શાંત કોલાહલ/આવ્યો પૂનમનો પોરો
Jump to navigation
Jump to search
આવ્યો પૂનમનો પોરો
એઈ વ્હાલીડાએ દૂરથી દીધો સાદ
કે વંનમાં વેળાની વાંસળી વાગી
કે મંનમાં મેળાની મોહિની લાગી
કે તંનમાં હેલાની તરસું જાગી
કે રંગમાં હાલો જી રમીએ ઘેલાં ઘેલાં...
આસોની રાતનો રૂડો અંધાર
ઓલી ચાંદનીએ ચીતર્યો ગોરો;
લાખેણો સોહ્ય એના શીળા ઉજાસમાં
વ્હાલાંના મુખનો મો’રો...કે
વાયરાને વાદ કાંઈ ઊડે ઉપરણો
ને વાતી સુગંધ કાંઈ તાતી !
ઘેન રે ચડંત ઘેરું ઘેરું ને તોય
આંખ જાગરણમાં હરખાતી...કે
આભમાં ન વાદળું એકે, ને અંગ અંગ ભીનાં
ન કંચવો કોરો;
આયખાના મહિનાનો આજ રે અનેરો મારે
આવ્યો પૂનમનો પોરો...કે