શબ્દલોકના યાત્રીઓ – ૨/મધુરાય
બંગાળી જેવું નામ લાગે છે, નહિ? પણ એ ગુજરાતી લેખક છે, વાર્તા, નવલકથા અને નાટકના ક્ષેત્રે મધુ રાયે મૂલ્યવાન અર્પણ કર્યું છે. આધુનિક સર્જકોમાં તેમનું સ્થાન મોખરે છે. એમનું મૂળ નામ મધુસૂદન વલ્લભદાસ ઠાકર. તે ઘણાં વર્ષ કલકત્તા રહેલા. અઢારેક વર્ષની વયે તેમણે લેખનનો આરંભ કર્યો ત્યારે આ તખલ્લુસ રાખેલું. વિલેપારલે સાહિત્યસભા (મુંબઈ) તરફથી યોજાયેલી વાર્તાસ્પર્ધામાં સત્તર-અઢાર વર્ષના આ યુવકે ભાગ લીધેલો. વાર્તાઓની ભૂમિ કલકત્તાની હતી, નિર્ણાયકોને એ વાર્તાઓના લેખક કોણ હશે એવો પ્રશ્ન થયેલો. શૈલી શિવકુમાર જોષીની ન હતી, કાંઈક મળતાપણું હોય તો ચન્દ્રકાન્ત બક્ષી સાથે. શું બક્ષીએ ‘મધુ રાય’ તખલ્લુસથી આ વાર્તાઓ મોકલી હશે? પણ એ શંકા ખોટી નીકળી. મધુ રાય ચન્દ્રકાન્ત બક્ષી ન હતા. મધુ રાય એ મધુ રાય હતા. નિર્ણાયકોએ એની બે વાર્તાઓને પ્રથમ પારિતોષિક આપેલું. સ્પર્ધાના નિર્ણાયકો હતા રામપ્રસાદ બક્ષી, ધનસુખલાલ મહેતા અને હરિવલ્લભ ભાયાણી. એમનું મૂળ નામ મધુસૂદન વલ્લભદાસ ઠાકર. તેમનો જન્મ જામખંભાળિયામાં ૧૬ જુલાઈ ૧૯૪૨ના રોજ થયો હતો. તેમના પિતાશ્રીએ કલકત્તામાં સ્કૂલની નોકરી લીધેલી એટલે મધુ રાયનું બધું શિક્ષણ કલકત્તામાં થયું. હાઈસ્કૂલનો અભ્યાસ પૂરો કરીને ત્યાંની રેસિડેન્ટ કૉલેજમાં જોડાયા. જનરલ વિષયો લઈને બી.એ. થયા. રાષ્ટ્રભાષા કોવિદની પરીક્ષા પણ આપી. ગુજરાતી, હિંદી અને અંગ્રેજી ઉપરાંત કલકત્તાના વસવાટને કારણે બંગાળી અને શોખથી ઉર્દૂ બંને ભાષાઓ પર તેમણે પ્રભુત્વ મેળવ્યું. લેખક તરીકેની કારકિર્દીમાં આરંભમાં કલકત્તાવાસી શિવકુમાર જોષી અને ચન્દ્રકાન્ત બક્ષીની મૈત્રીએ ભાગ ભજવ્યો હશે. પછી તો તે એ બંને કરતાં તદ્દન જુદી શૈલીની વાર્તા-નવલકથાઓના લેખક તરીકે બહાર આવ્યા. તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘બાંશી નામની એક છોકરી’ ૧૯૬૪માં પ્રગટ થયો અને એક પ્રતિભાશાળી આશાસ્પદ સર્જક તરીકે મધુ રાયે ગુજરાતી સાહિત્યરસિકોનું ધ્યાન ખેંચ્યું. ગુલાબદાસ બ્રોકરે એને આવકારતાં કહ્યું, ‘ભાષા, શૈલી, સંવેદના, આયોજન પદ્ધતિ, બારીક નિરીક્ષણની અદ્ભુત શક્તિ, વસ્તુને નીરખવાની અનોખી દૃષ્ટિ અને સારા કલાકાર થવા સર્જાયેલા દરેક સર્જકમાં હોય એવી સ્વાભાવિક કલાસૂઝનું સામર્થ્ય આ યુવાન લેખકમાં એટલે મોટા પ્રમાણમાં ભરેલું છે કે એમના આ સંગ્રહને જોતાં આપણું ચિત્ત પ્રસન્નતા અનુભવે છે.’ એ પછી તેમણે ‘રૂપકથા’ અને ‘કાલસર્પ’ વાર્તાસંગ્રહો આપ્યા અને પ્રયોગશીલ વાર્તાકાર તરીકેનું સ્થાન નિશ્ચિત કર્યું. મધુરાયની નવલકથાઓમાં સૌ પ્રથમ ‘ચહેરા’ પ્રગટ થઈ. આજના મનુષ્યની ચહેરાવિહીનતા તેમણે પ્રગટ કરી આપી. એમાં સળંગ ઘટનાસૂત્રને બદલે જુદાં જુદાં ઘટનાતંતુઓનાં ઇંગિતો દ્વારા કથા કહેવાઈ છે. આખી કૃતિ પ્રતીકરૂપ બની છે. ૧૯૬૮માં પ્રસિદ્ધ નાટ્યસંસ્થા દર્પણે એમનું એક નાટક ‘કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો?’ ભજવેલું (પુસ્તકાકારે પણ એ પ્રગટ થયું છે). એના કથાવસ્તુ ઉપરથી મધુ રાયે ‘કામિની’ નામે નવલકથા ૧૯૭૦માં લખી. ‘સભા’ પણ જાણીતી છે. ‘સાપબાજી’ અને ‘મુખરજી બગદાદ ગયો નથી’ એ તેમની નવલકથાઓ છે. છેલ્લા સમયમાં ગુજરાતી નવલકથામાં જે પ્રયોગો થયા અને લઘુ નવલકથાનો આગવો પ્રકાર વિકસ્યો એમાં આ લેખકનો નોંધપાત્ર ફાળો છે. ૧૯૬૭માં મધુ રાય કલકત્તાથી અમદાવાદ આવ્યા. થોડો સમય દૈનિક ‘સંદેશ’ અને સાપ્તાહિક ‘નિરીક્ષક’માં કામ કર્યું. એડવર્ટાઈઝિંગ કંપની નવનીતલાલ ઍન્ડ કું.માં જાહેરખબર લેખનના કામમાં જોડાયા. આ સમય દરમ્યાન નાટકમાં તેમણે સક્રિય રસ લીધો. લાભશંકર ઠાકર આદિ મિત્રો સાથે ‘આકંઠ સાબરમતી’ નામની સંસ્થા સ્થાપી અને પ્રયોગલક્ષી રજૂઆત દ્વારા નવી રંગભૂમિની ભૂમિકા તૈયાર કરી. તેમનું ચતુરંકી નાટક ‘કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો?’ દર્પણે ભજવ્યું. આઈ.એન.ટી.એ ‘કુમારની અગાશી’નો પ્રથમ પ્રયોગ ૨૭મી ઑગસ્ટ ૧૯૭૨ના રોજ કર્યો. પછી તો એણે રંગત જમાવી, આઈ.એન.ટી.એ ૧૯૭૩માં તેમનું ‘સંતુ રંગીલી’ રજૂ કર્યું અને બે વરસમાં તો એના ૨૦૦ પ્રયોગો થયા. તેમનાં આ બધાં નાટકો પુસ્તકાકારે પ્રગટ થયાં છે. ઈસ્ટ-વેસ્ટ સેન્ટર તરફથી સાંસ્કૃતિક આદાનપ્રદાન યોજનામાં મધુ રાય ૧૯૭૦માં અમેરિકા ગયા. રંગમંચ અને દિગ્દર્શન વગેરેની તેમણે તાલીમ મેળવી. નવેક મહિના તે હવાઈમાં રહ્યા અને બીજો એટલો જ સમય ન્યૂયોર્ક રહ્યા. ૧૯૭૨માં તે ભારત પરત થયા. ૧૯૭૩માં તેમણે સુવર્ણા ભટ્ટ સાથે લગ્ન કર્યું. ‘સુવર્ણા’ નામથી તે ‘સંસ્કૃતિ’ અને અન્ય સામયિકોમાં વાર્તાઓ લખતાં હતાં. લેખિકા તરીકે તે ‘એક હતી દુનિયા’ સંગ્રહથી જાણીતાં છે. બંને ૧૯૭૪માં અમેરિકા ગયાં. તેમનાં પત્નીએ ફિલૉસૉફી સાથે એમ. એ. કર્યું અને મધુ રાયે સર્જનાત્મક સાહિત્યલેખનના વિષયમાં એમ.એ.ની પદવી મેળવી. અમેરિકાના વસવાટ દરમ્યાન મધુ રાયે ‘ખેલેન્દો’ (સ્લુથનું રૂપાંતર) નામે નાટક લખ્યું, જે આઈ. એન. ટી.એ ભજવ્યું. ‘કિમ્બલ રેવન્સવુડ’ નામે નવલકથા લખી તે ‘ગુજરાતમિત્ર’માં ધારાવાહિક રૂપે પ્રગટ થઈ છે. યુનિવર્સિટી ઑફ ઈવાન્સીલની અંગ્રેજી ટૂંકી વાર્તાની સ્પર્ધામાં બંને વર્ષ (૧૯૭પ-૭૬) મધુ રાયને પ્રથમ પારિતોષિક મળ્યું. એ પછી તેમણે અમેરિકામાં ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં જાહેર ખબર લખવાનું કામ કર્યું પણ એ પછી અમેરિકામાં વસતા ગુજરાતીઓ માટે કોઈ છાપું કાઢવાનો તેમને વિચાર આવ્યો અને તેમણે ‘ગુજરાતી’ નામે સાપ્તાહિક શરૂ કર્યું. ૨૩મી માર્ચ ૧૯૭૮ના રોજ એનો પૂર્વ-પ્રકાશન અંક પ્રગટ કર્યો. સંચાર પ્રકાશનને નામે એ પ્રગટ થયો. ‘અમેરિકામાં અજોડ પ્રશિષ્ટ સાપ્તાહિક’ની છૂટક કિંમત ૩૦ સેન્ટ અને વાર્ષિક લવાજમ ૧૨ ડૉલર રાખવાની જાહેરાત કરી. ૨૭મી એપ્રિલે એનો પ્રથમ અંક પ્રગટ થયો. અમેરિકામાં વસતા ગુજરાતીઓને ભારતના અને વિશેષે ગુજરાતના વિવિધ સમાચારો ખાસ કરીને સાંસ્કૃતિક સમાચારો આપવાની નેમ સાથે શરૂ થયેલા આ સાપ્તાહિકને અમેરિકામાં ટાઈપોની મુશ્કેલી પડે તે સ્વાભાવિક છે. હપતે હપતે એની વ્યવસ્થા કરવાની તંત્રીએ ખાતરી આપી. આ અઠવાડિક, અત્યારે તો, એમનાં પત્ની સુવર્ણાબહેન ગુજરાતમાંથી છાપાંની કાપલીઓ મોકલે અને એની ફોટોસ્ટેટ થાય એ રીતે શરૂ થયું છે. ગુજરાતના સમાચાર અને ગુજરાતના લેખકોની કૃતિઓ ઉપરાંત અમેરિકામાં વસતા સાહિત્યક્ષેત્રે પા પા પગલી માંડતા નવા લખનારાઓની કલમને પણ ‘ગુજરાતી’માં અભિવ્યક્તિ આપવામાં આવે છે. ૧પમી ઑગસ્ટનો વિશેષાંક પણ એણે પ્રગટ કર્યો છે, જેમાં હરીન્દ્ર દવે, વેણીભાઈ પુરોહિત, સરોજ પાઠક, રાધેશ્યામ વગેરેની રચનાઓ આપી છે. વાર્તા, નવલકથા અને નાટકના ક્ષેત્રે મધુ રાયે ઉત્કૃષ્ટ કૃતિઓ આપી છે. અમેરિકામાં બેઠાં બેઠાં પણ તે ગુજરાતી ભાષાને ભૂલ્યા નથી, અને કાંઈનું કાંઈ તેમના તરફથી મળતું રહ્યું છે. ત્યાં ગયા પછી તેમણે નાટક અને પત્રકારત્વના ક્ષેત્રે વધુ સજ્જતા મેળવી છે. એનાં સુફળ પણ આપણને મળવાં શરૂ થયાં છે. આપણે અભીપ્સાપૂર્વક એની પ્રતીક્ષા કરીએ.
૭-૧-૭૯