શાહજહાં/બીજો પ્રવેશ3
Jump to navigation
Jump to search
બીજો પ્રવેશ
અંક ચોથો
સ્થળ : જીહનખાંના ઘરમાં દારાનો ઓરડો. સમય : રાત્રિ.
[સિપાર અને જહરત ઊભાં છે.]
જહરત : | સિપાર! |
સિપાર : | કેમ જહર! |
જહરત : | જુએ છે? |
સિપાર : | શું? |
જહરત : | આપણે આ રીતે જંગલી જનાવરોની માફક વગડે વગડે ભાગી રહ્યાં છીએ; ખૂનીઓની માફક એક ગુફામાંથી બીજી ગુફામાં જઈ છુપાઈએ છીએ; રસ્તાના ભિખારીની માફક એક માણસને દરવાજેથી લાત ખાઈને વળી બીજા માણસને દરવાજે મૂઠી મૂઠી ભીખ ઉઘરાવતા ભમીએ છીએ. જુએ છે? |
સિપાર : | જોઉં છું. પણ ઇલાજ શો? |
જહરત : | ઇલાજ શો? તું મરદ થઈને ઠંડે કલેજે બોલે છે કે ‘ઇલાજ શો?’ હું જો મરદ હોત તો આનો ઇલાજ કરત. |
સિપાર : | શો ઇલાજ કરત? |
જહરત : | [ખંજર ખેંચીને] આ ખંજર લઈ જઈને ડાકુ ઔરંગજેબની છાતીમાં હુલાવી દેત. |
સિપાર : | હેં — હત્યા! ખૂન! |
જહરત : | હા, હત્યા; ચમકી કાં ઊઠ્યો? ખૂન. લે આ ખંજર ને જા દિલ્હી. તું બાળક છે એટલે કોઈને તારો શક નહિ આવે. જા! |
સિપાર : | કદી નહિ. હું હત્યા કરું જ નહિ. |
જહરત : | બાયલો! જોતો નથી — અમ્મા મરવા પડી છે! જોતો નથી બાબા પાગલ જેવા બની ગયા છે! બેઠો બેઠો, બસ, આ જોયા જ કરીશ? |
સિપાર : | શું કરું! |
જહરત : | બાયલો! |
સિપાર : | હું બાયલો નથી, જહરત! લડાઈના મેદાનમાં હું હાથી ઉપર બાબાની પાસે બેસીને લડેલો છું. મને જાન જવાનો ડર નથી. પણ હત્યા તો હું નહિ કરું. |
જહરત : | બહુ સારું. |
સિપાર : | તું ફોગટ ગુસ્સો કરે છે, બહેન! કાંઈ ઇલાજ નથી. |
[જાય છે.]