શૃણ્વન્તુ/અપરિપક્વ વિવેચના
સુરેશ જોષી
ઇંગ્લેંડમાં બેએક વરસ ગાળીને આવેલા એક મિત્રે જરા ટોળમાં કહ્યું: ‘કેમ, આજકાલ આપણા યુવાન વિદ્વાનો કઈ ચોપડી બગલમાં રાખીને ફરે છે?’ ફ્રાન્સના વિદ્યાર્થીઓનાં મગજ ફેરવી નાખનાર માર્ક્યુસની વાત નીકળી, ક્લોદ લેવી સ્ટ્રોસની વાત નીકળી ‘(The
Savage Mind’ તો તમે વાંચ્યું હશે, નહીં? એનો Bricolageનો ખ્યાલ તમને કેવો લાગ્યો?’) મારી પાસે સુઝાન સોન્ટેગની ‘Against Interpretations’ પડી હતી તે જોઈને એમણે કહ્યું: આ બાઈ નરી ફલીપન્ટ છે, ને ત્યાં તો કોઈ એને ‘ગમ્ભીરતાથી લેતા’ નથી. પણ અહીં તો આજકાલ એનું નામ બહુ લેવાતું સાંભળું છું. ટૂંકમાં એમના કહેવાનો સાર એટલો કે ત્યાંનું વાસી થયેલું અહીં નવી ફેશનમાં ખપે છે.
એમની ટકોરમાં તથ્ય તો હતું જ. ચોપડી ‘બગલમાં રાખીને’ ફરનાર જ ઘણા છે. એના ફલેપ પરના બ્લર્બ રાઇટિંગને આધારે એકાદ પરિચયાત્મક લેખ છાપામાં ચીતરી નાંખનારા આપણા મિત્રો ક્યાં અજાણ્યા છે? પણ મને આમાં રહેલો બીજો મુદ્દો જરા ગમ્ભીરપણે ચર્ચવા જેવો લાગે છે. ત્યાં જે ચર્ચાઓ ચાલે છે તેમાં સમસામયિક સર્જનાત્મક પરિસ્થિતિ સાથેના અપરોક્ષ સમ્પર્કનાં સૂચનો વરતાઈ આવે છે. આ ઉપરાંત કળાની ચર્ચા ચાલતી હોય તો એની સાથે સમ્બન્ધ ધરાવનારી અને ઉપકારક એવી જ્ઞાનની અન્ય શાખાઓનું પણ તલાવગાહી જ્ઞાન વિવેચકોને હોય છે. કવિતાની ચર્ચા હોય તો ચિત્રકળામાં પ્રવર્તતા સમાન્તર પ્રવાહોનાં નિદર્શનો પણ બતાવવામાં આવ્યાં હોય. આથી ચર્ચાને એનું યથાયોગ્ય પરિપ્રેક્ષ્ય મળી રહે છે, ચર્ચા વ્યાપક સ્વરૂપની બનવા સાથે પ્રશ્નોને એમાં ઊંડે ઊતરીને પૂરતી કુશાગ્રતા અને સૂક્ષ્મતાથી તપાસવામાં આવે છે. આ સિવાય પરમ્પરા સાથેનું સજીવ સાતત્ય આ બધી ચર્ચાઓમાં અનુભવાય છે. આપણે ત્યાં તો પણ્ડિતયુગની પેઢીના જે વારસદારો રહ્યા છે તે સિવાયના બહુ થોડા નવીનોને આપણા આલંકારિકોની વિચારણાનો પ્રત્યક્ષ પરિચય છે. વળી જેમને પરિચય છે તેમને પણ વર્તમાન સન્દર્ભમાં એમાંની કેટલીક પાયાની વિભાવનાઓનું કેવી રીતે પુન:સંસ્કરણ કરી લેવું અને સાર્થક અને સમર્પક રીતે એ સંજ્ઞાઓને કેવી રીતે પ્રયોજવી તેનો ખ્યાલ ખાસ હોતો નથી.
