શબ્દલોક/ઉશનસ્ની કવિતાના મર્મકોષોમાં
સાહિત્ય અકાદમીએ તાજેતરમાં જ ઍવોર્ડ આપીને જે કાવ્યગ્રંથનું સન્માન કર્યું તે ‘અશ્વત્થ’માં કવિ ઉશનસે ‘કવિનું જાહેરનામું’ એ શીર્ષકથી સરસ આત્મનિવેદન કર્યું છે. એના આરંભના શબ્દો આ પ્રમાણે છે : “કવિ લેખે હવે બીજું કોઈ કામ કરવાનું બાકી રહ્યું નથી; મારી કવિતાએ સંદેશા આપવાનું કામ ક્યારનુંય છોડી દીધું છે. હવે હું સર્જનના રહસ્યની બરાબર સંમુખ ઊભો રહેવા માગું છું, ઊઘડવા માગું છું. હવે હું માત્ર સર્જનના આદ્ય વિસ્મય સાથે તાલબદ્ધ થઈ જવા માગું છું; આ રહસ્યમય પંચભૂતોની વચ્ચે ઊભા રહેવાનું સદ્ભાગ્ય સાંપડ્યું છે તે નકામા ડહાપણનો જલ્પ કરી એળે નહિ જવા દઉં. મારે આ પંચભૂતોના વિસ્મય વચ્ચે વિસ્મયના જ એક સજીવ માધ્યમ તરીકે ઊભા રહેવું છે...” ત્રણ દાયકાથીયે કંઈક વધુ લાંબા સમયની – ‘પ્રસૂન’થી ‘રૂપના લય’ સુધીની૧[1] – તેમની કાવ્યપ્રવૃત્તિમાં, પાછળના તબકકે પ્રાપ્ત થતા કવિના આ નિવેદનને આપણે શી રીતે ઘટાવીશું? કેવળ વાગ્મિતા ગણીને એને એમની કવિતાને સંદર્ભે અપ્રસ્તુત ગણીશું કે એમાં તેમની કવિતાની બદલાતી ગતિવિધિનો સંકેત જોઈશું? મને લાગે છે કે કેવળ વાગ્મિતા ગણીને આ ઉક્તિઓની અવગણના કરીએ, તો સંભવતઃ તેમની ઉત્તરકાલીન કવિતાના મર્મકોષોમાં પ્રવેશ કરવાની એક મહત્ત્વની ભૂમિકા આપણે ગુમાવી બેસીએ. ખરું જોતાં આ નિવેદનમાં ઉશનસ્ની ઉત્તરકાલીન કવિતાનું કેન્દ્રીય સંચલન પ્રગટ થઈ જાય છે. તેમનું કવિસંવિત્ જે રીતે ઊઘડી રહ્યું છે તેની આત્મપ્રતીતિ અહીં અભીપ્સા રૂપે વ્યક્ત થઈ છે. ‘તૃણનો ગ્રહ’માં અને તે પછીના સંગ્રહોમાં, સૃજનનાં પંચભૂતો પ્રતિ વિસ્મયની જે એક વિશેષ મુદ્રા ખીલતી આવતી દેખાય છે, તે સંદર્ભમાં આ નિવેદન પ્રસ્તુત બની રહેતું લાગે છે. ઉશનસ્ની કવિતાએ વિસ્મયની આભા ખીલવતાં આંતરિક વિકાસ સાધ્યો છે, અને અત્યારની ‘અદ્યતન’ કહેવાતી કવિતા જોડે કેટલુંક અનુસંધાન પણ કેળવી લીધું છે. પણ કાવ્યશૈલી અભિવ્યક્તિ અને છંદોલયની બાબતમાં તેઓ વિશેષતઃ પરંપરા તરફ ઢળેલા રહ્યા છે. એટલે તેમની કાવ્યપ્રવૃત્તિ વિશે આપણા અભ્યાસીઓમાં ક્યાંક આવા પ્રશ્નો પણ થતા રહ્યા છે : કવિ ઉશનસ્ની કવિતામાં ખરેખર કોઈ આંતરવિકાસ થયો છે ખરો કે રૂઢ કાવ્યરૂપો, રૂઢ રચનારીતિ અને રૂઢ લયમાં બંધાઈને તે સ્થગિત થઈ ગઈ છે? આપણી અત્યારની કવિતા નવા નવા ઉન્મેષો પ્રગટાવવાને પોતાનાં ઉપકરણો બદલી રહી છે ત્યારે ઉશનસ્ની કવિતામાં ઉપકરણો બદલાયાં છે ખરાં? તેમની કવિતામાં અદ્યતન રુચિને સંતર્પે એવાં નૂતન તત્ત્વો ખીલ્યાં છે ખરાં? અને એક કવિ લેખે તેમનો આગવો સ્વર અને આગવી મુદ્રા બંધાઈ છે ખરી? વગેરે. આ જાતના પ્રશ્નો પાછળ, અલબત્ત, આપણી બદલાતી કાવ્યરુચિ અને કાવ્યભાવના રહી છે એમ જોઈ શકાશે. કવિતાની સર્જકતાનો એક વિશેષ ખ્યાલ એમાં પુરસ્કાર પામ્યો છે. એમાં એક એવી સમજ અભિપ્રેત રહી છે કે આજની ક્ષણે જે કવિ લખવા ચાહે છે તેને ગઈ કાલની કાવ્યબાની કે રીતિ પૂરતાં કાર્યસાધક ન નીવડે. અને, એ દૃષ્ટિએ સર્જકતાનો પ્રશ્ન સભાન કવિકર્મ જોડે – અને તેના વિસ્તારરૂપે ભાષાના પુનર્વિધાન જોડે – સીધો સંકળાયેલો છે. કવિ જ્યારે પોતાના સંવેદનને સફળતાથી તાગવા ચાહે છે ત્યાર ભાષાનાં રૂપો, છંદોલય, કે રચનારીતિના કોઈ ને કોઈ પ્રશ્નનો સામનો કરવાના પ્રસંગો તેને આવે જ છે. સર્જનની ક્ષણોમાં રૂઢ ભાષાતંત્ર જોડે મુકાબલો ચાલતો જ હોય છે, અને સિદ્ધ થયેલી કૃતિ આવા કોઈ મુકાબલાનું પરિણામ હોય છે. પણ આ બધું તો કવિતાની વિભાવનામાં ભાષાનું સ્થાન તમે ક્યાં મૂકો છો તે પર પણ અવલંબે છે. જેઓ કવિતા માટે અંતઃપ્રેરણા પર જ બધો આધાર રાખે છે, અથવા મોટો આધાર રાખે છે, તેઓ કવિકર્મની સભાન પ્રવૃત્તિનો ઝાઝો સ્વીકાર ન કરે, એમ બને. ઉશનસ્ની અત્યાર સુધીની એકધારી ભરચક કાવ્યપ્રવૃત્તિ વિશે આપણા કેટલાક અભ્યાસીઓમાં એવી એક છાપ રહી છે કે વિશેષતઃ પ્રેરણાના આવેશમાં તેઓ લખતા રહ્યા છે, અને એટલે જ અંતઃપ્રેરિત ‘વસ્તુ’ પર તેમની કવિતા મદાર બાંધે છે. પણ આ જાતની માન્યતા બરોબર નથી. ઉશનસ્ની કવિતામાં જે કેટલુંક ઉત્તમ છે, સંતર્પક છે, તેમાં કવિ-કર્મની સિદ્ધિ નોંધપાત્ર છે. એવી કૃતિઓમાં ભાષાની ક્ષમતાનો તેમણે સારી રીતે કસ કાઢ્યો છે. અદ્યતન કાવ્યરીતિનાં સૂક્ષ્મ તત્ત્વો તેમણે આત્મસાત્ કરી લીધાં છે. પરંપરાગત કાવ્યરૂપો અને છંદોલયમાં રહીને અભિવ્યક્તિની સૂક્ષ્મતા સાધવાનો તેમનો એ ધ્યાનપાત્ર પ્રયાસ રહ્યો છે. પણ, મહત્ત્વની વાત એ છે કે, કવિતાનાં સૌંદર્ય અને રસનિષ્પત્તિની બાબતમાં તેમનાં કેટલાંક વૃત્તિવલણો પહેલેથી જ દૃઢ બંધાવા પામ્યાં છે. અદ્યતન કવિતાની ‘પ્રયોગશીલતા’ તેમને ઝાઝી ઇષ્ટ લાગી નથી. કાવ્યની રૂપરચના પરત્વે એક પ્રકારનું રૂઢ માનસ તેમનામાં કામ કરતું રહ્યું દેખાય છે. તેમની કાવ્યપ્રવૃત્તિમાં ખરેખર તો બે ભિન્ન વલણો એકીસાથે સક્રિય બનતાં દેખાય છે : અંતરની ઊર્મિના ઉત્કટ આવિષ્કરણમાં તેમની રંગદર્શી વૃત્તિ પ્રવર્તે છે, તો રૂઢ કાવ્યરૂપમાં તેમની પ્રશિષ્ટ રુચિ-દૃષ્ટિ કામ કરી રહી છે. આવી પરિસ્થિતિમાં તેમની કવિતા અભિવ્યક્તિ અને રચનારીતિમાં અદ્યતન કળાનાં તત્ત્વો આત્મગત કરીને વિકસતી હોવા છતાં, ઉપલક દૃષ્ટિએ જોનારને તે કેવળ પરંપરાનિષ્ઠ લાગે તો તેમાં ઝાઝું આશ્ચર્ય પામવા જેવું નથી.
