શૃણ્વન્તુ/સામ્પ્રત નવલકથા
સુરેશ જોષી
આપણી નવલકથા મરવા પડી છે એમ જ્યારે જ્યારે કહેવાય છે ત્યારે એનો વિરોધ થાય છે. કેટલાક હજી પણ લખાતી ને પ્રગટ થતી નવલકથાની સંખ્યા ગણાવે છે, કેટલાક નવા થયેલા પ્રયોગોની વાત ઉત્સાહપૂર્વક કરે છે. એમ છતાં નવલકથા મરી નથી ગઈ એમ કહેનારાઓનો અવાજ કાંઈક બોદો લાગે છે. નવલકથાનો બચાવ કરવાનું આ વલણ શાને આભારી છે? કદાચ સૌથી પહેલું કારણ એ છે કે સમાજના મોટા ભાગના વર્ગને સાહિત્યનું આ જ એક સ્વરૂપ વધુ પરિચિત છે. કવિતા તો વિદગ્ધો માટે છે એવી છાપ વધુ દૃઢ થતી જાય છે. વિદગ્ધોમાંના પણ એક પેઢીના લોકો બીજી પેઢીની કવિતા સુધી પહોંચી શકતા નથી. હવે તો કદાચ કવિતા આ યુગની કે તે યુગની કહેવાવાને બદલે આ જૂથની કે તે જૂથની કહેવાશે. લોકોમાં પ્રચલિત ગેય ઢાળો કે લોકબોલીનો ઉપયોગ કેટલાંક નવીનો કરે છે છતાં એ દ્વારા રચાતાં કલ્પનો અને એમાં આકાર પામતી સંવેદનાના રસાસ્વાદ માટે અમુક પ્રકારની સજ્જતા અને વિદગ્ધતાની અપેક્ષા રહે જ છે. જે વર્ગ સાહિત્યમાં આ કે તે પ્રશ્નની ચર્ચામીમાંસા કર્યા કરે છે તે મોટે ભાગે કાવ્યને જ નજર સામે રાખે છે. હવે આવી ચર્ચાઓ પણ મોટે ભાગે આજની કવિતાને લક્ષમાં રાખતી નથી. કહેવાતી સિદ્ધાન્તચર્ચાઓમાં પુનર્કથન, ભાષાન્તર કે પિષ્ટપેષણ જ જોવામાં આવે છે. સમકાલીન સર્જનાત્મક પરિસ્થિતિ જોડે એનો ઝાઝો સમ્બન્ધ રહ્યો ન હોવાને કારણે એ કવિતાના ભાવકો માટે આવી પ્રવૃત્તિ ઝાઝી ઉપકારક નીવડતી નથી.
નાટકને શુદ્ધ સાહિત્યસ્વરૂપ લેખે કે આપણી રંગભૂમિની શક્યતાઓને તાગી જોવાના હેતુથી ખીલવે એવી પ્રતિભા આપણને સાંપડી નથી. નાટક જોનારો વર્ગ પણ હજી તો પ્રમાણમાં ઘણો નાનો છે. વળી ભજવાતાં નાટકોમાંનાં મોટા ભાગનાં તો રૂપાન્તરો હોય છે. એમાંય જાસૂસી, ખૂન – આવા વિષયોનું આકર્ષણ વધતું જાય છે. ત્રીજો વિષય તે સનાતન વિષય – યૌન આકર્ષણ. ખાસ નાટક અંગેની જ પરદેશમાં થતા પ્રયોગો વિશેની પ્રત્યક્ષ જાણકારી મેળવીને આવનારા પણ હવે તો આપણી વચ્ચે ઘણા છે. દુર્ભાગ્યે આપણા નાટક કે રંગભૂમિમાં એઓ નવા પ્રાણનો સંચાર કરી શક્યા નથી. પહેલાં નાટ્યશાળા નથી એવી ફરિયાદ કરવામાં આવતી હતી. હવે તો એ પણ છે. સરકાર તરફથી પણ કાંઈક ને કાંઈક મદદ મળી રહે છે. અભિનયની શક્તિવાળા કળાકારોને ત્રીજી કક્ષાની નાટ્યરચનાઓ રજૂ કરવામાં વેડફી મારવામાં આવે છે. નાટકનો બચાવ કરનારા પ્રમાણમાં ઓછા છે.
