શબ્દલોક/‘અથવા’ : ચિત્રકળાના સંસ્કારવાળી કવિતા
આપણી સ્વાતંત્ર્યોત્તર ગાળાની કવિતામાં અછાંદસ શૈલીની રચનાઓ પોતે જ એક વિલક્ષણ આવિર્ભાવ બની રહે છે, અને એમાં શ્રી ગુલામ મોહમ્મદ શેખની અછાંદસ રચનાઓ વળી સૌથી વિલક્ષણ આવિષ્કાર જણાય છે. આધુનિક ચિત્રકળાના અમુક વિશિષ્ટ સંસ્કારોને કારણે તેમની રચનાઓની મુદ્રા જ બદલાઈ ગઈ છે. તેઓ પોતે આધુનિક શૈલીના ચિત્રકાર છે, અને આધુનિક ચિત્રકળાના ઊંડા અભ્યાસી પણ છે, એટલે તેમની કાવ્યસૃષ્ટિમાં એ દૃશ્યકળાના સંસ્કારો ઊતરી આવ્યા હોય એ સહજ છે. જોકે આધુનિક કળામાંથી પ્રભાવવાદ, અભિવ્યંજનાવાદ કે અતિવાસ્તવવાદ જેવા કોઈ એક વાદની જ એમાં અસર હોવાનું બતાવી શકાય નહિ. ચિત્રકળાની વિવિધ શૈલીઓ અને ટેક્નિકો અહીં તેમને પ્રેરક બન્યાં હોય એમ માનવું વધુ યોગ્ય છે. રસપ્રદ બાબત એ છે કે તેમનામાં રહેલો ચિત્રસર્જક કાવ્યવસ્તુને અનોખા રૂપમાં જ આકાર આપે છે. એક ચિત્રસર્જક તરીકેનું તેમનું vision કે perception અહીં ગતિશીલ બળ બની રહે છે. એ માટે શબ્દ પાસેથી કંઈક જુદું જ કામ તેમણે લીધું છે; અથવા શબ્દશક્તિનો અસામાન્ય રીતે વિનિયોગ તેમણે સાધ્યો છે. આપણી ભાષાના શબ્દભંડારમાંથી શક્ય તેટલા મૂર્ત બિંબરૂપ શબ્દોને તેમણે ખપમાં લીધા છે. કલ્પન, પ્રતીક કે દેવકથા – કોઈ પણ રૂપે શબ્દ અહીં મૂર્તઘન આકાર ધારણ કરીને આવે છે. શબ્દની સેન્દ્રિયતા (Organicity)ને જાણે ‘ફીલ’ કરીને તેમણે તેને પસંદ કર્યો છે. વસ્તુનાં રૂપરંગગંધ અને પોતને સદેહે પ્રસ્તુત કરે એવા મૂર્ત શબ્દોની જોડે તેમનું આદાનપ્રદાન રહ્યું છે. એટલે તેમની કાવ્યરચનામાં શબ્દોની યોજના તે જાણે કે નર્યાં બિંબોની યોજના બની રહી છે. તેમની સ્વૈર સર્જકતા સતત નવાં નવાં રૂપો સર્જવા પ્રવૃત્ત થઈ છે. એ માટે અછાંદસની શૈલી તેમને અનુકૂળ નીવડી છે. બલકે, આપણી અછાંદસ રચનાઓને તેમણે ગતિ અને દિશા આપ્યાં છે એમ કહીએ તો તેમાં ઝાઝી અતિશયોક્તિ નહિ ગણાય. આપણા અદ્યતનવાદી અનેક તરુણ કવિઓની જેમ શ્રી શેખને પણ શબ્દ દ્વારા કશું કંઈ કહેવું નથી; તેમને કશુંક સર્જી આપવું છે. અને, આધુનિક કળાઓ અને સાહિત્યના વાતાવરણમાં શ્વાસ લેતા હોવાથી તેમની રચનાઓમાં આધુનિક વલણો સહજ જ પ્રવેશે; ખાસ કરીને, માનવીય અસ્તિત્વની જડ સીમિતતા, વિષમતા, નિસ્સારતા, વંધ્યતા કે નિર્ગતિકતાના ભાવો તેમની ઘણીએક રચનાઓમાં તીવ્રતાથી વ્યંજિત થઈ ઊઠ્યા છે. ચિંતનમનન દ્વારા કાવ્ય સુધી પહોંચવાનો કોઈ ઉપક્રમ તેમણે સ્વીકાર્યો નથી : મૂર્ત બિંબોની સૃષ્ટિ રચવામાં જ તેમને મુખ્ય રસ રહ્યો છે. એ માટે શબ્દના રૂઢ અર્થો કે વિચારોની સરહદરેખાઓ તોડીફોડીને એમાંથી અનોખી ભાતોનું નિર્માણ કરવાનો જ તેમનો મુખ્ય પ્રયત્ન રહ્યો છે. પરિચિત વાસ્તવિકતાની પરિચિત વાતો નહિ, નવી જ mythના નિર્માણ માટેનો એમનો આદર્શ રહ્યો છે. આપણા વ્યવહારજગતના પદાર્થોની પરિચિત વાસ્તવિકતા અને તેનાં પરિચિત રૂપોને છિન્નભિન્ન કરી નાંખવાની એક અનોખી પ્રક્રિયા અહીં સતત ચાલે છે. અનુભવના