***
‘પ્રસૂન’માં ઉશનસ્ની પ્રતિભાનો આછો અરુણરંગી ઉઘાડ જોવા મળે છે; જોકે કવિ લેખે એમાં નિજી શૈલી કે નિજી સંવેદન હજી ખાસ પ્રાપ્ત થયાં નથી. એ સમયગાળાની આપણી કવિતામાં જે જે વિચારો અને ભાવો રજૂ થયા હતા, બહુધા તેના પડઘાઓ જ એમાં સંભળાય છે. ગાંધીયુગ ત્યારે પૂરો થવા આવ્યો હતો, રાજેન્દ્ર-પ્રહ્લાદ-નિરંજનનો નવો યુગ આરંભાઈ રહ્યો હતો. એવા સંધિકાળે ઉશનસ્ની કવિતાપ્રવૃત્તિ આરંભાઈ છે. એટલે સહજ રીતે જ એમાં બદલાતાં પરિબળોની ઓછીવત્તી અસર પડી છે. ‘પ્રસૂન’માંના કાવ્યવિષયો જુઓ તો, ગાંધીયુગનું ચોખ્ખું અનુસંધાન એમાં છે જ : પ્રકૃતિ, નારીસ્નેહ, પરમ તત્ત્વની ઝંખના, રાષ્ટ્રભાવના કે માનવકલ્યાણ – એ સર્વ વિષયોમાં આગળના યુગ જોડે સીધું અનુસંધાન દેખાય છે. ગાંધીજીની માનવતાવાદી દૃષ્ટિ, ટાગોરની સૌંદર્યદૃષ્ટિ અને રહસ્યવાદ, અને પ્રેમલક્ષણાભક્તિનું રસાયન એમાં ભળી ગયાં છે. અને એથીયે મહત્ત્વની વાત તો એ કે, ગાંધીયુગની કાવ્યશૈલી અને રચનારીતિનું ગાઢ અનુસંધાન એમાં જળવાયું છે. આમ છતાં, નિકટતાથી અવલોકન કરનારને એમ પણ જણાશે કે એ પ્રથમ સંગ્રહમાં સમાજજીવનની સંપ્રજ્ઞતા કરતાંયે આત્મસંવેદનની અભિવ્યક્તિ તરફ કવિનો વિશેષ ઝોક રહ્યો છે. આ સંદર્ભમાં, એમ પણ સ્પષ્ટ કરવાનું રહે છે કે છંદોબદ્ધ ઊર્મિકાવ્ય, તેમાંયે સૉનેટનો પ્રકાર, તેમને પહેલેથી જ આકર્ષતો રહ્યો છે. ગીતો અને મુક્તકો તેમણે રચ્યાં છે ખરાં, પણ તેમની કવિત્વશક્તિનો કોઈ વિશેષ એમાં પ્રગટ થઈ શક્યો નથી. ‘નેપથ્યે’માં ઉમાશંકરની ‘પ્રાચીના’ની સંવાદપ્રધાન કૃતિઓની યાદ આપતી તેમની સમાજલક્ષી રચનાઓ ગ્રંથસ્થ થઈ છે. ‘અણુ-રહસ્ય’ જેવી આધુનિક જીવનસંદર્ભને લગતી એક કૃતિ સિવાય બીજી બધી કૃતિઓ પ્રાચીન કથાવસ્તુને રજૂ કરે છે. એમાં ‘કર્ણ-કુન્તી’ અને ‘કૃષ્ણ-રુક્મિણી’ જેવી કૃતિઓ ઉદાત્ત ભાવોના નિરૂપણને લીધે તેમજ સમર્થ પાત્રાલેખનને કારણે હૃદયંગમ બની આવી છે. એ પછી ‘મનોમુદ્રા’ અને ‘આર્દ્રા’માં ઉશનસ્ની કવિતાની આગવી કેડી બંધાતી દેખાય છે. પ્રકૃતિવર્ણન, નારીસ્નેહ, પરમ તત્ત્વની ઉપાસના – વિષયો તો એના એ જ લાગશે પણ તેના નિરૂપણમાં કવિનું કશુંક અર્ધસ્ફુટ નિજી વલણ પ્રગટ થયું છે. જોકે આગવી શૈલી કે આગવી અભિવ્યક્તિ ખાસ સિદ્ધ થયાં નથી, પણ નવા મરોડો તેમાં ચોક્કસ વરતાઈ આવે છે. ‘મનોમુદ્રા’માં મુક્તપદ્ય કે અછાંદસ રીતિની રચનાઓ જોતાં કવિસંવિત્નો નવો ઉઘાડ તેમાં સ્પષ્ટ જોઈ શકાશે. એ પછી, ‘તૃણનો ગ્રહ’માં ઉશનસ્ની કવિતા ઘણી મહોરી ઊઠી છે, અને ‘સ્પંદ અને છંદ’માં તે પૂરબહારમાં ખીલી નીકળી છે. તેમની કવિપ્રતિભાનો એ અનન્ય ઉન્મેષ બની રહે છે. તેમની કાવ્યસમૃદ્ધિનો મોટો ફાલ આ બે સંગ્રહોમાં મળે છે. આપણા એક મેટા ગજાના કવિ તરીકે ઉશનસ્ એમાં પ્રગટ થયા છે. પછીના બીજા બે સંગ્રહો – ‘અશ્વત્થ’ અને ‘રૂપના લય’માં – તેમના કવિસંવિત્નો કેટલોક નવો ઉઘાડ થયો છે ખરો, પણ એમાં કોઈ મોટું ઉત્થાન દેખાતું નથી. ‘તૃણનો ગ્રહ’ પછી ઉશનસ્ની કવિતામાં આત્મસંવેદનનો સ્પષ્ટ વિસ્તાર થતો રહ્યો છે. આરંભકાળમાં ચિંતનનો તંતુ બળવાન બન્યો હતો, હવે ઊર્મિનું રસાયન તેમાં ભળ્યું છે. ‘શુદ્ધ’ કે ‘અશુદ્ધ’ કવિતા – કોઈ ૫ણ વાદ કે વિચારસરણીને સભાનપણે સ્વીકારીને તેઓ ચાલ્યા દેખાતા નથી. પણ કાવ્યપ્રવૃત્તિને એક તબક્કે સૃજનના વિસ્મયની સંમુખ ઊભા રહેવાની ક્ષણ આવી ત્યાર પછી, તેમની કવિતા સમાજ, રાષ્ટ્ર અને માનવપરિસ્થિતિથી વિમુખ થઈ પંચભૂતોની લીલા નિહાળવામાં જ મગ્ન બની ગઈ. બીજી રીતે કહીએ તો, વિશ્વજીવનના સંઘર્ષો અને સંશયોથી અળગા થઈ સૃષ્ટિનાં આદિમ સ્ફુરણો પર તેમની દૃષ્ટિ સ્થિર થઈ. એવી પ્રાકૃતિક ઘટનાઓમાં કશુંક મધુર સંવાદી તત્ત્વ તેમનામાં રોમાંચ જગાડતું રહ્યું. અષાઢની હેલી, શિશિરનો તડકો, રાત્રિનું નીલ આકાશ, તૃણનું ફૂટવું, કે વસંતના પવનનું અડી જવું – આવા આવા અનુભવો કવિમાં રોમાંચ જગાડે છે, લૌકિકતાનાં બંધનોમાંથી મુક્ત કવિ અનહદની સરહદોને નિહાળી રહે છે, અને અંતરના આહ્લાદને અને વિસ્મયને શબ્દનું રૂપ અર્પવા પ્રવૃત્તિશીલ બને છે. સૃષ્ટિના અનુભવની એકે-એક રોમાંચક ક્ષણને કવિતામાં ઉતારવાની ઉશનસ્ની બળવાન ઝંખના રહી છે. પણ આવા અભિગમને કારણે જ કદાચ તેમની કવિતામાં કેટલાક વર્ણ્યવિષયો (themes)નું પુનરાવર્તન થયાનું લાગે છે. પરોઢ મધ્યાહ્ન સંધ્યા કે નિશીથ, પ્રકાશ અંધકાર તડકો કે હેલી, હેમન્ત શિશિર ગ્રીષ્મ કે વર્ષા, તૃણ તારક કે આકાશ, ઋતુઋતુઓના રંગરાગ અને તેના બદલાતા મિજાજ એ બધાં વિશે તેમણે ફરીફરીને પોતાના પ્રતિભાવો કાવ્ય રૂપે ઝીલવાના પ્રયત્નો કર્યા છે. તૃણ અને ઘાસ તો વચલા ગાળાની તેમની કવિતાના કેન્દ્રીય વિષય રહ્યા છે. ઉપરાંત વતનપ્રેમ, કુટુંબપ્રેમ, નારીપ્રેમ જેવા વિષયો તેમણે ફરીફરીને ખેડ્યા છે. એ રીતે તેમની સમસ્ત કવિતા તેમના વિશિષ્ટ સંવિત્માં અમુક ચોક્કસ વિષયોનાં આલંબનો સાથે બંધાઈ ગઈ લાગશે. તેમની આ જાતની ચિત્તવૃત્તિ કવિતાના અભ્યાસીને મૂંઝવે પણ છે; કેમ કે કાવ્યવિષયો જ નહિ, તેમના સંવિત્માં જાણેઅજાણ્યે ઘૂંટાતા રહેલા કેટલાક બીજરૂપ વિચારો, અલંકારો કે ભાવોનું પુનરાવર્તન પણ, એમાં મળી જાય છે. એટલે તેમની કવિતામાં વિકાસ રૂંધાયો છે એમ જેઓ માનવા પ્રેરાયા છે, તેમના મનમાં આ પુનરાવર્તનનો ખ્યાલ પણ પડ્યો હોય એ અસંભવિત નથી પણ આવી મર્યાદાઓ સ્વીકારીએ ત્યારે પણ, આપણે એ વાત ભૂલવાની નથી કે ઉત્તરકાલીન કવિતામાં ઉશનસ્નું સંવેદન વધુ ને વધુ ગહન સંકુલ બન્યું છે, અને ત્યાં પૂર્વેના વર્ણ્યવિષયો અને તેની સાથે સંયુક્ત ભાવોનું રસાયન ઘૂંટાતું રહ્યું છે. આરંભકાળમાં પ્રકૃતિ, નારીસ્નેહ, તૃણ કે ચહેરાની રચનાઓ અલગ અલગ વર્ણ્યવિષય લઈને આવે છે, પણ પછીથી આ બધાં સત્ત્વો પરસ્પરમાં ઘૂંટાઈને, રસાઈને ભાવસમૃદ્ધ બનતાં રહ્યાં છે. ‘મનોમુદ્રા’માં તૃણનું આગમન આ રીતે થયું છે :
“વન, અહો તૃણને પ્રતીક વેશે
આ અમારા પુરપ્રદેશે
છે અતિથિ મુજ સદન”
(‘પુષ્પ’ : મ.)
‘તૃણનો ગ્રહ’માં વતનપ્રેમ, કુટુંબપ્રેમ, અને કાળની એક સંકુલ અનુભૂતિને સંદર્ભે એ તૃણ પ્રવેશે છે :
“દગો મીંચી ન્યાળું : કબર તણી મિટ્ટી તૃણતૃણ
ધીમે ધીમે થાતું ઘર પીગળી મિટ્ટી કણકણ!”
(‘ઘાસ અને કાળ’ : તૃ. ગ્ર.)
પ્રકૃતિ, નારીપ્રેમ, ચહેરા અને તૃણ – એ સર્વ વિષયો, પાછળની એક કૃતિ ‘એ જ, એ જ આ રેખા’માં વળી એક અનોખું રસાયન બનીને આવે છેઃ
“તડકા દઈને તૃણપત્તીએ દીધી દેખા,
અને આંખ આ આકુલ વ્યાકુલ :
આ એ જ, એ જ અરૂપના પેલા મુખની રેખા!”
(‘એ જ, એ જ આ રેખા’ : રૂ. લ.)
પણ ઉશનસ્ની – કે કોઈ પણ કવિની – કવિતાનો ખરો મુદ્દો તે સફળ અભિવ્યક્તિનો છે, કેવળ વર્ણ્યવિષયની ઓળખનો નહિ. એ રીતે તપાસ કરીએ તો ઉશનસ્ની કવિતામાં ભાષા, છંદ અને લયનો પ્રશ્ન કંઈક વિશેષ વિચાર કરતાં કરી મૂકે તેવો છે. તેમની કાવ્યશૈલીનું અનુસંધાન ત્રીશીની કાવ્યશૈલી સાથે રહ્યું છે – તેનો આપણે આગળ નિર્દેશ કર્યો છે – એ કાવ્યશૈલીનાં બલાબલ ઉશનસ્ની કવિતાને વારસામાં મળ્યાં છે. રૂઢ કાવ્યરૂપો અને રૂઢ છંદોલય તેમની કવિતાનું મોટું વાહન છે, પણ એની યોજના એ જ કદાચ તેમની મોટી નિર્બળતા પણ પુરવાર થઈ છે. તેમની છંદોબદ્ધ રચનાઓમાં, જોકે, ભાષાનાં જુદાં જુદાં પોત જોવા મળશે, સર્જકતાની જુદી જુદી કોટિઓ જોવા મળશે; પણ આ બધીય રચનાઓમાં અભિવ્યક્તિનો એક પાયાનો પ્રશ્ન પડેલો દેખાય છે. રૂઢ છંદોલયને અનુવર્તીને ચાલવાથી વાક્યરચનાની તરેહો, તત્સમ કે તદ્ભવ શબ્દોની પસંદગી, બદલાતા લઘુગુરુનાં સંયોજનોમાં પદોનું વિલક્ષણ સ્થાન – એ બધું તેમની અભિવ્યક્તિનો – તેમની શૈલીનો – આગવો મરોડ રચી આપે છે. તેમની છંદોબદ્ધ રચનાઓમાં આથી રૂઢ કાવ્યરીતિના સંસ્કારો બળવાન લાગે તે સહજ છે. પણ મોટી મુશ્કેલી તો શબ્દોના ઠરડમરડની છે, લયભંગની છે. ઉશનસ્ની વિપુલ કાવ્યપ્રવૃત્તિમાં, આવા દોષોને કારણે, સાદ્યંત સુરેખ અને નકશીદાર કૃતિઓની સંખ્યા ઓછી દેખાશે. તેમની ભાવસમૃદ્ધ અને સફળ લાગતી રચનાઓમાં પણ અહીંતહીં લયનો ખચકો કે શબ્દની ઠરડમરડ ક્લેશકર નીવડી હોય એવાં દૃષ્ટાંતો મળી રહેશે. પણ, આપણે અહીં એક બીજી વાત તરફ ધ્યાન દોરવાનું રહે છે કે, ‘તૃણનો ગ્રહ’માં અને પછીના સંગ્રહોમાં ઉશનસ્ની સર્જકતાની ગતિ બદલાઈ છે. એમાં અલંકારોની સમૃદ્ધ સ્વયં સંતર્પક છે, પણ કેટલીક કૃતિઓ સ્વયં પ્રતીકાત્મક મૂલ્ય ધારણ કરે એવી સમર્થ આકૃતિવાળી બની છે. ‘અનહદની સરહદે’ જેવા સૉનેટગુચ્છની રચનાઓમાં ઉશનસ્નું કલાસંવિધાન ખરેખર ધ્યાનપાત્ર છે. અહીં ચિંતનના તંતુઓ કલ્પન અને પ્રતીકોના સમર્થ સંવિધાનમાં ઓગળી ગયા છે. જે કંઈ સંવેદન રૂપે અહીં વ્યક્ત થયું છે, તે મૂર્ત ઐન્દ્રિયિક રૂપો ધરીને વ્યક્ત થયું છે. એમાં કલ્પનો-પ્રતીકોની યોજના કૃતિની સંવેદનાને અનોખું પરિમાણ અર્પે છે. તેજસ્વી કલ્પના અને ઉત્કટ વેદનશીલતા તેમની કવિત્વશક્તિના અનન્ય ઉન્મેષો રહ્યા છે. દૃશ્ય જગતનું રૂપ તેમની તેજસ્વી કલ્પનાના બળે અપૂર્વ રૂપાંતર સાધે છે. તેમની ઉત્તરકાલીન કેટલીક રચનાઓમાં કલ્પનવાદી કવિતાની ચુસ્તી પણ જોવા મળે છે. ‘રૂપના લય’ની અછાંદસ ‘મુક્ત પદ્ય’ કૃતિઓનું રૂપ એ રીતે જોવા જેવું છે. જોકે આવા કેટલાક અદ્યતન ઉન્મેષો છતાં તેમની કવિતાએ રૂઢ રચનારીતિનો જ ફરીફરીને આશ્રય લીધો છે. ઉશનસ્ની કાવ્યપ્રવૃત્તિ રૂઢ કાવ્યરૂપો અને રૂઢ રચનારીતિને વિશેષ અનુસરે છે એમ નોંધીએ તે સાથે આપણે એમ પણ નેંધવાનું રહે છે કે કેટલીક અછાંદસ રીતિની અને મુક્ત પદ્યની સુંદર રચનાઓ તેમણે આપી છે. ‘પ્રભાત’ (તૃ. ગ્ર.), ‘કળી’ (તૃ. ગ્ર.), ‘તૃણનો ગ્રહ’ (તૃ. ગ્ર.), ‘એક ડાળખીની વાત’ (સ્પે. છં.), ‘તૃણ અને તારકો વચ્ચે’ (સ્પં. છં.), ‘વસંત તડકા’ (અ.), ‘રાતની ડાળ’ (અ.), ‘વતન એટલે’ (અ.), ‘અમે કવિઓ’ (અ.), ‘વસંતસૂર્યમાં’ (રૂ. લ.), ‘વસંતસ્પર્શ’ (રૂ. લ), ‘બે બપ્પોરી કાવ્યો’ (રૂ. લ.), ‘મધ્યાહ્ન’ (રૂ. લ.), ‘મધ્યાહ્ન ક્ષણ’ (રૂ. લ.), ‘ગેરીલા આક્રમણ અને ક્રાંતિ’ (રૂ. લ.), ‘વૃક્ષો” (રૂ. લ.), ‘વને પવન’ (રૂ. લ.), ‘નિશીથશ્રુતિઓ’ (રૂ. લ.), ‘નિશીથિની રાતે જાગી જતાં’ (રૂ. લ.), ‘કેટલીક તૃણ-ક્ષણો’ (રૂ. લ.), ‘પતંગિયાં’ (રૂ. લ.), ‘એ જ, એ જ આ રેખા’ (રૂ. લ.) ‘એ સ્પર્શ’ (રૂ. લ.), ‘વાર્ધક્ય’ (રૂ. લ.), અને ‘દ્હાડિયાની ઉક્તિ’ (રૂ. લ.) જેવી રચનાઓમાં ભાવ અને નિરૂપણશૈલીની તાજગી તરત સ્પર્શી જાય છે. એમાં આપણી અદ્યતન કવિતાની રચનારીતિ અને અભિવ્યક્તિનાં ઘણાં નૂતન તત્ત્વોનો વિનિયોગ થયેલો જોવા મળશે. છતાં એમાં કવિના સંવેદનનો સ્વર અને રણકો કંઈક નિરાળો છે. અહીં અસ્તિત્વની વિચ્છિન્નતા, નિસ્સારતા કે શૂન્યતાનું નહિ, કશીક સભરતાનું નિરૂપણ થયું છે. પંચભૂતોનું જે વિસ્મય તેમની છંદોબદ્ધ રચનાઓમાં પ્રગટ થાય છે તે આ અછાંદસ કે ‘મુક્ત’ રચનાઓમાં પણ જોવા મળે છે. એ રીતે આપણી સ્વાતંત્ર્યોત્તર સમયની અછાંદસ રચનાઓમાં તેની કંઈક જુદી જ મુદ્રા ઊપસે છે. અભિવ્યક્તિ અને છંદોલયના પ્રશ્નો ઉશનસ્ની કવિતાની પ્રભાવકતા જોડે સીધા સંકળાયેલા છે. તેમની ચિત્તવૃત્તિમાં જ્યાં કેટલાંક અદ્યતન તત્ત્વો પ્રગટ થતાં દેખાય છે ત્યાં અભિવ્યક્તિની ભિન્ન તરેહોને કારણે તેની પ્રભાવકતામાં ફેર પડતો જણાય છે. બલકે, કવિનું સંવેદન અને સ્વર પણ, બદલાઈ જતો લાગે છે. અદ્યતન કવિતાનું એકકેન્દ્રીય સંચલન તે અસ્તિત્વના આદિમ પ્રાંતોને તાગવા તરફનું છે. આધુનિક સભ્યતા, જ્ઞાનવિજ્ઞાન, અને વિચારસરણીઓના ઉપલા પોપડા ભેદીને અસ્તિત્વના અજ્ઞાત સ્તરમાં ઊતરવાની એ પ્રવૃત્તિ છે. એક રીતે પોતાના આદિ સ્વરૂપનું અનુસંધાન કેળવવાનો એ પ્રયત્ન છે. ઉશનસ્ ‘અનહદની સરહદે’માં આદિમ સૃષ્ટિ તરફ ગતિ કરતા દેખાય છે. અરણ્યની એ સૃષ્ટિમાં કાળની ગતિ જાણે કે થંભી ગઈ છે. તેના વાતાવરણમાં સૃષ્ટિના આદિમ વાયુનો પ્રસાર વરતાય છે. પરિચિત નગરસંસ્કૃતિ અને બૌદ્ધિક સ્તરના જીવનને વીંધી ‘અનામી આશ્ચર્યો’ના અજ્ઞાત પ્રાંતમાં તેઓ અહીં પ્રવેશે છે. અહીં તેઓ પોતાની સંજ્ઞા, પોતાનો અહમ્ લોપ પામતાં અનુભવે છે, અને સ્વયં એક પુરાતન વૃક્ષ – ‘અશ્વત્થ’ – રૂપે પોતાને નિહાળી રહે છે. અહીં સંવેદનની ગતિ અદ્યતનતા તરફની છે, પણ રૂઢ કાવ્યરીતિને કારણે તેનો ‘રણકો’ જુદી રીતે બંધાવા પામે છે :
“મને ચારે બાજુ શિરથી કરથી સ્કંધથી ફૂટે
ભૂરાં આકાશોની જટિલ વિટપો શૂન્ય વીંઝતી
જતી ઊંચી ઊંચી વિહગરવથી આકુલ થતી
ખચી તારાઓની બણબણથી જ્યોતિર્મધુપુટે!
