શેક્‌સ્પિયર/રાજભૃત્યો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
12. રાજભૃત્યો

૧૬૦૩ના માર્ચની ૨૪મીએ રાણી એલિઝાબેથ અવસાન પામ્યાં. એક રીતે ઇંગ્લૅન્ડના ઇતિહાસમાં એક યુગ આથમ્યો. પોતાના દીર્ઘ જીવનકાળમાં રાણીએ ઇંગ્લૅન્ડને અનેક સ્વપ્નાં અર્પ્યાં હતાં અને કેટલાંક સાચાં પાડ્યાં હતાં. ૧૫૮૫ પછીનાં વર્ષો ઇંગ્લૅન્ડના પ્રજા-જીવનમાં અને સાહિત્યમાં સોનેરી વર્ષો હતાં. તેના જીવનનો સૂર્યાસ્ત ડરામણો હતો. શાંતિનાં ૫૦ વર્ષો પછી રાજકીય અંધાધૂંધીની અમંગળ આશંકાઓ દેશને વ્યાપી વળી હતી. આયુના છેલ્લા શ્વાસ સુધી પ્રાણવાન એવી એલિઝાબેથે વારસનું નામ ઉચ્ચાર્યું ન હતું. એનાં છેલ્લાં વર્ષોમાં ઇસેક્સનાં રક્તછાંટણાં રાજમાતાની પ્રતિમાને અપશુકન જેવા નડ્યાં હતાં. સ્પેન્સરે શોભાદેવી (The gloriana) કહીને મહાકાવ્ય The Faerie Queenમાં જેને બિરદાવી હતી અને શેક્‌સ્પિયરે પશ્ચિમદ્વીપની પુનિત કુમારી (a fair vestal throned by the West) કહીને ‘વાસંતી રાત્રિનું સ્વપ્ન’ નાટકમાં કાવ્યાંકિત કરી હતી તેના જીવનની ભવ્યતા ભીષણ તત્ત્વવિહોણી ન હતી. રાણીના મૃત્યુસમયે શેક્‌સ્પિયરે એના સાહિત્ય-જીવનનો એક દશકો પૂરો કર્યો હતો અને બીજો દશકો એની પ્રતીક્ષા કરી રહ્યો હતો. પહેલા દશકામાં શેક્‌સ્પિયરે કવિની વૈખરીને રંગભૂમિની મર્યાદામાં રમતી મૂકી હતી. ધીરે ધીરે કવિની વાણીને યોગ્ય જીવંત પાત્રોનું સર્જન એણે યોજ્યું હતું. હવે નાટ્યકાર શેક્‌સ્પિયર કવિ શેક્‌સ્પિયરનો સમકક્ષ બન્યો હતો. ઉભયના મિલને જગતના નાટ્યસાહિત્યમાં અપૂર્વ એવાં નાટકો યોજી આપ્યાં. નાટક પાત્રોનું અને કવિતા કવિની એવું તો અનેક નાટકોમાં મળી આવે, પરંતુ નાટકેય પાત્રો રચે અને કાવ્ય પણ એ પાત્રની અનિવાર્ય સંવેદના બને તેવાં નાટકો શેક્‌સ્પિયરે હવે રચ્યાં. શેક્‌સ્પિયરે એની ત્રીશીનાં છેલ્લાં વર્ષોમાં સહજ રીતે એનાં અવિસ્મરણીય નાટકો સર્જ્યા. માનવ-ઇતિહાસમાં યુગપુરુષો તો અનેક પ્રકાશી ઊઠ્યા છે. પરંતુ ૧૬૦૦ પછીનો શેક્‌સ્પિયર એના યુગનું સાર્વત્રિક પ્રતિનિધિત્વ એવી વિશિષ્ટ રીતે ધરાવે છે કે એની કળા સમકાલીન મટીને ‘શાશ્વતી સમા’ વિહરે છે. શેક્‌સ્પિયર આજન્મ કવિ હતો અને વ્યક્તિના કે યુગના આત્માના આવિષ્કારોને સાક્ષાત્ જોવાની કલાદૃષ્ટિ પામ્યો હતો : એ સત્ય સમજાય તો એની સિદ્ધિથી નીપજતું કુતૂહલ વ્યર્થ ન ઠરે. હવે એનાં નાટકોમાં સમકાલીન પ્રજાજીવનનાં મંથનો એની પ્રત્યેક એષણા, એની અવ્યક્ત ભીતિ, એની મુદા, એનાં સ્મિત – એટલે કે એના યુગનાં સમગ્ર આત્મતત્ત્વો અને અનુભૂતિ – કવિના આત્માની અમર કલા બનીને એવો સુપુષ્ટ આકાર પામે છે કે એ નીરખવા કવિએ ઝંખ્યું હતું તેમ સમય થંભી જાય છે (Time must have a stop). રાણી એલિઝાબેથને અનેક કવિએ નિવાપાંજલિ સમર્પી. પરંતુ ‘સ્ટ્રેટફર્ડના રાજહંસ’ શેક્‌સ્પિયરે મૌન સેવ્યું. હેન્રી ચેટલ નામના સાહિત્યપ્રેમીએ આથી મૂંઝવણ અનુભવી. એણે શેક્‌સ્પિયરનો ‘મેલિસર્ટ’ નામે ઉલ્લેખ કરીને જાહેર ઉપાલંભ લખ્યો : “રૂપેરી વાણીના વાચસ્પતિ મેલિસર્ટે હજુ સુધી જે રાણીએ એની શક્તિનું બહુમાન કર્યું હતું અને જેણે એનાં કાવ્યોને શ્રવણસુખ અર્પ્યું હતું તે રાણીના શોકમાં પોતાનું પ્રતિભામધુર કાવ્યાશ્રુ સાર્યું નથી. હે ગોપ! આપણાં એલિઝાબેથને સંસ્મરીને મૃત્યુરૂપી ટાર્કિવને એના ઉપર ગુજારેલા સીતમનું કાવ્ય ગૂંજ.”

Nor doth the silver tongued Melicert
Drop from his honied Muse one sable tear
To mourn her death that graced his desert,
And to his layes opened her royal ear.
Shepherd remember our Elizabeth,
And sing her rape, done by the Tarquin, Death.

શેક્‌સ્પિયરે મૌન ન જ છોડ્યું. સાતેક વર્ષ પછી ‘સિમ્બેલિન’ નાટકમાં કવિએ જાણે પ્રત્યુત્તર આપતો હોય તેમ ગાયું છે :

Golden lads and lasses must
Like chimney sweepers, come to dust.