જગતમાં તો પ્રકૃતિ અને માનવજીવન, જડ અને ચેતન, નિર્જીવ અને સજીવ, એવી દૃઢ ભેદરેખાઓ પાડીને જ આપણો વ્યવહાર ચાલતો રહે છે, એ વિશેના આપણા ભાવપ્રતિભાવો પણ એની સ્વીકૃત વાસ્તવિકતા અને એના પર નિર્ભર સત્યાસત્યના ખ્યાલોથી નિયંત્રિત હોય છે. પણ શ્રી શેખની કાવ્યસૃષ્ટિમાં આપણા પરિચિત જગતનાં Real અને Un-real, Fact અને Fiction એ સર્વ એકાકાર થઈને પ્રગટ્યાં છે. પરિચિત માનવની પ્રતિમા અહીં અમૂર્ત વિચાર કે આકાર ધારણ કરે છે, તો સૂર્ય, ચંદ્ર, પડછાયો, મૃત્યુ જેવાં તત્ત્વો મૂર્ત સદેહ રૂપે પ્રગટ થાય છે. અલબત્ત, રૂઢ કવિતાપ્રવૃત્તિમાં જોવા મળતા સજીવારોપણ કે અતિશયોક્તિ અલંકારનો આ સાદોસીધો વ્યાપાર માત્ર નથી, સર્જકતાની નવી ભૂમિકા અને નવી ક્ષિતિજો એમાં નિહિત છે. આપણી રૂઢ કવિતામાં સજીવારોપણ કે અતિશયોક્તિ જેવાં અલંકારોમાં ઘણીયે વાર પ્રકૃતિના પદાર્થોને સજીવ કલ્પીને તેના માનવીય વ્યવહારનું વર્ણન કરવામાં આવ્યું હોય છે, પણ એ પ્રકારની કલ્પનામાંયે ઊંડે ઊંડે ક્યાંક પરિચિત વાસ્તવના ધરાતલ જોડેનો સંબંધ અન્તર્હિત રહેલો જણાશે. શ્રી શેખની કાવ્યસૃષ્ટિમાં એવા પરિચિત વાસ્તવના ધરાતલનો આશ્રય નહિવત્ છે. તેમની કવિતાની શક્તિ અને સીમા, આમ, તેમની કેવળ સર્જકતાના ગૂઢતર કેન્દ્રમાંથી સંભવે છે. મૂળ વાત એ છે કે શ્રી શેખની કાવ્યસૃષ્ટિમાં અનુભવજગતનાં રૂપો અને તેની ગતિવિધિઓની રેખાઓ અવળસવળ થઈ ગઈ છે. પરિચિત પદાર્થોના પરિચિત અધ્યાસો વેગળા કરીને નેવો જ ‘અર્થસંભાર’ તેમાં ભરવામાં આવ્યો છે. અહીં ‘પદાર્થ’ માત્રને કોઈ નિશ્ચિત રૂપ પ્રાપ્ત થતું નથી, બદલાતા સંદર્ભોંમાં તેનું સતત રૂપાંતર થતું જ રહે છે. રૂપમાંથી અરૂપ, અને તેમાંથી વળી નવું રૂપ, એવી પ્રક્રિયા અહીં સતત ચાલતી જ રહે છે. અનુભવજગતમાં જે વસ્તુ અરૂપ, અમૂર્ત અને અનંગ લાગતી હતી, તે અહીં અણધારી રીતે જ મૂર્ત રૂપ લઈને પ્રગટ થાય છે. તો વળી જેને આપણે હંમેશાં સદેહે જોઈ હતી તે વસ્તુ એકદમ અમૂર્ત આકાર કે રૂપરેખા ધારણ કરીને અહીં આવે છે. આમ શ્રી શેખની કવિતામાં સર્જનની એક અનોખી ગતિ જોવા મળે છે. અહીં જો પ્રશ્ન હોય તો તે એટલો જ છે, કે આવી સર્જનાત્મક પ્રક્રિયામાંથી પસાર થવાનું સહૃદય માટે પડકારરૂપ બની રહે છે. હરેક સર્જનાત્મક ક્ષણની ભીતરમાં પ્રવેશીને પ્રસરી જવાનું કાર્ય સરળ નથી જ. પણ એ પ્રકારની સજ્જતા કેળવી હોય તો એના વળતર રૂપે કોઈ અકલ્પ્ય સમૃદ્ધિ મળી રહે, એમ બને. શ્રી શેખની કાવ્યસૃષ્ટિમાં dehumanizationની પ્રક્રિયાનું સીધું અનુસંધાન છે. તેમાં આપણા પરિચિત ભાવ અને ભાવનાઓનું સીધેસીધું નિરૂપણ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. તેમની સંવેદનામાં આદિમ આવેગો અને અનુભૂતિઓનું સીધું વિસ્તરણ છે : અસ્તિત્વનાં આદિમ સંચલનોનું રૂપ પ્રગટ કરવાની તેમની મથામણ એમાં જોઈ શકાશે. સમયના સંદર્ભની બહાર, અથવા સમયના સ્તરનીયે ભીતર, જે પ્રવાહ વહે છે, અને એમાં જે આદિમ અવશેષો અશ્મીભૂત થઈને તરતા રહ્યા છે, તેને