શેક્‌સ્પિયર/સ્વસ્થ મનનાં સંભારણાં

From Ekatra Foundation
Jump to navigation Jump to search
14. સ્વસ્થ મનનાં સંભારણાં

શેક્‌સ્પિયરનાં જીવન અને કવનના સાંગોપાંગ અભ્યાસી ઍડમન્ડ ચેમ્બર્સે કવિની જીવનસંધ્યાનું અભિવાદન કરીને અર્પેલી કાવ્યાંજલિ આ પ્રમાણે છે :

I like to think of Shakespeare, not as when
In our old London of the spacious time,
He took all amorous hearts with honeyed rhyme
Or flung his jest at Burbage and at Ben,
Or speared the flying follies with his pen;
Or, in deep hour, made Juliet’s love sublime;
Or from Lear’s kindness and lago’s crime
Caught tragic hint of heaven’s dark way with men.
These were great memories, but he laid them down.
And when with brow composed and friendly tread,
He sought the little streets of Stratford town
That knew his dreams and soon must hold him dead.
I like to think how Shakespeare pruned his rose,
And ate his pippin in his orchard close.

“શેક્‌સ્પિયરનો વિચાર કરું છું ત્યારે પ્રાચીન લંડન નગરીના ભવ્ય યુગમાં સ્નેહભીનાં હૃદયોને વશ કરનારી કવિની મધુર પદાવલિ, કે બરબેજ અથવા બેનને વીંધનાર શેક્‌સ્પિયરના કટાક્ષ, કે જમાનાની હવામાં લહેરાતાં અટકચાળાંનો શબ્દવેધ રચનારી એની લેખિની, કે ગહરાઈની ક્ષણોએ જુલિયેટને સર્જકે અર્પેલું પ્રેમસાગરનું અસીમ દર્શન, કે લિયરના માનવ્ય આર્જવમાં કે ઇઆગોની દુષ્ટતામાં નાટ્યકારે ચીંધેલો માનવજીવનનો વિધિવિરચિત તિમિર પંથ – મારા વિચારોમાં એની પ્રતિભાના આ ઉન્મેષ કેન્દ્રસ્થ નથી. શેક્‌સ્પિયરનાં આ બધાં અવિસ્મરણીય અને ઉદાત્ત સ્મરણો હશે, જે આખરે તો જંપ્યાં હતાં. છેવટે તો કવિએ શાંત મનથી પેલા સ્ટ્રેટફર્ડ ગામની શેરીમાં મૈત્રીનાં કદમ ઉઠાવ્યાં, જે એનાં સ્વપ્નોનું સાક્ષી હતું અને જેની માટીમાં એની કાયા સમાવાની હતી. મારું મન તો સ્ટેટફર્ડના ઉદ્યાનમાં જીવનના પાછલા પહોરે ગુલાબની દેખભાળમાં રોકાયેલા અને વાડીમાં ઊગેલાં સફરજનનો આસ્વાદ લેનારા કવિનાં ઓવારણાં લે છે.” ૧૬૦૮ પછીનો શેક્‌સ્પિયર મનથી અને તનથી વાનપ્રસ્થ બન્યો છે. મિસરની મહારાણી ક્લિયોપેટ્રાના સર્જન પછી કવિએ પ્રેયસીને વિસારીને પુત્રીને મન સોંપ્યું છે. ૧૬૦૮ પછીનાં ચાર નાટકોમાં કેન્દ્રવર્તી પાત્ર પુત્રીનું રહ્યું છે : ‘પેરિકલીસ’માં મરીના, ‘સિમ્બેલિન’માં ઇમોજીન, ‘ધ વિન્ટર્સ ટેઇલ’માં પર્ડિટા અને ‘ધ ટેમ્પેસ્ટ’માં મિરાન્ડા. વત્સલ પિતાની દૃષ્ટિથી હવે કવિએ તરુણ કન્યાને નિહાળી છે. માર્ટીન ડ્રીશાઉટ નામનો એક હૉલૅન્ડવાસી યુવાન નિરાશ્રિત બનીને લંડન આવ્યો. ચિત્રકાર હતો એટલે વ્યક્તિચિત્રોનું કામ એણે હાથ ધર્યું. ૧૬૦૮માં એને બ્રિટનનું નાગરિકત્વ મળ્યું. ૧૬૦૯માં એણે કવિ વિલિયમ શેક્‌સ્પિયરનું અરુણચિત્ર રેખાંકિત કર્યું. ચિત્રમાં ઉપલે ખૂણે કવિનું ટૂંકું નામ અને સાલ મૂક્યાં, કવિનો વતનમાં નિવૃત્ત થવાનો નિર્ધાર આ રીતે વ્યક્ત થયો અને સ્ટ્રેટફર્ડની નવી હવેલીના દીવાનખાનામાં બે ચિત્ર સ્થાન પામ્યું. ૧૬૨૩માં કવિનાં નાટકોની કવિના મિત્રોએ મરણોત્તર ફૉલિયો આવૃત્તિ પ્રસિદ્ધ કરી ત્યારે આ ચિત્ર એમાં મુખ્યપૃષ્ઠ બન્યું. કવિમિત્ર બેન જૉનસને આ ચિત્રને ઉદ્દેશીને કવિપ્રશસ્તિ રચી. કવિના મૃત્યુ પછી સ્ટ્રેટફર્ડના દેવળમાં કવિની આરસની અર્ધપ્રતિમાનું સ્થાપન થયું. તે પણ આ ચિત્ર પરથી જ કંડારવામાં આવી. આ ચિત્ર અને પ્રતિમા ઉભયમાં કવિના ભૌતિક દેહની વિશિષ્ટ યાદગીરી સચવાઈ છે. વિશાળ ઉન્નત ભાલ, વક્ર ભૃકુટિ અને આછી બદામી કીકીમાં કવિપ્રતિભાની ઝાંખી વરતાય છે. ચિત્રનું મૌન તૂટે તો કવિના એકસો એકવીસમા સૉનેટની પંક્તિઓ શ્રવણસુભગ થાય :

I am that I am and they that level
At my abuses reckon up their own,
I may be, straight although themselves may be level
By their base thoughts my deeds must not be shown.