“જેમ લીંપનાર-ગૂંપનાર તેમ સોનાનાં છૈયાં અને છોરી આખરે તો રાખમાં ભળીને ખાક થશે.” રાણી જતાં લંડનની નાટ્યપ્રવૃત્તિનું ભાવિ અનિશ્ચિત બન્યું. નગરનું મહાજન નાટકચેટકનો ઉગ્ર વિરોધ કરતું હતું. રાણીની આંખની શરમે લંડનમાં નટઘરો નભ્યાં હતાં. નાટકો વિશે લંડનમાં હતો તે કરતાં અનેક માત્રા વિશેષ દ્વેષ સ્કૉટલૅન્ડના સમાજમાં પ્રવર્તતો હતો. સ્કૉટલૅન્ડનો રાજવી છઠ્ઠો જૅમ્સ ઇંગ્લૅન્ડમાં તખ્તનશીન થયો ત્યારે લંડનની નટમંડળીઓ સાચે જ સાશંક હતી. માર્ચની ૧૯મીથી ગામમાં પ્લેગ હતો અને નટઘરો નગરપાલિકાના હુકમથી બંધ કરવામાં આવ્યા હતાં. આર્થિક મૂંઝવણ દૂર કરવા શેક્‌સ્પિયરની મંડળી ગ્રામવિસ્તારોમાં નાટકો ભજવવા મુસાફરીએ નીકળી હતી. તેવામાં કદાચને નટ લૉરેન્સ ફ્લેચરનો મંડળીને લાભ મળ્યો. અજ્ઞાત કોઈ દિવ્ય તત્ત્વ આપણી અનેક ભૂલો થવા છતાં સારું ભાવિ યોજે છે (There is a divinity that shapes our ends Rough her them how we will). કવિની આ ઉક્તિનો જાણે અનુભવ થતો હોય તેવું ફ્લેચરનું આગમન હતું પ્રજાજનોને તેમજ ચેમ્બરલેઇન મંડળીને ઇંગ્લૅન્ડનો નવો રાજા અપરિચિત હતો એટલે કે કેવળ કિંવદંતી હતો. પરંતુ અલગારી ફ્લેચર રાજા જૅમ્સનો માનીતો હતો. વર્ષો પૂર્વે લંડન છોડીને એણે મુક્ત સાહસનો માર્ગ સ્કૉટલૅન્ડની રાજધાનીમાં શોધ્યો હતો. ઉગ્ર પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયના પ્રમુખ કેન્દ્ર જેવી એડિનબરા નગરી નાટકના પડછાયાથી પણ અભડાતી. સંગીત નૃત્ય, નાટક કે અન્ય કલાઓ, સૌમાં સાંપ્રદાયિક નજરે શેતાનની માયાજાળ વર્તાતી. આવા સમાજમાં મીનમેખના ભાન વિનાના ભોળા ફ્લેચરે નાટકનાં ગીતો અને સંવાદોના પ્રયોગોની જાહેરાત કરી. ગામના અને ધર્મના ધુરંધરોએ આવી પાપવૃત્તિને ડામવા ફ્લેચરને નગરબંધી ફરમાવી. ધર્મગુરુઓએ રવિવારની પ્રાર્થનાસભાઓમાં નટો અને નાટકોની શાપિત પ્રવૃત્તિ વિશે પ્રવચનો કર્યાં. ત્યારે સ્કૉટલૅન્ડના સિંહાસને બેઠેલો 6ઠ્ઠો જૅમ્સ નિરાધાર ફ્લેચરની વહારે ધાયો. ધર્મે પ્રોટેસ્ટન્ટ પણ વ્યાસંગે વિદ્યાચતુર એવા જૅમ્સે નગરપાલિકા પાસે ફરમાન પાછું ખેંચાવ્યું અને ધર્મગુરુઓને ફ્લેચરનાં નાટકોની ભજવણીનાં સ્થળ અને સમય ગિરજાઘરોમાં જાહેર કરવાની ફરજ પાડી. પરિણામે ફ્લેચરે એડિનબરામાં પોતાના સફળ પ્રયોગો રજૂ કર્યા અને રાજા જૅમ્સનું મન હર્યું. આવો ફ્લેચર આપત્તિકાળે ચેમ્બરલૅઇન મંડળીને પ્રાપ્ત થયો એ કેવળ અકસ્માત ન હોય તો શેક્‌સ્પિયરની મંડળીની સજગ દૃષ્ટિનો દ્યોતક પુરાવો ગણાય. ઇંગ્લૅન્ડનું પ્રભુત્વ સ્વીકાર્યા પછી રાજા જૅમ્સે ઉમરાવ સાઉધમ્પ્ટનની જન્મટીપ સજા માફ કરવાનું અને માનપૂર્વક એને મુક્તિ આપવાનું કામ પહેલું કર્યું. એટલું જ નહિ, પરંતુ જૅમ્સના નગરપ્રવેશ સમયે રાષ્ટ્રના સામર્થ્યના પ્રતીક જેવી તલવાર હાથમાં રાખીને રાજાની સન્મુખે વિચરવાનું અહોભાગ્ય સાઉધમ્પ્ટનને વર્યું. રાજગૃહમાં વિના રોકટોક પ્રવેશનો અધિકાર પણ એને મળ્યો. રાજકારણનું ચગડોળ ફરતું જ રહ્યું અને મૃત્યુ પછી જાણે ઇસેક્સનો આવો વિજય થયો. ઇંગ્લૅન્ડમાં આયાત થતા વિદેશી આસવોની જકાત ઉઘરાવવાનો અધિકાર પણ જેમ રાણીના શાસનમાં ઇસેક્સને હતો તેવો સાઉધમ્પ્ટનને મળ્યો. ચેમ્બરલેઇન મંડળીના બીજા આશ્રયદાતા ઉમરાવ પેમ્બ્રોકને અને સાઉધમ્પ્ટનને એમના પરગણાના વહીવટદાર નીમવામાં આવ્યા. ગાદી મળ્યાના પંદર દિવસમાં રાજા જૅમ્સે ચેમ્બરલેઇન મંડળીને પોતાની અંગત નટમંડળી જાહેર કરી. આજ્ઞાપત્રિકામાં લૉરેન્સ ફ્લેચરનું નામ પહેલું લખાયું છે, બીજું કવિ શેક્‌સ્પિયરનું અને તે પછી બરબેજ સહિત અન્ય નટોનાં નામ લખાયાં છે. શાહી પરવાનામાં રાજ્યના સહુ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે, “અમારા મનની રાહત તથા આનંદ તેમજ અનુરાગી પ્રજાજનોના