રૂપબદ્ધ કરવાનો એ પ્રયત્ન છે. એ કારણે અતિવાસ્તવવાદની રચનાશૈલીનું અનુસંધાન પણ એમાં વારંવાર જોવા મળશે. એટલું જ નહિ, આ આદિમ અવશેષો જ અહીં કઠોરભીષણ રંગો આણે છે. શ્રી શેખની અનેક રચનાઓમાં પ્રાણીજગત અને જંતુસૃષ્ટિના ઉલ્લેખો જોવા મળે છે તે કોઈ આકસ્મિક ઘટના નથી. એમાં અસ્તિત્વના પ્રાણીજ અંશોનું આકલન કરવાની દૃષ્ટિ રહેલી છે. આ પ્રકારની દૃષ્ટિને કારણે તેમની રચનાઓમાં અસ્તિત્વના સુંદર-અસુંદર, શ્લીલ-અશ્લીલ, એવા પરસ્પરવિરોધી અંશોની સંકુલ ભાત જોવા મળે છે. એમાં, અલબત્ત, તેમની વિલક્ષણ સંવેદનશક્તિનો આવિર્ભાવ જોવા મળશે. આપણા વાસ્તવિક જગતની કેટકેટલી વિગતો તેમની સંવેદનામાં જડાઈ ગઈ છે! પણ મહત્ત્વની વાત એ છે કે તેમને એની પરિચિત વાસ્તવિકતા જોડે કોઈ સીધો સંબંધ નથી. તેમના ચિત્તની કુલડીમાં નવું જ રસાયણ બનીને એ વિગતો બહાર આવે છે. એમાં તેનું રૂપ, સ્થાન અને મૂલ્ય જ બદલાઈ ચૂક્યું હોય છે. બલકે, કાવ્યના સંદર્ભમાં એવી વિગત કોઈ દૃઢ નિશ્ચિત રેખાઓમાં બંધાઈ રહેતી નથી. પદાર્થોનું સ્વરૂપાંતર એમાં ચાલ્યા કરે છે : તેમની સર્જકતાનું રહસ્ય કદાચ આવી સ્વરૂપાંતરની પ્રક્રિયામાં રહ્યું છે. શ્રી શેખની વિશિષ્ટ કાવ્યશૈલી અને તેમના વિશિષ્ટ મનોભાવને પામવા ‘ક્રુઝો’ જેવી રચનાનો કંઈક વિગતે પરિચય કરીશું. અહીં તેમણે સાચા અર્થમાં એક myth સર્જી છે. એકાકી દ્વીપ પર એકાકી જિંદગી ગાળનાર ક્રુઝોની કથા અહીં એક પ્રેરક બળ બની રહી દેખાય છે. સ્થળ અને સમયમાં સર્વથા પરિબદ્ધ બની રહેલા માનવીય અસ્તિત્વનો, તેના enclosed selfનો, ક્રુઝો પ્રતીક માત્ર છે. અલબત્ત, ક્રુઝોનું જે વિશ્વ અહીં રજૂ થયું છે, તે કોઈ ભૌગોલિક દ્વીપ નથી. અસ્તિના આવરણરૂપ ‘રૂપાળી સ્ત્રી’ની એ ભીતરી ભૂમિ છે. એ એક એવી ‘સ્ત્રી’ છે જેના શરીરમાં માંસ અને લોહી નથી, હાડકાંયે નથી, માત્ર રૂપાળી ચામડીનું આવરણ છે. આ પ્રકારની ‘રૂપાળી સ્ત્રી’ની mythને કારણે આ રચનાની ધરાતલ જ જાણે બદલાઈ જાય છે. એમાં પરિબદ્ધ માનવીય અસ્તિત્વને ‘ચામડી’ની ‘બહાર’ના અવકાશમાં ક્યાંય કોઈ પદાર્થ જોડે સંબંધ સ્થપાયો નથી, તેમ એવા કશાક સાથે કોઈ ચોક્કસ communication પણ થઈ શક્યું નથી. એકાકીપણાની એ કરુણ પરિસ્થિતિ છે. કાવ્યમાંના ‘હું’ને એમ લાગ્યા કરે છે, કે ઈશ્વરની ઉશ્કેરણી કર્યાના શાપ રૂપે, કે સૃષ્ટિના સંહારની કોઈક માદક કલ્પના કરવાના અપરાધને લીધે તેને અહીં ‘જનમટીપ’ મળી છે. આ જગતમાં તે ગોઠવાઈ શકતો નથી. એ વાતનો તેને ઘણો ઊંડો અજંપો છે. બહારનું વિશ્વ જોવાની તીવ્ર ઝંખના તેને હવે રહી નથી. પણ, અહીં આ સીમિત અવકાશમાં તેની ગતિ કેવી છે? –
“આ સ્ત્રીના મસ્તકથી તળિયા સુધી
એક્વેરિયમની માછલીની જેમ તર્યા કરું છું.
કોઈક વાર શ્વાસ લેવા થંભું છું ત્યારે
ચામડીનાં છિદ્રોમાંથી દાણાદાણ થયેલું આકાશ
દેખાઈ જાય છે.
અને બહારની સૃષ્ટિની ક્ષુદ્રતા પ્રત્યે ઉદાસીન
નિસાસો નાંખી
બચી ગયેલા વિજ્ઞાનીની મુદ્રાથી
આછો આછો મલકાઈ પાછો તરવા લાગું છું.”