અનાદિથી જાણે સમયપટ ઘેઘૂર પીંપળો
ઊભો છું રાતોડી કીડી ઊભરતી પોપડીભર્યો!”
(‘અશ્વત્થભાવ’ : સ્પં. છં.)
આ કાવ્યસંદર્ભની સામે તેમના ‘અછાંદસ’ ‘મુક્ત’ રીતિના બે સંદર્ભો જુઓ :
(૧) “ને જોયું છે મેં મુજમાં રચાતું
માટી અને તેજનું ચક્રવાલ કો
લીલી અને ઉજ્જ્વલ ઝાંયવલ્લું!
મેં અંધકારે મુજને દીઠો છે
કાયાહીણો કેવળ પારદર્શક
આ તારકોને તૃણને જવા’વવા
કો સૂક્ષ્મ સંવેદનશીલ માધ્યમ,
કો સ્તંભ ટ્રાન્સમિટરનો સીમમાં ઊભેલ!...
(‘તૃણ અને તારકો વચ્ચે’ : સ્પં. છં.)
(૨) “હું વૃક્ષ,
સુકાઈને તતડી ઊઠી છે
ઊખડેલા પોપડામાંની મુલાયમ મખમલી
મારી લીલીછમ્મતા :
મને મારામાં
અક્કડ કડક થઈ ગયેલી
કડણ લાકડાશ વરતાય છે.
મારી હાડી લાકડાના વર્તુલાકાર
કાપામાં
હું વાંચી શકું છું મારી
વીતી ગયેલી વયનાં કુંડાળાં,
હવે માત્ર કોઈ આગ ચાંપી જાય
એટલી જ વાર છે...”
(‘વાર્ધક્ય’ : રૂ. લ.)
અહીં અસ્તિત્વનાં સંવેદનોને વ્યક્ત કરવા ઉશનસે ‘અછાંદસ’ ‘મુક્ત’ રીતિનો આશ્રય લીધો છે. અને એ કારણે કૃતિની ભાષાનાં સંયોજનોમાં –પદોનાં રૂપો, અન્વયો અને પૂર્વાપર ક્રમમાં – એમની છંદોબદ્ધ રચનાથી ભિન્ન તરેહો બંધાતી જોવા મળે છે. આ રીતે તેમની કવિતાના પ્રભાવનો – તેનાં બલાબલોનો – વિચાર કરીએ ત્યારે, ખરેખર તો રચનારીતિ, અભિવ્યક્તિ અને છંદોલયના પરસ્પર સંબંધનો પ્રશ્ન મહત્ત્વનો બની રહેતો હોય છે. બીજી રીતે કહીએ તો, કવિતામાં સર્જકતા વિશે આપણી જે અપેક્ષા છે તેમાં ભાષાના પુનર્વિધાનની સાથે રચનારીતિ અને લયના પુનર્વિધાનના પ્રશ્નો જોડાયેલા જ છે. ઉશનસ્ જ્યારે પોતાના ભાવસંવેદન કે વિચારને અભિવ્યક્ત કરવાને રૂઢ રચનારીતિ કે રૂઢ છંદો પ્રયોજવા જાય છે ત્યારે, જાણ્યેઅજાણ્યેય તેમની અભિવ્યક્તિ પદરચનાની રૂઢ લઢણો કે ઢાંચાઓમાં ઢળી જાય એવાં જોખમ ઊભાં જ હોય છે. અક્ષરમેળ છંદોના વિનિયોગમાં તેમને અહીંતહીં શબ્દોની ઠરડમરડ કરવાના પ્રસંગો તો આવ્યા જ છે, પણ પંક્તિઓ જ્યાં સફાઈદાર ઊતરી આવી લાગતી હોય ત્યાં પણ, રૂઢ પદવિન્યાસને કારણે કે દુરાકૃષ્ટ અન્વયને કારણે કે વચ્ચેના કોક જીર્ણ ભાષાપ્રયોગને કારણે પંક્તિ પોતાની ભાવદ્યુતિ ખોઈ બેસતી હોય એમ બને છે, એટલે વિપુલ પ્રમાણમાં છંદોબદ્ધ રચનાઓ તેમણે આપી હોવા છતાં સાદ્યંત રસ-મંડિત કૃતિઓ તેમાં પ્રમાણમાં ઓછી મળે છે. અછાંદસ કૃતિઓની બાબતમાં પરિસ્થિતિ કંઈક જુદી છે : સંખ્યાદૃષ્ટિએ જોતાં આવી રચનાઓ તેમણે ઓછી આપી છે, પણ તેમાં મોટા ભાગની કૃતિઓ ભાવનિરૂપણની દૃષ્ટિએ તાજગી, સ્ફૂર્તિ અને જીવંતતાનો અનુભવ કરાવે છે.
***
ઉશનસ્ની દીર્ઘકાલીન કાવ્યપ્રવૃત્તિમાં પ્રકૃતિનાં વિવિધ દૃશ્યો ઋતુઓના બદલાતા રંગરાગ, અને વાતાવરણનાં સૂક્ષ્મ રૂપોનું નિરૂપણ કરવા ચાહતી રચનાઓ એક મોટો ભાગ બને છે. આ વિષયની કવિતાઓમાં તેમની કેટલીક ઉત્તમ – અને આપણા કવિતાસાહિત્યમાં વિશિષ્ટ સ્થાનને પાત્ર – એવી કૃતિઓ મળે છે. એમાં તેમની સર્જકતાની બદલાતી ગતિ જોવા જેવી છે. બિલકુલ આરંભકાળમાં પ્રકૃતિ અને ઋતુઓ વિશે તેમણે ઘણુંખરું તો બાહ્ય દૃષ્ટિએ વર્ણન જ કર્યું છે. એમાં સંસ્કૃતની પ્રકૃતિવર્ણનની રીતિના સંસ્કારો વિશેષ બેઠા છે : આવાં વર્ણનોમાં તેમની સમૃદ્ધ કલ્પનાશક્તિના ચમકારા તરત ધ્યાન ખેંચે છે. પ્રકૃતિનું દૃશ્ય રમ્ય હોય કે રુદ્ર, તેઓ એકસરખી કુશળતાથી તેનું સચોટ ચિત્ર આંકી દઈ શકે છે :
“પ્રભાતનું શું ખીલ્યું નીલ આભ!”
(‘પ્રભાતનું આભ’ : પ્ર.)
“અલસ નીરખું જ્યોત્સના કેરું દુકૂલ્ અકંપિત
ક્ષિતિજ થકી આ બીજા છેડા લગી પડ્યું પાથર્યું.”
(‘શિશિરની પાછલી રાતે’ : પ્ર.)
“મધુવલ્લી તણા છેલ્લા ફૂલ શી ચૈત્રની ક્ષપા.”
(‘ગ્રીષ્મવર્ણન’ : પ્ર.)
“ગ્રીષ્મપ્રાતર્ રવિ ઊગે જાણે અગ્નિતણું ફૂલ.”
(‘ગ્રીષ્મવર્ણન’ : પ્ર.)
‘ક્વચિત્ ધૂલિ તણી ઝીલી છેદતી રેખ ભાનુને.”
(‘ગ્રીષ્મવર્ણન’ : પ્ર.)
“શિશિરે દિગ્દિગન્તોમાં વ્યાપેલી શ્વેત શૂન્યતા મૃત્યુ કેરી....”
(‘વસંતવર્ણન’ : આ.)
“ભીનું ભીનું ગગનથી ગરે રૂપ આ ભીનું ભીનું,
ડાળે બેઠું વિહગ થથરે પીછું પીંછુંય ભીનું.’
(‘ભીનું ભીનું’ : તૃ. ગ્ર.)
