શબ્દલોકના યાત્રીઓ – ૨/ગુલામ મોહમ્મદ શેખ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ગુલામ મોહમ્મદ શેખ

ગુજરાતી કવિતામાં આધુનિકતાનું નવપ્રસ્થાન ભલે ઉમાશંકર–નિરંજનને હાથે થયું, પણ એની આબેહવા તો રચાઈ ૧૯૬૦ની આજુબાજુ સુરેશ જોષી અને તેમના મિત્રવૃંદના કવિઓ દ્વારા. એમાં ગુલામ મોહમ્મદ શેખ મુખ્ય. શ્રી શેખે કવિતા લખવાનો આરંભ તો શાળાજીવન દરમિયાન કરેલો. એ વખતે તેમનાં બાળકાવ્યો ‘બાળક’, ‘બાલમિત્ર’, ‘રમકડું’માં છપાતાં. અન્ય કાવ્યો એ સમયે ‘સ્ત્રીજીવન’, ‘જીવનપ્રકાશ’માં પ્રગટ કરતા. પછી ‘કુમાર’ અને ‘મિલાપ’માં પ્રગટ થવા માંડ્યાં. તેમના ગ્રંથસ્થ સંચયમાં વહેલામાં વહેલું કાવ્ય ૧૯૬૦નું છે; પણ તેમણે સંગ્રહ છેક ૧૯૭૪માં પ્રગટ કર્યો. નામ રાખ્યું ‘અથવા’. અત્યારે આ કાવ્યોની શૈલી એટલી બધી નવી ન લાગે પણ આજથી વીસેક વર્ષ પહેલાં જ્યારે અછાંદસનું વહેણ શરૂ થયું ત્યારે આ શૈલીની નવીનતા સૌને મન વસતી. અછાંદસ કવિતાના પ્રસ્થાનકારોમાં શેખ પણ એક છે અને છતાં તેમણે રચનાઓને સંગ્રહસ્થ કરવામાં ઉતાવળ ન કરી. આજે જ્યારે અછાંદસ રચનાઓ વિપુલ પ્રમાણમાં લખાય છે ત્યારે નવીનતાના વ્યામોહમાંથી ઊગરીને એને તપાસવી પ્રમાણમાં સુકર પણ છે. આ કવિ ચિત્રકાર પણ છે એ હકીકત વિવેચકોને એમની કવિતાના મૂલ્યાંકનમાં થોડી સગવડ કરી આપે છે. આ દૃષ્ટિએ ‘અથવા’માં (વિઝ્યુઅલ ઇમેજીઝ)ની શોધાશોધ થયેલી છે. પણ બંને કળાઓ ભિન્ન છે. કવિતાની ચિત્રાત્મકતાને ચિત્રની ચિત્રાત્મકતાના સંવેદન સંદર્ભે મૂલ્ય મળે છે. જ્યોતિ ભટ કે જેરામ પટેલનાં રેખાંકનો એ કાવ્યાત્મકતાવાળાં રેખાંકનો નથી. તેમની ઈન્દ્રિયગ્રાહ્યતાની ટેકનીકની વિવિધતા ધ્યાન ખેંચે છે. પોતાના ભાવને મૂર્તિમંત કરવા, સ્પર્શક્ષમ બનાવવા તેમણે એકની એક ટેકનીકનો વિનિયોગ કરવાનું લગભગ ટાળ્યું છે. ‘સર્પ’, ‘અંધકાર’, ‘સૂર્ય’, ‘કબ્રસ્તાન’, ‘વન્ય પશુ’, ‘હિંસક પશુ’, ‘ચાંદની’ જેવાં પ્રતીકોનો ઉપયોગ ધ્યાન ખેંચી રહે છે. આ પ્રતીકો શેખની સમકાલીન કવિતામાં પ્રયોજાયેલાં હોય એના કરતાં અનુભૂતિ ભિન્નત્વે ભિન્ન છે. રંગોની મહેફિલ પણ શેખની કવિતાને સહજ છે. શેખ સંકુલ અનુભૂતિને સંકુલ રીતે અભિવ્યક્ત કરી જાણે છે તો અત્યંત સરળતાથી પણ તે પોતાના