શબ્દલોકના યાત્રીઓ – ૨/ગુણવંત શાહ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ગુણવંત શાહ

અત્યારે ગુજરાતીમાં કાંઈક ઓછા ખેડાતા લલિત નિબંધને પ્રકારમાં શ્રી ગુણવંત શાહે સરસ કામ કર્યું છે. તેઓ કાવ્યો પણ લખે છે. નવલકથા લખવાની તેમની યોજના છે. શિક્ષણકાર અને સાહિત્યકાર તરીકે ગુણવંતભાઈનું કામ એમના નામ પ્રમાણે ઊંચી કોટિનું ગણી શકાય. શ્રી ગુણવંત ભૂષણલાલ શાહનો જન્મ સુરત જિલ્લાના રાંદેર ગામે તા. ૧૨ માર્ચ, ૧૯૩૭નારોજ થયો હતો. આ દિવસ તે દાંડીકૂચનો દિવસ છે. તેમણે શિક્ષણ અને વિદ્યાનાં ક્ષેત્રોમાં જે ‘કૂચ’ કરી તે પ્રશંસનીય કહી શકાય એવી છે. પ્રાથમિક શિક્ષણ રાંદેરમાં અને માધ્યમિક શિક્ષણ સુરતની જૈન હાઈસ્કૂલમાં લીધા બાદ તે એમ. ટી. બી. કૉલેજમાં દાખલ થયા. ૧૯પ૭માં તેમણે રસાયણશાસ્ત્ર વિષયમાં બી.એસસી.ની પદવી મેળવી. પછી તે બી.એડ.નો અભ્યાસ કરવા વડોદરા ગયા. મ. સ. યુનિ.ની બી.એડ.ની ડિગ્રી ૧૯પ૮માં યુનિવર્સિટીમાં બીજા નંબરે આવી મેળવી. ત્યાંથી જ તે એમ.એડ. અને પીએચ.ડી. થયા. એમ.એડ.ની પરીક્ષામાં યુનિવર્સિટીમાં પ્રથમ આવેલા. ૧૯૬૦થી ૧૯૭૨ સુધી એક તપ જેટલો સમય તેમણે મ.સ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઑફ એજ્યુકેશન ઍન્ડ સાઇકૉલોજીમાં રીડર તથા પ્રાધ્યાપક તરીકે આપ્યો. વચ્ચે ૧૯૬૭-૬૮માં અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાં મુલાકાતી અધ્યાપક તરીકે કાર્ય કર્યું. ૧૯૭૨-૭૩માં મદ્રાસમાં ટેકનિકલ રિસર્ચ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં શિક્ષણ વિભાગના પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે કામ કર્યું. ૧૯૭૩-૭૪માં એસ. એન. ડી. ટી. યુનિવર્સિટી મુંબઈમાં સંશોધન વિભાગના પ્રોફેસર અને અધ્યક્ષ હતા. ૧૯૭૪થી તે સુરતમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ ભવનના પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે કાર્ય કરે છે. યુનેસ્કોના પેરિસમાં મળેલા ઈકૉનૉમિક્સ ઑફ મીડિયા ટેકનોલોજીના સ્ટડી ગ્રુપના ઉપપ્રમુખ ચૂંટાયા હતા. નૅશનલ કાઉન્સિલ એફ એજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રેનિંગ દિલ્હીની સલાહકાર સમિતિના સભ્ય છે. ૧૯૭૪થી તે ઇન્ટરનેશનલ એસોસિયેશન ઑફ એજ્યુકેટર્સ ફૉર વર્લ્ડ પીસના સ્ટેટ ચાન્સેલર છે. અનેક સંશોધન યોજનાઓમાં તેમણે માર્ગદર્શક તરીકે સેવાઓ આપી છે, દેશવિદેશના પરિસંવાદોમાં ભાગ લીધો છે, કેળવણીવિષયક જર્નલોના સંપાદક મંડળમાં કામ કર્યું છે અને કેન્દ્ર તેમ જ રાજ્ય સરકારની શિક્ષણ સમિતિઓ ઉપર સેવાઓ આપી છે. ગુજરાતમાં તે ‘નૂતન શિક્ષણ’ના તંત્રી તરીકે જાણીતા છે. ૧૯૬૪માં ‘શિક્ષણની વર્તમાન