શબ્દલોકના યાત્રીઓ – ૨/લાભશંકર ઠાકર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
લાભશંકર ઠાકર

લાભશંકરને તે ૧૯પ૭-પ૯ દરમ્યાન ભાષા સાહિત્ય ભવનમાં ગુજરાતી વિષય સાથે એમ.એ.ને અભ્યાસ કરતા હતા ત્યારથી ઓળખું. તે મારા ભાણા રતિલાલ દવેના મિત્ર, લાભશંકર, રતિલાલ અને રાધેશ્યામની ત્રિપુટી. ત્રણેને એકસાથે જ અનેક વાર મેં જોયા છે. મારા મન ઉપર આ ત્રણેની એક એકમ રૂપે છાપ પડેલી છે. લાભશંકર અને રાધેશ્યામ સાહિત્યમાં રહ્યા, રતિલાલ સાહિત્યની સામગ્રી જેમાંથી આવે છે એ જીવનવિચાર તરફ વળ્યા. લાભશંકરનો જન્મ ૧૪મી જાન્યુઆરી ૧૯૩પના રોજ થયેલો. એ દિવસ ઉત્તરાયણનો. સાહિત્યક્ષેત્રની એમની કામગીરીનો એ દિવસ સાથે મેળ પડે છે! એમનું મૂળ વતન સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા તાલુકાનું સેડલા ગામ. કુટુંબ વર્ષોથી પાટડી આવી વસેલું. પિતાશ્રી જાદવજી વૈદ્ય પાટડીવાળા પુસ્તકો અને લેખનના શોખીન. તે શનિ-રવિ પ્રૅક્ટિસ કરવા અમદાવાદ આવે. મેઘાણી, ચુનીલાલ વર્ધમાન શાહ વગેરેનાં પુસ્તકો તેમના ઘરની લાઈબ્રેરીમાંથી વાંચવા મળે. પિતાજી અમદાવાદથી પાટડી જાય ત્યારે પોતાની બૅગમાં નવાં સામયિકો કે પુસ્તકો હોય જ! લાભશંકરને કિશોર વયે વાચનસામગ્રી અનાયાસ મળી જતી. ‘પ્રજાબંધુ’ સાપ્તાહિક તે રસપૂર્વક વાંચતા. માતા પ્રભાવતીબહેનને ગાવાનો શોખ. લગ્નગીતો અને ગરબા વગેરે તે મીઠી હલકથી ગાતાં. લાભશંકર બાને આગ્રહ કરી ગવડાવ્યા કરે. આમ, એમને ઘરના વાતાવરણમાંથી જ સાહિત્યના સંસ્કારો મળ્યા. સાહિત્ય અને વિદ્યાનો વ્યાસંગ પિતાજી પાસેથી અને લય માતા પાસેથી. બાળવયે લાભશંકરમાં કવિતાનું બીજ રોપાયું અને સંવર્ધિત થયું. લાભશંકરે મુખ્યત્વે કવિતા અને નાટકના ક્ષેત્રે કાર્ય કર્યું છે. એનો પાયો અહીં નખાયો હતો. લાભશંકરે આઠમા ધોરણ સુધીનો અભ્યાસ પાટડીમાં કર્યો. માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં મેળવ્યું. પહેલાં ખાડિયાના ભારતી વિદ્યાલયમાં અને પછીથી મણિનગરની જય હિંદ હાઈસ્કૂલમાં. ૧૯પ૭માં તે મુખ્ય વિષય ગુજરાતી અને ગૌણ વિષય સાઈકોલૉજી સાથે ગુજરાત કૉલેજમાંથી બી.એ. થયા. ૧૯પ૯માં મુખ્ય વિષય ગુજરાતી અને ગૌણ વિષય સંસ્કૃત સાથે ભાષા સાહિત્ય ભવનમાંથી એમ. એ. થયા. એમ.એ.ના અભ્યાસકાળ દરમ્યાન એક વાર મારા સહકાર્યકર ડૉ. પ્રબોધ પંડિતે લાભશંકરની ભાષાશાસ્ત્ર જેવા વૈજ્ઞાનિક વિષયની પકડ વિશે પ્રશંસાના ઉદ્ગાર કાઢ્યા હતા. એમ.એ. થયા પછી તે વૈદકની કૉલેજમાં ભણવા ગયા. અમદાવાદ આયુર્વેદ મહાવિદ્યાલયમાં પાંચ વર્ષ અભ્યાસ કરી ડી.એસ.એસ. સી.