શેક્‌સ્પિયર/‘પારકે પીંછે?’


3. ‘પારકે પીછે’?

હૈયાનાં કર્યાં હાથે બંધાય એવો તાલ 1585માં એકવીસની વયે વિલિયમ શેક્‌સ્પિયરનો થયો. આર્થિક મૂંઝવણમાં અટવાતું કુટુંબ અને હવે ત્રણ સંતાનોનું ઉમેરણ. કૌટુંબિક યોગક્ષેમ માટે એણે શું કરવું? 17મી સદીમાં શેક્‌સ્પિયરની ટૂંકી જીવનકથા આલેખનાર ઓબ્રીએ શેક્‌સ્પિયરના સાથી નટ બીટ્સનનું વાક્ય નોંધ્યું છે કે : “એને લૅટિન સારું આવડ્યું, કારણ જુવાન હતો ત્યારે એણે શિક્ષકનો ધંધો સ્વીકાર્યો હતો.” (He understood Latin pretty well, for he had been in his younger days a schoolmaster in the country.) વિદ્યાપીઠની ઉપાધિ વિનાનો શેક્‌સ્પિયર વિદ્યાલયમાં શિક્ષક ન થઈ શકે પણ ‘તેડાગર બાઈ’ જેવું સ્થાન પામી શકે અથવા કોઈ કુટુંબમાં ટ્યુટર બની શકે 158રમાં લગ્ન પછી આવાં ફાફાં એણે માર્યાં પણ હોય. જ્યારે પણ એનાં નાટકો કોઈ ‘ગુરુજી’ પ્રવેશે છે ત્યારે અનિવાર્ય રીતે શેક્‌સ્પિયરના હોઠે સ્મિત ફરકી જાય તે કદાચ આ કારણે. નાટકોમાં અવતરણ પામેલ વાચનનો સંઘરો એણે ત્યારે કર્યો હશે. આ વર્ષોમાં એણે સ્વીકારેલા વ્યવસાય અંગેનું બીજું સૂચન સમકાલીન લેખક નેશ (Nashe) આપે છે. વકીલની કારકુની છોડીને નાટ્યકાર બનેલા ‘કોઈક’નો ઉલ્લેખ કરતાં નેશે લખ્યું હતું : “મરતી વખતે કામ આવે એટલું લૅટિન પણ ન જાણે તેવા હવે વકીલની ગુમાસ્તાગીરી છોડીને કળામાં પાવરધા થાય છે.” (to leave the trade of Noverint... and busie themselves with the indevors of Art, that could scarcelie Latinise neckverse.) કેવળ નટને ભાગ્યે જ સૂઝે એટલી વકીલાત શેક્‌સ્પિયરનાં નાટકોમાં ઊભરાય છે. એનાં નિકટતમ સૉનેટોમાં પણ કાયદાની પરિભાષાનું પ્રાચુર્ય છે. એનાં નાટકોનાં અભણ સ્ત્રીપાત્રો પણ કાયદાના પાસા ફેંકે છે. એની સરજતમાં જ્યાં નજર ફેંકો ત્યાં કાયદાની યાદી ભરી છે. વિવેચક ફ્રિપે સાચું જ કહ્યું છે કે : “શેક્‌સ્પિયરનું મન કાયદાના રંગે પૂરું રંગાયું છે. ઊંઘમાંયે એને જ કાયદો સ્મરે છે.” (Law slips from him unawares.) નાની વયે આવી કારકુની એણે કરી હોય તો ક્યાં? મોસાળમાં હતા તે પિતરાઈ ટૉમસ ટ્રસેલની ચેમ્બરમાં? એક વાર એના શિક્ષક હતા ત્યાર બાદ વકીલ બનેલા વૉલ્ટર રોશ પાસે? કે પછી પિતા મેયર હતા તે સંબંધે ગામની અદાલતમાં એમના એક વખતના સેક્રેટરી હેન્રી રોજર્સ પાસે? 1592માં રોષે ભરાઈને નાટ્યકાર ગ્રીને યુવાન શેક્‌સ્પિયરને ‘જાતભાતનાં કામ કરનારો’ (Johannes Factotum) એવું મહેણું માર્યું તેમાં ઘણો અર્થ સમાયો છે. અઢારમે વર્ષે પત્ની પામીને એણે જવાબદારીનો બોજો ઉઠાવવા તરેહવાર ધંધા અજમાવ્યા હશે. લંડન પહોંચવાનો મનસૂબો એણે ક્યારે ઘડ્યો, ત્યાં એ કેવી રીતે પહોંચ્યો, ક્યાં રહ્યો એ વિષે અટકળો થઈ છે. 1585 થી 1587 સુધીમાં એણે સ્ટ્રેટફર્ડ છોડ્યું છે અને રંગભૂમિનો સંપર્ક શોધ્યો છે. એના વિસ્તારના ઉમરાવ લિસ્ટરની નિશ્રામાં 1574ની સાલથી એક નટમંડળી રચાઈ હતી. વીસેક વર્ષ શેક્‌સ્પિયર જેમની સોબત પામવાનો હતો તેમાંના કેટલાક નટ લિસ્ટરના નટમંડળમાં હતા. લિસ્ટરની મંડળીમાં 1586માં પ્રસિદ્ધ વિદૂષક કૅમ્પ જોડાયો હતો. એ વર્ષોમાં ઉમરાવ લિસ્ટર અને અંગ્રેજ પ્રજાના ઇતિહાસમાં નરશ્રેષ્ઠ ગણાયો છે તે ભત્રીજો સર ફિલિપ સિડની હોલૅન્ડમાં યુદ્ધ ખેલી રહ્યા હતા. પ્રોટેસ્ટન્ટ હોલૅન્ડ દેશ પર કૅથોલિક સ્પેનના સરદારે (Duke of Parma) કબજો જમાવ્યો હતો. હોલૅન્ડની કુમકે અંગ્રેજ લશ્કર ગયું હતું. સામંતશાહીની પ્રણાલી મુજબ લિસ્ટરે પોતાના વિસ્તારમાં લશ્કરી ભરતી કરીને સૈનિકદળ ઊભું કર્યું હતું. એમાં વિદૂષક વિલ કૅમ્પ અને બીજા નટ પણ જોડાયા હતા. હોલૅન્ડના રાજભવનમાં અને ડેન્માર્ક તેમજ જર્મનીના દરબારોમાં એમણે અભિનય અને નૃત્યના કાર્યક્રમો આપ્યા હતા. હોલૅન્ડના રાજવી એની અભિનયપટુતાથી એવા તો પ્રસન્ન થયા હતા કે દરબારી ઠાઠથી એને જર્મની મોકલ્યો હતો. 1586માં ઉમરાવ લિસ્ટરનાં ભલામણપત્રો લઈને કૅમ્પ સ્વદેશ પાછો વળ્યો અને રિચાર્ડ બરબેજની એટલે કે લિસ્ટરની મંડળીમાં જોડાયો હતો. શેક્‌સ્પિયરનાં પ્રથમ નાટકોનાં વિદૂષકપાત્રો એણે રંગેચંગે ભજવ્યાં હતાં. શેક્‌સ્પિયરનાં સાડત્રીસ નાટકોમાં બાવીસ ઉપરાંત રાજકારણનાં એટલે કે સામ્રાજ્યોની ચઢતીપડતીનાં નાટકો છે. સમકાલીનો કરતાં શેક્‌સ્પિયર એ વાતમાં જુદો પડે છે કે એનાં નાટકોમાં રાજવંશી પાત્રો મધ્યસ્થ હોવા છતાં સામાન્ય સૈનિકોનાં સુખ, ભ્રાન્તિ અને ભયનો તાદૃશ ચિતાર એણે વારંવાર આપ્યો છે. આથી માનવાનું મન રહે કે 1585 થી 1592નાં વર્ષોમાં જ્યારે નાનકડું ઇંગ્લૅન્ડ મહારાષ્ટ્રોમાં સ્થાન મેળવી રહ્યું હતું ત્યારે શેક્‌સ્પિયર પણ લિસ્ટરના દળમાં જોડાઈને યુદ્ધે ચઢ્યો હોય. ડફ કૂપર (Duff Cooper) નામના સજ્જન જેઓ પ્રથમ વિશ્વયુદ્ધમાં ફ્લેન્ડર્સના રણક્ષેત્રે ઝૂઝયા હતા તેમણે ‘સાર્જન્ટ શેક્‌સ્પિયર’ (Sergeant Shakespeare) નામના પુસ્તકમાં લિસ્ટરના સૈન્યમાં જોડાઈને 1586ના વર્ષમાં હોલૅન્ડ, ડેન્માર્કનો પરિચય મેળવી લિસ્ટરની ભલામણથી લંડનમાં રિચાર્ડ બરબેજની મંડળીમાં સ્થાન મેળવતા વિલિયમ શેક્‌સ્પિયરનું રસિક વૃત્તાંત આપ્યું છે. ઘરઆંગણે સ્ટ્રેટફર્ડમાં લંડનની નટમંડળીઓ અતિ પરિચિત હતી. ગ્રીષ્મઋતુમાં લંડન છોડીને આ મંડળીઓ દેશનું પરિભ્રમણ કરતી. તે સમયે સ્ટ્રેટફર્ડ એમની પ્રથમ રાત્રિ (First Night) ગણાતું. 1587માં સ્ટ્રેટફર્ડમાં પાંચ નટમંડળીઓ આવી હતી. લિસ્ટરની મંડળીએ પણ સ્ટ્રેટફર્ડમાં એ વર્ષે નાટકો ભજવ્યાં હતાં. ઉપરાંત 1586માં રાણી એલિઝાબેથના મનોરંજન અર્થે દરેક મંડળીમાંથી ચુનંદા નટ એકઠા કરીને સમ્રાજ્ઞી નટમંડળી (Queen’s Company) રચવામાં આવી. તેમાં લિસ્ટરની મંડળીના કેટલાક સભ્યો જોડાયા એટલે મંડળી નવા નટોની શોધમાં હતી. સામાન્ય રીતે નટ બનતાં પહેલાં કોઈ નામી નટ પાસે વર્ષો સુધી કામ શીખવું પડતું. એટલે નાની વયના કિશોરને પસંદગી મળતી. વિલિયમ શેક્‌સ્પિયર 1587માં કિશોર અવસ્થાનો નહિ પણ પૂરાં ત્રેવીસ વર્ષનો યુવક હતો. એની પસંદગી શી રીતે થઈ હશે એનો ક્યાસ મેળવવા સમકાલીન નાટ્યકાર ગ્રીનનો સ્વાનુભવ ઉપયોગી નીવડે છે. ગ્રીન હવે તો 159રમાં શેક્‌સ્પિયરને લેખિત અને પ્રસિદ્ધ ટોણો માર્યાના મિષે કુખ્યાત છે. પરંતુ શેક્‌સ્પિયરને અફલાતૂની પ્રેમનાં સુખાન્ત નાટકો લખતાં શીખવ્યાનો યશ ગ્રીનને છે. નાટ્યકાર ગ્રીને જાતની કથા ઉકેલતાં પુસ્તકો લખ્યાં છે. તેમાંના એક (A Groat’s worth of wit)માં એણે કેફિયત રજૂ કરી છે કે વિદ્યાપીઠનું ઉચ્ચ શિક્ષણ મેળવ્યા છતાં વ્યવસાય ન મેળવી શક્યો એટલે, અને સ્વજનોની શિખામણ ઉવેખી કુમાર્ગે ચઢીને બરબાદ થયો એટલે એક વાર નિર્જન સ્થાન શોધીને વૃક્ષની છાયામાં પોતે વિલાપ કરી રહ્યો હતો અને દુર્દૈવ ઉદ્બોધી રહ્યો હતો, ત્યારે ત્યાં આવી પહોંચેલા એક રખડુ નટે એને આશ્વાસન આપ્યું અને કમાણીની આશા આપી. “પોતે શું કરી શકે” એમ પૂછતાં નટે જવાબ વાળ્યો, “નાટકો લખી શકે.” આ રીતે લંડન આવી ગ્રીન નાટ્યકાર બન્યો એમ એણે નોંધ્યું છે. 1585 પછી દુઃખડાં રડવાની પરિસ્થિતિ વિલિયમ શેક્‌સ્પિયરની પણ હતી અને તે પછી પ્રગટેલી એની સિસૃક્ષા એની કાવ્યપ્રતિભાની સબૂત હતી. એટલે એણે વાંચી સંભળાવેલા કાવ્યપાઠ કે પરીક્ષારૂપે ભજવી બતાવેલા કોઈ નાટ્યખંડથી તોષ અનુભવીને રિચાર્ડ બરબેજે એને સ્વીકાર્યો હોય એવો સંભવ છે. 1587ના વર્ષમાં લંડન પહોંચીને શેક્‌સ્પિયરે શું કર્યું હશે તે વિષે એની સદીના ઓબ્રીથી શરૂ કરીને અઢારમી સદીના સુપ્રસિદ્ધ સાહિત્યકાર ડૉક્ટર જ્હૉનસન સુધી સાર્વત્રિક વાયકા એવી છે કે લંડનમાં એનું કોઈ રણીધણી ન થયું એટલે ભટકીથાકીને શેક્‌સ્પિયર જ્યાં મેદની એકઠી થતી તેવાં નટઘરો પાસે વિના પ્રયોજન ઊભો રહ્યો. નટઘર નદી પાર, નગરથી દૂર આવેલું, એટલે અનેક પ્રેક્ષકો ઘોડે બેસી ત્યાં આવતા, ને બહાર ઘોડા બાંધી નાટક જોવા પ્રવેશ મેળવતા. કામ વિનાના શેક્‌સ્પિયરને તુક્કો સૂઝ્યો ને મામૂલી રકમે ઘોડા સાચવવાનું એણે સ્વીકાર્યું. એની શીળી આકૃતિ અને મધુર શબ્દોના પ્રભાવે લોકોમાં વિશ્વાસ જન્મ્યો અને એને કમાણીનું સાધન મળ્યું. થોડા સમયમાં ધંધો એવો ખીલ્યો કે એણે આ કામ માટે નાના કિશોર રોક્યા, જે વિલિયમના કિશોરો (Will’s Boys) તરીકે ઓળખાતા. પછી રંગભૂમિના દરવાનથી માંડીને ક્રમશઃ પાઠસૂચક (Prompter) નટ, લહિયો, જૂનાં નાટકોની મરામત કરનારો (Play Patcher) અને નાટ્યકાર એમ એ આગળ વધ્યો. 1587થી 1592 સુધીના એના લંડન નિવાસની પ્રચલિત લોકકથા આવી છે. હકીકતમાં એના જ ગામનો અને એનો સમવયસ્ક રિચાર્ડ ફિલ્ડ વર્ષો પૂર્વે લંડનમાં આવીને ટૉમસ વોટ્રોલિયરના મુદ્રણાલયમાં નોકરી કરીને, માલિકના અવસાન પછી સદ્ગતની વિધવા સાથે લગ્ન કરીને મુદ્રક બન્યો હતો. 1953માં શેક્‌સ્પિયરનું પ્રથમ કાવ્ય ‘રતિ અને ગોપયુવા’ (Venus and Adoins) એણે પ્રસિદ્ધ કર્યું. એટલે શેક્‌સ્પિયરને લંડનમાં આશરો તો હતો જ. શેક્‌સ્પિયરના વાચનમાં – ને પછી એના સર્જનમાં – સમાવેશ પામેલાં ‘પ્લુટાર્કની જીવનકથાઓ’ અને પ્યુટનહામ લિખિત ‘આંગ્લ કવિતા-કલા’ (The Arts of English Poesie) રિચાર્ડ ફિલ્ડનાં પ્રકાશનો હતાં. એનાં રોમન નાટકોનો આધાર લુટાર્કનાં લખેલાં ‘જીવનો’ ફિલ્ડનું પ્રકાશન હતું. ફિલ્ડ મુખ્યત્વે અભ્યાસગ્રંથોનો મુદ્રક હતો અને ગ્રીક તેમજ યહૂદી મુદ્રણનો નિષ્ણાત હતો. 1587 પછીનાં વર્ષોમાં શેક્‌સ્પિયરે કરેલી જ્ઞાનસાધનામાં ફિલ્ડના વ્યવસાય અને પ્રકાશનોનો એને મોટો આધાર રહ્યો હશે. એના મુદ્રણાલયમાં સમકાલીન કવિનાટ્યકારોનો પણ એણે પરિચય સાધ્યો હશે. સંત પોલના ગિરજાઘરના સાન્નિધ્યે અનેક પુસ્તક વેચાતાં, જેમાં લોકગીતોથી માંડીને વિશ્વની વિવિધ ભાષાઓ અને વિદ્યાનાં પુસ્તકો મળતાં. શેક્‌સ્પિયરનું આ કાળનું વાચન સીમિત છે. પરંતુ જે વાંચ્યું તે ઝીણવટથી વંચાયું છે. ઉદાહરણ તરીકે, કવિ સ્પેન્સરની ‘ફેરી ક્વિન’, ઑવિડનું ‘પરિવર્તન’ અને હોલિનશેડની ‘તવારીખ,’ ઈટલીની વાર્તાનાં ભાષાંતરો એણે વાંચ્યાં છે. સમકાલીન નાટકો અણે સાદ્યન્ત શ્રવણ કર્યાં છે. સ્પેનિશ નૌકાકાફલા (Spanish Armada)એ 1588માં ઇંગ્લૅન્ડ ઉપર હુમલો કર્યો તે પહેલાં 1587માં સ્પેનના કેડિઝ બંદરગાહમાં પ્રવેશ મેળવીને અંગ્રેજ સાહસવીર વૉલ્ટર રાલેએ સ્પેનનાં યુદ્ધજહાજો બાળ્યાં હતાં અને ઇંગ્લૅન્ડ ઉપરનું સ્પેનનું આક્રમણ એક વરસ પાછું ઠેલ્યું હતું. 1585થી યુરોપના રાજકારણમાં નગણ્ય બ્રિટને તે સમયની મહાસત્તા સ્પેનને પડકારી હતી અને હોલૅન્ડમાં સ્પેને જમાવેલા કબજાને ભીંસ દીધી હતી. પ્રોટેસ્ટન્ટ ઇંગ્લૅન્ડ અને કૅથોલિક સ્પેન વચ્ચે આમ ચાર વર્ષથી ચાલતો ગજગ્રાહ 1588માં પરાકાષ્ઠાએ પહોંચ્યો. જંગી મનવારોમાં સૈન્ય ખડકીને સ્પેને ઇંગ્લૅન્ડ પર આક્રમણ કર્યું. સ્પેનના રાજાની ગણતરી એવી હતી કે ઇંગ્લૅન્ડના કૅથોલિકો એના લશ્કરને સહાય કરશે અને ઇંગ્લૅન્ડમાં એનું સૈન્ય આસાનીથી કબજો જમાવશે. 1558થી તખ્તનશીન રહેલી રાણી એલિઝાબેથે રાજત્વનો સુવર્ણયુગ સર્જ્યો હતો. શાસનના પ્રથમ બે દશકા એણે પ્રજાને શાંતિ અને વિકાસના આપ્યા. 1578 પછી ઇંગ્લૅન્ડની મૂર્છિત ચેતના જાગ્રત બની. મહાકવિ મિલ્ટનના શબ્દોમાં ‘ગરૂડે પાંખો ફફડાવી.’ કૅથોલિક અને પ્રોટેસ્ટન્ટ મતમતાંતરો હોવા છતાં રાષ્ટ્રવાદ ચરમ સત્ય લેખાયો. જે દિવસે સ્પેનિશ આક્રમણના સમાચાર મળ્યા તે દિવસે રાણી પ્રધાનોની સલાહને અવગણીને લંડનની શેરીઓમાં ઘૂમી વળી. એણે તો વિશ્વાસથી કહ્યું : “ઇંગ્લૅન્ડની રાણીને ઇંગ્લૅન્ડના પ્રજાજનોનો ડર કેવો?” દીર્ઘદ્રષ્ટિથી એણે ઇંગ્લૅન્ડનું નૌકાસૈન્ય એક કૅથોલિક સેનાપતિને સોંપ્યું. સ્પેનિશ નૌકાસૈન્ય આવ્યાના મુહૂર્તો પ્રસિદ્ધ અંગ્રેજ સરદાર રાલે કન્દુક-ક્રીડા (Bowles Game)માં વ્યસ્ત હતા, તબિયતથી એમણે કહ્યું : “રમત પૂરી થાય તે પછી દુશ્મનની ખબર લઈશ.” સ્પેનના ગંજાવર જહાજો સામે નાનકડાં અંગ્રેજ વહાણોએ અજબ યુદ્ધ ખેલ્યાં. કુદરત પણ એમની વહારે ચઢી. તુફાની પવનો ફૂંકાયા. સ્પેનની સર્વ આશા સમુદ્રની ગહરાઈમાં ડૂબી. અંગ્રેજ નૌકાસૈન્યના હુમલાથી બચેલી મનવારો તોફાની ઉત્તર સમુદ્રમાં નાશ પામી. યુરોપના સર્વશક્તિશાળી રાષ્ટ્ર સ્પેનને પરાસ્ત કરી 1588માં ઇંગ્લૅન્ડે સમુદ્ર પર મેળવેલું વર્ચસ્વ વીસમી સદી પર્યંત ટક્યું. આવી સુવર્ણ ઘડીએ વિલિયમ શેક્‌સ્પિયર નિઃશંક લંડનમાં હતો. કવિ વર્ડ્ઝવર્થની પેરે એ પણ અનુભવી શક્યો હશે કે આવા ધન્ય સમયે જીવવું એય પરમ કલ્યાણ, તેમાંય યુવાન વયના હોવું એટલે જાણે વૈકુંઠ મળ્યું. સ્વદેશપ્રેમની આ ઉત્કટ અનુભૂતિને શેક્‌સ્પિયરે એનાં ઐતિહાસિક નાટકોમાં અનેક નાટ્યક્ષમ આકાર આપ્યા છે. ‘દ્વિતીય રિચાર્ડ’ નાટકમાં વૃદ્ધ ગોન્ટના મુખે એણે આવી વંદના અર્પી છે :