દૃઢ અને સુરેખ નાસિકા અને સહજ મરકતા ઓષ્ઠવાળું એ ચિત્ર હવે સ્ટ્રેટફર્ડના શેક્‌સ્પિયરસ્મારકગૃહમાં સ્થાન પામ્યું છે. કવિના મિત્ર અને સ્વજન વિલિયમ સોમરવેલ પાસે કવિનું એક લઘુચિત્ર સ્નેહપ્રતીકરૂપે હતું. તે ચિત્ર હવે ફોલ્જર ગ્રંથાલયમાં સચવાયું છે. ૧૬૧૦ની સાલમાં વતનનો પ્રસંગોપાત્ત મહેમાન મટીને કવિ ત્યાં જ સ્થા બન્યો છે. કવિના લંડનવાસ દરમિયાન નવી હવેલીની સંભાળ એના સ્વજન ટોમસ ગ્રીને સ્વીકારી હતી. સદ્ભાગ્યે ટોમસ ગ્રીન ગામના મહાજનનો મંત્રી હોવાથી એણે ખંતથી રોજનીશી રાખી છે. કવિના વસવાટ માટે નવી હવેલીની મરામત ગ્રીનની દેખરેખમાં થઈ હતી તેની નોંધ મળી આવે છે. કવિના આગમન પહેલાં ગ્રીને પોતાના વસવાટ માટે સમીપવર્તી મકાન ૧૬૧૦માં ખરીદ્યું. પૂરાં ૨૫ વર્ષે શેક્‌સ્પિયરે વતનની નિરાંત અનુભવી. નવી હવેલીનો મોખ આકર્ષક હતો. ૯૦ ફૂટની એની લંબાઈ હતી, એટલી જ એની ઊંચાઈ હતી. એનાં વાતાયન ઝરૂખા પ્રકારનાં હતાં અને કુંભીવાળા બે સ્થંભની વચ્ચે એનું પ્રવેશદ્વાર હતું. નકશીવાળા ઓકના લાકડાની સોપાનપંક્તિ પ્રવેશખંડમાં હતી. કુટુંબનો વસવાટ પહેલે મજલે હતો. ત્યાંથી સામે જ નગરના કીર્તિસ્થંભ જેવા મહાજનનો મિનારો દેખાતો. નવી હવેલીનો ઝાંપો કવિએ વિદ્યાભ્યાસ કર્યો હતો પાઠશાળાની બરોબર સામે મૂકવામાં આવ્યો હતો. ઝાંપાથી પગથિયાં સુધી પથ્થરજડિત ઉદ્યાનમાર્ગ હતો. જેની બન્ને બાજુએ હરિયાળીની બિછાત હતી અને હવેલીની સન્મુખે વ્યવસ્થિત ઉદ્યાન હતું. એની પછીતે ફળવાડી હતી અને તે પછી નદીના ઓવારા સુધી ગોચરનો ઢાળ હતો જ્યાં પોપ્લર વૃક્ષો અને વીલોની વેલ પથરાયાં હતાં. કવિએ રોપેલું શેતૂરનું વૃક્ષ રાજા ચાર્લ્સના સમયમાં નવા માલિકે કપાવી નાખ્યું હતું. પોતાના નિવૃત્તિકાળનો ખ્યાલ કરીને કવિએ અગમચેતીથી એ વૃક્ષ વાવ્યુ હતું. ત્યાં વૃક્ષોની કુંજઘટા હતી અને બહાર એક સૂર્યઘટિકા રચી હતી. વૃક્ષોની છાંયમાં એક ગામઠી આસન પર શેક્‌સ્પિયરે ઉદ્યાનમાં જીવનની સંધ્યા વિતાવી હતી. કવિપત્ની એન હવે તો પ્રૌઢાવસ્થાને પામી હતી, પરંતુ કવિસંતાનોનું એક સ્નેહભાજન હતી. ઘરના નોકરચાકરનો એવો પ્રેમ એણે સંપાદન કર્યો હતો કે કવિપરિવારનો એક વિશ્વાસુ ચાકર ટોમસ વીટીન્ગ્ટન અવસાન સમયે પોતાની બધી બચત કવિપત્નીને સ્વાધીન મૂકી ગયો હતો અને વિસ્તારના દરિદ્રજનોને એમાંથી દાન મળ્યાં હતાં. કવિએ ‘મૅકબેથ’ નાટકમાં કહેવડાવ્યું હતું કે, વાર્ધક્ય અન્યના સ્નેહ અને સહુના આદર વડે તેમજ મિત્રવૃન્દમાં સહ્ય બને છે. નાનકડા સ્ટ્રેટફર્ડમાં નિવૃત્તિ ઝંખતા કવિને મિત્રોનો તોટો ન હતો. એની જ શેરીમાં વસેલા કૃષિકાર રેનોલ્ડ્ઝ એના પરમ મિત્ર હતા. એમના મોટા પરિવાર માટે બાવીશ જેટલા તો પરિચારકો હતા. એમનું નિવાસસ્થાન હવે શેક્‌સ્પિયર હૉટેલ બન્યું છે. નજદીકની શાર્પ શેરીમાં ટાઇલર અને હૅમ્લેટ સેડલર વસતા હતા. કવિપુત્રનું નામકરણ હૅમ્લેટ સેડલર પરથી થયું હતું. બાજુમાં એન્થની નેશ હતા, જેમનો પુત્ર કવિની દોહિત્રીને વરવાનો હતો. વુસ્ટરના વડા ધર્મગુરુ જ્હૉન થોનબરો અને વોરીકના ફ્રાન્સિસ કોલિન્સ કવિના શાળાજીવનના ગોઠિયા હતા અને પ્રતિદિન સ્ટ્રેટફર્ડની મુલાકાત લેતા હતા. ધર્મગુરુ બનેલા જ્હૉન અને જગતગુરુ બનેલા કવિએ બાલ્યકાળમાં ભેગા વાડીઓ લૂંટી હતી અને શિક્ષા સહી હતી. આ ઉપરાંત કવિના મિત્રવૃન્દમાં કવિ માઇકલ ડ્રેઇટન અને સર તથા લેડી રેઇન્સફર્ડ હતાં. કવિનું જીવનવૃત્તાન્ત લખનાર નિકોલસ રૉએ લખ્યું છે કે, શેક્‌સ્પિયરની જીવનસંધ્યા મિત્રો સાથેનાં સંભાષણોમાં અને નિવૃત્તિના આરામમાં વીતી તે ઉપર્યુક્ત મિત્રોને આભારી છે. શેતૂરના વૃક્ષ નીચે કે ઉદ્યાનની વિધિમાં આરામ લેતા કવિએ સ્ટ્રેટફર્ડ પ્રેરિત ત્રણ નાટકો લખ્યાં છે, ગોપજીવનની પ્રાર્શ્વભૂ સહિત કારુણ્યદર્શનનું નાટક ‘ધ વિન્ટર્સ ટેઇલ’, વેઇલ્સના ડુંગરાને સાક્ષી બનાવતું સુખાન્ત નાટક ‘સિમ્બેલિન’ અને પરીકથા જેવું રૂપક ‘ધ ટેમ્પેસ્ટ’. ત્રણે નાટકમાં કવિની સંધ્યાનું ગાંભીર્ય અને ચિત્તની શાંતિ વ્યક્ત થયાં છે. જગત વિશેનો એનો પુણ્યપ્રકોપ હવે શમ્યો છે. ત્રણે નાટક કવિના વિકાસનાં છેલ્લાં સોપાન બન્યાં છે. ‘ધ વિન્ટર્સ ટેઇલ’ નાટકમાં સ્વદેહે પાછા વળેલા કવિને મૃતપુત્ર સાંભરી આવ્યો છે અને મેમિલસના પાત્રમાં ગહન વ્યથા પ્રગટી છે. પડખે નિવાસ કરી રહેલી પુત્રી સુઝાનાની બે બાલિકાની સોબત હવે કવિને સતત મળી છે. પ્રત્યેક નાટકમાં એણે નિસર્ગની ઉત્સંગવાસી કન્યાનું સર્જન કર્યું છે. વનફૂલ જેવી એ બાળાઓ લંડનની ફૂલવાટિકાની પ્રેરણા નથી, કિન્તુ આર્ડનના વાયરાના હિલ્લોળની એ ભેટ છે. ત્રણે નાટકોમાં એક પ્રકારની સમાધિની અવસ્થા કવિએ અનુભવી છે. જગતને એણે ચિંતવ્યું છે, જાણે કે જગતથી દૂર વસીને. કવિ વર્ડ્ઝવર્થને શ્રવણગોચર માનવોનો કરુણશાંત સ્વર (the still sad voice of humanity) એટલે જ કવિનાં આ ત્રણ નાટકો. ઊર્મિના ઉદ્રેકમાં હવે ઉષ્માનો શેષ ભાગ રહ્યો છે, પરંતુ અગનઝાળથી કવિ દૂર ખસ્યો છે. પ્રત્યેક નાટક કોઈ તપસ્વીનાં દિવાસ્વપ્ન જેવું દર્શન લઈને આવ્યું છે. ત્રણે નાટક એક જ માનસિક ભૂમિકાનાં વિવિધ પાસાં જેવાં છે, અન્યોન્યાસક્ત છે. કોઈ નવી જ અનુભૂતિને વ્યક્ત કરવાની મથામણનો પરિપાક ત્રણ નાટકરૂપે જગતને મળ્યો છે. ‘સિમ્બેલિન’ નાટકમાં કવિએ સાચવી સાચવીને ધીમાં ડગ ભર્યાં છે. કશેક્ એ ડગ લથડ્યાં પણ છે. ‘ધ વિન્ટર્સ ટેઇલ’ નાટકમાં એનાં ચરણ વધુ દૃઢ બન્યાં છે. છેવટે ‘ધ ટેમ્પેસ્ટ’ નાટકમાં કવિ પૂરો સ્વસ્થ બન્યો છે. કેટલાકે આ નાટકોમાં ધર્મરત કવિનું રહસ્યદર્શન અનુભવ્યું છે. તો બીજા વળી યુવાવસ્થાની શ્યામાને પૂરી વિસારીને તનયાંમાં અનુસ્યૂત મનવાળા કવિને આ નાટકોમાં નિહાળે છે. ‘સિમ્બેલિન’ નાટકના