શબ્દલોકના યાત્રીઓ – ૨/લલિતકુમાર શાસ્ત્રી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
લલિતકુમાર શાસ્ત્રી

આકાશવાણીના ‘અમૃતધારા’ કાર્યક્રમમાં રોજ સવારે લલિતકુમાર શાસ્ત્રીનો મંજુલ અવાજ ઘણાએ સાંભળ્યો હશે. અત્યારે તે અમદાવાદના રેડિયો સ્ટેશન પર પ્રોગ્રામ એકિઝક્યુટિવ તરીકે કાર્ય કરે છે. પંદરેક વર્ષથી તે આકાશવાણીમાં કાર્ય કરે છે. તેમણે અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું છે. આકાશદીપ, સાહિત્ય પત્રિકા, પ્રજાજીવનના પ્રશ્નોનો કાર્યક્રમ, અમૃતધારા વગેરે કાર્યક્રમો સફળ થયા છે; પરંતુ ગુજરાતી સાહિત્યમાં તે નવલકથાકાર, નવલિકાકાર, ચિંતનાત્મક નિબંધોના લેખક તરીકે જાણીતા છે. શ્રી લલિતકુમાર ભવાનીશંકર શાસ્ત્રીનું મૂળ વતન દાવડ (જિલ્લો સાબરકાંઠા) નામે નાનું ગામ. કુટુંબ વર્ષોથી સુરતમાં વસેલું. તેમના પિતા ભવાનીશંકર શાસ્ત્રી જ્યોતિષી હતા. લલિતકુમારને પણ જ્યોતિષશાસ્ત્રનો ઊંડો અભ્યાસ છે અને તેમણે કરેલી રાજકીય અને અન્ય આગાહીઓ સાચી પડેલી છે. તેમના દાદા કૃપાશંકર શાસ્ત્રી સંસ્કૃત પાઠશાળાના આચાર્ય હતા. એમનો ફોટો બતાવતાં આજે પણ લલિતકુમાર ભાવવિવશ બને છે. દાદાનો તેમની ઉપર મોટો પ્રભાવ પડેલો. લલિતકુમારનો જન્મ ૯મી જુલાઈ ૧૯૩૧ના રોજ તેમના મોસાળ હિરપુરા (તા. વિજાપુર)માં થયો હતો. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ તેમણે સુરતમાં લીધું. એમ. ટી. બી. કૉલેજ, સુરતમાંથી તે ૧૯૬૨માં મુખ્ય વિષય ગુજરાતી અને ગૌણ વિષય હિંદી સાથે બી.એ. થયા અને એ જ સંસ્થામાં ચુનીલાલ ગાંધી વિદ્યાભવનમાંથી એ જ વિષયો સાથે એમ.એ. થયા. તે ભણતા હતા ત્યારથી તેમને ઓળખું છું. એમ. એ. થયા પછી સુરતના ‘પ્રતાપ’ દૈનિકમાં તેમણે કામ કર્યું. ૧૯૬૫માં તે આકાશવાણી પર ‘સ્પોકન વર્ડ’ના પ્રોડ્યુસર નિમાયા. એક દસકા પછી ૧૯૭૫માં તે પ્રોગ્રામ એકિઝક્યુટિવ બન્યા. હાલ એ સ્થાન શોભાવી રહ્યા છે. તેમણે પોતાની લેખન કારકિર્દીનો આરંભ ટૂંકી વાર્તાના લેખનથી કર્યો. ૧૯૫૪માં અમદાવાદથી પ્રગટ થતા ‘રોશની’ વાર્તામાસિકમાં તેમની વાર્તા પ્રગટ થઈ. આ તેમની પ્રથમ પ્રગટ કૃતિ, ચૌદ વર્ષની ઉંમરથી જ લેખક થવાની તેમને હોંશ હતી. શાળામાં ભણતા હતા ત્યારે પોતાના જીવનનું ધ્યેય શું છે એ વિશે નિબંધ લખવાનો આવ્યો. બાળ લલિતકુમારે લખ્યું, ‘મારા જીવનનું લક્ષ્ય લેખક થવાનું છે.’ અને તે લેખક થયા. અત્યાર સુધીમાં તેમનાં વીસેક પુસ્તકો પ્રગટ થયાં છે. તેમની પ્રથમ નવલકથા ‘આંખડી અશ્રુભરી’ ૧૯૬૦માં પ્રગટ થઈ. એમાં સામાજિક રૂઢિઓનો વિષય તેમણે લીધો. ‘અમૃત અને આસવ’માં પણ આ જ વિષય છે. ‘રૂચિરા’, ‘તૂટ્યો તંબૂરાનો તાર’, ‘હૃદય પિયાસી’ વગેરે નવલકથાઓ એક પછી એક પ્રગટ થવા માંડી. ‘આ ધરા, આ માનવી’માં તેમણે મધ્યમવર્ગના આર્થિક પ્રશ્નને કેન્દ્રમાં રાખ્યો છે. તેમની છેલ્લી પ્રગટ નવલકથા ‘આવરણ અનાવરણ’માં આધુનિક પરિણીત સ્ત્રીના જીવનની સમસ્યાને તેમણે નિર્ભીકતાથી નિરૂપી છે. તેમની નવલકથાઓ મોટા ભાગે સામાજિક હોય છે. સમાજના