શબ્દલોકના યાત્રીઓ – ૨/વસુબહેન ભટ્ટ
ગુજરાતી લેખિકાઓમાં શ્રી વસુબહેન જુદાં તરી આવે છે એમની વાર્તાઓ દ્વારા અને એમના વ્યક્તિત્વ દ્વારા. એમની વાર્તાઓમાં માનસશાસ્ત્રીય સૂઝ છે. સ્ત્રીના સ્વભાવની ખાસિયતો અને નબળાઈઓને અભિજ્ઞતાપૂર્વક નિરૂપવાની શક્તિ છે, ક્યારેક નિરૂપાતાં વ્યક્તિત્વના સંવેદનાવ્યાપારમાં ઊંડે સુધી પ્રવેશ કરાવવાની સજ્જતા છે, જાતીય જીવનના પ્રશ્નોનું અનાવરણ નિરૂપણ તે કરી શકે છે. આ એક એવાં લેખિકા છે જેમને કશો છોછ કે વિધિનિષેધ નડતો નથી, પોતાના મિજાજને અનુરૂપ રહીને તે વિવિધ વાર્તાઓ સર્જતાં રહે છે. લેખનસ્વાતંત્ર્યનું કલાગત પાસું વસુબહેનનાં લખાણોમાં બરાબર ઊપસે છે. કોઈએ કહેલું કે લખાતા પ્રત્યેક શબ્દની પાછળ એના લખનારનું વ્યક્તિત્વ રહેલું છે. સમકાલીન લેખિકાઓમાં વસુબહેનથી વધુ સારું ઉદાહરણ શોધ્યું નહીં જડે. તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાવિસ્તાર વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાનો આપવા રાજકોટ ગયેલો. અન્ય સ્નેહીઓને મળ્યો. વસુબહેનને પણ મળવાનું થયેલું. કાંઈક ઓછું સાંભળતાં આધેડ વયનાં માજી જેવાં કામ કરનાર બહેન સાથેનો એમનો વર્તાવ માનવતાભર્યો જોવા મળ્યો. વસુબહેન કામ કરનાર બહેનોને ભણાવવા માટેના વર્ગો પણ ચલાવે છે. એમ તો તે મૅરેજ બ્યૂરો પણ ચલાવે છે. પતિ-પત્ની વચ્ચેની તિરાડોનું સિમેન્ટિંગ કરવાનું કામ પણ તે કરે છે. સમાજસેવા-સ્ત્રી-સંસ્થાઓ સાથેના તેમના સક્રિય જોડાણની વાત કદાચ બહુ ઓછા જાણતા હશે, પણ એ એક હકીકત છે. તો પછી પ્રશ્ન થાય કે વસુબહેને પોતે ગૃહિણી તરીકેનું જીવન કેમ ન અપનાવ્યું? આ એમનો અંગત પ્રશ્ન છે અને હું શ્રી વિનોદ ભટ્ટની જેમ એમાં ઊંડા ઊતરવાનું મુનાસિબ માનતો નથી. વસુબહેનના પતિ શ્રી જનાર્દન ભટ્ટ અમદાવાદમાં બરોડા બેંકમાં સારા હોદ્દા પર છે. બંને સારાં મિત્રો છે, બંનેને એકબીજા પ્રત્યે સ્નેહ છે, પણ વસુબહેનના સ્વાતંત્ર્યના આગવા ખ્યાલોને કારણે તેમણે ગૃહિણી તરીકેનું જીવન પસંદ ન કર્યું એટલું હું જાણું છું. શ્રી વસુબહેન ગુજરાત સ્ત્રી કેળવણી મંડળની કાર્યવાહક સમિતિનાં અને ‘પાનસોપારી’ સંસ્થાની કારોબારીના સભ્ય છે. મહારાણી ચીમનાબાઈ સ્ત્રી સમાજનાં સભ્ય છે. ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિમાં પણ તે વર્ષોથી ચૂંટાઈ આવે છે. શ્રી વસુબહેનનો જન્મ ૨૩ મી માર્ચ ૧૯૨૪ના રોજ થયો હતો. હિંદુ પંચાંગ પ્રમાણે એ દિવસ ફાગણ સુદ પૂર્ણિમાનો હતો. આપણો સમાજ એ દિવસે હોળીનો તહેવાર મનાવે છે. સદાબહાર વ્યક્તિત્વવાળાં વસુબહેનનો જન્મ ફાગણ મહિનામાં જ હોયને! એમનું વતન અમદાવાદ, પણ પિતાજી વડોદરાને જ વતન માની રહ્યા હતા. તેમણે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ વડોદરામાં લીધું. માધ્યમિક શિક્ષણ વડોદરાની મહારાણી ગર્લ્સ હાઈસ્કૂલમાં લીધા બાદ તે મહિલા કૉલેજમાં દાખલ થયાં. બી.