શબ્દલોકના યાત્રીઓ – ૨/પુષ્કર ગોકાણી
શ્રી પુષ્કર ગોકાણીને ઈતિહાસ, પુરાતત્ત્વ, ધર્મ, તત્ત્વજ્ઞાન અને જાસૂસી કથાઓમાં રસ છે. તેમણે આ બધા વિષયો પર ઘણું લખ્યું છે. ‘જનકલ્યાણ’, ‘વિચાર વલોણું’માં તેમના લેખો પ્રગટ થાય છે. ‘કુમાર’માં એમની લેખમાળાઓ પ્રગટ થયેલી છે. એમનાં પુસ્તકો પણ પ્રગટ થયાં છે. લેખક હોવા ઉપરાંત તેઓ લેખકોના એટલે કે એમના સાહિત્યના સાચા પ્રેમી છે. સૌરાષ્ટ્રના વતની શ્રી પુષ્કરભાઈ સાહિત્ય અને સંસ્કારની પ્રવૃત્તિઓના આરંભમાં અને સંવર્ધનમાં પોતાનો ફાળો આપે છે. આજે દ્વારકાની સાહિત્ય પ્રવૃત્તિઓના તો તે પ્રાણ સમા છે. શબ્દથી શબ્દની પાર જવાની મનીષા સેવનાર શ્રી પુષ્કર ગોકાણીનો જન્મ ૧૯૩૧ના જૂનની ૨૩મી તારીખે દ્વારકામાં થયો હતો. પ્રાથમિક શાળામાં હતા ત્યારે જ તેમને હસ્તલિખિત માસિક શરૂ કરવાની ઈચ્છા થઈ. નામ રાખ્યું ‘વિદ્યાર્થી’. નાનપણમાં વવાયેલાં આ બીજ પછી પાંગર્યા. આ ‘વિદ્યાર્થી’ના તંત્રીએ જ મોટપણે ‘બોધિ’ માસિકનું એકાદ વર્ષ તંત્રીપદ સંભાળેલું. માધ્યમિક શિક્ષણ પણ દ્વારકામાં લીધું. વલ્લભવિદ્યાનગરની કૉલેજમાં ડગ માંડ્યાં એવામાં જ ‘અખંડ આનંદ’માં તેમની સત્યકથા પ્રગટ થયેલી. વિદ્યાનગરમાં તે સિવિલ એન્જિનિયર થયા. ગુજરાતીનો અભ્યાસ આમ તો છૂટી ગયેલો, પણ વાચન ચાલુ હતું. ‘કુમાર’માં તે લખવા લાગ્યા. ટૂંકી વાર્તાઓ, રૂપાન્તરો, ભાવાનુવાદ વગેરે પ્રગટ થયા. લઘુનવલ સમી બે મૌલિક રહસ્યકથાઓ ‘એલિબાઈ’ અને ‘નવી સેક્રેટરી’ હપતાવાર ‘કુમાર’માં પ્રગટ થઈ. ‘કુમાર’ના તંત્રી બચુભાઈ રાવતે લખવાની પ્રેરણા આપી. પરિણામે અમેરિકાની એફ.બી.આઈ., ઇંગ્લૅન્ડની ન્યૂ સ્કૉટલૅન્ડ યાર્ડ, કૅનેડાની માઉન્ટીઝ, ફ્રાંસની સુર્તે અને ભારતની સી.બી.આઈ. સાથે તથા વિશ્વની ગુનાશોધન સંસ્થા ઈન્ટરપોલ સાથે સંપર્કમાં રહી તેમણે ગુનાશોધન વિશે તલસ્પર્શી લખાણો લખવા માંડ્યાં. આપસૂઝથી દૃષ્ટાંતો યોજી એ લેખમાળાને તેમણે રસસભર બનાવી. એમાં વૈદકીય, રાસાયણિક, ભૌતિકશાસ્ત્રી જેવા તજજ્ઞોને મળીને ગુનાશોધનમાં તપાસની કાર્યવાહીને સરળતાપૂર્વક રજૂ કરી. આ લેખમાળા છ વર્ષ ચાલી. મુંબઈની એન. એમ. ત્રિપાઠી કંપનીએ ‘અચેતન સાક્ષીઓ’ નામે પુસ્તક રૂપે એને પ્રગટ કરી છે. કેટલીક લઘુનવલો, જે ચારપાંચ હપતામાં પૂરી થાય તેવી તેમણે ‘જન્મભૂમિ’, ‘સંદેશ’, ‘નવચેતન’ વગેરેમાં લખેલી. એનો સંગ્રહ પણ ત્રિપાઠી કંપની તરફથી તરતમાં પ્રગટ થશે. કલકત્તામાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં તેમણે દ્વારકા વિશે એક સુદીર્ઘ સંશોધન નિબંધ વાંચેલો. એ વખતે પુરાતત્ત્વ સંશોધન વિભાગના પ્રમુખ ડૉ. સાંકળિયાએ એને બિરદાવેલો. એ પછી ‘સૂર્યમંદિર’ વિશે તેમજ અન્ય ઐતિહાસિક પૌરાણિક વિષયો અંગે તેમણે ‘પથિક’ વગેરે સામયિકોમાં લેખો લખ્યા છે. ગુજરાત ઈતિહાસ પરિષદના તે આઠ વર્ષથી ઉપપ્રમુખ છે. તેમના નિમંત્રણને માન આપી ગુજરાત ઇતિહાસ પરિષદનું ચોથું અધિવેશન ૧૯૭૩માં ડૉ. સાંકળિયાના પ્રમુખપદે દ્વારકામાં યોજયું હતું ત્યારે પુષ્કરભાઈએ ‘દ્વારકા સર્વસંગ્રહ’નું સંપાદન કર્યું હતું. ભાવનગરથી પ્રકાશિત થતી સર્વસંગ્રહ પ્રકાશન-શ્રેણીના તે પરામર્શક છે. ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિના સભ્ય તરીકે તેમણે દશ વર્ષ કામ કર્યું છે. ૧૯૬૬માં દ્વારકામાં મળેલા પરિષદના ‘જ્ઞાનસત્ર’ને નિમંત્રવામાં અને એને સફળ બનાવવામાં શ્રી ગોકાણીનો મોટો ફાળો છે. તેમણે શરૂ કરેલી જ્ઞાનસત્ર વ્યાખ્યાનમાળા હજુ ચાલે છે. આ ઉપરાંત દ્વારકાની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમનાં પત્ની જયશ્રીબહેનના સહયોગમાં તે સતત કરતા રહે છે. આમ તો સિવિલ એન્જિનિયર પુષ્કરભાઈ પોતાના ધંધામાં ગળાબૂડ રહે છે; પરંતુ સાહિત્ય અને પ્રાચીન ઈતિહાસમાં એમને એવો જીવંત રસ છે, કે એ અંગે અવારનવાર લેખો કે ચર્ચાસભાઓનું તે આયોજન કરે છે. ‘કુમાર’, ‘નવચેતન’, ‘નવનીત’, ‘સમર્પણ’, ‘પથિક’, ‘જનકલ્યાણ’માં તેમના લેખો અવારનવાર પ્રગટ થાય છે. આકાશવાણી પર એમની નાટિકાઓ અને પુરાતત્ત્વવિષયક વાર્તાલાપો પ્રસારિત થાય છે. પુષ્કરભાઈને ધર્મમાં પણ ઊંડો રસ છે. સ્વામી પ્રકાશાનંદજી, પાંડુરંગ શાસ્ત્રી, રામકૃષ્ણ મિશનના સાધુઓના તે નિકટ પરિચયમાં આવેલા છે. ગુર્જિફ, કૃષ્ણમૂર્તિ અને રજનીશજીનાં લખાણોનો તેમણે અભ્યાસ કર્યો છે અને અનુવાદો પણ કર્યા છે. ‘મન અને યોગ’ ઉપર તેમણે ઘણાં પ્રવચન આપ્યાં છે. ‘જનકલ્યાણ’માં તેમણે ‘માનવીનાં મન’ નામે લેખમાળા લખેલી. એનો પહેલો ભાગ ‘માનવીનાં મન’ નામે ગ્રંથાકારે પ્રગટ થયેલો. એક વર્ષમાં એની પંદર હજાર નકલો ખપી ગઈ. ‘માનવીનાં મન’નો બીજો ભાગ હમણાં પ્રગટ થયો છે. ‘ઓળખ આપણી પોતાની’ અને ‘શરીર મનોવિજ્ઞાન’ વિશે ‘બોધિ’માં પ્રગટ થયેલા લેખોનું પુસ્તક હાલ છપાઈ રહ્યું છે. તેમને જ્યોતિષશાસ્ત્રમાં પણ રસ છે. ‘જન્મભૂમિ’ અને ‘સંદેશ’ પ્રત્યક્ષ પંચાગોમાં એમના આ વિશેના લેખો પ્રગટ થાય છે. ‘જ્યોતિષદીપ’માં પણ તે લખે છે. ‘તંત્ર અને સ્વબોધ’ ઉપર તે લેખમાળા તૈયાર કરી રહ્યા છે. તે સામાજિક અને શિક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. દ્વારકા મ્યુનિસિપાલિટીમાં મૅનેજિંગ કમિટીના ચેરમૅનપદે તે પાંચ વર્ષ રહ્યા. એ પછી દ્વારકા નગર પંચાયતમાં સેવા આપી. દસ વર્ષ તે દ્વારકા નગર ન્યાય પંચાયતના સમાધાન પંચના સભાપતિ રહ્યા. લાયન્સ ક્લબ, જાહેર પુસ્તકાલય, યુવક મંડળ વગેરેના પ્રમુખસ્થાનેથી તેમણે નગરની સારી સેવા કરી છે. શારદાપીઠ આર્ટ્સ ઍન્ડ એજયુકેશન કૉલેજ, ભારતીય સંશોધન મંદિર, દ્વારકાધીશ સંસ્કૃત એકૅડૅમી જેવી સંસ્થાઓ ચલાવનાર શારદાપીઠ વિદ્યાસભાના તેઓ વીસ વર્ષથી મંત્રી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સેનેટમાં રહીને તેમણે પાંચ વર્ષ બોર્ડ ઑફ ઍકાઉન્ટ્સમાં કામ કર્યું છે. બીજી અનેક સંસ્થાઓને તેમની સેવાનો લાભ મળે છે. આર્કિયૉલૉજિકલ સરવે ઑફ ઇન્ડિયા, વડોદરાના તેઓ દ્વારકા ખાતેના સલાહકાર છે. આમ, પુષ્કરભાઈ ગોકાણી સૌરાષ્ટ્રના એક ગણનાપાત્ર લેખક છે. સાત્ત્વિક પ્રકૃતિ અને સેવાભાવી વૃત્તિએ અનેક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવા છતાં તે મોકળાશથી જીવે છે. જીવન જીવતાં જીવતાં અસ્તિત્વની ખોજમાં રહેવું અને જીવનની પ્રાપ્તિને અભિવ્યક્ત કરવા માટે વાગીશ્વરીની આરાધના કરવી એ એમનો જીવનમંત્ર છે. વાગીશ્વરીનાં સુંદર કર્ણફૂલ તે આપે એમ ઈચ્છીએ.
૨-૩-૮૦