શબ્દલોકના યાત્રીઓ – ૨/હરીન્દ્ર દવે

From Ekatra Foundation
Jump to navigation Jump to search
હરીન્દ્ર દવે

શ્રી હરીન્દ્ર દવે કવિ, નવલકથાકાર, નાટકકાર અને વિવેચક તરીકે સુપ્રસિદ્ધ છે, પણ મુખ્યત્વે તે સર્જક છે. જુદાં જુદાં સાહિત્યસ્વરૂપોમાં તેમણે ગણનાપાત્ર પ્રદાન કર્યું છે. ૧૯૭૭માં પ્રગટ થયેલા તેમની કવિતાના સંપાદનગ્રંથને સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળેલો. માર્ચ ૧૧, ૧૯૭૯ના ‘ઈલસ્ટ્રેટેટ વીકલી’માં હરીન્દ્ર વિશે એમ. વી. કે.એ લખેલું: “હરીન્દ્રને તમે જો રસ્તા પર જ મળી જાઓ તો તમને એ બીજા લાખો મુંબઈગરાઓ જેવા જ લાગશે. હું જેટલી વ્યક્તિઓને જાણું છું એમાંથી મને હરીન્દ્ર જ પોતાની જાતને સૌથી વધુ અપ્રગટ રાખતા હોય એવું લાગે છે. તેઓ એકદમ નિરહંકારી છે. એટલા માટે જ મને જ્યારે ખબર પડી કે તેમને ગુજરાતી સાહિત્ય માટે ૧૯૭૮નું સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું છે ત્યારે ઘણો આનંદ થયો હતો. આ પારિતોષિક તેમનાં કાવ્યોના સંકલન ‘હયાતી’ માટે આપવામાં આવ્યું હતું... વિવેચકોનું કહેવું છે કે કવિ તરીકે હરીન્દ્ર પરંપરાવાદી છે જ્યારે નવલકથાકાર તરીકે પ્રયોગવાદી છે. તેમની પ્રથમ નવલકથા હતી ‘અગનપંખી’. બીજી નવલકથા ‘પળનાં પ્રતિબિંબે’ ગુજરાતી વાચકનું ધ્યાન ખેંચ્યું હતું. તેમની ત્રીજી નવલકથા ‘અનાગત’નો હિંદી અનુવાદ અમારા અન્ય પ્રકાશનમાં ક્રમશઃ પ્રસિદ્ધ થયો હતો. પણ એમને ખરી પ્રસિદ્ધિ ચોથી નવલકથા ‘માધવ ક્યાંય નથી’એ અપાવી. એમાં કૃષ્ણને ક્યાંય શોધી ન શકનારા નારદની વાત છે. અંતમાં નારદને ખબર પડે છે કે ભગવાન તો ક્યાંક જંગલમાં છે. તેઓ કૃષ્ણને મળવા બાવરા બનીને દોડ્યા પણ કૃષ્ણ તો પારધીનું તીર વાગવાથી ઢગલો થઈને પડ્યા હતા. હરીન્દ્રને આમાં કહેવું એટલું જ છે કે નારદને જે ભગવાન પ્રાપ્ત થયા તે મૃત્યુ પામેલા હતા. આ નવલકથાનું વસ્તુ એટલું કુતૂહલપ્રેરક છે કે હું તો ઈચ્છું કે આને કોઈ અંગ્રેજીમાં પણ ઉતારે. હરીન્દ્રની છેલ્લામાં છેલ્લી નવલકથા છે ‘સુખ નામનો પ્રદેશ’. મારા ગુજરાતી મિત્રોના કહેવા પ્રમાણે “આ નવલકથામાં હરીન્દ્ર સંપૂર્ણપણે છવાઈ ગયા છે.” આ અભિપ્રાય એક બિનગુજરાતી પત્રકારનો છે. પણ હરીન્દ્રની નવલકથા ‘માધવ ક્યાંય નથી’ પ્રગટ થઈ ત્યારે જ આ લખનારે એને ૧૯૭૦ની