શેક્‌સ્પિયર/સ્ટ્રેટફર્ડના શેક્‌સ્પિયર

2. સ્ટ્રેટફર્ડના શેક્‌સ્પિયર

પ્રતિવર્ષ હજારો સાહિત્યપ્રેમી પ્રવાસીઓ માટે એક નાનકડું અંગ્રેજ ગામ – સ્ટ્રેટફર્ડ તીર્થધામ બન્યું છે. વિવેચક ફ્રાંક હેરિસે (Frank Harris) જેને ‘અંગ્રેજ પ્રજાના ઇતિહાસનો સર્વોત્તમ વિક્રમ’ લેખ્યો છે તે કવિ-નાટ્યકાર વિલિયમ શેક્‌સ્પિયર એ ગામમાં અવતર્યો હતો. 23મી એપ્રિલ અંગ્રેજ પ્રજાના આદિવીર સંત ર્જ્યોર્જનું જયંતીપર્વ લેખાય છે. સને 1564માં એ પર્વણીએ હેનલી સ્ટ્રીટમાં જ્હૉન શેક્‌સ્પિયરને ઘેર પુત્ર જન્મ્યો. માતા-પિતાનો એ પ્રથમ પુત્ર. તે પહેલાં જન્મેલી બે પુત્રીઓ અવસાન પામી હતી. સ્થાનિક દેરાસરમાં 26મી એપ્રિલે એનું નામકરણ નોંધાયું – વિલિયમ શેક્‌સ્પિયર. હેનલી સ્ટ્રીટનું એ મેડીવાળું જન્મસ્થાન આજે તો રાષ્ટ્રીય સ્મારક બનીને કવિના જીવનકાળમાં હતું તેવું જ હૂબહૂ સચવાયું છે. તામ્રપત્રમાં આલેખેલાં એનાં ચિત્રો આધારે એનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. મધ્યયુગની વાસ્તુરચનાનો પૂરો ખ્યાલ આપતું એ મકાન પથ્થરના પાયા પર ઓકના થાંભલા અને પીઢિયાં ગોઠવીને બનાવેલું છે. નીચી છતના ઓરડા નાના છે, પરંતુ બારીઓ પહોળી છે અને તેમાં સીસું રેડીને જડેલી કાચની તકતીઓ બેસાડી છે. ઉપલી મેડીમાં માળિયું પણ છે, જેમાં વેપારી જ્હૉન શેક્‌સ્પિયર ખરીદેલું ઊન ભરી રાખતો. આમ તો ઇંગ્લૅન્ડમાં સ્ટ્રેટફર્ડ નામવાળાં અનેક ગામડાં હતાં, પરંતુ એવૉન નદીના તટે વસેલું આ સ્ટ્રેટફર્ડ તે જમાનામાં પ્રવૃત્તિથી ધબકતું અને વિકસી રહેલું ગામ હતું. ત્યાંના રહીશો ખુમારીથી યાદ કરતા કે દેશનો એક વડો ધર્માધિકારી સ્ટ્રેટફર્ડનો હતો : કેન્ટરબરીનો આર્ચબિશપ જ્હૉન ઑફ સ્ટ્રેટફર્ડ: ગામનું એક બીજું સંતાન – હ્યુ ક્લોપ્ટન રાજનગર લંડનનો નગરપતિ બન્યો હતો. એણે એવૉન નદી પાર કરવા પથ્થરનો પુલ બંધાવ્યો હતો અને ગામનું મોટું ઘર ન્યૂ પ્લેસ એણે ચણાવ્યું હતું. એણે બંધાવેલા પુલને લીધે લંડન સાથેની ગામની અવરજવર બારે માસ ચાલુ રહેતી. રાણી એલિઝાબેથના શાસનકાળમાં, સોળમી સદીના ઉત્તરાર્ધના પ્રથમ દાયકામાં સ્ટ્રેટફર્ડ આજુબાજુનાં ગામડાં માટે હટાણાનું કેન્દ્ર બન્યું હતું. ગામડાંના જુવાનો બાપીકી ખેતી ત્યજીને નસીબ અજમાવવા સ્ટ્રેટફર્ડમાં આવતા થયા હતા. કવિનો પિતા જ્હૉન શેક્‌સ્પિયર આવી રીતે આવી ચઢેલો કૃષિયુવા હતો. બે ગાઉ દૂર સ્નિટરફિલ્ડ નામના ગામમાં એનો પિતા ગણોતિયો હતો. એનો ભાઈ હેન્રી પિતાની ખેતીમાં સહાય કરતો. વિમકોટના જાગીરદાર આર્ડન પાસેથી એક ખેતર એમણે પટે મેળવ્યું હતું. ખેતમજૂરી કરનારા શેક્‌સ્પિયર-કુટુંબે સુખના દિવસો ખોયા હતા. જ્હૉનનો પિતામહ રાણી એલિઝાબેથના પિતામહ હેન્રી સાતમાના લશ્કરમાં સૈનિક હતો અને બોથફિલ્ડની યુદ્ધભૂમિ ઉપર ઝૂઝ્યો હતો. ઇનામમાં મળેલી જાગીર તે પછી કુટુંબ ગુમાવી બેઠું અને પારકી ખેતી કરીને મહેનતકશ બન્યું. પરંતુ યુવાન જ્હૉન સળવળી ઊઠ્યો ને ગામ છોડીને 155પમાં સ્ટ્રેટફર્ડમાં વસ્યો. માત્ર બે વર્ષમાં સ્વપ્રયત્નથી એણે ઊન અને ચામડાના વેપારમાં એવું નામ કાઢ્યું કે ગામને એ અજાણ્યો ન રહ્યો. 1557માં એનું ભાગ્ય ઊઘડ્યું અને જે જાગીરદાર આર્ડનની ખેતી એના પિતા અને ભાઈ કરતા હતા તે જાગીરદારની પુત્રી મેરી આર્ડન એની પત્ની બની. અમર શેક્‌સ્પિયરની જનેતા મેરી જાગીરદાર આર્ડનની સાતમી અને સૌથી નાની પુત્રી હતી. છતાં એના પિતાએ વીલ કરીને જાગીરદારનો વહીવટ એને સોંપ્યો હતો અને મોટી બહેનનું હિત સાચવીને નાની બહેને વહીવટ દીપાવ્યો હતો. આવી કુલદીપિકા સ્વેચ્છાથી અને સ્નેહથી જ્હૉન શેક્‌સ્પિયરને વરી. વિલિયમ શેક્‌સ્પિયરનાં નાટકોમાં સ્થાન પામેલી અભિજાત નાયિકાના સંસ્કાર કવિને માના ખોળામાં મળ્યા. ઇંગ્લૅન્ડના ઇતિહાસમાં સ્થાન પામેલું ‘દારૂગોળાનું કાવતરું’ (Gun Powder Plot) 1605માં ખુલ્લુ પડ્યું. લોકસભાના ઉદ્ઘાટન સમયે જ રાજા જેમ્સને દારૂગોળાથી ઉડાવી દેવાના કાવતરાના ચારે પ્રમુખ યોજકો હતા – કેટસબી, દ્રેશામ, વિન્ટર અને ગ્રાન્ટ્સ, આ ચારે મેરી આર્ડનના સ્વજનો અને કવિ શેક્‌સ્પિયરના મોસાળિયા હતા.*[1] માતૃપક્ષે કવિ ભદ્રિક હતો. મેરી આર્ડને આજીવન કૅથોલિક સંપ્રદાય સેવ્યો હતો. મેરી આર્ડન સાથે લગ્ન કર્યાથી જ્હૉન શેક્‌સ્પિયર મિલકતદાર બન્યો. પરંતુ પોતાની કુનેહથી અને પત્નીના દરજ્જાથી સ્ટ્રેટફર્ડ ગામમાં એ પુછાવા લાગ્યો. મધ્યયુગી એ ગામનો વહીવટ સ્થાનિક મહાજન(Guild)ને હસ્તક હતો. સંયુક્ત કુટુંબની ભાવનાથી એ વહીવટ હાથ ધરાતો. અનેક લાગા અને પ્રણાલીના પાલનનો ત્યાં આગ્રહ રહેતો. ગામનો વેપાર કોઈ બહારના હાથમાં ન જઈ પડે તેવી સાવચેતી રખાતી. બાંધ્યા વિનાનું એનું કૂતરું રવડતું હોય કે રાતના આઠ પછી છોકરું રવડતું હોય તો સ્ટ્રેટફર્ડના રહીશે મહાજનને દંડ ભરવો પડતો. પરગામથી મહેમાન આવે તો યજમાને મહાજનની ચિઠ્ઠી ફડાવવી પડતી. તેમાંયે અજાણી સ્ત્રીને આશ્રય આપે તો રાડ પડાવે તેટલો દંડ લેવાતો. મહાજનના ન્યાયનો આગ્રહ એવો ભારે કે ઓધ્ધેદાર સભ્યોને પણ નિયમભંગ થતાં દંડે. ઘર પાસે ઉકરડો થવા દીધો તે માટે જ્હૉન શેક્‌સ્પિયરને દંડ ભરવો પડ્યો હતો, ત્યારે આશ્વાસન એ વાતનું હતું કે એના પડોશી ને મહાજનના શેઠને પણ એટલો જ દંડ (ત્યારના બાર પેન્સ અત્યારની કિંમતે પિસ્તાળીસ રૂપિયા) થયો હતો. આમ કવિપિતાનું નામ મહાજનને ચોપડે મળી આવે છે. પરંતુ જ્હૉન શેક્‌સ્પિયર સાવચેત નાગરિક દીસે છે, કારણ બીજા પ્રતિષ્ઠિત નાગરિકો મહાજનને ચોપડે વારંવાર દંડ ભરીને ઝબકી જાય છે. 