શૃણ્વન્તુ/સર્જનની દિશા
સુરેશ જોષી
આવર્તની વચ્ચે સ્થિર કેન્દ્ર હોય છે. એમાંથી જ કેન્દ્રાનુગામી અને કેન્દ્રોત્સારી બળોથી ત્રિજ્યાઓ વિસ્તરતી હોય છે. આ સ્થિર કેન્દ્રની પ્રતીતિ સર્જકને હોવી જોઈએ. આ સ્થિરતા તે ગતિનું જન્મસ્થાન છે. ગતિની પરિણતિ શેમાં થાય છે? એ તો દરેક સર્જકના આગવા સાક્ષાત્કાર પર આધાર રાખે છે. જે સર્જક ગતિના આદિબિન્દુથી પ્રારમ્ભ કરે છે તેનું સન્ધાન મૂળ સાથે છે. સર્જકમૂળ સાથેનું આ સન્ધાન સિદ્ધ કરવાની ઇચ્છામાં અનુસન્ધિત્સા હોવી જોઈએ. વહેતા પ્રવાહ સાથે ભળી જનારમાં આ અનુસન્ધિત્સા હોતી નથી. આથી વંડી પરના ઘાસની જેમ એ તરત કરમાઈ જાય છે. ગતિમાં એકવિધતા ન હોઈ શકે, આથી એનાં વૈચિત્ર્યને જ જે અસહિષ્ણુતાપૂર્વક નકારે; રૂઢને જ ધ્રુવ ગણે, તેઓ પણ મૂળને પામ્યા નથી હોતા. એઓ જાણ્યેઅજાણ્યે જડતાને નોતરી બેસે છે. આ પ્રકારની તત્સમવૃત્તિ (conformism) સાહિત્યને ઉપકારક નહીં નીવડે. એથી ઊફરા ચાલ્યા વિના સર્જકને પોતાની આગવી દિશા નહીં જડે અને સાહિત્યમાં સંઘ કાઢીને ચાલવાનો ઝાઝો મહિમા નથી. આથી સર્જકે પ્રભાવક તત્ત્વોથી સાવધ રહેવું જોઈએ. જેને ચિત્તધાતુમાં આત્મસાત્ કરીને જીરવી શકાય તેને સ્વીકારવું, જેને કારણે સ્વત્વ જ લોપાઈ જાય તેના અનુકરણનો મોહ છોડી દેવો.
એઝરા પાઉંડે આદેશ આપ્યો હતો – ‘Make it new.’ આમ તો એ સાવ સામાન્ય વાત લાગે છે, પણ સાથે સાથે એ ઘણું અઘરું છે એ પણ સ્વીકારવું રહ્યું. આપણા દેશની આબોહવામાં તો નવીનનો મહિમા નથી, સનાતનનો મહિમા છે. અલબત્ત, ઘણી વાર પુરાતન જ સનાતન લાગવા માંડે છે. સાથે સાથે પ્રતિભાના અનિવાર્ય લક્ષણ તરીકે નવનવોન્મેષને ચીંધી બતાવવામાં આવે છે. આપણે કાને ‘પ્રશિષ્ટ’ શબ્દ ઘણો અથડાયા કરે છે. વિદ્યાપીઠોના અભ્યાસક્રમમાં અને પ્રશ્નપત્રોમાં ‘પ્રશિષ્ટ’નો જ મહિમા ભારે છે. પણ એ ‘પ્રશિષ્ટ’નું વ્યાવર્તક લક્ષણ શું? ત્રિકાલાબાધિતતા? એ લક્ષણ આપણે ‘પ્રશિષ્ટ’ ગણેલી બધી કૃતિઓમાં ચીંધી બતાવી શકીશું?