આ માનવીય અસ્તિત્વને પેલી ‘સ્ત્રી’નો દેહ બહારના ભાગો દબાતાં સંરક્ષણ અર્થે અંદરના અવકાશમાં જ આમતેમ ઘૂમતા રહેવું પડે છે. પણ અહીં આ અસ્તિત્વને ટકાવી રાખવા સિવાય તેને બીજું કોઈ પ્રયોજન પણ ક્યાં મળ્યું છે? એટલે નિરર્થક પ્રવૃત્તિઓની વચ્ચે એ ‘હું’ ક્યારેક ‘અમીબા’ જેવા શબ્દોની મદદથી ક્રીડા કરી જુએ છે! કરુણ વિષમતા તો એ વાતની છે, કે ‘અમીબા’ જેવા શબ્દો એકબીજામાં લુપ્ત થઈ જાય છે! અને કશુંય નક્કર પ્રાપ્ત થતું નથી. પણ પછી ક્યારેક ‘હું’ને એ શબ્દોને પોતાને જ જોઈ લેવાની વૃત્તિ થઈ આવે છે. પણ –
“ત્યારે તેમને છૂટા પાડી ચામડીની દીવાલ પર
છંટકારું છું.
પાળેલાં પક્ષીઓની જેમ તેઓ
સ્ત્રીના ચર્માણુ વચ્ચેના ખાબોચિયામાં
મોઝેઈકની કપચીઓની જેમ ગોઠવાઈ જાય છે.
ચામડીમાં આવતા રહ્યાસહ્યા પ્રકાશને
ભરી દે છે.
ત્યારે હું બહારની સૃષ્ટિને બંધ કરી દીધાનો સંતોષ લઉં છું.”
માનવીય પરિસ્થિતિમાં રહેલી આ વિષમતા કંઈ નાનીસૂની નથી. શબ્દોની કૃતિઓ દ્વારા બહારના વિશ્વની તો ઝાંખી થતી નથી, પણ ‘ચામડી’માંથી આવતા ‘પ્રકાશ’નેય તે બંધ કરી દે છે! તો પછી આ ‘સ્ત્રી’ના માયાવી રૂપનું યથાર્થ દર્શન પણ શક્ય નથી! આમ, આ રચનામાં અસ્તિત્વની વિષમતાનો ભાવ સુંદર રીતે ઉઠાવ પામ્યો છે. એમાંનું એકેએક બિંબ, એકેએક વસ્તુસંદર્ભ, વિશેષ રીતે વ્યંજકતા ધારણ કરે છે. તેમાંયે એક્વેરિયમની માછલીનું ઉપમાન, કે શબ્દો માટે અમીબા, અને પાળેલાં પક્ષીઓનું ઉપમાન અત્યંત સૂચક બની રહે છે. આવાં મૂર્ત દૃશ્ય બિંબો રૂપે જ તેમની કાવ્યવસ્તુ પ્રસરતી રહે છે. તેમની સર્જકતા પ્રત્યક્ષ બિંબોની સંઘટના રૂપે જ અહીં આકાર લે છે. અમૂર્તને પણ શ્રી શેખ કેવું મૂર્ત દૃશ્ય રૂપ આપી શકે છે. તેનું વધુ સુંદર દૃષ્ટાંત તેમની ‘મૃત્યુ’ રચના છે. આમ તો આપણે મૃત્યુને એક અકળ અને અવર્ણનીય ઘટના રૂપે જ જોઈએ છીએ. પણ તેની સાર્વત્રિકતાનો આપણને ભાગ્યે જ બોધ થાય છે. શ્રી શેખે મૃત્યુના ખ્યાલને અહીં એક રંગીન ‘મોઝેઇક’ રૂપે રજૂ કર્યો છે. એક સજીવ સદેહી પદાર્થ રૂપે તે અહીં પ્રત્યક્ષ થાય છે, તેનું રૂપાંતર પણ એટલું જ નોંધપાત્ર છે. આ રીતે અમૂર્તને visualize કરવામાં તેમની પ્રતિભાનો વિશેષ રહ્યો દેખાય છે. ‘મૃત્યુ’ની એ લીલા કેવી અદ્ભુત છે! –
“આટલે દૂરથી
મને મૃત્યુનાં પાંસળાં બરાબર જણાય છે.
કદાચ પાસે જઈશ, તો એનું રૂપ બદલાઈ જશે.
મૃત્યુ છે એક મોટું મોઝેઇક.
એના છીંડેછીંડામાં હજારહજાર માણસો જડેલા છે.
પરંતુ દૂરથી એ આખા માણસ જેવું લાગે છે.
એની આંખોમાં બેચાર કવિઓની છાતીના ભૂરા સૂરજ છે.
અને આંગળામાં ચિત્રકારોની કડવી નજરોના ડાઘ છે.
એનું શરીર માણસનું છે
છતાં એને વૃક્ષ પણ કહી શકાય.
આદિ મનુષ્ય એને વાદળું પણ કહે.
એની ધોરી નસ કાપીએ તો ધખધખ કરતાં
જીવડાં એમાંથી નીકળે.”
અહીં સૂચવાઈ જાય છે કે ‘મૃત્યુ’ને તમે કોઈ જડ વિભાવનામાં બાંધી શકો નહિ. એ સર્વત્ર છે, સર્વકાલીન છે; એટલે કોઈ એક પદાર્થમાં તમે એને સીમિત રાખી શકો નહિ. એની વિવર્તલીલા નવાં નવાં રૂપે ચાલ્યા જ કરે છે. તો પછી એ કોઈ અમૂર્ત ખ્યાલ ન જ હોય. તો પછી, અસ્તિત્વની ધોરી નસ પ્રાપ્ત કરનાર એ કોઈક અનંત સત્ત્વ છે, જેમાંથી ‘ધખધખ કરતાં જીવડાં’ બહાર આવે છે. પણ એને વળી રંગ અને સ્વાદ પણ છે. નિરંતર ઘટતી ઘટનાઓમાં સર્વકાલીન તંતુરૂપ ‘મૃત્યુ’ કેવાં કેવાં છદ્મવેશી રૂપો ધરીને પ્રગટ થાય છે! અને, અંતે એનું કેવું દર્શન થાય છે? –
“મને મૃત્યુ સામે જ ઊભેલું જણાય છે,
આછરેલા પાણીના અરીસામાં
સાવ સામે ઊભું
ટગર ટગર તાકતું.”
મૃત્યુનો આ રીતે સાક્ષાત્કાર કરવામાં કવિ શ્રી શેખને તેમનામાં રહેલા ચિત્રસર્જકની વિશિષ્ટ દૃષ્ટિ મળી છે એમ ચોક્કસપણે જોઈ શકાય. અહીં દરેક સંદર્ભમાં જે વિલક્ષણ દૃશ્યબિંબોની યોજના થઈ છે તે સર્વસમગ્ર કૃતિને અનોખું રૂપ અર્પે છે. એમાં દરેક સંદર્ભનો આગવો પરિવેશ છે. મૃત્યુને ‘મોઝેઇક’ કહ્યા પછી કવિ એનું વર્ણન કરતાં કહે છે : ‘એના છીંડેછીંડામાં હજારહજાર-માણસો જડેલા છે./પરંતુ દૂરથી એ આખા માણસ જેવું લાગે છે.” પ્રસ્તુત સંદર્ભમાં ઊંડો ધ્વનિ રહેલો છે. નાનકડા છિદ્રમાં ‘જડાયેલા હજારહજાર માણસો’માં માનવવ્યક્તિઓની જડ સ્થિતિનું સૂચન છે. વિરાટ માનવજાતિની નિર્ગતિકતાનો ખ્યાલ એમાંથી ધ્વનિત થાય છે. તે સાથે જ સમગ્ર મોઝેઇકની મુદ્રા ‘આખા માણસ’ જેવી બતાવવામાં મૃત્યુની સાર્વત્રિકતાનો ખ્યાલ કદાચ સૂચવાઈ જાય છે. એ જ રીતે, ‘એની આંખોમાં બે-ચાર કવિઓની છાતીના ભૂરા સૂરજ’ – એ વિલક્ષણ સંદર્ભમાં એવી જ કશીક સમૃદ્ધ વ્યંજકતાનો પરિચય થાય છે ‘ભૂરા સૂરજ’ને મૃત્યુની આંખોમાં આરોપતાં અહીં કશીક રહસ્યમય આકૃતિ રચાવા પામે છે. ‘ધોરી નસ’માંથી ‘ધખધખ કરતાં’ ‘જીવડા નીકળે’, એ વર્ણનમાં સૃષ્ટિના વિરાટ અને કરાલ દૃશ્યરૂપ જંતુલોકનો નિર્દેશ સૂચક છે. મૃત્યુની ધોરી નસ વિશ્વમાં કેટલી વ્યાપક રીતે પ્રસરેલી છે તેનું અહીં સૂચન મળે છે. આ રીતે ‘મૃત્યુ’ વિશે કંડારાયેલી આકૃતિ એનો આગવો જ અનુભવ કરાવે છે. અંતની ત્રણ પંક્તિઓમાં ટગરટગર તાકી રહેલા મૃત્યુનું રૂપ ખરેખર ભયાવહ લાગે છે... અરૂપને રૂપ આપવાનો, અને અમૂર્તને મૂર્તતા આપવાનો લાક્ષણિક અભિગમ તેમની ‘ભીની વનસ્પતિના...’ (પૃ. ૩) રચનામાં પણ એટલો જ ધ્યાન ખેંચે છે. આરંભનો સંદર્ભ એવો છે : ‘ભીની વનસ્પતિના પેટમાં પોઢેલા વાસી પવન પર કાલે જે ઘુવડે વાસો કર્યો હતો/તેની પાંખનો ભૂરો પડછાયો હજી ત્યાં પડ્યો છે...’ અહીં આ ‘ભૂરો પડછાયો’ કોઈ નિર્જીવ છાયારૂપ નહિ, પણ સદેહી પ્રાણી રૂપે વર્ણવાયો છે : એનું એક ઇંદ્રિયગ્રાહ્ય રૂપ શ્રી શેખે કલ્પી કાઢ્યું છે. એ ‘પડછાયા’નો માર્મિક સંદર્ભ આ પ્રમાણે છે :
“પડછાયાનાં છિદ્રોમાં હું ઘુવડનાં પીંછાનાં મૂળ શોધવા
આંગળી ફેરવું છું.
ત્યાં તો એ હાલી ઊઠે છે
અને મારી આંગળીને ડંખ મારી સાપણની
જેમ ચત્તો થઈ જાય છે.
મારી આંખે અંધારાં,
એની પીઠનો રંગ મારા પોપચે અથડાઈ
વનસ્પતિના પેટમાં ઢોળાઈ જાય છે.”