1556ના વર્ષમાં મહાજનની ચૂંટણીમાં જ્હૉન શેક્‌સ્પિયરને ગામનો પેટાનિયમન (ale-taster) અધિકારી નીમવામાં આવ્યો હતો. 1557માં મહાજનની વહીવટી સમિતિમાં જ્હૉન શેક્‌સ્પિયર ચૂંટાયો હતો. આ રીતે ચાર આગેવાન નાગરિકોમાં (Four Capital Burgesses) એણે સ્થાન મેળવ્યું હતું. મહાજનની બેઠકમાં તકરાર કરીને ઊઠી જનારને સાત શિલિંગ આઠ પેન્સ (અત્યારની કિંતમે રૂ. 315) દંડ થતો. બીજા સભ્યોને અવારનવાર દંડ ભરવો પડ્યો હતો, જ્હૉન શેક્‌સ્પિયરે કદી આવો દંડ ભર્યાની નોંધ નથી. 1558મા દેશની કૅથોલિક રાણી મેરીનું અવસાન થયું અને પ્રોટેસ્ટન્ટ એલિઝાબેથનો રાજ્યાભિષેક થયો તે સંક્રાન્તિકાળે જ્હૉન શેક્‌સ્પિયરને ગામનો ફોજદાર (Constable) બનાવવામાં આવ્યો. બીજે વર્ષે એ પદ ઉપરાંત એને વસૂલાતી કામ પણ સોંપાયું. 1561માં કસ્બાના વહીવટી અધિકારી (Chamberlain) તરીકે એ ચૂંટાયો ને અંગત રીતે એને વસમી લાગે તેવી, ગામનાં જાહેર સ્થળોના કૅથોલિક અવશેષો દૂર કરવાની ફરજનો ભાર એને ખભે ગોઠવાયો. મરતાં સુધી એ કૅથોલિક સહાનુભૂતિનો જન હોવાના પુરાવા હજુયે મોજૂદ છે. સદ્ભાગ્યે એને સાથી વહીવટદાર જ્હૉન ટેલર મળ્યો હતો જેણે આ કટુધર્મ બજાવ્યો હતો. આ વર્ષોમાં ગામની શાળાનો વહીવટ અને ગામના ટાવરની મરામતનું કામ જ્હૉન શેક્‌સ્પિયરને મળ્યાં. નાણું ઘટવાથી પંડના ચાર પાઉન્ડ (અત્યારે રૂ. 1,500) ધીરીને એણે ટાવર અને ઘડિયાળ દુરસ્ત કરાવ્યાની નોંધ મહાજનને ચોપડે પડી છે. કવિનો પિતા નિરક્ષર હોવાની લોકવાયકા આ વર્ષોમાં નિરાધાર માલૂમ પડે છે. એણે હિસાબ એવા ચોખ્ખા રાખ્યા હતા કે ફરી એક વર્ષ એને એ કામ સોંપાયું હતું. વળી સ્ટ્રેટફર્ડનો એક પણ વહીવટદાર – એના પહેલાં કે પછી – નિરક્ષર હોવાનો પુરાવો નથી. જ્હૉન શેક્‌સ્પિયરે સ્ટ્રેટફર્ડ ગામમાં બે ઘર ખરીદ્યાં હતાં. એક ગામને પશ્ચિમ ખૂણે ગ્રીન હિલ સ્ટ્રીટમાં અને બીજું હેનલી સ્ટ્રીટમાં. એનો વસવાટ હેનલી સ્ટ્રીટમાં હતો, અને એનાં સંતાનોનો જન્મ પણ એ જ ઘરમાં થયો. કવિ વિલિયમ શેક્‌સ્પિયરના જન્મવર્ષમાં પિતા જ્હૉન ગામનો વહીવટદાર હતો. નગરસમિતિ (Town Council)ના એક સભ્ય (Alderman) વિલિયમ બૉટ ઉદ્ધત વર્તન અંગે તે વર્ષમાં બરતરફ થતાં “જ્હૉન શેક્‌સ્પિયર એને સ્થાને પસંદ થયા. હવે એ ‘શ્રીમાન’ (Mister) ગણાયા અને સમાજમાં પ્રતિષ્ઠિત બન્યા. વિલિયમ શેક્‌સ્પિયરને પાંચમું વર્ષ બેઠું તે સાલ, 1568માં, એના પિતા સ્ટ્રેટફર્ડ પંચાયતના પ્રમુખ બન્યા (High Bailiff). 1લી ઑક્ટોબરે એમની સોગંધવિધિ થઈ : “નાગરિક સ્વાતંત્ર્યનું હું જતન કરીશ અને શું તવંગર કે શું ગરીબ, સહુનો સરખો ન્યાય કરીશ.” જાહેર સમારંભોમાં હિંગળોકરંગી ઝભ્ભા પહેરીને અને અંગરક્ષકો સહિત બેલિફ ઘૂમતા. અદાલતમાં માનદ ન્યાયાધીશનું કામ કરતા. ઓધ્ધાની રૂએ હવે “રાજ્યમાન્ય” રુક્કો મેળવીને અમીરાતનું બિરુદ મેળવવાને તે હક્કદાર બન્યા. સ્નિટરફિલ્ડથી આવેલા ખેતમજૂરના દીકરા જ્હૉનનો ભાગ્યોદય 1576 પર્યંત જારી રહ્યો. ત્યારે કવિ ઉપરાંત જ્હૉનનાં સંતાનોમાં દસ વર્ષનો ગિલ્બર્ટ (જ. 1566), સાત વર્ષની જોન (1569), નવ વર્ષની એન (1571) અને બે વર્ષનો રિચાર્ડ (1574) હતાં; પછી એડમન્ડ (1580). કવિની વય બાર વર્ષની હતી ત્યારે અચાનક કુટુંબના માઠા દિવસો આવી પહોંચ્યા. કવિનું શૈશવ અને કિશોરાવસ્થા આ રીતે સુખી ઘરના સંતાન જેવાં વીત્યાં. બાલ્યાવસ્થામાં યુવાન માતાની હૂંફ અને પ્રભાવ એણે વિશેષ ઝીલ્યાં હોય એ સહજ ગણાય. કિશોર શેક્‌સ્પિયર પણ એ શીળા પ્રકાશથી વંચિત નહીં હોય. સંયુક્ત કુટુંબથી સ્વતંત્ર બનીને જે માતાએ સંસાર માંડ્યો હતો અને વેપારમાં અને જાહેર જીવનમાં આગળ વધવાની અનુકૂળતા પતિને આપી શકી હતી તે માતા મેરી ભારે કામગરી છતાં આનંદી હશે એવી સ્પષ્ટ છાપ કુટુંબની તવારીખ બોલી બતાવે છે. શેક્‌સ્પિયરના પડોશી વ્હેટલી કુટુંબની તપસીલ મળી છે, જેમાં તે સમયની ગૃહિણીના ઘરકામની પૂરી વિગતો મળે છે. દિવસભર તેણે કરવાનાં કામ આ રહ્યાં : “આસવની ઓરડીમાં ધાનનો આથો ચઢાવીને એઈલ નામનું પીણું બનાવવું – વલોણાં સંભાળવાં અને માખણ અને પનીર બનાવવાં – વાડીનાં ફળ વીણીને કોઠાર ભરવો – વનસ્પતિ શોધીને ઓસડિયાં ઘસવાં –મસાલા ખાંડવા અને દળવા – મરઘાંબતકાંની સંભાળ રાખવી અને બગીચામાં મધમાખી ઉછેરવી – મધ અને મીણ મેળવવું અને મીણબત્તી બનાવવી – ફુરસદે કિનખાબી વણાટ કરવું – કુટુંબનાં વસ્ત્રોની ધુલાઈ માટે નદીએ જવું (આ કામમાં ઘરનાં બાળકોની સહાય લેવાની) અને નદીતટે વસ્ત્રો સુકાય પછી ઘેર લાવવાં.” પતિ જાહેર જીવનમાં પડ્યા, સાથે જ એકલે હાથે વેપાર ખેડી શક્યા એટલે પત્નીએ એના મોભાને અનુરૂપ અને સફળતા માટે આવશ્યક એવું ઉષ્માભર્યુ અતિથિગૃહ નભાવ્યું હશે. હિમવર્ષાની ઋતુમાં તાપણાંની ચારે બાજુ ગોઠવાઈને એનું સુખીમંડળ સુખદુઃખની વાતો કરતું હશે, જેમાંથી નાના વિલયમને પેલો – પ્રચલિત માન્યતા, સામાજિક વહેમો અને લોકસાહિત્યની પ્રેમસૃષ્ટિનો – પરિચય મળ્યો હશે, જેનો કાવ્યમધુર વિપાક ‘વાસંતી રાત્રિનું એક સ્વપ્ન’(A Midsummer Night’s Dream) એ નાટકના ભલા રૉબિન (Robin Good fellow) અથવા ‘તોફાની પક’ના પાત્રમાં કાંઈક આવી રીતે જાણ્યો : “તું પેલો ભલો રૉબિન કે જે ગામની કુંવારિકાઓને બીકથી છળાવે છે, ખરું ને? અને વલોણામાં ઉધમાત મચાવીને માખણ માટેની ઘરનારીની બધીયે મહેનત વ્યર્થ કરનારો પણ તું જ? આસવના ફીણને રોકનારો પણ તું અને નિશા સમયે વટેમાર્ગુને આફતમાં ઉતારી હાસ્ય વેરનારોય તું? ખુશામતમાં તને હોબગોબ્લિન અથવા મધુર પક કહેનારનાં કામ ઉકેલનાર અને ભાગ્યવિધાતા પણ ભલા રૉબિન તું જ.”

