શબ્દલોકના યાત્રીઓ – ૨/ડૉ. ધીરુ પરીખ
ડૉ. ધીરુ પરીખ કવિ છે, વાર્તાકાર છે, વિવેચક છે, ચરિત્રકાર છે. પણ તમે એમને મળો તો એવો કશો ભાર તમારા ઉપર ન પડે! સીધા સાદા, માણસભૂખ્યા પ્રત્યેક ઇંચ સજ્જનને મળ્યાનો તમોને આનંદ થાય. અનાક્રમક સૌમ્ય વ્યક્તિત્વની માધુરી સાહજિકપણે તમોને સ્પર્શી જાય. ધીરુભાઈનો જન્મ ૩૧ ઑગસ્ટ ૧૯૩૩ના રોજ વીરમગામમાં થયો હતો. એસ. એસ. સી. સુધીનું શિક્ષણ તેમણે વીરમગામમાં લીધું. કૉલેજ શિક્ષણ માટે તે અમદાવાદ આવ્યા અને એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં જોડાયા. ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ થયા અને અત્યારે યુનિવર્સિટીમાં ગુજરાતીનું અધ્યાપનકાર્ય કરે છે. ૧૯૬૭માં તેમણે ‘રાસયુગમાં પ્રકૃતિ-નિરૂપણ’ ઉપર શ્રી કે. કા. શાસ્ત્રીના માર્ગદર્શન નીચે મહાનિબંધ લખી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. ૧૯પપથી તેમણે શિક્ષણક્ષેત્રમાં ઝંપલાવ્યું. જુદી જુદી સંસ્થાઓમાં કાર્ય કર્યું. અમદાવાદની સી.યુ. શાહ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કામ કર્યું. ૧૯૬૭થી ૧૯૬૯ સુધી એસ. એન. ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટી સાથે સંલગ્ન વઢવાણની મહિલા આર્ટ્સ કૉલેજમાં આચાર્ય તરીકે પણ રહેલા. તેમનો પ્રથમ પ્રેમ કવિતા છે, પણ તેમની પ્રથમ પ્રગટ કૃતિ વાર્તા છે. ૧૯પ૧માં તેમની વાર્તા ‘પહેલું રુદન’ પ્રગટ થઈ. ‘અખંડ આનંદ’, ‘નવચેતન’, ‘કુમાર’ વગેરેમાં વાર્તાઓ છપાવા લાગી. ૧૯૬૪માં તેમની વાર્તાઓનો સંગ્રહ ‘કંટકની ખુશબો’ પ્રગટ થયો. આ સંગ્રહમાં વીસેક ઘટનાપ્રધાન વાર્તાઓ આપેલી છે. આ વાર્તાઓ સામાજિક અને માનસશાસ્ત્રીય છે. મૉપાસાં, સમરસેટ મૉમ, ચેખૉવ આદિ વિશ્વના વાર્તાકારની એમના ઉપર અસર છે. પણ તેમને ખાસ અનુરાગ કવિતા પ્રત્યે હોઈ તેમની વાર્તાઓ પ્રત્યે ખાસ ધ્યાન દોરાયું નથી. અમદાવાદની ‘બુધ કાવ્યસભા’માં તેમણે ૧૯પ૨થી જવા માંડ્યું. એ વખતે કુમાર કાર્યાલયમાં ‘કુમાર’ના તંત્રી શ્રી બચુભાઈ રાવતની નિશ્રામાં મળતી આ સભાએ અનેક કવિઓને ઘડ્યા છે. સુન્દરમ્ ઉમાશંકર પણ આરંભમાં ત્યાં જતા. ‘વસુધા’ અને ‘ગુલે પોલાંડ’ના અર્પણની પંક્તિઓમાં આ બે મૂર્ધન્ય કવિઓનો ‘કુમાર’ના તંત્રી પ્રત્યેનો ભાવ પ્રગટ થયો છે. ૧૯૬૬માં ધીરુભાઈનું પ્રથમ કાવ્ય ‘કુમાર’માં પ્રગટ થયું. કાવ્યનું શીર્ષક હતું ‘તડકો’. તડકા વિશે અનેક કવિઓએ કાવ્યો લખ્યાં છે; પણ કટાવ છંદને ધીરુભાઈએ ઉપયોગ કરી જે કાવ્ય રચ્યું તે સહૃદયોમાં પ્રશંસા પામ્યું અને વરસના શ્રેષ્ઠ કાવ્ય તરીકે ‘કુમાર’નું પારિતોષિક એને મળ્યું. એ પછી વિવિધ સામયિકોમાં તેમનાં કાવ્યો પ્રગટ થવા માંડ્યાં. તેમનો કાવ્યસંગ્રહ ‘ઉઘાડ’ પ્રગટ થવામાં છે. ૧૯૭૧માં કાવ્યો માટેનો ‘કુમાર ચંદ્રક’ તેમને મળેલો. ધીરુ પરીખની કવિતામાં પ્રકૃતિ અને મનુષ્ય એ બે મુખ્ય વિષયો છે. શરૂઆતમાં પરંપરિત લયની રચનાઓનું તેમને આકર્ષણ હતું. પછી ગદ્ય કાવ્યો તરફ વળ્યા. તેમની કવિત્વ શક્તિની વિશેષતા પરંપરિત લયની રચનાઓમાં પ્રગટ થાય છે. તેઓ કવિ તરીકે પ્રયોગશીલ પણ ખરા; પણ પ્રયોગ ખાતર એ પ્રયોગ કરે નહિ! પોતાની આંતર જરૂરિયાતને વશ વર્તીને જ તે