“ધવલ તડકા તાજા તાજા દહીં દડકા સમા
ઝળહળી ઊઠ્યા જાળે જાળાંતણા તનુ તાંતણા...”
(‘શરન્નભ’ : તૃ. ગ્ર.)
ઉશનસ્ની પ્રકૃતિ અને ઋતુઓવિષયક આરંભકાળની રચનાઓમાં આવી પાણીદાર પંક્તિઓ ઘણી મળે છે. પ્રકૃતિના રંગ-રાગને તેઓ આંખ, કાન, નાક આદિ ઇન્દ્રિયોથી પામવા મથતા હોય એવાં એંધાણ એમાં છેક આરંભથી મળે છે. પરોઢના આકાશમાં તેજપાંદડીનું મહોરી ઊઠવું, શિશિરના હેમવરણા તડકાનો વૈભવ ખુલ્લો થવો, ગ્રીષ્મની મધ્યાહ્ને ધરતીનું જળી જવું, કે અષાઢની હેલીમાં આકાશનું ભીનું ભીનું રૂપ ગરી જવું – આવી કોઈ પણ લીલામાં કવિ લીન બની જાય છે. આવી ઉત્કટતાની ક્ષણોમાં તેમની તેજસ્વી કલ્પનાશક્તિ સદ્યઃ અવનવાં રૂપો પ્રત્યક્ષ કરી લે છે. તેમનાં એવાં વર્ણનોમાં અલંકારોની સમૃદ્ધિ ઠીક ઠીક સંતર્પક બની જાય છે. પણ પ્રકૃતિ કે ઋતુઓનાં દૃશ્યોનું કેવળ વર્ણન જ કર્યું હોત તો તો કદાચ તેમની રચનાઓમાં કશું અસાધારણ સિદ્ધ થયું ન કહેવાત. પણ એમાં તેમની ભાવસંવેદના ઘૂંટાવા લાગે છે, અને તરત જ પ્રકૃતિનાં દૃશ્યો વત્તેઓછે અંશે તેમની સંવેદનાનો પ્રક્ષેપ બની રહે છે. આરંભમાં જ્યાં અલંકરરચનાની પ્રક્રિયા ચાલતી હતી, ત્યાં કલ્પનો અને પ્રતીકોનું આગવું પરિમાણ સિદ્ધ થવા લાગે છે. આગળ નિર્દેશ કર્યો છે તેમ, ‘તૃણનો ગ્રહ’માં તેમની સર્જકતાની બદલાતી ગતિનાં ચોખ્ખાં એંધાણ જોવા મળે છે. એમાં તેમનું એકકેન્દ્રીય પ્રતીક ‘તૃણ’ – અને રૂપાંતરે ‘ઘાસ’ – ક્રમશઃ બહાર આવતું દેખાય છે. આરંભમાં તૃણનું ઊગવું એ એક પ્રાકૃતિક ઘટના હતી : વર્ષા બેસે એટલે લીલું લીલું તૃણ તરત જ ઊગી નીકળે : કવિને એનું આશ્ચર્ય, અલબત્ત, ખરું જ. પણ તૃણની એકાએક ફૂટી નીકળવાની ક્રિયા કવિના સંવિત્માં ઘૂંટાતી જાય છે, કશીક રહસ્યમયતા તેમાં ભળે છે, એટલે એ ક્રિયા વિશ્વની આદિમ પ્રાણશક્તિના સંચલનનો સંકેત કરી રહે છે. અને, ત્યાં એ ‘તૃણ’ આદ્ય શક્તિનું પ્રતીક બની જાય છે! રાત્રિના રહસ્યમય અંધકારમાં તૃણના ઊગવાની ઘટનાને કવિ આ રીતે નિરૂપે છે :
“..... ભૂમિ નીચે
ધાણી ફૂટે ત્યમ તડાતડ બીજ ફાટે,
કાલે હશે તૃણ કૂણું લીલું જે પરોઢે!
ને સાંભળું સ્ખલત ભૂ-પડની નીચે જરા!”
(‘રાત્રિધ્વનિ’ : તૃ. ગ્ર.)
આ તૃણ ઊગવાની ઘટના પછી મહાકાળની ગતિનું પ્રતીક બની રહે છે!
“દગો મીંચી ન્યાળું : કબરતણી મિટ્ટી તૃણતૃણ!
ધીમે ધીમે થાતું ઘર પીગળી મિટ્ટી કણકણ!
પછીતે ઊગેલું પ્રતીક તૃણ ફેલાય બીડ થૈ!”
(‘ઘાસ અને કાળ’ : તૃ. ગ્ર.)
એ ‘તૃણ’ પછી વળી એક સ્થૂળ પદાર્થ મટીને કોઈક એક લોકોત્તર સત્ત્વ બની રહે છે! વિશ્વની પેલે પારથી તેનું અવતરણ હવે કવિને માટે એક રહસ્યભરી ઘટના બની રહે છે :
“આખીય રાતે ગગનબીડથી ખરતી રહી પાંદડીઓ!
અધવચ અંતરિયાળે ખરતાં તૃણને ફૂટી મૂળીઓ!
હાથ જરી લંબાવી ઝીલું : હથેળીઓ ફણગેલ
મેંદીનો રંગ લીલો ઊઘડેલ!
તારક જે ખરી ખરી ધરતીમાં બીજ થઈ છુપાયા,
કણકણના જાદુઈ કાચે અવ તેજટશરની માયા,
પત્તીપત્તીની લક્ષવર્તિની આરતી પ્રગટાવેલ,
આંચથી આભલું અજવાળેલ”
(‘પ્રથમ વર્ષા પછી’ : સ્પં. છં.)
છેવટે, અસ્તિત્વની બહાર અને અંદર સર્વત્ર ‘તૃણ’નું વિભુરૂપ પ્રગટ થઈ જાય છે :
“–ને જોયું છે મેં મુજમાં રચાતું
માટી અને તેજનું ચક્રવાલ કો
લીલી અને ઉજ્જ્વલ ઝાંયવાળું!
મેં અંધકારે મુજને દીઠો છે
કાયાહીણો કેવળ પારદર્શક
આ તારકો ને તૃણને જવા’વવા
કો સૂક્ષ્મ સંવેદનશીલ માધ્યમ,
કો સ્તંભ ટ્રાન્સમિટરનો સીમમાં ઊભેલ!
ત્યારે મને કશુંક ભાન ઊંડું ઊંડું થતું :
જાણે હું કોઈ ગ્રહ છું તૃણ-તારકોનો
આ આભ ને અવનીની અધવચ્ચ ક્યાંક,
જાણે
હું તારકો ને તૃણથી બિચોબિચ,
છું તારકો ને તૃણથી ખીચોખીચ!
(‘તૃણ અને તારકો વચ્ચે’ : સ્પં. છં.)
પ્રકૃતિના રહસ્યદર્શનની આવી રોમાંચક ક્ષણ કવિને ભૌતિક વિશ્વના વાતાવરણમાંથી ઊંચે ઉઠાવે છે. વિરાટ વૈશ્વિક સંદર્ભ વચ્ચે પોતાનું વિશિષ્ટ રૂપ તેમને સમજાય છે. ‘અનહદની સરહદે’ નામના સૉનેટગુચ્છમાં આરણ્યક સૃષ્ટિ તેમને આદિમ સૃષ્ટિના વાતાવરણમાં ખેંચી જાય છે. વર્તમાન સભ્યતાનાં આવરણો એકદમ હટી જાય છે, ઇતિહાસનું સંચલન પણ થંભી જાય છે, અને કવિસંવિત્માં કાલાતીત પ્રાંત ખુલ્લો થવા લાગે છે. કવિને એ પોતાનું આદિ સ્વરૂપ હોય એવી પ્રતીતિ થાય છે. એટલે પોતાના મૂળ સ્વરૂપથી વિચ્છિન્ન થઈ ગયાનું કરુણ ભાન પામે છે. કેવળ વિસ્મયથી જે વિશ્વ જોયું હતું, તેના દર્શનમાં વિરહનું દર્દ ભળે છે. નામરૂપની પરિચિત એવી જે દુનિયામાં પોતે આજ સુધી વિચરતા રહ્યા હતા, એની પેલે પારની ‘અનામી’ સૃષ્ટિનો એ પ્રવેશ બને છે. સભ્ય સમાજમાં પ્રત્યેક પદાર્થ ‘નામ’ પામતાં જ જાણે કે ‘અર્થલોપ’ પામે છે – ‘નામ’નો પ્રપંચ વસ્તુના હાર્દને ઢાંકી દે છે – જ્યારે અહીં તો ‘અ-નામી’ સૃષ્ટિ એનાં પ્રચ્છન્ન રહસ્યોની તેજછાયાઓ સાથે પ્રગટપણે ખડી થઈ જાય છે! ઉશનસ્ની આ વિષયની રચનાઓમાં અદ્યતનતાનો એક વિલક્ષણ ઉન્મેષ જોવા મળે છે. રચનાકળાની દૃષ્ટિએ આ ગુચ્છની રચનાઓ અનુપમ સિદ્ધિ બતાવે છે.
“અનામી પ્હાડોના પરિચય વિનાના તરુવને
ઝીંટાઈ ખેંચાઈ વિટપવિટપે નામ મુજ તે
ગયું રે ર્હૈ પૂંઠે ઋતુપરણની પામરી સમું
ગુમાવી બેઠો છું પરિચય મ્હારો જ ખુદ હું
પરંતુ પામ્યો છું કશીક તરુસંજ્ઞા અવનવી
૦૦૦૦
ભળે છે આશ્ચર્યે દરદનું કશું ભાન મનમાં
તરુરૂપે દૂઝું, સડકરૂપ ઝૂકું શરમમાં.’
(‘વનમાં સડક’ : સ્પં. છં.)
