શબ્દલોકના યાત્રીઓ – ૨/સરોજબહેન પાઠક
અત્યારની લેખિકાઓમાં શ્રી સરોજ પાઠક અગ્રણી આધુનિક લેખિકા તરીકે સુપ્રસિદ્ધ છે. ખાસ તો ટૂંકી વાર્તા અને નવલકથાના પ્રકારોમાં તેમણે કેટલુંક ગણનાપાત્ર કામ કર્યું છે. તે સતત પ્રગતિશીલ અને એથી જીવંત રહ્યાં છે. ગમે તે ક્ષણે તે કશુંક ‘નવું’ કરી બેસે એવી ક્ષમતા ધરાવે છે. તેમના વાચકો એમની સાહિત્યિક પ્રવૃત્તિઓ પર સતત નજર રાખતા રહે છે. સરોજબહેનનું સ્વતંત્ર, સ્વમાની અને ખુમારીવાળું વ્યક્તિત્વ પણ આજની લેખિકાઓમાં તેમને જુદાં પાડે છે. શ્રી સરોજ પાઠક એક હાસ્યકાર વાર્તાકારનાં પત્ની છે. બંનેનો વ્યવસાય કૉલેજમાં અધ્યાપનનો છે. બંને દક્ષિણ ગુજરાતમાં વસે છે, પણ બંનેનાં સ્થળ જુદાં જુદાં. શ્રી રમણ પાઠક ચીખલીની કૉલેજમાં ગુજરાતી શીખવે છે અને શ્રી સરોજબહેન બારડોલીમાં. ચીખલી અને બારડોલી વચ્ચે ખાસ્સું અંતર, પણ બંને વચ્ચે અંતરનું અંતર નથી! એટલે જ તો જુદા રહેતાં હોવા છતાં તે દમ્પતી છે. પ્રા. રમણ પાઠક અને સરોજ પાઠકનું વિલક્ષણ દામ્પત્ય એ પણ ગુજરાતી સાહિત્યની એક તાસીર છે. ૧૯૫૦માં તેમણે શ્રી રમણ પાઠક સાથે આંતરજ્ઞાતીય પ્રેમલગ્ન કર્યું. દિલ્હીની અદાલતમાં રજિસ્ટર કરાવ્યું. આજે ત્રીસ વર્ષે પોતાના લગ્નજીવન અંગે પ્રતિભાવ આપતાં તે કહે છે : “સુખી, મસ્ત જીવન, સંપૂર્ણ વ્યક્તિસ્વાતંત્ર્યવાળું દામ્પત્ય, બધી રીતે હળવું જીવન, સાંસારિક વ્યવહાર વગેરેથી બહુધા મુક્ત, મનગમતી પ્રવૃત્તિઓ માટે પૂર્ણ અવકાશવાળું.” ‘પરસ્પર મુલાકાત’માં પણ રમણ પાઠકે આવો જ પ્રતિભાવ આપેલો. “ટૂંકમાં જ કહી નાખું કે તમામ વ્યાવહારિક તથા રૂઢિગત ખ્યાલો, માન્યતાઓ, બંધનોથી મુક્ત, સ્વતંત્ર, સુખી જીવન-આપણી લગ્નોત્તર મુક્તિયુક્ત મમતા સુખી થવા ઈચ્છતા સૌ કોઈએ અનુસરવા જેવી છે. તો જ લગ્ન બંધન યા બોજારૂપ ન બને. એક જ દાખલો ટાંકું. લગ્ન બાદ વર્ષો પછી મેં તને કૉલેજમાં ભણવા ન મોકલી હોત તો આજે આપણી બંનેની હાલત કેવી દયનીય હોત! રસોડું ને બાળકો એ કંઈ જીવન નથી, સ્ત્રીનું તો નહિ જ, પુરુષનુંય નહિ—અને છતાં આપણે ખાવાપીવામાંય ક્યાં કમી ભોગવી છે?” શ્રી સરોજબહેનનો જન્મ કચ્છમાં ઝખઉમાં ૧લી જૂન ૧૯૨૯ના રોજ થયો હતો. પિતાનું નામ નારણદાસ ઉદેશી અને માતાનું નામ રતનબહેન. તેમણે પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં વનિતા વિશ્રામની પ્રાથમિક શાળામાં અને માધ્યમિક શિક્ષણ ત્યાંની સુનીતિ હાઈસ્કૂલ ફૉર ગર્લ્સમાં લીધું. ૧૯૪૭માં મૅટ્રિક થયાં. એ પછી મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અભ્યાસ માટે જોડાયાં. ઇન્ટર આર્ટ્સ સુધી ત્યાં કર્યું, પછી બી.એ.ના અભ્યાસ માટે સુરતની એમ. ટી. બી. કૉલેજમાં દાખલ થયાં. ૧૯૬૧માં ગુજરાત યુનિવર્સિટીની બી.એ.