શબ્દલોકના યાત્રીઓ – ૨/વીનેશ અંતાણી
વીનેશ અંતાણી અત્યારના યુવાન નવલકથાકારોમાં આગળ આવી રહ્યા છે. હમણાં તેમની બે લઘુનવલોનો સંગ્રહ ‘આસોપાલવ’ નામે પ્રગટ થયો છે. એમાં ‘આસોપાલવ’ અને ‘ચોથા માળે પીપળો’ મૂકી છે. એની પ્રસ્તાવનામાં શિવકુમાર જોષીએ નોંધ્યું છેઃ “ ‘આસોપાલવ’ વાંચતાં વાંચતાં ભાઈ વીનેશ અંતાણી માટે ટૂંકો માપદંડ રાખવો તે હવે ગેરવાજબી ગણાય... નાવીન્ય–આવાં ગાર્દને નામે ગુજરાતી સાહિત્યમાં જે કંઈ જુવાળ આવ્યા છે એની વચમાં સ્થિર પગલે ઊભા રહેવાની ક્ષમતા ધરાવનાર ભાઈ અંતાણી તે નવી પેઢીના માત્ર આશાસ્પદ નહિ પણ નીવડેલા વાર્તાકાર ગણાય, એની પ્રતીતિ કદાચ ‘આસોપાલવ’ એક જ કૃતિ વાંચે તોપણ થાય છે.” ‘આસોપાલવ’માં પતિગૃહનો ત્યાગ કરનારી નંદા અને કુમારનું પુનઃ મિલન કલાત્મક રીતે સધાયું છે. નંદાના પિતા એમના દામ્પત્યજીવનના ચાળીસમા વર્ષની સવારે બારસાખ પર બાંધતા હતા તે આસોપાલવના તોરણના પાંદડે પાંદડે લીલુંલીલું હસતી નંદાનો ચહેરો દેખાયો એ નિરૂપણ કલાત્મક છે. કુમાર નંદાને ત્યાં આવે અને નંદા કુમારને ત્યાં જવા નીકળી ચૂકી હોય એવા વર્ણનમાં કશીક સૂક્ષ્મ ભૂમિકાઓ – સ્નેહની ભૂમિકાઓ – રચાતું મિલન નારીગૌરવને અને માનવીય ગૌરવને પણ અનુરૂપ છે. તેમની ‘પ્રિયજન’ નવલકથામાં દિવાકર અને ઉમા જોડાયાં છે. ચારુ અને નિકેત સાથે પણ એ બંને છે. એકબીજાના ‘પ્રિયજન’ પ્રૌઢવયે આ સ્મૃતિ કેવી સૂક્ષ્મ લાગણી જન્માવી જાય છે! અને સમયમાં વિભાજિત હૃદયો કેવી સંકુલ સંવેદના અનુભવે છે એનું ચિત્રણ થયું છે. આ નવલકથાનું વસ્તુ પોતાના રેડિયો નાટક ‘માલીપા’ ઉપર આધારિત છે. ‘આસોપાલવ’ અને ‘પ્રિયજન’માં થયેલો ટ્રેનના પ્રતીકનો વિનિયોગ નોંધપાત્ર છે. ‘ચોથા માળે પીપળો’માં આ પ્રકારનો અનુભવ એક દ્વિધા આગળ અટકી જાય છે. ‘પલાશવન’ નવલકથામાં એથી વિરુદ્ધનો દૃષ્ટિકોણ અપનાવાયો હતો. એમાં પૂર્વરાગની સ્મૃતિ દામ્પત્યમાં વ્યવધાનરૂપ બની જાય છે. નવલકથાઓ અને કેટલીક નવલિકાઓમાં વીનેશ અંતાણીને સ્ત્રી-પુરુષ સંબંધોમાં રસ છે. સ્ત્રી-પુરુષ સંબંધોનું નિરૂપણ ઘણા નવલકથાકારો કરે છે, પણ સાહિત્યિક અભિગમને પ્રધાનતા આપી સૂક્ષ્મતા અને ઔચિત્યપૂર્વક નિરૂપણ કરનાર નવા નવલકથાકારોમાં વીનેશ અંતાણીને ગણવા જોઈએ. શ્રી વીનેશ અંતાણીનો જન્મ કચ્છમાં આવેલા માંડવીમાં ઈ.સ.૧૯૪૬ના જૂનની ૨૭મી તારીખે થયો હતો. પિતા દિનકરરાય પ્રાથમિક શિક્ષક હતા અને સંગીત તથા નાટ્યકલામાં રસ લેતા. માતા બચુબહેનને પણ સાહિત્યનો રસ. વીનેશના ઉછેરમાં ઘરના આ વાતાવરણે મોટો ભાગ ભજવ્યો. તેમણે માધ્યમિક શિક્ષણ નખત્રાણામાં લીધું પછી ભૂજ આવ્યા. એસ.ટી.