શબ્દલોકના યાત્રીઓ – ૨/ગીતા પરીખ
શ્રી ગીતા પરીખનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘પૂર્વી’ ૧૯૬૬માં પ્રગટ થયો ત્યારે શ્રી ઉમાશંકર જોશીએ લખેલું: ‘ગુજરાતીને લાભ મળ્યો ત્યારે મીરાંબાઈ જેવાનો લાભ મળ્યો. પણ સામાન્ય રીતે આપણે ત્યાં કવયિત્રીઓના કંઠ ઓછા જ સાંભળવા મળે છે. બહેન ગીતાનું સ્થાન, મારે મન, સમ ખાવા જેવી એકની એક કવયિત્રી લેખે જ નથી, પણ પોતાને મળેલી શક્તિની માવજત કરીને એનાં યથાશક્ય સુપરિણામો નિપજાવવા મથતી એક સદા ઉદયોન્મુખ એવી કલાવ્યાસંગિની તરીકે છે.’ ગીતાબહેને કવિતા ઉપરાંત સંગીતમાં–શાસ્ત્રીય કંઠ્ય સંગીત અને વાદ્ય સંગીતની નવેક વર્ષ તાલીમ લીધેલી છે અને એના વર્ગો પણ ચલાવ્યા છે. સમાજસેવાની, ભૂદાન પ્રવૃત્તિની સાથે પણ તે સંકળાયેલાં હતાં. કવિતાકલા અને જીવનકલા બંનેમાં તે સક્રિય રહ્યાં છે. ગુજરાતી સ્ત્રી કવિઓમાં તેમનું કામ અને નામ પ્રશસ્ય છે. તેમણે પોતાનું સઘળું ધ્યાન એક કવિતાપ્રકાર ઉપર જ કેન્દ્રિત કર્યું અને સતત સ્વધર્મને અને સ્વસમજણને વફાદાર રહી લખતાં રહ્યાં. ગૃહમાધુર્યને અસરકારક રીતે અભિવ્યક્ત કરનાર કવયિત્રીનો આગવો અવાજ ગીતાબહેનની કવિતામાં સંભળાય છે. શ્રી ગીતા પરીખનો જન્મ ૧૦મી ઑગસ્ટ ૧૯૨૪ના રોજ ભાવનગરમાં થયો હતો. વતન પણ ભાવનગર જ. જાણીતા સંસ્કારસેવક અને સ્વાતંત્ર્યસેનાની પરમાનંદ કાપડિયાનાં તે પુત્રી. નાનપણમાં એક સાંસ્કારિક વાતાવારણ તેમને મળી ગયું. તેમનો જન્મ ભાવનગરમાં પણ ઉછેર થયો મુંબઈમાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેમણે મુંબઈની ફેલોશિપ સ્કૂલમાં લીધું, પછી ઉચ્ચ શિક્ષણ માટે વિલ્સન કૉલેજમાં દાખલ થયાં. બી.એ. અને એમ.એ.માં તેમણે સ્વૈચ્છિક વિષય તરીકે ફિલસૂફી રાખેલો. બી. એ.ની પરીક્ષા બીજા વર્ગમાં અને એમ.એ.ની પરીક્ષા પાસ વર્ગમાં પસાર કરી. ૧૯૫૨માં તે એમ.એ. થયાં. કૉંગ્રેસ કુમારિકા દળ અને સેવિકા દળ દ્વારા પાંચેક વર્ષ દેશસેવાની તાલીમ લીધી. તેમણે નિરક્ષરતા-નિવારણનું કામ પણ કર્યું. નવવિધાન સંઘ, મુંબઈ દ્વારા સમાજસેવાના કાર્યમાં પણ યથાશક્તિ ફાળો આપ્યો. ૧૯૫૩માં તેમણે ભૂદાન પ્રવૃત્તિના સક્રિય કાર્યકર શ્રી સૂર્યકાન્ત પરીખ સાથે લગ્ન કર્યું (સૂર્યકાન્તને ઉમાશંકર કવિવર કહે છે!) ગીતાબહેને પતિની સાથે ભૂદાનયજ્ઞની પદયાત્રાઓ કરી. આચાર્ય વિનોબા