શબ્દલોકના યાત્રીઓ – ૨/વિજય શાસ્ત્રી
દક્ષિણ ગુજરાતના યુવાન લેખકોમાં શ્રી વિજય શાસ્ત્રી આશાસ્પદ લેખક તરીકે બહાર આવ્યા છે. તેમણે ટૂંકી વાર્તા, રસદર્શન, વિવેચન અને અનુવાદનાં ક્ષેત્રમાં કામ કર્યું છે. શ્રી વિજય રમણલાલ શાસ્ત્રીનો જન્મ ૧૪મી ઑગસ્ટ ૧૯૪પના રોજ સાન્તાક્રૂઝ (મુંબઈ) ખાતે થયો હતો. તેમનું વતન સુરત. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સુરત ખાતે પૂરું કરી ૧૯૬૧માં સુરતની એમ.ટી.બી. આર્ટ્સ કૉલેજમાં જોડાયા અને ૧૯૬પમાં ગુજરાતી મુખ્ય અને સંસ્કૃત ગૌણ વિષય તરીકે લઈ બી.એ.ની પરીક્ષા ગુજરાત યુનિવર્સિટીમાંથી પ્રથમ વર્ગમાં પસાર કરી અને એ જ વિષયો સાથે ચૂનીલાલ ગાંધી વિદ્યાભવન(સુરત)માં એમ.એ.ના અભ્યાસ માટે જોડાયા અને એમ.એ.ની પરીક્ષા પણ ગુજરાત યુનિવર્સિટીમાંથી પ્રથમ વર્ગ સાથે ૧૯૬૭માં પસાર કરી. હાલ તે એમ.ટી.બી. આર્ટ્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક છે અને પીએચ.ડી.નું સંશોધનકાર્ય કરી રહ્યા છે. ૧૯૬પમાં બી.એ. થયા બાદ સુરતથી પ્રગટ થતા દૈનિક ‘ગુજરાતમિત્ર’ના તંત્રી વિભાગમાં જોડાયા અને ૧૯૬૭ સુધી, એમ.એ.ના અભ્યાસ સાથે ત્યાં કામ કર્યું. ‘ગુજરાતમિત્ર’માં તે પુસ્તકનાં અવલોકનો અને અનુવાદો કરતા. ‘ગુજરાતમિત્ર’માં તેમણે બુકર ટી. વૉશિંગ્ટનના ‘એ ફાઈટ ફૉર એજ્યુકેશન’ નામક આત્મકથાના અમુક અંશનો હપતાવાર અનુવાદ કર્યો, જે ૧૯૭૧માં ‘સંસ્કાર ખાતર’ નામે પુસ્તિકા રૂપે પ્રગટ થયો. ૧૯૭૭માં એની બીજી આવૃત્તિ થઈ. ટૂંકી વાર્તામાં તેમને જીવંત રસ, ખાસ કરીને ટેકનીકના પ્રયોગોમાં. તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘મિસિસ શાહની એક બપોર’ ૧૯૭૧માં પ્રગટ થયો, બીજો વાર્તાસંગ્રહ ‘અહીં તો’ ૧૯૭૩માં પ્રગટ થયો, ૧૯૭૭માં ‘હોવું એટલે હોવું’ પ્રગટ થયો. તાજેતરમાં ‘ઈતરેતર’ નામે વાર્તાસંગ્રહ પ્રગટ થયો છે. ૧૯૭૩માં પ્રગટ થયેલાં ઉત્તમ ગુણવત્તાવાળાં પુસ્તકોની સ્પર્ધામાં ‘અહીં તો’ને પારિતોષિક મળેલું. ‘ઇતરેતર’ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ૧૯૮૦-૮૧ના શૈક્ષણિક વર્ષ દરમ્યાન એમ.એ.ના ગુજરાતીને અભ્યાસક્રમમાં પાઠ્યપુસ્તક તરીકે નિયત થયો છે. ૧૯૭૩માં તેમણે ‘મહાકવિ દાન્તે: જીવન અને કવન’ નામે પુસ્તિકા પ્રગટ કરેલી. એમાં ‘ડિવાઈન કૉમેડી’, ‘ધ ન્યૂ લાઈફ’ વગેરે મહત્ત્વની કૃતિઓનો વિવેચનાત્મક પરિચય અપાયો છે. શ્રી વિ. ૨. ત્રિવેદીએ આ પુસ્તિકાને આવકારતાં લેખક પરના પત્રમાં લખેલું કે “દાન્તેના જીવન અને કવનનો આ લઘુ પુસ્તકથી સારો પરિચય થાય છે અને કવિની કવિતાનો વધુ આસ્વાદ લેવા વાચકને પ્રેરે તેમ છે. એને અંગે તમે ઠીક ઠીક વાંચ્યું છે. વિવેકી, અભ્યાસી અને લેખક તરીકે તમારી પ્રગતિ જણાઈ આવે છે.” એક સંનિષ્ઠ અભ્યાસી તરીકે તે આ પુસ્તિકાથી જાહેર થયા. ૧૯૭૬માં તેમનું ‘ઉદ્ગાર’ પુસ્તક પ્રગટ થયું. એમાં તેમણે આલ્બેર કામૂ, બર્નાર્ડ શૉ, એન્ટન ચેખૉવ જેવા