કોર્નેલિયસ પાત્રમાં કવિના જમાઈ ડૉક્ટર હૉલનું કોઈકે સ્મરણ કર્યું છે. ‘ધ ટેમ્પેસ્ટ’ નાટકના રાજકુમાર ફર્ડિનાન્ડ પાસે કઠિયારાનું કામ કરાવનાર પ્રોસ્પેરોમાં વળી યુવાન કવિ ફ્લેચરને કલાસર્જનમાં વધુ કષ્ટ સહન કરવાની શીખ દેતો શેક્‌સ્પિયર પણ કોઈકે કલ્પ્યો છે. વિવેચક સ્ટ્રેશીએ જગતથી કંટાળેલા મનનો થાક આ નાટકોમાં દીઠો છે. નાટ્યવિવેચક ગ્રેનવીલ બાર્કરે વળી નવી જ લીલા આ નાટકોમાં શોધી છે. આરૂઢ નાટ્યકાર શેક્‌સ્પિયરને કરુણાન્ત મહાનાટકોના સર્જન પછી દિવાસ્વપ્ન જેવાં સરળ લેખનમાં આસાન કામ મળી ગયું અને ડાબા હાથના ખેલ જેવાં નાટકો એણે રચી નાખ્યાં એમ તેઓ માને છે. એમણે લખ્યું છે, ‘જ્યારે મહાસર્જનના ઘણ ઉપાડીને તમે ભવ્યકરુણ સિસૃક્ષાને ઘાટ આપ્યો હોય ત્યારે બાલકની ક્રીડા જેવાં નાટકો રચવામાં શ્રાન્ત મન ફરી વિશ્રાંતિ અનુભવે.’ એથી ઊલટું લીટન સ્ટ્રેશીનું કથન છે કે, ‘કવિ જાતથી કંટાળ્યો હતો, માનવોથી કંટાળ્યો હતો, જીવન અને નાટકથી કંટાળ્યો હતો, કેવળ કાવ્ય અને કાવ્યસ્વપ્નોમાં હવે એને રસ રહ્યો હતો. ઘટના કે સંવાદોમાં હવે એનું મન ન હતું. કેવળ નવા લય અને નવાં ઊર્મિ સ્પંદનોમાં એને મનમેળ હતો.’ પરંતુ જે પ્રાણવાન લય આ નાટકોમાં વિવેચક સ્ટ્રેશીએ સ્વીકાર્યો છે તે લય પોતે જ સ્ટ્રેશીને મળેલો પ્રત્યુત્તર છે. શ્રમિત હાથ કે કલાન્ત મનના ભણકારા જેવો એ લય નથી જ. ત્રણે નાટકો વિષે બીજી પણ એક દૃષ્ટિ છે. ઇતિહાસને શોધી વળતી એ વૈજ્ઞાનિક દૃષ્ટિ આ નાટ્યસર્જનોને સમકાલીન નાટ્યપ્રવૃત્તિના વાસ્તવથી તપાસે છે. ત્રણે નાટકો એક નવી જ રંગભૂમિ માટે રચાયાં હતાં. આ વર્ષોમાં નટઘર ગ્લોબ ઉપરાંત એક નવા જ પ્રકારનું છતયુક્ત નટઘર કવિની મંડળીએ મેળવ્યું હતું. રાજા આઠમા હેન્રીએ જે ઇમારતમાં રાજરાણી કૅથેરિનનો લગ્નવિચ્છેદ કરાવ્યો હતો તે બ્લેકફ્રાયર નિવાસ હવે શેક્‌સ્પિયરની મંડળીનું નટઘર બન્યું હતું. રાજપ્રાસાદ જેવા એ નટઘરમાં મોસમ પ્રતિકૂળ હોય ત્યારે પણ નાટકો ભજવવાની સગવડ હતી. ચારે બાજુથી બંધ એવા એ નટઘરમાં ઊંચે સાદે બોલાયેલા સંવાદો આવશ્યક ન હતાં. મધુરકોમલ પદાવલિને બહલાવે તેવા પ્રેક્ષકો માટે એ નટઘર રચાયું હતું. શેક્‌સ્પિયરે આવી અનુકૂળતાને પ્રીછીને નાટકોમાં કાવ્યની મધુરિમા પ્રગટાવી આપી છે: ઇતિહાસવિદો એમ પણ નોંધે છે કે નવી પેઢીના કવિઓનું નવાં નાટકો સાથે આગમન થયું હતું. બોમન્ટ અને ફ્લેચર ‘ફિલાસ્ટાર’ નાટક સાથે રજૂ થયા હતા અને માર્લો, ગ્રીન અને કીડને આત્મસાત્ કરી શકેલો શેક્‌સ્પિયર આગંતુકોની પ્રેરણાને ઉવેખી શક્યો નહીં. નવીનોનાં સર્જનોમાં પ્રસંગોની અતિશયોક્તિને અને કાકતાલીય ઘટનાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. ‘સિમ્બેલિન’ નાટકને નવીન નાટકો સાથે સરખાવતાં અનેક સામ્ય મળી આવે છે. જોકે બોમન્ટ-ફ્લેચરનાં નાટકો શેક્‌સ્પિયરનાં છેલ્લાં નાટકોની અસર નીચે રચાયાં હોવાનો સંભવ નકારી શકાતો નથી. એમનું પ્રથમ નાટક ‘સંનિષ્ઠ ગોપિકા’ (The Faithful Shepherdess) શેક્‌સ્પિયરનાં ત્રણે નાટકો પહેલાં રચાયું હતું. શેક્‌સ્પિયરનાં છેલ્લાં નાટકો જેવું એ નાટક કરુણસુખાન્ત રહ્યું છે. મધુર સ્વરલીલા એ નાટકનું વિશિષ્ટ લક્ષણ છે. અસંભવ પ્રસંગોનું સંયોજન એ નાટકની પરખ છે. સદૈવ વિનમ્ર શેક્‌સ્પિયરે આ નવી રીત અને નવા લયને પારખીને પ્રેરણા મેળવી હોય એ સ્વાભાવિક છે. આરૂઢ નાટ્યકાર શેક્‌સ્પિયર લેખનપ્રવૃત્તિના સમાપ્તિકાળે પણ સમકાલીન સાહિત્યપ્રવાહોથી પ્રભાવિત થયો છે એ હકીકત કવિને છેવટ સુધી વિકાસોન્મુખ દર્શાવી રહે છે. ખુલ્લા આકાશ નીચે ભજવાયેલાં નાટકો કરતાં બ્લેકફ્રાયર્સના બારમાસી નટઘરમાં ભજવાતાં શેક્‌સ્પિયરનાં છેલ્લાં નાટકો નવી રંગભૂમિની નવી રીતો અજમાવે કે વધારે ભદ્ર પ્રેક્ષકવૃન્દ સમીપે કાવ્યસુધાના આસ્વાદ જેવાં નાટકો એ રજૂ કરે એનો અર્થ એવો તો નથી જ કે સ્વત્વને છોડીને કવિએ સર્જન કર્યું. અનુકૂળ રંગભૂમિને તેણે પોતાના અર્થઘટનમાં જોતરી એવી પ્રતીતિ છેલ્લાં નાટકો જન્માવે છે. કારકિર્દીની પાછલી અવસ્થામાં પોતાના વિકાસક્રમને શેક્‌સ્પિયરે બદલ્યો નથી. કરુણાન્ત નાટકોથી થાકીને કે સર્જનવેદનામાં રાહત તરીકે કવિએ દુતિદર્શન ટાળીને દિવાસ્વપ્ન જેવાં છેલ્લાં નાટકો લખ્યાં એ માન્યતા અનુચિત ઠરે છે. દુરિતને દુઃસ્વપ્ન બનાવીને માનવસ્વભાવના કાયાકલ્પ માટે મથતાં એ નાટકો છે. એનો પહેલો પ્રયોગ એણે ‘પેરિક્લીસ’ નાટક રચીને કર્યો છે. કરુણાન્ત ‘લિયર’માં આવતું પ્રકૃતિનું તોફાન ‘પેરિક્લીસ’ નાટકમાં ‘પેરિક્લીસ’ને પત્ની અને પુત્રીથી વિખૂટો પાડે છે, પરંતુ હવે પ્રકૃતિનાં તાંડવ માનવવિરોધી નથી રહ્યાં, દિવ્ય સંકેતો બન્યાં છે. નિર્દોષ પુત્રી મરીના વેશ્યાવાડે વેચાય છે અને છતાં જલકમલવત્ રહી શકે છે. માનવજીવનમાં સ્થાન પામેલાં સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ શેક્‌સ્પિયરનાં છેલ્લાં નાટકોનાં ત્રિપરિમાણ દર્શન બન્યાં છે. માનવના પાપભારનો પૂરો તાગ મેળવીને અસદ્-ને નકાર્યા વિના સદ્-ને ઢૂંઢવાની પ્રબળ એષણા ‘પેરિક્લીસ’ નાટકથી આરંભાય છે. વિવેચક ચેમ્બર્સ આ નવા પ્રયાણની તિથિ 1607-8ના વર્ષમાં ચીંધે છે. ‘ઍથેન્સના ટીમન’નું નાટક રચ્યા પછી શેક્‌સ્પિયર ચિત્તક્ષોભ પામીને ઊંડા આત્મચિંતન તરફ વળ્યો છે એવું એનું અનુમાન છે. ૪૨ની વયે ભીષણ કરુણાન્ત દર્શન પછી એ સાચે જ વૃદ્ધ બન્યો છે અને બાકીનાં વર્ષો એણે સ્વપ્નસુખમાં વિતાવ્યાં છે. આ સ્વપ્નાં નાટ્યદેહ પામ્યાં છે. કોમલ પદાવલિ અને સુકુમાર સૌંદર્યને એ વર્યાં છે. આ સાથે જ વિવેચક ટિલિયાર્ડનું મંતવ્ય પણ મૂકવું રહ્યું કે કવિનાં છેલ્લાં દિવાસ્વપ્નો એનાં કરુણાન્ત નાટકોનો ઉત્તરાર્ધ છે. આધુનિક મનોવિજ્ઞાનમાં