નવીન માટેનો આગ્રહ શા માટે રાખવામાં આવે છે? એક તો એ કે સર્જનમાત્રમાં મૌલિકતાનું જ ગૌરવ થવું જોઈએ. જે મૌલિક હોય તેમાં કશા પૂર્વવર્તીનું પુનરાવર્તન કે અનુકરણ નહીં હોય. બીજું એ કે જીવનસન્દર્ભ બદલાતો રહે છે. કલાપીની ‘ગ્રામ્યમાતા’ને આજે શોધવા જવાનો અર્થ નથી. રમણલાલ દેસાઈની ‘ગ્રામલક્ષ્મી’ના ચહેરા પર પણ હવે રિફાઇનરી અને ફટિર્લાઇઝરના રાસાયણિક વિષના ડાઘા છે. ફૂલોનાં અંગ ધુમાડાથી ખરડાયેલાં છે. ઉમાશંકર સુન્દરમે કલ્પેલી સખીઓ અને પ્રેયસીઓને આજે શોધવાનો અર્થ નથી. વિશ્વયુદ્ધની જામગરી હોલવાઈ નથી ત્યારે શાન્તિનાં કબૂતરોને ઉડાવવાથી કશું સરવાનું નથી. વાતાવરણમાં જે હિંસકતા છે, અમાનુષી બર્બરતા છે તેના પ્રત્યે આંખ આડા કાન કરવાથી તો યુગદ્રોહનું પાતક વહોરી લેવા જેવું થશે. કમલવનમાંથી બહાર નીકળવું પડશે. અણીશુદ્ધ નિર્દોષતા કામ્ય છે ખરી, પણ એ આપણી પાસે બચી છે ખરી?
સર્જક તો દિલચોરી કરીને જીવી શકે નહીં. એ કશાથી બચીને ચાલે નહીં, આથી યુગની સંવેદનાને અનુભવવા જેટલો એ પોતાનો વિસ્તાર કરે અને એને ઘાટ આપે, એની દ્વારા પછીની પેઢી એ યુગને ઓળખે. પણ કોઈ કહેશે: ‘એવા સર્જકો તો વિરલ.’ એ વાત સાચી છે, એમને મહત્તાનો કે સ્વીકૃતિનો દાવો કરવો પડતો નથી. જમાને જમાને સહૃદયો એમની કૃતિ તરફ વળે છે ને પોષણ પામે છે. આ છે એમની કૃતિમાં રહેલું સનાતન તત્ત્વ.
આ સિવાયનું ઘણું સરજાતું રહે છે, કોઈક વાર એનો જ ઘોંઘાટ વિશેષ હોય છે. એના સૂરમાં સૂર પુરાવીને ચાલુ સરઘસે સામેલ થઈ જનારા ઘણા હોય છે. એમને માટે આત્મહત્યા સહેલી થઈ પડે છે. પોતાનો સૂર કેળવ્યા વિના પોતાની ઓળખાણ શી રીતે આપી શકાય? પણ પોતાનો સૂર શોધ્યા વિના કીતિર્ને શોધવી એ નરી બાલિશતા છે.
એક બાજુ આ સરઘસવાળાઓનો ઘોંઘાટ છે તો બીજી બાજુ સ્વીકૃતિના સિક્કા પાડનારાઓની ટંકશાળનો ઘોંઘાટ પણ ચાલુ જ હોય છે. એ બધાં વચ્ચે પોતાનું એકાન્ત શોધી લેનારો જ બે શબ્દને જોડી શકે. એ ત્યારે કશાની શેહમાં દબાય નહીં. આ બધું આપણે જાણીએ છીએ, સ્વીકારીએ છીએ, ને છતાં…
– માફ કરજો રિલ્કેને ટાંકું તો –
‘I always say, my motto is ‘Art for my sake.’ If I don’t want to I won’t. The difficulty is to find exactly the form for one’s passion – work is produced by passion with me, like kisses – is it with you? – …. These damned old stagers want to train up a child in the way it should grow… they want me to have form: that means, they want me to have their pernicious ossiferous skin and grief form and I won…’