Are not you he
That frights the maidens of the villagery;
Skim milk, and sometimes labour in the quern;
And bootless make the breathless house-wife churn;
And sometimes make the drink ot bear no barm;
Mis-lead night wanderers, laughing at their harm?
Those that Hobgolin call you, and Sweet Puck,
You do their work and they shall have good luck.
(A Midsummer Night’s Dream, II, i)

પ્રેતસૃષ્ટિની આગવી કથાઓ મધ્યયુગના ગ્રામજીવનમાં ક્યારેય અજાણી ન હતી. મોડી રાતે અને ઘેનભરી આંખડીએ નાનકડા વિલિયમે ભૂતપ્રેતની કેટકેટલી વાતો સાંભળી હશે? સ્મૃતિપટ પર વેરેલાં એ બીજ વર્ષો વીત્યે કાવ્યફાલ બન્યાં ને આવાં લહેરાયાં :

“નિશાના વેગીલા ભૂચરો મેઘને વીંધતા સહી રહ્યા છે,
પણે અરુણોદયના પ્રાગડ ફૂટી રહ્યા છે :
એના સંચારે બધીયે ભૂતાવળ કબ્રસ્તાનના ખૂણા શોધી રહી છે.
વનવગડે રવડીને મરેલાં કે જળરાશિમાં ડૂબેલાં એ અભાગી પ્રેત,
ફરીને કબરોમાં પોઢ્યાં છે, જીવજંતુના સાથમાં,
એમનાં પાપ એમને શરમાવે છે; ભાસ્કરનો નીપજ્યો છે
એમને ભય-
આવા વાસનાજીવ ચિરકાલ નીલભ્ર રાત્રિના સાથી બન્યા છે."
For Night’s swift dragons cut the clouds full fast,
And yonder shines Aurors’s harbinger;
At whose approach ghosts, whadering here and there,
Troop home to church yards, Damned Spirits all,
That in crossways and floods have burial,
Already to their wormy beds are gone;
For fear day should look their shames upon,
They wilfully themselves exil’d from light,
And must for aye consort with black-browd night.
(M. N. D., III, ii)

ઓગણીસમી સદીના અંત સુધી અર્વાચીન સંશોધને પ્રાપ્ત કરેલી સામગ્રીના અભાવે કેવળ લોકજીભે મળી આવેલી કથાના આધારે કવિ વિષે કાલ્પનિક વિધાનો થયાં છે. જેમ કે શેક્‌સ્પિયર અભણ ગામડિયાનો પુત્ર હતો. દસ્તાવેજી પુરાવાથી આ ભ્રમનું નિરસન થયું છે. આવો જ ભ્રામક અને પ્રચલિત ઉલ્લેખ 17મી સદીના ઓડ્રી નામના પ્રશંસકે નોંધ્યો હતો કે શેક્‌સ્પિયર ખાટકીનો દીકરો હતો અને “વાછરડાંને એક ઝાટકે વધેર્યા પછી એને પ્રવચન કરવાની આદત હતી.” — When he had killed a calf, he would do it in high style and make a speech. વાતનું મૂળ એટલું જ કે એનો પિતા ઊન અને ચામડાંનો વેપાર કરતો. વાતનું સાચું રહસ્ય 16મી સદીના એક લોકપર્વમાં સમાયું છે. દશેરાના રાવણવધ જેવું એક પર્વ હતું, જ્યારે સ્ટ્રેટફર્ડમાં તેમજ અન્ય ગામોમાં, ભવાઈના એક પ્રયોગરૂપે વાંસ અને પૂંઠાનું એક ગોમુખ રંગમંચ પર ઉપસ્થિત થતું અને પડદા પાછળ ભાંભરવાનો અવાજ અને કિકિયારીઓ વચ્ચે પ્રેક્ષકોને અપશબ્દોની લાણ થતી. તદા પ્રેક્ષાગારમાંથી એકાદ તરુણ લાકડાની તલવાર સાથે ધસી જતો ને પૂંઠાની ગાયનો વધ કરી, હર્ષનાદો વચ્ચે પોતાને સ્થાને પાછો વળતો. શેક્‌સ્પિયરે હૅમ્લેટ નાટકમાં વૃદ્ધ પોલોનિયસ પાસે સીઝરવધનો ઉલ્લેખ કરાવીને હૅમ્લેટની લાજવાબ ઉક્તિ મૂકી છે : “કેવો હશે તે પશુ જેણે આવા જબ્બર (!) વછેરાને હણ્યો?” — A brute part of him to kill so capital a calf there? કિશોર વિલિયમે આવું પરાક્રમ કર્યુ હશે ખરું, પણ એના બાપ સુધી જવાની આવશ્યકતા જરાયે ન હતી. સાતમે વર્ષે સ્ટ્રેટફર્ડની પાઠશાળામાં એને મૂકવામાં આવ્યો તે પહેલાં આદિત્યવારના વર્ગોમાં (Sunday School) એને ઍબ્સી (Absey Book i. e. A. B. C.) અને ધાર્મિક પ્રશ્નોત્તરી (Catechism) શીખવાં પડ્યાં હશે. પૂંઠાં ઉપર ચીતરેલા મૂળાક્ષરોને સાબરશીંગાના પાતળા પડથી ઢાંકીને બનાવેલી પોથી હૉર્ન બુક (Horn Book) કહેવાતી.*[2] નાનાં બાળકો અક્ષરો પર ટચુકડી આંગળી ફેરવીને વાંચતાં, લખતાં ને શીખતાં ત્યારે શીંગડાના પારદર્શક પડને લીધે અક્ષરોનો ઘસારાથી ઉગાર થતો ને પોથી વર્ષો સુધી વાપરી શકાતી. આદિત્યશાળા ઉપરાંતનું શિક્ષણ નાના વિલિયમને સ્ટ્રેટફર્ડની શેરીમાં મળ્યું હશે. ગામમાં દર સપ્તાહે ગુજરી ભરાતી. ગામેગામના ખેડૂતો ખરીદી કરવા આવતા. પિતા જ્હૉન બજારમાં હાટડી ગોઠવતા. નાના વિલિયમે ભાવિ કવિનો સ્વજન હોવાથી જેમ પિતાના કામે આંટાફેરા કરતો હશે તેમ કવિના ચીંધ્યા કે શૈશવપ્રેર્યા ઘોડા પણ કર્યા હશે ને! દર સપ્તાહે બજારમાં ઠલવાતા કૃષિઉત્પાદનને એને કેવાંયે ઋતુવર્ણનો આપ્યાં હશે. ગામની શોભા જેવા નદીતટે કે બજારવીંધતા ધોરી માર્ગે એણે નિહાળેલા જાતવાન અશ્વો કે ભાતભાતના શ્વાનો વિષેનું કુતૂહલ એને એવું તો પજવી ગયું કે રાજા ત્રીજા રિચાર્ડથી સહેજ જુદી રીતે એ પોકારી ઊઠ્યો હશે : “A Kingdom for a horse.” એટલે જ એની પ્રથમ કૃતિ ‘રતિ અને ગોપયુવા’ (Venus and Adonais)માં એણે અશ્વદેહને કાવ્યમાં ઢાળ્યો. કાવ્ય અને હાસ્ય વિલિયમ શેક્‌સ્પિયરમાં અવિચ્છિન્ન હોવાથી કૂતરાંપ્રેમી રાજા જેમ્સને ધ્યાનમાં રાખી મૅકબેથને મુખે આખી વંશાવલિ ઉચ્ચારી છે :

As hounds, and grey hounds,
mongrels, spaniels, curs,
Shoughs, water-rugs, and
demi-wolves are clept,
All by the name of dogs.