“આ ઇંગ્લૅન્ડ! આ ભૂમિ, દ્યુતિમાન!
આ તીર્થ પ્રલયંકર યુદ્ધનું,
ધરતીનું અવર આ નંદનવન,
યુદ્ધના બાહુ અને ઉપદ્રવો ટાળવા
નિસર્ગ-રચિત આ દુર્ગ,
પ્રસન્ન આ મનુવંશ; અમારું નાનકું, આગવું આ વિશ્વ!
રજત-ધવલ સિંધુ-જડિત મૂલ્યવાન આ રત્ન,
લેશ બડભાગી દેશોની અસૂયા
ખાળતો, અમ રક્ષણની અભેદ્ય દીવાલ
આ જલધિ.
આશિષ-પુનિત આ સ્થળ, આ ધરા, આ સુરાજ્ય,
આ ઇંગ્લૅન્ડ...."
This earth of majesty, this seat of Mars,
This other Eden, demi-Paradise,
This fortress buit by Nature for herself
Against infection and the hand of war,
This haapy breed of men, this little world,
This precious stone set in the silver sea,
Which serves it in the office of a wall,
Or as a moat defensive to a house,
Against the envy of less happier lands;
This blessed plot, this earth, this realm,
This England...
(King Richard The Second II, 1.)

સોળમી સદીમાં આઠમા દસકાનાં એ છેલ્લાં વર્ષો રાષ્ટ્રની ચેતનાનાં, ગૌરવનાં આતુર વર્ષો હતાં. ઠકરાતમાંથી સામ્રાજ્ય બની રહેલા બ્રિટનનાં એ ચમત્કારી વર્ષોમાં રાજધાની લંડનની રંગભૂમિ સાચે જ લોકનાટ્ય (Peoples’ Theatre) બની શકી. દૂરગામી એની અસરો દેશને ખૂણે ખૂણે ફેલાઈ હતી. નાટ્યપ્રવૃત્તિનો સાક્ષી પ્રત્યેક દેશવાસી હતો. લંડનની સ્થાયી રંગભૂમિ ઉપર કે રખડુ નટોનાં પરિભ્રમણો મારફત ઉમરાવોની આશ્રિત મંડળીઓ અને શાળા-મહાશાળાનાં નાટ્યવર્તુલોના પ્રયોગોમાં, કારીગરવર્ગનાં સંગઠનોમાં અને મહાજનોના વાર્ષિક નાટ્યપ્રયોગોમાં, વળી ધાર્મિક પર્વોએ ભજવાતાં ઈશ્વરી લીલા અને સંતજીવનનાં તેમજ નીતિનાટ્યો (Mysteries, Miracles and Moralities)નાં મોસમી દૃશ્યો દ્વારા રાષ્ટ્ર નાટ્યસૃષ્ટિમાં પ્રવેશ મેળવતું. 1587માં રોજિયા નટ (Hireling) તરીકે કામ કરતા શેક્‌સ્પિયરને એનામાં વસેલો કવિપ્રાણ જાગી ઊઠે તેવો કાવ્યાનુભવ ક્રિસ્ટોફર માર્લોનાં નાટકોમાં પ્રાપ્ત થયો હશે. 1564માં કેન્ટરબરીના મોચી કુટુંબમાં જન્મેલો કિટ માર્લો શેક્‌સ્પિયરથી બે મહિને મોટો, માંડ ત્રીસ વર્ષ એ જીવ્યો. એનું જીવન એટલે યૌવનનો અદમ્ય ઉત્સાહ. કેમ્બ્રિજ વિદ્યાપીઠમાં અનુસ્તાનકનો અભ્યાસ કરતો હતો ત્યારે માત્ર એકવીસ વર્ષની વયે દેશને ખાતર જાસૂસ બનીને એણે જોખમ વહોર્યાં. અણસમજુ લોકોએ એનાં કાર્યોનું રહસ્ય ન સમજતાં એને દ્રોહી ગણ્યો, ત્યારે દેશની સર્વોચ્ચ અદાલતે (Privy Council) જાહેરનામું ઘોષિત કર્યું કે માર્લોએ રાષ્ટ્રની કીમતી સેવા બજાવી છે. 1583માં અનુસ્નાતક ઉપાધિ મેળવીને એણે માથાફરેલ નાટક આપ્યું ‘તિસૂર લંગના વિજયો’ (The Conquests of Tamberlaine). કૃષ્ણના સ્પર્શે કુબ્જાનું થયું હતુ તેવું માર્લોની પ્રતિભાના સ્પર્શે ધંધાદારી રંગભૂમિનું પરિવર્તન સરજાયું. નાટકના દેહમાં કાવ્યનો પ્રાણસંચાર થયો. માર્લોનો નિર્ભીક પ્રાણ અને સૌદર્યવાંચ્છું એની પ્રતિભા ત્રણસો વર્ષે પણ આંચકો આપી જાય તેવી પદાવલિ રચી ગયાં. કાલાગ્નિ જેવા દુર્ધર્ષ તિમૂરના વ્યાકુળ પ્રાણની છટા કાંઈક આવી છે :