પરિચિત એવું એક સત્ય શેક્‌સ્પિયરનાં અંતિમ દિવાસ્વપ્નોમાં અંકિત થયું છે. સંતાનોનાં નિર્દોષ જીવન વડીલોનું પાપમોચન બને છે એ ત્રણે નાટકોમાં કેન્દ્રસ્થ પ્રતીતિ છે. કવિના નવા જીવનદર્શનની પહેલી પૂર્ણ કૃતિ ‘સિમ્બેલિન’ નાટક હોવાથી એ નાટક પ્રયોગશીલ બન્યું છે. જાણે કે કવિએ સ્વપ્નલોકમાં ઉતાવળે પ્રવેશ મેળવવાની તાલાવેલીમાં હજાર વાત વિસારી હોય તેમ અનેક વિસંગતિઓ ઉપલક નજરે પણ આ નવા સંયોજનમાં વરતાય છે. પ્રાચીન બ્રિટન, ઐતિહાસિક રોમ અને સમકાલીન ઈટલી – ત્રણે આ નાટકમાં સહઅસ્તિત્વ પામ્યાં છે. નાટકની ઘટનાઓ દુરાકૃષ્ટ હોવાથી નાટકનું પોત કાલ્પનિક દીસે છે. રાજા સિમ્બેલિન નવી રાણીના મોહપાશમાં જકડાયા છે. નિર્દોષ રાજકુમારી ઇમોજીન અપર માતાના ઈર્ષ્યાગ્નિ ઝાળ અનુભવે છે. સ્વભાવ અને સંસ્કાર વચ્ચેનો વિસંવાદ એ આ નાટકનું નાટ્યબીજ રહ્યું છે. નવી રંગભૂમિના આ નાટકમાં રાજકુળ અને ભદ્રસમાજનાં આકર્ષણ બનેલાં નવાં પ્રેક્ષણીય તત્ત્વો ‘પેજન્ટ’, ‘માસ્ક’, દેવોનું સદેહે અવતરણ વગેરે ઉમેરાયાં છે. ‘સિમ્બેલિન’ નાટકમાં તુરંગવાસી બનેલા પોસ્થુમસને ગરુડવાહન ઉપર વિરાજેલા જ્યુપિટર દેવનાં દર્શન થાય છે પ્રેક્ષણીય તત્ત્વો સાથે સંગીત હવે ભળે છે. આનો ખુલાસો કવિએ ‘ધ વિન્ટર્સ ટેઇલ’ નાટકમાં આપ્યો છે અને રાજા લીઓન્ટીસને મુખે બોલાવ્યું છે, ‘ધરતીને વસંતની જેટલી ઇન્તેજારી એટલો જ આદર માનવઉરમાં તમારો.’ માનવીમાં સુષુપ્ત પડેલું, આત્મકલ્યાણનું બીજ ‘સિમ્બેલિન’ નાટકમાં અંકુરિત બને છે. ઈર્ષ્યાળુ પતિ અને વેરી અપરમાતાના ત્રાસથી છુટકારો મેળવવા ઇમોજીન ડુંગરા ખૂંદે છે. એને અજાણ્યા એવા સહોદર રાજકુમારો એ ડુંગરામાં વસે છે. ઇમોજીનને હેરાન કરવા એનો સાવકો ભાઈ ક્લોટન એના પતિ પોસ્થુમસનો વેશ ધારણ કરીને આવી પહોંચે છે અને અજાણ્યા રાજકુમારોને હાથે એનો વધ થાય છે. મસ્તક વિનાનું એનું ધડ પોસ્થુમસના પોશાકમાં વીંટળાયું હોવાથી એને પતિ માનીને ઇમોજીન મૂર્છિત બને છે. રાજકુમારો એનું મૃત્યુ થયું છે એમ માનીને અશ્રુભીની અંજલિ અર્પે છે. ત્યાં સુધીનું નાટક એક કરુણાયાત્રા છે, પરંતુ છેલ્લા અંકમાં બધાંયે પાત્રો સ્વર્ગના વિસામા જેવા મીલ્ફર્ડ બંદરે એકઠાં મળે છે, ઇંગ્લૅન્ડ અને રોમ વચ્ચે તહકૂબી થાય છે અને આશ્ચર્યની પરંપરા જેવાં સ્નેહમિલન રચાય છે અને પરસ્પરના ક્ષમાપનમાં નાટક વિરમે છે. તે પછીની કૃતિ ‘વિન્ટર્સ ટેઇલ’ (શિશિરકથા) પણ અભિજ્ઞાનનું નાટક બન્યું છે ‘પેરિક્લીસ’માં જેમ રાજાથી વિખૂટાં પડેલાં રાજરાણી અને રાજદુહિતા પુનઃપ્રાપ્ત બને છે અને ‘સિમ્બેલિન’ નાટકમાં જેમ રાજાને છીનવી લીધેલા કુંવરો અને ગૃહત્યાગ કરી ગયેલી કુંવરી પાછાં મળે છે, તેવી જ રીતે ‘શિશિરકથા’ નાટકમાં સિસિલી દેશનો રાજવી લીઓન્ટીસ, પાપમોચન બાદ, મૃત પત્ની હરમિયોની અને સ્મૃતિલુપ્ત કુંવરી પર્ડિટાને ફરી મેળવવા ભાગ્યશાળી નીવડે છે. આ નાટકમાં પણ કવિએ નિસર્ગ અને માનવસ્વભાવ, અતિસંસ્કારના કેન્દ્ર જેવા રાજપ્રાસાદો અને પ્રકૃતિબાળ જેવાં જનપદોનો અન્યોન્ય સહાયક વિશિષ્ટ સંબંધ પ્રમાણિત કર્યો છે. પ્રકૃતિરક્ષતિ જીવનમાં સંસ્કૃતિની નોળવેલ કવિને લાધી છે. નાટકના પ્રારંભે સિસિલી દેશનો રાજા લીઓન્ટીસ બોહિમિયા દેશના એના પરમમિત્ર રાજા પોલિકસેનીસનો અતિથિસત્કાર કરે છે. વતનમાં સત્વર પહોંચવા ઉતાવળો બનેલો પોલિકસેનીસ મિત્રપત્ની રાણી હરમિયોનીના આગ્રહથી પ્રયાણ મુલતવી રાખે છે. આથી રાજા લીઓન્ટીસનું રાજવી અભિમાન ઘવાય છે. પોતાની વિનંતીની અવગણના કરીને રાજા પોલિકસેનીસ રાણીના વચને બંધાયો એ વાત લીઓન્ટીસને શલ્ય પેરે ખૂંચે છે. ઈર્ષ્યાથી એ ભભૂકી ઊઠે છે અને પોતાની સ્નેહાર્દ રાણી હરમિયોનીને પરહેજ કરે છે. ફૂલ જેવો રાજકુમાર મેમિલસ માતાપિતાના સંતાપથી કરમાય છે અને પ્રાણ ત્યાગે છે. કારાગારમાં રાણીની કૂખે પુત્રી પર્ડિટા જન્મ ધારણ કરે છે. રાજાનો કોપ નિર્દોષ પુત્રીને ઝડપી લે છે. એક ઉમરાવ સાથે એ પુત્રીને પરદેશ મોકલી આપે છે. એમનું જહાજ બોહિમિયાના કિનારે તૂફાનમાં ડૂબે છે. જંગલી રીંછ ઉમરાવને ફાડી ખાય છે અને બાળક રાજકુમારી એક ગ્રામજનને મળી આવે છે. નાટકના પ્રથમ ત્રણ અંક આવી રીતે આપખુદીએ સર્જેલી વીતકકથા બન્યા છે. પરંતુ ચોથો અંક સોળ વર્ષો પછી શરૂ થાય છે. હવે અજ્ઞાત રાજકુમારી પર્ડિટા ગામડાની રાધિકા બની છે. એ મહિયારી છે અને ફૂલકુંવર પણ. બોહિમિયાનો છે રાજકુંવર ફ્લોરિઝેલ એનો પ્રિયતમ છે. ફૂલડોલના ઉત્સવમાં પરીરાણી બનેલી પર્ડિટા અને રાજકુંવરની પ્રણયલીલા જોઈ જતાં રાજા પોલિકસેનીસ એમને દેશવટો ફરમાવે છે. કુંવર અને કુંવરી રક્ષણાર્થે સિસિલી દેશમાં આવી પહોંચે છે. પોતાના જ હાથે પત્ની અને સંતાનો ખોઈ બેઠેલો રાજા લીઓન્ટીસ પશ્ચાત્તાપના અગ્નિમાં પૂરાં સોળ વર્ષ તપ્યો છે. એક મશહૂર શિલ્પીએ રાણી હરમિયોનીની જ હૂબહૂ જીવંત પ્રતિમા રચી છે તેનું ઉદ્ઘાટન રાજાને હાથે થાય છે. પ્રેમનાં અને મનોતપનાં વેણ રાજાને મુખે સહજ સરી પડે છે અને પ્રતિમાના છદ્મવેશે જીવતી રહેલી રાણી હરમિયોની પ્રગટ થાય છે. પુત્રી પર્ડિટામાં રાણીને વ્યથાનાં કારમા વર્ષોનું જાણે વળતર મળે છે. માતાપિતાની ભૂલોના પરિણામે એ સ્નેહપુનિત દાંપત્ય પામી છે – આ રીતે ‘શિશિરકથા’ અંતે વાસંતીલીલા વિલસાવે છે. પરીકથાનું વસ્તુ લઈને રચેલા આ નાટકમાં કવિએ માનવીમાં ‘અમર શિશુ’ (And to be boy eternal) શોધ્યો છે. ચોથા અંકની પર્ડિટા ઉલ્લસિત વસંતનું દર્શન પામી છે અને પ્રેમી ફ્લોરિઝેલની વાણી ભદ્રપ્રેમનું કાવ્ય બની છે. પ્રેમને ખાતર રાજપાટને છોડતાં એ કહી શકે છે - I am heir to my affection (પ્રેમરાજ્યનો હું વારસ છું). પર્ડિટાના વર્ણનમાં પુત્રીપ્રેમની અવધિ આણી છે.