(Macbeth, III, i)

સ્ટ્રેટફર્ડની પાઠશાળા (Grammar School) રાણી એલિઝાબેથના ભાઈ ઍડવર્ડ છઠ્ઠાને નામે ઓળખાતી હતી. આ નામની શાળા અનેક શહેરોમાં હતી. પરંતુ એ સ્થાપવાનો યશ ઍડવર્ડને ન હતો. સદીઓથી કૅથોલિક સંપ્રદાયની હજારો પાઠશાળા ગામેગામ સ્થાપવામાં આવી હતી. પ્રોટેસ્ટન્ટ ઍડવર્ડની રાજાજ્ઞાથી હજારો શાળાઓ બંધ થઈ. તેમાંથી બચી તે ઍડવર્ડના નામે ચાલુ રહી. સ્ટ્રેટફર્ડની શાળાનો વહીવટ મહાજન કરતું. સારા વહીવટને પરિણામે શાળાને યોગ્ય શિક્ષકો મળ્યા હતા. એમને મોટાં શહેરોની શાળા કરતાં પણ વધારે વેતન સ્ટ્રેટફર્ડનું મહાજન આપી શકતું. વિલિયમ શેક્‌સ્પિયરને શાળામાં ત્રણ ગુરુજી મળ્યા. પહેલા વર્ષમાં વિલિયમ રોશ, જે પાછળથી ધર્મગુરુ બન્યા હતા. તે પછી સાયમન હન્ટ, જેમણે ચારેક વર્ષ પાઠશાળા સંભાળી. સાયમન હન્ટ કૅથોલિક મતના હતા અને શાળા છોડીને પાદરી બન્યા પછી અનેક વર્ષો કૅથોલિક હોવાને કારણે કારાગારમાં પુરાયા હતા. એમનો એક ભાઈ તો કૅથોલિક ધર્મને ખાતર શહીદ બન્યો હતો. સાયમન ગુરુજીનું શિક્ષણ વિલિયમને ચારેક વર્ષ મળ્યું. તે પછી 1575માં વેલ્સપ્રદેશમાં એક શિક્ષક નામે ટૉમસ જેન્કિન્સ સ્ટ્રેટફર્ડમાં નિમાયા. આ બધા ગુરુજનો ઑક્સફર્ડ વિદ્યાપીઠના સ્નાતકો હતા. એમને વીસ પાઉન્ડનું વેતન મળતું. પાઠશાળાનો અભ્યાસક્રમ કેવળ લૅટિન ભાષાને આવરી લેતો. પૂરાં ચાર વર્ષ લૅટિનનું વાચન, લેખન અને મુખપાઠ શીખવાતાં. લિલિ નામના આચાર્યે રચેલું લૅટિન વ્યાકરણ દરેક બાળકે સાત વર્ષની વયથી ગોખવું પડતું. પરિણામે અંગ્રેજ બાળકોનું સહુથી અણગમતું પાત્ર કદાચને આચાર્ય લિલિ બન્યા હશે. ક્વચિત્ લંડનના આચાર્ય કેમ્ડન જેવા કે નાટ્યકાર ક્રિસ્ટોફર માર્લોને ઑક્સફર્ડમાં મળ્યા હતા તેવા સાહિત્યરસિક ગુરુ મળી રહેતા, જે લૅટિન સાહિત્યની જ્યોત શિષ્યોમાં પ્રગટાવી શકતા. સાયમન હન્ટનો શિષ્ય વિલિયમ શેક્‌સ્પિયર યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યા વિના ‘ખપજોગું લૅટિન’ (Little Latin) એવું તો શીખ્યો કે લૅટિન કવિ ઓવિડની હડફટે એ આવી ગયો. લૅટિન કાવ્યવાચન અને પ્લોટ્સ અને ટેરેન્સનાં નાટકોની ભજવણી પાઠશાળાના અભ્યાસક્રમનો એક ભાગ હતાં. શબ્દરૂપાવલિ, ધાતુરૂપાવલિ અને કંઠસ્થ કાવ્યોની તાલીમ સામાન્ય રીતે શિષ્યોને વ્યવહારમાં કશાયે ઉપયોગનાં ન નીવડે. પરંતુ યાદદાસ્તની આ કેળવણી શેક્‌સ્પિયરને નટ બનવામાં લાભદાયી નીવડી હશે. શાળા પ્રભાતે સાતને ડંકે ખૂલતી અને સાંજે પાંચે બંધ થતી. બપોરે બે કલાક વિશ્રામ. મોં ધોયું ન ધોયું, વાળ હોળ્યા ન હોળ્યા ને જોસ્તાન ખભે ભેરવી નિશાળે જતા એ શિશુંનું હાર્દ કવિ શેક્‌સ્પિયરે ‘આપને ગમ્યું એટલે’ (As You Like it) નાટકમાં માનવની સાત અવસ્થા (Seven Ages of Man) નામના પ્રસિદ્ધ ખંડમાં “કચવાતે મને શાળા પ્રતિ ડગ ભરતો વિદ્યાર્થી” એવા શબ્દોમાં કરી છે.*[3] એવા અનેક વિદ્યાર્થીઓમાં એક વિલિયમ હશે ને? હેનલી સ્ટ્રીટ પછી ચેપલલેનને ખાંચે ન્યૂ પ્લેસ નામની હવેલી આવતી. એના ઉદ્યાનમાં અનેક સૂર્યમુખી ખીલીને પ્રભાતે બાળકોને લોભાવતાં. આર્ડનનું ઉપવન યુવાન શિકારીને પ્રભાતે સાદ દેતું. અશ્વારૂઢ યુવાનો ખભે બાજપંખીને બેસાડી, શિકારી કૂતરાના સાથમાં આર્ડનની કેડી પકડતા. આવી રીતે રોજ દીઠેલી ‘ન્યૂ પ્લેસ’ ‘હવેલી એક દી’ એની થશે એમ નાના વિલિયમને ત્યારે તો કોણ કહે? શક્ય છે કે લૅટિન વ્યાકરણની વેઠ ઉતાર્યા પછી સેનેકા અને પ્લોટ્સનાં નાટકોના સંસ્કાર નાના વિલિયમને સ્પર્શી જાય, પાઠશાળામાં એ નાટકો નીતિબોધ માટે શીખવાતાં. પણ વિલિયમે તો એમાંથી ઘમંડી પંડિત, આખાબોલો ચાકર, શેખીખોર યોદ્ધો અને ફૂલણશી તથા આપમતલબી ન્યાયધીશ – આવાં પાત્રો સ્મરણસંચિત કર્યાનો પુરાવો એનાં પ્રથમ નાટકોમાં પડ્યો છે. ધર્મલાભ એને રવિવારે મળતો હશે. નગરશેઠનો પરિવાર દેવળમાં આગલી હરોળમાં બેસતો. પાદરીનાં ધર્મસંકીર્તનોનો મુખ્ય સૂર તે યુગમાં આ હતો : “આજ્ઞાના ઉલ્લંઘન અને દ્રોહથી નીપજતાં પાપ,” કવિની મનોભૂમાં એ વિચાર સ્થાયી બન્યો. પૂરાં સો વર્ષ ઇંગ્લૅન્ડમાં અરાજકતા વ્યાપી હતી. ગુલાબોના યુદ્ધને નામે ઓળખાતાં એ સો વર્ષ અંગ્રેજી પ્રજાની ખાનાખરાબીની શતાબ્દી હતાં. તે પછી સાંપ્રદાયિક આવેશનાં વર્ષો આવ્યાં. એટલે જે એલિઝાબેથના રાજ્યકાળનાં પ્રથમ વર્ષોની શાંતિ લોકહૃદયને રુચિ હતી. એટલે જ રવિવારનાં લાંબા ધર્મપ્રવચનોમાં અશાંતિના મૂળ જેવા રાજદ્રોહને વારંવાર અભિશાપ મળતા. વર્ષો પછી શેક્‌સ્પિયરે લખેલાં ઐતિહાસિક નાટકોના બીજમંત્રો આ પ્રવચનો હતાં. કવિ શેક્‌સ્પિયર પારણે પરખાયો હોત તો એની નિરુપદ્રવી મુખમુદ્રાથી શાળા કે દેવળના ગુરુઓ ભોળવાત નહિ. રૉબિન ગુડ ફેલોનાં લક્ષણો એનામાં વરતાયાં હોત. પાદરીઓ અને શિક્ષકોએ ઉદાસ બનાવેલા કલાકોનો બદલો એણે નાટકોમાં ભદ્રંભદ્રોની આશ્રયદાતાનું પ્રમાણપત્ર મેળવી સલામત બનતી. શહેરોમાં રજૂઆત કરતાં પહેલાં મેયરનો પરવાનો મેળવવો રહેતો અને લંડનમાં લૉર્ડ ચૅમ્બરલેઇનના દસ્તખત મલે તો ભજવણી થતી. બાર વર્ષના કિશોર વિલિયમે ઉત્કંઠ બનીને જે જોયા અને વિવશ બનીને જે સહ્યા કે પ્રમત્ત બનીને અનુભવ્યા, બચપણના તે સહુ ખેલ એક દિવસ કલ્પનાના અમીવર્ષણે કાવ્ય બની રેલાયા. 1576 સુધી કવિના પિતા જ્હૉનના દિવસો ઊજળા દીસે છે. 