અહીં ‘ભૂરા પડછાયા’ના રૂપાન્તરની ઘટનામાં જ કૃતિનું રહસ્ય પ્રગટ થઈ જાય છે. ‘ઘુવડ’ તો આજે અનુપસ્થિત છે. પણ એની ‘પાંખ’ના ‘પડછાયા’નાં છિદ્રોમાં ઘુવડનાં પીંછાંનાં મૂળ શોધવા જતાં અહીં ‘પડછાયા’નો ડંખ લાગે છે! આ જ ટેક્નિકથી શ્રી શેખે ‘દશેદિશ વ્યાપી...’ (પૃ. ૨૭)માં સૂનકારના ભાવને અવનવાં દૃશ્યરૂપોમાં પ્રત્યક્ષ કર્યો છે. ‘બપોરના કાળોતરા...’ (પૃ. ૩૫)માં બપોરી ક્ષણોનાં રુદ્રકઠોર દૃશ્યરૂપો રચ્યાં છે. તો, ‘અંધકાર અને હું’ (પૃ. ૪૦)માં અંધકારનાં રૂપોની વિરલ સૃષ્ટિ તેમણે રચી દીધી છે. આ પ્રકારની સર્જકવૃત્તિ તેમને પ્રકૃતિના પદાર્થોમાં સાવ અપરિચિત અને અનપેક્ષિત ભાવસ્થિતિઓનું આરોપણ કરવા પ્રેરે છે : જેમ કે ‘અદેખા પ્રેમીની જેમ સૂરજ આંધળોભીંત/ટેબલ પરના ગ્લાસ ફોડે છે, પડદા ચીરે છેઃ’ (‘સ્ટીલ લાઈફ’ : પૃ. ૨૭), ‘ગર્ભમાં સળવળતી વેદનાનો મૂંઝારો ઘાસ અનુભવે છે’ (‘આદમનું વેર’, પૃ. ૪૮) વગેરે.
સામે પક્ષે, આપણને પરિચિત માનવીય વાસ્તવિકતાનું અહીં એક વિશેષ પ્રકારે dehumanization થતું રહ્યું છે. આપણા વ્યવહારજગતમાં જે માનવી આપણને સામો મળે છે, તેની સમગ્ર સત્તાનું અહીં દર્શન થતું નથી. શ્રી શેખની કાવ્યસૃષ્ટિને જો મોટી મર્યાદા હોય તો તે કદાચ આ જાતના સીમિત દર્શનમાંથી જન્મે છે. તેમનો પ્રયત્ન વિશેષતઃ માનવીય અસ્તિત્વનાં અમૂર્ત રૂપો રચવામાં સમાઈ જાય છે. જોકે એ રીતે કેટલાંક વ્યંજનાપૂર્ણ ચિત્રો પણ તેઓ રચી શક્યા છે. પણ આ જાતના અભિગમની મૂળભૂત મર્યાદા તો સ્વીકારવી પડે. આ જાતનાં અમૂર્ત રૂપોનાં કેટલાંક લાક્ષણિક દૃષ્ટાંતો અહીં નોંધું છું :
“પણ પીલૂડી નીચે પાકા પીળા રંગના
બે માણસો ઊભા હતા.
(એમના શરીરમાં લીલા રંગનું લોહી વહેતું હતું.)”
(‘ચડતી રાતે...’, પૃ. ૨)
“એમનાં પાઇપ જેવાં શરીરોમાં લોહી બચ્યું હશે
તો એનો રંગ સફેદ હશે.”
(‘માણસો’, પૃ. ૨૩)
“તો ક્યાંક મરેલા આકાશનું ખોળિયું પહેરી
દૂધના ઝાડ જેવા નિશ્ચેષ્ટ ઊભા છે.”
(‘માણસો’, પૃ. ૨૩)
“આ વેરાન ઘાસનાં હળો પર
મારા દેહનાં ખેતર ફેરવું
તો કદાચ ચામડીમાં ચાસ ફૂટે.”
(‘એવું થાય’, પૃ. ૪૭)
અલબત્ત, આ પ્રકારનાં અમૂર્ત રૂપોમાં કેટલીક વાર કશુંક symbolic significance પ્રગટ થઈ જાય છે. પણ શ્રી શેખની સર્જકતામાં આ પ્રકારના અમૂર્તીકરણને લીધે મર્યાદાઓ બંધાવા પામી હોય એમ લાગ્યા કરે છે. શ્રી શેખની કાવ્યસૃષ્ટિમાં કલ્પનો અને પ્રતીકોનું વૈચિત્ર્ય અને પ્રાચુર્ય કંઈક વિસ્મિત કરી દે તેવું છે. સુષુપ્ત ચિત્તમાં આદિમ અંશો વચ્ચે પડેલા અનંત પદાર્થો અહીં અણધારી રીતે સ્થાન લેતા દેખાય છે. સંવેદનની સૂક્ષ્માતિસૂક્ષ્મ છાયાઓ એ રીતે પ્રગટ થાય છે. આવા કેટલાક લાક્ષણિક સંદર્ભો જોઈએ :
“ચાકડે ફરતી માટીના લિસોટા
સ્પષ્ટ ગોળગોળ રેશમી અને તગતગતા
એવું સ્વચ્છ તમારું મોં.” (પૃ. ૬)
“છીપલાંની ઠરેલ સૂકી સુરમ્ય ક્રૂરતા
તમારા મોં પર વિરાજે છે.” (પૃ. ૭)
“લીલ-ભરેલા પાણીના છોડની જાળીમાં
ઝીણા ઝીણા જીવ હવા લેવા ઊંચા થાય તેમ,
