શબ્દલોકના યાત્રીઓ – ૨/આદિલ મન્સૂરી
કવિ શ્રી આદિલ મન્સૂરીએ પોતાનો કાવ્યસંગ્રહ ‘સતત’ અમદાવાદને અર્પણ કરતાં આ પંક્તિઓ લખેલીઃ
વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.
આ ‘મળે ન મળે’ ગઝલની અંતિમ પંક્તિઓ છે. કાવ્યમાં તે અમદાવાદની ધરતીની સુગંધ, પરિચિતોના હસતા ચહેરા, રસ્તાઓ, બારીઓ, ભીંતો, ગલીઓ, ‘ઘર’ વગેરેનો લાગણીધબકતો ઉલ્લેખ છે. ૧૯૭૦માં વતન છોડવાની ક્ષણ નજીક જણાતાં આ ગઝલ રચાઈ ગયેલી. ઘટના એમ બનેલી કે પિતાજી ૧૯૪૮માં કરાંચી ગયેલા. એ વખતે અમદાવાદથી કરાંચીની સીધી ટ્રેન. એ વખતે પરમિટ-પાસપોર્ટ ન હતાં. પિતાશ્રીએ ત્યાં વેપાર-ઉદ્યોગ શરૂ કર્યો અને ત્યાં જ રોકાઈ ગયા. થોડા સમયમાં પરમિટ પદ્ધતિ આવી. ૧૯પપમાં વતનમાં આગમન. નાગરિક હકો માટે વીસ વર્ષ કોર્ટોમાં કેસ ચાલેલા. છેક હમણાં ૧૯૮૦માં ભારતીય નાગરિકતા પ્રાપ્ત થઈ; પરંતુ એ વખતે તો પિતાની સમજાવટથી આદિલને અમદાવાદ છોડી પાકિસ્તાન જવું પડે એવી પરિસ્થિતિમાં કવિહૃદયને થયેલી વેદના ઉપરની ગઝલમાં સાહજિક રીતે અભિવ્યક્તિ પામી છે. પોતાના કાવ્યલેખનના પ્રારંભમાં આદિલ રોમૅન્ટિક શૈલીમાં લખતા હતા. પછીથી નાટક તરફ વળતાં રંગદર્શિતા ઓછી થઈ અને ઍબ્સર્ડિટીનો અભિગમ વધ્યો. શ્રી આદિલ મન્સૂરીનું મૂળ નામ ફકીર મહંમદ ગુલામ નબી મન્સૂરી. ‘આદિલ’એ એમનું તખલ્લુસ છે. ‘આદિલ’ એટલે ન્યાય કરનાર. એમનો જન્મ ૧૮ મે ૧૯૩૬ના રોજ અમદાવાદમાં થયો હતો. એમનું વતન પણ અમદાવાદ. તેમણે પ્રાથમિક શિક્ષણ પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજની શાળામાં અને માધ્યમિક શિક્ષણ અમદાવાદની જે. એલ, ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં અને કરાંચીની મેટ્રૉપોલિસ હાઈસ્કૂલમાં લીધેલું. પિતાજી કરાંચીમાં વેપારધંધા અર્થે ગયેલા, આદિલે અઢાર વર્ષની વષે કાવ્યરચના કરેલી. ‘ક્યાં છે દરિયો, ક્યાં છે સાહિલ’ એ એમની પહેલી ગઝલ ૧૯પ૪માં કરાંચીના ગુજરાતી સામયિકમાં પ્રગટ થયેલી. એમને રશિયન સાહિત્ય વાંચવાનો શોખ. પહેલાં તો ઉર્દૂમાં રચનાઓ કરતા. કવિ મિત્ર ચિનુ મોદીએ તેમને ગુજરાતીમાં લખવા પ્રેર્યા. બુધ કવિતા સભામાં પણ જતા. બુધ કવિતા સત્રમાં એક કવિમંડળી આપોઆપ રચાઈ ગઈઃ ચિનુ મોદી, મનહર મોદી, લાભશંકર, સિતાંશુ, મણિલાલ વગેરે. રાવજી પટેલ સાથે પણ મૈત્રી થયેલી. પ્રબોધ પરીખ વગેરે પણ મળતા. કવિતા લખવા માટે એક આબોહવાનું સ્વયમેવ નિર્માણ થઈ ગયું. અહીં ‘રે’ મઠના કવિઓ સાથે વારંવાર મળવાનું થવા લાગ્યું. નિસર્ગદત્ત કવિત્વશક્તિને વેગ મળ્યો અને એક પછી એક ગઝલો અને કાવ્યો રચાવા લાગ્યાં અને સામયિકોમાં પ્રગટ થવા લાગ્યાં. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘વળાંક’ નામે પ્રગટ થયો. પછી ૧૯૬૬માં બીજો સંગ્રહ ‘પગરવ’ પ્રગટ થયો. ‘પગરવ’ને ગુજરાત સરકારનું પારિતોષિક મળ્યું અને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી ‘કાકા કલેલકર પારિતોષિક’ પણ મળ્યું. ૧૯૭૦માં તેમનો ત્રીજો સંગ્રહ ‘સતત’ પ્રગટ થયો. પહેલા બે સંગ્રહો હાલ અપ્રાપ્ય છે. ‘સતત’ પછીની રચનાઓના એક-બે સંગ્રહો હવે પછી થશે. શ્રી આદિલ મન્સૂરી ૧૯પપથી ઉર્દૂમાં કાવ્યો કરતા રહ્યા છે. ઉર્દૂ કાવ્યોનો સંગ્રહ ‘કલામે મનસુખ’ (રદ કરેલાં કાવ્યો) નામે ટૂંક સમયમાં પ્રગટ થશે. આદિલની ગઝલોમાં તીક્ષ્ણતા છે, માર્મિકતા છે, અનાયાસ ચમત્કૃતિ છે. પણ એમનું મહત્ત્વનું કામ તો તેમણે પરંપરાગત રદીફ-કાફિયામાં જ પરિસમાપ્ત થતી અને સનમ-સાકીના જૂના પુરાણા ગાનમાં રાચતી ગઝલને છોડાવીને આધુનિક ચેતનાને વ્યક્ત કરવામાં, અવનવાં પ્રતીકોના સંયોજનમાં એનો ઉપયોગ કર્યો એ છે. કફન, કબર જેવાં પ્રતીકોનો તેમણે સફળતાપૂર્વક વિનિયોગ કર્યો છે. તેમણે કક્કાની એક સરસ ગઝલ પણ લખી છે. આદિલની ગઝલ વિશે શ્રી હરીન્દ્ર દવેએ કહેલું : “ગુજરાતી ભાષામાં કવિતામાં અને વિશેષ કરીને ગઝલમાં ભાષા બહુ લીસી બની ગઈ છે! ચપટા શબ્દો અનુભવના શિખર સુધી આંબે એવી ઊંચાઈએ ભાગ્યે જ જાય છે. ત્યારે ‘આદિલ’ની આ રચનાઓ એક ભાવસૃષ્ટિ રચે છે. આ શબ્દોમાં પોલાણ નથી લાગતું — એ અરીસાઓની પાછળનો સિંદૂર અકબંધ લાગે છે.” આદિલે ગઝલના સ્વરૂપમાં ‘સમાંતર ભાષા રચવા પ્રયત્ન કર્યો છે’ એની હરીન્દ્રભાઈએ યોગ્ય રીતે પ્રશંસા કરી છે. કવિની શોધ તો કાગળના કલેવરમાં ઉતારી ન શકાય એવી કવિતાની શોધની છે, કારણ કે તેમને પ્રતીતિ છે કે શબ્દોમાં કવિતા કદી બાંધી ન શકાય. આપણે એમની શોધને સફળતા ઈચ્છીએ. ગઝલ ઉપરાંત બીજાં કાવ્યોમાં ‘અંધકાર’નું પ્રતીક ખાસ ધ્યાન ખેંચે છે. ‘પર્વતખેડુનું ગીત’, ‘અંધકારના કવિ અમે તો’, ‘અવાજના આ ટુકડા’ જેવાં સરસ કાવ્યો તેમણે આપ્યાં છે. ‘હવા’, ‘ઢળતી સાંજનો તડકો’, ‘રાતે’, ‘બળેલાં ખંડેરો’નાં શબ્દચિત્રો પણ સુરેખ છે. કેટલાંક ચોટદાર મુક્તકો પણ તેમણે લખ્યાં છે. શ્રી આદિલ મન્સૂરીનો બીજો પ્રેમ નાટક છે. ‘મેઈક બિલીવ’માં મિત્રો સાથે એમની નાટ્યકૃતિઓ છે. ‘હાથપગ બંધાયેલા છે’નાં એકાંકીઓ ગુજરાત અને મુંબઈમાં ભજવાયાં છે. એમાંનાં ‘પેન્સિલની કબર અને મીણબત્તી’, ‘હાથપગ બંધાયેલા છે’, ‘જડબેસલાક રામ જાંબુ’ ઘણાં લોકપ્રિય થયેલાં અને અનેક વાર ભજવાયેલાં. ‘જે નથી તે’ પણ દર્પણ સંસ્થાએ ભજવેલું. શ્રી આદિલ મન્સૂરીને ચિત્રકલામાં પણ રસ છે. ૧૯૭૨માં તેમનાં ચિત્રોનાં અમદાવાદ અને મુંબઈમાં પ્રદર્શનો યોજાયાં હતાં. સમકાલીન ગુજરાતી લેખકોમાં ચિત્ર અને કાવ્ય બંનેમાં રસ લેનાર બે કવિઓ છેઃ ગુલામ મોહમ્મદ શેખ અને આદિલ મન્સૂરી. તેમની ચિત્રકલાની સાધના કવિતાને પણ ઉપકારક બની છે. શ્રી આદિલે વિવિધ વ્યવસાયો કર્યા છે. ૧૯પ૪માં કરાંચીમાં પિતાના જથ્થાબંધ કાપડના વેપારનો અનુભવ લીધો, ૧૯પપ-પ૬માં અમદાવાદમાં સૂતરનો વેપાર કર્યો, ૧૯પ૭માં કાપડનો ધંધો કર્યો. થોડો સમય તે અંગ્રેજી સાપ્તાહિક ‘ટૉપિક’ અને ગુજરાતી વાર્ષિક ‘અંગના’ સાથે સંકળાયેલા હતા. ૧૯૭૨થી તે ‘શિલ્પી’ ઍડવર્ટાઈઝિંગ લિ.માં ‘કૉપીરાઈટર’ તરીકે કામ કરે છે. ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન, નવી દિલ્હી તરફથી કરાંચીના ગુજરાતીભાષી સમાજે નિમંત્રેલા સાંસ્કૃતિક પ્રતિનિધિમંડળમાં શ્રી ગુલાબદાસ બ્રોકર અને શ્રી શિવકુમાર જોષીની સાથે શ્રી આદિલ મન્સૂરી પણ આવતે મહિને કરાંચી જનાર છે. ગઝલના પરંપરાગત સ્વરૂપને નવો વળાંક આપનાર કવિઓમાં આદિલનો પ્રયત્ન દાદ માગી લે છે. તે તો કહે છે :
ગઝલનો ‘ગ’ ફક્ત ઘૂંટ્યો છે, આદિલ,
હજુ બંકી કવન બારાખડી છે.
ગુજરાતી ગઝલને તે હજુ વધુ સમૃદ્ધ કરશે જ. આપણે રાહ જોઈએ.
૨૨-૨-૮૧