આ કારણે પશ્ચિમમાં પ્રવર્તતા કેટલાક આધુનિક ખ્યાલોની વાત કોઈ કરે ત્યારે એ સર્વથા અપ્રસ્તુત જ છે એમ તો નહીં કહીએ, તોય આપણા સન્દર્ભમાં એનો વિનિયોગ કરવા માટેની જે વૈચારિક ભૂમિકા હોવી જોઈએ તે ઘડાતી નથી. એ વિના અહીં તહીં છૂટક અનુવાદ રૂપે, સંક્ષેપ કે તારણ રૂપે, જે જે રજૂ થાય તેનો કશો ઉપકારક પ્રભાવ આપણા વિવેચકો પર પડતો લાગતો નથી. સાચી જિજ્ઞાસા જાગૃત હોય તો તો આવા પાયાના ખ્યાલોની ચર્ચા તરત જ ઉપાડી લેવામાં આવે. પણ એવો ઉદ્યમ ખેડવાની તો નવીનોની તત્પરતા કે સજ્જતા દેખાતી નથી. આગલી પેઢીના મુરબ્બીઓ તો એક દાયકા પહેલાંથી જ કૃતકૃત્યતા અનુભવવા લાગ્યા છે. ઠીક છે, એકાદ શતાબ્દી પ્રસંગ ઊભો થયો તો તે નિમિત્તે થોડુંક કહેવું, પણ એથી વિશેષ તો કશું થતું નથી. વળી પોતાની પેઢીના જ વાતાવરણમાં શ્વાસ લેવાની ટેવ હોવાને કારણે નવા અભિગમો કે અભ્યાસના પ્રયત્નો ઉત્સુકતાથી કે સમભાવપૂર્વક જોવાનું એમનું વલણ હોતું નથી. કાવ્યાસ્વાદ એક વિશિષ્ટ કૃતિને ધ્યાનમાં રાખીને કરવાની ઇષ્ટ પ્રવૃત્તિ શરૂ થઈ, પણ આજે એનાં પરિણામો તપાસવાં જોઈએ. હમણાં જ ‘મુંબઈ સમાચાર’માં પ્રો. મનસુખલાલ ઝવેરીએ કાવ્યનો આસ્વાદ કરાવવાનું શરૂ કર્યું છે. સાહિત્યના જ એક વિદ્યાર્થીએ એ તરફ મારું ધ્યાન ખેંચતા લખ્યું: ‘આ છાપાંઓમાં વાર તહેવારે આવતા કાવ્યાસ્વાદો ચિંતા ઉપજાવનારા છે. રસાસ્વાદનો છેદ ઊડી જાય છે અને આપણી (કહેવાતી) વિદ્વાનમતિઓ કાવ્યના મધ્યવર્તી વિચાર, કવિનું જીવનદર્શન – તેની આજુબાજુ પ્રદક્ષિણા ફર્યા કરે છે.’
આમ છતાં કેટલાકને એવી ચિન્તા થાય છે કે વિવેચનનું વર્ચસ્ વધતું જાય છે. કોઈને માન્યતા આપવી કે બિરદાવવો એને વિવેચનનું વર્ચસ્ ન ગણાય, સર્જક તો એવું ન જ લેખે. વિવેચનનો પ્રભાવ તો વધુ સૂક્ષ્મ સ્વરૂપે ક્રિયાશીલ બને. જે ગૂઢ વ્યાપારો સામાન્ય રીતે કોઈ અલૌકિક તત્ત્વને આભારી છે એમ ગણીને ચાલીએ છીએ તેની રસનિષ્ઠ બનીને કરેલી તપાસ ઉપકારક નીવડે. હમણાં જ એક નવી પેઢીના સર્જકે વિવેચન સામે ફરિયાદ કરીને નારો લગાવ્યો કે હવે વિવેચનનું વિવેચન થવું જોઈએ. સદોદ્યતતા હોય તો એ પ્રવૃત્તિ તો ચાલ્યા જ કરતી હોય છે. પણ મૂળ વિવેચ્ય કૃતિ જોડેનો સમ્પર્ક પણ મોટે ભાગે પરોક્ષ હોય ત્યાં વિવેચનનું વિવેચન થવાની આશા રાખી શકાય નહીં. આથી વિવેચનનું વિવેચન થવું જોઈએ એમ કહેનારો મોટે ભાગે તો કોઈ પ્રતિકૂળ વિવેચનથી કે વિવેચને કરેલી અવજ્ઞાથી દુભાયેલો સર્જક હોય છે. એ પોતે જ વિવેચનની નહીં પણ વિવેચકની પ્રતિષ્ઠા કરતો હોય છે અને માન્યતાની ભીખ માગીને સર્જકના ગૌરવને હીણું કરતો હોય છે. આપણે હજી આવી બાબતોમાં ગૂંચવાયેલા રહીએ છીએ તે આપણી બૌદ્ધિક અપરિપક્વતા અને લાગણીવેડાનું જ દ્યોતક બની રહે છે.
