શાંત કોલાહલ/૬ કોશી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૬ કોશી

અંધાર સૌમ્ય ઉડુતેજ થકી મહીન,
ને મંદ મંદ પવને હળવો વિલોલ;
તું આવતી નિકટ હૈ પ્રિય, પૂર્ણકામ,
ધારે, પ્રસન્નમુખ, શ્વેત ધરી નિચોલ.
 
તારો સુકોમલ મળે કરસ્પર્શ ભાલે,
ર્‌હેતી ન કલાન્તિ કંઈ શીતલ એવું પાન;
ને બનીને સ્વર વિલંબિત ચારુ, તારું
ત્યાં આત્મલીન ઉરનું રણકંત ગાન !

લેલીન સૃષ્ટિ દૃગની મનની ય એમ,
કોઈ વ્યતીત નહિ, કોઈ રહે ન યાદ;
જેને નહીં ઉગમ વા શમવાનું એવો
આનંદનો પરમ કેવલ બિંદુ નાદ !

કલ્યાણિ હે ! તરસ તેં મુજ પૂર્ણ તોષી !
હે શાન્ત, સ્નિગ્ધ, અનુરાગિણી રમ્ય કોશી !