શબ્દલોકના યાત્રીઓ – ૨/નિવેદન
એક દિવસે રાજકોટથી પ્રસિદ્ધ થતા દૈનિક ‘ફૂલછાબ’ના તંત્રી શ્રી હરસુખભાઈ સંઘાણીનો પત્ર આવ્યો સમકાલીન સાહિત્યકારોના જીવન અને સાહિત્યનો પરિચય આપતી લેખમાળા શરૂ કરવી છે....અગાઉ શ્રી મોહમ્મદ માંકડે પણ આ અંગે સૂચવેલું. આ પ્રકારનું પહેલું લખાણ શ્રી ઉમાશંકર જોશી વિશે ૯ એપ્રિલ ૧૯૭૮ના અંકમાં પ્રગટ થયું. ધાર્યા કરતાં કામ ઠીક ઠીક મુશ્કેલ જણાયું. પણ પછી તે રસ પડવા માંડ્યો, અને ત્રણેક વર્ષ મેં આ વિભાગ ચલાવ્યો. અનેક વાચકોએ એમાં રસ લીધો. પોતાના પ્રિય લેખકો વિશે લખવાની માગણીથી માંડી આ લેખમાળા ગ્રંથસ્વરૂપે ક્યારે પ્રગટ થશે ત્યાં સુધીની પૃચ્છાઓ થવા માંડી. આજે જ્યારે આ લેખમાળા પુસ્તક રૂપે પ્રગટ થાય છે ત્યારે આ સૌ સહૃદય વાચકોના પ્રતિભાવનું સહજ સ્મરણ થઈ આવે છે. ‘ફૂલછાબ’ અને એના તંત્રીથી મમતા વગર આ પ્રકારનું લેખનકાર્ય કદાચ ન થયું હોત. આ સૌનો હૃદયપૂર્વક આભારી છું. લેખમાળાનું આયોજન કર્યું ત્યારે એમાં વિદ્યમાન સર્જક સાહિત્યકારો વિશે જ લખવાનો ખ્યાલ હતો. પછી એમાં વિવેચકો અને ચિંતકો પણ ઉમેરાયા. આ સમયગાળા દરમ્યાન અવસાન પામેલા સાહિત્યકારોને અંજલિ આપ્યા વગર કેમ રહેવાય? એટલે થોડા દિવંગત લેખકો વિશેનાં લખાણોનો પણ સમાવેશ થયો. આ રીતે ૧૩૧ લેખકો વિશેનાં લખાણો બે ભાગરૂપે પ્રગટ કર્યાં છે. પહેલા ભાગમાં ૬૪ અને બીજા ભાગમાં ૬૭ લેખકો વિશેનાં લખાણો આપ્યાં છે. લેખકોનો ક્રમ જન્મતારીખ પ્રમાણે ગોઠવ્યો છે અને દરેક લેખની નીચે એની પ્રસિદ્ધ થયાની તારીખ મૂકી છે. સ્વાભાવિક રીતે જ તે તે સાહિત્યકારની સિદ્ધિ કે જીવનના પ્રસંગો નિર્દિષ્ટ તારીખ સુધીના છે. જેમને વિશે લખવું જોઈતું હતું તેવા કેટલાક લેખકો રહી ગયા છે એનો મને રંજ છે. પણ એ તો હવે થાય ત્યારે... ‘ફૂલછાબ’માં પ્રગટ થયેલાં આ લખાણોને અહીંતહીં થોડાં સંમાર્જિત પણ કર્યાં છે. કેટલાક દાખલાઓમાં મોટા ફેરફાર થયા છે અને તે તે લેખનું કદ પણ એથી વધ્યું છે. શ્રી સુન્દરમ્ વિશે અગાઉ ‘તપોવન’માં મેં લખેલું, એનો ઉપયોગ અહીં કર્યો છે. લેખોની અહીં આપેલી વાચનાને અધિકૃત ગણવી. હસ્તપ્રત તૈયાર કરવામાં ડૉ. ધીરુ પરીખની કીમતી મદદ મળી છે. પ્રૂફ-વાચનમાં શ્રી બાલુભાઈ પારેખે હમેશની આત્મીયતાપૂર્વક મદદ કરી છે. આ બંને મિત્રોનો ખૂબ આભારી છું. લેખમાળા પ્રગટ થતી જતી હતી ત્યારે જ એ પુસ્તકરૂપે પ્રગટ કરવાનો ઉત્સાહ દાખવનાર શ્રી ભગતભાઈ શેઠ અને શ્રી ધીરુભાઈ મોદીના સ્નેહભાવનું સાનંદ સ્મરણ કરું છું. આ લખાણો સાહિત્યપ્રેમીઓ–સાહિત્ય અભ્યાસીઓને કાંઈકે ઉપયોગી નીવડશે તો મને આનંદ થશે.
૨, અચલાયતન સોસાયટી
નવરંગપુરા, અમદાવાદ ૩૮૦ ૦૦૯
૨૫ માર્ચ ૧૯૮૩
રમણલાલ જોશી