1555માં સ્નિટરફિલ્ડ ગામના રિચાર્ડ શેક્‌સ્પિયરનો આ યુવાન બેટો ખેતીની કાળી મજૂરીને બદલે વેપારમાં નસીબ અજમાવવા કસ્બા સ્ટ્રેટફર્ડ ભેગો થાય છે. 1557માં એનું ભાગ્ય ઊઘડે છે, કુલીન યુવતી મેરી આર્ડન એનો સ્વીકાર કરે છે. એ લગ્ન દ્વારા મળેલાં મિલકત અને મોભો જ્હૉનના ઉત્કર્ષને બળ આપે છે. 1557થી 1575 સુધી જ્હૉન શેક્‌સ્પિયર સ્ટ્રેટફર્ડના સામાજિક જીવનમાં ક્રમશઃ બધાં જ અગત્યનાં સ્થાન મેળવી લે છે. ત્યાં સુધીમાં એને છ સંતાનો પ્રાપ્ત થાય છે, જેમાંની બે દીકરી નાની વયે અવસાન પામે છે. તે પછીના બે પુત્ર વિલિયમ અને ગિલ્બર્ટ અને બે પુત્રી એન અને જોનને 1576 સુધી નિરભ્ર સુખી બચપણ મળે છે. એનું છેલ્લું સંતાન પુત્ર એડમન્ડ, 1580માં જન્મે છે. આ વર્ષોમાં પત્નીની જાગીર, વિલ્મકોટમાં મળેલાં ઘર અને જમીન ઉપરાંત સ્ટ્રેટફર્ડમાં વેપાર ખેડીને જ્હૉન બે મકાન, એક વખાર અને એક વાડીનો માલિક બન્યો છે. ભૂમિહીન કુટુંબમાં અવતરેલા જ્હૉનની જમીનલાલસા અત્યંત પ્રબળ હશે. અદાલતના દફતરે અનેક વાર જમીનોના સોદામાં એનું નામ સચવાયું છે. જે યુગમાં ગરીબ-તવંગર વચ્ચેનો ભેદ ‘ગામમાં ઘર અને સીમમાં ખેતર’ના ગોલાલેખાથી પરખાતો તે યુગમાં વ્યવહારમાં સફળ બનવા મથનાર જ્હૉન, રખે ને જાગીર છોડીને આવેલી ગૃહલક્ષ્મીને ઓછું આવે એમ સમજીને, સ્વપ્રયત્ને જાગીર રચવા મથે એમાં તો એનું પૌરુષ અને દાંપત્ય ઉભય વિલસે. માનો બેટો કવિ વિલિયમ શેક્‌સ્પિયર પણ એ જ દિશામાં પ્રયાણ કરે એવું પણ આ કુટુંબને અભિપ્રેત ખરું. સ્ટ્રેટફર્ડના નગરપતિ બની ચૂકેલા જ્હૉન શેક્‌સ્પિયરે 1576માં ખાનદાની સનદ (Degree of Gentleman) મેળવવા રાજ્યને અરજ ગુજારી. મિલકત તો આવતી કાલે નયે હોય, પરંતુ રાજ્યમાન્ય થવાય તો વારસાગત સ્થાન ભદ્ર સમાજમાં ટકે એ હેતુથી રાજ્યના ઇતિહાસ વિભાગ (Herald’s Office)માં આવી અરજી સ્વીકારાતી. અરજીનો સ્વીકાર થયે આજ્ઞાપત્રિકા દ્વારા વંશાવલિ બહાર પાડીને અને કૌટુંબિક મુદ્રાલેખ નિર્ણીત કરીને અરજદારને હક્કપત્ર બક્ષવામાં આવતું. જ્હૉન શેક્‌સ્પિયર આવી અરજી કરે એ સમજી શકાય તેમ હતું. એનાં સંતાનો સમાજમાં પ્રતિષ્ઠિત સ્થાન પામે એટલી મિલકત એણે મેળવી હતી. પરંતુ ખેતમજૂરના દીકરા તરીકે જે કાંઈ અપમાન એણે વેઠ્યાં હશે અને નીચા કુળના ગણાઈને જે કાંઈ અન્યાય એણે સહ્યા હશે તે ધ્યાનમાં લેતાં, તેમ જ જાગીરદાર મોસાળમાં પોતાનાં સંતાનો સરસાઈ ભોગવે એવી સહજ અપેક્ષાથી આવી અરજી કરી હશે. એલિઝાબેથના જમાનામાં નગરપતિનું પદ જાહેર ઓદ્ધો ગણાતું. એ પદ શોભાવી ચૂકેલો જ્હૉન ખાનદાનીના શરપાવનો હક્કદાર હતો. એટલે 1576માં રાણીના દૂતવાસમાં એણે મોકલેલી અરજી વાજબી હતી. પરંતુ તે પછી જ્હૉન શેક્‌સ્પિયરનું વર્તન કોયડારૂપ છે. જ્હૉન પોતાની અરજી પાછી ખેંચે છે. આમ શા માટે કર્યું હશે તેનો કોઈ ઉત્તર જડતો નથી. 1577થી જ્હૉન શેક્‌સ્પિયરની આર્થિક હાલત કથળે છે. તે વર્ષથી જ્હૉન શેક્‌સ્પિયર નગરપાલિકાની બેઠકોમાં ગેરહાજર રહે છે. વીસ વર્ષ ગામના જાહેર જીવનમાં કદીયે અનિયમિત જણાયેલો જ્હૉન ઓચિંતો બેદિલ બને છે. એથીય વધુ આશ્ચર્યજનક તો એ વાત કે નગરપાલિકામાં ચાર બેઠકમાં ગેરહાજર સભ્યને ફારેગ કરવાનો નિયમ હોવા છતાં સતત અનુપસ્થિત રહેનાર જ્હૉન શેક્‌સ્પિયરનું સભ્યપદ 1587 પર્યંત એટલે પૂરાં દશ વર્ષ ચાલુ રહે છે અને પ્રત્યેક બેઠકની નોંધમાં એની અનુપસ્થિતિનો ઉલ્લેખ સચવાય છે. 1587માં એને સ્થાને બીજા સભ્યને નીમતાં લખાયું છે : “શ્રીમાન શેક્‌સ્પિયર હાજર નથી રહેતા એ કારણે....” (For that Mr. Shakespeare dothe not come to the halles, nor hath not done of longe time.) આમ કવિની વય તેર વર્ષની થતાં કૌટુંબિક પરિસ્થિતિ એકાએક વિપરીત બને છે. 1578માં એની માતાના વારસાની સ્નિટરફિલ્ડ ગામની જમીન પંદરસો રૂપિયે વેચવામાં આવે છે. વિલ્મકોટ ગામનું ઘર અને જમીન કવિના માસા એડમન્ડ લેમ્બર્ટ ગીરવી લે છે, પંદર હજાર રૂપિયે. કાકા હેન્રીના આર્થિક કજિયામાં પણ કવિના પિતા સંડોવાય છે. એમાં એને પંદર હજારની રકમ ચૂકવવી પડે છે. અત્યાર સુધી કેવળ પોતાના લેણાની વસૂલાત માટે અદાલતના ઉંબરે જનાર જ્હૉન શેક્‌સ્પિયરને 1577 પછી દેવાં ભરવા અદાલતમાં જવું પડે છે. સ્ટ્રેટફર્ડનો એક વારનો નગરપતિ હવે ધર્મલાભ માટે રવિવારની પ્રાર્થનામાં નજરે પડતો નથી. 1592માં તો વર્ષો સુધી ગિરિજાધર ટાળ્યા બદલ એને નામે મોટો દંડ ચૂકવાયો છે. સ્ટ્રેટફર્ડનો આ શાણો વેપારી આમ અંગ સંકોરીને ખૂણે કેમ ભરાયો એ વિષે વિવિધ અનુમાનો થયાં છે. 1576 પછી એના વેપારમાં ખોટ આવી હોય એવા કોઈ પુરાવા નથી. ઊન અને ચામડાંનો એનો વેપાર, તેમાંય ચામડાં કપાવી સફેદ હાથમોજાં (Whittaver) બનાવી વેચવાનો એનો ઇજારો. એનું બજાર એકાએક સુસ્ત બન્યાનું કશે નોંધાયું નથી. એટલે શેક્‌સ્પિયર કુટુંબને નડેલો આર્થિક વંટોળ આસમાની નથી, કદાચ સુલતાની હોય. રાણી એલિઝાબેથને પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયની અધિષ્ઠાત્રી જાહેર કરી એટલે 1570માં કૅથોલિક સંપ્રદાયના વડા ધર્મગુરુએ એને ધર્મભ્રષ્ટ ઘોષિત કરી. એનો વળતો પડઘો એ પડ્યો કે રાણીએ સાંપ્રદાયિક નિયમન કડક બનાવ્યું. 