નવલકથાની વાત જુદી છે. જેઓ થોડું ઘણું વાંચી જાણે છે એમને માટે તો નવલકથા જ એક માત્ર સુલભ અને સુગમ સાહિત્ય સ્વરૂપ છે. આવા વર્ગની બૌદ્ધિક કક્ષાએ રહીને લખનારો નવલકથાકારોનો મોટો વર્ગ આપણે ત્યાં છે. નવલકથા દ્વારા લોકશિક્ષણ હજી ચાલુ જ છે. ઘણી વાર આથી જ નવલકથા moral journalism જેવી બની રહે છે. નવલકથાને શુદ્ધ સાહિત્યસ્વરૂપ લેખે સ્વીકારવાનું વલણ દેખાતું નથી. એક બાજુથી એમ કહેવાય છે કે આપણા જમાનામાં મહાકાવ્યનું સ્થાન નવલકથા જ લઈ શકે, તો બીજી બાજુથી શુદ્ધ રસાનુભવથી જો વધુ ને વધુ વેગળે સરી જતું કોઈ સ્વરૂપ હોય તો તે નવલકથા છે એવું પણ ઘણાને લાગે છે. નવલકથાનું ઝાઝું વિવેચન થતું નથી. એનું કારણ એ પણ છે કે સાહિત્ય પાસેથી, કળાકૃતિ પાસેથી, જે અપેક્ષા રાખવામાં આવે છે તે એમાં ઝાઝી હોતી નથી. સાહિત્યેતર તત્ત્વો જ એમાં ઘણાં હોય છે. આથી ધીમે ધીમે એ સાહિત્યના ક્ષેત્રથી બહાર જતી દેખાય છે. પ્રતિષ્ઠિત પ્રકાશકો હવે નવલકથાની શ્રેણી પ્રગટ કરવાને નવી નવી યોજનાઓ ઘડી રહ્યા છે. હમણાં જ સાહિત્યેતરનવલકથાઓ ડઝનબંધી લખનારા એક મિત્ર મળ્યા. સાહિત્યિક વિવેચન એમની નોંધ નથી લેતું એવી ફરિયાદ એઓ હંમેશાં કરે છે. પણ હવે એમનો ભાવ વધ્યો હોય એવું એમને લાગ્યું. એક જાણીતા પ્રકાશક સાથે એમણે ત્રણ વરસ સુધી નવલકથાઓ પૂરી પાડવાનો કરાર કર્યો હતો. હવે પ્રકાશકો આ હેતુ માટે કામમાં આવે એવા નવલકથાકારોને બોટી લેવા તત્પર છે. એક વર્ષ દરમિયાન આથી નવલકથાનો ગંજ ખડકાઈ જશે. હમણાં જ આ વર્ગના એક નવલકથાકારનું ગુજરાતના એક નાના શહેરમાં સન્માન પણ થયું, થોડી અશ્લીલતા, થોડાં ખૂન કે કાવતરાં, કહેવાતી વાસ્તવિકતાની કેટલીક ગંદી વીગતોનો ખંતપૂર્વક કરેલો સંગ્રહ, અનીતિનું પેટભરીને આલેખન કર્યા પછી અન્તે નીતિનો વિજય બતાવીને વાર્તા સંકેલી લઈને સુરુચિ જોડે સમાધાન કરી લેવાનો સન્તોષ – આ એમના વેપલાનાં મુખ્ય સાધનો છે. એમાં માફકસરનું રાજકારણ, સમકાલીન સામાજિક પ્રશ્નો, ધર્મ પણ સ્થાન પામે. આવા લેખકો પોતાની કૃતિને કોઈ કળાકૃતિ તરીકે ઓળખાવશે કે નહીં તેની ઝાઝી ચિન્તા કરતા નથી.
બીજી બાજુથી પ્રયોગશીલ રહેનારો નવીનોનો એક વર્ગ પણ નવલકથાલેખન તરફ વળ્યો છે. એ કેટલીક વાર કૃતક ફિલસૂફી નવલકથામાં ડોળઘાલુ ગમ્ભીરતાથી ડહોળવા બેસે છે. એમાં હતાશા, એકલતા, નિરીશ્વરતા, યૌનવૃત્તિ પરત્વેના વિધિનિષેધોનો અસ્વીકાર – આ બધું થોડી થોડી માત્રામાં સમાવી લેવામાં આવે છે. એવી કથાનો નાયક આજુબાજુ બનતી ઘટનાઓથી અવિચલિત રહીને, નિલિર્પ્ત હોવાનો સ્વાંગ ધારણ કરે છે. એક બાજુએ વિદગ્ધોના સ્તર પર રહેતો દેખાય છે તો બીજી બાજુ અસંસ્કૃત વાસનાને એ ઝનૂનપૂર્વક સ્વીકારવા મથતો દેખાય છે. એમાંના કેટલાક લેખકો ટેકનિક કે ફોર્મની વાત સાથે એમને કશી નિસ્બત નથી એમ પ્રસ્તાવનામાં જાહેર કરે છે. એમને તો એવા કશા અન્તરાય વિના જીવન સાથે અપરોક્ષ સમ્બન્ધ બાંધવો હોય છે. ચાતુરીપૂર્વક એમાંના કેટલાક પૃથક્જનને ઉત્તેજિત કરે એવી સામગ્રી પૂરી પાડે છે તે છતાં વિદગ્ધ વિવેચકોને ભ્રાન્તિ ઊભી થાય એટલા પ્રમાણમાં પ્રયોગશીલતાનાં કેટલાંક લક્ષણો આમેજ કરતા હોય છે. કહેવાતી શુદ્ધ સાહિત્યની વિભાવના જોડે એમને કશો સમ્બન્ધ નથી એવું ગૌરવપૂર્વક હંમેશાં ઉચ્ચાર્યા કરતા હોય છે. આમાંના કેટલાક કવિ હોવાને કારણે કવિતાની રીતે કૃતિનું વિભાવન કરવા જાય છે. પણ એવી કવિતા એટલે થોડાં વિશૃંખલ ને યદૃચ્છાથી ઢગલો વાળેલાં કલ્પનો, એમાં કશું cohesive centre નહીં, કદિક નરી જલ્પના બની રહે એવાં શબ્દફીણ. જ્યાં કવિની સંવેદના આખી કૃતિનું વિભાવન કરતી હોય છે ત્યાં પણ એની શૈલીની અનિવાર્યતા કૃતિમાં સ્થાપી આપી શકાય એવું બનતું નથી.