“યદિ કવિજનોના મનોવ્યાપારનો સંસ્પર્શ,
એમનાં હૈયાં, મન અને અંતઃસ્થની પ્રેરણા-માધુરી
વશવર્તી એમની લેખણે સુપેર વહાવી હોત –
માનવ્ય-મેધાનાં ઉડ્ડયનોનાં
પ્રતિબિંબ દર્પણે ઝીલતાં જોત આપણે,
એમણે સારવેલ રસધારમાં
એમનાં અમર કાવ્યકુસુમોનાં રસાયણે, દિ ---
કવિજને ભેગાં મળી રચી હોત એક કંડિકા
સૌંદર્ય-માંગલ્યના સમૂહગીત સમી, યદિ –
તોય શબ્દોમાં ન સમાય તેવો
વિચાર યા લાસ્ય કે વિસ્મય અવશ્ય હોત પ્રચ્છન્ન,
એમનાં સંક્ષુબ્ધ ચિત્તે.’’
If all the pens that poets ever held
Had fed the feelings of their masters, thoughts,
And every sweetness that inspired their hearts,
Their minds and muses on admired themes;
If all the heavenly quintessence they still
From their immortal flowers of poesie,
Wherein as in a mirror we perceive
The highest reaches of a human Wit.
If these had made one poem’s period,
And all combined in beauty’s worthiness,
Yet should there hover in their restless heads
One thought, one grace, one wonder at the least,
Which into words’ no virtue can digest.
(Tamberlaine the Great, V. i)

એલિઝાબેથી યુગમાં માર્લોએ રચેલા નાટ્યયજ્ઞની કાવ્યજ્વાલાથી દિશાઓ ઉજમાળી બની. પાંચસાત વર્ષોમાં એણે તિમૂર લંગ વિષે બે નાટકો, માલ્ટાના યહૂદી બારાબાસ વિષે, જર્મન વિદ્યાધર ફોસ્ટ્સ વિષે, અંગ્રેજ રાજા ઍડવર્ડ બીજા વિષે, અને કાર્થેજની મહારાણી ડિડો વિષે કરુણાન્ત નાટકો રચ્યાં. એનું નાટક ડૉ. ફોસ્ટ્સ જર્મન મહાકવિ ગીથેની પ્રેરણા બનીને મહાકૃતિ ‘ફોસ્ટ’માં પરિણત થયું. માર્લોના ‘ફોસ્ટ્સ’નું અંતિમ દૃશ્ય -- જેમાં દાનવ મેફિસ્ટોફેલીસ એને જીવતો જહન્નમની યાતનામાં ઘસડી જાય છે મનાયું છે. – જગતના નાટ્યસાહિત્યની પરાકાષ્ઠા મનાયું છે. અંગ્રેજી પ્રાસરહિત દશાક્ષરી છંદનો અપૂર્વ વિનિયોગ માર્લોનાં નાટકોમાં થયો. એની પ્રાણવાન પંક્તિઓ ‘માર્લોની બલિયસી પંક્તિ’ ગણાઈ (Marlowe’s mighty line). 1593ના મે માસના ત્રીસમા દિવસે ડેપ્ટફર્ડમાં એલેનર બુલના વિશ્રાંતિગૃહમાં ભોજન પછી પૈસા ચૂકવવાની તકરારમાં માર્લોનું ખૂન થયું. કોરોનરની અદાલતમાં ખૂનીએ સ્વબચાવમાં આમ કર્યું એવો ફેંસલો નોંધાયો. એના ખૂની સોબતીમાં એક રોબર્ટ પોલી નામનો જાસૂસ હતો અને બીજા બે ફ્રિઝર અને સ્કેસ અંધારી આલમનાં પાત્રો હતા. ખૂનના બાર દિવસ અગાઉ માર્લોને નાસ્તિક હોવાના શક અંગે છૂપી અદાલત (Privy Council)માં રજૂ કરવામાં આવ્યો હતો. એનો રહસ્યસ્ફોટ થાય તે પહેલાં જ ખૂન કરવામાં આવ્યું અને અંગ્રેજી સાહિત્યનો એક પ્રબળ આશાતંતુ તૂટ્યો. મૃત્યુ સમયે ‘હીરો અને લિયાન્ડર’ની પ્રણયકથા એણે અધૂરી મૂકી. નટ શેક્‌સ્પિયરે માર્લોનું ઋણ સ્વીકાર્યું છે અને ‘આપને પસંદ પડ્યું એટલે’ (As You Like It) એ નાટકમાં ગોપકન્યા ફીબી(Phebe)ના ઓઠે પ્રણયના એ મસ્ત કવિને નિવાપાંજલિ અર્પતાં કહ્યું છે :

વિલિન હે ગોપ, પામી હું મર્મ તારી પરાક્રમી ઉક્તિનો.
“પ્રથમ નજરે ન સંભવે તે વળી પ્રેમ શાનો?”
Dead shepherd now I find thy saw of might.
"Who ever loved that loved not at first sight?"

