શબ્દલોકના યાત્રીઓ – ૨/ફાધર વાલેસ

ફાધર વાલેસ

ફાધર સી. જી. વાલેસ, એસ. જેનો પરિચય મને ૧૯૬૧માં થયો. ૧૯૬૦માં કાકાસાહેબને પંચોતેર વર્ષ પૂરાં થતાં અમદાવાદમાં સન્માન સમિતિ રચાયેલી, તેમના વિશેનો અધ્યયનગ્રંથ તૈયાર થતો હતો. એક દિવસ ઉમાશંકરભાઈએ ફાધર વાલેસનો કાકાસાહેબના પુસ્તક ‘ઓતરાદી દીવાલો’ વિશેનો લેખ મારા હાથમાં મૂક્યો, ખાસ તો ભાષાની દૃષ્ટિએ જોઈ જવા માટે. સ્પેનવાસી ગુજરાતી ભાષા શીખી લઈ ગુજરાતીમાં લેખ લખે એથી સ્વાભાવિક જ આશ્ચર્ય થાય. ભાષાની દૃષ્ટિએ પણ તેમની સજ્જતા જોઈ આનંદ થયેલો. લેખના આરંભે તેમણે મૂકેલી નોંધ સૂચક છે : “સાહિત્યના વિવેચનમાં પરભાષીને સ્થાન નથી એ વિચારથી હું જરા અચકાયો, પણ હું ગુજરાતી ભાષા કાકાસાહેબનાં પુસ્તકો દ્વારા જ શીખ્યો એમ કહીએ તોયે ચાલે, અને જેમ શિષ્યની અધૂરી સિદ્ધિમાં શિક્ષકનો પ્રભાવ દેખાય છે તેમ મારી જેવીતેવી ભાષામાં કાકાસાહેબને પરોક્ષ અંજલિ મળશે. વળી કાકાસાહેબ પોતે મૂળ પરભાષી રહ્યા ને!’ કાકાસાહેબ પૂરેપૂરા ગુજરાતીના લેખક થયા તેમ કાકાસાહેબના શિષ્ય જેવા ફાધર વાલેસને પણ ગુજરાતીના જ લેખક ગણવા પડે એવી એમની ઉપલબ્ધિ છે. ફાધર વાલેસનો જન્મ તા. ૪ નવેમ્બર ૧૯૨૫ના રોજ સ્પેનમાં થયેલો. દસ વર્ષની ઉંમરે તેમના પિતાજીનો સ્વર્ગવાસ થયો. પિતાજી ઈજનેર હતા. શ્રેષ્ઠતાનો આગ્રહ, લોકોને માટે કોમળ લાગણી અને નીતિમત્તામાં શ્રદ્ધાનો વારસો ફાધર વાલેસને પિતા તરફથી મળેલો અને માતાના પ્રાર્થનામય જીવનની ઊંડી અસર તેમના પર નાનપણમાં જ થયેલી. ભક્તિના સઘન સંસ્કારો એ તેમનાં બાનો, વારસો. બાર વર્ષના તેમના ભાઈ અને પોતે એ બે સંતાનોની બાને ખૂબ ચિંતા પણ એમનું બળ પ્રાર્થનાનું. તેમણે પ્રભુને પ્રાર્થના કરી : “હે ભગવાન! આ બે છોકરાના બાપ હવે દુનિયામાં નથી. તેઓ બાપ વગર રહ્યા છે તો તમે એના બાપ બનો, એમનું જીવન સુખી થાય એની જવાબદારી હું આજથી તમને સોંપું છું. એમના બાપ જીવ્યા હોત તો એમને માટે ઘણું કરત એ હું જાણું છું; તમે પણ જાણો છો. તો તમે એટલું તો કરશો અને ઘણું વધારે પણ કરશો એ મારી શ્રદ્ધા છે. આ બે છોકરાઓ હવે તમારા જ છે, ભગવાન!” બાએ ઘણું કષ્ટ વેઠી બંને છોકરાઓને ઉછેર્યા. મોટાભાઈ દેશના અગ્રણી અર્થશાસ્ત્રી થયા અને વાલેસ ‘ફાધર’ થયા. પ્રભુએ જુદાં જુદાં ક્ષેત્રોમાં બંનેનો ઉચ્ચ વિકાસ કર્યો. પંદર વર્ષની વયે ગૃહત્યાગ કરીને તે સાધુ સંઘમાં જોડાયા. ફાધર વાલેસ કહે છે કે ભગવાને તેમને આ સુઝાડ્યું ન હોત તો એ સામાન્ય એન્જિનિયર બનત. એ વખતે વૈરાગ્યને કારણે અથવા તો સમાજનું ભલું કરવાના ખ્યાલે તેમણે આ નિર્ણય લીધો ન હતો, કેવળ પ્રભુની સમીપ જવાની તાલાવેલી જ કારણભૂત હતી. તે દ્વિજ બન્યા. સંઘમાં લાંબી તાલીમ મેળવી. એમનું ઘડતર સંપૂર્ણ પણે પ્રભુની યોજના અનુસાર જ થયું. આજીવન બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને આજ્ઞાપાલનનાં વ્રતો લીધાં. ગ્રીક પ્રશિષ્ટ સાહિત્ય અને પ્રાચીન અર્વાચીન તત્ત્વજ્ઞાનના વિષયમાં ડિગ્રીઓ મેળવી. આ સંન્યાસીઓના સંઘમાં ભાવિના તાલીમાર્થીઓના માર્ગદર્શકનું કામ તેમની પાસે આવ્યું. સંઘમાં એમનાં માન અને પ્રતિષ્ઠા વધ્યાં. તેમના એક મિત્રે એમને ચેતવ્યા. સંસારનું માન છોડ્યું તો આ તો સંઘનું માન મળ્યું. આ રીતે સાધના શી રીતે થાય? પરંતુ સંઘમાં કડક શિસ્ત અને આજ્ઞાપાલન હોય છે. સંઘ જ્યાં મોકલે, જે કામ સોંપે તે કરવું પડે. મિત્રે રસ્તો બતાવ્યો કે સંઘનું કામ જુદા જુદા દેશોમાં થાય છે, બીજા દેશમાં જવાની તે અરજી કરે. ગૃહત્યાગ પછી હવે દેશત્યાગ. ફાધરે અરજી કરી. પ્રાર્થના કરી. ભગવાને આ પ્રાર્થના સાંભળી. અમદાવાદની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં અધ્યાપક તરીકે તેમની નિમણૂક થઈ. ૧૯૪૯માં ભારત આવ્યા. મદ્રાસમાં ગણિતશાસ્ત્ર સાથે એમ.એ. થયા. ગુજરાતી વિદ્યાર્થીઓ સાથે પ્રત્યાયન સાધવાના હેતુથી વલ્લભ વિદ્યાનગરમાં રહી ગુજરાતી શીખ્યા, પૂનામાં વિશ્વધર્મોનો અભ્યાસ કર્યો અને ૧૯૬૦માં અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ગણિતના અધ્યાપક તરીકેની કામગીરી આરંભી. ભારત અને ગુજરાતમાં પોતાના આગમન વિશે તેઓ કહે છે કે “જેમ શાણાં માબાપે પસંદ કરેલી યોગ્ય કન્યાની સાથે આજ્ઞાંકિત દીકરો પરણે, પ્રેમમાં પડે, સુખી થાય તેમ હું પણ ભારતની અને ગુજરાતની (અને અમદાવાદની જ!) સાથે પ્રેમમાં પડ્યો અને પરણ્યો અને સુખી થયો, તે એટલે સુધી કે મારું ભારતમાં હોવું એને હું મારા જીવનમાં ભગવાનનું મોટું વરદાન માનું છું.” ફાધર વાલેસને ભારતનું નાગરિકત્વ મળ્યું છે, ખરી રીતે તો તે વિશ્વનાગરિક બન્યા છે. વિદ્વત્ પરિષદોમાં અને જાહેર વ્યાખ્યાનમાળાઓમાં તે વિશ્વભરમાં પ્રવચનો આપવા જાય છે. તેમનો વિષય ગણિતશાસ્ત્ર છે, એમાં તે ઊંડા ઊતર્યા, ગણિતનાં પુસ્તકો લખ્યાં, નૂતન ગણિતની ઝુંબેશમાં ફાળો આપ્યો. રશિયા, ફ્રાન્સ અને ઇંગ્લૅન્ડમાં ભરાયેલાં ગણિતનાં આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં પણ તેમણે ભાગ લીધો છે. અવારનવાર તેમને તેમનાં માતુશ્રીનું સ્મરણ થાય છે. બાને મળવાની અભીપ્સા પ્રભુ તેમનો કોઈ કાર્યક્રમ ગોઠવીને પૂરી કરે છે! હમણાં જ મેં તેમને તેમનાં માતુશ્રીની ખબરઅંતર પૂછી. કહે : મઝામાં છે. “તમને બાને મળવાનું મન છે?” ઉત્તર : કોને ન હોય? મેં કહ્યું : તમે પ્રાર્થના કરો એટલે એ સિદ્ધ થયું જાણો. તેમના પુસ્તક ‘આત્મકથાના ટુકડા’માં એવા પ્રસંગો તમને વાંચવા મળશે. ફાધર વાલેસની સાધના એ ભક્તિની સાધના છે. એ સાધનાની પ્રથમ દીક્ષા તેમને તેમનાં બે તરફથી મળેલી છે. ફાધર વાલેસને મળવું એટલે પ્રેમમયતામાં અવગાહન કરવું. પ્રેમ સિવાય બીજો ઉગારો નથી, અપાર પ્રેમ મેળવતા અને