શબ્દલોકના યાત્રીઓ – ૨/મનહર મોદી
શ્રી મનહર મોદીનો પરિચય મને પંદરેક વર્ષ પહેલાં તે ભાષા સાહિત્ય ભવનમાં એમ.એ.નો અભ્યાસ કરવા આવ્યા ત્યારે થયો. ત્યારે પણ તે વિદ્યાર્થી કરતાં કવિ વિશેષ લાગેલા અને આજે ‘ગુજરાતી સાહિત્યમાં ગઝલનું સ્વરૂપ અને વિકાસ’ પર પીએચ.ડી. કરે છે ત્યારે પણ તે ‘કવિ’ જ લાગે છે! મનહર એક સારા ગઝલકાર છે. તેમની પાસેથી ગઝલ વિશે એક સારું પુસ્તક મળશે એ બાબતે હું આશાવાદી છું. ૧૯૬૩માં ‘આકૃતિ’ નામે સંગ્રહ પ્રગટ કરતાં તેમણે પોતાનો પરિચય આ રીતે આપેલો :
એ જ છે મારા પરિચયની કથા
ગાલગા ગાગાલગા ગાગાલગા.
અને કવિનો આ સાચો પરિચય છે. ‘આકૃતિ’માં ગઝલો, મુક્તકો, નઝમો અને છંદોબદ્ધ રચનાઓમાં તેમનું પ્રયોગશીલ માનસ દેખાઈ આવે છે. એ પછીની કવિતામાં જે પ્રયોગો બળવત્તર બન્યા એનો અણસાર આ નાનકડા સંગ્રહમાં પણ જોવા મળે છે. ‘દુનિયા ને ઘરમાં’, ‘ભોળું હૃદય’, ‘તેને સંબંધી તો’ વગેરે રચનાઓ આકર્ષક છે. શ્રી મનહર મોદીને હંમેશાં પરંપરાથી ચાતરીને ચાલવું ગમે છે. મુક્તક, ગઝલ અને અંછાદસમાં તેમણે ઘણા પ્રયોગો કર્યા છે. પરંપરાગત મુક્તક કરતાં નીચેનું મુક્તક કેવી અનાયાસ ચમત્કૃતિ સિદ્ધ કરે છે!
મને હું જોઉં છું ત્યારે કહું છું.
હું ક્યાંથી જાઉં છું, ક્યાં નીકળું છું
મને પાછળ મૂકીને જાઉં છું તો
મને આગળ ઉપર પાછો મળું છું.
અગાઉની ગઝલમાં દેખા દેતાં સનમ-સાકી કે સૂફીમતના સિદ્ધાંતોને બદલે સાંપ્રત મનુષ્યની સંકુલ અનુભૂતિના માધ્યમ તરીકે ગઝલનો જે ઉપયોગ નવકવિઓએ કર્યો એમાં મનહરનું યોગદાન પણ મહત્ત્વનું છે. તેમની જાણીતી ગઝલ ‘કૂકડો’થી ગઝલના આકાશમાં પણ નવપ્રભાત પ્રગટ્યું. અન્ય કવિઓની સાથે મનહરે પણ વિષયવસ્તુ પરત્વે અને રચનારીતિ પરત્વે એમ ઉભય રીતે ગઝલને નવું પરિમાણ આપ્યું. શ્રી ચિનુ મોદી કહે છે તેમ “મનહર મોદી મુસલસલ ગઝલને ખેડનાર આપણો પ્રથમ કવિ છે એવું મોટું અને ઐતિહાસિક વિધાન કરવાનું ટાળીએ તોપણ ગુજરાતી મુસલસલ ગઝલ સાથે મનહર મોદીનું નામ ગૌરવપૂર્ણ રીતે સતત જોડાયેલું જ રહેશે.” ‘કૂકડો’ એ પહેલાંની એની રચનાઓથી વિચારસાતત્યથી જ અલગ તરી આવતી રચના છે. કેવળ એક શબ્દના રદીફથી ગઝલ મુસલસલ ગઝલ બને એવા ભ્રમનું સેવન કરનારનો પાર નથી; પણ આખીય ગઝલનો દરેક શેર અલગ રહીને પણ એ ગઝલના ભાવવિશ્વની એક મુદ્રા ઉપસાવવામાં મદદરૂપ બને એવું કેવળ મનહર મોદી, આદિલ મન્સૂરીની જ કેટલીક ગઝલોમાં અપૂર્વ રીતે થયેલું છે, રાજેન્દ્ર શુક્લ અને મનોજ ખંડેરિયા એ જ શ્રેણીમાં બેસી શકે એવા કવમિત્રો