‘પ્રથમ નજરે પ્રેમ’ એ ઉક્તિ માર્લોના અંતિમ કાવ્ય ‘હીરો અને લિયેન્ડર’માં મળે છે. ‘વિદ્યાપીઠના કલારત્ન’ (University Wits)ને નામે સાહિત્યખ્યાતિ પામેલા જૂથે આ દશકામાં ધંધાદારી રંગભૂમિની ઇમારત રચી. પ્રતિભાશાળી માર્લો એ જૂથનો અગ્રણી હતો. બીજા હતા લિલિ, કિડ, ગ્રીન, પીલ નેશ અને લૉજ. વિદ્યાપીઠોમાં ગ્રીક અને લૅટિન સાહિત્યના પરિચયે મસ્ત બનેલા આ યુવાનોએ ધંધાદારી રંગભૂમિનું રૂપપરિવર્તન કર્યું અને નિર્જીવ મનોરંજન દૂર કરીને નાટકને કાવ્યાંકિત કર્યું. 1588 પછીની રાષ્ટ્રની ચેતનાનાં સ્પન્દનો આ રીતે નટઘરે અનુભવ્યાં. રૉબર્ટ ગ્રીનનો 1558માં જન્મ, ઑક્સફર્ડ અને કેમ્બ્રિજ ઉભય વિદ્યાપીઠોનો એ અનુસ્નાતક શિષ્ય. નોર્વિચનાં સુશીલ માબાપના આ સંતાને અલગારી જીવન ગાળ્યું. 1583માં અભ્યાસ પૂરો કરીને એણે વિદેશયાત્રા કરી. સ્પેન અને ઈટલીમાં એ ઘૂમી વળ્યો. “કહેતાં પાપ લાગે તેવાં કર્મો મેં જોયાં ને આચર્યાં.” 1580માં એણે રંગદર્શી કથા આલેખી : “મેમિલિયા – આંગ્લ નારી સમાજની આરસી” (Mamillia, a looking Glass for the Ladies of England). માર્લોની વાદે એણે ‘આલ્ફોન્સસ’ નાટક લખ્યું. એના ‘ફ્રાયર બેકન અને ફ્રાયર બન્ગે’ (Friar Bacon and Friar Bugay) અને ‘રાજા જેમ્સ ચોથાની સ્કોચ તવારીખ’ (The Scottish History of King James the Fourth) નામનાં નાટકોમાં એણે ઉદાત્તચરિતા નાયિકા આપી, હાસ્ય અને ગાંભીર્યનો સંગમ એનાં નાટકોમાં થયો. શેક્‌સ્પિયરનાં પ્રહસનો અને શેક્‌સ્પિયરનાં પ્રથમ નાટકોનાં પ્રમુખ સ્ત્રીપાત્રો ગ્રીનની છાયામાં રચાયાં છે. નાટકો ઉપરાંત અનેક ગદ્યસર્જનોનો પ્રવાહ ગ્રીનની કલમે અવિરત વહાવ્યો છે. મોજીલા અને સ્વમાની ગ્રીને પશ્ચાત્તાપની ક્ષણે એકરારના પ્રયોગો પણ કર્યા છે. પૈસા ખૂટે ત્યારે નાટક ઘસડી આપી પાંચપચીસની રકમ મેળવી લેવી અને જુગાર તથા શરાબમાં ફૂંકી મારવી એ તેનો નિત્યનો વ્યવસાય હતો. જીવવું તો બાપોકાર –આવો એનો નિર્ધાર હતો. સમકાલીન રંગભૂમિ ઉપર વેધક પ્રકાશ એના એકરારમાં ફેંકાયો છે. વર્ષનાં પચાસ નાટકો ભજવતાં લંડનનાં નટઘરો નવા નાટકની શોધમાં એક પાસે પ્લૉટ લખાવી બીજા પાસે એક અંક અને ત્રીજા પાસે બાકીનો ભાગ લખાવી લેતાં તેનો ઉલ્લેખ ગ્રીને કર્યો છે. સાથે પોતે પણ એક મંડળીને વેચેલું નાટક, તે મંડળી બહારગામ ફરતાં, ફરીને બીજી મંડળીને કેવું માથે માર્યું તેનો પણ હેવાલ ગ્રીને આપ્યો છે. વિદ્યાપીઠોના આ સ્નાતકે નટોને તવંગર થતા જોયા છે અને નાટ્યકારોને ભૂખે મરતા દીઠા છે. 1592માં જીવલેણ માંદગીમાં સપડાયેલા ગ્રીને ‘કસબ કોડીનો’ (A Groat’s Worth of Wit) નામના પુસ્તકમાં હૈયાની વરાળ અને નટો પ્રત્યેના દ્વેષ ઠાલવ્યાં છે. એ પ્રકાશનમાં એણે બે ઇસમોને ઊધડા લીધા છે : એક એનો સાથી અને મિત્ર માર્લો અને બીજો સર્જકપદવાંચ્છું નટ-નાટ્યકાર શેક્‌સ્પિયર. માર્લોને ‘નાસ્તિકવાદ’થી દૂર રહેવાની ગ્રીને શીખ દીધી.: 1592ના સપ્ટેમ્બરમાં ગ્રીન અવસાન પામ્યો. છેલ્લા શ્વાસ સુધી એણે લખ્યા કર્યું તે પુસ્તક ‘કસબ કોડીનો.’ એણે પીલ, માર્લો, નેશ ઇત્યાદિ નાટ્યકારોને ચેતવણી આપી કે નાટકો લખવાનું ત્યજીને સારો વ્યવસાય શોધી લે. અનેક નાટકો લખીને ગ્રીને નટોને ન્યાલ કર્યા હોવા છતાં મરતી વખતે એની પાસે એક કોડી પણ ન હતી તેની યાદ આપીને એણે મિત્રોને ચેતવ્યા કે, ‘આપણે પીંછે રળિયામણા’ એવા અભિનેતાઓ હવે આપણને ગણકારશે નહીં, કારણ એમનામાં એક નટ એવો પાક્યો છે જે નાટ્યલેખન કરે છે. અંધારામાં રહેલા શેક્‌સ્પિયરને આમ ગ્રીનનું છેલ્લું લખાણ અજવાળામાં ખેંચી લાવે છે. નટોને ઉપાલંભ આપતું અને શેક્‌સ્પિયરને ભાંડતું એ લખાણ આ મુજબ છે : “કોઈ વાતે એમનો (નટોનો) વિશ્વાસ કરશો નહીં, એમનામાં આપણે પીંછે રળિયામણો એક કાગડો પાક્યો છે જેણે ‘નટના સ્વાંગમાં વાઘનું કાળજું સંતાડ્યું છે’ અને આપણા જેવી પદ્યરચનાની હોડ બકે છે. સબ બંદરના વેપારી જેવો આ નટ હવે તો તોરમાં પોતાની જાતને આપણા દેશનો એક માત્ર દૃશ્ય-રચયિતા (શેક્-સીન શેક્‌સ્પિયર વિશે અપરોક્ષ શ્લેષ) ગણાવે છે.” (Yea, trust them not : for there is an upstart crow, beautified with our feathers that with his `Tiger’s heart wrapt in a player’s hide’, supposes he is as well able to bombast out a blank verse as the best of you, and being an absolute Johannes Factotum, is in his own conceit the only Shake-scene in a country!) આરૂઢ સાહિત્યકાર ગ્રીનની નજર લાગે તેવું સ્થાન 1592માં શેક્‌સ્પિયરે મેળવ્યું છે. અત્યાર સુધી ઉચ્ચ શિક્ષણ પામેલ ‘વિદ્યાપીઠનાં રત્નો’નું નાટ્યકાર તરીકે સુરક્ષતિ સ્થાન હવે આ ‘ભાડૂતી નટ’ને મળશે એ ખ્યાલે ગ્રીને રોષ ઠાલવ્યો શેક્‌સ્પિયરને એણે ‘સબ બંદરનો વેપારી’ (Johannes Factotum) કહ્યો છે આ હકીકત શેક્‌સ્પિયરે રંગભૂમિનાં અદનાં કામ (ભાડૂતી નટ, પ્રોમ્પટર, જૂના પાઠની મરામત–ઇત્યાદિ) સ્વીકારી પ્રગતિ સાધી તેની સબૂત છે. ગ્રીનના રોષનું કેન્દ્ર છે અમારે પીંછે રળિયામણો આ નટડો, એ વળી અમારી પંગતે બેસે? નાટકો લખે? ગ્રીનને એ ‘આસ્તીનનો સાપ’ લાગે છે, કારણ નાટ્યકારોના સંવાદો ગોખી બોલી જનારો નટ એમનું સ્થાન દબાવી બેઠો એ અપરાધ ગ્રીને અક્ષમ્ય ગણ્યો છે. એટલે શેક્‌સ્પિયરના ‘હેન્રી છઠ્ઠા’ નાટકની એક પંક્તિનો ઉપયોગ ગ્રીને શેક્‌સ્પિયરને ફટકારવામાં કર્યો છે. ક્રૂર રાણી માર્ગરેટને એ નાટકમાં યૉર્કના ડ્યૂકે નારીદેહમાં છુપાયેલું વાઘનું કાળજું (A tiger’s heart wrapp’d in a woman’s hide) એ શબ્દોમાં વર્ણવી હતી. ગ્રીન શેક્‌સ્પિયરને નટના અંચળામાં છુપાયેલું વાઘનું હૈયું કહીને ઉપાલંભ આપે છે. આ રીતે 1592માં શેક્‌સ્પિયર વેરભાવે પણ પ્રસિદ્ધિ મેળવે છે. હજુ તો 1587માં વખાનો માર્યો લંડન આવેલો સ્ટ્રેટફર્ડનો ઝાઝા ભણતર વિનાનો યુવાન પાંચ વર્ષમાં નટ તરીકે અને લેખક તરીકે એટલી સિદ્ધિ મેળવી શક્યો કે નટને કેવળ અગણ્ય પૂતળાં માનનાર વિદ્યાપીઠનાં રત્નો ચોંકી ઊઠ્યાં. વયે અને કાર્યે 34 વર્ષના ગ્રીનનું તેજ માનાના નાટ્યકારોમાં ઊંચું સ્થાન હતું. અનેક નાટકો અને વિપુલ ગદ્યસાહિત્ય એનું અર્પણ હતાં. શેક્‌સ્પિયર સામાન્ય લેખક જણાયો હોત તો ગ્રીને એનો ખ્યાલ કરવા જેટલું બહુમાન એને કદી ન આપ્યું હોત. નીવડેલા નાટ્યકારોને એનાથી ચેતીને ચાલવાનું એ ન લખત. ગ્રીનની અસૂયા ભભૂકી છે ‘અમારે પીંછે રળિયામણા’ નટના અદ્ભુત સાફલ્યે. કેવી હશે શેક્‌સ્પિયરને વરેલી એ સફળતા એનો સ્પષ્ટ ઉલ્લેખ ગ્રીનના મિત્ર અને નાટ્યકાર નેશના એક લખાણમાં મળે છે. 1592માં પ્રસિદ્ધ થયેલ ‘નિર્ધન પિયર્સ’ (Pierce Penilesse) નામક વાર્તામાં શેક્‌સ્પિયરના હેન્રી છઠ્ઠા વિષેના નાટકના વીરપાત્ર ટાલ્બોટ વિષે નેશ આ પ્રમાણે લખે છે : “વીર ટાલ્બોટ જીવતો હોત તો એ અસીમ આનંદ અનુભવે તેવી રીતે રંગભૂમિ ઉપર એ રજૂ થયો છે અને દશ હજાર પ્રેક્ષકોએ આંસુથી એના મૃત્યુને સન્માન્યું છે.” શેક્‌સ્પિયરની આ સફળતા ગ્રીનને ડંખી ગઈ તેનું વાજબી કારણ એ હતું કે ગ્રીન વગેરેના જૂના લખાણને નાટ્યક્ષમ કરવાનું કામ શેક્‌સ્પિયરને સોંપાયું અને એ અનુભવે આગળ વધીને લોકહૃદયને સ્પર્શી જતું નાટક એણે રચ્યું. ‘કસબ કોડીનો’ પ્રસિદ્ધ કર્યું પ્રકાશક ચેટલે. શેક્‌સ્પિયરને આવી જાહેર નાલેશીથી કેટલું મનદુઃખ થયું હશે તેનો ખ્યાલ આપતું ક્ષમાપન પ્રકાશક હેન્રી ચેટલે 1593માં Kind Heart’s Dream નામના પુસ્તકની પ્રસ્તાવનામાં કર્યું છે. એણે લખ્યું છે : “(ગ્રીનના લખાણ બદલ) જાણે મેં એ લખ્યું હોય એવો ખેદ હું અનુભવું છું, કારણ હું એ સજ્જન (શેક્‌સ્પિયર)ને મળ્યો છું અને મેં જોયું છે કે પોતાના કામમાં એ જેવા નિપુણ છે તેવા જ વહેવારમાં પણ વિનમ્ર છે. ઉપરાંત કેટલાક નામાંકિત મિત્રોએ એમના ચારિત્ર્ય અંગે આપેલા અભિપ્રાય એમની પ્રામાણિકતા પુરવાર કરે છે અને સહજ લાલિત્યમય એમની કૃતિઓ એમની કલાની શોભા બને છે.” ‘પારકે પીંછે’નો આરોપ આ રીતે ગ્રીનના પ્રકાશકની કલમે નિરુત્તર બને છે. 