શબ્દલોકના યાત્રીઓ – ૨/ઘનશ્યામ દેસાઈ

ઘનશ્યામ દેસાઈ

આઠમા દાયકાના વાર્તાકારોમાં શ્રી ઘનશ્યામ દેસાઈએ સૌથી વધારે ધ્યાન ખેંચ્યું. જોકે તેમણે વાર્તા લખવાનો આરંભ તો ૧૯૬૨ પછી કરી દીધેલો. શ્રી હરીન્દ્ર દવેની એમાં ઘણી પ્રેરણા. એ વખતે શ્રી સુરેશ જોષીનું ‘ક્ષિતિજ’ સાહિત્યરસિકોમાં ખૂબ વંચાતું. એમાં આવતી દેશવિદેશની વાર્તાઓના અનુવાદો તે રસપૂર્વક વાંચતા. સરસ કલાત્મક વાર્તાઓ કંડારવાની પ્રેરણા મળી. એક વાર્તાકારનો જન્મ થયો. એમનો વાર્તાસંગ્રહ ‘ટોળું’ ૧૯૭૭માં પ્રગટ થયો. એણે તરત વિવેચકોનું ધ્યાન દોર્યું. સંગ્રહની સમાલોચનાઓ પ્રગટ થઈ. કોઈ કોઈ વાર્તાનું વિશ્લેષણ પણ થયું. એક વસ્તુ ચોક્કસ કે સુરેશ જોષી પછીના વાર્તાકારોમાં ઘનશ્યામ દેસાઈ પોતાના વાર્તાકર્મથી સૌનું ધ્યાન દોરે છે. આ વાર્તાઓ તેમણે લખવા ખાતર લખી નાખી નથી, પણ વાર્તા સૂઝ્યા અને લખ્યા પછી પણ એની ઉપર તે સતત કામ કરતા રહ્યા છે. આ વાર્તાઓમાં એક જાગ્રત કલાકારની તસવીર ઊપસે છે. ભાષાકર્મની દૃષ્ટિએ પણ આ વાર્તાઓ તપાસક્ષમ છે. એમની વાર્તાઓની સૂક્ષ્મતા, તીક્ષ્ણતા અને પ્રતીક-સંયોજના એકદમ આપણું ધ્યાન ખેંચે છે. જેના પરથી શીર્ષકનું નામાભિધાન થયું છે તે ‘ટોળું’ વાર્તા વિશે શ્રી યશવંત શુકલે કહ્યું છે: “આ પૃથ્વી ઉપર વસતી ચાર અબજની મનુષ્યસૃષ્ટિ ઘરબાર છોડીને એક ઠેકાણે એકત્ર થઈ છે એવું કલ્પો જોઈએ? લેખકે એવું કશુંક કલ્પ્યું છે. એ માનવભીડને એમણે ‘ટેાળું’ એવી સંજ્ઞા આપી છે તેમાં મને અલ્પોકિત લાગી છે, જોકે એથી વધુ સારો ગુજરાતી શબ્દ સૂઝતો નથી. ‘સમુદાય’ અને ‘મેદની’માં અગતિકતા છે અને માનવમહેરામણ શબ્દ છાપાળવો અને આલંકારિક છે. ટોળાથી ગતિશીલતા સૂચવાય છે. યાદ રાખવું ઘટે કે ટોળાની આ ગતિને કોઈ ચોક્કસ દિશા કે હેતુ નથી. ટોળું જ્યારે ગતિમાં નથી હોતું ત્યારે જ સ્થિતિમાં હોય છે, એટલે કે નવી ગતિમાં મુકાતા પૂર્વે પોરો ખાતું હોય છે. જ્યારે એ ગતિમાં હોય ત્યારે કિલકારીઓ કરતું, ધસમસતું, વિવિધ આકારો સરજતું, ટોળું કોઈ અજ્ઞાત તત્ત્વના હુકમને વશ વર્તીને આમથી તેમ દોટંદોટ કરે છે. એની ગતિસ્થિતિનું જે વર્ણન લેખકે કર્યું છે તે પણ એવું ગતિશીલ નથી. લાઘવ અને તાદૃશીકરણનો, નિરાડંબર કથનરીતિ અને શબ્દે શબ્દની સાભિપ્રાયતાનો આ વાર્તા એક ઉત્કૃષ્ટ નમૂનો છે. ટોળાની ગતિશીલતાનો સ્વાભાવિક લય આરંભથી અંત સુધી જળવાયો હોવાથી વાર્તા લગભગ ગદ્યોર્મિકાવ્યની કોટિએ પહોંચે છે.” વાર્તાકારની સંવેદના પર આંગળી મૂકતાં યશવંતભાઈએ યોગ્ય જ કહ્યું છે કે...“અનિંયત્રિત બાહ્ય માનવ પરિસ્થિતિ અને તેમાંથી પોતાનો માર્ગ ફંટાવનાર વ્યક્તિમત્તા એ બેની ટકરામણની આ વાર્તા છે. ટોળું જો માનવ પરિસ્થિતિનું પ્રતીક છે તો વાર્તાનો ‘હું’ આત્મસ્થાપના કરવા કરતી વ્યકિતમત્તાનું પ્રતીક છે. આત્મસ્થાપના થઈ શકતી નથી એ વાર્તાનો કરુણ છે, પણ એનો તીવ્ર ઉધામો એ વ્યક્તિમત્તાનું ગૌરવ છે. ગૌરવાન્વિત પાત્રની નિષ્ફળતા જ કરુણની ધાર કાઢતી હોય છે ને?” અહીં