આરણ્યક સૃષ્ટિના વાતાવરણમાં આ કવિ પોતાને અશ્વત્થભાવે નિહાળી રહે છે : અશ્વત્થભાવની આ કલ્પનામાં સર્રિયલ સૃષ્ટિના જેવી કશીક લોકોત્તરતાની ઝાંખી થાય છે :
“થતું જ્યાં ચૈતન્ય સ્થગિત ક્ષણ કે ઉર્વરધરા
વિશે હું રોપાતો તરુ સમ-પગે કૈં ગલીગલી
ઊગું મૂળો ઊંડાં પૃથિવીગ્રહની પાર નીકળી
રહે કંપી શૂન્યે જીવનરસવેગે તરવર્યા
૦૦૦૦
મને ચારે બાજુ શિરથી કરથી સ્કંધથી ફૂટે
ભૂરા આકાશોની જટિલ વિટપો શૂન્ય વીંઝતી
જતી ઊંચી ઊંચી વિહગરવથી આકુલ થતી
ખચી તારાઓની બણબણથી જ્યોતિર્મધુપુટે!
અનાદિથી જાણે સમયપટ ઘેઘૂર પીંપળો
ઊભો છું રાતોડી – કીડી ઊભરતી – પોપડી ભર્યો.”
(‘અશ્વત્થભાવ’ : સ્પં. છં.)
અનહદની સરહદે ઊભેલા કવિને ક્ષણની અલ્પસ્વલ્પ ઘટના પણ ક્ષણની પારનું – શાશ્વતીનું – રહસ્ય પ્રગટ કરી દેતી દેખાય છે :
“ખરેલા એ પર્ણે સમયતણું જંતુ ફરી વળે,
નસો વચ્ચે ચાટી જઈ પરણને ચાળણી કરે,
જતું પૃથ્વી શારી ગહન ભીતરે પર્ણ ઊતરી
રહે પૂંઠે પૂંઠે નજર પણ મારી અનુસરી
અધોધઃ ઓ ચાલ્યું પરણ વીંધતું પ્હાડપથરા
સિઝાતું લાવામાં, વનવન નવો જન્મ ધરતું
ખરી જાતું પાછું ફૂદડી ફરતું ચાળણી થતું
નવા સૂર્યે ફાડી હિમપડ ઊગે વર્ણથી હરા!”
(‘કાળડૂબકી – એક તંદ્રા’ : સ્પં. છં’.)
સમય જતાં ઉશનસે પ્રકૃતિદર્શનનો એક નિજી દૃષ્ટિકોણ કેળવી લીધો દેખાય છે. વાતાવરણમાં એકાએક કશો ઉઘાડ જણાય, કે એક સૂક્ષ્મ તરંગનું સંચલન જણાય, તો એવી તરલ ચંચલ ક્ષણની ઘટનાઓને કાવ્ય રૂપે વર્ણવવાના તેમના ફરીફરીને પ્રયત્નો રહ્યા છે. વસંતપંચમીના ચંચળ વાયુ કવિચિત્તમાં જે પ્રકંપ જગાવી જાય છે તેનું નિરૂપણ તેમણે ચિત્તસ્પર્શી વાણીમાં કર્યું છે :
“સૂરજમુખીની મોટી ઝાળે ભભૂકી ઊઠ્યો દિન!
શિશિરની કળી તે પોતે કો વિરાટ હવે ફૂલ!
કડક દિશદિક્ તડકાઓનાં ટટાર દલેદલ :
કિચૂક ઊઘડે કોઈ જંગી અવાવરુ કાચનો
મહલ ઝપટ્યાં આકાશોમાં બિલોરી, વળાઈને,
ઊઘડી જ જતાં બારી-જાળી-દુવાર; લુછાઈને
ઝળકી ઊઠતાં સામાસામી ભીંતો પર દર્પણો;
કશુંક ફફડે છે આંખોમાં ફૂદું સુનકારનું,
કશુંક ભમતું ભૃં ભૃં જાણે બધે ભણકારનું,
દલ ખરી જતાં રાત્રિચાડું ખૂલે ભમરીખચ્યું,
દ્યુતિ રવરવે ખિચ્ચોખિચ્ચા, મધુ દદડે લચ્યું.”
(‘વસંતપંચમી’ : અ.)
વસંતિલ ફૂલોને અજવાળે કવિ ઉશનસે વન્ય દેવીનું જે અલૌકિક રૂપ જોયું, તેનું એક ચિત્ર તેમની કવિતાનું અનન્ય આવિષ્કરણ બની રહે છે!
“વનગહનના અંધારે કો ફટાક ફૂટી કળી,
હવડ અપૂજી દેરીના કો ખૂણે પ્રગટ્યો દીવો,
શગ જરીક કૈં લ્હેરાઈ ને સહસ્ર બીજી શગે
પ્રજળી ઊઠી રે આંચે એની કપૂરની આરતી!
વનગહનનાં અંધારાંમાં ફૂલોથી જરા દ્યુતિ!
ડગુમગુ થતી જ્યોતે ઝાંખું જરાક મુખાકૃતિ :
તિમિર રૂપસી આદિવાસી અહો વનદેવતા!
અબીલ શબલા મૂર્તિ કંકુ ગુલાબથી ચર્ચિતા!”
(‘વસંતપંચમી’ : અ.)
એ વસંતિલ વાયુના સ્પર્શે પુલકિત થઈ ઊઠેલાં વિશ્વજીવનનાં સત્ત્વોમાં નવજન્મ અર્થે જે સ્ફુરણ આરંભાય છે, તેનું નિરૂપણ પણ એટલું જ ચેતોહર છે :
“કશુંક દ્રવતું એકાકારે, મટી જતું રે દ્વય
વયસમયના શીશાજામે છલચ્છલતોમય!
ઘરની ખીંટીએ ઊંચી ‘ચીંચી’ સસત્ત્વ મહોદ્યમી :
બૃહદ્ કદની ગર્ભાધાને લઈ ગઈ શૂન્યતા
નીડે ફરકતો ચાંચે, તેનું ખર્યા કરતું તૃણ :
ઈંડું ફરકતું આંખે, પાંખે ઈંડા મહીં ફડફડ,
ખરતું પીંછું ને પીંછામાંથી ખરે નભના કણ,
ફરી વળ્યું ખૂણે ખૂણે તેના હિલોળનું કંપન,
કશુંક ફરક્યું બ્રહ્માંડોમાં સચેતન ઉર્વર,
કશું પ્રસવશે ગમ્મે ત્યારે હવેની ઘડી, પળ.....”
(‘વસંતપંચમી’ : અ.)
પ્રકૃતિ અને ઋતુચક્રની રચનાઓમાં ઉશનસ્ની પ્રતિભાનો અનન્ય આવિર્ભાવ ધ્યાનપાત્ર છે. એમાં પંચભૂતોની રમણા તેમને માટે સતત રોમાંચ અને વિસ્મયનું કારણ બની રહી દેખાય છે. આ રીતે તેમની સૌંદર્યદૃષ્ટિમાં વિશેષ સંસ્કાર બેઠેલો જણાય છે. નિત્ય-નૂતન રૂપે પ્રગટ થતી વિશ્વચેતનાને પામવાની એક ઉત્કટ ઝંખના એમાં પ્રગટ થતી રહી છે. આવી સૌંદર્યદૃષ્ટિથી પ્રેરાઈને તેમણે પ્રકૃતિનાં અનાવિલ તાજગીભર્યાં રૂપોને કાવ્યમાં પકડવાના સમર્થ પ્રયત્નો કર્યા છે. ‘એક્સ્ટસી’ની ક્ષણોનેય રચનાબદ્ધ કરવાની તેમની નેમ રહી છે. આપણી સ્વાતંત્ર્યોત્તર કવિતામાં તેમનો આ વિશિષ્ટ જાતનો અભિગમ તરત ધ્યાન ખેંચે છે. ઉશનસ્ની ભરચક કાવ્યપ્રવૃત્તિમાં માનવજીવનની સંવેદનાઓ વિશેની રચનાઓ તેમની પ્રકૃતિવિષયક રચનાઓની જેમ જ એક મોટો પ્રવાહ બને છે. એમાં વતનપ્રેમ, કુટુંબપ્રેમ અને નારીપ્રેમ – એ ત્રણે મુખ્ય વર્ણ્યવિષયો (themes) રહ્યા દેખાય છે. અંગત સંવેદનોમાં પરમ તત્ત્વની ઉપાસના, સમર્પણ અને નિવેદનના ભાવો અને સાથે પ્રેમલક્ષણા ભક્તિનું રસાયન એમાં કેટલીક વાર ભળતું રહ્યું છે. ખાસ કરીને નારીપ્રેમની રચનાઓમાં આવી ભક્તિમૂલક સંવેદનાઓ ઓછીવત્તી ઘૂંટાતી રહેલી દેખાય છે. તેમની પ્રકૃતિ-વિષયક રચનાઓની બરની, અનેક ઉત્કૃષ્ટ રચનાઓ આ જાતના વિષયનિરૂપણમાં પણ મળે છે. પણ અહીં તેમની સર્જકતાની ગતિ જુદા જુદા સ્તરે ચાલી દેખાય છે. અહીં કવિહૃદયની ઊર્મિનો બળવાન ઉદ્રેક વારંવાર સીધા કથનવર્ણનમાં સરી પડતો જઈ શકાશે. જોકે બીજી અનેક રચનાઓમાં તેમણે અલંકારરચના દ્વારા કે કલ્પનો-પ્રતીકોના સંવિધાન દ્વારા ભાવની વ્યંજના વિસ્તારવાના પ્રશસ્ય પ્રયત્નો પણ કર્યા છે. વતનપ્રેમ અને કુટુંબવાત્સલ્યની સંવેદનાઓ તો કવિસંવિત્ના એક જ સ્રોતમાંથી પ્રગટ થાય છે. વતન માટે તેમ કુટુંબ માટે, કવિના અંતરમાં અનન્ય પ્રેમ રહ્યો છે. પણ નવી જીવનવ્યવસ્થા વચ્ચે એ વતન અને એ કુટુંબ સાથે જીવવાનું બની શક્યું નથી, એટલે એ બંનેનો વિરહ તો તેમના ભાગ્યમાં લખાઈ ચૂક્યો છે. પણ વિરહની વેદના વતન અને કુટુંબ પરત્વેની લાગણીમાં અનંત ગણો ઉમેરો કરે છે. કુટુંબજીવનમાં માતાપિતાની શીળી છાયા વિસ્તરી છે. પ્રેમ અને જ્ઞાનનાં ઝરણાં એ છાયામાંથી ફૂટી નીકળ્યાં છે. સહજ જ, કુટુંબજીવનનાં સંવેદનોમાં ભાવની આર્દ્રતા અને ઉદાત્તતા સાથોસાથ પ્રગટતાં રહે છે. કુટુંબનાં માનવીઓને વિરહનો જે ઓથાર રૂંધી રહ્યો છે, તેનું એક વેધક નિરૂપણ છેક આરંભકાળના ‘વળાવી બા આવી’ સૉનેટમાં જોવા મળે છે. વિરહના ભાવને એક અશરીરી છાયા રૂપે કલ્પવામાં કવિ ઉશનસ્ની પ્રતિભાનો ચમકારો એમાં જોઈ શકાશે.
“......સહુએ
લખાયેલો કર્મે વિરહ મિલન તે રજનિએ
નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા,
ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયાં.”
(‘વળાવી બા આવી’ : પ્ર.)
પિતાજીનો સ્વર્ગવાસ થતાં શોકાંજલિ રૂપે લખાયેલી સૉનેટ-રચનાઓ ભાવની ઉદાત્તતા અને ઉઠાવદાર ચિત્રોને કારણે નોંધપાત્ર બની છે. એમાં કવિનું સંવેદન વૈયક્તિક શોકની સીમા તોડી વ્યાપક અનુભૂતિ રૂપે અનુભવાય છે. પિતાની વિભૂતિનું સાતત્ય કવિ પોતાનામાં અનુભવી રહે છે એ ક્ષણ અત્યંત હૃદયસ્પર્શી બની આવી છે :
“નનામી મારી નીરખું ને પછી ભડભડ ચિતા
રહું જોઈ મારું શબ બળતું હું, હું, મુજ પિતા!”
(‘હું મુજ પિતા’ : તૃ. ગ્ર.)
વતનનો ચહેરો જેમના ચહેરામાં ઓતપ્રોત થઈ ગયો છે તે જનનીનું વાત્સલ્ય કવિના જીવનની પરમ સૌભાગ્યની પ્રાપ્તિ બની છે. જે હંમેશાં વતનને પાદર સુધી તેમને વળાવી જતી હતી તેને જ જ્યારે ‘વળાવવાની’ ઘડી આવી ત્યારે કવિના અંતરમાં જે અપાર શોક જન્મે છે એ સમજી શકાય તેમ છે. પણ કવિના અંતરમાં કશીક શ્રદ્ધા રોપાયેલી છે : મૃત્યુની ઘટનાને તેઓ જુદી જ લોકોત્તર ભૂમિકાએથી નિહાળે છે :
“વળાવી તે આવ્યા ફૂલસરખી ફોરી જનનીને
દયી અગ્નિદેવે પણ લીધ ગ્રહી હાથ હળવે.”
(‘વળાવી બા, આવ્યા’ : સ્પં. છં.)
સ્મશાનેથી પાછા ફરતાં કવિને એવા જ બીજા અપાર્થિવ દૃશ્યની ફરીથી ઝાંખી થાય છે :
“સ્મશાનેથી પાછો ફરું છું, ફરી જોઈ લઉં ચિતા
હવે એ જ્વાલાઓ કજળતી’તી એકાંત વગડે
સુણું છું કાષ્ઠોમાં દૂરદૂરથી થોડી તડતડે
વિભૂતિ ઊડીને-નીરખું-અવકાશે ભળી જતી :
અને મેં સાંજે તે ગગનભરી દીઠા શિવ-પિતા!
કપાળે ખીલી’તી બીજ જનની કેરી ચરચિતા!”
(‘વળાવી બા, આવ્યા’ : સ્પં. છં.)
માતાપિતાની લોકોત્તર વિભૂતિનું જે ચિત્ર અહીં કવિએ આલેખ્યું છે તે એટલું જ હૃદ્ય છે. માતાપિતાને શોકાંજલિ રૂપે લખાયેલાં તેમનાં આ સૉનેટો આપણી કવિતાનો મોંઘામૂલો વારસો છે. વતનપ્રેમની રચનાઓમાં પણ કવિનો વિરહભાવ ઉત્કટતાથી વ્યક્ત થયો છે : વતનના લોકજીવન પર ‘સમયરથ’નું ચક્ર ફરી વળ્યું છે એ વાતનું કરુણ ભાન તેઓ હૃદયસ્પર્શી વાણીમાં પ્રગટ કરે છે :
“ગયો છે શેરીથી સમયરથ હું સ્પષ્ટ પરખું
પગેરું લાગે દક્ષિણ તરફથી ઉત્તર ભણી;
રહ્યાં આ એંધાણો : જળનીક સૂકી પ્રાવૃષતણી
પડ્યા ચક્રે ચીલા જળવઈ રહ્યા ત્યાં હજીય છે.”
(‘વળી પાછા વતનમાં’ : તૃ. ગ.)
પોતાના જીર્ણ ઘરમાં પ્રવેશતાં ભેંકારનો જે અનુભવ થયો તેનું વર્ણન પણ એટલું જ વેધક થયું છેઃ
“પ્રવેશું ત્યાં ઊડ્યાં કબૂતર વીંઝી પાંખ ઘરમાં,
હલી ઊઠી આખી વળગણી સુકાવેલ વસનો
પુરાણાં હાલ્યાથી, ભીંત ઉપર કેલેન્ડર હલ્યાં,
પુરાણા દટ્ટાનાં પરણ વણફાટેલ ફરક્યાં
અને એમાં આછી ફરકી ગઈ કૈં પર્વતિથિઓ,
વળી થોડી જૂની ભીંત પરથી ગૈ કાંકરી ખરીઃ”
(‘વળી પાછા વતનમાં’ : તૃ. ગ્ર.)
પ્રણયભાવનાં તેમનાં કાવ્યોમાં બે ભિન્ન સ્તરની ગતિ જોવા મળે છે. આ વિષયની રચનાઓમાં એક પ્રવાહ એવો છે જેમાં પ્રણયનું નિરૂપણ લૌકિક સ્તરેથી થયું છે. એવી રચનાઓમાં રોજ-બરોજના સંસારનો પરિચિત પરિવેશ જોવા મળે છે. પ્રણયનું પાત્ર બનતી નારી માટેની કાવ્યનાયકની ઝંખના, તેનો વિરહ, કે તેને માટેની વ્યાકુળતા અહીં તીવ્રતાથી વ્યક્ત થયાં છે. ઘણીયે વાર અંતરની કોઈ એક મૃદુ કોમળ લાગણી કે આર્દ્રતાવાળો વિચાર જ એમાં સ્પર્શી જાય છે. બ. ક. ઠાકોરનાં પ્રણયભાવનાં કાવ્યોનું સ્મરણ આપે એવી એ સરળ ઋજુ રચનાઓ છે. પણ ઉશનસ્નાં પ્રણયકાવ્યોમાં વધુ સુભગ રચનાઓ તો એથી જુદા સ્તરની છે, જેમાં પ્રણયનું કંઈક લોકોત્તર રૂપ વ્યક્ત થયું છે. એ પ્રકારની રચનાઓમાં ઝંખનાની પ્રેયોમૂર્તિ એક અપાર્થિવ સત્ત્વ રૂપે પ્રત્યક્ષ થાય છે. પ્રેમલક્ષણા ભક્તિનું રસાયન એમાં ભળી ગયેલું લાગે, અને ક્યારેક રહસ્યવાદ(mysticism)ની આછી છાયા પણ તેમાં વરતાઈ આવે, તેમના પ્રણયભાવના એ પ્રકારના નિરૂપણમાં બૃહદ્ વૈશ્વિક સંદર્ભ પ્રવેશતો જોઈ શકાશે. છેક આરંભકાળની એક રચનામાં તેમણે આ પ્રમાણે ભાવ પ્રગટ કર્યો હતો :
“હજી જે લજ્જાએ અરધથી વધુ અંગ છુપવે
પ્રિયે, તારામાંયે નીરખ, નિજ કો રેખ ખીલવે.”
(‘ચરમ લક્ષ્ય’ : પ્ર.)
કાવ્યનાયક મનુજસંસારની નાયિકામાં વિશ્વના ઘટાટોપ પાછળ છુપાયેલી પ્રેયોમૂર્તિની જ એક રેખા જુએ છે. સંસારની નારીને નાયક ચાહે છે ખરો, પણ તેનું ચરમ લક્ષ્ય તો વિશ્વ અખિલને વ્યાપી રહેતી પેલી અલૌકિક મૂર્તિ પર ઠર્યું છે. ધરતીપટ પરના માનવમેળામાં આથી કાવ્યનાયકને જે જે ‘મધુર નમણા ચહેરાઓ’ સામે મળ્યા છે તેમાં તેને અનન્ય પ્રેરણા અને જીવનબળ મળતાં રહ્યાં છે.
“મધુર નમણા ચ્હેરાઓનો ભવભવનો ઋણી;
મુજ જીવનના પંથે છાયાદ્રુમો સમ જે હસ્યા,
નયન ઊતરે ઊંડે ઊંડે અતીત વિશેય, તો
મધુરનમણા ચ્હેરાઓના દીપે પથ ઊજળો.’
(‘રસ્તો અને ચ્હેરા’ : તૃ. ગ્ર.)
પણ એવા ‘ચ્હેરાઓ’ કવિના અંતરમાં વંટોળ જગાવીને દૂર ચાલ્યા જાય છે, અને તીવ્ર વેદનામાં કાવ્યનાયકનું અંતર ઝૂર્યા કરે છે :
“ગયાં રૂપો એના લય અહીં ઊડે માત્ર જીવને
સ્મશાને લ્હેરાઈ ભૂખરી રજમાં ઓકળી કરે.