28ની વયનો વિલિયમ શેક્‌સ્પિયર રીઢા પ્રકાશક ચેટલના ચિત્તમાં સૌજન્ય અને વિનમ્રતાની છાપ ઉઠાવે છે. ‘વિનમ્ર શેક્‌સ્પિયર’ (Gentle Shakespeare) એવું વહાલસોયું બિરુદ એના પરિચયમાં આવેલા તરફથી એને નિરપવાદ મળ્યું છે. નાટકો સફળ બન્યાં ત્યારે પણ નટ તરીકેનું એનું કૌશલ્ય એણે પરહર્યું નથી એવું પ્રમાણપત્ર ચેટલે આપ્યું છે : “excellent in the quality he professes." નટનો ધંધો હલકો મનાતો છતાં શેક્‌સ્પિયરને સમાજમાં મોભાવાળા અગ્રણીની ઓથ છે એવો સંદર્ભ ચેટલના `divers of worship’ એ શબ્દોમાં સૂચવાયો છે. `Johannes Factotum’ શેક્‌સ્પિયર 1593 સુધી તો રંગભૂમિનાં ચીંધ્યાં કામ કરનારો રહ્યો છે. એણે નાટકો લખ્યાં છે – હેન્રી છઠ્ઠા વિષે ત્રણ નાટક : ટિટસ એન્ડ્રોનિક્‌સ, કોમેડી ઑફ એરર્સ અને ટુ જેન્ટલમેન ઑફ વેરોના. પરંતુ ગ્રીન અને તેના સાથી નાટ્યકારો જે જમાનામાં ગરીબીમાં સબડ્યા અને અકાળ મૃત્યુ પામ્યા તે જમાનામાં નટ બનીને સાપ્તાહિક વેતન એણે જાળવી રાખ્યું છે. એના ચાહકો ઘણી વાર વીસરી જાય છે કે કવિ શેક્‌સ્પિયરનું ભરણપોષણ નટ શેક્‌સ્પિયરે જ કર્યું છે. બેન જૉન્સન જેવા ખ્યાતનામ વિદ્વાનને પણ નાટકોની કુલ આવક કેવળ બસો પાઉન્ડ મળી હતી. એટલે શેક્‌સ્પિયરે ‘પારકે પીંછે’ શોભવાનું, એટલે કે બીજાનાં નાટકો ભજવવાનું કદીય ત્યજ્યું નથી. 1592 સુધીનાં વર્ષો શેક્‌સ્પિયરે લંડનમાં ગાળ્યાં છે અને પૂરો લાભ મેળવ્યો છે ગ્રામજીવનના રૂપસંસ્કાર લઈને એ આવ્યો હતો, લંડનને એને વિશ્વદર્શન આપ્યું. અંગત જીવનનું મૌન લઈને આવેલા શેક્‌સ્પિયરને પારકાં આયખાંની વાણી લંડને શીખવી, જૂનાં નાટકો ગોખાવીને. શેક્‌સ્પિયરે દીઠેલું લંડન નવજાગૃતિનું પ્રતીક હતું. ઇતિહાસના રચનારા અને એના ગાનારને નિકટ પરિચયમાં મૂકનારું એ નગર હતું. અંગ્રેજી સાહિત્યમાં જે દાયકામાં ઈટલીએ સર્જેલાં માનવ-મૂલ્યોનો ફાલ અંગ્રેજી કાવ્યસાહિત્યમાં ઊતર્યો તે સમયે લંડનમાં રહેવાનું મળ્યું એ શેક્‌સ્પિયરનું અને અંગ્રેજી સાહિત્યનું વિધિનિર્માણ ગણાય. લંડનના મહિમાને શેક્‌સ્પિયરે એક જ વિશેષણમાં વર્ણવ્યો છે – જીવંત (Quick). રાજધાનીને એણે ‘વિચારોની પ્રદીપ્ત ભઠ્ઠી’ (Quick forge of thought) કહી છે. દીપ્તિમનોહર નયનોનું એ શહેર હતું; બદ્ધપરિકર એ બન્યું હતું. જનપદમાં એણે જન્મ લીધો અને શૈશવ માણ્યું; તો પ્રબુદ્ધ લંડનનનાં ઉગ્ર કિરણોમાં એણે સ્વાસ્થ્ય પ્રાપ્ત કર્યું. ઇતિહાસના મર્મ એને લંડનની શેરીઓમાં લાધ્યા છે. ટોળાનું માનસ એને લંડને શીખવ્યું છે. લાકોત્તર પુરુષોનાં રહસ્ય લંડને છતાં કર્યાં છે. લોકભાઈઓનાં દર્શન એણે સ્ટ્રેટફર્ડમાં કર્યાં છે. પણ એના ફિલસૂફો અને વીરો એને લંડને બતાવ્યા છે. એણે સર્જેલી ક્લિયોપેટ્રાના અણસાર એણે લંડનના રાજમહેલોમાં મેળવ્યા છે. પારા જેવા ચંચળ અને અસિધારા જેવા તીક્ષ્ણ મિજાજ એણે ટેમ્સ નદીને ઉભય તીરે અનુભવ્યા છે. નાટ્યસૃષ્ટિનાં બીજ એણે લંડનની ફૂલશાળામાં મેળવ્યાં છે. સાંકડી ગલીઓ અને ઊડતા અરમાનોનું એ નગર નદીતટે મુક્તિની હાશ લેતું, રાણી એલિઝાબેથ અને ઉમરાવ કુટુંબના નબીરા આગવો નૌકાવિહાર યોજતા, તો સામાન્ય નાગરિકો બે હજાર હોડકામાં નદી પાર કરી શકતા. પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયે પ્રવર્તાવેલી ધર્મસુધારણાથી જૂનાં ધાર્મિક બંધનો તૂટ્યાં હતાં. સમાજ નવી એષણાનાં સ્ફુરણો માટે આતુર બન્યો હતો. ઈટલીની નવજાગૃતિનો બોધપાઠ રાષ્ટ્રે કંઠસ્થ કર્યો હતો. ઈટલીનાં ગીતો, ઈટલીનો પ્રણય, ઈટલીનાં વસ્ત્ર અને ઈટલીની લઢણો અંગ્રેજ જીવનમાં, વિશેષે અમીરોનાં જીવનમાં અને અંગ્રેજી ભાષામાં સમૃદ્ધિ રેડી રહ્યાં હતાં. અમીરાતની રમતો સામાન્ય જનોને મૂંઝવે અને આંજે તેવી હતી. શબ્દોની રમઝટ, સૉનેટના પાઠ, શ્લેષયુક્ત સંવાદ – આમાંનું કશું રાણી એલિઝાબેથની રાજસભામાં અપરિચિત ન હતું. તો લંડનના રૂઢિચુસ્ત અને ચોખલિયા મોવડીઓને આમાંનું કશું ખપતું ન હતું. રાય કે રંક – લંડનની સમસ્ત પ્રજા એ કાળે ભારે ઉદ્યમી હતી, રંગરાગનું જીવન ગાળતા ઉમરાવો પણ પ્રેમશૌર્યનું નૈપુણ્ય ધરાવતા. આજે યુદ્ધે ચઢે અને કાલે કવિ બને એવું જીવન એમને સુસાધ્ય હતું. ત્યારે તો શેક્‌સ્પિયરનાં નાટકો સર્જવા જેટલી લાયકાતવાળા આટલા બધા ઉમેદવારો તે સમયનાં ઉમરાવ કુટુંબોમાં જડી આવ્યા છે. એલિઝાબેથના સમયનું લંડન જીવનનું આશક હતું. જે દીઠું, સૂણ્યું કે વાંચ્યું તેને પ્રેમ કરવાની અજબ લગન લંડનને હતી. રસદર્શનનું નહીં, કિન્તુ રસસમાધિનું એ ધામ હતું. સાહિત્યના ઇતિહાસમાં તે યુગને ‘ગાતાં પંખીનો નીડ’ કહ્યો છે તે સાર્થ છે. કાવ્ય અને સંગીત લંડનનું સાર્વત્રિક લક્ષણ હતું, બધીએ મધુશાળામાં સંગીત પીરસાતું. નૌકાવિહાર કરતા યુવાનો, નટઘરના પ્રેક્ષકો અને ટોળે વળતાં નગરજનો સંગીતભૂખ્યા જીવ હતા. ‘વાતનું વતેસર’ (Much Ado About Nothing) નામની શેક્‌સ્પિયરની નાટ્યકૃતિમાં નટખટ બિયેટ્રીસ પોતાની જાતકકથા એક વાક્યમાં કહી કે છે. ‘તારલિયો નાચ્યો ને મેં અવતાર લીધો’ (A star danced and I was born). લંડન નગરીનો નવો અવતાર આવા ‘તારકનૃત્ય’ને ચોઘડિયે થયો હતો. એની યુવાનીને પગે ભમરો હતો. ચંદ્રના અદીઠ પાર્શ્વ જેવું લંડનનું બીજું પણ રૂપ હતું. કોમળ સંગીત અને અંગ્રેજી સાહિત્યનાં અપૂર્વ ઊર્મિગીતોનું આ નગર, બર્બર પશુતાનું પણ ધામ હતું. સાંપ્રત લંડનના અમીરવિસ્તાર માર્બલ આર્ચ પાસે શેક્‌સ્પિયરના લંડનનું ટાયબર્ન વૃક્ષ (Tyburn Tree) ખોડાયું હતું. નગરનો એ વધસ્તંભ રાજ્યે આચરેલા નરમેધનું ધામ હતું. વર્ષના કોઈ પણ દિવસે લંડન-બ્રિજ ઉપર નજર પડે તો ધડથી છૂટાં પાડેલાં મસ્તકો ટંગાવેલાં દેખાતાં. દેહાંતદંડની સજા પામેલા અભાગીને જાહેરમાં ફાંસી અપાતી કે એનો શિરચ્છેદ થતો અને જલ્લાદને હાથે એનું અંગછેદન થતું. આ કારમા દૃશ્યો જોવા લોકો ટોળે મળતાં. સજા ભોગવનારા એવી માટીના ઘડાયા હતા કે ઉત્સવમાં આવ્યા હોય તેમ વર્તતા અને દેહાંત પહેલાં અંતિમ પ્રવચન આપ્યા વિના જંપતા નહીં. શેક્‌સ્પિયરના પરિચિતોમાં એના એક વિદ્યાગુરુ, એના એક સહાધ્યાયી1[1], મોસાળપક્ષે એના એક સ્વજન2[2], અને એની મંડળીના એક આશ્રયદાતા ઉમરાવ ઇસેક્સને દેહાંતદંડ મળ્યો હતો. 34 વર્ષની વયના ઇસેક્સે વધસ્તંભે ઊભીને પ્રાર્થના કરી હતી કે : “હાથ લંબાવીને હું મારું શીષ અંતિમ છેદન માટે નમાવું, અને જલ્લાદ ખડ્ગ ઉઠાવે ત્યારે આપ સહુ મારી સાથે પ્રાર્થના કરજો કે ઈશ્વરના દૂત મારા આત્માને કરુણાનિધાન પાસે દોરી જાય.” (When you shall see me stretch out my arms and my neck on the block, and the stroke ready to be given, it would please the everlasting God to send down his angels to carry my soul before his Mercy Seat.) ધડથી છૂટા પડેલ મસ્તકનું આવું રોજિંદું પ્રદર્શન સહી શકે તે નગરને શેક્‌સ્પિયરનાં નાટકોમાં આવાં જ દૃશ્યોનો આગ્રહ રહે ને? તે સમયના કારાગારોની યાતના અને સિતમનું વર્ણન પણ હવે તો અસહ્ય લેખાય. શેક્‌સ્પિયર જ્યાં નટ હતો તે થિયેટર તરફ જવાના રસ્તે બ્રાઈડવેલ તુરંગ હતી. ચારિત્ર્યની શંકા અંગે અભાગી સ્ત્રીઓને ત્યાં જાહેરમાં ફટકા મારવામાં આવતા. આના સોળ શેક્‌સ્પિયરના અંતરમનમાં એવા ઊઠ્યા કે સિસૃક્ષાની ચરમ પળે એણે મહાપાત્ર રાજા લિયરની ઉન્મત્ત દશામાં કરુણા વહાવી :