સર્વત્ર પ્રેમનો સંવિભાગ કરતા ફાધર વાલેસ એ શ્રી જ્યોતિબહેન થાનકીએ લખેલા તેમના સરસ જીવનચરિત્રનું શીર્ષક યોજીને કહીએ તો પ્રભુનું સ્વપ્ન છે. ગૃહત્યાગ કરી ઈસુ સંઘની સાધુ સંસ્થામાં જોડાયા ત્યારે એક વૃદ્ધ જ્ઞાની ફાધરે કહેલું કે, “હવે યાદ રાખજે કે ભગવાન અધૂરું કામ કરતા નથી.” ફાધર વાલેસની પણ સતત એ જ પ્રાર્થના છે કે “હે ભગવાન! તારા હાથની બનાવટ તું અધૂરી મૂકીને વચ્ચેથી છોડીશ નહિ!” પ્રભુના હાથની આ બનાવટ અમદાવાદમાં જઈને જોવા જેવી ખરી. ફાધર વાલેસે ૧૯૭૩થી અમદાવાદની પોળોમાં વિહારયાત્રા શરૂ કરી છે. મધ્યમ વર્ગનાં કુટુંબોમાં તે થોડો સમય રહે છે, કુટુંબના સભ્ય બનીને રહે છે અને જ્ઞાન અને પ્રેમની લહાણ કરે છે. એમનું પ્રથમ પુસ્તક ‘સદાચાર’ પ્રગટ થયું. એ પછી તેમણે ‘વ્યક્તિત્વ ઘડતર’, ‘જીવનદર્શન’, ‘કૉલેજ જીવન’, ‘ચારિત્ર્ય યજ્ઞ’, ‘સંસ્કારતીર્થ’, ‘સંસાર સાધના’ જેવાં ત્રીસેક પુસ્તકો લખ્યાં છે. પુસ્તકોમાંથી મળતી રૉયલ્ટીની રકમ તે લેતા નથી, એને સાટે એમનાં પુસ્તકો સસ્તાં બને અને પ્રજાના વિશાળ વાચક વર્ગ સુધી પહોંચે એવો આગ્રહ રાખે છે. તેમણે ‘કુમાર’, ‘જનકલ્યાણ’ અને ‘ગુજરાત સમાચાર’માં લેખમાળાઓ પણ લખી છે. હજી પણ એમની કલમપ્રસાદી જુદાં જુદાં સામયિકોમાં મળતી રહે છે. ૧૯૬૬માં તેમને કુમાર ચંદ્રક મળ્યો હતો, ૧૯૬૮માં ગુજરાતી સાહિત્ય પરિષદે તેમને શ્રી અરવિંદ સુવર્ણચંદ્રક પણ આપેલો. થોડા સમય પહેલાં ગુજરાત સાહિત્ય સભાએ લોકશિક્ષણાત્મક પ્રેરણાદાયી સાહિત્ય લખવા માટે તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પવાનું જાહેર કર્યું છે. ફાધર વાલેસનાં પુસ્તકો પ્રજાના શીલની કેળવણીની બહુમૂલ્ય બાળપોથીઓ છે. વર્ષો પહેલાં આનંદશંકર ધ્રુવે ‘હિંદુ ધર્મની બાળપોથી’ પુસ્તક લખેલું. ફાધર વાલેસે આપણું ગૃહજીવન અને કુટુંબજીવન સંસ્કારી અને સુસંવાદી બને, આપણી નવી પેઢી ઉચ્ચ આદર્શોને ચરિતાર્થ કરે, એમના જીવનમાં ભાવનામયતાની સુગંધ મહેકી રહે એ માટે તેમણે નિઃસ્વાર્થભાવે કલમ ચલાવી છે. લોકોના સમુદ્ધારની પણ અહંકેન્દ્રી વાસના એમનામાં નથી. બધું સહજપણે ચાલતું હોય છે. કહેવાય છે કે સંતો હંમેશાં સહાનુકંપાથી પ્રવૃત્ત બને છે, ફાધર વાલેસ એવા આધુનિક સંત છે. તેમનાં લખાણો ઉપદેશાત્મક અવશ્ય છે, પણ એમની શૈલી પ્રસંગો અને દૃષ્ટાંતોની ગૂંથણી દ્વારા કથયિતવ્યને રજૂ કરવાની હોઈ એમની વાણી એ મિત્રની વાણી બને છે. એમનો ઉપદેશ આ કારણે કંટાળાજનક નીવડતો નથી. સ્પેનમાં જન્મેલા ફાધર વાલેસ ભારતના આ પશ્ચિમ ભાગમાં વસે છે એ ઘટના આનંદદાયક છે. ગુજરાતમાં અનેક પાદરીઓ આવી ગયા છે, પણ ફાધર વાલેસનું આવવું ઈશ્વરનિર્મિત છે. તેમણે પોતાને મુરલીધરની મુરલી તરીકે ઓળખાવ્યા છે. હૃદયરૂપી વૃંદાવનમાં વાગતી મુરલીના એ સૂરો સતત પ્રેરણાનું રસસિંચન કરતા રહો!

૫-૧૦-૮૦