What you do
Still betters what is done.
That all your actions are queens.

માનવસમાજ જેને કલા અથવા સંસ્કૃતિને નામે પિછાને છે તેને શેક્‌સ્પિયર હવે ઈશકૃપા માને છે. નાટકને અંતે રાણી હરમિયોની એક જ વાક્ય ઉચ્ચારે છે : You gods, look down. And from your sacred vials pour your graces upon my daughter’s head. ‘નીચે ધરતી પર દૃષ્ટિ કરો, હે દેવ, અને મારી બેટીના મસ્તક ઉપર આપના પવિત્ર કળશોની અમીવૃષ્ટિ કરો!’ સાયમન ફોરમેન નામના એક શિક્ષકે ૧૬૧૧ની સાલમાં લંડન આવીને જે નાટકો જોયાં તેમાં છેલ્લું નાટક ૧૫મી મેની સાંજે ‘શિશિરકથા’ હતું. ઉપરાંત જૅમ્સની કુંવરી એલિઝાબેથનું વાગ્દાન જર્મન રાજકુમારને થયું ત્યારે મહેલમાં ભજવાયેલાં નાટકોમાં ‘શિશિરકથા’નું સ્થાન હતું. જીવનના પરોઢનો આકાશી વૈભવ જાણે જીવનના સંધ્યાકાળે વિસર્યો હોય તેવું અચરજ કવિએ એના અંતિમ સ્વતંત્ર નાટક ‘ઝંઝા’ (‘The Tempest’)ના સર્જનમાં સમાવ્યું છે. યુવાનીમાં ‘વાસંતી રાત્રિનું સ્વપ્ન’ રચીને કલ્પનાભોમનો યાત્રી શેક્‌સ્પિયર કવિયશપ્રાર્થી બન્યો હતો. છેલ્લા નાટક ‘ઝંઝા’માં એ ભોમનું અંતિમ દર્શન કરાવીને પ્રેક્ષકોને કર્મભૂમિની દિશામાં એ પાછા વાળે છે. કલાની માયા સમેટી લેતાં પ્રોસ્પેરોના શબ્દોમાં એ જાણે ઉચ્ચારે છે કે, હવે સહુ સહુને ઘેર જાય જ્યાં ‘પ્રતિપળ મોતનું સ્મરણ હશે.’ Where every theird thought shall be my grave. ઉમરાવ સાઉધમ્પ્ટનને યુવાનીમાં ચિત્તે ધર્યો હતો તેવા કવિ શેક્‌સ્પિયરે છેલ્લી અને અનવદ્ય નાટ્યકૃતિ ‘ઝંઝા (The Tempest)’ પ્રૌઢ સાઉધમ્પ્ટનના અમેરિકી સાહસને સ્મરીને રચી છે. સાઉધમ્પ્ટને હવે અમેરિકામાં વસાહતો સ્થાપવાનું કામ હાથ ધર્યું હતું. ૧૬૦૫ની સાલમાં ‘કોન્કોર્ડ’ નામનું જહાજ મોકલીને અને ૧૬૦૯માં નવ જહાજોનો કાફલો મોકલીને એણે ઉત્તર વર્જિનિયા પ્રદેશમાં વસાહતોનો સ્થિર વિકાસ સાધ્યો હતો. કાફલાનું મુખ્ય જહાજ ‘સમુદ્ર સાહસ’ - ‘Sea Adventure’ મોટા તૂફાનમાં સપડાયું અને બર્મુડાદ્વીપ પાસે નિર્જન ટાપુના ખરાબે ખોટકાયું. સાઉધમ્પ્ટનનો પરમ મિત્ર ઉમરાવ સમર્સ એ જહાજમાં હતો અને નિર્જન ટાપુ ઉપર એણે ઘણા માસ વિતાવ્યા હતા. જ્યારે ‘સમુદ્ર સાહસ’ના નાવિકોને બચાવી લેવામાં આવ્યા અને તેઓ સ્વદેશ પાછા ફર્યા ત્યારે નિર્જન ટાપુના વિસ્મયકારી અનુભવો, ત્યાંની અદૃષ્ટ પ્રેતસૃષ્ટિનાં વર્ણનો, અહોરાત પ્રલયંકર ગર્જના કરતા ત્યાંના જલરાશિ, સાગરદ્વીપની ચિત્રવિચિત્ર જીવસૃષ્ટિ – આ બધું લંડનનગરીમાં લોકજીભે વહેતુ થયું. સાઉધમ્પ્ટનની મંડળીમાં આ અનુભવો ગૌરવનો વિષય બન્યા. કવિ શેક્‌સ્પિયરે, વર્તમાનમાં શાશ્વતીને શોધતી કવિદૃષ્ટિથી એ અનુભવોને ‘ઝંઝા’ નાટકમાં મોહિની રૂપ અર્પીને The Enchanted Island(માયાવી દ્વીપ)નું આલેખન કર્યું. વાસ્તવનો ઘૂંઘટ હઠાવીને દિવ્ય દર્શન કરાવ્યું. શેક્‌સ્પિયરે સામ્રાજ્યવાદના આરંભકાળે જ સામ્રાજ્યો અને શાસિત પ્રજાના ભાવિ સંબંધોનાં એંધાણ પામી જવાનો કવિધર્મ પણ બજાવ્યો. માયાવી દ્વીપમાં અણજાણ્યો આવી પહોંચેલો મિલાનનો ઠાકોર પ્રોસ્પેરો ટાપુના આદિવાસી કેલિબાનને કેળવીને ગુલામ બનાવે છે. એની પાસે કઠિયારાનું કામ કરાવે છે. તૂફાનમાં સપડાઈને આશ્રય શોધતા સિસિલીના સામાન્ય નાવિક સ્ટિફાનો અને ટ્રિન્કુલો એને દારૂની લતે ચઢાવે છે. જાણે કે ત્રણ સદીના યુરોપી સામ્રાજ્યવાદનો વહીવંચો બનીને શેકસ્પિયર ભાવિ વાંચી આપે છે કે અમેરિકા, આફ્રિકા અને એશિયાના આદિવાસીઓને યુરોપની સંસ્કૃતિના અનિવાર્ય પરિચયે પહેલાં પ્રાપ્ત થશે અપલક્ષણો : શરાબ, જુગાર, ગુપ્તરોગો અને પરાધીનતા. પ્રકૃતિનું જીવન છોડીને અર્વાચીન સભ્યતાના રાહ ઉપર પદાર્પણ કરવામાં શાસિત પ્રજા ઘણું વેઠશે એ વાત કવિને અજાણી નથી. પ્રોસ્પેરોરૂપી યુરોપ વિજ્ઞાનમૂલક ચમત્કારો દ્વારા પ્રકૃતિ (Ariel) અને માનવો ઉપર પ્રભુત્વ જમાવશે એમ શેક્‌સ્પિયરે ‘ઝંઝા’માં દર્શાવ્યું છે. યુરોપીય સામ્રાજ્યવાદનો એ દાવો હતો કે અન્ય દેશોની પ્રજાને નવી વિદ્યા અને નવા સંસ્કાર અર્પીને એણે વિકાસના મહામાર્ગ ચીંધ્યા છે. શેક્‌સ્પિયરે કવિના સ્વસ્થ તાટસ્થ્યથી આદિવાસી કેલિબાન મારફતે જાણે એશિયા અને આફ્રિકાના જનસમૂહનો રોષ વ્યક્ત કર્યો છે : ‘સત્યનાશ જાય તમારું કે તમે મને તમારી ભાષા શીખવી, જેનો ઉપયોગ હું તમારા ઉપર લ્યાનત વરસાવવામાં કરી શકું.’ પ્રકૃતિ અને સંસ્કૃતિનાં ચિરકાલીન સંઘર્ષને નિર્જન ટાપુ ઉપર યુરોપીય પ્રોસ્પેરો અને આદિવાસી કેલિબાનની કથામાં શેક્‌સ્પિયરે રૂપક બનાવીને સાચવ્યો છે. તેવી જ રીતે આવી રહેલા વિજ્ઞાનયુગનાં ચમત્કારો અને હૈયાભારોને જાદુગર પ્રોસ્પેરો અને એણે કબજે કરેલાં દિવ્ય તત્ત્વ (Ariel)નાં પારસ્પરિક સ્પન્દનોમાં કવિએ વ્યક્ત કર્યા છે. જાણે કે અણુશક્તિના એરિયલને કબજે કરી બેઠેલા વૈજ્ઞાનિકોની વાત કવિ ન કહેતો હોય! ત્યાં પણ કવિએ શાશ્વત ઝંખ્યું છે. અણુશક્તિ માનવીનાં ધાર્યા કામ કરી આપશે, પણ અંતે તો એરિયલની માફક એ શક્તિ માનવીથી મુક્ત બનીને ઉલ્લાસથી ચૌદેલોકમાં વિચરશે :