‘I won’t’ની આ બુલંદ ખુમારી આપણામાં છે ખરી? આ મુદ્દો જે લોકો સાચી ભાવનાથી સમજતા નથી તેઓ તો એમ જ કહેવાના: ‘તમને તો આપણામાં જ કશું સારું લાગતું નથી, જે છે તે બધું પશ્ચિમમાં જ દેખાય છે, અને તે પણ અમુક તમને ગમતા લેખકોમાં’! પશ્ચિમપરસ્તી તો દાસત્વનો પ્રકાર જ થયો, અને જે દાસવૃત્તિ રાખે તેનામાંય આવી બુલંદ ખુમારીની આશા રાખી ન શકાય. મારી સજ્જતા કેળવવા માટે પોષણ રૂપે હું સર્જકોની કૃતિ જોડેનો અપરોક્ષ સમ્પર્ક કેળવું એ તો મારો અબાધિત અધિકાર છે. પણ કોઈ કાફકા વાંચે તો કાફકાની જેમ લખવા માટે નહીં. કાફકા વાંચ્યાથી – સાચી રીતે વાંચ્યાથી જ એવી મનોવૃત્તિ નષ્ટ થઈ જાય. જેઓ સાહિત્યનો સાચો સમ્પર્ક સાધતા નથી તેઓ જ આવી વૃત્તિનો ભોગ બનતા હોય છે. આથી જ તો આપણા સાહિત્યમાં અને વિવેચનમાં આજકાલ છાશવારે સર્રિયાલઝમ, અસ્તિત્વવાદ વગેરે સંજ્ઞાઓનાં નામ લેવાતાં હોય છે. અણસમજુ વિવેચકો આવી કેટલીક સંજ્ઞાઓને જ નવીનતાના પર્યાયરૂપ ગણી લેતા હોય છે. ભૂતકાળ, પરમ્પરા સાથે વિચ્છેદ સાધવો, કારણ કે એ ભૂતકાળ છે અને ભવિષ્ય તરફ ધસી જવું પછી ભલે ભવિષ્ય ધૂંધળું કે એને કશો આકાર પણ નહીં હોય. ડી. એચ. લોરેન્સે ક્યાં નહોતું કહ્યું: ‘…he must react strongly against his immediate predecessors, in order to free himself from them..’ તો પછી એને માટે રહ્યું શું? ભૂતકાળને નકારવો છે, ભવિષ્યને તો હજી આકાર પ્રાપ્ત થયો નથી. જે રહ્યું તે આ ‘flash-point awareness of real in its sunlit immediacy’ આને સ્વીકારવાનું ખમીર હોવું જોઈએ. પણ આપણે ત્યાં તો ઘણા સૂર્યની પ્રત્યક્ષતાથી બચવા ગમે તેના પડછાયાનો આશ્રય લઈ લે છે.
આ સાથે ‘સંઘર્ષ’, ‘કટોકટીનો તબક્કો’, ‘સંક્રાન્તિકાળ’ એવી સંજ્ઞાઓ પણ અહીંતહીં વપરાતી જોઈએ છીએ. આ ‘intellectual catastrophism’ પણ આખરે તો આગ્રહપૂર્વક કેળવેલો વાદ છે અને કવિતાને વાદથી ઝાઝો લાભ થયો નથી, ભલે કવિને થયો હોય. આ સંઘર્ષો વચ્ચે જે વિશદ નિર્ભ્રાન્ત મુક્તિની ક્ષણ છે તે કવિતાની ભોંય છે. સંઘર્ષનો ઝપાટો તે કવિતાનું બળ નથી. એ બધું ડહોળી નાખે, પણ કવિતાનું મુખ તો સ્વચ્છ હોય.
આની વિરુદ્ધમાં કેટલીક વાર જાણી કરીને અંતિમે જવાનું વલણ જોવામાં આવે છે. એક અન્તિમથી બીજા અન્તિમે ધસી જવાનો મોટો ઝોલો જ કેટલાંકને આનન્દ આપે છે. બૌદ્ધિક પકડમાંથી છૂટવા માટે અ-બૌદ્ધિકનો આશ્રય લેવામાં આવે છે, તો રખેને પરિવર્તન કરવાનું રહી જાય એવી ભયપૂર્વકની સભાનતા જ ઘણી વાર વળગણરૂપ બની રહે છે. અહંતાપૂર્વકની આત્મસ્થાપના જ જાણે પ્રમાણભૂતતા આપી દે છે એવી ભોળી માન્યતા ધરાવીને ઘણા કવિતામાં પણ આ ‘હું’ને ફરી ફરી જાડો ઘૂંટ્યા કરે છે. આ બધા સંક્ષોભો અને આવેગો સાર્થક કરે એવું જો સર્જકને લાધ્યું નહીં હોય તો આ ફીણ તો હવામાં ઊડી જશે, પછી તો અવશેષમાં જેટલી કવિતા બચી હશે તેટલી જ સાર્થકતા.
એપ્રિલ, 1970