1575 પછીનાં વર્ષોમાં દરેક પરગણામાં ઓછાવત્તા અંશે દબાણ લાવીને પ્રત્યેક કુટુંબે પ્રોટેસ્ટન્ટ વિધિમાં હાજર રહે તેવું યાજાયું. કૅથોલિક સંપ્રદાયની વિધિ (Mass) જાહેરમાં યોજવી મુશ્કેલ બની. પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયમાં પણ ઉગ્રમતવાદી (Puritans) આથી નારાજ થયા. કૅથોલિક સહાનુભૂતિવાળાં કુટુંબો પ્રાર્થનામાં આવતાં બંધ થયાં અને ખાનગીમાં કૅથોલિક વિધિ અનુસર્યાં. 1577માં વોરિક પરગણામાં – સ્ટ્રેટફર્ડ આ પરગણામાં હતું – પ્રોટેસ્ટન્ટ બિશપ વ્હિટગિફ્ટે કૅથોલિક કુટુંબો સાથે સખત હાથે કામ લીધું. રવિવારે પ્રોટેસ્ટન્ટ પ્રાર્થનામાં અનિવાર્ય હાજરી આપવાનો નિયમ અમલી બન્યો. ગેરહાજર રહેનાર કુટુંબની મિલકત પ્રમાણે દંડ ભરવાનું નક્કી થયું. શેક્‌સ્પિયરે 1592માં ભરેલા ચાળીસ પાઉન્ડ (આશરે પંદર હજાર રૂપિયા) આવા અપરાધ માટે હશે. આવા આર્થિક મારથી બચવા કદાચને જ્હૉન શેક્‌સ્પિયરે મિલકત ઓછી કરવાનો યત્ન કર્યો. એણે મિલકતને સગાંમાં જ વેચી દીધી એ હકીકત ધ્યાન ખેંચે છે. રવિવારે દેવળમાં જવાનું એણે ટાળ્યું એ પણ સૂચક છે. એવી જ રીતે સ્ટ્રેટફર્ડનો વેપાર ઓછો કરીને આર્ડનના ઉપવનમાં લપાયેલાં ગામો સાથેનો વેપાર એણે વધારી મૂક્યો હોય અને નગરશેઠ જ્હૉનમાંથી ફરી પાછો ગામેગામ ફરતો જ્હૉન ફેરિયો બન્યો હોય એ સંભવિત છે. ઇમારતી લાકડાં અને જંગલની અન્ય પેદાશ તેમજ ધાન્યનો વેપાર એણે કર્યાના ઉલ્લેખ મળી આવે છે. પાધરું કિસ્મત હોત તો અન્ય કિશોરોના જેવું જ, સોળ વર્ષ સુધી માધ્યમિક શિક્ષણ કવિને મળ્યું હોત. પરંતુ સત્તરમી સદીની નિકોલસ રૉએ મેળવેલી કર્ણોપકર્ણ વાયકા પ્રમાણે પિતા જ્હૉને કવિને તેરમે વરસે નિશાળેથી ઉઠાડી કામકાજમાં લગાડ્યો. સરવાળે કવિને અને જગતને લાભ જ થયો. મોટો થયે કવિ “મધુરાં હોય છે વિપદનાં પરિણામ” (‘Sweet are the uses of adversity’ - As you Like It, ll, i.) એ સૂત્ર અનેક વાર નાટ્યક્ષમ કરે છે તેમાં સ્વાનુભવનો પાશ આ વર્ષોએ અર્પ્યો. નિર્વિઘ્ન શિક્ષણ પામ્યો હોત, સમકાલીન અન્ય નાટ્યકારોને મળ્યું હતું તેવું વિદ્યાપીઠનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હોત તો કિશોર શેક્‌સ્પિયર કદાચ બહુશ્રુત વિદ્વાન કે પંડિત કવિ (Scholar Poet) બનત. અધૂરા શિક્ષણે માત્ર વ્યાપારમાં જીવ પરોવ્યો હોત તો પિતાની કારકિર્દીની વફાદાર પ્રતિકૃતિ જેવું આર્થિક સાફલ્ય એણે પ્રાપ્ત કર્યું હોત. પિતા જ્હૉનના તો એવા અભિલાષ પણ હશે કે જેવી રીતે એમના વ્યાપારી મિત્ર એડ્રિયન ક્વિની (Adrian Quiney)ને પગલે પગલે પોતે ગામમાં નાનાવિધ હોદ્દા મેળવી શક્યો હતો તેવી જ રીતે એમના પુત્ર રિચાર્ડને પગલે પગલે પોતાનો પુત્ર વિલિયમ વ્યાપારમાં સફળ બને અને ગામનો નગરપતિ થાય. એડ્રિયન ક્વિની નગરપતિ થયા હતા અને તે પછી એમનો પુત્ર રિચાર્ડ પણ એ જ સ્થાન મેળવી શક્યો હતો. શેક્‌સ્પિયર-પરિવાર અને ક્વિની-કુટુંબ વચ્ચે ઘરોબો હતો અને સ્પર્ધા પણ. કવિના પિતાનો પુત્ર ધાર્યા પ્રમાણેનો ન નીવડ્યો એ વાતનો અસંતોષ અવ્યક્ત નથી રહ્યો. ઘરના વેપારને અને કુળના મોભાને તિલાંજલિ સમર્પી રખડુ નટ અને નફ્ફટ લહિયા બનેલા પુત્રે ગામની શોભા જેવી હવેલી ‘ન્યૂ પ્લેસ’ ખરીદી તોયે પિતા હેનલી સ્ટ્રીટના જૂના મકાનને વળગી રહ્યા હતા અને મૃત્યુ સુધી ત્યાં જ રહ્યા હતા. 1576 થી 1582 સુધીનાં વર્ષો કવિ શેક્‌સ્પિયરનાં અગત્યનાં વર્ષો છે, એ કિશોરાવસ્થાનાં વર્ષો છે. એ વર્ષોમાં એણે શું કર્યું, કયાં સ્વપ્નો સેવ્યાં, ક્યાં રહ્યો, જોયું, અનુભવ્યું – એના સગડ ભાગ્યે જ મળે છે. પછીનાં વર્ષોનાં એનાં કવન અને સર્જનને આધારે કરેલી અટકળો દિશાશૂન્ય પર્યટનો રચી શકે. નવોન્મેષશાલી એની પ્રતિભાને અવગણીને સ્વાનુભવરસિક કવિ લેખે એને મૂલવવાનો યત્ન પરીલોકમાં ભૂલા પડેલા ગ્રામજનો (A Midsummer Night) જેટલાં હાસ્યાસ્પદ બની રહે. સાથે જ એ હકીકત પણ અવગણવા જેવી નથી કે એના સર્જનમાં પડેલું વાસ્તવ સ્થળકાળથી અંકિત છે. એવી કલાસૂઝ ક્યારેય વિકસી હોય, પરંતુ અવલોકનસભર એની સ્મૃતિ અને માનવ અને પદાર્થોનું એનું તાલાવેલી સમેત નિરીક્ષણ કિશોર-વર્ષોમાં મોજૂદ હશે. એનાં સર્જનોનું મુખ્ય લક્ષણ એનાં કલ્પનોમાં – એકાદ શબ્દથી વિચાર, મિજાજ કે વાતાવરણને જીવંત અભિવ્યક્તિ અર્પનારી એની પ્રતિભામાં સમાયું છે. 1933માં ‘શેક્‌સ્પિયરનાં ભાવપ્રતીક’ (Shakespearean Imagery) એ અભ્યાસગ્રન્થમાં ડૉ. કેરોલીન સ્પર્જન નામનાં વિદુષીએ આવો મનોહારી પ્રયત્ન કર્યો છે. કવિનું હૃદ્ગત, પ્રાયશઃ એનાં ભાવપ્રતીકોમાં છતું થાય છે એ સત્યને વળગીને એમણે કવિનાં કાવ્યોનાં અને નાટકોમાંનાં ભાવપ્રતીકોની મોજણી કરીને મેળવેલી તારવણી આવી છે : “શેક્‌સ્પિયરનાં ભાવપ્રતીકોમાં મુખ્યત્વે પ્રાકૃતિક દૃશ્યો અને પશુસૃષ્ટિનાં અવલોકનો છે. અસંખ્ય પુષ્પો, પંખીઓ અને પ્રાણીઓ, પ્રકાશ અને હવામાનનાં જૂજવાં રૂપ અને ગ્રામજીવનની સોલ્લાસ પ્રવૃત્તિઓ સરળતાથી એની લેખિનીએ રેલાવ્યાં છે. એની પ્રાથમિક કૃતિઓમાં અને અંતિમ નાટકો – ‘વાસંતી રાત્રિનું સ્વપ્ન’(A Midsummer Night’s Dream) કે ‘ઝંઝા’ (The Tempest)માં કવિ પુનરપિ જનપદોમાં વીતેલા એના જીવનની સમૃદ્ધિને કલ્પનાની સંજીવની છાંટે છે. વોરિક પરગણું, ગ્લુસ્ટર પરગણું એ કદી વીસર્યો નથી. ‘વાસંતી રાત્રિનું સ્વપ્ન’ના ઍથેન્સના ગ્રામજનો – ‘આપને ગમ્યું એટલે’ના દેશવટો પામેલા અંગ્રેજો – સ્ટ્રેટફર્ડ પાસેના આર્ડનના ઉપવનની આડપેદાશ છે.” ભાવપ્રતીકોને આધારે કવિનું સ્વભાવદર્શન ડૉ. સ્પર્જન આ રીતે રજૂ કરે છે : કવિ પુષ્ટ દેહનો, ખડતલ અને નિરોગી હશે. સ્વભાવે શાંત હશે. એની ઇન્દ્રિયો તીવ્ર ચેતનામય હશે, વિશેષે કરીને રસના અને શ્રુતિ. સાચા અર્થમાં એ જનપદનું સંતાન હશે. અનહદ પશુપ્રેમ એનામાં હશે. બાગકામ અને રમતો એના શોખ હશે. અશ્વોનો અને કન્દુકખેલનો એ આશક હશે. હસ્તોદ્યોગ, ખાસ કરીને સુથારી કામની એને ફાવટ હશે. ભાવપ્રતીકોમાં, કલ્પનોમાં, મૂર્ત થતો એનો ‘મનેર માનુષ’ પાંચ શબ્દોમાં વર્ણવી શકાય –સંવેદનશીલ, સ્વસ્થ, નિર્ભીક, મુદિત, પ્રાજ્ઞ. સર્જનને આધારે સર્જક પામવાનું સાહસ કવિની મૂરત આવી ચીતરે છે. નિશાળ છોડાવીને પિતાએ પુત્રને સાથે ફેરવ્યો અને ધંધાર્થે ગામડાં ખૂંદી વળતા પિતાને યોગક્ષેમનાં સાધનો અને પુત્રને જીવનસભર સ્મૃતિનું પાથેય આર્ડનના ઉપવનમાં, વોરિક પરગણાંના ખૂણે ખૂણે અને પશ્ચિમ પ્રદેશમાં કોસ્ટવોલ્ડમાં પ્રાપ્ત થયાં. ઉપરાંત નાટ્યકાર શેક્‌સ્પિયરનાં પ્રહસનોનાં ઇષ્ટ પાત્રો જે ગામોનો ઉલ્લેખ લાવે છે તે પર્કસ, વિન્કોટ, વુડમન્કોટ શેક્‌સ્પિયરના માસા એડમન્ડ લેમ્બર્ટનાં નિવાસનાં સ્થળ હોવાથી કિશોર શેક્ સ્પિયરને સુલભ હતાં. આ વર્ષોમાં પિતા જ્હૉનને અનેક વાર અદાલતમાં જવું પડ્યું છે અને તે પહેલાં માનદ ન્યાયાધીશ તેઓ હતા જ, એનો યત્કિંચિત ફાળો પુત્રનાં નાટકોમાં સમાયેલા કાનૂની જ્ઞાનની વૃદ્ધિમાં હોઈ શકે. પરંતુ ઍડવર્ડ ફ્રિપ નામના અભ્યાસી સજ્જને ‘શેક્‌સ્પિયરનું સ્ટ્રેટફર્ડ’ એ પુસ્તકમાં પ્રતિપાદન કર્યું છે કે સ્ટ્રેટફર્ડના રોજર નામના સૉલિસિટરના દફતરમાં કિશોર વિલિયમને કામ મળ્યું હતું. કાનૂની પરિભાષાનો એનો દોષરહિત પરિચય તે પછી એનાં નાટકોમાં યશસ્વી બન્યો. વિલિયમ બ્લિસ નામના સજ્જને ‘સાચો શેક્‌સ્પિયર’ એ શીર્ષકના પુસ્તકમાં કલ્પના કરી છે કે માતાની સંમતિથી કિશોર વિલિયમે ભાગી-છૂટીને સાગરખેડૂ ડ્રેઈકના વહાણમાં પૃથ્વીની પરકમ્મા કરી હતી. એનાં નાટકોના સાગર-દર્શન અને નૌકાયાનના ઉલ્લેખો એમણે સુખેથી આ રીતે સાર્થ બનાવ્યા છે. 1939માં એલન કીન નામના સંશોધકે વધુ પ્રમાણભૂત શોધ કરી છે. જૂની પ્રતો અને આવૃત્તિઓના શોખીન કીનને એલિઝાબેથના જમાનાની હૉલની તવારીખ (Hall’s Chronicles)ની એક નકલ મળી આવી. શેક્‌સ્પિયરનાં ‘ગુલાબના યુદ્ધ’ સમયનાં ઐતિહાસિક નાટકોનો મૂળ આધાર હૉલની તવારીખ અને તેના પરથી વિસ્તરેલા હોલીનશેડના પુસ્તકમાં હતો. કીનને મળેલી પ્રતને પહેલે પાને પુસ્તકના માલિકે નામ અને તારીખ ઉમેરોલાં હતાં – રિચાર્ડ ન્યુપોર્ટ, 6ઠ્ઠી એપ્રિલ, 1565. એ પુસ્તકમાં હેન્રી પાંચમા અને હેન્રી છઠ્ઠાના રાજ્યકાળનાં પ્રકરણોને પાને પાને કોઈએ હાંસિયામાં વિસ્તૃત નોંધો લખી હતી. એકંદરે આવી ચારસો નોંધો હતી. નોંધોનું લખાણ વ્યવસ્થિત હતું, પરંતુ અક્ષર કાચા હતા. વિદ્યાપીઠમાં લખાતી ઇટાલિયન લિપિ ન વાપરતાં, શાળામાં શીખવાતી મરોડદાર અંગ્રેજી લિપિમાં એ લખાણ હતાં ઇતિહાસના પ્રસંગોને અને પાત્રોને સમજીને હેતુપૂર્વક લખાયેલી એ નોંધો હતી. કેટલેક સ્થળે એ નોંધો ટીકાત્મક પણ હતી. જેમ કે રાજા આઠમા હેન્રીને ધ્યાનમાં રાખીને હૉલે કૅથોલિક ધર્મગુરુને અવળા ચીતર્યા હતા ત્યાં નોંધ હતી : “આ જૂઠાણું છે.” બધી નોંધો વાંચ્યા પછી કીનને શેક્‌સ્પિયરના છઠ્ઠા હેન્રી અને પાંચમા હેન્રી વિષેનાં નાટકો યાદ આવ્યાં. નાટકો સાથે નોંધોને સરખાવતાં ગડ બેઠી કે નાટકે જ્યાં જ્યાં હૉલે વર્ણવેલા પ્રસંગો સ્વીકાર્યા છે કે ફેરવ્યા છે ત્યાં ત્યાં આ નોંધો નાટક પ્રમાણે છે. કીનને ખ્યાલ હતો કે શેક્‌સ્પિયરની છ સહીઓ દસ્તાવેજોમાં સચવાયેલી છે: ઉપરાંત બે સંશયાત્મક સહી પુસ્તકના પ્રથમ પાને મળે છે. એને એ પણ ખ્યાલ હતો કે વીસમી સદીના સંશોધને `સર ટોમસ મોર’ નામના નાટકની હસ્તપ્રતમાં ‘D સંજ્ઞાના ઉમેરણ’ તરીકે ઓળખાતાં ત્રણ પાનાં શેક્‌સ્પિયરે સ્વહસ્તે લખેલાં હોવાનું સાબિત કર્યું છે. કીન એ પણ જાણતા હતા કે હેન્રી છઠ્ઠા વિષેનાં ત્રણ નાટકો યુવાન શેક્‌સ્પિયરની પ્રથમ કૃતિઓ હતાં. એટલે કીનને તુક્કો સૂઝ્યો કે પેલી નોંધો પણ કદાચ શેક્‌સ્પિયરનું લખાણ હોય. એણે બ્રિટિશ મ્યુઝિયમને નોંધોવાળું પુસ્તક સોંપ્યું. વિદ્યુતકિરણોથી તપાસતાં એ લખાણોની શાહી રાણી એલિઝાબેથના શાસનકાળની પુરવાર થઈ, હસ્તાક્ષરના નિષ્ણાતોની તપાસમાં શેક્‌સ્પિયરના હસ્તાક્ષર સાથે સરખાવતા બેઉ લખાણ એક જ વ્યક્તિનાં હોઈ શકે તેવો સ્પષ્ટ મત પડ્યો. વાત આટલે પહોંચી એટલે નોંધોવાળી પ્રત જેમની હતી તે રોજર લબોકે એ શોધવા પ્રયત્ન કર્યો કે શેક્‌સ્પિયરના હાથમાં આ નકલ પહોંચી હોય તેવી શક્યતા ખરી? લબોકે અને કીને એમના સંશોધનનો વૃત્તાન્ત ‘ટિપ્પણકાર’ (The Annotator) એ શીર્ષકે ગ્રંથસ્થ કર્યો છે. સને 1580માં લેન્કેશાયરના રૂફર્ડ ગામમાં સર ટોમસ હેસ્કેથ નામે શ્રીમંત વસતા હતા. સુખી ઘરના એ ગૃહસ્થને સંગીતનો ભારે શોખ હતો. ગામના દેવળમાં રવિવારે ભજનો ગાવા માટે કિશોરોનું એક વૃંદ તેઓ નભાવતા. એ કિશોરોના વસવાટ અને સંગીતશિક્ષણની વ્યવસ્થા એમની હવેલીમાં હતી. એમણે એકઠા કરેલા કિશોરોની નામાવલિ અને ખર્ચના હિસાબ મળી આવે છે. 