કોઈ ને કોઈ પ્રશ્નને કેન્દ્રમાં રાખીને તે લખે છે. તે વિદ્યાવ્યાસંગી હોઈ અનેક ચીજોનું એમાં સંમિશ્રણ પણ થાય છે. ભાષા પણ સાહિત્યિક સ્તરવાળી તે ક્ષમતાપૂર્વક યોજી શકે છે. તેમની એકાદ કૃતિ સાથે મારી પ્રસ્તાવના હોય એમ તે ઘણાં વર્ષોથી કહ્યા કરે છે. ૧૯૬૫માં પ્રગટ થયેલી ‘ઈશિતા’ નવલકથા વિશે મેં પ્રસ્તાવના લખી પણ ખરી, પણ તે એમને પહોંચે એ પહેલાં પ્રકાશક દ્વારા કૃતિ પ્રગટ થઈ ગઈ! પછી મેં એ લખાણ ‘સંસ્કૃતિમાં અવલોકન રૂપે આપેલું. હજી આજે પણ એમની નવલકથાઓમાં ‘ઈશિતા’ પ્રત્યે મારો પક્ષપાત રહ્યો છે. એમાં બંગાળી અને ગુજરાતી કુટુંબને લગ્નસંબંધથી જોડીને આંતરપ્રાંતીય લગ્નના વિચારને તેમણે મૂર્ત કર્યો એટલા માટે નહિ; પણ એક કથાલેખક તરીકેની તેમની શક્તિઓનો સુંદર સરવાળો એમાં થયો છે એ માટે, કથા કહેવાની ફાવટ, રસ-જમાવટની સૂઝ, પ્રસંગાલેખન, સુવિચારોની ગૂંથણી અને કાવ્યત્વની છાંટવાળી પ્રવાહી ભાષા ‘ઈશિતા’ને એક ગણનાપાત્ર નવલકથાઓમાં સ્થાન અપાવે છે. હજુ લલિતકુમાર આ સ્વરૂપ ઉપર કામ કરી રહ્યા છે અને એમના અંતરની ઈચ્છા એક “મહાનવલ ” લખવાની છે. તો હું પણ ‘પ્રસ્તાવના’ એની જ કાં ન લખું? એ ક્ષણની ટાંપીને રાહ જોતો બેઠો છું! નવલકથા પછી તેમણે ખેડેલું બીજું સાહિત્યસ્વરૂપ ટૂંકી વાર્તાનું છે. ૧૯૬૨માં ‘એક દિવસ માટે’ વાર્તાસંગ્રહને અને ૧૯૬૫માં ‘રંગ રેખા અને રૂપ’ સંગ્રહને રાજ્ય સરકારનાં પારિતોષિકો મળ્યાં હતાં. ‘માધવનો માળો’ પણ તેમનો નોંધપાત્ર વાર્તાસંગ્રહ છે. ‘અસત્યના પ્રયોગો’ નામે સળંગ હાસ્યકટાક્ષની નવલકથા પણ તેમણે લખી છે. લલિતકુમારનો બીજો રસનો વિષય ચિંતનાત્મક નિબંધ છે. ‘અમૃતધારા’ના ૧થી ૪ ભાગ ખૂબ લોકપ્રિય થયા છે. બૃહદ્ ગુજરાત સંસ્કૃત પરિષદ તરફથી શ્રી વિષ્ણુદેવ પંડિતે ‘અમૃતધારા’નો સંસ્કૃત અનુવાદ (સંક્ષિપ્ત) પ્રગટ કર્યો છે. લલિતકુમારના સંસ્કૃતપ્રેમી દાદાનો આત્મા સ્વર્ગમાં પ્રસન્નતા અનુભવશે. ‘અમરવેલ’ ભાગ ૧-૨માં તેમણે સદૃષ્ટાન્ત ચિંતન પીરસ્યું છે. તેમની આત્મકથાનું એક પ્રકરણ ‘સો દિવસ હિમાલયની છાયા’માં પ્રગટ થયું છે. આ બધામાં એમનો અધ્યાત્મનો અને સાધનાનો રસ દેખાય છે. ખાસ કરીને હિમાલયની ગોદમાં હરદ્વારમાં તેમને થયેલો ચમત્કારનો અનુભવ વાચકને અચંબામાં મૂકી દે છે. લલિતકુમારના વ્યક્તિત્વનું આ પાસું પણ મહત્ત્વનું છે. અત્યારે એમનો ઝોક ચિંતનાત્મક ગદ્ય લખવા તરફ છે. કદાચ હવે પછી તે જે મહાનવલ આપનાર છે તે પણ ચિંતનાત્મક જ હશે. પોતાની માતાને કેન્દ્રમાં રાખીને લખાયેલાં આત્મકથાનાં કેટલાંક પ્રકરણો હવે પછી આપણને ‘અન્નપૂર્ણા’માં મળશે. સૌમ્ય, ઋજુ, સંવેદનશીલ પ્રકૃતિના લલિતભાઈની સંનિષ્ઠ ભાવના અને નિર્વ્યાજ મુગ્ધતાનું પ્રતિબિંબ એમની કૃતિઓમાં ઝિલાયું છે અને પ્રસંગે પ્રસંગે વાંચકને આહ્લાદનો અનુભવ કરાવી રહે છે. સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમ હેઠળ તે ટૂંક સમયમાં પૂર્વ જર્મનીની મુલાકાતે જનાર છે. એમની વિદેશયાત્રાના અનુભવોની આપણે રાહ જોઈએ.

૧૨-૮-૭૯