મનોરંજનાર્થે” (as well for the recreation of our loving subjects as for our solace and pleasure). આ રાજનૃત્યોને એમના નટઘર ‘ગ્લોબ’ તેમજ ‘અમારા’ રાજ્યના કોઈ પણ નગર, પરગણાં કે વિદ્યાપીઠનાં સભાગૃહોમાં કે ન્યાયમંડપોમાં એમની કલાની નિર્વિઘ્ન અને મુક્ત ભજવણી માટે પ્રહસનો, કરુણ નાટકો, તવારીખી દૃશ્યો, બોધનાટકો, ગોપનાટકો વગેરે તખતાલાયક નાટકો રજૂ કરવાનો પરવાનો આપ્યો છે. (Freely to use and exercise, the art and faculty of playing comedies, tragedies, histories, interludes, morals, pastorals, stage plays and such others). આજ્ઞાપત્રિકામાં અધિકારીઓને સૂચના કરવામાં આવી હતી કે મંડળીને ભજવણીમાં કાનૂની વિલંબ અને વિઘ્નો કે સતામણીનો અનુભવ ન થાય તે હેતુથી અમલદારોએ સલાહ અને સહાય આપવાં. આમ, ચેમ્બરલેઇન મંડળી ૧૬૦૩ની સાલથી રાજા જૅમ્સની કૃપાદૃષ્ટિ પામીને નિશ્ચિંત બની. એના સભ્યો હવે ‘રાજભૃત્યો’ (King’s Men) હોવાથી નગરમાં કે જનપદમાં મુક્ત રીતે સંચરી શક્યા. પ્રતિસ્પર્ધી એલનની મંડળી ‘એમિરલ મંડળી’ હવે ‘રાણીની મંડળી’ (Queen’s Men) જાહેર થઈ. ‘જવનિકા’ નટઘરમાં નવી રચાયેલી નટમંડળી ‘રાજકુમાર મંડળી’ (Prince Henry’s Men) બની. તેવી જ રીતે બ્લેકફ્રાયર્સમાં બાલનટોની મંડળી હતી. તેની પસંદગી ‘રાણીની ઉત્સવ મંડળી’ (Children of Queen’s Revels) તરીકે કરવામાં આવી. ‘વેદાભ્યાસજડ’ ગણાતા રાજા જૅમ્સે આવી રીતે પ્રજાનું મનોરંજન કરનારી મંડળીઓને રાજ્યની ઓથ અને આશ્રય બક્ષ્યાં એટલું જ નહિ, પરંતુ એક શાહી ફરમાન કાઢીને (Laurentio Fletcher et Willielms Shakespeare et aliis) ફ્લેચર અને શેક્‌સ્પિયર સહિત ‘દ્વાદશ’ નટોને રાજભવનના રક્ષકો સ્થાપ્યા અને રાજ્યારોહણ જેવા જાહેર પ્રસંગોએ દરબારી પોશાક અને સોનેરી રાજમુદ્રા ધારણ કરીને ઉપસ્થિત રહેવાનો હક્ક આપ્યો. પુરુષયત્ન ઉપરાંત કેવળ આકસ્મિક ઘટનાને અનેક નાટકમાં ભાગ્યવિધાયક ગણનાર નટમંડળી આમ રાજદ્વારે અણધાર્યું સંરક્ષણ પામી. પણ રાજસત્તા એમને કે રાજ્યને એક મહાસંકટ સામે રક્ષણ આપી શકી નહિ. ૧૬૦૩ની સાલમાં લંડનનગરીને મહામારી વળગી. પ્લેગનું આક્રમણ બે લાખની વસ્તીમાં પૂરા ત્રીસ હજારને ભરખી ગયું. પ્રત્યેક છ નાગરિકે એકનું અકાળે મોત નીપજ્યું. લંડનના વસવાટો મુખ્યત્વે લાકડાનાં નિર્મેલા. એટલે ઉંદર અને બીજાં જીવજંતુઓ માટેનું એ સ્વર્ગ હતું. વળી સાગરપારનો વ્યાપાર શરૂ થયો હતો એટલે દેશપરદેશનાં અનેક વહાણો ટેમ્સ નદીમાં લંગર નાખી પડ્યાં રહેતાં. પરિણામે પ્લેગનો ચેપ પણ ગીચ આબાદીમાં સહેલાઈથી ફેલાતો. રોગનો પ્રતિકાર થઈ શકે એટલું વૈદકીય જ્ઞાન હજુ વિકસ્યું ન હોવાથી જાનહાનિ બેશુમાર થતી. અજ્ઞાનમાં ઉપાયો પણ જાલિમ અજમાવતા. ‘રોમિયો અને જુલિયેટ’ નાટકમાં દર્શાવ્યું છે. તેમ પ્લેગનો કેસ જે ઘરમાં થાય તેનો ચેપ અટકાવવા ઘણી વાર પડોશીઓ રોગીઘરના બારણે બહારથી તાળાં વાસી દેતા. શેક્‌સ્પિયરનો જન્મ થયો તે વર્ષમાં સ્ટ્રેટફર્ડ ગામમાં પ્લેગથી અનેક મૃત્યુ નોંધાયાં હતાં. એના જન્મ પહેલાં એના કુટુંબે બે સંતાનો પ્લેગમાં ગુમાવ્યાં હતાં. એના ત્રણ નાના ભાઈ યુવાન વયે જ મહામારીનો ભોગ બન્યા હતા. આવા ભયંકર ‘કોણે દીઠી કાલ’ના ઓછાયા નીચે જિવાતાં જીવન શેક્‌સ્પિયરને લલાટે લખાયાં હતાં. મૂષક અને શ્વાન સમકાલી જીવનમાં અને શેક્‌સ્પિયરના અંતરમનમાં આથી જ યમદૂત બનીને વસ્યાં હતાં. ૧૬૦૩ના પ્લેગની અવધ શેક્‌સ્પિયરની મંડળીએ બાથ, શ્રુબરી, કોવેન્ટ્રી ઇત્યાદિ વિસ્તારોમાં નાટકો ભજવીને વિતાવી. થોડો સમય તેઓ સરે પરગણાના માર્ટલેક ગામે સાથી નટ ઑગસ્ટિન ફિલિપના ખેતરમાં વસ્યા. પ્લેગ શમે ત્યારે લંડનમાં ભજવવા જેવાં નાટકોનાં રિહર્સલ કરવામાં તેઓ મશગૂલ હતા. તેવામાં સંદેશો મળ્યો કે ઉમરાવ પેમ્બ્રોકની વિલ્ટન જાગીરમાં વસેલા રાજકુટુંબ માટે એક નાટક ભજવવા તેમણે વ્યવસ્થા કરવી. એટલે મંડળીએ વિલ્ટનની દિશા પકડી. ઉમરાવ પેમ્બ્રોકની માતા ઇંગ્લૅન્ડના સંસ્કારમૂર્તિ સર ફિલિપ સિડનીનાં બહેન હતાં. કવિ અને કાવ્ય માટે તેઓના મનમાં આદર અને પ્રેમ હતાં. એટલે કવિ શેક્‌સ્પિયરનું ઉમરાવની હવેલીમાં આતિથ્ય થયું. ઉમરાવની માતાએ એક પત્રમાં ભાવથી લખ્યું છે કે, ‘પેલા કવિજન શેક્‌સ્પિયર અમારી સાથે છે’ (We have the man Shakespeare with us). પેમ્બ્રોક કુટુંબમાં સચવાયેલી કિંવદંતી એવી છે કે મંડળીએ રાજા સમક્ષ ‘આપની પસંદ’ (As You Like It) રજૂ કર્યું. પ્લેગથી બચવા રાજા સહકુટુંબ ગામડે વસ્યા હતા અને કવિએ ઉપવનમાં વસેલા ઉમરાવોનું નાટક એમને સાદર કર્યું. કિંવદંતી એમ પણ સૂચવે છે કે શેક્‌સ્પિયરે ‘આપની પસંદ’ નાટકમાં વફાદાર ચાકર એડમનું પાત્ર ભજવ્યું. નાતાલના પર્વે રસાલા સાથે રાજા જૅમ્સે નગરપ્રવેશ કર્યો. નાતાલના ઉત્સવોમાં રાજપ્રાસાદમાં રાજનૃત્યોએ કવિનું ‘વાસંતી રાત્રિનું સ્વપ્ન’ અને બીજાં છ નાટકો રજૂ કર્યાં. ‘જવનિકા’ કે ગ્લોબના સાંકડા તખતાને બદલે રાજગૃહના ઉપવનમાં દીવડીના પ્રકાશમાં કે ચાંદની રાતના આછા પ્રકાશમાં ભજવાયેલાં પરીરાણીનાં દૃશ્યોનો કૅફ ન્યારો જ હશે! રાજા જૅમ્સે નીમેલા મનોરંજન અધિકારી સર જૉર્જ બક ભારે વ્યવસ્થિત સ્વભાવના મનુષ્ય હતા. પ્રત્યેક વિગતની નોંધ રાખવાના તેઓ આગ્રહી હતા. અલબત્ત, સરકારી કામકાજમાં વારંવાર બને છે તેમ પોતાનો કક્કો ખરો કરાવવાની એમની વૃત્તિ પ્રબળ એટલે શેક્‌સ્પિયરને ભૂલમાં શેક્‌સબર્ડ લખ્યા પછી એમણે કદી ભૂલ સુધારી નથી.એટલે એમની નોંધપોથીમાં નાટ્યકાર Shaxberd નામે સ્થાન પામ્યો છે. સર જૉર્જ બકના રોજમેળને આધારે જાણી શકાયું છે કે રાણી એલિઝાબેથના કાળમાં રાજમહેલમાં પ્રત્યેક નાટકની ભજવણીના દશ પાઉન્ડ ચૂકવતા. ચેમ્બરલેઇન મંડળી રાણીને સરેરાશ પ્રતિવર્ષ ત્રણ નાટકો નિવેદિત કરતી. જૅમ્સના રાજ્યકાળમાં શેક્‌સ્પિયરની મંડળીએ પ્રતિવર્ષ તેર નાટકો રાજપ્રાસાદમાં ભજવ્યાં છે. નટઘરમાં ભજવેલાં નાટકોની આવક તેમજ રાજદરબારમાં રજૂ થયેલાં નાટકોની આવક ઉપરાંત આશ્રયદાતા ઉમરાવો તરફથી અવારનવાર થતી પ્રાપ્તિ એ નાટ્યકારની યોગક્ષેમ માટેની વિધિ હતી. ઉમરાવ સાઉમ્પ્ટને શેક્‌સ્પિયરને કવિએ સમર્પિત બે કાવ્યોના પરિતોષરૂપે ચેમ્બરલેઇન મંડળીનો ભાગીદાર બને એટલી રકમ ચૂકવી હતી. ૧૬૦૦ પછીનાં વર્ષોમાં પેમ્બ્રોકના ઉમરાવે શેક્‌સ્પિયરને અને એના સાથીદારોને કંઈક એવું રક્ષણ આપ્યું કે શેક્‌સ્પિયરના મૃત્યુ પછી સાત વર્ષ પછી પ્રકાશન પામેલા કવિના મરણોત્તર નાટ્યસંચયનું સમર્પણ ઉમરાવ પેમ્બ્રોક અને તેના સહોદર ઉમરાવ મોન્ટગોમરીને થયું છે. શેક્‌સ્પિયરના મિત્ર અને પ્રતિસ્પર્ધી નાટ્યકાર બેન જૉનસનને, પ્રતિવર્ષ વીસ પાઉન્ડ ઉમરાવ પેમ્બ્રોકે ગ્રંથખરીદી માટે વર્ષો સુધી આપ્યા હતા. રાજભૃત્યો બનેલી શેક્‌સ્પિયરની નાટ્યમંડળી, નાટ્યકાર અને નટોના સહકાર અને મીઠા સંબંધોથી વિકસતી નાટ્યકળાનું ઉત્તમ ઉદાહરણ છે. બીજા નટો અને મંડળીઓ વારંવાર બદલાતાં રહ્યાં, નામશેષ થતાં રહ્યાં, કેવળ ચેમ્બરલેઇન મંડળી જે હવે રાજનૃત્યો તરીકે સક્રિય બની એના પ્રત્યેક નટનું જીવન પોતાના વિસ્તારમાં પ્રતિષ્ઠા અને સન્માન પામે તેવું રહ્યું જણાય છે. એ મંડળીના નટો વફાદારીથી સાથે રહી શક્યા છે. જેના પરિણામે નાટ્યકાર શેક્‌સ્પિયરને નાટ્યરચના સમયે પણ કયો નટ કયું પાત્ર ભજવશે એનું સ્મરણ રહ્યું છે. મંડળીની સભ્યસંખ્યામાં અવારનવાર જે ફેરફારો થયા તેનું પ્રતિબિંબ એનાં નાટકોમાં ઝિલાયું છે, જેમ કે ૧૬૦૦ પર્યંતનાં વર્ષોમાં મંડળી પાસે સ્ત્રીપાત્ર લેનારા બે કિશોરો હતા જેમાંનો એક અસાધારણ ઊંચાઈ ધરાવતો હતો તો બીજો સ્ત્રીસહજ કદનો હતો. પરિણામે ‘આપની પસંદ અને બીજાં નાટકોમાં શેક્‌સ્પિયરે આ ઊંચીનીચી જોડીને સરસાઈમાં મૂકીને હાસ્ય અને કટાક્ષ સર્જ્યાં છે. ૧૬૦૦ પછી આ કિશોરો યૌવનને પામ્યા હોવાથી નાયિકાના અભિનય માટે અનુકૂળ ન રહેતાં એમનું સ્થાન બીજા કિશોરોએ લીધું હશે. આનો અર્થ એ ન જ હોય કે આવા નટને ખાતર જ શેક્‌સ્પિયરે એની નાટ્યરચનાને આકાર આપ્યો હોય. પરંતુ ઉપસ્થિતિ સાધનોનો સર્જનને અનુકૂળ વિનિયોગ શેક્‌સ્પિયરને વર્જ્ય નહીં હોય. ૧૬૦૦ પછી એવો કોઈ કિશોર એની મંડળીએ મેળવ્યો છે કે જે આકૃતિમાં અને સ્વભાવે દયનીય સુંદરતા ધરાવતો હોય. ઓફિલિયા, ડેઝ્ડીમોના અને કોર્ડિલિયા બનવાનું મહાભાગ્ય આ વર્ષોમાં જે કોઈ આવો કિશોર શેક્‌સ્પિયરની મંડળીને લાધ્યો હશે એનું રહ્યું છે. શેક્‌સ્પિયરનું એની મંડળી ઉપર હવે પ્રભુત્વ એવું તો હતું કે નટને અનુલક્ષીને એણે સર્જન ન કરવું પડે, પણ એના સર્જનને અનુરૂપ નટ ગામ ખૂંદીને પણ બરબેજ શોધી લાવે. શેક્‌સ્પિયરની મંડળીમાં ૧૬૦૦માં બીજો પણ અગત્યનો ફેરફાર થયો. શેક્‌સ્પિયરનાં નાટકોમાં દરબારી મશ્કરા કે વિદૂષકનું વિશિષ્ટ સ્થાન રહ્યું છે. ચેમ્બરલેઇન મંડળીમાં અત્યાર સુધી કેમ્પ નામનો અભિનયપટુ હાસ્યનટ ભાગીદાર હતો. ગીત, નૃત્ય અને પ્રહસનોમાં એનું પ્રાબલ્ય હતું. હાસ્યનો એનો અભિનય વિશેષે કરીને જાંગલાવેડા (Clowning) અને મૂર્ખતાના પ્રદર્શનમાં પ્રકાશી ઊઠતો. નર્મ અને મર્મની પટાબાજી કરતાં નૃત્ય અને અંગમરોડના પ્રસંગો કેમ્પને વધુ રોચક હશે એમ શેક્‌સ્પિયરનાં નાટકોમાં એણે ભજવેલાં પાત્રોથી અનુમેય બન્યું છે. ‘વાસંતી રાત્રિ’નો ઉત્સાહી બોટમ, ‘રોમિયો અને જુલિયેટ’માં ચાકર પીટર, ‘વેરોનાના બે ભદ્રિકો’માં લાઉન્સ (જેણે રાજદરબારમાં જાત બતાવી ચૂકેલા કૂતરા જોડે મુક્ત હાસ્યનો સંબંધ બાંધ્યો હતો), ‘વેનિસનો વેપારી’માં અંધ પિતાને અંધારામાં જ રાખવા પ્રયત્ન કરતો ગોબો અને ‘વાતનું વતેસર’માં ગ્રામરક્ષક ડોગબરી – આ બધાં પાત્રો ભજવી કેમ્પે લોકખ્યાતિ પ્રાપ્ત કરી હતી. પોતાના રાગ અને પૂર્વગ્રહો વિશે કવિએ સદૈવ મૌન રાખ્યું હોવા છતાં ‘હૅમ્લેટ’ નાટકમાં મશ્કરાનો ખ્યાલ કરીને રાજકુમાર હૅમ્લેટે કહેવું પડ્યું છે કે હાસ્યનટે સંવાદોમાં જાતનું ઉમેરણ કદી ન કરવું, પરંતુ શેક્‌સ્પિયરના ‘વાસંતી રાત્રિ’નો બોટમ જો ઊભરાતા ઉત્સાહથી બધાં જ પાત્રોના સંવાદો ગાંગર્યે રાખે તો બોટમનો સ્વાંગ લઈને રાજપ્રાસાદના ઉપવન સુધી પહોંચનાર હાસ્યનટ કેમ્પ હાથમાં શેનો રહે? ચેમ્બરલેઇન મંડળી છોડતાં પહેલાં કેમ્પને નામે અદમ્ય ઉત્સાહનો પ્રસંગ નોંધાયો છે. કોઈકે હોડ બકી કે સાઠ માઇલ દૂર આવેલા નોર્ટન શહેર સુધી આખે રસ્તે નર્તતો જો કેમ્પ જાય તો એ કેમ્પને ભારે રકમ આપે. મૂળે મર્કટ; તેમાં લક્ષ્મી મળી એટલે પૂછવું જ શું? સમકાલીન એકેએક પ્રકાશનમાં પગે ઘૂઘરા બાંધીને અને હાથમાં શરણાઈ લઈને એક ઢોલી સાથે આખે રસ્તે નૃત્ય કરતા કેમ્પનું ચિત્ર મળી આવ્યું છે. લંડનથી નોર્ટનનું અંતર કાપતા એને ત્રીસ દિવસ થયા હતા. વચ્ચે જેટલાં ગામ અને કસ્બા આવ્યાં ત્યાં સર્વત્ર એણે હાસ્ય અને નૃત્યના પ્રયોગો આપ્યા હતા. નવું નવું હોવાથી અથવા કેમ્પની અભિનયપટુતા મોહક હોવાથી ગ્રામજનોએ બધે જ એને સમુચિત આતિથ્ય અને પુરસ્કાર અર્પ્યાં હતાં. એવી તો અપૂર્વ અને અણધારેલી સફળતા આ સાહસમાં કેમ્પને મળી કે નોર્ટન પહોંચીને એણે ચેમ્બરલેઇન મંડળી છોડવાનો મનસૂબો કર્યો. હવે વિદેશોમાં આવા જ પ્રકારનું સાહસ કરવાની એનામાં મનોકામના જન્મી. એટલે મંડળીથી છૂટો થઈને કેમ્પ વિદેશોમાં વસ્યો. બે સાલ પછી એ પાછો આવ્યો, મૃત્યુના નિમંત્રણને માન આપીને. ૧૬૦૩માં એનું અવસાન થયું. ચેમ્બરલેઇન મંડળીમાં કેમ્પનું સ્થાન જેણે લીધું તે નટ રૉબર્ટ આર્મીન કેમ્પથી સાવ ઊલટા પ્રકારનો