પણ રૂપરચનાની પ્રક્રિયા બહુ ગમ્ભીરતાથી લેવાતી જ નથી. એ પ્રકારનું દૃષ્ટિબિન્દુ ધરાવનારા વિવેચનની ઠેકડી ઉડાવવામાં આવે છે. આ એમના આત્મસંરક્ષણની એમની દૃષ્ટિએ સૌથી કામયાબ નીવડે એવી તદબીર છે. છતાં કોઈક વાર એમાંના કોઈક આવું પણ કહેતા સંભળાય છે: ‘How can I be as bad as the critics say I am when I’m not even popular?’
‘તમે પશ્ચિમનું અનુકરણ કરો છો.’ એ આપણા વિવેચકોની સૌથી મોટી ગાળ છે. છતાં જેટલો સમજાયો તેટલો અસ્તિત્વવાદ, વ્હીસ્કી કલ્ચર, ડોપ કલ્ચર, સજાતીય યૌન સમ્બન્ધ – આવું બધું કાંઈ નહીં તો ભદ્ર વર્ગને આઘાત આપવા દાખલ કરેલું જોવામાં આવે છે. હાઇ સોસાયટીમાંના લગ્નબાહ્ય અવૈધ સમ્બન્ધો બતાવવાનું પણ હવે જૂનવાણી ગણાવા લાગ્યું છે. તો વિવિધતા જાળવવા ખાતર ગ્રામપરિવેશ વચ્ચે, સપાટી પર રહીને, ઝાઝી સૂક્ષ્મતા લાવ્યા વિના (એવા ભયથી કે રખેને એ દુર્બોધ બની જાય!) નપુંસક પુરુષ, એની કામવિહ્વળ ભાર્યા, ને એને માટે હાથવગો કોઈ નરપુંગવ આવી કથા પણ યોજી શકાય. સંસ્કૃતિનો વરખ ઉખાડી નાખીને એની પાછળ રહેલા જીવનના પ્રાકૃત અંશને કૌવતપૂર્વક વર્ણવ્યાનો સન્તોષ લઈ શકાય. નવીનતા ખાતર અપંગ, પાગલ, મનોરુગ્ણ વ્યક્તિઓને પણ નવલકથામાં દાખલ કરવામાં આવે છે. આ નવીનતાઓ વિશે અનુકૂળ વિવેચકોને થોડું ‘બ્રિફિંગ’ કરીને તૈયાર રાખવામાં આવે છે. આવી કેટલીક ઉઘાડી તદબીરો વાપરવાનું વલણ દેખાવા લાગ્યું છે.
આ આખી પરિસ્થિતિની ઠેકડી ઉડાવીને નવલકથા દ્વારા નવલકથાનો છેદ ઉરાડનારો લેખક હવે આવી લાગવો જોઈએ. આમ જોકે ચહૌ-ર્હપીનનું નામ લેવાવા તો લાગ્યું છે. હમણાં બેકેટની નવલકથાની ચર્ચા થઈ એવા સારા સમાચાર સાંભળ્યા. મને તો લાગે છે કે થોડા વખત પૂરતી નવલકથાની ચર્ચા કે ચિન્તા બાજુએ મૂકીને થોડી સારી નીવડેલી પ્રયોગશીલ પશ્ચિમની નવલકથાઓ વંચાય ને એની સાધાર ચર્ચા થાય તો સારું. જો આપણામાં દૈવત હશે તો સ્થૂળ અનુકરણ આપણે નહીં જ કરીએ, અને દૈવત નહીં હશે તો અનુકરણ કરતાં પણ આવડશે નહીં. માટે એવી કશી ચિન્તા રાખવાની જરૂર નથી.
ઓક્ટોબર, 1969