તમારી ચામડીમાં મોહક સળવળાટ થાય છે.” (પૃ. ૭)
“જંગલો બાંધી સંતાયેલો
હીરની દોરી જેવો લિસ્સો પાશવી સૂનકાર.” (પૃ. ૨૬)
“ક્યારેક તો મેં એને
કીડીઓના રાજમાર્ગ જેવા સૂકા સડેલા વૃક્ષની આંખોમાં
ગંદાં કપડાંની જેમ ભરાઈ બેઠેલો જોયો છે.” (પૃ. ૪૦)
“ભૂંડણના ઢીલા આંચળમાંથી લથડતો
તેરસો વરસનો ઘરડો પવન પસાર થાય છે.” (પૃ. ૫૦)
“પાઘડાં અસવારોનાં
ચિરાઈ
ઊડ્યાં, ખવાયેલ પક્ષીનાં પીછાં જેવાં.” (પૃ. ૫૬)
“ધોળો ધોળો હોલા જેવો ગભરુ સૂરજ.” (પૃ. ૫૮)
“ભાંગેલા રોટલા જેવા કિલ્લા પર
કાચા મૂળાના સ્વાદ જેવો તડકો.” (પૃ. ૬૦)
શ્રી શેખની રચનાઓમાં આમ એકએકથી વિલક્ષણ બિંબોનાં સંયોજનો થતાં રહે છે. બિલકુલ અતીતના ૫દાર્થો વચ્ચે ઉપમાન-ઉપમેયના સંબંધો રચાતા આવે છે. જોકે અહીં અપ્રસ્તુત કશું નથી : ઉપમાન-ઉપમેય બંનેય એકસરખાં પ્રસ્તુત છે, બંને એક જ aesthetic surface પર પ્રતિષ્ઠિત થાય છે. વિશાળ જગતના ફલકમાંથી અપારવિધ સંસ્કારો તેમની સંવેદનામાં ઘૂંટાઈને એકરસ થયા હશે, તે અહીં સર્વે સહજ જ ઉપલબ્ધ થતા રહ્યા છે. શ્રી શેખની કાવ્યપ્રવૃત્તિનું બારીકાઈથી અવલોકન કરતાં બીજી એક વાત સમજાશે કે સંવેદનોને રૂપ આપવાના પ્રયત્નમાં એક બાજુ તેમણે ઇન્દ્રિયગોચર મૂર્ત બિંબોનો વિનિયોગ કર્યો છે, તો બીજી બાજુ ઇંદ્રિયસંવેદ્ય અને અનુભવગમ્ય વાસ્તવિકતાનું તિરોધાન તેમણે કર્યું છે. કળાનું રૂપ રચવાના પ્રયત્નોમાં તેમણે ઘણીયે વાર ઐન્દ્રિયિક અને લૌકિક જ્ઞાનના સંદર્ભો અવળસવળ કરી દીધા છે. અનુભવનાં પરિમાણો તેમણે એ રીતે બદલ્યાં છે, કેટલીક વાર સાવ ઊલટાસૂલટી કરી નાખ્યાં છે. ‘શું ખરેખર આપણે...’ (પૃ. ૮)માં તેમણે એક સંદર્ભ આ પ્રમાણે રજૂ કર્યો છે :
“યુગોથી આપણે આમ જ સમુદ્રના પવનની જેમ
નોંધારા ભટકતા રહ્યા છીએ,
કોઈક વાર આકાશમાં છીણી મારીને બાકોરાં
પાડી શ્વાસ લેવાનો પ્રયત્ન કર્યો છે.”
અહીં ‘સમુદ્રના પવનની જેમ’ એ વિલક્ષણ ઉપમાન દ્વારા માનવીની નિરાધાર સ્થિતિનું સૂચક વર્ણન કર્યું છે. માથે તોળાઈ રહેલા આકાશમાં ‘છીણી મારીને બાકોરાં પાડવાની’ એવી જ એક સૂચક ઘટના રજૂ કરી છે. એ સાથે આકાશની દુર્ભેદ્ય અને અપારદર્શી ઘનતાનો ખ્યાલ સૂચવાઈ ગયો છે. શ્રી શેખે અહીં અનુભવ-જગતનું આખું પરિમાણ ઊલટસૂલટ કરી દીધું છે. ‘માણસો’ નામની કૃતિમાં પણ આ જ રીતે અનુભવાતીત એવી એક વાસ્તવિકતા ખડી કરવામાં આવી છે. માનવવિશ્વની અનોખી કલ્પના અહીં ધ્યાન ખેંચે છે :
“એમના પાઇપ જેવાં શરીરોમાં લોહી બચ્યું હશે
તો એનો રંગ સફેદ હશે.”
એમાં બીજો સંદર્ભ પણ એટલો જ ધ્યાનપાત્ર છે :
“તો ક્યાંક મરેલા આકાશનું ખોળિયું પહેરી
દૂધના ઝાડ જેવા નિશ્ચેષ્ટ ઊભા છે.”
અહીં બંને સંદર્ભોમાં અનુભવની વાસ્તવિકતાનું કોઈ પરિમાણ બચ્યું નથી. કૃતિના પોતાના ઋતના પ્રકાશમાં જ તેનો અર્થ – ભાવાર્થ – પકડી શકાય. માનવીય પરિસ્થિતિમાં રહેલી વિષમતાનું એમાં સૂચન મળે છે. ‘પિત્તળની ચામડીનો...” (પૃ. ૩૮)માંનો એક સંદર્ભ પણ નોંધપાત્ર છે :
“યક્ષીના શિલ્પનાં ખંડિત સ્તનોને
આગિયાના ધોળા પડછાયા છંછેડે છે.”
