શબ્દલોકના યાત્રીઓ – ૨/હસમુખ બારાડી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
હસમુખ બારાડી

શ્રી હસમુખ બારાડી નાટકના માણસ. રંગભૂમિની સવા-શતાબ્દી પ્રસંગે તેમણે એક લેખ લખી પ્રજાને સાચી રંગભૂમિ સંપડાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ગુજરાત-મુંબઈની ત્રણ કરોડ જેટલી વસ્તીમાં મુંબઈ અને ગુજરાતનાં પાંચ શહેરોના લાખેક પ્રેક્ષકો સિવાય બીજાઓએ ‘ફિલ્મ’ સિવાય બીજું કશું જોયું નથી, તેમને માટે કંઈક કરવાનો તેમણે અનુરોધ કરેલો. લેખને અંતે તેમણે કહેલું: ‘આ સવાસો વરસેય નવું કંઈક આયાત નહિ કરીએ, તો આપણને જ અસ્પૃશ્યો ગણવામાં પેલા બે કરોડ નવાણું લાખમાં ઉમેરો થતો રહેશે.’ હસમુખભાઈએ પોતાની રીતે એ માટે પ્રયત્ન કર્યો છે. શ્રી હસમુખ બારાડીનો જન્મ ૨૩ ડિસેમ્બર ૧૯૩૮ના રોજ રાજકોટમાં થયેલો. પિતાનું નામ જમનાદાસ ગોકાણી અને માતુશ્રીનું નામ નર્મદાબહેન. તેઓ મૂળ પોરબંદર અને જામનગરની વચ્ચે આવેલા બરડા ડુંગરની આજુબાજુના પ્રદેશના રહેવાસી, એ ઉપરથી તેમણે ઉપનામ ‘બારાડી’ રાખ્યું તે હવે અટક તરીકે વપરાય છે. તેમણે માધ્યમિક શિક્ષણ લાખાજીરાજ, કરણસિંહજી અને આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં લીધું. મૅટ્રિક થયા પહેલાં આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી એમનાં ત્રણ મૌલિક એકાંકીઓ રજૂ થયાં, અને નાટકમાં ભાગ લીધો. ૧૯પ૬માં–૧૯પ૮માં મુનશીના ‘પૃથિવીવલ્લભ’નું રેડિયો રૂપાંતર (જયલાલ ચુડાસમા સાથે) કર્યું અને મુંબઈ-અમદાવાદ આકાશવાણી પરથી પ્રસારિત થયું. ૧૯૨૯માં ગુજરાતી નાટ્યમંડળ મુંબઈની નાટ્યલેખન સ્પર્ધામાં શ્રી ચુડાસમા સાથે લખેલા ‘મા’ દ્વિઅંકી નાટકને બીજું ઇનામ મળ્યું. આ સમય દરમ્યાન સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમી રાજકોટનો નાટકનો ડિપ્લોમા તેમણે મેળવ્યો. ૧૯૬૧માં તેમણે ડિપ્લોમા લીધો એ ગાળામાં સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમીમાં શ્રી માર્કણ્ડ ભટ્ટના અધ્યક્ષપણા હેઠળના નાટ્યવર્ગમાં નવી રંગભૂમિના અને લોકસંસ્કૃતિનાં પાસાંઓ આમેજ કરતા પ્રયોગો નિહાળવાની તક મળી. પછી તે વડોદરા ગયા. વડોદરા યુનિવર્સિટીના નાટ્ય સ્નાતક વર્ગમાં જોડાયા પણ એ કોર્સ અધૂરો રહ્યો. ૧૯૬૦થી વડોદરા આકાશવાણી પર ગ્રામ નિર્માણના યુનેસ્કો પ્રોજેક્ટ રેડિયો રૂરલ ફોરમ માટે નાટ્ય લેખક તરીકે જોડાયા. ૧૯૬૨માં તે રાજકોટ આકાશવાણી પર આવ્યા. અહીં નાટ્યલેખન, નિર્માણ, દસ્તાવેજી રેડિયો નાટ્ય નિર્માણ વગેરેમાં કામ કર્યું એમાં અંગ્રેજી રેડિયો–રૂપક ‘લાલી ઍન્ડ લાયન’ શ્રી મેલવિલ ડી’મેલોને ઈટાલીનું આંતરરાષ્ટ્રીય પારિતોષિક એનાયત થયેલું એમાં સહાય કરી. ૧૯૬૪માં અંગ્રેજી સાથે ગુજરાત યુનિવર્સિટીની પદવી મેળવી. એ જ વર્ષે તે દિલ્હી રેડિયોના ગુજરાતી સમાચાર વિભાગમાં જોડાયા. ૧૯૬૮માં મૉસ્કો રેડિયોના ગુજરાતી વિભાગનો રોજનો એક કલાકનો કાર્યક્રમ આપવા સરકારી વિનિમય કાર્યક્રમમાં તેમની પસંદગી થઈ. એ પાંચ વર્ષના કાર્યક્રમોમાં એમનાં પત્ની શ્રીમતી જ્યોતિ બારાડીએ અડધી જવાબદારી ઉપાડી (જ્યોતિબહેનને વડોદરા રેડિયોનો દસેક વર્ષનો અનુભવ તો હતો જ). આ સમય દરમ્યાન ૧૯૬૯થી ૧૯૭૨માં મૉસ્કોના લ્યૂનાચાર્સ્કી નાટ્ય વિદ્યાલયમાં તેમણે સ્નાતકોત્તર નાટ્ય તાલીમ લીધી. સ્તાનિસ્લાવ્સ્કી અને બર્તોલ્ત બ્રેખ્તની અભિનયપદ્ધતિ વિશે નિબંધ લખ્યો અને એમ.એ.ની સમકક્ષ ઉપાધિ મેળવી. ૧૯૭૩થી તે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થા(ઈસરો)ના અંતરિક્ષ ઉપયોગ કેન્દ્રના ખેડા ટેલિવિઝનમાં જોડાયા. ૧૯૭પથી તે ટેલિવિઝન પ્રોગ્રામના પ્રોડ્યૂસર (કાર્યક્રમનિર્માતા) તરીકે કાર્ય કરે છે. પ્રોડ્યૂસરની પોતાની કામગીરી તરીકે તેમણે કેટલીક નોંધપાત્ર નાટ્યશ્રેણીઓ રજૂ કરી છેઃ ‘ચતુર મોગ’, ‘ધનજી મકનજી માલજી’, ‘અલકમલકની વાતો’, ‘સાદ સાંભળજો’, ‘મારી મહેનત મારી કમાણી’, ‘વાસણા બુઝર્ગ’ વ.વ.ગ્રામનિર્માણના કાર્યક્રમોમાં લોકોની સક્રિય ભાગીદારી થાય એ રીતે શ્રી બારાડી આયોજન કરે છે. થિયેટરને લોકાભિમુખ કરવાની તેમની ભાવના રેડિયો અને તખ્તાનાં નાટકોના લેખનમાં જ પરિસમાપ્ત થઈ નથી, પણ આધુનિક ટેકનીકનો વિનિયોગ કરીને એને રજૂ કરવામાં શ્રી હસમુખ બારાડીની નાટ્યવિદ્યાની તાલીમ અને સજ્જતાએ પણ મોટો ભાગ ભજવ્યો છે. આરંભથી જ નાટક માટેનો એમનો લગાવ તેમની સજ્જતા વધારવામાં પ્રેરક બન્યો છે. એક લેખક તરીકે હસમુખભાઈએ પોતાની કારકિર્દીનો આરંભ મોટા ભાગના લેખકોની જેમ કવિતાથી કર્યો હતો. ‘દક્ષિણા’, ‘બુદ્ધિપ્રકાશ’, ‘સમર્પણ’, ‘ગ્રંથાગાર’ વગેરેમાં તેમનાં કાવ્યો પ્રગટ થયેલાં. બીજા સાહિત્યસ્વરૂપ ટૂંકી વાર્તાનું તેમણે ખેડેલું. ‘રુચિ’, ‘સમર્પણ’, ‘કેસૂડાં’ વગેરેમાં તેમની વાર્તાઓ પ્રગટ થઈ હતી. ડૉ. સુમન શાહે પ્રયોગશીલ ટૂંકી વાર્તાઓના સંચય ‘સુરેશ જોષીથી સત્યજિત શર્મા’માં બારાડીની ‘ક્રૉસ ફેઈડ’ વાર્તા લીધેલી. એની નોંધમાં સંપાદકે હસમુખ બારાડીને ‘નવવાર્તાકારોમાં ઓછા જાણીતા પણ વાર્તા-પ્રયોગની નવક્ષિતિજ ઊઘડી ત્યારના સક્રિય વાર્તાકાર’ તરીકે ઓળખાવેલા. પ્રસ્તુત વાર્તામાં રેડિયો રૂપકના માધ્યમને વાર્તા માધ્યમ સાથે ભેળવી જોવાના એક સફળ પ્રયોગની તારીફ કરતાં સુમનભાઈએ કહેલું કે ‘નવી વાર્તા અભિવ્યક્તિ ભૂખની મારી ક્યાં ક્યાં જઈ આવી છે! અને ક્યાં ક્યાં જશે તે હસમુખ બારાડી જેવા ઓછું લખનારાઓએ વધુ લખીને દર્શાવી આપવું રહ્યું. નહિ તો તેઓને આપણે તો માફ નહિ જ કરીએ.’ હા, હસમુખભાઈ પ્રમાણમાં ઓછું લખનારા છે. પણ જે લખે છે તે ગુણવત્તાવાળું લખે છે. એમનું પ્રથમ નાટક ‘કાળો કામળો’ ૧૯૭૪માં પ્રગટ થયું. આ નાટક દ્વિ-અંકી છે. વિરામ વિના ભજવી શકાય એવું છે. ગણતર પાત્રોવાળી આ રચના વિશેષે તો આંગિક વાચિક અભિનય દ્વારા જ નાટ્યાત્મક અસર જન્માવવાના ધરખમ પ્રયોગરૂપ છે. આ નાટક ‘ધૂર્જટિ’ સંસ્થા દ્વારા ભજવાયેલું અને એને પારિતોષિકો પણ મળેલાં. એ પછી ‘સંસ્કૃતિ’ના જૂન ૧૯૭૯ના અંકમાં તેમનું એકાંકી ‘જનાર્દન જોસેફ’ પ્રગટ થયેલું. આ નાટક પણ ધૂર્જટિએ પ્રસ્તુત કરેલું. ‘સાહિત્ય’ ત્રૈમાસિકના જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૭૯ના અંકમાં તેમનું ‘પછી રે બાજી બોલિયા’ નાટક પ્રગટ થયું છે. પણ તેમનું અપ્રગટ દ્વિઅંકી નાટક ‘જસુમતી કંકુવતી’ ખાસ ઉલ્લેખપાત્ર છે. તેમણે એ વનવેલી છંદમાં રચ્યું છે. અમદાવાદની ‘દર્પણ’ સંસ્થાએ એને સફળ રીતે રજૂ કર્યું હતું. ગુજરાતી કવિતામાં અને પદ્યરૂપકોમાં ‘વનવેલી’નો પ્રયોગ થયેલો છે, પણ એની નાટ્યાત્મક શક્યતાઓ ઉપસાવવાનો શ્રી બારાડીનો પ્રયત્ન દાદ માગી લે છે. પ્રશિષ્ટ નાટક ‘રાઈનો પર્વત’નું તેમણે ત્રણ અંકમાં નવસંસ્કરણ કર્યું છે અને શ્રી જશવંત ઠાકર એની રજૂઆતની તૈયારી કરી રહ્યા છે. બર્તોલ્ત બ્રેખ્તના નાટક ‘ગૅલીલિયો’નો શ્રી બારાડીએ કરેલો અનુવાદ પણ ધૂર્જટિ દ્વારા તખ્તા પર રજૂ થશે. શ્રી બારાડીએ ૧૯૭૭માં આંતરરાષ્ટ્રીય કૉમ્યુનિકેશન પરિષદ રેડિયો વિઝન ૧૯૭૭માં ભારતના પ્રતિનિધિ તરીકે હાજરી આપી હતી અને ત્રણ અઠવાડિયાંનો પશ્ચિમ જર્મનીનો પ્રવાસ ખેડ્યો હતો. ગુજરાતી ઉપરાંત અવારનવાર તેઓ અંગ્રેજીમાં પણ રેડિયો નાટક–ટી.વી. માધ્યમ વિશે લેખો લખે છે. દિલ્હીના ‘સેમિનાર’ સામયિકમાં પ્રસિદ્ધ થયેલ ટી.વી. માધ્યમ ઉપરનો તેમનો લેખ ‘No Shoe polish, No Prescriptions’ ઇટાલીના ‘ડેવલપમેન્ટ’ સામયિકમાં પુનર્મુદ્રિત થયો હતો અને ઇટાલિયન ભાષામાં એનો અનુવાદ પણ થયો હતો. આવા પ્રયોગશીલ નાટ્યકાર અને વાર્તાકાર શ્રી હસમુખ બારાડી મૉડર્ન ટેકનીકનો વિનિયોગ કરી સત્ત્વશીલ કૃતિઓ આપતા રહે, અને દેશપરદેશમાં રેડિયો–નાટક અને ટી.વી. જેવાં માધ્યમમાં થતા નવા નવા પ્રયોગોથી ગુજરાતી સાહિત્યરસિકોને વાકેફ રાખતા રહે એવી અપેક્ષા એમના જેવા નાટ્યવિદ પાસે ન રાખીએ તો કોની પાસે રાખીએ?

૩૦-૧૧-૮૦