“બદમાશ જમાદાર, થંભાવી દે તારો હત્યારો હાથ,
એ લંપટ નારીને શીદને ફટકારે છે?
ઉઘાડ તારી પીઠ.
જે દુષ્કૃત્ય માટે આ નારી શિક્ષા ખમે છે તેવી જ કેલિ
એની સાથે આચરવા તારું મન તલપી રહ્યું છે.”
(Thou rascal beadle. hold the bloody hand!
Why dost thou lash that whore?
Strip thy own black
Thus hotly lusts to use her in that kind
For which thou whippest her.)

લંડનનો જઠરાગ્નિ અદ્ભુત! અને દક્ષિણ તટે મુક્ત વિસ્તાર. પ્રસિદ્ધ થિયેટરો ત્યાં. નદીને ઉત્તર તટે લંડન King Lear. લંડનનું આગ્રહી મહાજન નગરમાં નાટકો ભજવવાની છૂટ ન આપે એટલે સામે કાંઠે મુક્ત વિસ્તારમાં નટઘર રચાયાં. લંડનનું મીનાબજાર પણ ત્યાં અને ત્યારનું લંડન જ પચાવી શકે તેવી રીંછ અને કૂતરાંની સાઠમારીનો અખાડો ‘પેરિસ-ઉદ્યાન’ (Paris Garden) પણ ત્યાં જ. માર્લોનાં પાત્રોને અભિનયથી જીવતાં કરનાર ખ્યાતનામ નટ ઍડવર્ડ એલિન કે શેક્‌સ્પિયરના કરુણાન્ત વૈભવનો વાહક નટ રિચાર્ડ બરબેજ, રાણી એલિઝાબેથ અને તેનાં પ્રજાજનોમાં જેટલા લોકપ્રિય તેટલાં જ લોકપ્રિય હતાં અખાડાના રીંછ હંકસ અને સેકસન. ગ્રીષ્મ ઋતુની કોઈ સાંજે રાણી એલિઝાબેથ સહેલીઓ અને અમીર-ઉમરાવો સહિત પેરિસ-ઉદ્યાનમાં જે કાર્યક્રમ હોંશથી નીરખતી તે આવો હતો : પ્રથમ દૃશ્ય : મંગલધ્વનિ, થાંભલે બાંધેલા રીંછ તરફ શિકારી કૂતરાં છોડવામાં આવે છે. ઊછળી ઊછળીને તેઓ રીંછને બટકે છે. હવામાં મજબૂત પંજા વીંઝીને રીંછ તેમને પાછાં ફેંકે છે. વારંવાર શ્વાનોનો હલ્લો પાછો પાડે છે. થોડાંક શ્વાન ચિરાઈને મૃત્યુ પામે છે. હર્ષની કિકિયારી અને તાળીના ગડગડાટ સાથે રીંછને મુક્ત કરવામાં આવે છે. દૃશ્ય બીજું : આંધળું રીંછ છૂટું મુકાય છે. ચાબુક વીંઝતા કિશોરો એની પૂંઠ પકડે છે. કોરડાના મારથી ગાંડું બનેલું રીંછ કિશોરોને શોધવા દોડ્યા કરે છે. હટફેટે ચડેલો એકાદ કિશોર ગબડી પડે છે ને ભયની કારમી ચીસો પાડે છે. રીંછના પંજામાં સપડાયેલા કિશોરને રક્ષકો બચાવે છે, ને મૂર્છા પામેલા કિશોરને ઉઠાવી લે છે. દૃશ્ય ત્રીજું : દોરડે બાંધેલો શ્વેત વૃષભ શિકારી કૂતરાના હુમલા સામે શીંગડાનું શસ્ત્ર અજમાવે છે. શીંગડે ફંગોળેલું કૂતરું અદ્ધર ફેંકાય છે. નોકરો એને જાળમાં ઝીલે છે. ઉભય પક્ષ લોહી નીંગળતા બને ત્યારે આ દૃશ્ય વિરમે છે. દૃશ્ય ચોથું : વિશિષ્ટ પ્રસંગે જ આ પ્રયોગ રજૂ થતો. જાતવાન ઘોડા ઉપર ભયથી કંપી રહેલુ વાંદરું બેસાડવામાં આવે છે. પાછળથી શિકારી કૂતરાં છૂટાં મુકાય છે. ઘોડો ગોળ ચક્કર લગાવે છે. કૂતરાં લાતો ખાતાં ઊછળીને વાંદરાને પાડવા મથે છે. અનેક ચક્કર લગાવ્યા પછી થાકીને ઘોડો ગબડે છે. વાંદરું ઊછળીને પડે છે. કૂતરાં એને ફાડી ખાય છે. અનુચરો મેદાન વાળી-ઝાડીને ચોખ્ખું બનાવે છે. દૃશ્ય પૂરું થાય છે અને રાણીમાતા સલામો ઝીલતાં રાજમહેલ તરફ પાછાં વળે છે. આ પ્રેક્ષકો તે પછી ‘રોમિયો અને જુલિયેટ’ જોવા ટોળે વળતાં. આવી હતી લંડનની જીવનપિપાસા. શેક્‌સ્પિયરને મળેલાં રંગભૂમિ અને નટઘર પણ એવાં જ વિચિત્ર હતાં. 1575ની સાલથી લંડનમાં ધંધાદારી રંગભૂમિનાં મંડાણ થયાં. શેક્‌સ્પિયરના સાથી નટ રિચાર્ડ બરબેજના પિતા જેમ્સ બરબેજે સુથારનો ધંધો છોડીને સામે કાંઠે ઇંગ્લૅન્ડનું પહેલું નટઘર - ‘થિયેટર’ બાંધ્યું. ત્યારથી નાટકની ભજવણી સ્થાયી વ્યવસાય બન્યો. તે પહેલાં નાટકો ભજવાતાં ખરાં પણ કાચા મંડપોમાં, સરાઈ(Inns)નાં પટાંગણોમાં, મોટાં મુસાફરખાનાંના ચોકમાં પાટ નાખી મંચ તૈયાર કરાતો. સામે મેદાનમાં અને ત્રણ બાજુના રવેશમાં મેદની સમાતી અને પરિવ્રાજક (Strolling) નટો નાટક ભજવી જતા. મધ્યકાલીન યુરોપમાં અક્ષરજ્ઞાન ઓછું એટલે મુસાફરખાનાં ચિત્રોથી ઓળખાતાં. લંડનમાં જ્યાં નાટકો ભજવાતાં તેવાં મુસાફરખાનાનાં નામ આ પ્રમાણે હતાં : સેરેસન હેડ, બોર્સ હેડ, રેડ લાયન, ટેબાર્ડ, બેલ, બુલ, ક્રોસકીઝ અને બેલસેવેજ. ભટકતી મંડળી મેદાનમાં ગાડાં છોડતી, ગામમાં ભૂંગળ વગાડી જાહેરાત કરતી અને મુસાફરખાનામાં સાંજે નાટક ભજવતી. સમય જતાં સમૃદ્ધ બનેલી નટમંડળી મુસાફરખાનું ખરીદીને કાયમી નટઘર મેળવી લેતી. આવી રીતે રેડ લાયન, બોર્સ હેડ અને ક્રોસકીઝ કાયમી રંગમંચ મેળવી શક્યાં. આમ નાટકની પ્રવૃત્તિ નટના યોગક્ષેમનો કાયમી આધાર બની. નાટ્યપ્રવૃત્તિનો ઉદ્ગમ તો જેમ ભારતમાં કે ગ્રાસમાં તેમ ઇંગ્લૅન્ડમાં ધર્મવિધિમાં શોધવો પડે છે. મધ્યયુગમાં ખ્રિસ્તી ધર્મે લોકોમાં ધર્મપ્રસાર અર્થે ઈસુજીવનના, ધર્મના શહીદોના અને નીતિપ્રસારના નાટ્યપ્રયોગો રચેલા ત્યારે અર્થોપાર્જનો હેતુ લેશમાત્ર ન હતો. તેથીયે પુરાણા યુગોમાં પ્રકૃતિ અને જીવનનાં ગૂઢ રહસ્યોને અભિવ્યક્તિ આપતા ઉત્સવોમાં – આપણા હોલિકોત્સવ, વિજયાદશમી, શરદપૂર્ણિમા, શિવરાત્રી, કૃષ્ણજન્મ અને દીપોત્સવી જેવા – જગતની નાટ્યપ્રવૃત્તિનાં બીજ વેરાયાં હતાં. પરંતુ એલિઝાબેથના યુગની નાટ્યપ્રવૃત્તિમાં અર્વાચીન મનોરંજનનાં મૂલ્યો સ્વીકૃતિ પામ્યાં છે. 1575 પછીની નાટ્યપ્રવૃત્તિનું લક્ષ્ય મનોરંજન દ્વારા અર્થપ્રાપ્તિ બન્યું. એનું એકમાત્ર પ્રયોજન લોકરંજન હોવાથી ડૉ. જ્હૉનસને સાચું જ લખ્યું કે :