ની પરીક્ષા પસાર કરી અને ૧૯૬૪માં એમ. એ. થયાં. બંનેમાં તેમનો વિષય ગુજરાતી હતો. ૧૯૫૦માં લગ્ન કરવાથી એમનો આગળ અભ્યાસ અટકેલો. એક પુત્રીની માતા બન્યા બાદ વળી આગળ અભ્યાસ કરવા તે દિલ્હી છોડી સુરત આવી રહ્યાં. પણ એ વખતે કેવળ ટર્મ જ ભરાઈ. પછી દિલ્હી છોડી ૧૯૬૦માં સુરત આવી બી.એ–એમ.એ. બંનેની પરીક્ષાઓ પસાર કરી. અધ્યાપિકા થવાની મહેચ્છાથી તેમણે ચાલુ નોકરીઓ છોડી બત્રીસ વર્ષની વયે એમ.એ. થવાનું સાહસ કર્યું. શ્રી સરોજ પાઠકે વિવિધ વ્યવસાયોનો અનુભવ લીધેલો છે. ૧૯૫૬-૫૭માં ઑલ ઈન્ડિયા રેડિયો દિલ્હીમાં (એક્સ્ટર્નલ સર્વિસીઝ) આસિસ્ટન્ટ તરીકે, ૧૯૫૭-૫૮માં સોવિયેત ઍમ્બસીના માહિતી વિભાગમાં મદદનીશ ભાષાંતરકાર તરીકે, ૧૯૫૮-૬૦ સુધી ભારતીય કલાકેન્દ્રની નૃત્યસંસ્થા બેલે–સેન્ટરમાં નર્તિકા તરીકે, ૧૯૬૦થી ૧૯૬૨ સુધી સુરત સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની હરિપુરા હાઈસ્કૂલમાં શિક્ષિકા તરીકેનો અનુભવ મેળવ્યો છે. હાલ તે બારડોલીની આર્ટ્સ કૉલેજમાં ગુજરાતીનાં પ્રાધ્યાપિકા અને ગુજરાતી વિભાગનાં અધ્યક્ષ તરીકે કાર્ય કરે છે. શ્રી સરોજબહેન લેખન તરફ કેમ વળ્યાં એ વિશે તેમણે પોતે જ કહ્યું છે : “નાનપણથી જ ચિત્તમાં અકલ્પ્ય સંવેદનો જાગે ને ઘૂમરાયા કરે. મગજ જ એવું. વળી ગુજરાતી ભાષા ઉપર કુદરતી જ કાબૂ, એટલે ડાયરી લખ્યા કરતી. જેમને જેમને એ વંચાવતી એ સૌ એની કવિત્વમયતાનાં વખાણ કરતા. આમ નિસર્ગદત્ત સર્જકતા જેવું મારામાં કંઈક હતું ખરું.” પછી રમણ પાઠક સાથે દિલ્હીમાં સહજીવન શરૂ થયું. રમણ પાઠક વાર્તાઓ લખતા. સરોજને પણ વાર્તાઓ લખવાનું મન થયું. તેમની પ્રથમ વાર્તા ‘નહિ અંધારું, નહિ અજવાળું’ ‘જીવનમાધુરી’માં પ્રગટ થઈ. એ પછી તરત ‘સારિકા પિંજરસ્થા’ લખી. એ ખૂબ પ્રશંસા પામી. આજે પણ એ પ્રારંભ કાળની વાર્તા વખણાય છે. ક્યાંક પાઠ્ય પુસ્તકોમાં પણ ચાલે છે. તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘પ્રેમ ઘટા ઝુક આઈ’ ૧૯૫૯માં ચેતન પ્રકાશન ગૃહ તરફથી પ્રગટ થયો, એને મુંબઈ સરકારનું પ્રથમ પારિતોષિક મળ્યું. ૧૯૬૧માં ‘પ્રીત બંધાણી’ વાર્તાસંગ્રહ રમણ પાઠકના સહયોગમાં બહાર પડ્યો. ૧૯૪૬માં ‘મારો અસબાબ, મારો રાગ’ એ સંગ્રહમાં તેમણે સામાજિક વાર્તાઓ આપી. ૧૯૬૬માં પ્રગટ થયેલ વાર્તાસંગ્રહ ‘વિરાટ ટપકું’ વિવેચકો અને અભ્યાસીઓની પ્રશંસા પામ્યો અને સરોજબહેનને એક આધુનિક વાર્તાકાર તરીકેની પ્રતિષ્ઠા મળી. આ પુસ્તકને ગુજરાત રાજ્યનું બીજું ઇનામ મળ્યું. એ જ દિશામાં તેમણે ૧૯૭૨માં ‘તથાસ્તુ’ વાર્તાસંગ્રહ આપ્યો. આ બધી વાર્તાઓ માનવમનનાં ઊંડાણોનો તાગ લેવાની લેખિકાની શક્તિને કારણે, સુરેખ પાત્રચિત્રણને કારણે અને પ્રત્યેક વાર્તામાં તેમણે પ્રયોજેલી જુદી જુદી નિરૂપણરીતિને