શબ્દલોકના યાત્રીઓ – ૨/યશવંત ત્રિવેદી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
યશવંત ત્રિવેદી

આધુનિક કવિઓમાં શ્રી યશવંત ત્રિવેદીનું કવિકર્મ છેલ્લાં વર્ષોમાં ધ્યાનાર્હ બની રહ્યું છે. એક પછી એક ગુણવત્તાવાળાં પુસ્તકો તેમણે પ્રગટ કર્યાં છે. તાજેતરમાં તેમના સંગ્રહ ‘પ્રતિયુદ્ધ કાવ્યો’ માટે તેમને ‘સોવિયેત લૅન્ડ’ એવૉર્ડ એનાયત થયો છે. જેવું કવિતામાં એવું જ વિવેચનમાં તેમણે કામ કર્યું છે. કાવ્યોના રસાસ્વાદો, કાવ્યની તાત્ત્વિક મીમાંસા કરતો ગ્રંથ, સાહિત્ય તત્ત્વચર્ચાના લેખોનાં સંપાદનો પણ તેમણે પ્રગટ કર્યાં છે. એક શક્તિશાળી કવિવિવેચક તરીકે તે બહાર આવ્યા છે. તેમનો જન્મ સૌરાષ્ટ્રમાં પાલિતાણામાં ૧૬ સપ્ટેમ્બર ૧૯૩૪ના રોજ થયો હતો. ભાવનગરની શામળદાસ કૉલેજમાં તે ૧૯પ૪-પપમાં સ્કૉલર હતા. આ જ ગાળામાં તેમણે વિજયરાય વૈદ્યના તંત્રીપદે પ્રગટ થતા ‘માનસી’માં પ્રસિદ્ધ નવલકથાકાર ‘દર્શક’ વિષે અભ્યાસલેખ લખ્યો. આ તેમનો પ્રથમ પ્રગટ વિવેચનલેખ. તેમણે બી.એ.ની પરીક્ષા અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર સાથે પસાર કરેલી, પણ એમ.એ.માં આ સાહિત્યના જીવે મુખ્ય વિષય ગુજરાતી અને ગૌણ વિષય સંસ્કૃત રાખ્યો. ગુજરાતીમાં તેમણે પ્રથમ વર્ગ કરતાં પણ વધુ ગુણ મેળવેલા. તેમણે અધ્યાપનનો વ્યવસાય સ્વીકાર્યો. સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ તેમણે લાંબો સમય અધ્યાપન કાર્ય કર્યું છે, અત્યારે તે મુંબઈમાં એમ. વી. ઍન્ડ એલ. યુ. આર્ટ્સ ઍન્ડ સાયન્સ કૉલેજમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ છે. આ કૉલેજ મુંબઈના પરા અંધેરી(પૂર્વ)માં આવેલી છે. કવિ રહે છે બોરીવલીમાં. બોરીવલીથી અંધેરી આવતાં-જતાં કેટલાંક કાવ્યવસ્તુને ચિત્તમાં ગૂંથે છે અને અવનવા આકારો રૂપે પ્રગટ કરે છે. ગુજરાતનાં પ્રતિષ્ઠિત સામયિકો ‘કુમાર’, ‘કવિતા’, ‘સંસ્કૃતિ’, ‘બુદ્ધિપ્રકાશ’, ‘કવિલોક’ આદિમાં તેમનાં કાવ્યો પ્રગટ થાય છે. તેમની કાવ્યપ્રવૃત્તિ ૧૯પ૬થી આરંભાઈ. લગભગ વીસેક વરસથી તેમની કાવ્યસાધનાનાં સુફળ આપણને સાંપડ્યાં છે. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ક્ષિતિજને વાંસવન’ ૧૯૭૧માં પ્રગટ થયો. આ સંગ્રહમાં ગીતો અને અછાંદસ રચનાઓ મુખ્યત્વે સંગૃહીત થયેલી છે. ગીતોમાં સૌરાષ્ટ્રની તળપદી લોકબાનીનો લય તેમણે બરાબર પકડ્યો છે. લોકગીતોના સંસ્કારો પચાવીને તે આગવી રીતે પોતાના મનોભાવો ગાય છે. ‘મધરાત્યુંનો મોરે મૂવો જાગ્યો’, ‘ઊતરી પાંપણને મોરપીંછે’, ‘પાંદડાસોતો સૂર બનીને’ કે ‘ગીત મને કોઈ ગીત આપો’ જેવી રચનાઓમાં