માં નોકરી સ્વીકારી અને લાલન કૉલેજમાં અભ્યાસ આરંભ્યો. જીવનમાં પડેલા સંઘર્ષતત્ત્વનો આ વરસોમાં પરિચય થયો જેણે સંવેદનને ઘાટ આપવા માંડ્યો. સંગીતનો શોખ તો હતો જ; કૉલેજ શિક્ષણ દરમ્યાન સાહિત્યના સંસ્કાર પણ પાંગર્યા. સાહિત્ય મંડળની સ્પર્ધાઓ, કૉલેજનું ભીંતપત્ર સામયિક વગેરેએ અભિવ્યક્તિની તક પૂરી પાડી. આ સમયે કચ્છના શ્રી ધીરેન્દ્ર મહેતા સાથે મૈત્રી બંધાઈ. બન્નેની સમાન્તર ચાલતી સર્જનપ્રવૃત્તિ એકમેકને પોષક નીવડી. વીનેશની કૃતિના પ્રથમ મુસદ્દાથી માંડીને પ્રકાશન અંગે ધીરેન્દ્રને પોતાની કૃતિ અંગે હોય એટલો ઉમળકો. તે મુખ્ય વિષય ગુજરાતી અને ગૌણ વિષય હિંદી સાથે ૧૯૬૭માં બી. એ. થયા અને આ જ વિષયો સાથે ૧૯૬૯માં એમ.એ. થયા. પછી ભૂજની કૉમર્સ કૉલેજમાં અધ્યાપક થયા. પાંચ વરસ આ કામ કયું. ૧૯૭પથી આકાશવાણીના ભૂજ કેન્દ્રમાં કાર્યક્રમ નિયોજક તરીકે કામ કરે છે. વચ્ચે એક વરસ વડોદરામાં જઈ આવેલા. કૉલેજમાં સહાધ્યાયિની અને આકાશવાણીનાં ઉદ્ઘોષિકા પુષ્પા મહેતા સાથે પ્રેમ થયેલો, ૧૯૬૯માં આંતરજ્ઞાતીય લગ્નમાં પરિણમ્યો. પુષ્પાબહેન આકાશવાણીનાં નાટકોના કલાકાર છે અને વીનેશભાઈ આકાશવાણીનાં ગુજરાતી નાટકના દિગ્દર્શક છે. એમણે રેડિયો-નાટકો લખ્યાં છે, અને ઉમળકાભેર રંગભૂમિ પર નાટકોનું દિગ્દર્શન પણ કર્યું છે. હિંદી નાટ્યકાર મણિ મધુકરના નાટકનો ગુજરાતીમાં અનુવાદ કરી વીનેશ અંતાણીએ ‘અંધેરી નગરી’ નામે ભજવેલો. એ પહેલાં ‘રજનીગંધા’ નામનું મૂળ બંગાળી નાટક ગુજરાતીમાં ભજવ્યું હતું. આ બન્ને નાટકોને તેમ જ તેમના પોતાના લખેલા ‘હિમ્મતલાલ હિમ્મતલાલ’ નામના ઍબ્સર્ડ નાટકની ભજવણીને અસાધારણ સફળતા સાંપડી હતી. ‘લીલા વાંસનો ટહુકો’, ‘માલીપા’ આદિ રેડિયો નાટકો પણ પ્રશંસાપાત્ર નીવડેલ. તેઓ નવલકથાઓનું રેડિયો નાટકોમાં અને રેડિયો નાટકોનું નવલકથાઓમાં કુશળતાપૂર્વક રૂપાંતર કરતા રહ્યા છે. આ બન્ને સ્વરૂપો પર તેમને સારી ફાવટ છે. ‘બીજો સૂરજ’ નામે ટૂંકી વાર્તાને સંદેશ સુવર્ણ ચન્દ્રક મળ્યો હતો. ‘ખાલી પ્લૅટફૉર્મ’ અને ‘સ્મશાન’ નામની વાર્તાને હરેન્દ્રરાય ધોળકિયા સુવર્ણચંદ્રક મળ્યા હતા. વીનેશ અંતાણી અભ્યાસી લેખક છે. અંગ્રેજી અને હિંદીની નવી નવલકથાઓ વાંચે છે. તેમની પોતાની કૃતિઓમાં એ સ્વાધ્યાય લેખે લાગેલો દેખાય છે. ટૂંકી વાર્તામાં એમનું વલણ પ્રયોગશીલ રહ્યું છે. એ વલણ આધુનિક મનુષ્યની એકલતા નિરૂપતી ‘નગરવાસી’ અને ‘એકાંતદ્વીપ’ નામની આરંભિક નવલકથાઓમાં પણ પ્રગટ થયું છે. આ બંને કૃતિઓને ગુજરાત સરકારનાં પારિતોષિકો મળેલાં. નવલકથાકારને જીવનનો પ્રત્યક્ષ સંબંધ હોવો જોઈએ એમ તે દૃઢપણે માને છે. આપણા લેખકોને એ પૂરતા પ્રમાણમાં નહિ હોવાથી ઊંડાણવાળી કૃતિઓ ઝાઝી રચાતી નથી એમ તેમને લાગે છે. તે જીવનનો તાગ પામવા સહૃદયતાથી મથે છે. નવલકથાના ‘કળા’ પાસા પર સતત નજર રાખી જીવનના અનુભવને અનાયાસ અભિવ્યક્તિ આપનાર ભાઈ વીનેશ અંતાણી એક સાચા સર્જક છે. વિવેચકો તેમની સર્જનપ્રવૃત્તિ પર નજર રાખતા રહે, શ્રી વીનેશ અંતાણી ગમે તે ક્ષણે કશુંક સ્થાયી મૂલ્યનું સર્જી બેસે!
૧પ-૩-૮૧