શબ્દલોકના યાત્રીઓ – ૨/પિનાકિન દવે

પિનાકિન્ દવે

૧૯૬૪-૬પમાં ડૉ. પિનાકિન્ દવે એક દિવસ તેમની નવલકથા ‘વિશ્વજિત’ના ફરમા લઈ મને મળ્યા. પુસ્તક વિશે કંઈ લખવાનો આગ્રહ કર્યો. હું એ નવલકથા વાંચી ગયો અને તૃપ્તિ અનુભવાઈ. ‘વિશ્વજિત્’ એમની પહેલી નવલકથા. વિવેચકો અને સાહિત્યરસિકોએ એની પ્રશંસા કરી. તેમણે પૌરાણિક વિષય લીધો છે. પૌરાણિક વાતાવરણની સુંદર જમાવટ તે કરી શક્યા છે અને પૌરાણિક વિગતોનો ભરપટ ઉપયોગ થવા છતાં કૃતિ રસપર્યવસાયી બની છે. આ કૃતિને ગુજરાત સરકારનું પારિતોષિક મળેલું. એનો હિન્દીમાં પણ અનુવાદ થયો છે. અલ્લાહાબાદના સ્મૃતિ પ્રકાશને ‘વિશ્વજિત્’ ઉપરાંત ‘અનુબંધ’ અને ‘વિવર્ત’ જેવી તેમની નવલકથાઓના હિન્દી અનુવાદો પ્રગટ કર્યા છે અને હિન્દી સાહિત્યજગતે પણ આ નવલકથાકારની શક્તિઓને બિરદાવી છે. ‘વિશ્વજિત્’ આ રીતે તેમની કીર્તિદા કૃતિ નીવડી. આ નવલકથા હૈહયો અને ભૃગુઓ, ક્ષત્રિયો અને બ્રાહ્મણોના દીર્ઘકાલીન યુદ્ધને લગતી છે. આ યુદ્ધકાળ દરમ્યાન બંને પક્ષોની તૈયારીઓ, જીવ સટોસટના મરણિયા પ્રયાસો અને એમાં તવાયે જતું સમાજજીવન એ સઘળાનો ચિતાર સારી રીતે આપવામાં આવ્યો છે. આ ગજગ્રાહ માત્ર ભિન્ન પક્ષો વચ્ચેનો કે બે વર્ણો વચ્ચેનો ન હતો; પરંતુ બે ભિન્ન ભિન્ન જીવનપદ્ધતિઓ વચ્ચેનો હતો. આર્યાવર્ત જીતીને વિશ્વજિત યજ્ઞ કરવાની પોતાની મહેચ્છા પરશુરામ પરિપૂર્ણ કરે છે પણ લાંબા યુદ્ધની કાલિમા સમગ્ર પ્રજાજીવન ઉપર એના ઓળા પાથરે છે અને ધ્યેય સિદ્ધ થવા છતાં એક ખટકો રહી જાય છે. પરશુરામનો આ યજ્ઞ તે વાસ્તવમાં તો પ્રજાનો મુક્તિયજ્ઞ હતો. એક તસુ પણ ભૂમિ ન જીતવાની ભાવના એની પાછળ હતી. તેમને તો માત્ર ‘વિષાદને ધોઈ નાખી સૌના મુખ પર લાદવી હતી પ્રસન્નતા — મુક્ત માનવીની પ્રસન્નતા.’ આ નવલકથામાં વીર અને શૃંગારરસના નિરૂપણમાં લેખકની શક્તિ જોવા મળે છે. કર્ણિક અને માધવી, વિતથ અને વાસંતિકા જેવાં યુગલોની પ્રેમકથા હૃદયસ્પર્શી બની છે. રામ જામદગ્ન્ય ‘ભગવાન પરશુરામ’ બન્યા ત્યાં સુધીની તેમની વિકાસકથા સંક્ષેપમાં આપીને એક મહાન યોદ્ધા, કાબેલ મુત્સદ્દી અને વત્સલ કરુણાનિર્ઝરતા ઋષિની ભવ્ય ઉદાત્ત મૂર્તિ લેખકે ઉપસાવી છે. પરશુરામના આ અતિકાય પાત્રને પડછે અન્ય પાત્રો પણ સારો ઉઠાવ પામ્યાં છે. મયસ્કર, અમાત્ય નીલકંઠ, સારથિ પ્રદ્યોત, ઉગ્ર અક્કા, છાયા, જગતી અને હિરણ્યા જેવાં પાત્રો હૂબહૂ ચીતરાયાં છે. ડૉ. પિનાકિન્ દવેનો જન્મ ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે તા. ૧૦ જૂન ૧૯૩પના રોજ થયો હતો. પિતાનું નામ નટવરલાલ. તે પુરાણી તરીકે પ્રસિદ્ધ છે. પિનાકિનભાઈએ પણ મુખ્ય વિષય સંસ્કૃત લઈને એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો અને પિતાના સંસ્કારોને અનુરૂપ જ ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ કર્યો. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી મહાન જૈન કવિ અને દાર્શનિક આચાર્ય સિદ્ધસેન દિવાકર ઉપર મહાનિબંધ લખી પીએચ.ડી.ની પદવી મેળવી. વચ્ચે તેઓ અન્ય વ્યવસાયમાં હતા. હાલ તે અમદાવાદની વિવેકાનંદ આર્ટ્સ કૉલેજમાં સંસ્કૃતના અધ્યાપક છે. તેમની બીજી વિશિષ્ટ કૃતિ તે લઘુનવલ ‘વિવર્ત’ છે. એમાં વિનય નામે એક કોઢના રોગીની કથા કહેવાઈ છે. મરાઠીમાં સુમતિ ક્ષેત્રમાડેએ ‘મહાશ્વેતા’માં એક કોઢવાળી સન્નારી સુધાની કરુણ કથા આપી છે, પણ ત્યાં સામાજિક સંઘર્ષ વિશેષ છે. ડૉ. પિનાકિન્ દવે મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી એક વેદનાગ્રસ્ત મનુષ્યના બાહ્યાંતર સ્વરૂપને આલેખે છે. તેમનું આલેખન સૂક્ષ્મ અને સંકુલ છે. પ્રતીકોનો સફળ વિનિયોગ અને સુગ્રથિત ગૂંથણીને કારણે ‘વિવર્ત’ નવી પ્રયોગશીલ નવલકથાઓમાં માનભર્યા સ્થાનની અધિકારી છે. આ નવલકથા હિન્દીમાં અગાઉ કહ્યું તેમ, ‘સૂખે છિલકે’ નામે પ્રગટ થઈ છે. ‘અનુબંધ’માં તેમણે પન્નાલાલની જેમ પ્રાદેશિક રંગોની કલાત્મક પૂરણી કરી છે. ‘ઊર્ધ્વબાહુ’માં મુંબઈ મહાનગરીની પાંચ રૂમની એક નાનકડી ચાલીની કથા આલેખી છે. પાંચે રૂમની અલગ અલગ કથાઓ એકસૂત્રે ગૂંથી છે. ધર્મથી વિરુદ્ધ અર્થ અને કામના સંઘર્ષોનું આલેખન કર્યું છે. ‘અનિકેત’માં શુદ્ધ વર્તમાન જીવવાનો પ્રયત્ન કરવામાં ઘરને ત્યજી જતા નાયકના જીવનમાં ભૂતકાળ તેને વળગીને જ રહે છે. ‘આઉટ સાઈડર’નો આ બીજો છેડો છે. ‘ત્રીજો સૂર’માં બે કૉલેજિયનનો સેક્સનો સંઘર્ષ બતાવાયો છે. ‘આધાર’માં એક રમા નામે નર્સની કથા આપી છે. નવાં કથાવસ્તુ લેવાં અને કલાત્મક માવજત કરવી, ઊંચી કક્ષા જાળવીને પણ લોકપ્રિય થવું એ જાણે કે તેમને સહજ છે. નવલકથા ઉપરાંત તેમણે ‘તૃપ્તિ’, ‘ડૂબતા અવાજો’ એ બે વાર્તાસંગ્રહો દ્વારા ટૂંકી વાર્તાના સ્વરૂપમાં પ્રયોગો કર્યા છે, અભ્યાસ લેખોનો સંગ્રહ ‘પૂર્વપક્ષ’ પ્રગટ થયો છે. એમાં મુખ્યત્વે સંસ્કૃત સાહિત્યનો તેમનો અભ્યાસ જોવા મળે છે. સૌમ્ય અને સ્વસ્થ પ્રકૃતિના આ નવલકથાકાર સર્જક સાહિત્યના રાજકારણમાં બિલકુલ સંડોવાયા વગર હંમેશાં વિદ્યા અને સાહિત્યમાં રત રહે છે. સર્જક તરીકેની પિનાકિનની વિવિધ શક્તિઓ જોતાં આવતી કાલે ગુજરાતી સાહિત્યમાં તે એક મોટા ગજાની કૃતિ લઈ આવે તો કોઈને આશ્ચર્ય થશે નહિ.

૧૧-૬-૭૮