યુરોપના અને કવિ કાલિદાસ, ડૉ. રાધાકૃષ્ણન જેવા અત્રત્ય સર્જકો અને ચિંતકોના ઉદ્ગારોનું રસદર્શી વિવરણ આપ્યું છે. નાનાં ટૂંકાં અવતરણક્ષમ વાક્યોને પસંદ કરી તેમના ઉપર રસિકતાસભર અભિરુચિથી વિચારવિમર્શ કરવાનો તેમણે પ્રયત્ન કર્યો છે. પરંતુ શ્રી વિજય શાસ્ત્રીનું મુખ્ય કાર્ય ટૂંકી વાર્તાના ક્ષેત્રે છે અને તે મહત્ત્વનું પણ છે. માનવજીવનની વિધિવક્રતાને તે હૂબહૂ પ્રગટ કરી આપે છે. ‘હોવું એટલે હોવું’ સંગ્રહની વાર્તાઓ સાંપ્રત મનુષ્યની, વાસ્તવિક્તાને યથાતથ સ્વરૂપે મૂકી આપે છે. પરિસ્થિતિ પર ટૉર્ચલાઈટ નાખીને લેખક ખસી જાય છે. એમનું પોતાનું કથયિતવ્ય પણ અત્યંત તિરોહિત થઈ જાય છે અને સ્થિતિચિત્રણ પોતે જ વક્તવ્ય બની રહે એ જાતનું નિરૂપણ વક્રતા અને કટાક્ષનો સફળ વિનિમય કરીને સાધ્યું છે એમાં નવી વાર્તાની સાચી પ્રયોગશીલતાનું દર્શન થાય છે. ‘ગ્રંથ’માં આ વાર્તાઓની સમીક્ષા કરતાં પ્રા. કાન્તિ પટેલે લખેલું કે “આધુનિકતાનો સંભાર પૂરતા પ્રમાણમાં ભળેલો છે. સાંપ્રત જીવનની, વધુ તો નગર જીવનની નાનીમોટી અનેક બાબતો વાર્તાકારને વાર્તા લખવા ઉશ્કેરે છે. આ વાર્તાઓનો નાયક મહદંશે સરેરાશ ગુજરાતી માણસ છે, સામાન્યતાને વરેલો છે, જે નિરર્થક જિંદગીનો ભાર વેંઢારતો રહે છે. પ્રેમ અને લાગણી જેવી બાબતમાં તે મૌલિકતા ગુમાવી બેઠો છે અને જાણ્યે-અજાણ્યે રેડીમેઈડ ફૉર્મ્યુલાને વશવર્તી જીવે છે. રોજિંદા જીવનમાં અનેક અસંગતિઓનો મુકાબલો કરવાનું તેને ભાગે આવે છે.” અનુવાદપ્રવૃત્તિના ફળસ્વરૂપ ‘સંસ્કાર ખાતર’ ઉપરાંત ‘વિશ્વની પ્રતિનિધિ વાર્તાઓ’નું પુસ્તક પણ વિજય શાસ્ત્રીએ આપ્યું છે. એમાં અર્નેસ્ટ હેમિંગ્વે, વિલિયમ માર્ચ, આલ્બેર કામૂ, ટ્રુમૅન કેપોટ, કાફકા, ગ્રેહામ ગ્રીન જેવા વાર્તાકારોની કૃતિઓના અનુવાદ (આસ્વાદ સાથે) તેમણે આપ્યા છે. રાધેશ્યામ શર્માએ એને આવકારતાં લખેલું કે “વાર્તાઓ તેમ જ વાર્તાકારોના ચયનમાં પ્રા. વિજય શાસ્ત્રીની રુચિ અને દૃષ્ટિ શાસ્ત્રબદ્ધ વિવેચક કરતાં એક વૈવિધ્યરસિક જાગ્રત વાર્તાકારની સવિશેષ પ્રતીત થાય છે.” જૉન સ્ટાઈનબેકની ‘The Moon is Down’ નવલકથાનો સંક્ષેપ અને અનુવાદ કેટલાંક વર્ષો પૂર્વે ‘ગુજરાતમિત્ર’માં હપતાવાર પ્રગટ કર્યો હતો. ‘પરાયા મુલક’માં તે યુરોપીય વાર્તાકારોની વાર્તાઓનો અનુવાદ આપવાની ખ્વાહેશ રાખે છે. પ્રા. વિજય શાસ્ત્રી માટે હવે સાહિત્યનો મુલક પરાયો નથી! મનુષ્યના મનનો તાગ લેવામાં પણ એક સર્જક તરીકે તેમની કુશળતા પ્રગટ થાય છે. તેમણે ‘હું અને હું’ નામે નવલકથા પણ લખી છે. એને વિશે પ્રસિદ્ધ કવિ-વિવેચક જયન્ત પાઠક કહે છે, “ ‘હું અને હું’માં આંતરચેતનાના આઘાત-પ્રત્યાઘાતોનું નિરૂપણ સંકુલ ચિત્તતંત્રને પ્રગટ કરી આપે છે. એમની ભાષામાં વૈચિત્ર્ય અને વેગ વરતાય છે. સંવાદના ઉક્તિચાપલ્યમાં અને કથન વર્ણનની રીતિમાં શ્રી શાસ્ત્રીના ગદ્યની ગતિ એકંદરે છટાદાર કહી શકાય એવી છે.”
૧૧-પ-૮૦