Merrily, merrily shall I live now
Under the blossom that hangs on the bough.

નૃવંશશાસ્ત્રની નવી વિદ્યાની જાણે પ્રતીતિ થતી હોય તેમ ‘ઝંઝા’ નાટકમાં પશુ કક્ષાથી માંડીને અતિમાનવ અને દિવ્ય માનવ સુધીનો ચેતનપટ કેલિબાનથી એરિયલ સુધીનાં પાત્રોમાં સ્પષ્ટ થયો છે. વળી મનોવિજ્ઞાને પ્રગટ કરેલાં નવાં સત્યોની ઝાંખી થતી હોય તેવી માનવીના મનોરાજ્યની બધી વ્યવસ્થા Id, Ego અને Super Egoની ત્રિમૂર્તિ જેવા કેલિબાન, પ્રોસ્પેરો અને એરિયલની પાત્રત્રિપુટીમાં આકાર પામી છે. નીતિનિપુણોને અને અધ્યાત્મરસિકોને ‘ઝંઝા’ નાટકમાં ‘માનવ ઈશ્વર બને તો?’ એ પ્રશ્નનો ઉકેલ જડી આવે છે. કવિનું છેલ્લું નાટક હતું એટલે વિવેચકોએ એમાં કવિની આત્મકથા શોધી છે. માયાવી દ્વીપને અલવિદા કહેનારા જાદુગર પ્રોસ્પેરોમાં એમણે રંગભૂમિની માયા સંકેલી લઈને લંડનને છેલ્લા રામ રામ કહેનાર શેક્‌સ્પિયર દીઠો છે. પ્રોસ્પેરોની ચિત્તહારી દુહિતા મિરાન્ડામાં એમણે કવિપ્રજ્ઞાની પરિણતિ જેવી મનોહારી અને અમર પાત્રસૃષ્ટિનું દર્શન કર્યું છે. પ્રોસ્પેરોના વશવર્તી અને અદૃશ્ય દિવ્ય પાત્ર એરિયલમાં એમણે કવિની અદૃષ્ટ સિસૃક્ષાને મૂર્ત થયેલી પિછાની છે. પ્રોસ્પેરોની ‘જુદાઈ લકડી’માં એમણે કવિના અક્ષરદેહની વાહિની જેવી લેખિનીનું સ્મરણ કર્યું છે. કેલિબાનમાં એમણે કાવ્યસર્જનમાં વિઘ્નરૂપ જાગતિક પ્રલોભનો અને સ્થૂળ ઊર્મિનિર્દેશ વાંચ્યાં છે. નાટ્યસર્જન લેખે ‘ઝંઝા’ નાટકમાં શેક્‌સ્પિયરનો વીસ વર્ષનો સર્જનઅનુભવ કવિના નવા અને ચરમ દર્શનને ઘાટ આપવામાં પૂર્ણતયા સફળ બન્યો છે. કવિની શ્રુતિ અને સ્મૃતિ ‘ઝંઝા’માં એકાકાર બન્યાં છે. હવે ‘માનવ પદારથ’ વિશે નિશ્ચિત બનીને, નાટકને અંતે કવિ એની કલ્પનાની દ્વારિકા જેવાં નટઘર ગ્લોબમાંથી વિદાય લેતાં કશાયે ઉદ્વેગ કે ઉચાટ વિના અનિર્વચનીય શાતા અનુભવીને કહે છે, ‘પૂરા થયા આપણા મહોત્સવો હવે.’

Our revels now are ended.

માનવબિરાદરી વિશે નિઃશંક બનીને કવિ ઉચ્ચારે છે : ‘એવી માટીનાં આપણે તો પૂતળાં કે એમાં સોણલાં મહોરી ઊઠે છે; અલ્પાયુષી આપણું જીવન નિદ્રામાં વિરમે છે.’

We are such stuff as dreams are made on,
And our little life is rounded with sleep.