હતો. કેમ્પના સુપુષ્ટ અને સુખવસ્તુ દેહને બદલે ચિંતનક્ષીણ તેવી દેહયષ્ટિ અને ફિક્કો અને સૂકો ચહેરો આર્મીન ધરાવતો હતો. દેખાવમાં જ નહીં, સ્વભાવમાં પણ એ કેમ્પથી નિરાળો હતો. સદૈવ અનેક સોબતીઓ સાથે જ જીવનારો કેમ્પ અને પ્રયત્નપૂર્વક એકાંત શોધનારો આર્મીન હાસ્યનટોમાં બે ધ્રુવ સમાન હતો. સદ્ભાગ્યે ૧૬૦૦ પછીની શેક્‌સ્પિયરની કૃતિઓમાં આવા એકલસૂરા અને ચિંતનપ્રધાન વિદૂષકનો પ્રવેશ રહ્યો છે. એ અરસાનું સુખાંત નાટક ‘કોજાગ્રિ’ આવા સંવેદનશીલ અને તરલ, કહોને કારુણ્ય-ભાજન વિદૂષક ફેસ્ટને મહત્ત્વનું સ્થાન આપે છે. ‘આપની પસંદ’ નાટકનો નિકષગ્રાવા જેવો ટચસ્ટોન જાંગલો નથી, દરબારી ફિલસૂફ છે, એટલે જાતને અને જગતને કહી શકે છે કે મોટે ઉપાડે મહેલ છોડી જંગલમાં વસ્યાં એવો મહામૂર્ખ હું! (Now that I am in Arden, the more fool I!) આર્મીનના નટજીવનની ઉચ્ચતમ ક્ષણો એટલે રાજા લિયર નાટકમાં લિયર સાથે પ્રલયની રાતે વગડામાં વીતેલા પ્રહરો! રાજાને જ્યારે સ્વજનોએ અને પ્રજાજનોએ ટાળ્યો, ધુતકાર્યો, એના હૃદયને વલોવી કાઢ્યું, એના રાજવી મનને બાંધી-જકડીને ગાંડપણની સરહદ પર છોડી મૂક્યું ત્યારે એકલો અસહાય વદૂષક મમતાથી અને વફાદારીથી રાજાને વળગી રહ્યો, એ આર્મીનન અભિનયપટુતાની ચરમ ક્ષણ હશે. ૧૬૦૩ના પ્લેગમાં કેમ્પ ઉપરાંત ચેમ્બરલેઇન મંડળીના ઑગસ્ટીન ફિલિપ્સનું પણ અવસાન થયું. ઇસેક્સના બંડસમયે ઑગસ્ટીન ફિલિપ્સે વરિષ્ઠ અદાલતમાં મંડળી વતી યાદગાર જુબાની આપીને મંડળીને બચાવી લીધી હતી. ચેમ્બરલેઇન મંડળી કેવળ વ્યવસાયી સ્વાર્થ માટેની મંડળી ન હતી, પરંતુ સાચે જ બિરાદરી હતી તેનો પુરાવો ઑગસ્ટીન ફિલિપ્સના વસિયતનામામાં મળી આવે છે. એણે સાથી નટ હેમિન્ગ, બરબેજ અને સ્લાયને મિલકતના વહીવટદારો નીમ્યા છે. શેક્‌સ્પિયર સહિત સાત નટોને એણે સ્મરણભેટરૂપે નાણું આપ્યું છે. એની પાસે જેમણે તાલીમ મેળવી હતી તેવા બટુકોને એણે પોતાના સાજ અને પોશાક તેમજ આયુધો વહેંચી આપ્યાં છે. છેવટે આત્માની શાંતિ અર્થે એણે દેવળને દાન જાહેર કર્યું છે. આવી જ રીત તે વર્ષમાં અવસાન પામેલા નટ પોપે અખત્યાર કરી છે. ૧૬૦૨ પહેલાં વર્ષો સુધી કવિ શેક્‌સ્પિયરે લંડનના નદીતટના સથાક વિસ્તારમાં વાસ કર્યો હતો. ભેજવાળા એ વિસ્તારમાં ગામના નટઘરો ઉપરાંત મુખ્ય તુરંગ અને પશુદંગલના અખાડાઓ હતાં. માછીમારોની વસ્તી હતી અને ગામના ઉતાર જેવા લફંગાના અડ્ડા હતા. નટઘર પાસે હોવાથી કવિએ ત્યાં નિવાસ રાખ્યો હશે. પણ સાતેક વર્ષનો ત્યાંનો વસવાટ કવિને સ્વાસ્થ્યપ્રદ શેનો નીવડે? ૧૬૦૦ પછીના શેક્‌સ્પિયરનાં નાટકોમાં વ્યક્ત થયેલી કટુતા અને નિરાશા અંશતઃ આવી બીમારીનું લક્ષણ હોય! રાણી એલિઝાબેથના દેહવિલય સમયે કવિએ વસવાટ ફેરવ્યો છે. લંડનના જે પ્રતિષ્ઠિત વિસ્તારમાં હેમિન્ગ અને કૉન્ડેલ રહેતા હતા ત્યાં એક ફ્રેન્ચ નિર્વાસિત કુટુંબમાં કવિ મહેમાન બન્યો છે. લંડનનગરની ઉત્તર-પશ્ચિમે સંત લેવના ગિરજાઘરના સાન્નિધ્યે વસેલા શ્રીમંત લત્તામાં સિલ્વર સ્ટ્રીટ ખાંચામાં ક્રિસ્ટોફર માઉન્ટજોય નામના ફ્રેન્ચ નિર્વાસિતના આવાસમાં કવિને આશ્રય મળ્યો. માઉન્ટજોય પરિવાર લંડનની રમણીઓ માટે હેટ બોનેટ ઇત્યાદિ શણગાર નિર્માણમાં કુશળ હતું. લાકડાના ઢીમચા ઉપર મુકુટો અને બોનેટોને ઘાટ મળતો. ક્રિસ્ટોફરને હાથે હીરા હતા. એની પુત્રી મેરીનાં આંગળાં પણ શિરપેચને આકાર આપવામાં કુશળ હતાં. રાણી એલિઝાબેથ અને અન્ય શ્રીમંત સન્નારીઓની કૃપાથી માઉન્ટોયનો ધંધો ધીખતો થયો, એટલે એણે સ્ટીફન બેલોટ નામના યુવાનને કામે રાખ્યો. ૧૬૦૪ની સાલમાં સ્ટીફને માઉન્ટજોય પરિવારમાં કામ કર્યાંનાં સાત વર્ષ પૂરાં કર્યાં. તે જમાનાના નિયમ મુજબ હવે સ્ટીફન સ્વતંત્ર બન્યો, ધંધાના વિકાસાર્થે તે સ્પેનની મુસાફરી કરી આવ્યો. શ્રીમતી