છે. ‘ૐ તત્ સત્’ સંગ્રહની ગઝલો કવિની સંવેદના, ભાવસંકુલતા, સચોટ અભિવ્યક્તિ છટાઓ (ખાસ તો વક્રોક્તિનો સબળ ઉપયોગ) અને તાજગીભરી શબ્દસંયોજનાને કારણે આગવું વ્યક્તિત્વ ધારણ કરે છે. ગઝલના રૂઢ સ્વરૂપમાં આધુનિક કમનીયતા લાવનાર ગઝલકારોમાં મનહરનું સ્થાન સુનિશ્ચિત હોવાની પ્રતીતિ થાય છે. મનહરની બીજી નોંધપાત્ર કામગીરી અછાંદસ પરત્વે છે. કેટલાક છંદની તાલીમ વિનાના કવિઓ ક્યારેક અછાંદસ દેખાદેખીથી યોજે છે અને ત્યારે એમની નબળાઈ તરત ધ્યાન ખેંચે છે. અછાંદસમાં પ્રાણવાન પ્રયોગો કરનાર આ કવિનું છંદો પરનું પણ એવું જ પ્રભુત્વ પ્રગટ કરતી ‘હે રામ’, ‘તરડાયેલા પડછાયા’ કે ‘જૂ’ જેવી રચનાઓ આ સંદર્ભે ખાસ ઉલ્લેખનીય છે. અછાંદસ પ્રયોગશીલ રચનાઓમાં ‘પડછાયાની સોપારીની ચાદર’, ‘કદમ ખોલ દેડકાની પોળ’, ‘ૐ તત્ સત્,’ ‘હોડી’, ‘સમય’ વગેરેમાં સ્વકીયતાની મુદ્રા ઊપસેલી છે. અમદાવાદમાં તે દેડકાની પોળમાં રહેલા અને ડાકોરમાં અધ્યાપન કાર્ય કરતા ત્યારે ઉમરેઠમાં પણ રહેલા. આ બંને સ્થળો અને એનો સમગ્ર પરિસર તેમની કવિતામાં પ્રગટ થયો છે. અત્યંત કાવ્યમય રીતે મનહર પ્રયોગોમાં સાહસિક છે અને સાહસના પ્રયોગો પણ કરે છે. જીવનમાં અનેક ઝંઝાવાતો આવ્યા છતાં મનહરે શૈશવ ટકાવી રાખ્યું છે એ નાનીસૂની વાત નથી. પત્ની હસુમતીનું અકાળ અવસાન અને પુત્ર રાજેશના મૃત્યુનો કારી ઘા મનહરે સહ્યો છે. હસુમતીના સ્નેહાળ આતિથ્યનો લાભ મારી જેમ ઘણાઓને મળ્યો હશે. તેમનું નામ સાર્થક હતું. કવિએ પોતાની વેદના શબ્દબદ્ધ કરેલી. એમનો નવો કાવ્યસંગ્રહ પણ ‘હસુમતી અને બીજાં’ નામે પ્રગટ થશે. શ્રી મનહર શાંતિલાલ મોદીનો જન્મ ૧પ એપ્રિલ ૧૯૩૭ના રોજ અમદાવાદમાં થયેલો. એમનું વતન પણ અમદાવાદ. તેમણે પ્રાથમિક શિક્ષણ અમદાવાદ મ્યુનિસિપલ શાળા નં. પ (બંધારાનો ખાંચો)માં લીધું. માધ્યમિક શિક્ષણ સિટી હાઈસ્કૂલમાં લીધું. ૧૯૬૨માં તે અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર સાથે બી.એ. થયા. ૧૯૬૪માં ગુજરાતી-સંસ્કૃત સાથે ફરી બી.એ. થયા અને ૧૯૬૬માં આ જ વિષયો સાથે એમ.એ થયા. અભ્યાસકાળથી જ તે જુદા જુદા વ્યવસાયમાં જોડાયા. ૧૯પ૬થી ૧૯પ૮ સુધી ટેકસ્ટાઈલ ડિઝાઈન સેલ્સમેન તરીકે કામ કર્યું. ૧૯પ૮થી ૧૯૬૬ સુધી વેસ્ટર્ન રેલવેમાં સિનિયર ક્લાર્ક તરીકે કામ કર્યું. ૧૯૬૬માં ભવન્સ કૉલેજ, ડાકોરમાં ગુજરાતીના વ્યાખ્યાતા તરીકે કામ કર્યું. તરત અમદાવાદ પાછા આવ્યા અને અમદાવાદની ભક્ત વલ્લભ ધોળા આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે