શાંત કોલાહલ/૫ આશાવરી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૫ આશાવરી

ગોધુલિવેળ ક્ષિતિ પશ્ચિમની જ્વલંત :
તારે વિલોલ દૃગ ઇપ્સિત કામનાનું
અંજાય સ્વપ્ન રમણીય, રહે ન છાનું
પ્રત્યેક અંગતણી ભંગિથી જે સ્ફુરંત.

વાજે શિવાલયની ઝાલર આ પ્રશાન્ત :
ને પંછિ ખેતરથી નંદિત જાય નીડે.
તું બાજઠે જલભર્યો કરવો મૂકીને
ગૂંથે પ્રસૂન જઈ બેઠી ગવાક્ષપ્રાન્ત.

ઝાંખો ક્ષણેક્ષણ થતો પથ, દીપતેજે
તારો વધુ ઝળહળંત વિલાસખંડ,
જાણે સુણાય પ્રિયની પગલી, - હસંત
લાવણ્ય તારું શગઉજ્જવલ, પૂર્ણ હેતે.

તારી પલેપલ પ્રસન્ન વધે પિયાસા :
હે પ્રેયસી ! રમણની નહિ દૂર આસા !