શબ્દલોકના યાત્રીઓ – ૨/ભગવતીકુમાર શર્મા
૧૯૬૩માં મુંબઈ ખાતે મળેલ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં કદાચ હું ભાઈ ભગવતીકુમારને પહેલી વાર મળ્યો. તેમણે શરમાતાં શરમાતાં પોતાના નવલકથા-લેખનની વાત કરેલી અને તેમની કોઈ પ્રગટ થનાર નવલકથા વિશે મારે લખવું એમ કહેલું. એ તો હું ન કરી શકેલો પણ તેમની પ્રગટ થઈ ચૂકેલી નવલકથા ‘સમયદ્વીપ’ વિશે મેં ઘણાં વર્ષો પછી લખેલું. મને આ નવલકથા ગમેલી. ‘સમયદ્વીપ ’ મૂલ્યસંઘર્ષની કથાનું લેબલ પામી છે; પણ તેમણે કથાનાં બે મુખ્ય પાત્રો નીલકંઠ અને નીરાને આગવું વ્યક્તિત્વ આપ્યું છે. જાણીતા કથાવસ્તુની તેમણે જે માવજત કરી છે એ મને આકર્ષક લાગી. કથાના સમગ્ર પરિવેશમાં બે સ્પષ્ટ મૂલ્યો વચ્ચેનો સંઘર્ષ હોવા છતાં નાયક-નાયિકામાં જે અવઢવ-અચકામણનો ભાવ તેમણે સઘન રીતે મૂકી આપ્યો છે એને પડછે જીવનનું સ્વરૂપ પ્રગટ થાય છે અને પાત્રો આ કે તે મૂલ્યોના વાહક બનવામાંથી ઊગરી જાય છે, એ એનું નોંધપાત્ર જમા પાસું છે. લેખકનો કસબ બંને વિરોધી કહી શકાય એવાં વ્યક્તિત્વોને ભેગાં કરી તેમના સુમેળભર્યા સહજીવન દરમ્યાન પણ ભિન્ન ભિન્ન વ્યક્તિત્વરેખાઓને ઉપસાવતા જઈ અંતે અનિવાર્ય લાગતા તેમના વિચ્છેદને પણ એટલી જ પ્રતીતિકારક રીતે આલેખવામાં રહ્યો છે. નીલકંઠના ઉછેરની પશ્ચાદ્ભૂમાં એનાં વલણોને સમજી શકાય તેમ છે, પણ લેખકના પ્રયત્નો છતાં પણ નીલકંઠ તરફ સહાનુભૂતિ થતી નથી. પિતાનું ઘર છોડી નીરાની સાથે નીકળી પડતા નીલકંઠમાં જે પરિસ્થિતિ નીરાને ગૃહત્યાગ સુધી દોરી જાય છે એ પરિસ્થિતિ સામે લડવાની બહુ ઓછી તાકાત છે. જેમ નીરા એની કેટલીક માન્યતાઓમાં, વર્તનોમાં આત્યંતિક દેખાય છે તેમ નીલકંઠ પણ સામે છેડે પિતૃ-આદરની લાગણીઓમાં ખેંચાતો ક્યારેક પોતાના જન્મસંસ્કારોને લીધે જ નીરાના સ્વતંત્ર વ્યક્તિત્વની અવગણના કરવા સુધી જાય છે. પરિણામે અંતની અનિવાર્યતા ઠસે છે પણ દ્વિધાના દ્વીપ ઉપરથી બહાર આવી શકાતું નથી. નીલકંઠ અને નીરાના વ્યક્તિત્વની આ complexity જ નવલકથામાં મૂલ્યસંઘર્ષનાં કે સંસ્કૃતિસંઘર્ષનાં વળગણોને પશ્ચાદ્ભૂમાં રાખીને જોનારને રસ લેવા પ્રેરશે. તેમની અગાઉની ‘આરતી અને અંગારા’, ‘પ્રેમયાત્રા’, ‘વીતી જશે આ રાત?’, ‘મન નહીં માને’ જેવી નવલકથાઓ અને પાછળની ‘વ્યક્તમધ્ય’, ‘ભીના સમયવનમાં’ કે ‘સમયદ્વીપ’ જેવી નવલકથાઓ વચ્ચે લેખકનો કથાકાર તરીકેનો વિકાસ સ્પષ્ટ દેખાશે. ‘વ્યક્તમધ્ય’ પણ વિવેચકોને આકર્ષી શકી છે. ‘પડછાયા સંગ પ્રીત’, ‘ન કિનારો, ન મઝધાર’ અને ‘વ્યક્તમધ્ય’ને ગુજરાત સરકારનાં પારિતોષિકો પ્રાપ્ત થયાં હતાં. ભગવતીકુમારે નવલકથા ઉપરાંત ટૂંકી વાર્તા અને કવિતા ક્ષેત્રે પણ કામ કર્યું છે. તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘દીપસે દીપ જલે’ ૧૯પ૯માં પ્રગટ થયો, એને મુંબઈ સરકારે પારિતોષિકો આપી આવકાર્યો. બીજા વાર્તાસંગ્રહ ‘હૃદયદાન’ને પણ ગુજરાત સરકારનો પુરસ્કાર મળ્યો. આ ઉપરાંત ‘રાતરાણી’, ‘છિન્નભિન્ન’, ‘મહેક મળી ગઈ’, ‘તમને ફૂલ દીધાનું યાદ’ અને ‘કંઈ યાદ નથી’ એ વાર્તાસંગ્રહો પણ પ્રગટ થયા છે. તેમની કેટલીક વાર્તાઓના હિન્દી, તેલુગુ વગેરેમાં અનુવાદો પણ થયા છે. શ્રી ભગવતીકુમાર શર્માનો જન્મ ૩૧ મે ૧૯૩૪ના રોજ સુરતમાં થયો હતો. કવિ ન્હાનાલાલની શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિમાં તેમનો જન્મ. તેમનું મૂળ વતન અમદાવાદ. પિતાનું નામ હરગોવિંદદાસ ઘેલાભાઈ શર્મા. માતાનું નામ હીરાબહેન. મૂળ અટક અવસ્થી. પિતા સામવેદના પ્રખર પંડિત. તેમણે આખું જીવન વેદની ઉપાસનામાં વિતાવેલું. ગુજરાતી અને અંગ્રેજી સાથે એ બી.એ. થયા અને પ્રથમ આવ્યા. ૧૯પ૦થી ૧૯પપ સુધી કોઈ વ્યવસાય હતો નહિ. તેમણે લેખનનો આરંભ કવિતાથી કર્યો. ૧૯૪૮માં તેમનું પ્રથમ કાવ્ય ગાંધીજીના મૃત્યુના આઘાતમાંથી પ્રસ્રવેલું. ‘રૂપિયા’ સવિતા વાર્તા માસિકમાં પ્રગટ થઈ. ૧૯પપથી વાર્તાલેખને વેગ પકડ્યો. ‘અખંડ આનંદ’, ‘જીવન માધુરી’ વગેરેમાં તેમની વાર્તાઓ પ્રગટ થવા લાગી, ‘નવચેતન’ના તંત્રી ચાંપશીભાઈ ઉદેશીએ પ્રોત્સાહન આપ્યું. ૧૯પ૬માં તેમની પહેલી નવલકથા ‘આરતી અને અંગારા’ મુંબઈના સાપ્તાહિક ‘ચિત્રકથા’માં ધારાવાહી રૂપે પ્રગટ થઈ. પછી ‘પ્રેમયાત્રા’ ‘ગુજરાતમિત્ર’માં છપાઈ. ૧૯પપથી વાર્તા-નવલકથાલેખનમાં વેગ આવતાં કાવ્યસર્જન નેપથ્યમાં મુકાઈ ગયું, છતાં એ અટક્યું તો નહોતું જ. તેમણે ગઝલમાં સારું કામ કર્યું છે. કવિતાના નવા પ્રવાહમાં ગઝલના સ્વરૂપમાં જે પલટો આવ્યો એમાં આદિલ, મનહર, ચિનુ, હરીન્દ્ર વગેરેની સાથે ભગવતીકુમારનો પણ હિસ્સો છે. કેટલાંક સુંદર સૉનેટ પણ તેમણે આપ્યાં છે. ‘કવિતા’ દ્વૈમાસિકના સૉનેટ અંકમાંનાં કાવ્યોમાંથી શ્રેષ્ઠ સૉનેટનો નિર્ણય કરવાનું આવ્યું ત્યારે મારી પસંદગી ભગવતીકુમારના ‘કેવળ કલ્પનાથી’ સૉનેટ પર ઊતરી હતી. ભગવતીકુમારનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘સંભવ’ ૧૯૭૪માં પ્રગટ થયેલો. બીજો સંગ્રહ હવે પછી પ્રગટ થશે. તેમનાં કાવ્યો ‘કુમાર’, ‘કવિલોક’, ‘કવિતા’, ‘સમર્પણ’ આદિમાં પ્રગટ થતાં રહ્યાં છે. કટોકટી વખતે તેમને જે મંથન થયું એમાંથી તેમણે ‘બકોર પટેલનો બહેરાવો’ વાર્તા લખી. આ વાર્તાને ૧૯૭૬નો નવચેતન ચન્દ્રક પ્રાપ્ત થયો હતો. ૧૯૭૭ના વર્ષનો કુમાર ચન્દ્રક ભગવતીભાઈને એમનાં કાવ્યો તથા વાર્તાઓ માટે એનાયત થયો છે. તે સાથે શ્રેષ્ઠ સાહિત્યસર્જન માટેનું રૂ. પ૦૧નું પારિતોષિક અને બીજાં બે પારિતોષિકો પણ તેમને મળ્યાં છે. અવારનવાર ગઝલના ફૉર્મ વિશે અને રસના વિષયો વિશેનાં તેમનાં વિવેચનાત્મક લખાણો પ્રગટ થાય છે. શ્રી ભગવતીકુમાર ૧૯પપથી સુરતના ‘ગુજરાતમિત્ર’ દૈનિકમાં તંત્રી વિભાગમાં કામ કરે છે. ‘ગુજરાતમિત્ર’ને સાહિત્યિક ઓપ આપવામાં તેમનો ફાળો છે. ૧૯૭૬માં તે ગુજરાતી સાહિત્ય પરિષદના એક મંત્રી બનેલા. સૌમ્ય, સૌજન્યશીલ અને વિનયી ભગવતીકુમારનું વ્યક્તિત્વ સાહિત્યની દુનિયામાં આછી મધુર સુગંધ પ્રસરાવતું રહ્યું છે. ભગવતીકુમારે સાહિત્યક્ષેત્રે સહૃદયતાપૂર્વક કામ કર્યું છે. તેમની આવતીકાલ ઊજળી છે.
૩૦-૭-૭૮