જોડાયા તે આજદિન સુધી ચાલુ છે. તેમણે પત્રકારત્વનો અનુભવ પણ મેળવ્યો છે. વિચારસાપ્તાહિક ‘નિરીક્ષક’માં આઠેક વર્ષ કાર્યકારી સંપાદક તરીકે કામ કર્યું. આર. આર. શેઠની કં. તરફથી પ્રગટ થતા ‘ઉદ્ગાર’ માસિકના સંપાદક તરીકે કામ કરે છે. તેમણે કાવ્યસંગ્રહો ઉપરાંત સંપાદનો પણ કર્યાં છે. રે કવિમિત્રો સાથે ‘ગઝલ ઉસને છેડી’ અને ચિનુ મોદી, આદિલ મન્સૂરી સાથે આઈ.એન.ટી. તરફથી પ્રગટ થયેલ ગઝલ સંચય ‘ગમી તે ગઝલ’નું પણ સંપાદન કર્યું છે. લાભશંકર, ચિનુ વગેરે સાથે ‘મળેલા જીવ’ની સમીક્ષા પણ લખી છે. મનહર કવિતા તરફ શી રીતે વળ્યા તે જોવા જેવું છે. દેડકાની પોળ, માણેકચોક, અમદાવાદમાં ‘કલા નિકેતન’ નામે યુવક સંસ્થા સ્થાપેલી. પ્રારંભમાં નામી પ્લેબૅક ગીતગાયકોની કંઠ-નકલના પ્રોગ્રામ કરતા, ત્યાર બાદ ‘સ્મૃતિ’ નામે હસ્તલિખિત અને પછી એ જ નામે ત્રૈમાસિક પ્રગટ કર્યું. આ સમયે બાળકાવ્યો લખતા. ‘ગાંડીવ’ વગેરેમાં તે છપાતાં. પછી તે બચુભાઈ રાવતની બુધ કાવ્યસભામાં જવા લાગ્યા. બચુભાઈની હૂંફ મળી. અંબાલાલ ડાયર વગેરે પાસેથી ગઝલના પાઠ મળ્યા. ચિનુ મોદી, આદિલ મન્સૂરીની મૈત્રી મળી. અમદાવાદમાં નેહરુ પુલને નાકે બગીચામાં, ઈમ્પીરિયલ હોટેલમાં મિત્રો મળે. પુષ્કળ લખાતું. કવિ લાભશંકરનો પરિચય થયો. રે મઠ સાથે સંકળાયા. અનેકવિધ કાવ્યપ્રવૃત્તિ કરી. ‘આકંઠ સાબરમતી’ની વર્કશૉપમાં રહી નાટક લખવા પ્રયત્ન કર્યો. એના નમૂના આકંઠ ૧ અને ૨માં છે. હાલ અન્ય મિત્રો સાથે થિયેટર લૅબ શરૂ કરી છે, જેમાં જે તે સર્જકો કલાકારને પોતાના નાટક સંદર્ભે ઉદ્ભવેલ પ્રશ્નમાં ઉપયોગી થવાનો પ્રયત્ન થાય છે. કેટલીક વાર્તાઓ પણ તેમણે લખી છે. રાધેશ્યામ શર્માએ ‘નવી વાર્તા’ના સંપાદનમાં તેમની વાર્તા મૂકી છે. મનહર તો કહે છે : “જીવનમાં તેમ જ કવિતામાં સાહસ કરવાનું ખૂબ ગમે છે. ‘ફ્રેશ’ રહેવા–થવાનું અતિ પ્રિય છે. ‘ફૉર્મ’ની સાથે કામ પાડી, સામે છેડેથી ચાલવાનું ગમે છે. તમારો પ્રિય ગઝલકાર કોણ? એમ કોઈ પૂછે તો કહું: મનહર મોદી. મૌલિક ગુજરાતી નાટક રચવાના સહિયારા સર્જક પુરુષાર્થમાં હાલ તો પા પા પગલી પાડું છું. કદાચ ભવિષ્યમાં એકમાત્ર ‘ગુજરાતી’ નાટક રચી પણ શકું. હું આશાવાદી છું—અતિશય. લાભશંકર, ચિનુ વગેરે મિત્રો સાથે ‘હૅવમોર’માં અને ‘મહેતા’માં મોડી રાત સુધી બેસવાનું અનુકૂળ છે. તેવું જ સાથે પ્રવાસ કરવાનું અને છાંટોપાણી લઈ મુક્ત નાચવાનું કૂદવાનું. મને હું સ્થળમુક્ત, વાદમુક્ત અનુભવવા સતત પ્રયત્નશીલ છું.”
૨૬-૧૦-૮૦