શ્રેષ્ઠ નવલકથા તરીકે ઓળખાવી હતી. ‘સંસ્કૃતિ’માં ૧૯૭૦ના ગુજરાતી સાહિત્ય વિશેના લેખમાં મેં લખેલું: “પૌરાણિક મિથનો ઉપયોગ કરીને કૃષ્ણના પાત્રસંદર્ભમાં આધુનિક યુગની છિન્નભિન્નતા અને ઉન્મત્ત સ્વાર્થાંધતાને ઉઠાવ આપવામાં હરીન્દ્રને સફળતા મળી છે. નારદનાં પરિભ્રમણોમાં જીવતા કૃષ્ણનું ચિત્ર હૃદયંગમ છે. કૃષ્ણનું પાત્ર કેન્દ્રમાં હોવા છતાં અન્ય પાત્રોને ગ્રસી જતું નથી, એ એક સનાતન ભાવના કે મૂલ્યનું પ્રતીક હોવા છતાં વાયવ્ય રહેતું નથી. હરીન્દ્રનું સાહિત્યિક ગદ્ય સતત સ્તર સાચવે છે. ‘માધવ ક્યાંય નથી’ એ કદાચ આ વરસની શ્રેષ્ઠ નવલકથા છે.” ૧૯૭૬માં પ્રગટ થયેલી ‘સુખ નામનો પ્રદેશ’ નવલકથામાં હરીન્દ્રે મનુષ્યની સુખ મેળવવાની સનાતન ઈચ્છાની સાથે સમકાલીન ઘટનાઓ ગૂંથી લઈ વિવિધ તરંગલીલાઓના આલેખ દ્વારા સુખ નામના પ્રદેશની મનુષ્યની શોધનું આહ્લાદક ચિત્ર આપ્યું છે. પરંતુ હરીન્દ્ર દવેને હું મુખ્યત્વે કવિ તરીકે જ જોઉં છું. નવલકથાના પ્રકારમાં તેમને મળેલી સિદ્ધિઓ મારા ખ્યાલમાં હોવા છતાં સમગ્ર રીતે હરીન્દ્ર દવે એટલે કવિ એવી છાપ મારા મનમાં છે. હરીન્દ્ર નખશિખ કવિ છે. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘આસવ’ ૧૯૬૧માં પ્રગટ થયો. એમાં ગઝલો છે. એ પછી ૧૯૬૬માં તેમણે ‘મૌન’ કાવ્યસંગ્રહ આપ્યો, ૧૯૭૨માં શ્લોકસંગ્રહ ‘અર્પણ’ પ્રગટ થયો. એ જ વર્ષે ગઝલનો બીજો સંગ્રહ ‘સમય’ પ્રગટ થયો. ૧૯૭૫માં ‘સૂર્યોપનિષદ’માં આધુનિક મિજાજ પ્રગટ થયો છે. ૧૯૭૨માં ‘સમય’ના નિવેદનમાં તેમણે કહ્યું : “શ્વાસ લઉં છું કે હરુંફરું છું ત્યારે નહીં, પણ કૈંક લખી શકું છું ત્યારે જ જીવું છું — જીવ્યો છું. એવી થોડી ક્ષણો અહીં સમાવાઈ છે.” અને ‘સૂર્યોપનિષદ’ના નિવેદનમાં તેમની કેફિયત છે : “કવિતા લખવી એ મારા માટે સૂર્યની પાસે બેસવા જેવો અનુભવ રહ્યો છે. અનુભૂતિ અને અભિવ્યક્તિના આકાશમાં કવિતાના સૂર્યની ખૂબ નજીક હોઉં ત્યારે સૂર્યના તાપમાં જેની મીણની પાંખો ઓગળી ગઈ હતી એ ગ્રીક પાત્ર ઈકારસની યાદ આવે છે. મારી હયાતીમાં જે કંઈ મીણ જેવું અસ્થાયી હોય એ તમામ પીગળી જાય અને ભલે નીચે તૂટી પડે એ મારી સૂર્યોપનિષદની પ્રાર્થના છે.” લખવું એ હરીન્દ્રને માટે કોઈ ઉપ-વ્યવસાય નથી, એ એમની આત્માભિવ્યક્તિની સહજ અનિવાર્યતા છે. અને તેમણે સુંદર ગીતો, સૉનેટ, ગઝલો, લાંબાં કાવ્યો, પાણીદાર મુક્તકો આપ્યાં છે. હરીન્દ્રની કવિતા ઉપર એમના કવિ-વ્યક્તિત્વની મુદ્રા ઊઠેલી છે. એમણે પૂર્વસૂરિઓની કવિતા મનભર માણી હોવા છતાં, સમકાલીન કવિઓની કવિતાનો આસ્વાદ લીધો હોવા છતાં હરીન્દ્રનો શબ્દ એ એમનો આગવો શબ્દ છે. એમની સુકુમાર સંવેદના અનેક રૂપો સર્જે છે. કલ્પન પ્રતીકના વિનિયોગમાં, સૌરાષ્ટ્રની લોકબોલીના શબ્દોના ઉપયોગમાં, વિષાદ અને વેદનાને સુચારુ આકાર આપવામાં, આધુનિક મનુષ્યની હતાશાને મુખરિત કરવામાં હરીન્દ્રને સફળતા મળી છે. ‘સૂર્યોપનિષદ’માં જે કોઈ વિષય એમણે પ્રધાનપણે છેડ્યો હોય તો તે મૃત્યુનો. પ્રેમ અને મૃત્યુ એ કવિતાના સનાતન વિષયો સાથેની હરીન્દ્રની નિસ્બત એકદમ વૈયક્તિક લાગે છે, એમાં જ હું તો એમની કવિ તરીકેની સિદ્ધિ જોઉં છું. નિતાન્ત રમ્ય સ્વચ્છ ઊર્મિની સમાન્તરે વિચારનું જે સાયુજ્ય એમની કવિતામાં સધાયું છે તે એમને એક ગજાવાળા સર્જક તરીકે ઉપસાવી આપે છે. આવા સત્ત્વશીલ સર્જક શ્રી હરીન્દ્ર જયંતીલાલ દવેનો જન્મ ૧૯૩૦ના સપ્ટેમ્બરની ૧૯મી તારીખે તેમના મોસાળ ખંભરામાં (કચ્છ) થયો હતો. પ્રાથમિક, માધ્યમિક અને જુનિયર બી.એ. સુધીનું શિક્ષણ તેમણે ભાવનગરમાં લીધેલું, એ પછી તે અભ્યાસ અર્થે મુંબઈ આવ્યા. ૧૯૫૧માં બી.એ. થયા અને ૧૯૬૧માં ગુજરાતી–અંગ્રેજી સાથે એમ.એ. થયા. તેમણે પત્રકારત્વને વ્યવસાય તરીકે સ્વીકાર્યું છે. ૧૯૫૧થી ૧૯૬૨ સુધી તેમણે ‘જનશક્તિ’ના તંત્રી વિભાગમાં કામ કર્યું. અનેક વિભાગો ચલાવતા સાપ્તાહિક ‘સાહિત્ય મંગલ’નું સંપાદન કરતા. ૧૯૬૨થી ૧૯૬૮ સુધી તે ભારતીય વિદ્યા ભવન તરફથી પ્રગટ થતા પાક્ષિક ‘સમર્પણ’ના સંપાદક હતા (આજે પણ એની સલાહકાર સમિતિમાં છે). ૧૯૬૮થી ૧૯૭૩ સુધી યુસિસની મુંબઈ ઑફિસમાં ગુજરાતી વિભાગના તંત્રી હતા. એ વખતે ‘સમર્પણ’ના માનદ સંપાદક તરીકે પણ સેવાઓ આપતા. ૧૯૭૩થી આજ દિન સુધી તેઓ મુંબઈથી પ્રગટ થતા ‘જનશક્તિ’ દૈનિકના તંત્રી તરીકે કાર્ય કરે છે. હરીન્દ્ર મૌલિક સૂઝવાળા તંત્રી છે. ‘જનશક્તિ’માં વૈશ્વિક ઘટનાઓ વિશે તે સ્વકીય વિચારણા આપે છે. ‘જનશક્તિ’માં અનુભવાતી સાહિત્યિક આબોહવા હરીન્દ્રના તંત્રીકર્મને આભારી છે. ગુજરાતના રાજકારણ અંગે તેમણે તટસ્થ વિશ્લેષણ કરી વિશદ નિરૂપણ કરતા લેખો લખેલા, એનો સ્વાદ ઘણાને રહી ગયેલો. તેમણે મહારાષ્ટ્ર રાજ્યની પાઠ્યપુસ્તક સમિતિઓમાં અને અન્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં સેવાઓ આપી છે. તેમનાં પુસ્તકો જુદી જુદી યુનિવર્સિટીઓમાં પાઠ્યપુસ્તકો તરીકે મુકરર થયાં છે અને ‘મૌન’, ‘અંગત’, ‘યુગે યુગે’ (નાટક), “માધવ ક્યાંય નથી.’ એ પુસ્તકોને ગુજરાત રાજ્યનાં પારિતોષિકો મળ્યાં છે. ડૉ. સુરેશ દલાલે સંપાદિત કરેલ હરીન્દ્રની કવિતાના પ્રતિનિધિ સંગ્રહ ‘હયાતી’ને સાહિત્ય અકાદમીનો એવૉર્ડ મળ્યો છે. ૧૯૭૮નું અકાદમીનું પારિતોષિક આ ગ્રંથને મળ્યું ત્યારે સંપાદનને એવૉર્ડ આપી શકાય કે કેમ એની ચર્ચા થયેલી. મને લાગે છે કે આ સંચયમાં હરીન્દ્રના અગાઉના સંગ્રહોમાંથી પણ કાવ્યો લેવામાં આવ્યાં છે, પણ આ સંગ્રહ ચીલેચાલુ સંપાદન ગ્રંથ નથી, પણ હરીન્દ્ર દવે જેવા એક સાચા કવિની કવિતાના દૃષ્ટિપૂત સંપાદનનો ગ્રંથ છે; કહો કે પ્રતિનિધિરૂપ સંચય છે. કવિ તરીકે હરીન્દ્રનું ગુજરાતી ભાષામાં જે પ્રદાન છે તે જોતાં અકાદમીએ સુયોગ્ય વ્યક્તિની કરેલી કદરે ગુજરાતી સાહિત્યમાં સંતોષ અને આનંદની લાગણી જન્માવેલી. હરીન્દ્રે જુદાં જુદાં દૈનિકોમાં અવારનવાર લખ્યું છે. એમાંથી ‘મુંબઈ સમાચાર’ની ‘કલમની પાંખે’ કટાર અને ‘જન્મભૂમિ-પ્રવાસી’માં ‘કવિ અને કવિતા’ની તેમની કટાર ખૂબ લોકપ્રિય થયેલી. અત્રત્ય-તત્રત્ય કવિતાના આસ્વાદનું પુસ્તક ‘કવિ અને કવિતા’ ૧૯૭૧માં પ્રગટ થયું. એ પ્રકારનું આ વિશિષ્ટ પુસ્તક છે અને એમાં હરીન્દ્રની કવિતાની સૂઝ અને વિવેચક શક્તિનાં દર્શન થાય છે. આ ઉપરાંત ગઝલસંગ્રહ ‘મધુવન’, કવિતા ૧૯૫૭-૫૮-૫૯નું સંપાદન (સુરેશ દલાલ સાથે) વગેરે તેમણે કર્યું છે. ભાષાંતરો પણ કર્યાં છે. અનેક વિદ્વત્પરિષદોમાં તેમણે નિબંધવાચન કરેલું. છેલ્લે તેમણે કલકત્તામાં પરિષદ વ્યાખ્યાનમાળામાં ગુજરાતી નવલકથા વિશે પાંચ વ્યખ્યાનો આપેલાં. હરીન્દ્ર દવે ગુજરાતી સાહિત્યમાં રાજેન્દ્ર-નિરંજનની પેઢીના એક અગ્રણી અને શક્તિશાળી કવિ તરીકે, સિદ્ધહસ્ત નવલકથાકાર તરીકે અને મૌલિક સૂઝવાળા પત્રકાર તરીકે હમેશાં સ્મરણીય રહેશે. તેમણે ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિમાં પોતાનું વિશિષ્ટ અર્પણ કર્યું છે અને તેમની વિવિધ શક્તિઓ જોતાં આપણને હજુ પણ વિશેષ માતબર કૃતિઓ તેમની પાસેથી મળવાની છે. હું તો હંમેશાં એ માટે ટાંપીને બેઠો હોઉં છું.

૨૯-૭-૭૯