એ.ની પદવી અમદાવાદમાં શ્રી લાલશંકર ઉમિયાશંકર મહિલા કૉલેજમાંથી મેળવી. તેમના વિષયો ગુજરાતી, માનસશાસ્ત્ર, સમાજશાસ્ત્ર વગેરે હતા. ૧૯૪૯માં તે બી.એડ. થયાં. તેમણે વ્યવસાયનો આરંભ રા. બ. મગનભાઈ કરમચંદ હાઈસ્કૂલમાં શિક્ષિકા તરીકે કર્યો. ૧૯૪૯માં આકાશવાણી અમદાવાદ કેન્દ્રનો આરંભ થયો. કાર્યક્રમ નિયોજક તરીકે તે રેડિયોમાં જોડાયાં. ક્રમશઃ ઉચ્ચ હોદ્દા પર ચઢતાં ગયાં. ૧૯૫૮માં પ્રોગ્રામ એગ્ઝીક્યૂટિવ થયાં. ૧૯૭૪માં મદદનીશ કેન્દ્ર નિયામક બન્યાં અને ૧૯૭૭માં કેન્દ્ર-નિયામકપદે આવ્યાં. કાર્યક્રમ નિયોજકના હોદા પર હતાં ત્યારે વિવિધ કાર્યક્રમોનું સફળતાપૂર્વક સંચાલન કર્યું જેમાં વાર્તાલાપ, નાટક, સંગીત, બહેનો માટેનો કાર્યક્રમ, બાળકો માટેનો કાર્યક્રમ, મજૂરો માટેનો કાર્યક્રમ, સરહદી વિસ્તારના નાગરિકો માટે, સાહિત્ય-મૅગેઝીન, હિંદી વિભાગ વગેરેનું સંચાલન કર્યું. અવનવા કાર્યક્રમોનું આયોજન કર્યું. રેડિયો મુલાકાત, પરિસંવાદનું સંચાલન, રેડિયો નાટકો, રૂપકો, આમંત્રિત મહેમાનો સમક્ષ વિવિધ કાર્યક્રમો આકાશવાણી અમદાવાદ-વડોદરા, મુંબઈ તેમ જ રાજકોટનાં કેન્દ્રો પર રજૂ કર્યા. હાલ તેઓ આકાશવાણી રાજકોટનાં કેન્દ્ર નિયામક છે. તેમણે વાર્તાઓ લખવાનો પ્રારંભ વિદ્યાર્થી અવસ્થામાં જ કરેલો. એ કાળની તેમની પ્રથમ પ્રગટ વાર્તા તે ‘પરીક્ષા કે કર્કશા?’ છે. તેમની પ્રથમ લઘુનવલ ‘ઝાકળપિછોડી’ ૧૯૫૮માં પ્રસિદ્ધ થઈ. આ નવલકથા તેમણે શ્રી અશોક હર્ષને વાંચવા મોકલેલી, તેમણે તે છપાવી દીધી, વસુબહેને એને મુદ્રિત રૂપે જોઈ! એમનો ટૂંકી વાર્તાનો સંગ્રહ ‘પાંદડે પાંદડે મોતી’ ૧૯૬૩માં પ્રગટ થયો. આ પુસ્તકને ગુજરાત સરકારનું પારિતોષિક પ્રાપ્ત થયું. એને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી ભગિની નિવેદિતા પારિતોષિક પણ મળેલું. તેમની હળવી વાર્તાઓનો સંગ્રહ ‘માણારાજ’ ૧૯૭૩માં પ્રગટ થયો. લેખિકા એને પોતાનું વિશિષ્ટ પ્રદાન માને છે. ૧૯૬૬માં તેમનો વાર્તાસંગ્રહ ‘સરસિજ’ પ્રગટ થયેલો. ૧૯૬૮માં પ્રગટ થયેલા વાર્તાસંગ્રહ ‘દિવસે તારા રાતે વાદળ’માં જાતીય સંબંધોના સંવેદનાત્મક પ્રશ્નોને કલાત્મક રૂપ આપવાનો પ્રયત્ન છે. શ્રી વસુબહેન લખવા ખાતર લખતાં નથી. તે વ્યવસાયી લેખિકા નથી. અંદરથી ધક્કો વાગે તો જ તે લખે છે. અલબત્ત તંત્રીઓની માગણીથી એમાં વેગ આવે છે. તેમનો નવો વાર્તાસંગ્રહ ‘ઘડી આષાઢ ને ઘડીક ફાગણ’ ટૂંક સમયમાં પ્રગટ થશે. તેમની કેટલીક વાર્તાઓ હિંદી, અંગ્રેજી, કન્નડ અને મલયાલમમાં અનુવાદિત થઈ છે. બે નવલકથાઓનાં બીજ એમના