શબ્દલોકના યાત્રીઓ – ૨/વિભૂત શાહ
સાતમા દશકામાં એક સત્ત્વશીલ વાર્તાકાર તરીકે શ્રી વિભૂત શાહ બહાર આવ્યા. ૧૯૬૮માં પ્રગટ થયેલા તેમના પ્રથમ વાર્તાસંગ્રહ ‘ટેકરીઓ પર વસંત બેઠી છે’ એ વિવેચકો અને સાહિત્યરસિકોનું ધ્યાન ખેંચ્યું. એ પછી તેમના વાર્તાસંગ્રહો પ્રગટ થવા માંડ્યા. તેમને એકાંકીના સ્વરૂપમાં પણ જીવંત રસ. તેમનાં એકાંકીઓ સ્ટેજ પર આવવા લાગ્યાં. સંગ્રહોને અભ્યાસીઓએ વધાવ્યા. ટૂંકી વાર્તા અને એકાંકીના પ્રકારોમાં તેમણે ગણનાપાત્ર પ્રદાન કર્યું છે. શ્રી વિભૂત શાહનો જન્મ ૨૩ જૂન ૧૯૩૬ના રોજ ખેડામાં થયો હતો. એમના પિતા ચંપકલાલ નડિયાદમાં વકીલાત કરતા. તેમનું વતન પણ ખેડા. તેમણે પ્રાથમિક શિક્ષણ નડિયાદમાં લીધું. નવમું અને દશમું ધોરણ ખેડામાં કર્યું, અગિયારમું નડિયાદ. કૉલેજના શિક્ષણ માટે તે અમદાવાદ આવ્યા. અમદાવાદની એલ.ડી. આર્સ કૉલેજમાંથી અંગ્રેજી-ગુજરાતી સાથે બી.એ.ની પરીક્ષા ૧૯પ૬માં પસાર કરી. ૧૯૬૩માં એલએલ.બી. થયા. તેમણે લાઈબ્રેરી સાયન્સનો ડિપ્લોમાં પણ મેળવ્યો છે. બી.એ. થયા પછી બીજે જ વર્ષે તેમણે સરકારી નોકરી સ્વીકારી. જામનગરની એમ. પી. શાહ મેડિકલ કૉલેજમાં ગ્રંથપાલ તરીકે નિમાયા. ૧૯પ૭થી ૧૯૬પ સુધી એ સ્થાને રહ્યા. ૧૯૬૬થી અમદાવાદમાં હાઈકોર્ટના ગ્રંથપાલ તરીકે કાર્ય કરે છે. આપણા કેટલાક સારા લેખકો ગ્રંથપાલ તરીકે છે તે સૂચક છે. કવિ હસમુખ પાઠક, વિભૂત શાહ વગેરેનો એમાં સમાવેશ થાય છે. તેમના પ્રથમ વાર્તાસંગ્રહ ‘ટેકરીઓ પર વસંત બેઠી છે’ના પ્રકાશન સમયે પોતાના હૃદયની વાત તેમણે કહેલી : “સાહિત્યનો પદારથ પામવો એ અત્યંત દોહ્યલું કામ છે. કેટલાક વિરલાઓને જ એ સિદ્ધ થયેલું દેખાય છે. સાહિત્યની કોઈ રચનામાં શબ્દ અને ભાષાનો જ્યારે સાક્ષાત્કાર થાય છે ત્યારે મન અભિભૂત થઈ વિસ્મયમાં પડી જાય છે, કેવી સુંદરતમ લીલા! મેં જ્યારે લખવાની શરૂઆત કરી ત્યારે સાહિત્ય પ્રત્યે મને એક જાતનો મોહ હતો. થોડુંક લખ્યા પછી જ સમજ પડી કે સાહિત્ય શું છે અને હવે સાહિત્યનો મર્મ હું પામ્યો છું એવું તો હું આજે પણ કહી શકતો નથી.” તો પછી કેવી આશાએ તે લખે છે? એમની કેફિયતમાં કેવું ભાવનાનું સૌન્દર્ય રહ્યું છે! તે ઉમેરે છે કે : “મનમાં ઊંડે ઊંડે હોંશ છે કે, જે ભાષામાં પહેલો અક્ષર બોલતાં શીખ્યો, એ ભાષામાં ચાસ પાડતાં પાડતાં ક્યારેક કશુંક નીપજી આવે, ક્યારેક કશુંક ઊગી નીકળે અને જ્યારે મને ખરેખર લાગશે કે મારા ખેતરમાં થોડોઘણો પણ મોલ પાક્યો છે તો— —તો ત્યાર પછી હું મૃત્યુની અવગણના નહિ કરું.” શ્રી વિભૂત શાહે લખેલી પ્રથમ વાર્તા તે ‘ધુમ્મસની સૃષ્ટિ’. ૧૯૬૦માં લખાયેલી. વીસેક વર્ષથી તેમની લેખનપ્રવૃત્તિ ચાલે છે. એનાં કેટલાંક સુફળ આપણને સાંપડ્યાં છે. ૧૯૬૮માં પ્રગટ થયેલ પ્રથમ વાર્તાસંગ્રહ પછી તે એકાંકી તરફ વળ્યા. ૧૯૭૦માં તેમનો એકાંકીસંગ્રહ ‘લાલ, પીળો ને વાદળી’ પ્રગટ થયો. ૧૯૬૮ના ‘ટેકરીઓ પર વસંત બેઠી છે’ને ગુજરાત સરકારનું બીજું ઇનામ મળ્યું હતું તો આ એકાંકીસંગ્રહને પ્રથમ ઇનામ મળ્યું. ‘લાલ, પીળો ને વાદળી’ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બી. એ.માં પાઠ્યપુસ્તક તરીકે નિયત થયું. ‘શાંતિનાં પક્ષી’ નામે તેમનો બીજો એકાંકીસંગ્રહ ૧૯૭૪માં પ્રગટ થયો. આ પુસ્તકને ગુજરાત સરકારનું પ્રથમ પારિતોષિક મળ્યું. ૧૯૭૭માં ‘બંદિશ’ નામે વાર્તાસંગ્રહ પણ પ્રગટ થયો. આ ઉપરાંત જુદી જુદી સાહિત્યસંસ્થાઓનાં પારિતોષિકો પણ તેમની કૃતિઓને મળ્યાં છે. હું–બે નામે વાર્તાને ડૉ. જયંત ખત્રી પારિતોષિક, ‘આટલાં વર્ષો પછી પણ–’ એ વાર્તાને વજુ કોટક પારિતોષિક મળેલું. ‘ચંદ્રનો ડાઘ’ નામે નાટકની સ્ક્રિપ્ટ લખવા માટે પૃથ્વીરાજ કપૂર પદ્મ ટ્રોફી પણ મળેલી. ૧૯૬૬થી તે રેડિયો નાટકો લખે છે અને ઑલ ઈન્ડિયા રેડિયો ડ્રામાના ફેસ્ટિવલમાં ભાગ લે છે. સાહિત્ય અકાદમીની મુંબઈ શાખાએ એકાંકી લેખન વિશે ૧૯૭૮માં પૂનામાં એક વર્કશૉપ યોજેલી. વિભૂતભાઈને પણ એ માટે નિમંત્રેલા. આ ગુજરાતી સાહિત્યમાં તેમના પ્રવેશને વધાવતાં શ્રી અનંતરાય રાવળે લખેલું કે “થોડું પણ સારું મથીને લખવા માગતા વાર્તાઓના (‘ટેકરીઓ પર વસંત બેઠી છે’ના) લેખક સંવેદનશીલ અને માનવીના મનોવ્યવહારને રસપૂર્વક સમજવા–આલેખવા મથતા સર્જક છે. આ એમની વાર્તાઓને થોડું ઊંડાણ અને સસારતા આપે છે. વાર્તાના