમેરિકાથી ૧૯૬૪માં તે ભારત આવ્યા. અમેરિકામાં ‘દવે’નો ઉચ્ચાર ‘ડેવ’ તો લોકો કરતા જ હતા, તેમને થયું કે કોઈ ચબરાકીભર્યું નામ રાખીએ તો લોકોનું ધ્યાન ખેંચાય. ડેવની આગળ કોઈ સ્ત્રીનું નામ મૂકવાનું તેમણે વિચાર્યું. આદમ અને ઈવમાંની ‘ઈવ’ ઉપરથી ‘ઈવા’ પસંદ પડ્યું. ‘ઈવા’ નામે એક બહેનનો પણ અમેરિકામાં પરિચય થયેલો. તેમણે એમને મદદ પણ કરેલી. એ રીતે ઋણ ચૂકવવાની તક પણ મળી ગઈ. ‘પ્રફુલ્લ દવે’ ‘ઈવા ડેવ’ થયા! ‘ઈવા ડેવ’નું મુખ્ય અર્પણ ટૂંકી વાર્તાનાં ક્ષેત્રે છે. છેલ્લાં વીસ વર્ષમાં જે શક્તિશાળી વાર્તાકારો આપણને મળ્યા એમાં ઈવા ડેવનું પણ સ્થાન છે. વાર્તાકાર તરીકે માનવમનનાં ઊંડાણોનો તાગ લેવામાં એમને રસ છે અને એવી કેટલીક ઊંચી કોટિની મનોવૈજ્ઞાનિક વાર્તાઓ તેમણે આપી છે. ‘આગંતુક’, ‘તરંગિણીનું સ્વપ્ન’, ‘હેમંત આવી’, ‘છિન્નભિન્ન છું હું’ જેવી તેમની વાર્તાઓ વિવેચકો અને સાહિત્યરસિકોમાં લોકપ્રિય થયેલી છે. ઈવા ડેવે વાર્તાઓ ઉપરાંત લઘુનવલ પણ લખી છે. કથામૂલક પ્રકારમાં તેમનું સર્જકકર્મ ઝીણવટભર્યું નકશીકામ કરનારું છે. એક પછી એક મનુષ્યમનનાં દલ ખોલી આપતી તેમની વાર્તાઓ શૈલી અને સંવિધાન પરત્વે ગાંધી યુગના વાર્તાકારો કરતાં જુદી પડે છે અને નવા વાર્તાકારોમાં તેમને પહેલી હરોળમાં સ્થાપે છે. ઈવા ડેવ ઉર્ફે પ્રફુલ્લ નંદશંકર દવેનો જન્મ ૫ માર્ચ ૧૯૩૧ના રોજ વડોદરામાં થયો હતો. એમનું વતન નડિયાદ. તેમણે પાંચ ધોરણ સુધી નડિયાદની મ્યુનિસિપલ સ્કૂલમાં અભ્યાસ કર્યો. અગિયારમા ધોરણ સુધી તે નડિયાદની ગવર્નમેન્ટ હાઈસ્કૂલમાં ભણ્યા (૧૯૩૮થી ૧૯૪૮). નડિયાદની જે ઍન્ડ જે. આર્ટ્સ કૉલેજમાંથી બી.એ. થયા. ૧૯૫૫માં એમ.એ. થયા. ૧૯૫૬માં મ. સ. યુનિવર્સિટી વડોદરામાંથી બી.એડ. થયા. એ પછી તે પરદેશ અભ્યાસાર્થે ગયા. વૉશિંગ્ટન યુનિ. સેન્ટ લુઈસ, મિઝુરી, યુ.એસ.એ.માંથી ૧૯૫૭માં એમ. એ. ઈન એજ્યુકેશનની ડિગ્રી મેળવી. એ જ યુનિવર્સિટીમાંથી ૧૯૬૩માં પીએચ.ડી. થયા. આ પહેલાં તેમણે ભારતમાં હતા ત્યારે ઘણા વ્યવસાય કરેલા. ૧૯૫૨થી ૧૯૫૬ સુધી વલ્લભ વિદ્યાનગરના શારદામંદિરમાં શિક્ષક હતા. ૧૯૫૫માં અલીણાની માધ્યમિક શાળામાં હેડ માસ્તરની કામગીરી બજાવેલી. ૧૯૫૭માં યુ.એસ.એ.માં એમ.