જોસેફ ફ્રેન્કે ઘણાં વર્ષો પહેલાં કહ્યું હતું કે આપણા જમાનામાં સર્જનાત્મક કળાઓએ એક મહત્ત્વનું કામ માથે લેવાનું છે જે આગલા જમાનામાં કરવાનું નહોતું. કળાએ પોતે પોતાનો સાંસ્કૃતિક, ધામિર્ક અને આધ્યાત્મિક સન્દર્ભ ઉપજાવી લેવાનો છે. જે સન્દર્ભ છે તેમાં તો માનવીય પ્રવૃત્તિના ઘણા મહત્ત્વના અંશોની ઉપેક્ષા કરવામાં આવી છે. આવા ખણ્ડિત માનવ્યને કળા ચલાવી લઈ શકે નહીં.
આ વાત સાચી લાગે છે અને એનો ગમ્ભીરતાથી વિચાર થવો ઘટે, ધીમે ધીમે સંવેદનાનું ક્ષેત્ર બાદ થતું જાય છે. જીવનના અમુક જ અંશો આપણી નજર સામે ફરી ફરી લાવવામાં આવે છે. આપણું એકાન્ત પણ એનાથી ખડકાઈ જાય છે. આથી સાચા અર્થમાં કશું અંગત કે વ્યક્તિગત કહેવાય એવું ઝાઝું આપણી પાસે બચ્યું નથી. લોકશાહીમાં લોક રહ્યા અને વ્યક્તિ ભુંસાઈ ગઈ. સર્જક લોકપ્રિય થવા ગયો કે તરત જ લોકોએ એની આગવી મુદ્રા ભૂંસી નાંખી, એ લોકોથી જ છવાઈ ગયો.
પ્રવર્તમાન સન્દર્ભને સ્થાને પ્રગલ્ભતાથી પોતે જ આગવો સન્દર્ભ રચવો, સ્વાયત્ત વિશ્વ ઊભું કરવું એ એક મહાન કાર્ય છે. એનો કરનાર દીન નહીં હોય, એની સંપ્રાપ્તિ તે લોકો તરફથી મળતી ખેરાત નહીં હોય. આ સન્દર્ભ કપોલકલ્પિત નહીં હોય. એને એની આગવી વાસ્તવિકતા કે સચ્ચાઈ હોય અને તે એનામાં રહેલા ઋતને કારણે જ પ્રમાણભૂત લાગે. સમ્ભવ છે કે સમકાલીનોની નજરે એ ન ચઢે, પણ આપણી પછીની પેઢી આપણા યુગનું હાર્દ એમાંથી પામશે.
આ જવાબદારી આપણો સર્જક સમજે છે ખરો? નવલકથાની નવી ધારા વિશે ચર્ચા કરવાનો પ્રસંગ આવ્યો ત્યારે એ ધારાનાં મુખ્ય લક્ષણોની મેં ચર્ચા કરી તેથી કેટલાક મિત્રોને સન્તોષ ન થયો, કારણ કે એમની વિશિષ્ટ કૃતિઓનો ઉલ્લેખ કર્યો નહોતો. આનું કારણ શું એ વિશે કેટલાંક અનુદાર અનુમાનો પણ કરવામાં આવ્યાં. એક સજ્જને તો સર્જક પ્રયોગશીલ રહેવો જોઈએ એવા મારા રેઢિયાળ કહી શકાય એવા વિધાનને મારા આત્મલક્ષી દૃષ્ટિબિન્દુ તરીકે ઓળખાવ્યું. આવી બિનજવાબદાર વર્તણૂંક શું સૂચવે છે? સર્જક અમુક પ્રવાહમાં રહીને પ્રવૃત્તિનો આરમ્ભ કરે છે ત્યારે એ પ્રારમ્ભિક દશામાં એ એકાએક પોતાનાં આગવાં લક્ષણો ઉપસાવી શકતો નથી. ધીમે ધીમે એ પ્રક્રિયા ચાલતી રહે છે અને પછી આ બધાંના સંચિત ફલ રૂપે એક કૃતિ એવી નીપજી આવે જેને ધારાના એક બિન્દુ તરીકે નહીં પણ વિશિષ્ટ કૃતિ તરીકે જોઈ શકીએ, આટલો વિવેક તો વિવેચક પાસે અપેક્ષિત નથી?
આપણી આ મર્યાદા સંવિવાદોમાં ઘણી વાર છતી થાય છે. વિચારોની અથડામણ થવાને બદલે વ્યક્તિની અથડામણ થાય છે. શ્રોતાઓની દાદ મેળવવા અને ‘સારો ખેલ’ કરી જવા માટે વક્તાઓને મથતા જોઈએ ત્યારે પરિસ્થિતિ દયનીય લાગે છે.
માર્ચ, 1970