છંદોલયની દૃષ્ટિએ પરંપરામાંથી ખપપૂરતું સ્વીકારવા સાથે સ્વકીય પ્રયોગશીલતાનો પણ પરિચય થાય છે. યશવંતના ભાવજગતનો આનંદદાયી પરિચય એમની આ પ્રારંભની રચનાઓમાં પણ સુપેરે થાય છે. એ પછી ૧૯૭પમાં તેમનો બીજો સંગ્રહ ‘પરિપ્રશ્ન’ પ્રગટ થયો. અહીં એક જુદા જ કવિમિજાજનું દર્શન થાય છે. દેશની અને દુનિયાની પરસ્થિતિથી સચિંત બનેલા અને સાંપ્રતમાં જીવતા મનુષ્યની હતાશા, વેદના અને એકલતાને પોતાની કરીને ગાતા કવિકંઠના અવાજનો પ્રભાવ વરતાય છે. ‘મારા જમાનાના માણસને’, ‘તે આજથી કવિતા ન લખે’, ‘વરસાદી કૅન્વાસોમાં’, ‘આ લૅમ્પપોસ્ટ પાસે હવે’ એ રચનાઓએ ખાસ ધ્યાન ખેંચ્યું હતું. યશવંતનો આગવો કવિ-અવાજ એમાં સંભળાય છે. યશવંત ત્રિવેદીએ પરંપરા સાથે અનુસંધાન જાળવતી કૃતિઓ – કેટલીક તો ખરેખર રમણીય કૃતિઓ — આપ્યા છતાં હવે એ પ્રયોગશીલ આધુનિક કવિ તરીકે પ્રતિષ્ઠિત થયા, એનો સુખદ સંકેત આ સંગ્રહમાં મળે છે. યશવંત ત્રિવેદી સ્વ. કવિ પ્રિયકાન્ત મણિયારના ગાઢ મિત્ર હતા. પ્રિયકાન્તનું અકાળ અવસાન થતાં કવિહૃદયને લાગેલા તીવ્ર આઘાતમાંથી કેટલીક સુંદર, કરુણ પ્રશસ્તિઓ તેમણે રચી છે. એનો સંગ્રહ ‘પરિદેવના’ નામે પ્રગટ થયો. અનેક પ્રતીકો અને કલ્પનોનો કલાત્મક ઉપયોગ કરી તેમણે પોતાની વ્યથાને કાવ્યરૂપ આપ્યું છે. એમાં પંક્તિએ પંક્તિએ યશવંત બેઠેલા છે અને છતાં એને વસ્તુલક્ષી સ્વરૂપ પણ આપી શકાયું છે. પ્રિયકાન્ત મણિયારના અવસાન પછી લખાયેલાં અંજલિકાવ્યોમાં યશવંત ત્રિવેદીની આ વિશિષ્ટ રચનાઓ યાદગાર લેખાશે. તાજેતરમાં જાણીતા અભ્યાસી-વિવેચક પ્રમોદકુમાર પટેલે યશવંત ત્રિવેદીનાં કાવ્યોમાંથી ચયન કરી એમની કવિતાનો એક પ્રતિનિધિ સંગ્રહ ‘પરિશેષ’ પ્રગટ કર્યો છે. સંગ્રહના આરંભે મુકાયેલા અભ્યાસલેખમાં પ્રમોદકુમાર કહે છે: “યશવંતની કવિતાનો જે કંઈ વિશેષ છે તે, મને લાગે છે કે, કલ્પનો, પ્રતીકો અને પુરાકલ્પનોની તેમણે રચેલી આગવી સૃષ્ટિમાં પ્રગટ થાય છે. તાજગીસભર નવાં નવાં કલ્પનો અને પ્રતીકોનું આટલું વૈવિધ્ય, આટલું પ્રાચુર્ય આપણા ઘણા ઓછા કવિઓમાં જોવા મળશે. આવાં કલ્પનો અને પ્રતીકો દ્વારા સંવેદનનાં વિવિધ રૂપો તેમણે ઉપસાવ્યાં છે.” આજના કવિમાં પ્રમોદકુમારે કહ્યું છે તેમ “સમાજ, રાષ્ટ્ર કે સંસ્કૃતિના શ્રેયની ભાવનાનું ઉદ્ગાન નહિ પણ પોતાના અસ્તિત્વને સંવેદવાની ને પ્રમાણવાની, અને સાથોસાથ જ ભાષાના પુનર્વિધાન દ્વારા પોતાના સંવિતનો વિસ્તાર કરવાની વૃત્તિ જ તેને મુખ્યત્વે પ્રેરી રહી છે.” અને આ વસ્તુસ્થિતિનું એક ઉત્કૃષ્ટ નિદર્શન તે યશવંત ત્રિવેદીની કવિતા છે. યશવંત ત્રિવેદીનાં કાવ્યોનો આસ્વાદ કરાવતો ગ્રંથ ડૉ. રમેશ શુકલે સંપાદિત કર્યો છે તે ટૂંક સમયમાં પ્રગટ થશે. આ ગ્રંથમાં જુદા જુદા વિવેચકોએ યશવંતનાં કાવ્યોનો આસ્વાદ કરાવ્યો છે. યશવંતભાઈના સાહિત્યિક વિવેચનકાર્યને જોઈએ તો તેમણે ગુજરાતી કવિતાના વિશાળ પટને આવરી લેતાં કાવ્યોના રસાસ્વાદના બે સંગ્રહો ‘કવિતાનો આનંદકોષ’ અને ‘ઝુમ્મરો’ (પ્રકાશન અનુક્રમે ૧૯૬૯ ને ૧૯૭૬) પ્રગટ કર્યા તે છે. ૧૯૭પમાં તેમણે ‘અને સાહિત્ય’નું સંપાદન કર્યું. આ ગ્રંથમાં ગુજરાતના જાણીતા અભ્યાસીઓ અને વિવેચકોએ સૌંદર્યમીમાંસાના વિવિધ પ્રશ્નો — સાહિત્યકારની પ્રતિબદ્ધતા, ઈતિહાસ અને સાહિત્યના સંબંધ વગેરે વિશે તાત્ત્વિક ચર્ચા કરતા લેખો લખ્યા છે. તેમણે ૧૯૭૩માં ‘સ્વાતંત્ર્યોત્તર કવિતા’નું પણ સંપાદન કર્યું છે. તેમણે ‘ગ્રંથ’ માસિક માટે જુદા જુદા સાહિત્યકારોની મુલાકાતો લીધેલી. એનો સંગ્રહ ‘પરાવૃત્ત’ પ્રગટ થવામાં છે, આ સિવાય ‘ભાષાવિહાર’ (૧૯૬૩), ‘ગાંધી કવિતા’ (૧૯૬૯), ‘ઈષિકા’ (૧૯૭૮) વગેરે પુસ્તકો પણ તેમણે પ્રગટ કર્યાં છે. ૧૯૭૭માં પ્રગટ થયેલું તેમનું ‘પ્રતિ-યુદ્ધ કાવ્યો’ (ઍન્ટી વૉર—પોએમ્સ) એ ખાસ નોંધવા યોગ્ય છે. વિશ્વવિખ્યાત કવિઓ — જેવા કે પાબ્લો નેરુદા, સ્ટીફન સ્પેન્ડર, ઑડન, રેક્સ વૉર્નરનાં યુદ્ધની કાલિમાને તિરસ્કૃત કરતાં અને વિશ્વશાંતિની મંગલ ભાવનાનો પુરસ્કાર કરતાં સુંદર કાવ્યો તેમણે ગુજરાતીમાં ઊતાર્યાં છે. આ પુસ્તકને ૧૯૭૮નો સોવિયેત લૅન્ડ નેહરુ એવૉડ મળ્યો છે. યશવંત ત્રિવેદીને સાહિત્યનાં બીજાં પણ અનેક પારિતોષિકો મળ્યાં છે. ગુજરાત સરકાર તરફથી, ‘કવિલોક’ દ્વૈમાસિક તરફથી, ‘કવિતા’ વાર્તામાસિક તરફથી, કલકત્તાના ‘કાવ્ય કેસૂડાં’ તરફથી પણ તેમની કૃતિઓ પુરસ્કૃત થયેલી છે. ‘સવિતા’ વાર્તા હરીફાઈમાં ‘એ સૂરજ ઊગે’ વાર્તા પ્રથમ આવેલી. પણ તેમણે વાર્તાઓ ઝાઝી લખી નથી. તેમની કવિતાઓ અંગ્રેજી અને હિંદીમાં પ્રગટ થઈ છે. પ્રો. અરુણ અડાલજાએ અંગ્રેજીમાં અનુવાદિત કરેલ સંગ્રહનું નામ છે, ‘યશવંત ત્રિવેદી : સિલેકટેડ પોએમ્સ.’ અંગ્રેજીમાં પ્રગટ થનાર વિવેચનસંગ્રહનું શીર્ષક છે ‘ધિ બીકન લાઈટ’. તેમણે હમણાં જ ‘કાવ્યની પરિભાષા’ પુસ્તક લખ્યું છે. મુંબઈ યુનિ.ની પીએચ.ડી. ડિગ્રી માટે તે એને મુદ્રિત રૂપે રજૂ કરવાના છે. કવિ યશવંત ત્રિવેદી થોડા સમયમાં યુરોપ-અમેરિકામાં પ્રવચનો આપવા માટે જનાર છે. તે ‘સત્ય અને સૌંદર્ય જીવનમાં અને સાહિત્યમાં’, ‘પ્રતિબદ્ધતા અને સાહિત્ય’, ‘આધુનિક ગુજરાતી સાહિત્ય’, ‘અધ્યાત્મ અને સાહિત્ય’ વગેરે વિષયો અંગે પ્રવચનો આપનાર છે. તેમની આ વિદ્યાયાત્રાને અને તેમની કાવ્યયાત્રાને સફળતા ઈચ્છીએ.

૧૮-૩-૭૯