શબ્દલોકના યાત્રીઓ – ૨/રાધેશ્યામ શર્મા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
રાધેશ્યામ શર્મા

સહેજ શ્યામ વાન, ચશ્મામાં ડોકાતી આંખમાં વિષાદની છાયા. વિશ્રમ્ભકથા માંડી હોય એવી વાતચીતની આત્મીયતાભરી ઢબછબ. સપાટી પર અલપઝલપ ફરકી જઈ અંદર પુરાઈ જતી આત્મશ્રીનો તાગ જલદી ન મેળવી શકો, પણ એમનાં બે ત્રણ વાક્યો સાંભળતાંમાં તો એમના વ્યક્તિત્વની તીક્ષ્ણતા, વેધકતા અને માર્મિકતાનો અણસાર મળે ખરો. આ રાધેશ્યામ શર્મા. તેમનું લખાણ સમજાતું નથી એવી સાચકલી ફરિયાદ જૂની-નવી પેઢીના બે ત્રણ સાહિત્યકારો પાસેથી સાંભળેલી... રાધેશ્યામની સાહિત્યશક્તિ સર્જન અને વિવેચન ઉભય ક્ષેત્રમાં આસાનીથી વિહરી છે. ‘આંસુ ને ચાંદરણું’ (૧૯૬૩) તેમનો પ્રથમ ગદ્યકાવ્ય સંગ્રહ. એ દિવસોમાં એક સાંજે તે કાવ્યો લઈ ઘરે આવેલા. હસ્તપ્રત મારા હાથમાં મૂકી. મને તો આશ્ચર્ય થયું. અલબત્ત આ પહેલાં તે ગુજરાત કૉલેજમાં ભણતા હતા ત્યારે એક-બે વાર્તાઓ લઈ મારી પાસે આવેલા. પણ કવિતામાં તે કામ કરશે અને આટલી બધી રચનાઓ એકસામટી લઈ આવશે એની તો કલ્પના જ નહિ. પ્રેરણાની કોઈ અદમ્ય ભીંસમાં તેમણે ઘણા થોડા સમયમાં આ બધી રચનાઓ લખેલી. એ વખતે જયન્તી દલાલને પણ તેમણે વંચાવેલી એવું સ્મરણ છે. ચાળીસ જેટલી અછાંદસ રચનાઓનો આ સંગ્રહ વિષય અને અભિવ્યક્તિની નવીનતાને કારણે ધ્યાન ખેંચે છે. પ્રયોગશીલ કવિતાનો એક રીતે એ પ્રતિનિધિ સંગ્રહ બન્યો. ભાવકલ્પનોની તો એમાં આતશબાજી હતી. પણ એ કાવ્યના બંધમાં જડાઈ સમગ્ર અનુભૂતિની છાપ ઉપસાવે એવું ઝાઝું બન્યું નહિ. આછા શ્વાસની સોય વડે યુગોના જખમોને ટેભા દેતી રજસ્વલા રાત, સ્વપ્નમાં પોતાનાં સ્તનોને હંસયુગલ બની ઊડી જતાં જોતી જુવાન વિધવાના નિ:શ્વાસ, સવારે સાત વાગ્યે ટપાલીના કોથળામાં પ્રવેશતો સૂર્ય સર્પ જેવી ઉક્તિઓ, ક્યારેક સ્માર્ટ પ્રયુક્તિઓ અતતત્ર વેરાયેલી જણાશે. પણ એ પછી તેમણે કાવ્યો ન આપ્યાં. અલબત્ત યુરોપીય કવિઓ બૉદલેર, પાબ્લો નેરુદા વગેરેનાં કાવ્યોના અનુવાદ આપ્યા! પણ રાધેશ્યામ જાણીતા થયા તો તેમની લઘુનવલ ‘ફેરો’થી. એની પ્રસ્તાવના શ્રી ઉમાશંકર જોશીએ લખી એટલે માત્રથી નહિ પણ એક સુગ્રથિત નવી નવલકથા આપવાનો યશ તેમના ફાળે જાય છે એટલા માટે. આ કૃતિ ઠીક ઠીક ચર્ચાસ્પદ પણ નીવડી. એની સર્જનાત્મક ગુણવત્તા વિશે ભિન્ન ભિન્ન અભિપ્રાયો પ્રગટ થયા. જેમ ‘અશ્રુઘર’ને હું નવા વળાંકની નવલકથા કહું છું તેમ ‘ફેરો’ને આધુનિકતાની મુદ્રાવાળી સુગ્રથિત લઘુનવલ કહેવાનું પસંદ કરું છું. અમદાવાદની એક પોળમાં રહેતાં પતિપત્ની પોતાના મૂંગા બાળકને લઈને રણપ્રદેશની નજીકના કોઈ યાત્રાસ્થળે બાધા કરવા જાય છે. ત્રણે ગાડીમાં નીકળ્યાં છે પણ આગલા સ્ટેશને બાળક ગુમ થાય છે. પણ ગાડી તો ઊપડી ચૂકી. “સાંકળ ખેંચવા હું હાથ લંબાવું છું ત્યાં ભૂક ભૂક કરતું ડબ્બાવિહોણું એક અટૂલું એન્જિન સામે ચાલી ભેટતા સૂરજની જેમ ફ્લડ લાઈટ સાથે આંખ પર ધસી આવી પુષ્કળ ધુમાડો ડબ્બામાં છોડી ગયું. સાંકળ તરફ ઊંચો થતો મારો જમણો હાથ ગૂંગળાવા લાગ્યો.” આ શબ્દો સાથે કૃતિ પૂરી થાય છે. મુસાફરી આરંભાઈ એની પહેલાંની પૂર્વતૈયારીની ક્ષણથી આ ક્ષણ સુધીના આલેખનમાં અનેક કલ્પનો અને પ્રતીકોના કલાત્મક સંયોજન દ્વારા મનુષ્યજીવનનું એક ભાતીગળ ચિત્ર આવ્યું છે. પાત્રો અને પરિસ્થિતિઓનું અંતર્ગત વૈવિધ્ય હોવા છતાં એ થઈને રહે છે માનવજીવનના ફેરાની વાત આધુનિક સંદર્ભમાં. કૃતિનો અંત અત્યંત સૂચક, વ્યંજનાપૂર્ણ છે. સાંકળ તરફ ઊંચો થતો જમણો હાથ ગૂંગળાય છે. ગાડી ઊભી રાખી શકાય? આ તો ‘ફેરો’ છે ને! “ચાલો એક કથા પૂરી કરી” એમ નાયક ઉચિત જ કહે છે, કારણ કે ‘ફેરો’ની કથા તે મનુષ્યજીવનના અનેક ફેરાઓની પ્રતિનિધિ કથા છે. એમની નવલકથા ‘સ્વપ્નતીર્થ’ હવે પછી પ્રગટ થશે. રાધેશ્યામ શર્માનો જન્મ ગાંધીનગર જિલ્લાના વાવોલ ગામે પાંચમી જાન્યુઆરી ૧૯૩૬ના રોજ થયેલો. એમનું વતન રૂપાલ. તેમનાં ઘણાં લખાણોની નીચે ‘રૂપાલ’નો ઉલ્લેખ તમે જોશો. અવારનવાર તે ગામ જાય છે અને એક બે લેખો લઈને અમદાવાદ આવે છે. અમદાવાદમાં તે ‘સંદેશ’ દૈનિકમાં ‘ધર્મસંદેશ’નું સંપાદનકાર્ય કરે છે. તેમના પિતા સીતારામ શર્મા ગુજરાતમાં કથાકાર ભજનિક તરીકે સુપ્રસિદ્ધ હતા. રાધેશ્યામ ભલે આધુનિક કલ્પનોનો વિનિયોગ સાહિત્યમાં કરે પણ તે હજુ પણ ભાગવત સપ્તાહો અને નામસ્મરણ યજ્ઞ કરે-કરાવે છે! તેમણે જ કહ્યું તેમ તેમનો શોખ સિનેમાના એસ્થેટિક્સને પ્રત્યક્ષ પ્રમાણવું, ગ્રંથો તથા રેકર્ડ્ઝ વસાવવી, કૃતિલક્ષી વિવેચનો કરવાં અને વારંવાર વતન જવું એ છે. અભ્યાસ બી.એ. સુધીનો છે, એમ.એ.માં અમારા ભાષા સાહિત્ય ભવનના એક તેજસ્વી વિદ્યાર્થી હતા, પણ રાઈટર્સ ક્રૅમ્પને કારણે પરીક્ષા આપી શક્યા નહિ, જોકે ઉધામા બે-ત્રણ વખત કરેલા, પણ યુરોપીય સાહિત્યનો તેમને ઘણો રસ છે અને છેલ્લામાં છેલ્લાં પુસ્તકોના પરિચયમાં રહે છે. લાભશંકર ઠાકરે તેમને ‘રાધેશ્યામ ક્વોટેશનવાળા’ એવો ઈલકાબ આપેલો. એમનાં લખાણોમાં અવતરણો ઘણાં આવે છે, પણ એથી તે અભ્યાસી નથી એવું નહિ કહેવાય. નવલકથા ઉપરાંત ટૂંકી વાર્તાના તે વિશિષ્ટ સર્જક છે. તેમના ૧૯૬૯માં પ્રગટ થયેલા વાર્તાસંગ્રહ ‘બિચારાં’ને ગુજરાત સરકારનું પારિતોષિક મળ્યું હતું. તેમની ‘ચર્ચબેલ’ વાર્તાનો અત્યારના આપણા નાણાપ્રધાન શ્રી. એચ. એમ.પટેલે અંગ્રેજીમાં અનુ-કરેલો. ‘ફેરો’ને પણ મળેલું. તાજેતરમાં તેમનો બીજો વાર્તાસંગ્રહ. ‘પવનપાવડી’ બહાર પડ્યો છે. નવા વિવેચકોમાં પણ તે આગલી હરોળના વિવેચક છે. વિવેચનસંગ્રહ ‘વાચના’ ૧૯૭૩માં પ્રગટ. થયેલો. બીજો વિવેચન સંગ્રહ ‘સાંપ્રત’ ટૂંક સમયમાં પ્રગટ થશે. ‘નવી વાર્તા’નું તેમનું સંપાદન સાહિત્યરસિકોએ વખાણ્યું છે. લઘુનવલકાર, વાર્તાકાર, વિવેચક તરીકે રાધેશ્યામ નવી પેઢીના સર્જક-વિવેચક છે. હજુ તો ચાલીસ-બેતાલીસના છે. તેમની પાસેથી વધુ સત્ત્વશીલ કૃતિઓ મેળવવાનો સાહિત્યરસિકોને હક છે, એની પૂરેપૂરી શક્યતા પણ છે.

૭-પ-૭૮