ભાવે અને રવિશંકર મહારાજના નિકટ પરિચયમાં આવ્યાં; પરંતુ સંતાનોના જન્મ પછી તે ગૃહજીવન પર જ ધ્યાન આપવા લાગ્યાં. અમદાવાદમાં શારદા મંદિરમાં અંગ્રેજી વાતચીતના મહાવરા માટેની ઇંગ્લિશ ક્લબમાં ત્રણેક વર્ષ કામ કર્યું. તેમનો સંગીતનો પ્રેમ વળી પાછો ઊછળી આવ્યો. તેમણે ૧૯૭૪થી શાસ્ત્રીય, કંઠ્ય અને સુગમ સંગીત અને હાર્મોનિયમ શીખવવાનું શરૂ કર્યું. અત્યારે પણ તે વ્યક્તિગત રીતે ઘરે સંગીતનું શિક્ષણ આપે છે અને શાળામાં પણ કામ કરે છે. એમાં એમને “ઊંડો આનંદ અને કૃતાર્થતા”નો અનુભવ થાય છે. તેમણે કવિતા લખવાનો આરંભ તો છેક બાળપણથી કરેલો. આઠ વર્ષની ઉંમરે તેમણે શાળાના મૅગેઝીન ‘પ્રભાત’માં ‘પ્રભાત’ વિશે કાવ્ય લખ્યું ત્યારથી થયો. એ રીતે શ્રી સુન્દરમ્ કહે છે તેમ તેમને આજન્મ કવચિત્રી કહી શકાય. એ કાવ્યમાં મિશ્રોપજાતિ છંદ આપોઆપ ઊતરી આવેલો. શાળામાં ગુજરાતીના શિક્ષક શ્રી નટવરલાલ દવેએ તેમને પ્રેરણા આપેલી. પછી તો તેમનાં કાવ્યો જાહેર સામયિકોમાં પ્રગટ થવા માંડ્યાં. ૧૯૫૦માં તે એમના પિતાજીના મિત્ર સ્વ. રામનારાયણ પાઠકના પરિચયમાં આવ્યાં અને તેમની પાસેથી છંદનું જ્ઞાન મેળવ્યું. પછી તો બચુભાઈ રાવત, રાજેન્દ્ર શાહ વગેરેની પ્રેરણાથી તેમનું કાવ્યલેખન આગળ ધપવા માંડ્યું. કૉલેજના ગુજરાતી સાહિત્ય મંડળ અને ફિલૉસૉફિકલ સોસાયટીમાં તે રસ લેવા માંડ્યાં. વક્તૃત્વ સ્પર્ધા, પાદપૂર્તિ હરીફાઈ, નિબંધલેખન સ્પર્ધામાં તેમણે ભાગ લીધો અને નાનાંમોટાં ઈનામો પણ મેળવ્યાં. ૧૯૫૧માં ‘કુમાર’માં તેમનું પ્રથમ કાવ્ય ‘મારું લગ્ન’ પ્રગટ થયું જેમાં તેમણે પોતાના જન્મને દેહ તથા આત્માના લગ્ન તરીકે વર્ણવ્યો. કવિતા ઉપરાંત તેમણે લેખો, પ્રસંગ ચિત્રો, પ્રવાસ વર્ણન, વ્યક્તિચિત્રો, અનુવાદો વગેરે સામયિકોમાં પ્રગટ કરવા માંડ્યાં. એક ભાવનાશાળી અને સાહિત્યની ગંભીરભાવે ઉપાસના કરનાર સંનિષ્ઠ લેખિકા તરીકે તેમની પ્રતિષ્ઠા થઈ. પોતાની કેફિયત આપતાં તેમણે ૧૯૬૬માં લખેલું: “૧૯૫૭માં દર્શન અને ૧૯૫૯માં આનંદનો જન્મ થયો. બાળકો સાથે બહારની પ્રવૃત્તિ સાંકળવી ને બેઉને ન્યાય આપવો મુશ્કેલ લાગતાં ભૂદાનનું કામ છોડ્યું. વચ્ચે થોડો વખત કોઈ કૉલેજમાં તેમ જ રેડિયો પર કામ લીધેલું પણ તેથી કુટુંબને ન્યાય નહિ અપાતો એવું લાગતાં હાલ તો હું માત્ર ઘર ને બાળકોને એકાગ્રતાથી સાચવું છું. મને