કલાકાર તરીકે એકંદરે પોતાનાં ઓજારોનો તે સમજી વિચારીને ઉપયોગ કરતા જણાયા છે. આટલી સર્જન-સાધનાએ તેમને જે કૌશલ સંપડાવ્યું છે, તેને તેમની જાગૃતતા હજી વધારશે. આથી ચડિયાતી સિદ્ધિની આગાહી કરાવતી સ્પષ્ટ શક્યતાઓ દેખાડતી આ વાર્તાઓ શ્રી વિભૂત શાહને સાહિત્યરસિકો પાસેથી ઉમળકાભર્યું સુસ્વાગતમ્ રળાવી આપશે” અને આપણે જોઈએ છીએ કે તેમણે ઉત્તરોત્તર વધુ સર્જકતાનો પરિચય કરાવ્યો છે અને વાચકોનો પ્રેમ પણ જીતી લીધો છે. મનોવૈજ્ઞાનિક સૂઝ, પાત્રોનાં માનસમાં પ્રવેશવાની અને એનાં ભાવસંચલનો નિરૂપવાની શક્તિ અને વાતાવરણને પ્રત્યક્ષ બનાવવાની કુશળતા એ તેમની વાર્તાકલાને સહજ છે. તેમનાં એકાંકીઓ પણ ચીલેચાલુ નથી. કોઈ ને કોઈ ભાવના બિંદુને સ્પર્શે છે. તેમનાં એકાંકીઓના સંવાદો વેધક અને માર્મિક હોય છે. ખાસ તો એમાં અભિનેયતાનો ગુણ આગળ તરી આવે છે. ટૂંકી વાર્તા અને એકાંકીના પ્રકારોમાં ધોરણ જાળવીને લખનારા યુવાન લેખકોમાં શ્રી વિભૂત શાહનું આગવું સ્થાન છે. તેમને બીજી ભાષાઓના સર્જકોમાં ચેખૉવ, દોસ્તોયેવસ્કી, જેમ્સ જૉઈસ, આર્થર મિલર વગેરે ગમે છે. ટાગોર અને શરદબાબુનો પ્રભાવ પણ તેમના પર પડેલો. ગુજરાતી વાર્તાકારોમાં ધૂમકેતુ, સુન્દરમ્, મડિયા, મધુ રાય, ચંદ્રકાન્ત બક્ષી વગેરે પણ તેમને ગમે છે. તેમનાં પત્ની મીનાબહેન તેમની સાહિત્યપ્રવૃત્તિનાં હંમેશાં પ્રેરક રહ્યાં છે. મીનાબહેન પણ અવારનવાર લખે છે. વિભૂતભાઈના જીવનમાં સાહિત્યનું કેવું મોટું સ્થાન છે તે એમના શબ્દમાં જ કહીએ તો “મારા જીવનની દ્વિધા હું સાહિત્ય દ્વારા ઉકેલવાનો પ્રયત્ન કરું છું. એક ફ્રેન્ચ લેખક કહે છે એમ Writing is an aptitude acquired after many conditions. ઘણી બધી માનસિક તાણ અનુભવ્યા પછી જ લખવાની ગુંજાયેશ ઊભી થાય છે. ક્યારેક તો લખવાની વૃત્તિ જ જીવનમાં સંઘર્ષ જન્માવે છે. ચિત્ત પર થતા આ પ્રહારો હું આવકારું છું. મારી જીવન જીવવાની હામ ઊલટી એનાથી વધી જાય છે. મારા જીવનને બીજી કોઈ ભૂમિકા ન મળે તોપણ આટલું પૂરતું છે.” સંઘર્ષમાંથી સંવાદ સર્જતા સર્જક શ્રી વિભૂત શાહને સૌ સાહિત્યરસિક શુભેચ્છાઓ પાઠવશે.
૨૨-૬-૮૦