એટલું ઉમેરીએ કે સાંપ્રતની ભીંસ કવિઓ લાઘવથી યોગ્ય પ્રતીકોના વિનિયોગ દ્વારા નિરૂપે છે તેમ વાર્તાકારો પણ કરે છે. આધુનિક વાર્તાઓમાં ઘનશ્યામ દેસાઈએ જે કલાસામર્થ્યથી નિરૂપણ કર્યું છે તે વારંવાર જોવા મળતું નથી. ‘ટોળું’ની વાર્તાઓ સંદર્ભો અને ઇંગિતો, સહોપસ્થિતિ અને પરિવેશચિત્રણ દ્વારા સ્વકીય અનુભૂતિને કલાત્મક અભિવ્યક્તિ અર્પે છે. વાર્તાકાર છદ્મ રહીને પણ પદે પદે પોતાને પ્રગટ કરે છે. સ્વકીય સંવેદનાને વસ્તુલક્ષી રૂપે વિવિધ ઉપકરણો દ્વારા હૃદ્ય બનાવતી આ વાર્તાઓ અને આ વાર્તાકાર ગુજરાતી વાર્તા સાહિત્યમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી દે છે. ‘ચીસ’, ‘લીલો ફણગો’, ‘પ્રોફેસર’, ‘એક સફર’ પણ કલાત્મક છે. કલાસર્જનમાં પોતાના અનુકરણ જેવી વિરૂપ વસ્તુ બીજી એક નથી. સદ્ભાગ્યે ઘનશ્યામ દેસાઈ એથી મુક્ત રહ્યા છે અને જુદી જુદી વાર્તારીતિનો પ્રયોગ કરે છે એ સુચિહ્ન છે. શ્રી ઘનશ્યામ દેસાઈનો જન્મ ચોથી જૂન ૧૯૩૪ના રોજ પંચમહાલ જિલ્લાના દેવગઢબારિયા ગામે થયો હતો. દેવગઢબારિયામાં એમનું બાળપણ વીત્યું. એસ.એસ.સી. પણ ત્યાંથી જ થયા. પછી કૉલેજનો અભ્યાસ કરવા મુંબઈ આવ્યા. મુંબઈની રામનારાયણ રૂઈયા કૉલેજમાંથી મુખ્ય વિષય ગુજરાતી સાથે બી.એ. થયા. આર્થિક પરિસ્થિતિને કારણે સોનગઢ ગુરુકુળ હાઈસ્કૂલમાં બે વર્ષ શિક્ષકની નોકરી કરી. પાછા મુંબઈ આવીને ૧૯૬૦માં ગુજરાતી સાથે એમ.એ. થયા. થોડો સમય ‘યુસીસ’માં પણ કામ કર્યું. ૧૯૬૨માં ‘સમર્પણ’માં જોડાયા. અત્યારે ‘નવનીત સમર્પણ’માં સંપાદક તરીકે કાર્ય કરે છે. વાર્તાલેખનની પોતાની પ્રક્રિયા અને અભિગમ વિશે તે કહે છે: “નબળી વાર્તાઓ પ્રકાશિત ન કરવી. ઓછું સર્જનકાર્ય થાય તો વાંધો નહિ. એકેએક શબ્દ તોળી તોળીને લખવો. પાંચ છ વાર એકની એક વાર્તાને લખ્યા કરવી. બીજા લેખકોએ ચલણી બનાવેલા શબ્દોને ટાળવા, વાર્તાનું વસ્તુ બીજી લખાતી વાર્તાઓથી જુદું ન હોય તો એ વાર્તા નકામી ગણવી, મૌલિક્તાને જ સર્વપ્રથમ સ્થાન આપવું. બાળપણમાં બનેલી ઘટનાઓએ મારા જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે, એટલે મોટા ભાગની વાર્તાઓ દેવગઢબારિયામાં બનેલી છે. ‘ગોકુળજીનો વેલો’ જેવી વાર્તામાં ગામડાના શબ્દોનો પણ ખૂબ વપરાશ થયેલો જોવા મળશે. શહેરની સ્ટાન્ડર્ડાઈઝ્ડ ભાષા નીરસતાનો અનુભવ કરાવે છે. છતાંય એક ગતિમાં શબ્દોની ગોઠવણી થાય તો એમાંનું જડત્વ દૂર થાય. એ ગતિ જ શબ્દને ચેતનવંતો બનાવે. આવી ભિન્ન ભિન્ન ગતિ પ્રત્યેક વાર્તામાં યોજવાના પ્રયાસો મેં કર્યા છે. વસ્તુની ગતિ અને શબ્દોની ગતિનું સિન્ક્રોનાઈઝેશન થવું જોઈએ, તો જ ઉત્તમ વાર્તાનું સર્જન થાય...” આવા સત્ત્વશીલ અને સભાન કળાકાર-વાર્તાકારની વાર્તાઓ આપણી મોંઘી મૂડી છે. શ્રી ઘનશ્યામ દેસાઈ જેવા અગ્રણી આધુનિક વાર્તાકાર આ સ્વરૂપમાં સઘન કાર્ય કરશે અને આપણા સાહિત્યને વિશેષ ને વિશેષ સમૃદ્ધ કરશે એવી શ્રદ્ધા તેમણે પોતાના વાચકોમાં જગાડી છે એનો નિર્દેશ કરતાં આનંદ થાય છે.

૧૯-૧૦-૮૦