સારી ગૃહિણી થવામાં મારું કર્તવ્ય બજાવ્યાનો સંતોષ મળે તે વધુ મહત્ત્વનું લાગે છે. માત્ર થોડો સમય ફાજલ પડતાં એમાં રવીન્દ્ર સંગીત અને રવીન્દ્ર સાહિત્યનો અભ્યાસ કરું છું. તેમણે લખેલાં નવસો જેટલાં કાવ્યોમાંથી સો કાવ્યોનો સંગ્રહ ‘પૂર્વી’ નામે ૧૯૬૬માં પ્રગટ કર્યો. શ્રી સુન્દરમે એનો પ્રવેશક લખ્યો. તેમણે એની “નિર્મળ, સ્વચ્છ અને નિરામય” રચનાઓની તારીફ કરી, સંગ્રહની રચનાઓનાં બલાબલનું પરીક્ષણ કર્યું. પણ એકંદરે “ગીતાનાં કાવ્યો આપણને એક ગિરિનગરની શીતળ, શામક આહ્લાદક હવાનો સ્પર્શ આપી જાય છે” એમ પણ કહ્યું. આ સંગ્રહને ગુજરાત સરકારનું પ્રથમ પરિતોષિક મળ્યું. ગુજરાત સાહિત્ય સભાએ પણ સ્ત્રી લેખિકાઓનાં પુસ્તકોમાં એને શ્રેષ્ઠ ગણી પારિતોષિક આપ્યું. ૧૯૬૫માં તેમણે વિમલા ઠકારનાં કાવ્યોનો પદ્યાનુવાદ ‘નવો પલટો’ નામે પ્રગટ કર્યો. ૧૯૭૯માં તેમનો બીજો કાવ્યસંગ્રહ ‘ભીનાશ’ પ્રગટ થયો છે. હજુ લગભગ ૮૦૦ કાવ્યો અગ્રન્થસ્થ છે. ‘ભીનાશ’માં પ્રકૃતિપ્રેમનાં, ગૃહજીવનનાં, માતાપિતાના મૃત્યુ વિશેનાં, પ્રાર્થના-ભક્તિનાં કાવ્યો મૂકેલાં છે. ‘પૂર્વી’માં પ્રગટ થયેલાં ‘રેખ’ અને ‘નવજાત શિશુ’નાં કાવ્યો પરિશિષ્ટ રૂપે મૂક્યાં છે. એ બધાં કાવ્યોમાં નારીહૃદયનો ધબકાર જ રમણીય રૂપ પામ્યો છે તે સહૃદયોને ગમશે. એમની કવિતા પર કોઈ કવિની ખાસ અસર નથી. તેમ છતાં રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, બાલમુકુન્દ દવે વગેરેનાં કાવ્યો તેમને સવિશેષ ગમે છે. એમના વિચારો પર તત્ત્વજ્ઞાનના અભ્યાસનો પ્રભાવ તે સ્વીકારે છે. સંગીતની અસર પણ. ગીતોના ઢાળ બેસાડતી વખતે તેમનું સંગીતનું જ્ઞાન ખપ લાગે છે. હાલ તે ‘પંચમઢી’ નામે પ્રવાસવર્ણન લખી રહ્યાં છે. આધુનિક કવયિત્રીઓ અને છેલ્લી પચ્ચીસીનાં ‘વાત્સલ્યકાવ્યો’ પર કામ કરવાની તેમને હોંશ છે. મારી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું : “હું જે કંઈ કરું તે મારી સાંસારિક ફરજોને ન્યાય આપીને કરવા પ્રયત્ન કરું છું. સાધના ને સંસારનો સમન્વય કરવામાં સર્જનશક્તિ ક્યારેક મંદ પણ પડે છે અને બંધ પણ થાય છે...એકાંગી સાધના મને પસંદ નથી. સાંસારિક સમતા વિના કવિતા લખાય ખરી, પણ જિવાય નહિ. મારે કવિતા જીવવી છે!” ગીતાબહેન, કવિતા જીવો અને જીવન કાવ્યમાંથી ઉત્કૃષ્ટ, કલાસમૃદ્ધ કવિતા આપો!
૧૩-૭-૮૦