કણોમાં ધૂલિના ઊઠતું મનનું પ્રેત પવને
ઉથાપે ને થાપે, અસલ રૂપ રાખે ક્યહીં મળે?”
(‘હવે આજે’ : તૃ. ગ્ર.)
કાવ્યનાયકનું અંતર જેને અતિ ઉત્કટતાથી ઝંખી રહ્યું છે એ અપાર્થિવ મૂર્તિને વ્યવહારજગતની ધરાતલ પર મળવાનું શક્ય જ નથી. સ્વયં જે માયાવી રૂપ ધરે છે તેનું અધિષ્ઠાન અંતરના ગહનતમ પ્રાંતમાં સંભવે છે. એટલે કાવ્યનાયક એ પ્રિયાને લોકોત્તર ધરાતલ પર મળવા ઝંખે છે :
“તું સ્વપ્નના તરલ ઝાકળ શી સુકોમળ,
તેને નથી જ જરી પાંપણ બ્હાર કાઢવી;
આ સત્યના સખત સૂર્યતણી કસોટીમાં
પ્રીછું તને સપનને પરિવેશ કેવલ
તું માહરા સપન બહાર મને અજાણી.”
(‘અવસ્તુને’ : સ્પં. છં.)
પણ એ મૂર્તિ તો યુગયુગથી અકળ મૌન ધરીને ઊભી છે! કાવ્યનાયકની કેટકેટલી આર્જવભરી વિનંતીઓ છતાં તે કશુંય ઉચ્ચારતી નથી. એથી કાવ્યનાયક આકુળવ્યાકુળ બની એ મૂર્તિને ઢંઢોળી રહે છે!
“કીકી જે કેમેરા સમ છવિ ગ્રહંતી મુજ અરે
અરીસા શી આજે ક્ષણ તરલ છાયા મુજ ધરે.
અને ફેંકે પાછી મુજ કશુંય રાખે ન ભીતરે
ઊડે શૂન્યાવસ્થા તવ નયન વેરાન ભૂખરે
કશુંયે યાદા’વે નહિ? નિરખ જો, હું જ છું પ્રિયે!
વિખેરી વેણી દ્યૌં; ચૂમું, હચમચાવું સ્કંધો – હજીયે?”
(‘વિસ્મૃતિ’ : સ્પં. છં.)
ઝંખનાની પ્રેયોમૂર્તિનો એ ચહેરો એનું એ રૂપ, એની એ રેખાઓ, સર્વ કંઈ કાવ્યનાયકને પાગલ શો કરી મૂકે છે :
“હવે જે કો સામું પથ પર મળે રૂપ, દૃગ આ
જુએ ઘૂંટી એને તરત, કંઈ જો મેળ, હરખે;
નહિ તો પાછી એ તરત જ ઉદાસીન રઝળે
કશું ના પામે તો નીલ ગગનનો પ્હાડ ભરી દે
રૂપોની નકશીથી, નજરથી ઊંડું ખોતરી ખણી
પછી બે રેખાઓ પર અલસ રહે રક્ત નીંગળી.”
(‘રૂપની નિશાળે’ : સ્પં. છં.)
અરેરે, જે ક્યાંયે મલકમહીં ન્હોતી, ક્યહીંથી તે
ક્રિયા પાતાલેથી ફૂટતીક તરે રેખ ગગને!
પછી બેસી જાતી મુખ ઉપર કોઈ અણપ્રીછ્યા
૦૦૦૦
તમે ક્યાં છો? કેવાં? કવણ ભવનાં સ્નેહી રૂપસી?
છૂટી રેખાઓ આ રઝળતી, રચે ના’કૃતિ કશી.”
(‘મળતી આવતી રેખાઓ’ : સ્પં. છં.)
અને એ ઝંખનાની મૂર્તિને પામવાની ઉત્કટતા જ કાવ્યનાયકનો એક સ્થાયિભાવ બની રહે છે :
“તુંમાં હું ટીશી થઈ ઊગીશ કોઈ અશ્રુ શો :
દાણાં ભર્યાં કણસલાંશી લણીશ આંખને;
તુંમાં વવાઈશ હું બીજ તૃષાનું તીવ્ર થૈ
પામું કણેકણ તને વન થૈ અડાબીડ;
તુંમાં હું પક્વ ફળશો ખરી જૈશ કાળમાં
ને એમ પામીશ તને હું અનંત ફાલમાં;
તું રૂપ, હું અબૂઝ પ્યાસ ઋણાનુબંધમાં,
મારે રહ્યું ભમવું પાછળ તારી શૂન્યમાં.”
(‘નિર્વેદ ઋચાઓ’ : અ.)
પ્રકૃતિ, પ્રણય આદિ તેમની કવિતાના મુખ્ય વર્ણ્ય વિષયો રહ્યા છે એ ખરું, પણ એ સિવાય જુદે જુદે નિમિત્તે તેમણે બીજી પણ જુદા જુદા ભાવની અનેક રચનાઓ કરી છે. એમાં ભારતની યાત્રા તેમજ મુંબઈ અમદાવાદ જેવાં નગરો અને ઐતિહાસિક સ્થળોના અનુભવો તેમની કેટલીક રચનાના વિષયો બન્યા છે. વળી પંડિત નહેરુ, બુદ્ધ અને શેઇક્સપિયર જેવા મહાન પુરુષોનાં વ્યક્તિત્વોમાંથી પણ તેમણે પ્રેરણા મેળવી છે. પરમ તત્ત્વની ઉપાસના, આત્મસમર્પણ, કે આત્મનિવેદન અને ભક્તિના ભાવો પણ તેમણે ગાયા છે. અને આત્મબોધ કે આત્મખોજ રૂપે અંગત જીવનના ભાવો પણ પ્રગટ કર્યા છે. આ જાતના વિષયોમાં અનેક વાર ચિંતનનું ભારણ વરતાયા કરે છે. આમ છતાં આત્મસંવેદનની અનેક રચનાઓ સુરેખ ભાવનિરૂપણને કારણે ચિત્તસ્પર્શી બની આવી છે. ‘આ વેળા તો જુદો જ અનુભવ’ (સ્પં. છં.) શીર્ષકની રચના એવી એક લાક્ષણિક ધ્યાનપાત્ર કૃતિ છેઃ
“પગ ઊપડતાં આ વેળા તો જુદો જ અનુભવ!
પગલું ભરું કે જૂની ભીંતે પડે ખરી પોપડી,
પગલું ભરું : ઈંટો વચ્ચેથી ખરે કંઈ કાંકરી
જર્જરી ગઈ પ્રીતિ, શબ્દોના પડે પડઘા નવ;
જરઠ દૃગને કાચે મારી છબી જઉં ભૂંસતો;
તરત પડતા તૂટી મોટી તિરાડથી આઈના;
પગ ઊંચકું કે માટી લોચો તળે તૃણ-મૂળના
ધવલ જીવતા તંતુઓનું ધરુ ગ્રહી આવતો;
૦૦૦૦
પગ ઊપડતા કે
પછી ઊખડતા આ વેળા તો મૂલાન્ત સમેત શું?”
(‘આ વેળા તો જુદો જ અનુભવ’ : સ્પં. છં.)
અંગત સંવેદનની ઉત્કટ અનુભૂતિનું એટલું જ ધ્યાનપાત્ર બીજું એક ઉદાહરણ ‘અશ્વત્થ’માંથી લઉં છું :
“હું નાભિના પ્રાણથી પૂર્ણ ફેફસે
અંધારનું આખું જ ફૂલ ઉચ્છ્વસી
એવું સૂંઘું, એવું સૂંઘું છું દીર્ઘ કે
કે ફૂલ સંગે ડૂંખ-ડાળીનેય
સૂંઘી લઉં છું
ને એમ કો શ્યામલ પેયઘેનમાં
બેચાર તારા પણ ગટગટાવતો
ધીમે ધીમે શ્યામ-પતાલ-સ્વપ્નમાં
– ક્યારે ન તે નોંધી શકાઈ રે પલ –
ઊંઘી જઉં છું
ઠંડી ઊંડી શ્યામલ ઊંઘમાં કો.”
(‘રાતની ડાળ’ : અ.)
આત્મસંવેદનની કવિતાના આ બે સંદર્ભોમાં ઉશનસ્ની મનોસૃષ્ટિના વિલક્ષણ ઉન્મેષો જોવા મળે છે. તેમની કવિતાના મર્મકોષોમાં આવા રસાર્દ્ર અંશો કેટલીક વાર અર્ધપ્રચ્છન્ન રહી ગયા જણાય છે. પણ એવા અંશોની ઓળખ કરવાનો પ્રયત્ન કરીએ જ ત્યારે તેમની કવિતાને સાચા રૂપમાં પામી શકીએ....
પાદટીપ :
- ↑ ૧ તેમના મુખ્ય કાવ્યસંગ્રહો આ પ્રમાણે છે : ‘પ્રસૂન’ (૧૯૫૫), ‘નેપથ્યે’ (૧૯૫૬), ‘મનોમુદ્રા’ (૧૯૬૦), ‘આર્દ્રા’ (૧૯૬૧), ‘તૃણનો ગ્રહ’ (૧૯૬૪), ‘સ્પંદ અને છંદ’ (૧૯૬૮), ‘અશ્વત્થ’ (૧૯૭૫) અને ‘રૂપના લય’ (૧૯૭૬). ‘પ્રસૂન’માં છેક ૧૯૪૦ની આસપાસ રચાયેલી કૃતિઓ ગ્રંથસ્થ થઈ છે. આ લેખમાં કાવ્યસંગ્રહોનાં શીર્ષકો કેવળ પ્રથમ અક્ષરથી નોંધ્યાં છે : જેમ કે, ‘પ્રસૂન’ – પ્ર., ‘તૃણનો ગ્રહ’ – તૃ. ગ્ર. વગેરે.