એ. થયા બાદ એ જ સંસ્થામાં ૧૯૬૦થી ૧૯૬૨ સુધી રિસર્ચ ઍસિસ્ટન્ટ તરીકે રહેલા. ૧૯૬૩માં સેંટ લુઈસ મેન્ટલ હૉસ્પિટલમાં રિસર્ચ ઍસોસિયેટ તરીકેની કામગીરી બજાવેલી. ૧૯૬૪માં ભારત આવ્યા પછી તરત જ મૈસૂરની રિજિઅનલ કૉલેજ ઑફ એજ્યુકેશનમાં રીડર તરીકે તેમની નિમણૂક થયેલી. ૧૯૭૨ સુધી એ સ્થાને રહેલા. ૧૯૭૨થી ૧૯૭૪ સુધી આર. સી. ઈ. મૈસૂરમાં પ્રોફેસર ઑફ એજ્યુકેશન તરીકે રહ્યા. ૧૯૭૪થી ૧૯૭૭ સુધી અજમેર આર. સી. ઈ.માં કામ કર્યું. ૧૯૭૭થી ૧૯૭૯ સુધી એન. સી. ઈ. આર. ટી.માં ડિપાર્ટમેન્ટ ઑફ ટીચર એજ્યુકેશનમાં સેવાઓ આપી. ૧૯૭૯થી નવી દિલ્હીમાં પ્રોફેસર ઍન્ડ હેડ, કેઈપ ગ્રુપ, એન. સી. ઈ. આર. ટી.માં કામ કરે છે. તે બી.એ.માં ભણતા હતા ત્યારે (૧૯૫૦-૫૧માં) લેખનનો આરંભ કરેલો. ગુજરાતી સાહિત્ય તેમનો મુખ્ય વિષય હતો. તેમની પહેલી વાર્તા ‘સાબુની કકડી’ ચૂનીલાલ વર્ધમાન શાહે ‘પ્રજાબંધુ’માં છાપેલી. એ પછી ‘ઢોલી’, ‘નાની માશી’ વગેરે વાર્તાઓ પ્રગટ થઈ. ‘નાની માશી’ છાપતાં અગાઉ ચૂ. વ. શાહે તેમને પૂછેલું કે એ તેમની મૌલિક વાર્તા છે કે કોઈ બંગાળી વાર્તાનો અનુવાદ. તેમણે રૂબરૂ જણાવેલું કે શું કોઈ ગુજરાતી લેખક બંગાળી વાર્તા કરતાં સારી વાર્તા ન લખી શકે? તેમના અભ્યાસકાળ દરમિયાન તેમના અધ્યાપક શ્રી રણજિત પટેલ, ‘અનામી’ તરફથી તેમને ઘણી પ્રેરણા મળેલી. એ વખતે તે ‘પ્રફુલ્લ દવે’ના નામથી લખતા. પરદેશ જતાં પહેલાં ઉમાશંકર જોશીએ ‘સંસ્કૃતિ’માં તેમની ‘સ્વપ્ન અને વાસ્તવ’ વાર્તા પ્રગટ કરેલી. ૧૯૬૪માં એ પાછા ફર્યા ત્યારે ઈવા ડેવના તખલ્લુસથી પહેલી વાર્તા ‘સૈનિકનું મૃત્યુ’ પણ ‘સંસ્કૃતિ’માં જ પ્રગટ થઈ. ‘ચોન્ટી’ અને ‘તરંગિણીનું સ્વપ્ન’ જેવી વાર્તાઓએ તેમને એકદમ પ્રકાશમાં લાવી દીધા. શ્રી ઈવા ડેવનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘આગંતુક’ ૧૯૬૯માં પ્રગટ થયો. આ સંગ્રહની પચીસ વાર્તાઓમાં નવી અને જૂની વાર્તાઓના વલણનું સુગ્રથન કરવાનો તેમણે પ્રયાસ કર્યો છે. સંગ્રહની વાર્તાઓની વિશેષતા તે બાળમુખે કહેવાયેલી માણસના મનનો તાગ પામવાની મથામણ રજૂ કરતી વાર્તાઓ આપી તે છે. આ સંગ્રહને ગુજરાત સરકારનું શ્રેષ્ઠ વાર્તાસંગ્રહનું પ્રથમ પારિતોષિક મળેલું. ૧૯૭૦માં તેમણે ‘ઈસુને ચરણે’ અને ‘પ્રેયસી’ નામે બે લઘુનવલો આપી. ‘ઈસુને ચરણે’ એ નિષ્ફળ પ્રેમની કથા છે, પરંતુ કેન્દ્રબિંદુ છે ખ્રિસ્તી બનેલ એક સ્વમાની હિંદુ નારી. ધર્મજ્ઞાનમાં એ આગળ વધે છે. લગભગ સંત કહેવાય એવી કક્ષાએ પહોંચે છે. એને અહમ્ પોષાય છે. આ વસ્તુની પ્રતીતિ કરાવવા ભગવાને કરેલી યોજનાની આ કથા છે. ‘પ્રેયસી’ એ એક લઘુતાગ્રંથિથી પીડાતા ઈન્ડિયનની એક અમેરિકન નાજનીન સાથેની મહોબ્બતની કથા છે. અકસ્માત્ તે એ સ્ત્રીના પતિનું ખૂન કરી નાખે છે. એવા સમયે તેનો સ્વાર્થ અને એ નારીનો સાચો પ્રેમ એકસાથે પ્રગટ થઈ જાય છે. શ્રી ઈવા ડેવનો બીજો વાર્તાસંગ્રહ ‘તરંગિણીનું સ્વપ્ન’ ૧૯૭૧માં પ્રગટ થયો. આ સંગ્રહની ૧૮ વાર્તાઓનું વસ્તુ તદ્દન નવું હતું, એની શૈલી તદ્દન જુદી હતી. આ સંગ્રહમાં તેમણે મુખ્યત્વે યૌનસંબંધોનું વિવરણ કર્યું. આ સંગ્રહે તેમને વાર્તાકાર તરીકે સિદ્ધ કરી દીધા. છેલ્લાં છએક વર્ષથી તેમણે ખાસ લખ્યું નથી; પરંતુ ૧૯૭૩થી ૧૯૮૦ સુધી લખાયેલી વાર્તાઓને સંગ્રહ ‘તહોમતદાર’ એન. એમ. ત્રિપાઠીની કંપની દ્વારા પ્રગટ થવામાં છે. અત્યારે તેમના મનમાં કઈ કૃતિનું સર્જન ચાલી રહ્યું છે એમ મેં પૂછયું તો તેમણે જણાવ્યું કે ‘દુર્યોધન ઉપર બેઠો છે.’ એ એક નવલકથાનું વસ્તુ તેમને મનમાં ક્યારનુંય ઘોળાયા કરે છે. હિંદુસ્તાનમાં દુર્યોધન દરેક જગ્યાએ છે ને તે કેવી રીતે ભારતનું નિકંદન કાઢી રહ્યો છે એનું નિરૂપણ એક કૉલેજની પાર્શ્વભૂમિકામાં કરવાની તેમની ઈચ્છા છે. અત્યારે ગુજરાતીમાં લખાતી ટૂંકી વાર્તાથી તેમને પૂરો સંતોષ નથી. જૂના અને નવાનો સમન્વય કરતી વાર્તાઓ તેમને ગમે છે પણ માનસશાસ્ત્ર કે સમાજશાસ્ત્ર પર નિબંધ વાંચતા હોય એવું લાગે ત્યારે નીરસ બની જાય છે. શ્રી ઈવા ડેવ ઉપર કોઈ ગુજરાતી વાર્તાકારની અસર નથી. તેમના પર દૉસ્તોયેવ્સ્કી, તૉલ્સ્તૉય, ચેખૉવ-મૉપાસાં ને કાફકાનાં લખાણોની અસર થયેલી છે; પણ ખાસ પ્રેરણા તો તેમને દૉસ્તોયેવ્સ્કીએ માંથી મળી. એક વાર ઉમાશંકરે તેમને કહેલું : “તમે કંઈ કરી શકો એમ છો એવું મને લાગે છે.” આ એક વાક્યે શ્રી ઈવા ડેવની સર્જકતાને શ્રદ્ધા અને પ્રેરણાનું અમીસિંચન કરેલું. શ્રી ઈવા ડેવ સતત કંઈ કરવાનો પ્રયત્ન કરતા રહ્યા છે. એ પ્રયત્નનાં કેટલાંક સારાં પરિણામ આપણને સાંપડ્યાં છે. હજુ પણ એને માટે આપણે રાહ જોઈએ.
૧૦-૮-૮૦