શબ્દલોકના યાત્રીઓ – ૨/તારિણી દેસાઈ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
તારિણી દેસાઈ

એક વાર તારિણીબહેનનું આખું કુટુંબ મળવા આવ્યું – બધા જ લેખકો! સુધીરભાઈ તો કવિ છે જ, ચિ. સંસ્કૃતિ એમ.એ.માં અભ્યાસ કરે છે. એનાં કાવ્યો, વાર્તાઓ ‘કવિલોક’, ‘ઉદ્ગાર’ અને ‘નિરીક્ષક’ વગેરેમાં પ્રગટ થાય છે. ચિ. સંસ્કાર બારમા ધોરણમાં ભણે છે. કૉલેજ મૅગેઝીનમાં કાવ્યો લખે છે. ટી.વી.ના કાર્યક્રમોમાં ભાગ લે છે, પેઈન્ટિંગમાં એને પારિતોષિકો મળ્યાં છે. અગિયાર વર્ષની ચિ. ધ્વનિ પણ કાવ્યો લખે છે, રેડિયો અને ટી.વી. પર બાળકોના કાર્યક્રમોમાં કાવ્યવાચન કરે છે અને કાવ્ય, વાર્તા અને પેઈન્ટિંગની સ્પર્ધાઓમાં પારિતોષિકો મેળવે છે. એક કુટુંબના બધા સભ્યો (બાળકો સમેત) સાહિત્યકળારસિક અને સર્જકો હોય એવા દાખલા વિરલ ગણાય. પણુ તારિણીબહેનને આ વારસો પિયરમાંથી મળેલો છે. એમનાં નાનીમાં સ્વ. દીપકબા દેસાઈ જાણીતાં કવયિત્રી હતાં, તેમના ચારપાંચ કાવ્યસંગ્રહો પ્રગટ થયેલા અને જૂના વડોદરા રાજ્યે તેમને ‘રાજરત્ન’નો ઇલકાબ આપેલો. તેમની પ્રેરણા એમને નાનપણમાં મળેલી. તારિણીમાં રહેલી સર્જકતાનું તેમણે વત્સલતાથી જતન અને સંવર્ધન કર્યું. આજે એ તંતુ પાંગરેલો જોઈ આપણને આનંદ થાય છે. શ્રી તારિણી દેસાઈનો જન્મ વડોદરામાં ૨૨મી ડિસેમ્બર ૧૯૩પના રોજ થયો હતો. એમનું વતન પેટલાદ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડોદરામાં લીધું. મ. સ. યુનિવર્સિટી વડોદરામાં અને સાઈકોલૉજી સાથે બી.એ.ની પરીક્ષા ૧૯પ૭માં પાસ કરી અને એન્ટાયર ફિલૉસૉફીનો વિષય લઈ વિલ્સન કૉલેજ મુંબઈમાં એમ.એ.નો અભ્યાસ શરૂ કર્યો. મ. સ. યુનિ.માં પાંચ વર્ષનો કોર્સ પૂરો કરી શાસ્ત્રીય કંઠ્યસંગીતનો ડિપ્લોમાં ૧૯પ૬માં મેળવ્યો. ૧૯પપમાં શ્રી સુધીર દેસાઈ સાથે તેમનું લગ્ન થયેલું. તે અભ્યાસ કરતાં હતાં ત્યારે કૉલેજ મૅગેઝીનોમાં અવારનવાર લેખો લખતાં. પહેલો લેખ ‘ગુજરાતના ગરબા’ વિશે લખેલો. સોળ વર્ષની ઉંમરે આકાશવાણી વડોદરા કેન્દ્ર પરથી તેમનું લખેલું સંગીત રૂપક ‘નવરાત્રી’ રજૂ થયું. પછી ૧૯૬૨માં પહેલું રેડિયો રૂપક લખ્યું તે આકાશવાણી મુંબઈ ઉપર ભજવાયેલું. એ પછી તેમનું લેખનકાર્ય અવિરત ચાલ્યું. લેખનના વિવિધ પ્રકારો તેમણે ખેડ્યા છે. નવી ટેકનીકની વાર્તાઓ, રેડિયો રૂપકો, એકાંકીઓ, કાવ્યો, લેખો, બાળવાર્તાઓ, અંગ્રેજી વાર્તાઓના અનુવાદો વગેરે તે કરે છે. હમણાં તેમણે ઍબ્સર્ડ નાટક લખ્યું છે. આ બધા પ્રકારોમાં તે સવિશેષ જાણીતાં થયાં એમની વાર્તાઓથી. એમની નવી શૈલીની વાર્તાઓનું પુસ્તક ‘પગ બોલતા લાગે છે’ પ્રગટ થવામાં છે. ૧૯૭પમાં રાધેશ્યામ શર્માએ ‘નવી વાર્તા’નું સંપાદન કર્યું ત્યારે તારિણીની ‘કબરો પણ ચાલી શકે છે’ એ વાર્તા તેમણે. લીધેલી. એને વિશે રાધેશ્યામ લખે છે : “ઈપાણ જેવું વિચિત્ર નામ અને એથી ચિત્રવિચિત્ર તે જીવનરીતિ ધરાવતાં કપોલકલ્પિત પાત્ર દ્વારા લેખિકા અતિ પ્રાકૃતિક (Supernatural) અને વાસ્તવિક સૃષ્ટિની વચ્ચે પરિભ્રમણ કરાવે છે. તથ્યને મિથ્યામાં ભેળવીને ઘૂંટવામાં આવ્યાની આશંકા પડે જ છે. વાર્તાનું સ્થાપત્યનિર્માણ વિસંગતની નાપાયાદાર ભોંય પર થયું હોઈ બધાં વિધાનો મિથ્યા છે અને એ જ આ ફીણતંતુ શી હવાઈ કથાનું ઋત છે. બનાવ તરીકે નામનુંય કાંઈ બનતું નથી... લેખિકાનો Reverse Logicનો આવો વિનિયોગ ખ્યાલમાં આવી જાય તો કૃતિવાચન કાંઈક રસપ્રદ બને.” ‘સુધા’માં પ્રગટ થયેલી એમની ‘ચાર બાય છની સિગરામ’ વાર્તામાં પુરાણી ‘સિગરામ’નો આધુનિક સંવેદના વ્યક્ત કરવા માટે કરેલો ઉપયોગ ધ્યાન ખેંચે છે. વાર્તામાં સિગરામ વિશિષ્ટતા ધારણ કરે છે. સિગરામમાં પડેલી તિરાડ ઘણું ઘણું સૂચવી જાય છે. તિરાડ અને ધ્વનિનું દંગલ અને ધ્વનિ અલૌકિકને ખેંચી જાય છે એવા નિરૂપણમાં ‘અલૌકિક’નું ‘લૌકિક’માં રૂપાંતર થતું નિર્દેશીને સાંપ્રત મનુષ્યની નિ:સહાયતાને વાચા આપી છે. ‘કૃતિમાં પ્રગટ થયેલી ‘સળગતો અંધકાર’ વાર્તાએ પણ અભ્યાસીનું ધ્યાન ખેંચેલું. ‘સિસ્મોગ્રાફ’માં ‘હું’ કહે છે: “પણ હવે તો શબ્દ કદાચ મારા જ લોહીમાં ઊગી ગયો છે અને મારા મોઢામાંથી બહાર નીકળી ઉડ્ડયન પણ કરવા માંડ્યો છે અને એટલે જ કદાચ હું શબ્દ જ રહી છું. માણસ શબ્દ વગર જીવી જ ન શકે તો હું આટલાં બધાં વર્ષો કેવી રીતે જીવી ગઈ? ભાષા એ તે માદક પીણું છે. માણસોને મસ્ત બનાવે છે. માણસ અને જગત વચ્ચે જે અવકાશ છે તે ભાષા જ પૂરે છે. પણ... આટલાં બધાં વર્ષો કદાચ મેં ભાષાને ગુડ બાય જ કરી દીધું હશે અને તોયે એ આવી છે આજે મારી પાસે.” હવે લેખિકાની પાસે ભાષા સામે ચાલીને ગઈ છે તો આધુનિક વાર્તાઓમાં એનું રસ-સંયોજન સવિશેષ થાય અને માત્ર “પગ” જ નહિ, બંને “હાથ” પણ બોલતા થાય એમ ઈચ્છીશું. તારિણી દેસાઈએ અનેક છાપાંમાં કૉલમો પણ ચલાવ્યાં છે. ‘વિરાટ જાગે’, ‘સોરઠી સંદેશ’, ‘સુધા’ વગેરેમાં સ્ત્રીઓનો વિભાગ સંભાળેલો. ‘ક્યારેક’નાં એ તંત્રી હતાં. ‘સુધા’માં ચાલુ કરેલ નવલકથા ‘એક પગ કૂંડાળામાં’નું પ્રથમ પ્રકરણ લખ્યું અને આખી નવલકથાનું એડિટિંગ કરેલું. અનેક સ્ત્રીઓની સંસ્થાઓ સાથે પણ તે સંકળાયેલાં રહ્યાં છે. ‘લેખિની’ નામની સ્ત્રી લેખિકાઓની સંસ્થાનાં મંત્રી હતાં. ‘કિન્નરી’ નામે સ્ત્રીઓની સંસ્થાના સાહિત્ય વિભાગનાં સંચાલક હતાં. આ સંસ્થા દ્વારા વાર્તાસ્પર્ધા તેમ જ હાલરડાં લેખન સ્પર્ધાનું આયોજન કરેલું. મુંબઈ સાન્તાક્રૂઝની ‘સાહિત્ય સંસદ’ સંસ્થાની કાર્યવાહક સમિતિમાં તેમણે કામ કરેલું. ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિમાં પણ તે ચૂંટાઈ આવેલાં. ‘સાહિત્ય સહકારી પ્રકાશન’ સંસ્થામાં ડાઈરેક્ટર તરીકે પણ કાર્ય કરેલું. તેમની કેટલીક કૃતિઓને પારિતોષિકો મળ્યાં છે. ‘કોટ હિંદુ સ્ત્રી મંડળ’ તરફથી યોજાયેલ વાર્તા સ્પર્ધામાં ‘પહાડમાં સોનેરી રંગ’ નામે તેમની વાર્તાને ઈનામ મળેલું, ભગિની સમાજે યોજેલ બાળવાર્તા સ્પર્ધામાં નોંધપાત્ર બાળવાર્તાના સંચયમાં તેમની વાર્તા સ્થાન પામેલી. ટી.વી. તરફથી યોજાયેલ કાવ્યસ્પર્ધામાં પણ તેમની રચનાને પારિતોષિક મળેલું. તારિણીબહેન નવી પ્રયોગશીલ વાર્તાઓ લખવામાં પાવરધાં છે. તેમની ઈચ્છા નવી નવી ટેકનીકનો વિનિયોગ કરી આધુનિકતાની મુદ્રાવાળી વધુ વાર્તાઓ આપવાની છે. ઍબ્સર્ડ નાટકોમાં પણ તેમને જીવંત રસ છે.

૨૩-૩-૮૦