ચિત્તમાં પડેલાં છે તે સવેળા અંકુરિત થાય અને આપણને બે સુંદર નવલકથાઓ મળે એમ ઈચ્છીએ. પોતાની સર્જનપ્રક્રિયા વિશે તે કહે છે કે ઉઘાડી આંખ અને ખુલ્લા કાને ચારેપાસથી તે સર્જનની સામગ્રી પોતાના ચિત્તકોષમાં સંગૃહીત કરતાં રહે છે અને સમય આવ્યે તેમનો અનુભવ આકૃતિબદ્ધ બને છે. તેમને પ્રયોગો કરવા ગમે છે પણ પ્રયોગ ખાતર જ પ્રયોગ કરી નિશ્ચિત ઢાંચામાં પડવાનું તેમને ગમતું નથી. કેટલાંક વાર્તાબીજ વિનોદાત્મક શૈલીમાં તો કેટલાંક ગંભીર શૈલીના બીબામાં ઢળાય છે. માનવમનને નીરખવાની-સમજવાની આ લીલા તેઓ સર્જકની હેસિયતથી માણે છે. પોતાની જીવનદૃષ્ટિ વિશે તે કહે છે : “જીવનમાં પ્રસન્નતાને મેં મહત્ત્વ આપ્યું છે. આમ છતાં My dignity enters first before me. મારા વ્યક્તિત્વના વિકાસનું આંતર અવલોકન કરવામાં મને મઝા પડે છે. જીવનના પડકાર ઝીલવામાં અને એનો પ્રતિકાર પ્રેમપૂર્વક કરવામાં મને આનંદ આવે છે. સંઘર્ષની સામે નમી પડવાનો કે સમાધાન કરવાનો માર્ગ મને સ્વીકાર્ય નથી. નમી પડવા જેટલો આદર હોય ત્યાં સાષ્ટાંગ દંડવત કરવામાં સહેજ સરખો પણ ક્ષોભ નથી. વિશ્વના વિશાળ ફલક પર બિંદુ જેવા મારા અસ્તિત્વને મૂકી એની રમત જોવામાં હું આનંદ અનુભવું છું… મારી સાહિત્યિક પ્રવૃત્તિ અંગે, સર્જકની સંવેદનાના ઊંડાણ વિશે, જીવનના વિશાળ અનુભવ વિશે, વિનોદવૃત્તિ અંગે, વહીવટી કુશળતા અંગે કોઈ વખાણ કરે તો આનંદ અનુભવું છું. પણ સ્ત્રીની આગવી સૂઝને કારણે ખુશામતનું માપ પણ પકડી પાડું છું. માનવ વિશે, માનવની રમત વિશે, એના સુખદુઃખમાં, એની તડકીછાંયડીમાં, વલોપાત, સંઘર્ષ અને મંથનમાં—ટૂંકમાં મને માનવમાં રસ છે. લિંગભેદ વગર જીવનને હળવી રીતે જોવું મને ગમે છે. તનાવ વચ્ચે જિવાતા આ જીવનમાં વિનોદ જ વિસામો છે એમ મને લાગે છે.” વસુબહેન બધાંને ‘પ્રભુ’, ‘ગુરુ’ કે ‘દોસ્ત’ કહીને બેલાવે છે. હમણાં હમણાં તેમનું માનસ આધ્યાત્મિકતા તરફ વળેલું જણાશે. વાત વાતમાં તેમણે કહેલું : “ઈશ્વર મારો મિત્ર છે અને એની સાથે સમય ગાળવામાં મને આનંદ આવે છે. જિવાતા જીવનની ગતિ સાથે લય મેળવી સંવાદિતાથી સોપાનો સર કરવામાં મને આનંદ છે. આ માનવ અવતાર એળે ન જાય એ માટે હું સાવધ છું. મિત્રોની બાબતમાં કુબેરને ઈર્ષા આવે એટલો વૈભવ છે. જીવન વિશે કોઈ સંતાપ કે ફરિયાદ નથી. વિદાય લેતી વખતે બેધડક કહી શકું : With no regrets વિરલ વ્યક્તિત્વવાળાં આ લેખિકાએ ‘ઝાકળપિછોડી’ બતાવ્યા બાદ ‘સરસિજ’ના ‘પાંદડે પાંદડે મોતી’નું દર્શન કરાવ્યું છે, ‘માણારાજ’ અને ‘દિવસે તારા, રાતે વાદળ’ પછી ‘ઘડી આષાઢ ને ઘડીક ફાગણ’ આવી રહ્યો છે ત્યારે સર્જકતાની આષાઢી હેલી વસુબહેન રેલાવે અને કલા દ્વારા પ્રભુતાનો સાક્ષાત્કાર પામે એમ ઈચ્છીએ.
૪-૫-૮૦