કારણે ખાસ ધ્યાન ખેંચે છે. આધુનિક જીવનની આખી આબોહવાનું નિર્માણ કરવામાં સરોજબહેનને જે સફળતા સાંપડી છે તે લગભગ અનન્ય કહી શકાય એવી છે. પોતે વાર્તાનું સર્જન કેવી રીતે કરે છે તે જાણવા જેવું છે. તે કહે છે: “મારા ચિત્તમાં વાર્તા પ્રગટે છે ત્યારે વસ્તુ અને રીતિ બને ‘યુગપત્’ જેવાં જ આકાર ધારણ કરી પ્રગટવા મથે છે. અર્થાત્ વસ્તુને અનુરૂપ ટેકનીક બહુધા આપોઆપ ગોઠવાઈ જાય છે. શક્ય છે કે હું વાર્તાસાહિત્ય વિપુલ પ્રમાણમાં વાંચતી રહું છું તેને પરિણામે ભાતભાતની રચનારીતિઓ મનમાં સંઘરાઈ પડી હોય, જેમાંની આવશ્યક ત્યાં અનુરૂપ એવી અનાયાસ અથવા તો અલ્પ પ્રયત્ને મારી મદદે દોડી આવે. સમગ્ર સાહિત્યને આકારનિર્માણની જ પ્રક્રિયા માનનાર સરોજબહેન લખવા માટે કદી સભાન પ્રયત્ન કરતાં નથી. તે પ્રેરણાથી જ સર્જન કરવામાં માને છે. તેમને મતે ‘સભાન અભાનતા’ કરતાં ‘અભાન સભાનતા’ સર્જનપ્રક્રિયામાં વિશેષ કામિયાબ નીવડે છે. એમની સર્જનપ્રક્રિયા એ જાતની છે કે અંદરથી એક ઉદ્રેક તીવ્ર રીતે પ્રગટે છે ને તેમને લખવા ફરજ પાડે છે. અનેક કૃતિઓ તેમણે “એકી બેઠકે લગભગ અભાન અવસ્થામાં લખી છે.” સાહિત્યસર્જનની પ્રેરણા તેમને તેમના અધ્યાપક મનસુખલાલ ઝવેરી, સ્વ. કવિ સ્વપ્નસ્થ, પતિ રમણ પાઠક અને સાહિત્ય-કળાપ્રેમી સ્વજનો પાસેથી મળેલી. શ્રી સરોજબહેનને નવલકથાના ફૉર્મમાં પણ એવો જ જીવંત રસ છે. તેમની ‘નાઈટમેર’ નવલકથા ૧૯૬૯માં પ્રગટ થયેલી, એને ગુજરાત રાજ્યનું બીજું પારિતોષિક મળેલું. બીજી આધુનિક લઘુનવલ ‘નિઃશેષ’ ૧૯૭૯માં પ્રગટ થઈ. તે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પાઠ્ય પુસ્તક તરીકે નિયત થઈ છે. ‘ગુજરાતમિત્ર’માં હપતાવાર આવેલી ‘પ્રિય પૂનમ’ નવલકથા હાલ છપાય છે. નવલકથાક્ષેત્રે પણ તેમનું સર્જકકર્મ ગુણવત્તાવાળું છે. સુરતના દૈનિક ‘ગુજરાતમિત્ર’માં છેલ્લાં પંદરેક વર્ષથી તે સ્ત્રીઓનો વિભાગ ‘નારી સંસાર’ સંભાળે છે. સ્ત્રીવિષયક લેખોના બે સંગ્રહો ‘સંસારિકા’ (૧૯૬૭) અને ‘અર્વાચીના’ (૧૯૭૬) પણ તેમણે પ્રગટ કર્યા છે. જુદી જુદી સંસ્થાઓ સાથે પણ તે સંકળાયેલાં છે. રાષ્ટ્રીય કલાકેન્દ્ર, સુરતની નાટ્યકલા સંસ્થાનાં અગ્રણી સભ્ય છે. નાટ્ય પ્રવૃત્તિ, ગરબા પ્રવૃત્તિ વગેરેનું તે કુશળ દિગ્દર્શન કરે છે. નૃત્યમાં પણ તે પ્રયોગ સહિત માર્ગદર્શન આપે છે. હાલ તે અંગ્રેજી નવલકથાઓનો વિશેષ અભ્યાસ કરી રહ્યાં છે. નવી નવલકથાનાં ત્રણ ચાર પ્રકરણો લખ્યાં છે તે પૂરી કરવા તરફ છે. શ્રી સરોજ પાઠકે આધુનિક ટેકનીકની વાર્તાઓ અને ચુસ્ત દૃઢબંધવાળી લઘુનવલ દ્વારા ગુજરાતી સાહિત્યમાં ગણનાપાત્ર અર્પણ કર્યું છે. તેમના જેવાં પ્રયોગશીલ આધુનિક લેખિકા પાસેથી હજુ પણ તાજગીભરી માતબર કૃતિઓ આપણને મળવાની.
૧૬-૧૧-૮૦