પ્રયોગો કરે અને ત્યારે એ પ્રાણવાન બને છે. ‘સાહિત્ય ૩’માં પ્રગટ થયેલું તેમનું ‘માણસને ઊગતી નથી ડાળીઓ’ એક સુંદર રચના છે. ‘ફોરાં’, ‘પાતાળથી વ્યોમ લગી’, ‘માછલી’, ‘નગર’, ‘પ્રતિબિંબની ઉક્તિ’, ‘વગડો’ જેવી તેમની રચનાઓ એમના કાવ્યત્વનાં સરસ નિદર્શનો છે. ડૉ. પરીખે મુક્તકો, હાઈકુ અને ગીતો પણ લખ્યાં છે. પણ એમની કવિતા નાજુક ચિત્રાંકનો, સ્વચ્છ કાવ્યબાની, વ્યંજનામાધુર્ય અને સુઘડ છંદોવિધાનથી જુદી તરી આવે છે. ‘કુમાર’ની બુધ કાવ્યસભાએ એમની કવિતાદૃષ્ટિ ખીલવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તેમનાં વીસેક જેટલાં નાટકો આકાશવાણી પર પ્રસારિત થયાં છે. તેમના વિવેચનસંગ્રહ ‘અત્રત્ય તત્રત્ય’માં કવિ અને કવિતા વિશેના લેખ સંગ્રહાયા છે. એમાં ન્હાનાલાલ, પ્રિયકાન્ત મણિયાર, નિરંજન ભગત, સુરેશ જોષી, ઉશનસ્ જેવા ગુજરાતી કવિઓ અને સી. ડે લૂઈસ, અને ઑડન જેવા અંગ્રેજ કવિઓ, ચીલીના પાબ્લો નેરુદા, ઇટલીના મોન્તાલે અને રશિયાના કવિ યેવતુશેન્કો વગેરે વિશેના લેખો સંગ્રહાયા છે. એ રીતે સંગ્રહનું ટાઇટલ ‘અત્રત્ય તત્રત્ય’ સાર્થક છે. તેમણે ‘ગુજરાતી ગ્રંથકાર શ્રેણી’માં રાજેન્દ્ર શાહ વિશે પુસ્તક લખ્યું તે વિદ્વાનોમાં વખણાયું છે. રાજેન્દ્ર શાહ સાથેની તેમની અંગત મૈત્રી તેમની કવિતાના મૂલ્યાંકનમાં આડે આવી નથી. ધીરુભાઈને આધુનિક સાહિત્યનો સારો અભ્યાસ તો છે જ, અનેક યુરોપીય કાવ્યગ્રંથો અને કાવ્ય-વિવેચનના ગ્રંથોનો તે સતત અભ્યાસ કરતા રહે છે પણ એ સાથે જ ગુજરાતી મધ્યકાલીન સાહિત્યના પણ તે સૂઝવાળા અભ્યાસી છે. તેમનો મહાનિબંધ ‘રાસયુગમાં પ્રકૃતિનિરૂપણ’ તાજેતરમાં પ્રગટ થયો છે. એમાં હેમચંદ્રથી પૂર્વ-નરસિંહ સુધીના ગાળાના-જેને કે. કા. શાસ્ત્રી ‘રાસયુગ’ કહે છે તે સમયગાળાના—કવિઓની કવિતામાં અને સાહિત્યસ્વરૂપોમાં થયેલા પ્રકૃતિનિરૂપણને તેમણે વીગતે તપાસ્યું છે. ડૉ. હ. ચૂ. ભાયાણીએ એમના આ અભ્યાસગ્રંથની તારીફ કરી છે. ધીરુભાઈ ચરિત્રાલેખન પણ સુંદર કરી શકે છે. તેમનું પુસ્તક ‘કાળમાં કોર્યાં નામ’માં કાવાબાતા, ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગર, ચાર્લ્સ ડિકન્સ, દલપતરામ, પૂ. મોટા જેવા મહાનુભાવોનાં હૃદયંગમ ચરિત્રો આલેખ્યાં છે. ચરિત્રાલેખન એ એમના શોખનો વિષય છે. તેમના ખજાનામાં બીજાં પણ અનેક ચરિત્રાંકનો હશે. આપણે એના સંગ્રહોની રાહ જોઈએ. ધીરુભાઈને સાહિત્ય સિવાય બીજી બાબતોમાં રસ નથી. કોઈ પણ કૃતિના મૂલ્યાંકનમાં તેઓ સાહિત્યિક ધોરણોનો જ આગ્રહ રાખે છે. સાહિત્યના સંસારમાં તેમને રસ નથી. સાત્ત્વિક વિદ્યાપ્રવૃત્તિમાં તેમને રસ છે અને એ માટે મહેનત કરવામાં તે પાછું વળીને જોતા નથી. મહાકવિ ન્હાનાલાલ ટ્રસ્ટ સાથે તે સક્રિયપણે સંકળાયેલા છે. વર્ષોથી તે એના ટ્રસ્ટી છે અને ટ્રસ્ટને હસ્તક ચાલતા કવિ ન્હાનાલાલ પારિતોષિકની નિર્ણાયક સમિતિના સભ્ય છે. ગુજરાતી કવિતાના ઋતુપત્ર ‘કવિલોક’ સાથે ૧૯૬૯થી તે સહાયક તંત્રી તરીકે જોડાયેલા; પણ છેલ્લાં ત્રણ વર્ષથી એનું તંત્રીપદ સંભાળે છે. ડૉ. ધીરુ પરીખ જેવા ઋજુ પ્રકૃતિના સંવેદનશીલ કવિ-ચરિત્રકાર પાસેથી ઉત્કૃષ્ટ રચનાઓ હજુ વધારે ને વધારે આપણને મળવાની છે, એની રાહ જોઈએ.
૨૨-૪-૭૯