માઉન્ટજોયનો ઇરાદો મેરીનું વેવિશાળ સ્ટીફન સાથે ગોઠવવાનો હતો. આ કામ તેમણે કવિ શેક્‌સ્પિયરને ભળાવ્યું. સ્ટીફનના મિત્રો અને શેક્‌સ્પિયર વચ્ચે સાત-આઠ મુલાકાતો પછી કરિયાવરની શરતો નક્કી થઈ. એટલે નવેમ્બરની ૧૯મી તિથિએ શુભ લગ્ન ઊજવાયાં. પરંતુ આઠ વર્ષ પછી ૧૬૧૨માં ક્રિસ્ટોફર માઉન્ટજોયનું અવસાન થતાં મિલકતનો કજિયો અદાલતમાં ગયો ત્યારે જોન જ્હૉનસન નામની ઘરનોકરે જુબાની આપી કે લગ્ન સમયે એક શ્રીમાન શેક્‌સ્પિયર રહેતા હતા તેમણે અનેક વાટાઘાટો પછી મિલકતની વહેંચણીની શરતો ઉભયપક્ષે કબૂલાવી હતી. આથી ૧૬૧૨માં કવિ અદાલતમાં સાક્ષી બન્યા અને એમની જુબાની દફતરે સચવાઈ. ૧૬૦૪ના ઑગસ્ટ માસે ‘રાજભૃત્યો’ને અવનવા પ્રસંગોનું અર્પણ કર્યું. રાણી એલિઝાબેથનો વારસ રાજા જૅમ્સ એની પુરોગામી રાણીનું ગૌરવ કે દક્ષતા ધરાવતો ન હતો. ઑક્સફર્ડ વિદ્યાપીઠમાં એણે એકરાર કર્યો હતો કે એનું ચાલે તો યુનિવર્સિટીની બોડલી પુસ્તકાલયમાં અભ્યાસરત રહીને એ આયુનો શેષભાગ વ્યતીત કરે. જૅમ્સ માતાના ગર્ભમાં હતો ત્યારે એની માતાની આંખો સામે રાણી મેરીના વિશ્વાસુ મંત્રી રિઝિયોની સરદારોએ ક્રૂર રીતે હત્યા કરી હતી. એ ક્રૂર કર્મ પછી જૅમ્સનો જન્મ થયો. શસ્ત્રસંન્યાસની આજન્મ દીક્ષા જૅમ્સ આવી રીતે પામ્યો. એટલે એના શાસનમાં યુદ્ધને કોઈ સ્થાન ન હતું. વિદેશોમાં મજાકમાં કહેવાતું કે રાજા જૅમ્સ શાંતિની વાટાઘાટોમાં લાખનો ખરચ કરશે, પરંતુ સૈન્યની જમાવટમાં દશ હજાર પણ નહીં આપે. રાજ્ય મળતાં જ એણે ઇંગ્લૅન્ડના હાડવેરી સ્પેન દેશ સાથે શાંતિની વાટાઘાટોનો આરંભ કર્યો. સ્પેનના મુત્સદ્દી કાસ્ટીલના રાજ્યપાલ અને ફ્રિઆસના ઠાકોર ગ્વાનફર્નાન્ડેઝને એણે સુલેહશાંતિના કરાર માટે બ્રિટન આવવાનું નિમંત્રણ આપ્યું. ૧૬૦૪ના ઑગસ્ટ માસની નવમી તારીખથી સત્તાવીસ તારીખ સુધી ફર્નાન્ડેઝની આગેવાનીના સ્પેનના પ્રતિનિધિમંડળે બ્રિટનનું આતિથ્ય સ્વીકાર્યું. ત્રણસો સભ્યોની એ મંડળીની સરભરા માટે રાણીએ સોમરસેટ ભવન ખાલી કરી આપ્યું. અતિથિના શાહી સ્વાગતમાં કમી ન રહે એ હેતુથી ઉમરાવ સાઉધમ્પ્ટનની વિશેષ અધિકાર સહિત નિયુક્તિ થઈ. ‘રાજભૃત્યો’ને સ્પેનિશ મહેમાનની ખિદમત સોંપવામાં આવી. સુયોગ્ય વસ્ત્રપરિધાન માટે એમને વીસ સુવર્ણમુદ્રાની દેણગી મળી. મહેમાનોને અંગ્રેજી ભાષાની જાણકારી ન હોવાથી શેક્‌સ્પિયરની મંડળીનાં નાટકો ન ભજવાયાં. એમને માટે રીંછનાં દંગલ અને સરકસના ખેલ રજૂ થયા. સ્પેનના રાજદૂત કાસ્ટીલના નબીરાને એની તહેનાતમાં નાટ્યકાર શેક્‌સ્પિયર હતો એવો ખ્યાલ પણ નહીં હોય. સત્તાધીશ ફર્નાન્ડેઝને પેલું કૌતુક તો શી રીતે સમજાય! શેક્‌સ્પિયરને નામે ફર્નાન્ડેઝ નામશેષ બનીને પણ યાદ રહેશે! બ્રિટન અને સ્પેન વચ્ચે સંધિના કરાર થયા ને સ્પેનના માનાર્હ અતિથિએ સ્વદેશ તરફ પ્રયાણ કર્યું. એટલે રાજભવનમાં નાતાલની પૂર્વતૈયારી જેવાં નાટકોની માગ ઊઠી. તે વર્ષે રાજા સમક્ષ રજૂ થયેલાં બધાં જ નાટકો શેક્‌સ્પિયરની નટમંડળીનાં હતાં. ‘વેનિસનો વેપારી’ નાટક રાજાને એવું તો રુચ્યું કે બીજે દિવસે એની ફરીને ભજવણી થઈ. જૅમ્સની કૃપા સહજપ્રાપ્ય કદી ન હતી. ઑક્સફર્ડ વિદ્યાપીઠમાં રાજસન્માન પ્રસંગે ત્રણ દિવસનો નાટ્યસમારોહ યોજાયો હતો. પહેલે દિવસે નાટક પૂરું થાય તે પહેલાં જ રાજાએ અધીર બનીને બેઠક છોડી ત્યારે વિદ્યાપીઠના કુલપતિએ વિનંતી કરીને એમને જાળવી લીધા હતા. બીજા અને ત્રીજા દિવસે રાજા ઉપસ્થિત રહ્યા. પણ કંટાળો વ્યકત કર્યા વિના ન રહ્યા. આવા આકળા રાજવંશી પ્રેક્ષકને નાટકમાં સાદ્યંત રસભીના જાળવવાનું મહાકાર્ય નાટ્યકાર શેક્‌સ્પિયરના ભાગ્યમાં હતું. ૧૬૦૪ના નવેમ્બર માસની પ્રથમ સંધ્યાએ રાજમહેલના મુખ્ય ખંડમાં શેક્‌સ્પિયરની નવી મહાકૃતિ ‘ઑથેલો’ નાટક રજૂ થયું. ઈટલીના લેખક સિન્થિયોની