ની પદવી મેળવી અને ૧૯૬૪થી સ્વતંત્ર પ્રેકિટસ શરૂ કરી. પ્રેકિટસની સાથોસાથ તેમણે સ્થાનિક કૉલેજોમાં ગુજરાતીના વ્યાખ્યાતા તરીકેની કામગીરી બજાવેલી પણ પછી એ કામ છોડી દીધું અને માત્ર વૈદ્ય તરીકેની કારકિર્દી ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. અત્યારે તે અમદાવાદમાં બે ક્લિનિક ચલાવે છે. મુખ્યત્વે તે કન્સલ્ટન્ટ છે. મુંબઈ પણ મહિનામાં એક વાર જાય છે. વૈદ્ય તરીકે તે ચરક સ્કૂલના આત્રેય સંપ્રદાયના ગણાય. આત્રેયનું બીજું નામ પુનર્વસુ હતું. લાભશંકર પણ ‘પુનર્વસુ’ના નામથી આયુર્વેદ વિશેના લેખો લખે છે. ‘ચરક સંહિતા’માં તેમની અગાધ શ્રદ્ધા છે. આત્રેયના તદ્વિદ સંભાષા (સેમિનારનું) સંકલન તે જ ચરકસંહિતા. આત્રેયનું બીજું નામ પુનર્વસુ હતું. લાભશંકરે વૈદ્યકીય લખાણો માટે પુનર્વસુ તખલ્લુસ રાખેલું છે. લાભશંકરે પોતાના દવાખાનાનું નામ ‘કાય ચિકિત્સા’ રાખેલું છે. તે પણ પુનર્વસુના વૈદકીય સિદ્ધાન્ત અગ્નિ તત્ત્વને અનુલક્ષે છે. સાહિત્યમાં ક્રાન્તિ લાવવાની ભાવનાથી તેમણે અને મિત્રોએ ‘રે મઠ’ની સ્થાપના કરેલી એ દિવસોમાં આ ‘કાય ચિકિત્સા’ને લેખકો ‘કાવ્ય ચિકિત્સા’ કહેતા! પરંપરા સાથે સમૂળગો વિચ્છેદ કરી સાહિત્યના માપદંડો બદલવાની આ મિત્રોની માગણી હતી. ‘રે મઠ’ તરફથી ‘રે કૃતિ’ અને ‘ઉન્મૂલન’ નામે સામયિકો પણ કાઢવામાં આવેલાં. પરંપરાગત કવિઓનાં પૂતળાં પણ લટકાવેલાં અને જીવતે જીવત એમની શ્રાદ્ધક્રિયા કરેલી! પણ અત્યારે ‘રે મઠ’ વિસર્જિત થયો છે, અને “કૃતિ, નહિ, કે સંસ્કૃતિ” એમ કહેનાર લાભશંકર અને તેમના મિત્રોની કેટલીક કવિતા ‘સંસ્કૃતિ’માં પણ છપાય છે! હવે એવો ક્રાન્તિકારક મિજાજ દેખાતો નથી. ‘રે મઠ’ના મિત્રો પણ પોતપોતાની ચાલે ચાલે છે. લાભશંકર સાચકલા માણસ છે. એમના મિત્રો પણ અમુક સામયિકોમાં આધુનિક જીવનરીતિનો ઉપહાસ કરે, પરંપરાગત માધ્યમને છાંડીને અછાંદસમાં લખે અને એ જ મિત્રો બીજાં સામયિકોમાં ગીત અને ગઝલ લખે એ એમને પસંદ નથી. આને તે એક બુનિયાદી વિસંવાદ લેખે છે. સાહિત્યક્ષેત્રની આ એક વલ્ગેરિટી છે એમ તેમણે વાતવાતમાં કહેલું. એક તરફ સાંપ્રત જીવનની વિસંગતિનો પુરસ્કાર કરવો અને બીજી તરફ ફાગણનાં ગીતો લલકારવાં એ એક જ માણસથી શી રીતે બની શકે એ તેમનો પ્રશ્ન છે. લાભશંકર પરંપરાથી ઊફરા ચાલ્યા છે. ૯–૧૦ વર્ષની ઉંમરે ‘બહુરૂપી’માં તેમનું કાવ્ય છપાયેલું અને ઇન્ટરમાં ભણતા હતા ત્યારે ‘કવિતા’ના કોઈ મણકામાં પહેલી નોંધપાત્ર રચના છપાયેલી. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘વહી જતી પાછળ રમ્યઘોષા’ ૧૯૬પમાં પ્રગટ થયો. એમાં ગદ્ય કવિતાની સાથે છંદોબદ્ધ રચનાઓ પણ છે. લાભશંકરે ક્ષમતાપૂર્વક છંદો પ્રયોજી છંદોને છોડી દીધા છે. એ પછી સળંગ કાવ્ય ‘માણસની વાત’ અને ‘મારા નામને દરવાજે’ અને ‘બૂમ કાગળમાં કોરા’ એ બે સંગ્રહો પ્રગટ થયા છે. લાભશંકરની કવિતા એ ગુજરાતી કવિતામાં આધુનિકતાનો પ્રથમ પ્રબલ ઉઘાડ છે. સંવેદનશીલ મનુષ્યની. એના વ્યક્તિત્વની છિન્નભિન્નતાની વેદનાને તેમણે વાચા આપી છે. “મરી ગયેલાં શરીરોની ઉચ્છલ સુંગધ”નો પ્રથમ સંગ્રહ આપનાર લાભશંકર, “મારા મૃત્યુના ટીપામાં તણાતી ઈશ્વરની લાશને વગે કરવા બાવીસ વર્ષથી હું કવિતા લખું છું” એમ કહે છે અને બત્રીસ વર્ષનું સરવૈયું કાઢતાં “શબ્દબ્રહ્મના ઊકળતા તેલમાં મારાં બત્રીસ વર્ષ બળી ગયાં છે” એવી અનુભૂતિ વ્યક્ત કરે છે તો આજે તેતાળીસ વર્ષે તેમને શું શું કહેવાનું નહિ હોય? જુઓ ‘કવિતા’ના હસ્તાક્ષર વિશેષાંકમાં જગદીશ જોષીના અવસાન પછી લખેલો હરીન્દ્ર દવેને પત્ર. લાભશંકરની કવિતા Highly individualist છે. એમનો અવાજ પોતીકો છે. અગાઉના કવિઓની જીવનદૃષ્ટિ અને કવનદૃષ્ટિ બંને સામે એમને વિરોધ છે. વધુમાં તે કહે છે કે પશ્ચિમના કોઈ પણ કવિનો તેમણે ખાસ અભ્યાસ કર્યો નથી. ગુજરાતી મધ્યકાલીન કવિઓમાં નરસિંહ, મીરાં, પ્રેમાનંદ અને દયારામ અને અર્વાચીનોમાં ન્હાનાલાલ, બળવંતરાય, કાન્ત અને હરિશ્ચન્દ્ર તેમને ગમે છે, પણ કોઈનોય પ્રભાવ તેમના પર નથી. સમકાલીન કવિઓમાં એકમાત્ર સિતાંશુ યશશ્ચન્દ્રની કવિતા તેમને ગમે છે. કવિતા ઉપરાંત લાભશંકરનો બીજો રસનો વિષય નાટક છે. મધુ રાય આદિની સાથે તેમણે પ્રયોગશીલ નાટ્ય સંસ્થા ‘આકંઠ સાબરમતી’ની સ્થાપના કરેલી. અગાઉ તેમણે સુભાષ શાહ સાથે ત્રિઅંકી નાટક ‘એક ઉંદર ને જદુનાથ’ અને ‘રે મઠ’ના મિત્રો સાથે એકાંકી સંગ્રહ ‘મેઈક બિલીવ’ સંગ્રહ પ્રગટ કરેલો. ‘મરી જવાની મઝા!’ એ તેમનો જાણીતો એકાંકી સંગ્રહ છે. તાજેતરમાં કલકત્તામાં ‘મનસુખલાલ મજીઠિયા’ વાંચ્યું હતું. અમદાવાદની કોરસ સંસ્થા તરફથી તે ભજવાશે. તેમણે બીજું એક પૂરા કદનું નાટક ‘પીળું ગુલાબ’ લખ્યું છે, તે દર્પણ સંસ્થા તરફથી ભજવાશે. લેખક પોતે એનું દિગ્દર્શન કરે છે. એમાં મુખ્ય પાત્રની ભૂમિકા દામિની મહેતા ભજવશે. નાટક ઉપરાંત લાભશંકરે ‘અકસ્માત’ અને ‘કોણ?’ એ પ્રયોગશીલ નવલકથાઓ પણ લખી છે. વચ્ચે લાભશંકરે વિવેચન-પ્રવૃત્તિની નિરર્થકતા સ્થાપવાનો નિરર્થક પ્રયત્ન કરેલો! (જોકે પોતાના કાવ્યસંગ્રહોમાં વિવેચક મિત્રોએ કરાવેલા એમનાં કાવ્યોના રસાસ્વાદો તે જોડતા રહ્યા છે.) તેમણે પોતે દિનેશ કોઠારી સાથે નવલકથાના સ્વરૂપની ચર્ચા કરતું પુસ્તક ‘ઈનર લાઈફ’ લખ્યું છે અને ચિનુ મોદી સાથે ‘મળેલા જીવ’ની આદર્શ ગાઈડ પ્રગટ કરેલી છે. સર્જક અને વ્યક્તિ ઉભય તરીકે લાભશંકરમાં એકવાક્યતા છે. અત્યંત સૌહાર્દ્રપૂર્ણ નિખાલસ અને પ્રેમાળ, છેલ્લાં પંદરેક વરસના ગુજરાતી સાહિત્યની એ એક વિરલ પ્રતિભા છે. ગુજરાતી કવિતાને તેમણે નવો વળાંક આપ્યા પછી પણ તે ઠીંગરાઈ ગયા નથી. પ્રત્યેક ઇંચ તે જીવંત સર્જક છે. ગુજરાતી સાહિત્યરસિક વર્ગ એમના તરફ આશાભરી મીટ માંડી રહ્યો હોય એમાં શું આશ્ચર્ય?

૨૬-૧૧-૭૮