બુદ્ધિગ્રાહ્ય ન હોય એવું ઘણું જીવનમાં દૃષ્ટિગોચર થાય છે. બુદ્ધિગ્રાહ્ય ન હોવાથી ઊર્મિગ્રાહ્ય ન હોય એવું તો બનતું નથી એટલે જીવનના એ પાસાને અગમ્ય કહીને અટકવું પડે છે. એનાં છેલ્લાં નાટકોમાં શેક્‌સ્પિયર અગમ્યને ઊર્મિપ્રતીકો દ્વારા સહ્ય બનાવે છે. છેલ્લાં ત્રણ નાટકોમાં સાગરનું તોફાન આવી અમાનવ્ય અનુભૂતિનું પ્રતીક બન્યું છે. કરુણાન્ત નાટકોમાં – જેમ કે ‘રાજા લિયર’ – તોફાન માનવી માટે તત્ત્વમસિની પરખ લઈને આવે છે. છેલ્લાં નાટકોમાં તોફાન ઈશકૃપા બનીને આવે છે.માનવીના કાબૂ બહારનાં અગમ્ય તત્ત્વોને શેક્‌સ્પિયરે છેલ્લી કૃતિઓમાં કલ્યાણકારી મનાવ્યાં છે. ‘ઝંઝા’ નાટકમાં તો બે પ્રકારનાં તોફાનોને નાટકમાં સ્થાન મળ્યું છે. નાટકનો પ્રારંભ જ ‘નૌકાડૂબી’થી થાય છે. પરીલોકના નાટકને આ રીતે ભયંકર તોફાનના વાસ્તવની ઓથે શેક્‌સ્પિયરે રચ્યું એમ વિવેચકો કહે છે. પરંતુ નાટક વાંચતાં સ્પષ્ટ થાય છે કે આરંભે આવેલું તોફાન ઈશ્વરસર્જિત નથી, માનવસર્જિત છે. પુરુષાર્થ અને પ્રારબ્ધ એવા પરસ્પર વિરોધી વાદને શેક્‌સ્પિયરે ‘ઝંઝા’ નાટકમાં ગાળી નાખ્યો છે. તેર વર્ષની ઘોર સાધનાના પરિણામે પ્રોસ્પેર દિવ્યશક્તિ મેળવે છે. એ શક્તિનું પારખું વેરીના વહાણને તોફાનમાં ડુબાડીને જાદુગર પ્રોસ્પેરો મેળવી લે છે.પરંતુ બીજા જ દૃશ્યમાં પ્રોસ્પેરો પ્રકૃતિના સાચા તોફાનનું વર્ણન કરે છે. નાના ભાઈ એન્ટોનિયોની દુષ્ટતાથી રાજપાટ ગુમાવીને પ્રોસ્પેરો લાડકી શિશુકન્યા મિરાન્ડા સાથે વહાણમાં નાસી છૂટ્યો હતો. એ વહાણ પણ તોફાનમાં સપડાયું હતું. ત્રણ વર્ષની અબૂઝ કન્યા મિરાન્ડાનું નિર્દોષ હાસ્ય તે સમયે પ્રોસ્પેરોનું હૈયાધારણ બન્યું હતું. નિર્જન ટાપુ પર ફેંકાયેલાં પિતાપુત્રીએ તેર વર્ષ વિતાવ્યાં. એ તેર વર્ષોનાં એકાન્તે પ્રોસ્પેરોને સાધના અને સિદ્ધિ આપ્યાં. નિર્જન ટાપુની આસુરી સ્વામિની સીકોરેકસને મહાત કરીને પ્રોસ્પેરોએ એરિયલ નામના દિવ્યતત્ત્વનું પરિત્રાણ કર્યું. સીકોરેકસના વા-નર પુત્ર કેલિબાનને શાસિત બનાવીને અને આકાશી તત્ત્વ એરિયલને વાહન બનાવીને પ્રોસ્પેરોએ નિર્જન ટાપુમાં માયાવી દ્વીપનું સામ્રાજ્ય વિસ્તાર્યું. પ્રત્યેક જીવન એક અર્થમાં આવું સામ્રાજ્ય છે. પાશવી દેહને દિવ્ય આત્મતત્ત્વના શાસનમાં મૂકીને કાર્યરત રહેતું સામ્રાજ્ય એટલે પ્રોસ્પેરોનું રાજ્ય. ‘ઝંઝા’માં આમ પ્રકૃતિનાં અને માનવશક્તિનાં તોફાનોને સ્થાન આપીને કવિએ છેવટે તો માનવસિદ્ધિનું ચરમ કાર્ય વિસર્જનમાં દીઠું છે. અતિમાનવ પ્રોસ્પેરોને સ્વેચ્છાએ સામાન્ય માનવ બનતો દર્શાવ્યો છે. અપૂર્વ શક્તિને એણે અપૂર્વ ક્ષમામાં યોજી બતાવી છે. પાપનો તિરસ્કાર કરવો અને પાપીને અપનાવવો કહેવામાં અને વાંચવામાં સહેલું છે પણ માનવીના મનનો પરખંદો શેક્‌સ્પિયર ‘ઝંઝા’ના આયોજનમાં જ મનનાં સત્યોને સાચવી શક્યો છે. ભાઈના અન્યાયથી બળ્યોઝળ્યો પ્રોસ્પેરો સહેલાઈથી ક્ષમારૂપી ભૂષણ નથી લાભ્યો. તેર વર્ષના ઉગ્ર તપ પછી અને દૈવી શક્તિ પ્રાપ્ત કર્યા પછી પણ એના ઉરમાં વેરનો અગ્નિ પ્રજ્વલે છે. માફ ત્યારે કરી શકાય જ્યારે અપરાધથી નીપજેલી યાતના પૂરી શમે અને અપરાધના અન્યાયનું પૂરું વળતર મળે. પ્રોસ્પેરો સ્વપુરુષાર્થથી ક્ષમા શીખે છે તેથી વિશેષ તો સ્વપુત્રીની બાલસહજ અનુકંપામાં અને અપાર્થિવ એરિયલનાં ઉદાર વચનોમાં ક્ષમાની પ્રેરણા પામે છે. એનું મંત્રદર્શન શેક્‌સ્પિયરે એક વાક્યમાં કરાવ્યું છે :

The rarer action is
In virtue than in vengence; they being penitent,
The sole drift of my purpose doth extend Not a frown further.’

‘ઉત્તમ કર્મ તો ક્ષમાગુણમાં વસ્યું છે, વેરમાં નહીં જ. વેરીઓને પશ્ચાત્તાપ થતાં મારા મનોરથમાં હવે ભૃકુટિભંગ નથી જ નીપજતો.’ જેમ પ્રોસ્પેરોના તેમ કવિના જીવનમાં હવે ભૃકુટિભંગને અવકાશ નથી રહ્યો, પરંતુ ‘ઝંઝા’ નાટકનું કેન્દ્ર પ્રોસ્પેરોની સાધના કે એરિયલના ચમત્કારમાં નથી. એનાં કેન્દ્રવર્તી પાત્રો તો આવતી કાલની આશા જેવાં છે. કરુણાન્ત નાટકોની અગનઝાળથી દાઝેલી કવિની દૃષ્ટિ નવી પેઢીના નિર્દોષ સ્નેહનું કૌમુદી-આંજણ મેળવીને તૃપ્ત બને છે. તેવી માનવજાત નિર્દોષ મિરાન્ડાની નજરે ‘brave new world’ દીસે છે. વડીલોની સાધના ચમત્કાર સર્જી શકે છે તો યુવાનીનો નિર્દોષ સ્નેહ વડીલોના વેરને શમાવીને નવેસરથી પાપમુક્ત જીવન પામી શકે છે. આશાભર્યાં સંતાનોમાં કવિએ સંસારની નિર્મળી પ્રાપ્ત કરી છે. ‘ઝંઝા’ નાટકમાં ફરી એક વાર શેક્‌સ્પિયરે સાગરકન્યાના આલેખનમાં નિસર્ગમય જીવનમાં પાંગરેલી વેલ જેવી રાજકન્યામાં રાજપ્રપંચોની ઝાળથી દાઝેલાં જીવનોનો અનુલેપ શોધ્યો છે. કેલિબાન અને એરિયલ સર્જીને શેક્‌સ્પિયરે યુવાવસ્થાના કલ્પનાસામર્થ્યનો પરચો વાનપ્રસ્થ વર્ષોમાં મેળવ્યો છે. અમેરિકામાં નવાં સંસ્થાનો સ્થપાતાં હતાં અને યુરોપનાં જૂના સમાજથી ત્રાસેલા વિચારકો કુદરતનાં છૈયાં જેવા આદિવાસીઓ અને પ્રાગૈતિહાસિક સમાજ વિશે આદર્શ ચિત્રો રચતાં હતાં ત્યારે કેલિબાનના આલેખન દ્વારા કવિ રૂક્ષ વાસ્તવવાદી ભાસે. કદાચને યુરોપની નજરે સુગાળવી અન્ય દેશોની સરળ પ્રજા કેવી પશુ જેવી લાગી હશે તેનું પ્રમાણ કેલિબાન બની શકે, પરંતુ કવિ શેક્‌સ્પિયરનું જન્મજાત લક્ષણ એની ઉદાર દૃષ્ટિ હતી. એટલે તો નાટકની તીવ્ર સંવેદના કેલિબાનની સંગીતપ્રીતિ દ્વારા એણે વ્યક્ત કરી છે. પોતાની માભોમના વાતાવરણનો આશક કેલિબાન આગંતુક ખલાસીઓને સમજાવે છે કે એના જન્મદ્વીપના વાતાવરણમાં સ્વરલહરીઓ એવી ગૂંજે છે કે એના માદક સ્પર્શ નિદ્રાધીન થતાં સોનેરી ખ્વાબથી નીંદ મહેકી ઊઠે છે અને જાગી જતાં સોણલું ખોયાના અશ્રુ આંખને ભીંજવી જાય છે. પશુ જેવા કેલિબાન માટે શેક્‌સ્પિયરની આંખ ભીની થઈ છે એની આ સાખ છે. સભ્યસમાજના ઉતાર જેવા સ્ટિફાનો – ટ્રિન્કુલો અને રાનીપરજના કેલિબાનને ભેગાં કરીને શેક્‌સ્પિયરે કળાના તાટસ્થને ચાક્ષુષ કર્યું છે. સ્ટ્રેટફર્ડની વિશ્રાંતિમાં દોહિતરોની ખેલકૂદથી ભર્યા ભર્યા ઉદ્યાનમાં ઢળતી સાંજના કે તારાભરી રાતે ઊઠેલા મનના તરંગોને સાચવી લેતું ‘ઝંઝા’ શેક્‌સ્પિયરના નાટ્યસંગ્રહમાં પ્રથમ સ્થાન પામ્યું છે. ‘વાસંતી રાત્રિના સ્વપ્ન’નો તાર ફરીને એમાં મુખરિત બન્યો છે. તો ‘મૅકબેથ’ નાટકના ઉત્તરાર્ધ જેવો માનવને અદૃષ્ટ જીવન સાથે સાંકળતો વિચાર પણ ‘ઝંઝા’માં આકાર પામ્યો છે. મૅકબેથના અંતરમનને વિપથ દોરતી પિશાચી વૃત્તિઓ માનવમનની શામળી છાયા વિસ્તારે છે તો પ્રોસ્પેરોને દિવ્યશક્તિ અને દિવ્યચક્ષુનાં દાન કરનારો એરિયલ માનવમનનાં ગરવાં તેજ પાથરે છે. જીવનનાં દુરિતોનું હૈયામથતું દર્શન કરુણાન્ત નાટકોમાં વ્યક્ત થયું છે, તો જીવનના કલ્યાણકારી અંશોની પરિશોધ, પાપખિન્ન અને કલેશદગ્ધ હૈયાંને પુલકિત કરે તેવી સંજીવની છેલ્લાં નાટકોમાં કવિએ શોધી છે. મહાકૃતિ ‘રાજા લિયર’નો પુત્રીના મૃત્યુથી મૂર્છિત બનેલો વૃદ્ધ રાજવી લિયર જાણે સદેહે સ્વર્ગમાં પુત્રીને પામ્યો હોય તેવો પ્રોસ્પેરો ‘ઝંઝા’ નાટકમાં પુત્રીના વૈકુંઠ જેવા માયાવી દ્વીપને પામે છે. પ્રભુત્વના સંઘર્ષના અનેક નાટકોના રચયિતા કવિએ અંતિમ ‘ઝંઝા’માં સત્તા-લાલસાના પ્રત્યેક વિવર્તને-દાનવી સિકોરેકસ અને દિવ્ય એરિયલ, નગુણા એન્ટોનિયો, દ્રોહી સેબાસ્ટિયન, ચિંતક પ્રોસ્પેરો અને આદર્શઘેલો ગોન્ઝાલો સહુના પ્રભુત્વના અરમાનો દ્વારા જાણે ઇતિહાસની સમીક્ષા કરી છે. ‘ઝંઝા’ નાટક એવી તો પ્રતીકમાળા બન્યું છે કે યુવાન કવિ કીટ્સના શબ્દોમાં જેમ અનંતની રમણા આપણા મનોવ્યાપારોને વિશીર્ણ બનાવે તેમ ‘ઝંઝા’નું વાચન આપણાં વિચારજાળાંને ખંખેરી નાખે છે. યુવાન શેક્‌સ્પિયરે એક સૉનેટમાં (૯૪) રટ્યું હતું : ‘દિવ્ય અંશ તેને ફળે છે જે શિક્ષાનું સામર્થ્ય હોવા છતાં પરપીડન વર્જ્ય ગણે છે.’