એક નાટકી વાર્તાના આધારે શેકસ્પિયરે ‘ઑથેલો’માં કલાનો ચમત્કાર સિદ્ધ કર્યો હતો. ‘રાજભૃત્યો’ના વિશ્વકર્મા કવિએ વહેમી પતિએ રચેલા નારીવધની સામાન્ય કથાને ચિબુકથી સ્પર્શીને ઊંચે ઉઠાવ આપ્યો હતો. ભાવહીન અને ઓશિયાળાં પાત્રોની કાયાપલટ કરીને, એમની જિહ્વાને લયબદ્ધ વાણી સમર્પીને, એમનાં અંતરતમની પ્રત્યેક એષણાને જાગૃતિ અર્પીને અને એમનાં હૈયાંને ફરીને ધબકતાં કરીને શેક્‌સ્પિયરે ઈટલીના ગંદા વસવાટમાં સબડતાં નિરાધાર જીવોને કાવ્યની સંજીવની છાંટીને જગતના નટઘરોમાં વસાવ્યાં છે. મૂળે અપ્રતીતિજનક કથાવસ્તુને શેક્‌સ્પિયરે એવો સુપ્રમાણ નાટ્યદેહ આપ્યો છે અને પાત્રસમુચ્ચયની વેદનાનો એવો પિરામિડ કવિએ રચ્યો છે કે ઘૂમરી લેતું કાળચક્ર હજુ સુધી નાટકનું ચેતન હરી શક્યું નથી. એ પર્વે રાજપ્રાસાદમાં રોગી દાંપત્યની ચિકિત્સા જેવું રજૂ થયેલું બીજું નાટક હતું, ‘તાલ-બેતાલ’ (Measure For Measure). આ નાટકનું મૂળ પણ ઈટલીના લેખક સિન્થિયોની એક નિર્વેદજન્ય કથામાં હતું. પોતાના સગા ભાઈને દેહાંતદંડની સજા ન થાય એટલા માટે શિયળને ગુમાવી બેઠેલી બહેનની વાર્તા સિન્થિયોની કલમપ્રસાદી હતી. શેક્‌સ્પિયરે પહેલો ફેરફાર એ કર્યો કે નાયિકાને શીલભંગના પાતકથી ઉગારી લીધી. આમ કરવામાં કવિ એવો કષ્ટાયો કે નાટકમાં વારેવારે એણે જિન્સી વૃત્તિના તથા સામર્થ્ય અને વિલાસ વચ્ચેના અદૃષ્ટ સંધાણના તારેતાર શોધવાની મથામણ કરી છે. આમ કરવામાં નરવા પાત્રવિકાસનો કવિને મોકો જ મળ્યો નથી. નાટકનાં પ્રતીતિજનક અને સ્મરણીય દૃશ્યો માનવનાં મનને મથી રહેલી ઊંડી ઝંખના વિષે છે. જેવું કે સત્તાધીશ એન્જેલોનું ઇઝાબેલના દર્શને મનોમંથન કે મૃત્યુનો ભય અનુભવી રહેલા કલોડિઓનો વલોપાત. દાંપત્યચિકિત્સાની નાટકત્રયીનું ત્રીજું નાટક પણ શેક્‌સ્પિયરે આ વર્ષે રચ્યું. એની વાર્તા પણ એણે ઈટલીથી મેળવી. મધ્યયુગના જુનવાણી માનસના સામાન્ય વિવર્ત જેવી આ વાર્તામાં પણ શેક્‌સ્પિયરની લાક્ષણિક પાત્રવિકાસની શક્તિનું આહ્વાન નથી થયું. ‘જેનું છેવટ સારું’ (All’s Well That Ends Well) નાટકમાં લોકભોગ્ય પરીકથાનાં તત્ત્વો નિસ્તેજ દીસે છે. હેલેના નામની ગરીબ કન્યા રાજાનો અસાધ્ય રોગ દૂર કરે છે. બદલામાં પાલક કુટુંબના યુવાન ઉમરાવના હાથની એ માગણી કરે છે. છકેલ અને છેલબટાઉ યુવાન એની માગણીને તરછોડીને દેશવટો ભોગવે છે. ત્યાં એ વિષયી યુવાન સાથે વેશપલટો કરીને હેલેના રાત ગાળે છે. છેવટે રાજાના દરબારમાં એ રાતનું સ્મૃતિચિહ્ન દર્શાવીને હેલેના યુવાન બટ્રામને લગ્ન કરવાની ફરજ પાડે છે. ઉભય નાટકોમાં જાણે હારીથાકીને કવિ સુખાન્ત આણી આપે છે. ઉભય નાટકમાં વાસનાના દબાણ નીચે કામ કરી રહેલા માનવચિત્તનું અવિસ્મરણીય આલેખન થયું છે. ગર્વીલા આત્મવિશ્વાસથી મનમાં વસેલા પશુને ન ઓળખી શકતો એન્જેલો કે જેન્સી વૃત્તિને ધાર્મિકતાના આવરણમાં ન જોઈ શકેલી ઇઝાબેલ કે વિષયલાલસાને માર્ગે તનના અને મનના યોગ પ્રાપ્ત થશે એમ જાણવા છતાં પુંશ્ચલીને વશવર્તી રહેલો લ્યુશિયો – આ બધા ‘તાલ-બેતાલ’નાં માનસશાસ્ત્રીય પાત્રો જેવાં જ પાત્રો ‘છેવટે સારું’ નાટકમાં ફરીને દેખાય છે. મુક્ત વિલાસને શોધતો બટ્રામ, ગમે તે માર્ગે બટ્રામને પ્રાપ્ત કરવા મથતી હેલેના, દેહભૂખને સંતોષવા પ્રેયસીના હાથની માગણી કરતો વિદૂષક લવાશે કે પોતાની ભીરુતા છતી થતા પશુ જેવી જિંદગી માટે કરગરતો પેરોલે – વૃત્તિએ અર્પેલા અંધાપામાં તડફડાવતાં માનવજંતુઓનાં આ ચિત્રો છે. જિજીવિષા સહુને વળગી છે, પશુને તેમજ માનવને. બધી શક્તિ ક્ષીણ થાય તોય જીવનની લાલસા છૂટતી નથી, એવી જીવનની બલિહારી છે ને? શેક્‌સ્પિયરના પેરોલની માફક કોટિકોટિ જન રહે છે : "Simply the thing I am, shall make me live.” “પશુ જેવો હું ભલે રહ્યો, પણ જીવી જઈશ.”