ફિલસૂફીઓ’ નામે તેમનું પ્રથમ પુસ્તક પ્રગટ થયું. એ પછી ૧૯૬૬માં અમેરિકાના પ્રવાસ વર્ણનનું પુસ્તક ‘કોલંબસના હિંદુસ્તાનમાં’ પ્રગટ થયું. ૧૯૭૭માં તેમને લલિત નિબંધ (Personal Essay)નો સંગ્રહ ‘કાર્ડિયોગ્રામ’ પ્રગટ થયો. ગુજરાતને એક સારા નિબંધકાર સાંપડ્યા. આ નિબંધોમાં કોનો કાર્ડિયોગ્રામ મળે છે? શ્રી યશવંત શુક્લ લખે છેઃ “નિબંધો વાંચતાં સમજાઈ રહેશે કે આમાં માણસજાતનો કાર્ડિયોગ્રામ લીધેલો છે. માણસજાતની સંવેદનશીલતાનો ગ્રાફ આપવાનો આ એક રસપ્રદ ઉપક્રમ છે. કાર્ડિયોગ્રામનું મશીન તે લેખકનું પોતાનું અત્યંત વેદનશીલ ચિત્ત છે. આત્મલક્ષી ભૂમિકાએથી માનવીય સંદર્ભનાં વિવિધ અને બુટ્ટાદાર ચિત્રો તેમણે ઉપસાવ્યાં છે. એમ તો કાર્ડિયોગ્રામ સતત જે રિપોર્ટ આપતો રહ્યો છે તે નિસર્ગ અને નૈસર્ગિકતાથી કપાતો રહેલો મનુષ્ય વધુ ને વધુ સંવેદનબધિર થતો ચાલ્યો છે, તેને લગતો છે.” મનુષ્યની સાંપ્રત પરિસ્થિતિ અને એની ચૈતસિક અવસ્થા ઉપર ટીકાટિપ્પણ કરવા છતાં આ નિબંધો બોધાત્મક ગંભીર નિબંધો બન્યા નથી અને ભાવકનું લેખકના મિજાજ સાથેનું અનુસંધાન આ નિબંધોને ફરી ફરી વાંચવા ગમે એવા બનાવે છે. લેખકની શૈલીની એ સિદ્ધિ ગણાય. ‘કાર્ડિયોગ્રામ’ની બે આવૃત્તિઓ ખલાસ થઈ ગઈ એ એની લોકપ્રિયતા સૂચવે છે, ત્રીજી હવે પ્રગટ થશે. ‘રણ તો લીલાંછમ’ ૧૯૭૮માં પ્રગટ થયેલો એમનો બીજો નિબંધ સંગ્રહ છે. જૂન, ‘૭૯માં એની પણ બીજી આવૃત્તિ થઈ. ‘રણ તો લીલાંછમ’ના ટૂંકા મર્માળા નિબંધો લેખકના ભાવજગતનો પરિચય કરાવે છે. આપણા રીતરિવાજો, આપણી માન્યતાઓ, ખોટા ખ્યાલો, આપણાં ચિત્રવિચિત્ર વલણો પર વેધક કટાક્ષ તેઓ કરી શકે છે. એમનું હાસ્ય નરવું છે એટલું જ વિચારપ્રેરક પણ છે. આ બધા નિબંધોમાં ગુણવંતભાઈનો એક બૌદ્ધિક અને સંવેદનશીલ વ્યક્તિ તરીકે જે પરિચય થાય છે તે આનંદદાયક છે. એમના ગદ્યમાં ટુકડાઓ ને ટુકડાઓ કવિતાના આવે છે. સ્વભાવે એ કવિ છે, કવિતાના ચમકારાથી એમનું ગદ્ય દીપે છે. ગુણવંતભાઈએ ગદ્યકાવ્યો પણ લખ્યાં છે. ‘વિસ્મયનું પરોઢ’ નામે કાવ્યસંગ્રહ ટૂંક સમયમાં પ્રગટ થશે. એમના અંગત નિબંધોનો ત્રીજો સંગ્રહ ‘વગડાને તરસ ટહુકાની’ પણ હવે પછી પ્રગટ થશે. શૈક્ષણિક મનોવિજ્ઞાન વિષયમાં સંશોધન કરનાર અને અનેક યોજનાઓમાં સક્રિય રસ લેનાર આ વિદ્વાન લેખક હર અઠવાડિયે ‘ગુજરાતમિત્ર’ અને ‘સંદેશ’માં કટારો લખવાનો સમય કાઢે છે. અને હજારો વાચકોને મળે છે એ નોંધપાત્ર છે. નિબંધ અને કવિતા જેવા સર્જનાત્મક પ્રકારો તેમણે ખેડ્યા છે. સમકાલીન સાહિત્યમાં એક સત્ત્વશીલ લલિત નિબંધકાર તરીકે તેમણે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. હવે તેમની નવલકથામાં આપણને રસ છે. તે ક્યારે આવશે?

૧૧-૧૧-૭૯