The Drama’s Laws the drama’s patron’s give
And those who live to please, must please to live.

આમ માનવંતા પેટ્રનોના યુગનાં મંડાણ નાટ્યસાહિત્યમાં એલિઝાબેથના જમાનામાં થયાં. વ્યાપક અર્થમાં એ પેટ્રન હતો બહુજનસમાજ. રાણી એલિઝાબેથ, એના કલાપિપાસુ ઉમરાવોથી માંડીને એક પેનીમાં ત્રણ કલાકનું રંજન વાંછનાર અદનામાં અદના નગરવાસી પર્યંતનો લોકસમસ્ત. પંચની આ લાકડીએ જગપ્રસિદ્ધ નાટ્યસાહિત્યની માયાજાળ રચી બતાવી. નટઘરોની સ્થળપસંદગી આકસ્મિક ન હતી. સોળમી સદીના નગરવિસ્તારમાં નટઘરો સ્થપાય તો શહેરની સુખાકારીને જોખમ હતું. દાયકામાં ત્રણ વાર પ્લેગનો રોગચાળો ફાટી નીકળતો અને પ્લેગનો ફેલાવો જનમેદનીમાં ત્વરાથી થતો. ઉપરાંત જુનવાણી મહાજનને નાટ્યપ્રવૃત્તિમાં ભ્રષ્ટચારિત્ર્યનાં એંધાણ સ્પષ્ટ દેખાતાં, એટલે નગરથી દૂર ન હોય તેવા સ્થાને નદીને સામે કાંઠે પહેલું નટઘર 1575માં બંધાયું. તે પછી ફાયદે મૂડીરોકાણનો અવસર પારખી શ્રીમંત લેન્ગ્લીએ રાજહંસ (Swan) નટઘર બંધાવ્યું. ફિલિપ હેન્સ્કોએ ગુલાબ (Rose) અને સુભાગ્ય (Fortune) બંધાવ્યાં એટલું જ નહિ, નાટ્યપ્રવૃત્તિનો એ શરાફ (Banker) બન્યો. તે જમાનાનો શ્રેષ્ઠ નટ એલિન એનો જમાઈ હતો. હેન્સ્લોનો મહાન ઉપકાર તો એ હતો કે એની રોજનીશી (Henslowe’s Diaries)માં એણે લેણદેણની વિગતો વ્યવસ્થિત જાળવી. વીસમી સદીએ એ રોજનીશીના આધારે એલિઝાબેથ યુગનાં નટઘરોનાં નાટકો અને નટોના ખરચાની ઝીણામાં ઝીણી વાતને પ્રસિદ્ધિ આપી. નાટકોનો રચનાકાળ નક્કી કરવામાં આ રોજનીશી ઉપકારક નીવડી, કારણ ધિરાણની રકમ સામે હેન્સ્લો નાટકનું નામ નોંધતો અને નવું નાટક હોય તો તેનો નિર્દેશ (ne) કૌંસમાં દર્શાવતો. હેન્સ્લોના આધારે જાણવા મળ્યું છે કે નટઘરના ભાડા પેટે ઇમારતનો માલિક ખેલની આવકના પચાસ ટકા મેળવી શકતો. ઉપરાંત મંડળીને, નટને અને નાટ્યકારને વ્યાજે રકમ ધીરવાનું કામ શરાફ કરતો. હેન્સ્લોનો જમાઈ ઍડવર્ડ એલિન શેક્‌સ્પિયરથી બે વર્ષ નાનો હતો. માર્લોનાં નાટકોમાં એણે મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી. નાટ્યપ્રવૃત્તિમાં પૈસેટકે એ એવો સુખી થયો કે નાની વયમાં નિવૃત્ત બનીને મોટી જાગીર ડલ્વિચ મેનર ખરીદી લીધી. સંસ્કારી એવો કે ઉદાર વિદ્યાદાન કરીને એણે ડલ્વિચ કૉલેજની સ્થાપના કરી હતી. 1592 અને 1593નાં વર્ષોમાં શેક્‌સ્પિયરને એલિન સાથે કામ કરવાનો અનુભવ મળ્યો હતો. ઉમરાવ લિસ્ટરનું 1588માં અવસાન થતાં એની મંડળી ઉમરાવ સ્ટ્રેન્જનો આશ્રય પામીને લૉર્ડ સ્ટ્રેન્જની મંડળી ગણાઈ. 1592માં લંડનમાં વસતા શરણાર્થીઓ વિરુદ્ધ હુલ્લડ ફાટી નીકળ્યું એટલે નટઘરો બંધ કરવામાં આવ્યાં. પછી પ્લેગના રોગચાળાને લીધે પૂરાં બે વર્ષ નટઘરો બંધ રહ્યાં. પરિણામે એલિન અને બરબેજ જેવા નામાંકિત નટોને પણ આર્થિક મુશ્કેલી નડી તો શેક્‌સ્પિયર જેવા રોજિયાના તો કેવાયે હાલ થયા હશે. આ અરસામાં જ નાટ્યકાર ગ્રીનનું દયામણું અવસાન થયું. દુઆ દઈએ ગ્રીનને કે 1592 સુધી અજ્ઞાત રહેલા વિલિયમ શેક્‌સ્પિયરની સિદ્ધિઓ એણે પ્રસિદ્ધ કરી. શેક્‌સ્પિયર ‘પારકે પીંછે રળિયામણો’ નટ હતો, મુક્ત પદ્ય (Blank verse) એ આરૂઢ કવિઓ જેવું સહજ રેલાવી શકતો અને વિદ્યાપીઠનાં રત્નોને (University wits) વાદે એ એવાં સફળ નાટકો લખતો બન્યો કે ગ્રીન એના નાટ્યકાર મિત્રોને સવેળા ચેતીને અન્ય પ્રવૃત્તિમાં પડવા વિનંતી કરતો ગયો. 1592 સુધીમાં શેક્‌સ્પિયર આટલું કરી શક્યો હોય તો લંડનનો એનો વસવાટ એળે ગયો ન જ લેખાય. 1590માં એણે હેન્રી છઠ્ઠા વિષેનું નાટક લખ્યું જણાય છે.એ નાટક 1588નું વર્ષ એટલે કે સ્પેનિશ આર્મેડા સામે ઇંગ્લૅન્ડના મહાન વિજયના વર્ષનો તોર જાળવતું નાટક છે. બસો વર્ષ પહેલાં ફ્રાન્સને તોબા પોકરાવનાર અંગ્રેજ સરદાર ડાલ્બોટનાં પરાક્રમો અને વીરગતિની મહાકથા એમાં રજૂ થાય છે. ગ્રીનના મિત્ર નેશે ‘દશ હજાર પ્રેક્ષકોનાં નયન છલકાયાં’ એવો ઉલ્લેખ આ નાટક વિશે કર્યો છે. તે પછી 1592 સુધીમાં શેક્‌સ્પિયર હેન્રી છઠ્ઠાનો પહેલો અને ત્રીજો ભાગ રચ્યા. આપણા યુગના અંગ્રેજ સાહિત્યકાર લુઈ સ્ટીવન્સને લખ્યું હતું તેમ આ ત્રણ નાટકોમાં છવ્વીસની વયનો શેક્‌સ્પિયર ચિત્ત પરોવીને અનુકરણ શીખે છે. (He plays the sedulous ape.) મુક્ત પદ્ય અને પ્રાસયુક્ત પદ્યની એને ફાવટ છે. નટ હોવાથી રંગભૂમિની શક્તિ અને મર્યાદાનો એને પૂરો ખ્યાલ છે. પરંતુ નવા નિશાળિયાની મૂંઝવણથી એ આંકેલા અક્ષર ઘૂંટતો માલૂમ પડે છે. એને મળેલું નટઘર ખુલ્લો ચોક હતું (open to the sky). રંગમંચની ત્રણ બાજુ પ્રેક્ષકો ઊભા રહેતા એટલે પડદા પાડવાના ન હતા. પરિણામે બધોયે વખત નટોને ગતિમાન રાખવા પડતા અને નાટક શરૂ થાય ત્યાંથી અંત સુધી વિરામ ન મળતો. એક સમૂહ વિદાય થાય કે બીજા સમૂહનો તત્કાલ પ્રવેશ થતો. પડદાના અભાવે સ્થળકાળનું બંધન ન હતું. એટલે વાર્તા છૂટથી એક દેશથી બીજે દેશ પ્રયાણ કરતી અને ખુલ્લો રંગમંચ ઘડીકમાં યુદ્ધક્ષેત્ર તો ઘડીકમાં રાજમાર્ગ અને ક્ષણ પછી ઉદ્યાન ગણી લેવાતો. નટ બખ્તર પહેરીને આવે તો યુદ્ધનું દૃશ્ય, હાથમાં મશાલ હોય તો રાત્રિનો સમય, પાછલી અટારી પરથી ભૂસકો મારે તો કોટકિલ્લાનું દૃશ્ય. આમ પ્રેક્ષકોની કલ્પના સતત કાર્યરત રહેતી. આનો લાભ ઉઠાવીને શેક્‌સ્પિયરે Epical એટલે કે સ્થળકાળના વિશાળ માપવાળા તવારીખી નાટકોથી (Chronicle plays) નાટ્યકલાનો કક્કો ઘૂંટ્યો. શેક્‌સ્પિયરે વાચન અને ભજવણીથી શીખેલી ભાષા તેનાં પાત્રો આ નાટકોમાં બોલે છે. નાટકમાં કે પાત્રોમાં હજુ ‘શેક્‌સ્પિયર’ પ્રવેશ નથી પામ્યો. રોટલો રળવા નટ બનેલા આ યુવાનને નાટક લખવાનો સમય ક્યારે મળ્યો હશે? એલિઝાબેથ યુગનાં નટઘરોમાં એકના એક નાટકની સતત રજૂઆત કદી ન થતી. પાંચ દિવસમાં પાંચ જુદાં જુદાં નાટકો ભજવાતાં. એટલે રોજ સવારે રિહર્સલ અને બપોરે ભજવણી એવો નિત્યક્રમ હતો. તેમાંયે શેક્‌સ્પિયર જેવા ‘ફાલતુ’ નટે એક જ નાટકમાં અનેક નાનાં પાત્રો ભજવવાં પડે. ઉપરાંત પ્રોમ્બિંગ અને સમયાનુસાર કપડાં બદલાવવાનું કે પ્રોપર્ટીની હેરફેરનું કામ વધારામાં. એક અનુશ્રુતિ પ્રમાણે શેક્‌સ્પિયર ભાગ્યે જ સમયનો દુર્વ્યય કરતો, બીજા નટો લહેર કરતા હોય ત્યારે પણ નિમંત્રણનો અસ્વીકાર કરી તબિયતને બહાને એ ઘેર જતો. પરિણામે રાત્રિના કલાકો એણે વાચનમાં અને લેખનમાં ગાળ્યા હોય એમ દીસે છે. વળી એના સાથીદાર નટો પરિવાર સાથે રહેતા, જ્યારે વીસેક વર્ષના લંડનવસવાટ દરમિયાન શેક્‌સ્પિયરનું કુટુંબ કદી લંડન નથી આવ્યું એમ એનાં વસવાટનાં મકાનો અને સરનામાં સૂચવે છે. 1592 અને 1593નાં વર્ષોમાં નટઘરો બંધ થયાં એટલે ઘણી નટમંડળીઓ આર્થિક મુસીબતથી ભાંગી પડી. એલિનની મંડળી અને ઉમરાવ સ્ટ્રેન્જની મંડળીના કેટલાક નટોએ ભેગા મળીને ઉમરાવ પેમ્બ્રોકની મંડળી આ વર્ષોમાં રચી. એમણે શેક્‌સ્પિયરનું ચોથું નાટક ‘ટિટ્સ એન્ડ્રોનિક્‌સ’ ભજવ્યું. વસમો કાળ હતો એટલે થોડી પણ આવક વધે તે હેતુથી મંડળીએ આ નાટક પ્રકાશકને છાપવા વેચ્યું. 1594માં પ્રસિદ્ધ થયેલું આ નાટક શેક્‌સ્પિયરની મૂળ પ્રત ઉપરથી છાપ્યું લાગે છે. તે જમાનામાં `ટિટ્સ’ અત્યંત નાટ્યક્ષમ ગણાયું અને વારંવાર ભજવાયું. શેક્‌સ્પિયરના વિકાસસાતત્યનો નમૂનો આ નાટકમાં મળી રહે છે. બે વર્ષ પછી 1594માં પ્રસિદ્ધ થનારા એના કાવ્ય ‘લ્યુક્રીસનો શીલભંગ’ (The Rape of Lucree)નાં બીજ ‘ટિટ્સ’ નાટકમાં મળે છે. કદાચ નાટક અને કાવ્ય એક જ સમયે રચાયાં હોય. રોમન ઇતિહાસમાંથી શેક્‌સ્પિયરે રચેલાં અનેક નાટકોનો પ્રારંભ ‘ટિટ્સ’ છે. આ નાટકમાં સમકાલીન નાટ્યકાર અને વેરની વસૂલાતને તખ્તા પર સફળતાથી રજૂ કરનાર ‘સ્પેનિશ ટ્રેજેડી’ના સર્જક કિડ (Kyd)ની જબ્બર અસર પડી છે. બળાત્કાર, અંગવિચ્છેદન અને પાશવી ક્રૂરતાથી ઊભરાતા આ નાટકમાં, શેક્‌સ્પિયરે લખ્યું હોવા છતાં, શેક્‌સ્પિયરનો સ્પર્શ ભાગ્યે જ શોધી શકાય. કાળજું કંપાવનારા એના પ્રસંગો અને એલિઝાબેથ યુગના નગરવાસીઓને નાટકી ન લાગે એવો સંદર્ભ હતો. તો બે મહાયુદ્ધો અને સરમુખત્યારશાહીને વેઠી ચૂકેલા આપણા યુગને પણ હવે ક્રૂરતા અને અત્યાચારો ‘ન સંભવે’ કહેવાપણું નથી રહ્યું. પરંતુ આ નાટકમાં શેક્‌સ્પિયર તાટસ્થ્યના ભાવે રચના કરે છે, પ્રસંગોનો આઘાત એને ભાગ્યે જ સ્પર્શે છે. જેને ‘ખીચડી માટે’ (potboiler) લખેલું ગણાય તેવા આ નાટકમાં પણ શેક્‌સ્પિયરની સ્થાયી શ્રદ્ધા વ્યક્ત થઈ છે, સામાજિક અરાજકતા વિરુદ્ધની. નાટકના અંતે ‘ટિટ્સ’ નો પુત્ર સત્તા પર આવતાં વચન આપે છે કે, “રોમનાં દુઃખ દૂર કરવાની અને એના ઘા રૂઝવવાની એની નીતિ રહેશે.” (My I govern so, To heal Rome’s harms, and wipe away her woe.) આ ચાર નાટકો જુદી જુદી ચાર મંડળીએ ભજવ્યાં તે પરથી વાજબી અનુમાન એ નીકળે છે કે શેક્‌સ્પિયરને હજુ સ્થાયી કામ મળ્યું નથી અને આર્થિક રીતે તે ડામાડોળ છે. હજુ નટ તરીકે પણ એ ‘ફાલતુ’ રહ્યો છે, ને નાટકોની આવક પર તો ગ્રીન અને એના મિત્રો ભૂખે મર્યા છે. વળી શેક્‌સ્પિયરે તો પત્ની અને ત્રણ બાળકો દેશમાં મૂક્યાં છે, એ વાતનેય પાંચ વર્ષ વીતી ચૂક્યાં છે. સફળ બનેલાં નાટકો એ લખે છે ખરો પણ અનાસક્ત રહીને. એના મનોમંથનનું કોઈ સાક્ષી નથી. 1594માં વાદળો વીખરાવાનાં હતાં, કિન્તુ 1592-93 એનાં વસમાં વર્ષો હતાં. નટ અને નાટ્યકાર થવા એ મથતો હતો, પરંતુ કવિ તો એ હતો જ અને આ વિષમ દશાની ક્ષણો, પ્લેગનાં વર્ષોની અને બંધ નટઘરોની ક્ષણો, એનાં આ વર્ષોનાં સૉનેટોમાં સ્મરણીય પદાવલિ બની છે, જેમ કે સૉનેટ 27 અને 29 : “પ્રવાસથી થાકેલાં અંગોને આરામ આપવા શય્યામાં પડું છું ત્યાં મન પ્રવાસે ઊપડે છે અને શરીરનું કામ ઝંપે છે ત્યારે બુદ્ધિ કામે ચઢી જાય છે.” “ભાગ્ય અને માનવીનાં નેણ રોષે ભરાયાં છે ત્યારે ત્યક્તા જેવી મારી દશાનો હું અસહાય વિલાપ કરું છું. બધિર આસમાનને હું મારા વ્યર્થ ચિત્કાર સુણાવું છું અને દુર્ભાગી મારી જાત નિહાળી દૈવને અભિશાપ આપું છું. આશાના અમીરને જોતાં એનું પદ વાંછું છું, એનું રૂપ પ્રાર્થુ છું, એના મિત્રો મેળવવા ઝૂરું છે. એકની કળા અને અન્યના સુદિનો માટે તલસું છું. નસીબે જે આપ્યું છે, ન્યૂનતમ એમાં તૃપ્તિ મને.