અહીં ‘આગિયાના ધોળા પડછાયા’નું બિંબ અત્યંત ધ્વન્યાત્મક છે. અંધારામાં ક્ષણે ક્ષણે શ્વેત પ્રકાશમાં ઝબૂકી જતા આગિયાનું પ્રતિરૂપ અહીં રજૂ થયું છે. તેથી એ રચનાને આગવો રહસ્યપૂર્ણ સંદર્ભ મળ્યો છે. શ્રી શેખની રચનામાં પરિચિત વાસ્તવનું આમ વિવિધ રીતે de-realization થતું રહ્યું છે. આ કવિમાં રહેલો ચિત્રસર્જક પદાર્થ અને પરિસ્થિતિનો પરિવેશ સારી રીતે ઓળખે છે. અપારવિધ પદાર્થોનાં રૂપરંગ અને પોતનો તેમને ખ્યાલ છે. તેમની કેટલીક કૃતિઓ લેન્ડસ્કેપની શૈલીની છે. ‘મહાબલિપુરમ્’ અને ‘જેસલમેર’ (જૂથની છ રચનાઓ) આ પ્રકારની અનુપમ કૃતિઓ છે. પૃ. ૫૬ પરની કૃતિ આખી જ અવતરણ માગે છે :
“તપ્યો તપ્યો સૂરજ બારે મુખે
અને ઢળ્યો તો ઠારી ગયો બારેય લોકને.
રેતી સૂઈ રહી અનાથ,
વાદળાં નાસી ગયાં લાગ જોઈ
નપુંસક તારા હસી રહ્યા
ત્યારે
રણને છેડે બેઠેલાં બધાં ઘર
મરેલાં ઊંટોને કાંધે નાખી ચાલી નીકળ્યાં.
પોઠો પડી વેરાઈ રેતીમાં,
પાઘડાં અસવારોનાં
ચિરાઈ
ઊડ્યાં, ખવાયેલ પક્ષીનાં પીછાં જેવાં.
અને
અધખુલ્લા આદમી
ખુલ્લા મોઢે
ગળચી રહ્યા
રણની કાંટાળી હવાને.”
શ્રી શેખની ચિત્રકળાની શક્તિ શબ્દોનાં રૂપોમાં પણ કેવી અસાધારણ રમણીયતા પ્રગટ કરતી વહેતી થઈ છે! ચિત્રકળામાં રંગોનું મૂલ્ય તેની aesthetic effectની દૃષ્ટિએ ઘણું મહત્ત્વનું બની રહે છે. પણ શબ્દની કલામાંયે રંગોનું સૂચન અસાધારણ સામર્થ્યવાળું સંભવી શકે એ વાત તેમની નીચેની કૃતિમાંથી સમજાશે :
“રાતાં રાતાં
લોહીથી ઘેરાં
રણ.
પીળાં પીળાં
આવળથી પીળાં
ઘર
ધોળો ધોળો હોલા જેવો ગભરુ સૂરજ.
કાળા કાળા
નિસાસાથી ઊંડા બુરજના પથ્થર
ઝાંખી ઝાંખી
પગના તળિયાથી લીસી પગથી
ધીમી ધીમી
આછી આછી
ભૂરી ભૂરી
બધી
ગઈ ગુજરી.”
અહીં દરેક રંગ સૂક્ષ્મતમ સંવેદન જગાડવા સમર્થ બને છે. આગળના રાતા, પીળા, ધોળા અને કાળા રંગના સંદર્ભો પછી ‘ગઈ ગુજરી’ની ‘ભૂરી ભૂરી’ છાયાનું વર્ણન અત્યંત ચિત્તસ્પર્શી છે. શ્રી શેખનાં બીજાં કાવ્યોમાં પણ રંગોનું વિશિષ્ટ નિરૂપણ જોવા મળે છે. સ્ટીલ લાઇફની ચિત્રશૈલીનાં કાવ્યોમાં તેમણે વળી વસ્તુસ્થિતિનું ગત્યાત્મક રૂપ નિર્માણ કરવાના પ્રયત્નો કર્યા છે. બીજા ચિત્રસર્જકોની કૃતિઓની પ્રેરણા લઈને રચેલાં કાવ્યો પણ એટલાં જ આકર્ષક છે. આની સામે ‘સૈનિકનું ગીત’ (પૃ. ૬૫), ‘કોળિયાના દાણેદાણા...’ (પૃ. ૬૭) અને ‘ક્યારેક લકવો...” (પૃ. ૮૩) જેવી રચનાઓમાં શ્રી શેખનો જુદો જ મનોભાવ જોવા મળે છે. કમનસીબે, એમાંના કેટલાક અશ્લીલ અને જુગુપ્સાકારક સંદર્ભો અરુચિકર બન્યા છે. તેમની કાવ્યપ્રવૃત્તિ માટે એમાં ભયસ્થાન છે એમ કહેવું જોઈએ. પણ તેમની કાવ્યપ્રવૃત્તિમાં જે કેટલાક સુભગ મનોહર ઉન્મેષો પ્રગટ થયા છે તેનું જ આપણને મૂલ્ય છે. સર્જનની નવી રીતિ તેમણે બતાવી છે. તેમના કેટલાક સંદર્ભોની અર્થસમૃદ્ધિ આ કારણે ચિત્તમાં હંમેશનું સ્થાન લે એવી છે : દૃષ્ટાંત રૂપે અહીં એક જ સંદર્ભ નોંધું છું :
“સાગરના ધીરા ધીરા ઘુઘવાટની સામે પડેલા
તરાપાની તિરાડોમાં
હું પતંગિયાંની જેમ ફડફડી રહું છું.”
આ નાનકડી કડી જાણે મહાકાવ્યના આકાશને ઓઢી લે છે. આવી સર્જનાત્મક ક્ષણોથી ‘અથવા’ની અનેક કૃતિઓ સમૃદ્ધ બની છે.