They that have the power to hurt and will do none,
They rightly do inherit heaven’s graces.

‘ઝંઝા’ નાટકમાં અસંભવિતને શક્ય બનાવીને કવિએ જીવનના આ દિવ્ય અંશનું અવતરણ સર્જ્યું છે. તૂફાનનો શિકાર બનેલો પ્રોસ્પેરો તૂફાનનો સ્વામી બન્યા પછી પણ જે દિવ્ય અંશને મહાપ્રયત્ને પ્રાપ્ત કરે છે તે અંશ પુત્રી મિરાન્ડા નિર્દોષ ભાવે સહજ મેળવી લે છે. એરિયલના દિવ્ય ગાન પછી પ્રોસ્પેરોને આત્મજ્ઞાન લાધે છે અને સાધનની સિદ્ધિનું વિસર્જન કરીને જીવનની સદા-અજીબ ઘટમાળને એ સ્વીકારે છે. કવિ પણ નાટ્યેષણા ત્યાગીને કાવ્યેષણા સેવે છે ને એનો પણ ત્યાગ કરીને અંતે તનુત્યજામ્ એવા જીવનને અપનાવે છે. બાળક રમકડે રાજી એવું સમજી ગયેલા કવિ શેક્‌સ્પિયરે બધાં રમકડાં સેરવી લઈને અપાર શાંતિ-વારિધિનું દર્શન પામેલા ‘મરણોન્મુખ’ પ્રોસ્પેરોને સર્જ્યો છે. હવે જીવનનાં સર્વ કર્મો એને નિઃશેષ બન્યાં છે. હવે કવિના સહુ મનોરથ શમ્યા છે : તૂફાનોમાં ગેલ કરતાં મૃદુ પુષ્પોને અને પ્રપંચોના ઝંઝાવાતમાં મહોરેલાં નિર્દોષ સંતાનોને દૃષ્ટિમાં સમાવીને માનવી એટલે સ્વપ્નમહોરી મૃત્તિકા – એવો શેષસાર ‘ઝંઝા’ને કવિના સર્જનની કૂંચી બનાવી રહે છે. આયુષ્યનાં છેલ્લાં ચાર વર્ષો (૧૬૧૨ થી ૧૬૧૬) કવિ શેક્‌સ્પિયરે કશીયે ધમાલ વિના ગાળ્યાં છે. નટમિત્રોના અનિવાર્ય દબાણથી એણે કવચિત્ કલમ હાથ ધરી છે, ત્યારે પણ નાની વયના સમકાલીનોની કૃતિઓમાં અહીંતહી મરામત કરવા પૂરતી. આ રીતે ‘રાજા આઠમો હેન્રી’, ‘બે શરીફ રિશ્તેદાર’ ‘Two Noble Kinsmen’ – ઉભય નાટકમાં અને ‘કાર્ડેનિયો’ નામની ગીતનાટિકામાં યુવાન કવિ ફ્લેચરનો એ સહાયક બન્યો છે. ૧૬૧૩ની સાલમાં જૂનની આઠમી તારીખે દરબારમાં ‘કાર્ડેનિયો’ની ભજવણી થઈ પછી એની હસ્તપ્રત ગુમ થઈ તે હજુ સુધી અલભ્ય રહી છે. જૂનની ૨૦ તારીખે ‘ગ્લોબ’, થિયેટરમાં ‘રાજા આઠમો હેન્રી’ ભજવાયું ત્યારે પહેલા અંકમાં જ ધર્મગુરુ વુલ્સીના સમારંભમાં રાજા હેન્રીના સ્વાગતમાં તોપ ગાજી ઊઠી ત્યારે નટઘરનું છાપરું સળગી ગયું અને ફૂંકાતા પવને પ્રજ્વલિત દાવાનળમાં નટઘર ખાખ થયું તે સમયે પ્રેક્ષકોમાં ઉપસ્થિત એવા વેનિસના અંગ્રેજ એલચી સર હેન્રી વૉટને લખેલા એક પત્રમાં ગ્લોબના સર્વનાશનું સવિસ્તાર બયાન થયું છે. ૧૬૧૪ના નવેમ્બર સુધીમાં શેક્‌સ્પિયરની નટમંડળી ભસ્તીભૂત ‘ગ્લોબ’ને સ્થાને નવી ઇમારત બાંધે છે. પરંતુ જૂનાં નાટકોની જે હસ્તપ્રતો આગમાં નાશ પામી તે ખોટ પૂરી શકાઈ નથી. નવી ઇમારતનું ઉદ્ઘાટન ૧૪મી નવેમ્બર, ૧૬૧૬ની સાલમાં થયું ત્યારે શેક્‌સ્પિયર લંડનમાં ઉપસ્થિત છે. ૧૬૧૪માં કવિએ નટમંડળીની ભાગીદારી છોડીને વતનમાં નાણું રોક્યું છે. નટમિત્રોના આગ્રહ છતાં નવા ‘ગ્લોબ’ માટે કવિએ ચિંતા નથી સેવી. કલ્પનાની માયાવી સૃષ્ટિથી વિમુખ બની છેલ્લાં ચાર વર્ષ કવિએ વિલિયમ શેક્‌સ્પિયરને સોંપ્યાં છે. ૧૬૧૨ની સાલમાં શેક્‌સ્પિયરે ઐ કૌટુંબિક આઘાતો સહ્યા છે. એના ભાઈ ગીલ્બર્ટનું ફેબ્રુઆરી માસમાં અવસાન થયું અને પૂરા બાર માસ ન વીત્યા ત્યાં નાના ભાઈ રિચર્ડનું મૃત્યુ થયું. પિતા જ્હૉન શેક્‌સ્પિયરના કુટુંબવિસ્તારમાં હવે કવિ શેક્‌સ્પિયર અને બેન જ્હૉન શેષ રહ્યાં એટલે કવિએ સંસારનાં કામો ઉકેલવા માંડ્યાં. નટમંડળની ભાગીદારીમાંથી એણે ભાગ ઉઠાવી લીધો અને ૧૬૧૩ના માર્ચ માસમાં લંડન શહેરના બ્લેકફ્રાયર વિસ્તારમાં એણે મકાન ખરીદ્યું. પરંતુ એ મકાન પુત્રી સુઝાનાને નામે ચડાવ્યું અને પોતાની હયાતીમાં જ હેમિંગ વગેરે નટમિત્રોને ટ્રસ્ટી બનાવીને વહીવટ સોંપી દીધો. ૧૬૧૪ની સાલમાં આર્થિક ગૂંચોના ઉકેલ માટે કવિ ત્રણ દિવસનો પ્રવાસ ખેડીને લંડન આવ્યો હતો એ જ સાલમાં ભસ્મીભૂત થયેલા ગ્લોબ નટઘરને વધારે સારી નવી ઇમારત મળી, પરંતુ સાંસારિક વૈભવને માટીની માયા સમજીને કવિએ નવા નટઘરને કે નટમિત્રોને દાદ આપી નહીં જ. આ વર્ષોના શેક્‌સ્પિયરને યાદ કરીને એનું આતિથ્ય સ્વીકારનાર સમાનધર્મી બને જૉનસને કવિ વિષે લખ્યું છે, ‘એ નિષ્ઠાવાન હતો, એનો સ્વભાવ સાલસ અને ઋજુ હતો. કલ્પનાનાં એનાં ઉડ્ડયનો ઊંચાં હતાં, કર્મ એનાં નિર્ભીક હતાં અને ભાષામાં અભિજાત માર્દવ હતું.’ આખાબોલા બેન જૉનસનનો કવિ વિશે આ ફેંસલો ઉભય કલાકારોને શોભે તેવો છે. આયુષ્યના છેલ્લા વર્ષે કવિએ છેલ્લું સાંસારિક કર્મ ઉકેલ્યું છે. નાની દીકરી જ્યુડિથનો લગ્નપ્રસંગ એણે ૧૬૧૬ના ફેબ્રુઆરી માસમાં આટોપ્યો છે. પિતા જ્હૉન શેક્‌સ્પિયરના પ્રતિસ્પર્ધી કવિના ખાનદાનમાં જ્યુડિથનો લગ્નસંબંધ બંધાયો છે. કવિએ પોતાના લગ્નમાં જેવી ઉતાવળ કરી હતી તેવું જ જ્યુડિથ અને ટોમસ ક્વિનીના સંબંધે બન્યું છે. ફેબ્રુઆરીની ૧૦મી તારીખે નિરધારેલું એ લગ્ન સાંપ્રદાયિક રીતે નિષિદ્ધ દિવસે યોજાયું હોવાથી નવદંપતીને ધર્મગુરુએ શિક્ષા ફટકારી હતી. આ ઉતાવળનું કારણ કદાચ કવિ શેક્‌સ્પિયરની શારીરિક બીમારીમાં મળી રહે છે. લગ્નના પંદર દિવસ પહેલાં જ કવિએ શાળાજીવનના પોતાના ગોઠિયા અને નગરપંચાયતના મંત્રી કોલીન્સ પાસે છેલ્લું વસિયતનામું લખાવી રાખ્યું છે, પરંતુ હસ્તાક્ષર અને મિતિ મૂક્યાં નથી. કવિના પ્રતિસ્પર્ધી મનાતા સાહિત્યકાર બેન જૉનસને ૧૬૧૬ના વર્ષમાં અંગ્રેજી સાહિત્યમાં એક સીમાચિહ્ન ઉમેર્યું હતું. અત્યાર સુધી ભજવાતાં નાટકો ક્ષણજીવી દેખાતાં અને કોઈ પણ સર્જક પોતાની નાટ્યકૃતિઓને ગ્રંથસ્થ કરવાનું દુ:સાહસ આચરતો નહિ. પંડિત બેન જૉનસને સ્વરચિત નાટ્યકૃતિઓનું સંપાદન કરીને એક આવૃત્તિ ૧૬૧૬માં પ્રસિદ્ધ કરી. એક રીતે શેક્‌સ્પિયરની મરણોત્તર કીર્તિનાં મંડાણ આ રીતે બેન જૉનસને સરળ બનાવ્યાં. નિવૃત્ત શેક્‌સ્પિયરને મિત્ર બેન જૉનસનની આ પ્રતિષ્ઠાથી એવો હર્ષ થયો કે માર્ચ મહિનામાં એણે નાટ્યકાર બેન જૉનસન, યુવાન નાટ્યકાર ફ્લેચર અને હમવતન કવિ ડ્રેટનને નોતરું પાઠવી સ્ટ્રેટફર્ડમાં ઉજાણી યોજી. તે સમયના રિવાજ મુજબ ભોજનસમારંભ ન્યૂ પ્લેઇસ હવેલીમાં પતાવીને પુરુષમિત્રો ગામની મધુશાળામાં મિજબાનીએ ગયા. ભવઆખાની વાતો સહેજે ન ખૂટે એટલે મિત્રો મોડી રાતે છૂટા પડ્યા. હેમંતની પરોઢનું શૈત કવિને મૃત્યુનું છેલ્લુ ઇજન બન્યું. માર્ચની ૨૫મીએ કવિએ પોતાના વસિયતનામાના પ્રત્યેક પૃષ્ઠ પર હસ્તાક્ષર કર્યા અને પોતાના જન્મદિવસે જ ૧૬૧૬ના એપ્રિલની ૨૩મીએ ધરતી પરની લીલા સંકેલી લીધી. પાસેના કોવેન્ટ્રીનગરના ધર્મગુરુ ડેવિસે નોંધ્યું છે કે વિલિયમ શેક્‌સ્પિયર મૃત્યુ પહેલાં કૅથોલિક સંપ્રદાયને સ્વીકારીને એ સંપ્રદાયના અન્ત્યસંસ્કાર પામીને કબરમાં પોઢ્યો છે. શેક્‌સ્પિયરના વસિયતનામાના પ્રથમ પરિચ્છેદમાં કવિએ ઈશ્વરનો જય માનવીને તનની અને મનની પૂરી સ્વસ્થતા સાથે પોતાની સાંસારિક સંપદને વહેંચી આપી છે. તે પહેલાં એણે સૃષ્ટિના સર્જક ઈશ્વરને ચરણે પોતાના આત્માને ધર્યો છે અને અચળ શ્રદ્ધા વ્યક્ત કરી છે કે તારણહાર ઈશુના પ્રભાવથી પોતે શાશ્વત જીવનને પામશે. જ્યુડિથને પતિગૃહે વળાવીને અને ધર્મપત્નીના સહવાસમાં બેઉ પુત્રીઓને ઘર મંડાવીને કવિ એનાં કલ્પનાસંતાનો જેવી નિર્ભીકતાથી મૃત્યુને સત્કારી શક્યો છે. રાજકુમાર હૅમ્લેટની માફક એ પણ હવે કહી શક્યો છે કે, `The readiness is all.’ કવિને વર્ષભરમાં એપ્રિલ માસ સૌથી સોહામણો દીસ્યો છે. જીવનને અને માનવસંબંધોને એણે તો એપ્રિલના દિવસની આકસ્મિક ગૌરવશ્રી કહીને નવાજ્યાં હતાં. એપ્રિલ માસમાં ન્યૂ પ્લેઇસના ઉદ્યાનમાં વસંતનાં પગરણ થતાં હતાં તે ઋતુમાં કવિએ વિદાય લીધી છે. સ્ટ્રેટફર્ડના પુનિત ત્રિમૂર્તિ દેવળ (The Holy Trinity)માં ગર્ભગૃહ પાસે કવિના અવશેષ અંત્યેષ્ટિસંસ્કાર પામ્યા છે. મૃત્યુ પછી અમર બનેલો શ્રેષ્ઠ અંગ્રેજ નાટ્યકાર અનુગામી સૈકામાં રાજધાની લંડનના વિશિષ્ટજનો માટે સંરક્ષતિ વેસ્ટમિન્સ્ટર ઍબીમાં સ્થાન ન પામ્યો તેનું કારણ કવિએ પોતાની કબર પર કોતરાવવા માટે રચેલા મૃત્યુલેખમાં મળી આવે છે. શેક્‌સ્પિયરના અગણિત અનુયાયીઓને ચોંકાવી મૂકે એવું જોડકણું રચીને કવિએ પોતાની આરામગાહની આજુબાજુ લક્ષ્મણરેખા આંકી છે. ઈશુને નામે એણે આગંતુકને પ્રાર્થના કરી છે કે કબરની ધૂળને એ સંતાપે નહીં. પછી એ કવિએ ફરમાવ્યું છે : Blest be the man that spares these stones And curst be he that moves my bones. ગિરજાઘરની ભીંતમાં કવિની આરસમાં આકારેલી અર્ધપ્રતિમા સ્થાપિત થઈ છે, જેના ઉપર ઉમરાવ સાઉધમ્પ્ટને લખાવેલાં લૅટિન સ્તુતિવચનો કોતરવામાં આવ્યાં છે. કવિના ‘શિશિરકથા’ નાટકની જાણે પુનરુક્તિ થતી હોય તેમ કવિનું આ મૂગું શિલ્પ મુખરિત બનીને કવિનાં ચિરંજીવ વચનો ફરીને ઉચ્ચારે તેવું અનન્ય સ્મારક કવિના અવસાન પછી સાત વર્ષ વીત્યે નટમિત્રોએ ફૉલિયો પ્રસિદ્ધ કરીને જગતને ધર્યું છે. શેક્‌સ્પિયરના એ નાટ્યસંગ્રહમાં કળાકાર ડ્રીથાઉટે આકેલી અરુણછબી મુદ્રિત કરી છે, જેને ઉદ્દેશીને મિત્ર બેન જૉનસને આત્મીય સ્નેહનું આવું અર્પણ કર્યું છે, `યુગપ્રાણ શેક્‌સ્પિયર, અમારી રંગભૂમિના સાધુવાદ, ઉલ્લાસ અને આશ્ચર્ય જેવા મારા શેક્‌સ્પિયર, તું ફરીને જાગ! અને મારા સ્વદેશ, તારું જયવાદન હો, સારું યુરોપ જેનું અભિવાદન કરે છે તેવો નાટ્યકાર તારી કૂખે પાક્યો છે, છતાંયે તે કોઈ યુગમાં સીમિત નથી, એ છે યુગાંતરોનો કવિ!’ કવિ શેક્‌સ્પિયરની જીવનયાત્રા પૂર્ણ થઈ તે પછી એની કલ્પનાભોમના શ્વાસ ભરીને નવચેતન પામેલી અનેક પેઢીઓના અંતરની હાશ યુગાંતરોના કિવ નાટ્યકાર શેક્‌સ્પિયરને માનવજાતે સમર્પેલી સાચી વંદના બની છે.