Weary with toil, I haste me to my bed,
The dear repose for limbs with travel tired;
But then begins a journey in my head,
To work my mind when body’s work’s expired.
When in disgrace with fortune and men’s eyes
I all alone beweep my outcast state,
And trouble deaf heaven with my bootless cries,
And look upon myself and curse my fate,
Wishing me like to one more rich in hope,
Featured like him, like him with friends possess’d,
Desiring this man’s art, and that man’s scope,
With what I most enjoy contented least.

1593ના વર્ષમાં શેક્‌સ્પિયરે એની પ્રથમ કાવ્યકૃતિ ‘રતિ અને ગોપયુવા’ પ્રસિદ્ધ કરી. એના ગામભાઈ રિચાર્ડ ફિલ્ડે એનું મુદ્રણ કર્યું. 18મી એપ્રિલ, 1593ના દિવસે એણે મુદ્રકોના મહાજનને ચોપડે (Stationers’ Register) નોંધ મુકાવી કે, “વિનસ અને એડોનિસ’ નામનું પુસ્તક એણે ખરીદ્યું છે અને છાપવાની મંજૂરી આર્કબિશપ વ્હિટગિફ્ટે આપી છે.” સ્ટેશનર્સનો ચોપડો તમામ મુદ્રિત સાહિત્યની સાલવારી માટે અગત્યનો દસ્તાવેજ હતો અને મુદ્રણહક્કનું એનાથી જતન થતું. મુદ્રક ફિલ્ડ પુસ્તક-વિક્રેતા ન હોવાથી લંડનના પ્રસિદ્ધ વિક્રેતા જ્હૉન હેરિસનની પેઢીમાં એણે વેચાણની વ્યવસ્થા કરી લીધી. કાવ્યકૃતિઓની ખપત ઓછી રહેતી એટલે નવા કવિને સામાન્ય રીતે છાપેલી થોડીક નકલો વળતરમાં મળતી. શેક્‌સ્પિયરને એની પ્રથમ કૃતિ માટે બે પાઉન્ડ મળ્યા હશે. એ સમયે કવિની સાચી કદર શુભેચ્છકો કરતા. શેક્‌સ્પિયરે ‘વિનસ અને એડોનિસ’નું અર્પણ 1593ના વર્ષમાં નગરને આકર્ષી રહેલા યુવાન ઉમરાવ અર્લ ઑફ સાઉધેમ્પટનને કર્યું છે. 18ની વયનો એ કિશોર ઉમરાવ ઇંગ્લૅન્ડના ધનિકોમાં મોખરે હતો. કૅથોલિક સંપ્રદાયનું સૌથી વિશિષ્ઠ ખાનદાન એનું હતું. આઠ વર્ષનો હતો ત્યારે એણે પિતા ગુમાવ્યા હતા. ઇંગ્લૅન્ડના મુખ્ય કારભારી સેસિલના પાલિત તરીકે એનો ઉછેર થયો હતો. 16મે વર્ષે એણે કેમ્બ્રિજ વિદ્યાપીઠનો અભ્યાસ પૂરો કર્યો. 1591થી કાયદાનો અભ્યાસ કરવા એ લંડનમાં મિડલ ટેમ્પલ સંસ્થામાં જોડાયો. રાણી એલિઝાબેથના લાડકા ઉમરાવ ઇસેક્સનો એ જીવનપર્યંત વફાદાર મિત્ર બન્યો. ઇસેક્સના ઉમરાવનો એ મુગ્ધ અનુયાયી હતો. મનમોજી અને ઉદાર પ્રકૃતિનો કિશોર સાઉધેમ્પટન 1593નો કામદેવ હતો. કાવ્યોનું અર્પણ સાહિત્યરસિક ઉમરાવોને એ હેતુથી થતું કે કવિને આશ્રય મળે. અલગારી નેશ ભાગ્યે જ કોઈની ખુશામત કરતો. એણે સાઉધેમ્પટનને ગ્રંથ અર્પીને લખ્યું હતું : “ભાવિ પેઢીઓમાં આપનું પવિત્ર નામ પ્રતિષ્ઠા પામે એ હેતુથી હું નવું જ મન, નવા ખ્યાલ, નવી શૈલી અને નવા પ્રાણ પ્રાપ્ત કરીશ.” કવિ બાન્સેર્ અર્પણમાં લખ્યું હતું : “આપનાં પ્રેમાળ નયનોમાં કાવ્યદેવીની દ્યુતિ વસી છે.” પ્રસિદ્ધ ફ્રેન્ચ ગદ્યસ્વામી મોન્ટેઇન(Montaigne)ના નિબંધોનું અંગ્રેજી ભાષાંતર કરીને જ્હૉન ફ્લોરીઓએ લખ્યું : “મારા જેવા અનેકમાં આપના યશસ્વી તેજથી નવો પ્રકાશ અને નવું જીવન રેડાયાં છે.” શેક્‌સ્પિયરે લખેલું અર્પણ પ્રમાણમાં ઔપચારિક અને વિનમ્ર છે. “મારી મેધાનું પ્રથમ ફલ” (First heir of my invention) આપને પ્રસન્ન કરશે તો હું ધન્ય બનીશ અને સમય કાઢીને આપને છાજે તેવી અન્ય કૃતિ રચવાનું પણ લઈશ. પરંતુ આ પ્રથમ કૃતિ વિરૂપ નીવડી તો આપનું નામ વ્યર્થ લીધાથી ખિન્ન બનીશ અને રસહીન ભૂમિમાં ખેતીનો પ્રયત્ન ફરી નહીં કરું.” 28ની વયના શેક્‌સ્પિયરે, 18 વર્ષના ઉમરાવને અર્પણ કરેલું ‘વિનસ અને એડોનિસ’ તત્કાલ પ્રિય બન્યું. વિદ્યાપીઠના યુવાનોને પ્રિય એવા મસ્ત કવિ ઓવિડના ‘પરિવર્તન’ (Metamorphosis) નામના કાવ્યમાંથી પ્રસંગ મેળવીને સૌન્દર્યની દેવી વિનસનું ધરતીના યુવાન એડોનિસ પ્રત્યેનું કરુણ આકર્ષણ આ કાવ્યનો વિષય છે. એલિઝાબેથના જમાનાની રંગીન શૈલી અને પ્રણાલીમાં શેક્‌સ્પિયરે લૅટિન સાહિત્યનું કથાકાવ્ય ઉતાર્યું છે. યુવાનીના ઉલ્લાસથી શેક્‌સ્પિયરે દેહસૌન્દર્યકેફ આ કાવ્યમાં ઘૂંટ્યો છે. શેક્‌સ્પિયરને સદૈવ અભિપ્રેત એવું વાસનાનું વિશ્લેષણ કયા રેશમી પરદામાં છુપાયું છે? સમકાલીન યુવાનોએ તો આ કાવ્યમાં દેહનાં આકર્ષણ અને અલંકારની રમઝટ વધાવી લીધાં. પારકા સાહિત્યની કથા કહેતાં શેક્‌સ્પિયર અશ્વોનાં ચિત્રણ અને વન્યસૃષ્ટિના વર્ણનમાં જાગી ઊઠે છે ને પુરાણા પ્રણયના આખ્યાનમાં જીવતાં વર્ણનો ઉમેરે છે. વિદ્યાપીઠનું શિક્ષણ પામ્યો ન હતો તેવો કવિ આનંદ અને આશ્ચર્ય અનુભવે એવો આવકાર વિદ્યાપીઠના શિષ્યોમાં આ કાવ્યને મળ્યો. ચાર વર્ષ પછી કેમ્બ્રિજ વિદ્યાપીઠે ભજવેલા એક પ્રહસનમાં એવા શિક્ષાર્થીનો ઉલ્લેખ થયો જે ‘મધુરા શ્રીમાન શેક્‌સ્પિયરનું’ (Sweet Mr. Shakespeare)નું ચિત્ર અભ્યાસખંડમાં સાચવતા અને ‘વિનસ અને એડોનિસ’નું કાવ્ય ઉશીકે મૂકતા મહાકવિ સ્પેન્સરના અધ્યાપક-મિત્ર ગેબ્રિયલ હર્વેએ નોંધ્યું : “યુવાનોને શેક્‌સ્પિયરનાં ‘વિનસ અને એડોનિસ’ તેમજ ‘રોમિયો અને જુલિયટ’ રુચ્યાં છે, તો વધુ ગંભીર માનવોને એનાં ‘લ્યુક્રીનો શીલભંગ’ અને ‘હૅમલેટ’ જચ્યાં છે.” ‘વિનસ’ને અપૂર્વ આવકાર મળ્યો. કવિની હયાતીમાં એની દશ આવૃત્તિ બહાર પડી. આ કાવ્યે શેક્‌સ્પિયરને સોહામણા સાઉધેમ્પટનના નિકટ પરિચયમાં મૂક્યો. સોનેરી કેશકલાપ અને ગૌરવર્ણના એ કિશોરનું દેહસૌષ્ઠવનું અને રૂપનું આ વર્ષોમાં કવિને કામણ રહ્યું છે. દોમ સાહ્યબીનો એ અમીર કવિને ખાલી હાથે પાછો વાળે? ઓબ્રીએ નોંધેલી અનુશ્રુતિમાં તથ્યનો અંશ રહેલો છે. એણે નોંધ્યું હતું કે અજાણ્યા શેક્‌સ્પિયરને સાઉધેમ્પટને ન્યાલ કર્યો. એક હજાર પાઉન્ડનું વર્ષાસન આપ્યું. વર્ષાસન તો કોણ જાણે, પણ આ વર્ષમાં ‘પાલતુ’ નટ શેક્‌સ્પિયર બરબેજે રચેલી નવી નટમંડળી ચેમ્બરલેઇન મંડળીમાં ભાગીદાર બને છે અને સ્થિર આવક મેળવે છે. મૂડીરોકાણ વિના ભાગીદાર થવાતું નહીં અને 1592 સુધી શેક્‌સ્પિયર પાસે બચત રહે તેવી આવક હતી નહીં. એટલે સાઉધેમ્પટનને કરેલું અર્પણ એને લાભદાયી નીવડ્યું છે. શેક્‌સ્પિયરને સ્વજન (Cousin) કહેનારો કૅથોલિક કવિ સથવેલ (Shuthwell) સાઉધેમ્પટનનો ગુરુ હતો. એનાં કાવ્યો ધર્મરંજિત હતાં, સત્ત્વશાળી હતાં. એણે એક અર્પણમાં એ વાતનો ખેદ વ્યક્ત કર્યો હતો કે સાઉધેમ્પટન વિલાસી કાવ્યોમાં રાચતો હતો. એણે કવિજનોને વિનંતી કરી હતી કે વધુ નીતિમૂલક કાવ્યો તેઓ લખે. એક કાવ્યસંગ્રહ સ્વજન W.S. ને એણે અર્પણ કર્યો હતો અને નીતિચિંતનનું કાવ્ય પ્રાર્થ્યું હતું. સ્વજન W.S. એટલે કવિ શેક્‌સ્પિયરે 1594માં ‘લ્યુક્રીસનો શીલભંગ’ કાવ્ય રચ્યું. હવે લંડનનો શ્રેષ્ઠ વિક્રેતા જ્હૉન હેરિસન એનો પ્રકાશક બન્યો. આ કાવ્યનું અર્પણ સાઉધેમ્પટનને થયું, મમત્વને દાવે. આ અર્પણમાં શેક્‌સ્પિયરે લખ્યું : “આપને સમર્પેલો મારો સ્નેહ અગાધ છે, આ કાવ્ય તો સ્નેહનો નિરર્થક અંશ જ છે. આપનું સુજનસુલભ ઔદાર્ય આ કાવ્યની સ્વીકૃતિનો પુરાવો છે, નહીં કે અસંસ્કારી આ પદોની ગુણવત્તા. જે કાંઈ કર્યું છે તે સદા આપનું રહેશે. જે ભવિતવ્ય છે તે પણ આપનું જ હશે, આપના આ ભક્તનું એ હોવાથી. અધિકાર મારો વિશેષ હોત તો મારા અર્પણમાં વધુ તથ્ય હોત... આપનું સુખ સમૃદ્ધ દીર્ઘાયુ વાંછું છું.” શેક્‌સ્પિયરનું આ કાવ્ય સમકાલીન ડેનિયલની 1592માં લખાયેલી ‘રોઝામોન્ડની અરજ’ (The Complaint of Rosamond)ના રાહે લખાયું છે. રોમના રાજવીકુળનો છેલ્લો વંશજ ટાર્કિવન હાથ નીચેના સરદારની પત્ની લ્યુક્રીસનું શીલ ભ્રષ્ટ કરે છે એ કાવ્યનો વિષય છે. પરિણામે લ્યુક્રીસ આપઘાત કરે છે અને પ્રજાના રોષની જ્વાલામાં રાજવંશ ભસ્માવશેષ બને છે. પુનરપિ શેક્‌સ્પિયરનું કાવ્ય એને યુગનું સંતાન ઠેરવે એટલું પ્રાસપ્રાચર્ય અને રંગીન સૂરાવલિનું આ કાવ્ય છે. ‘લ્યુક્રીસ’નો ફેલાવો ‘વિનસ’ કરતાં વધારે થયો અને છ વર્ષમાં ચાર આવૃત્તિ બહાર પડી. 1594 સુધીમાં શેક્‌સ્પિયરે ‘પારકે પીંછે’નું આળ સાચું તેમ જ વ્યર્થ ઠેરવ્યું એનાં ચારેય નાટકો નિષ્ઠાવાન અનુકરણ હતાં એ સાચું. એટલું જ સાચું એ પણ હતું કે કેવળ ચાર નાટકોમાં એનો ક્ષેત્રવિસ્તાર પ્રત્યેક પૃથક્ નાટ્યકાર કરતાં ઝાઝેરો રહ્યો. માર્લો કેવળ માર્લો જેવું લખે, કિડ આત્મવત્ લખે, વિનમ્ર શેક્‌સ્પિયર માર્લો જેવુંયે લખે, કિડ જેવું પણ અને ગ્રીન જેવું પણ. ઉપરાંત નટના હલકા મનાતા વ્યવસાયનો પણ એ તો ગુણ સ્વીકારે અને સાહિત્ય સર્જે તે પહેલાં તખ્તો પિછાનીને ચારે નાટકોને અત્યંત નાટ્યક્ષમ બનાવી રહે. નટનો ધર્મ લોકરંજનનો એટલે જનસમાજની નાડ પારખીને લોકનાટ્ય (Popular Drama) એ આપે. લોકકલાકારનું બિરુદ એને સહજ મળે. કિક્સે મહાકવિનું લક્ષણ ‘નિરાકાર વ્યક્તિત્વ’ - (Negative Personality)માં શોધ્યું હતું. કવિ આગ્રહી વ્યક્તિત્વ કેળવે તો સમષ્ટિ સાથે તદાકાર બનવામાં, જીવનવ્યાપી પ્રતિભાના વિકાસમાં ગૂંચ પડે એ સત્ય શેક્‌સ્પિયરના અર્ધજ્ઞાત મનમાં કામ કરી રહ્યું છે. સિઝરની દર્પયુક્ત ઘોષણા ‘આવ્યો, જોયું, જીત્યો’ એ માર્લોની રંગભૂમિને લાગુ પડે છે. શેક્‌સ્પિયરમાં માનવતા પ્રબળ હોવાથી એ વિકાસ ‘આવ્યો, જોયું, શીખ્યો અને જીત્યો’ એમ વ્યક્ત થાય. જીવને અને 1594માં ગ્રીને, સંભળાવેલી ‘ગાળ’ – ‘થઈ બેઠેલો લેખક’ (Upstart) એણે શોભા બનાવી દીધી, કવિપદ પ્રાપ્ત કરીને. હવે એક પણ નાટક ન લખે તોયે મધુર પદાવલિનો અગ્રિમ કવિ ઠરે તેવાં બે કાવ્યોનું એણે પ્રદાન કર્યું, પરિણામે એને શ્રી અને સરસ્વતી મળ્યાં. શેક્‌સ્પિયરની એ અગ્નિપરીક્ષા હતી. કાવ્ય એનો ‘સ્વ’ભાવ હતો. કાવ્યે એને ઘણું આપ્યું એ લોભમાં એ ખેંચાયો હોત તો યુગના પિંજરામાં બંધાયો હોત. જૂજવાં રૂપનિર્માણનો સુવર્ણસંકેત એણે ગુમાવ્યો હોત. The Freedom of the whole world જગત ઘૂમી વળતી પ્રતિભાનો વિકાસ એલિઝાબેથનાં કાવ્યોમાં વિલીન થયો હોત. પ્રાધ્યાપક ક્વિલર કૂચે શેક્‌સ્પિયરની પ્રતિભાનું આગવું લક્ષણ ‘લાડકાંને રહેંસવાની એની શક્તિ’ ગણાવ્યું છે. His capacity to murder his darlings. 1594માં એણે કવિયશનું પ્રલોભન સફળ રચના આપ્યા પછી દૂર કર્યું, અથવા કહોને ઉન્નત કર્યું. કોઈ અમીરને અધીન રહેવા કરતાં Penny પ્રેક્ષકોનો આશ્રય શોધ્યો. ફરીને એણે એકે અર્પણ ન લખ્યું, એકે કાવ્ય ન લખ્યું. જગતને નહીં, પરંતુ જાતને સમજાવવા બે કાવ્યો એણે લખ્યાં. ભીતર સમૃદ્ધિનું માપ મેળવીને એણે નટઘરને દૃઢ વિશ્વાસથી સ્વીકાર્યું. હવે ‘ફાલતુ’ મટીને કવિના હક્કથી એણે નાટ્યપ્રવૃત્તિમાં પદાર્પણ કર્યું. 1594થી એ ‘શેક્‌સ્પિયર’ પદ પામ્યો. હવે એની કૃતિઓમાં વિદ્યુતસંચાર થયો. 1594 સુધીમાં એણે રિચાર્ડ ત્રીજો, કોમેડી ઑફ એરર્સ, ટુ જેન્ટલમેન ઑફ વેરોના, ટેમિંગ ઑફ ધી થ્રુ – આટલાં નાટકો આપીને સુખાન્ત અને કરુણાન્ત નાટકોના પ્રદેશ માપી લીધા. હવેનાં વર્ષોમાં એણે જે કાંઈ સર્જ્યું તે કેવળ ચેમ્બરલેઇનની મંડળી માટે. પિતા જ્હૉનની દૃઢતા પુત્ર વિલિયમે ‘ચેમ્બરલેઇન મંડળી’ને વફાદારી અર્પીને દર્શાવી. શેક્‌સ્પિયર સારું લખે અને બરબેજ સારું ભજવે, એવો અવ્યક્ત કરાર આ મંડળીએ છેવટ સુધી પાળ્યો અને 1594 પછી શેક્‌સ્પિયરે કદી પાછું વળીને જોવું ન પડ્યું. એના યુગની રંગભૂમિએ એની સર્વશક્તિને છૂટો દોર આપ્યો, એ યુગની ભજવણીએ અને પ્રેક્ષકોએ એનો કલ્પનાહિંડોળ ઝૂલતો મૂક્યો અને સાધન અને સાધ્યનો ભેદ લોપાયો શેક્‌સ્પિયર હવે રળિયામણો બન્યો સહુને સમાવીને.


  1. 1. Robert Dobdate in 1587.
  2. 2. Johm Sommerville in 1583.