અનુભવમાં ગતિ કરાવી શકે છે. સાગરના ધીરા ધીરા ઘુઘવાટની સામે પડેલા તરાપાની તિરાડોમાં પતંગિયાની જેમ ફડફડી રહેતા કે ઉનાળાની કોઈ રાત્રે દ્વિધામાં ઊભા રહેતા કવિ પર આખેઆખો ઘરમાળો વરસી પડે છે તે અનુભૂતિનું તાદૃશીકરણ આકર્ષક છે. શેખની કેટલીક કવિતામાં સંવેદનની ઈન્દ્રિયગ્રાહ્યતા સામાજિક રૂપ પામતી દેખાશે. કવિ ક્યારેક “શું ખરેખર આપણે સમજીને વર્તતા હોઈએ છીએ?” એમ પ્રશ્ન પૂછીને પોતે જ જાણે જવાબ આપે છે. પણ આપણે એટલે શું? એનો જવાબ તો “તમે બહુ બહુ તો પથ્થરની કણી હશો”થી આરંભાતી રચનામાં છે. સ્વજનને પત્ર અંગતતામાંથી છૂટે છે અને કોરા પરબીડિયા જેવું ઘર કવિને વીંટળાઈ વળે છે. સ્ટિલ લાઈફનું ચિત્ર કે એક ઘરગથ્થુ દૃશ્ય માત્ર સાદાં વર્ણનો જ નથી રહેતાં પણ માનવીની ભીતરતાનાં ઇંગિતો આપે છે. આવી કૃતિ જ સંદર્ભ રૂપ પામતી લાગે. આપણે કાવ્યના સંદર્ભ કે પરિવેશની વાત કરીએ છીએ પણ આપણી સમગ્ર અવચેતના જ સંદર્ભ બનીને આવે છે ત્યારે એક ભીતરમાંથી બહિરનું નહીં પણ બંને જ્યાં એકાકાર થયાં હોય તેવા ભીતરી વાસ્તવનું દર્શન થાય છે. શ્રી ગુલામ મોહમ્મદ શેખનો જન્મ ૧૬ ફેબ્રુઆરી ૧૯૩૭ના રોજ વઢવાણ કેમ્પ (સુરેન્દ્રનગર)માં થયો હતો. ૧૯પપમાં એન. ટી. એમ. હાઈસ્કૂલ સુરેન્દ્રનગરમાંથી એસ.એસ.સી. થયા. વિશેષ અભ્યાસ માટે વડોદરા ગયા. ૧૯૬૦માં મહારાજા સયાજીરાવ યુનિ. વડોદરાની ફેકલ્ટી એફ ફાઈન આર્ટ્સમાંથી એમ.એ., ૧૯૬૬માં રૉયલ કૉલેજ ઑફ આર્ટ્સ, લંડનની એ.આર.સી.એ. પસાર કરી. અત્યારે મ. સ. યુનિ. વડોદરામાં ફેકલ્ટી ઑફ ફાઈન આર્ટ્સમાં રીડર તરીકે કાર્ય કરે છે. તેમને કવિતા તરફ પ્રેરનાર મુખ્યત્વે શૈશવનો અનુભવ છે. કાઠિયાવાડ(ઝાલાવાડ મુખ્યત્વે)નો પરિવેશ અને બોલીએ તેમને પ્રેરણા આપી છે. યુરોપીય તેમ જ ભારતીય કવિતાનું પરિશીલન પણ ઉપકારક બન્યું છે. બાળપણમાં લાભશંકર રાવળ અને વડોદરા નિવાસ દરમિયાન સુરેશ જોષી, પ્રબોધ ચોકસી અને ભોગીલાલ ગાંધીના સંગાથ-સંપર્કથી એમની પ્રતિભાશક્તિ પાંગરી ઊઠી હતી. શ્રી શેખ દૃઢપણે માને છે કે કવિતા નિજી અનુભવમાંથી જન્મે છે અને એને રૂપાંતરિત કરે છે. આવી કેટલીક સારી કવિતા ‘અથવા’માં આપણને મળી છે. તેમનાં ઘણાં કાવ્યો ગ્રન્થસ્થ થયાં નથી. હમણાં શ્રી શેખ પાસેથી નવી રચનાઓ મળી નથી, એનો વસવસો પણ રહે છે. શ્રી ગુલામ મોહમ્મદના સમકાલીન કવિઓમાં સ્વ. રાવજી પટેલ અને શ્રી સિતાંશુ યશશ્ચન્દ્ર અને શ્રી લાભશંકર ઠાકરની રચનાઓ તેમને ગમે છે. આ કવિઓની કૃતિઓ વિશે તો પોતાના પ્રતિભાવ આપી શકે એવી શક્તિ તે ધરાવે છે પણ એ તો તે લખે ત્યારે. પણ તાજેતરમાં ‘સંસ્કૃતિ’ના ૪૦૦મા ‘પ્રતિભા અને પ્રતિભાવ’ અંકમાં શ્રી શિરીષ પંચાલે શ્રી શેખની એક રચના ‘એવું થાય છે કે‘થી શરૂ થતી. (‘અથવા’, પૃ. ૪૭) વિશે લખતાં એક નિરીક્ષણ કર્યું છે કે “આ કૃતિમાં જોવા મળતો વન્ય આવેગ આધુનિક ગુજરાતી કવિતાની એક નોંધપાત્ર વિશિષ્ટતા છે. આ આવેગને કારણે જ આ પ્રકારની કવિતાથી કહેવાતી શિષ્ટ રુચિવાળો વિદગ્ધ વાચક દૂર સરી જાય છે.” ગુજરાતી કવિતામાં આવો ‘વન્ય આવેગ’ સ્વ. રાવજી પટેલની રચનાઓમાં તેમ જ એ પછી શેખ આદિની રચનાઓમાં પ્રબલ રીતે પ્રગટ થયો છે અને એને સાચા વિદગ્ધ વાચકો મળતા જાય છે એ સુચિહ્ન છે. શ્રી ગુલામ મોહમ્મદ શેખે કવિતા ઉપરાંત સર્જનાત્મક ગદ્ય પણ લખ્યું છે. તેમના અંગત નિબંધો પ્રગટ થયા છે. ચિત્રવિવેચનના લેખો પણ તેમણે લખ્યા છે. ‘ક્ષિતિજ’માં દૃશ્ય કલા વિશેષાંકનું તેમણે સંપાદન કર્યું હતું. ચિત્રકલામાં તેમને સક્રિય રસ છે. એક વ્યક્તિનાં ચિત્રપ્રદર્શન યોજાયેલાં. આંતરરાષ્ટ્રીય પ્રદર્શનોમાં પણ તેમણે ભાગ લીધો છે. પીએચ.ડી. તેમનો મહાનિબંધ ‘આધુનિક ભારતીય ચિત્રકલા’ વિશે છે. ટૂંક સમયમાં એ રજૂ થશે. તેમણે ‘અમેરિકન ચિત્રકળા’નો અનુવાદ પણ કરેલો છે. શ્રી ગુલામ મોહમ્મદ એક શક્તિશાળી આધુનિક કવિ તરીકે સુપ્રતિષ્ઠિત છે. નગર જીવનની કુત્સિતતા કે કૃતક સંસ્કારિતાનું વાચાળ ગાન છેલ્લા દશકામાં આપણે ધરાઈને સાંભળ્યું છે, પણ આખા શહેરને થૂંકી નાખતા, તે કવચિત્ પાંજરે પુરાયેલા સિંહ જેવું શહેર દૂર દૂરથી ત્રાડ નાખતું હોય ત્યારે સાઈકલ લઈ નાસી છૂટતા આ કવિની અનુભૂતિની સચ્ચાઈ તરત મનમાં વસે છે. તેમણે ઘણી અનવદ્ય રચનાઓ આપી છે. ટિન્ડેલે પ્રતીક વિશે લખતાં કહેલું કે ભાષા પોતે જ પ્રતીકાત્મકતા ધારણ કરે છે. ભાષા સાથે અસંપ્રજ્ઞાત સંપ્રજ્ઞાતપણે કામ પાડનારાઓમાં શ્રી શેખ વધુમાં વધુ સફળ કવિ છે. તેમનું અત્યારનું મૌન આપણને સૌને કઠે છે, એનો ઉપાય એમની પાસે હશે?

૩-પ-૮૧