1580ના અરસામાં એમને ચોપડે વિલિયમ શેક્‌સશાફટ નામનો કિશોર નોંધાયો છે. ન્યૂ પોર્ટના પડોશી આ હેસ્કેથ મહાશયને ત્યાં હાલની ‘તવારીખ’ની નકલ પહોંચે એમ હતું. એમનો એક મિત્ર તે સમયે સ્ટ્રેટફર્ડમાં હતો. એનું નામ એસ્પિનોલ. એનો વસવાટ જ્હૉન શેક્‌સ્પિયરના પડોશમાં... અત્યારે એ વાત આટલે અટકી છે. કવિ રૂફર્ડ ગામમાં રહ્યો હતો એવી ગામવાયકા છે. લંડનમાં કવિના પરિચિતોમાં એક રૂફર્ડ ગામનિવાસી મળી આવે છે. પેલી નોંધવાળી તવારીખ અત્યાર સુધી મહત્ત્વ ન મેળવી શકી તેનું એ પણ કારણ હોય કે એ નોંધોમાં લેખકનું કૅથોલિક સંપ્રદાય તરફી વલણ સ્પષ્ટ થાય છે. કૅથોલિક સહાનુભૂતિની વાત છૂપી રાખવામાં કુટુંબનું હિત હતું. 1605ના ગનપાવડર કાવતરામાં કવિના ચાર પિતરાઈ ખુલ્લા પડ્યા એટલે તો વિશેષ કરીને. તે પછીની સદીઓમાં અંગ્રેજ પ્રજામાં કૅથોલિક સંપ્રદાયની માથાવટી મેલી અને શેક્‌સ્પિયરનું સ્થાન સર્વોચ્ચ એટલે આ નોંધો એની હોય એમ સૂઝે જ શાનું? જ્યારે પણ આ ‘નોંધો’ સ્વીકૃત બનશે ત્યારે કવિની વિકાસકથાનું એક ખૂટતું પ્રકરણ આલેખાશે. એનાં નાટકોમાં એના વિકાસનું એક રહસ્ય એ ગણાયું છે કે પ્રારંભથી અંત સુધી ગીતો રચવાની અજબ ફાવટ એને હતી. કાચાં નાટકોમાં પણ એનાં ગીતો અનન્ય રહ્યાં છે. સંગીતનો સ્પર્શ એને એવો તો રુચ્યો છે કે સંગીતને એણે માનવતાનો નિકષ ગણ્યો છે. “જેના પ્રાણમાં સંગીતનો ધબકાર નથી તેનો વિશ્વાસ કરશો મા.” (Trust not the man who has no music in his soul.) આ વિધાન એના ચિંતનનું મહત્ત્વનું ધ્રુવપદ છે. એના ગીતોનું વૈવિધ્ય અપાર છે. લોકગીતો અને ઋતુગીતોનો પ્રત્યેક ઉન્મેષ એની ગીતમાળામાં ગૂંથાયો છે. આવો કવિ સોળમે વર્ષે પરગામ વસીને સંગીતની રીતસર તાલીમ પામે, કે સંસ્કારી ગૃહસ્થના પુસ્તકપ્રેમનો સહભાગી બન્યો હોય તો આશ્ચર્ય નહીં જ. એનું સૌપ્રથમ નાટક હેન્રી છઠ્ઠા વિષે હતું. તે નાટકનું વસ્તુ એને 1580માં વાંચવા મળ્યું હોય ત્યારે પણ વિગતે એણે અભ્યાસ કર્યો હોય અને નોંધો લખી હોય તો પારકા પુસ્તકને સુધારવા જેટલો એ કિશોર હતો અને લખેલી નોંધો સૂચવે છે તેવું પાત્રો અને પ્રસંગોનું સટીક અધ્યયન કરવા જેટલો પ્રૌઢ હતો એવું ફલિત થાય. આવી ફલશ્રુતિ એની કૃતિ સમજવામાં ભાગ્યે જ વિઘ્નરૂપ બને. સત્તરમી સદીમાં એને વિષે કુતૂહલપ્રેર્યા સંપાદકોએ કરેલી તપાસમાં અનેક મુખે એક હકીકત બહાર આવે છે કે નિશાળ છોડ્યા પછી કવિ રખડુ બન્યો અને ખોટી સોબતે ચઢ્યો. લોકો માટે તે બાપનો વ્યવસાય છોડે તો કળાકાર બને કે સંગીતકાર બને, પરિભ્રમણ કરે કે ઉઠાંતરી કરે બધુંયે સમાન; છોકરો હાથથી ગયો, વંઠેલો નીકળ્યો એટલું જ સત્ય. આવું કશુંયે ન બન્યું હોય અને ધાર્મિક અને આર્થિક મુસીબતોમાં સપડાયેલા પિતાને સહાય કરવા પુત્રને બોલાવી લીધો હોય તોયે કવિનાં સર્જનોમાં વરતાતો સ્મરણસંભાર એને પ્રાપ્ત થઈ શકે તેવી એના પિતાની પ્રવૃત્તિ હતી. એના જમાના કોઈ પણ કિશોરને નિશાળમાં ભણતાં મળી શકે તેથી વધુ વિસ્તૃત અને વધુ નિકટ નિસર્ગશ્રી અને ગ્રામજીવનનો પરિચય એને સ્વગૃહે મળી જાય તેવો મામલો હતો. ધાર્મિક મતભેદની પિતાને સ્પર્શેલી કાળી છાયા એને સાવચેતીનું મૌન અર્પે. એના પરિવારનાં બારેક કુટુંબો આજુબાજુનાં ગામડાંમાં વીખરાયેલાં પડ્યાં હતાં, એમના સંબંધે કૃષિજીવન અને ગોપજીવનનો અંગત પરિચય એને મળે. પિતાએ દુકાન છોડીને આડત સ્વીકારી હોવાથી ગામેગામ ઘૂમવાનો, ભોળા ગણાતા ગામડિયા જોડે ભાવતાલની રકઝક કરવાનો, ભાતભાતના ઉત્સવો અને મેળામાં વેચવા-લેવાને મિષે લોકસંપર્કનો લાભ સહજ મળે. મોટાં ઘરોમાં ઉઘરાણીએ જતાં નાની વાતોનો ફાલ ઊતરે. પિતાના આવા દોડામાં નાનો વિલિયમ સાથે હોય તો એની વયે બાપનું કામ એ દીકરાની મોજ અને આનંદ બને. પિતા શ્રીમંત ગૃહસ્થોને મળે ત્યાં સુધીમાં કિશોરને અશ્વપાલ, ગોપાલ, શિકારી ઇત્યાદિની વાતોનું આકંઠ પાન મળી રહે. નિશાળે જવાની વયના બાળકને ગામડાંનાં અપરિચિત નામોનું પહેલું શ્રવણ વિચિત્ર અને સ્મરણીય અનુભવ બને... રમૂજ પણ પડે. નાટકો લખવાં પડે ત્યારે આ બધાંયે આ નામો અને ગામો સર્જનની ચૂડમાં ફસાયેલા કવિને પણ રાહત પહોંચાડે. પુત્રની વય ધ્યાનમાં લેતા પિતા દિનરાત એને કાર્યરત ન જ રાખે. નહીં તો કન્દુકક્રીડાનું, ધનવિદ્યાનું, ગોપપર્વોનું, સમૂહ-ગીતોનું, અનેક વાજિંત્રો વિષેનું, આરણ્યકો વિષેનું, હરણાં અને ઝરણાં, પશુ અને પંખી અંગેનું પેલું સાર્વત્રિક જ્ઞાન જે ભાવપ્રતીકો બનીને એના જગતને વ્યાપી વળે છે તે શ્વાસોમાં સમાવીને ફેફસાંમાં ભરવાના અવસર એને દોહ્યલા બન્યા હોત. એની પ્રથમ કાવ્યકથા ‘રતિ અને ગોપયુવા’ (Venus and Adonais) એક રીતે આર્ડનનું ઉપવન અને ગ્રીસની પ્રાચીન કથાનું સુભગ મિલન રચે છે. વાર્તા કવિને ઉછીની મળી છે, એના પ્રિય કવિ ઑવિડ તરફથી. વાર્તામાં સમૃદ્ધ પાર્શ્વભૂ ભળી છે આર્ડનના ઉપવને અર્પેલી. પાછલા પગે ગોઠવાઈને બે નાનકા પંજામાં સમાયેલું ફળ કાતરતી અને પ્રતિપળ ચહુદિશ સાશંક દૃષ્ટિક્ષેપ કરતી પેલી ખિસકોલી સહેજ ખખડાટ થતાં એવી નાસે છે કે આર્ડનની ખુલ્લી હવામાં પ્રાગૈતિહાસિક ગ્રીક કથાનાં કવિરચિત પાનિયાં સળવળી ઊઠે છે. તેવું જ આર્ડનનું પેલું લાડકું સસલું વેટ, પાછળ પડેલાં શ્વાનોના ભયે, શ્વાસ લઈને એવું નાસે છે, એ દૈત્યોથી છૂટવા વાંકાચૂકા એવા આટાપાટા ખેલે છે, લીલાં તૃણોમાં આડાઅવળા ચાસ પાડતું અને ભૂલભુલામણી રચતું એવું તો ભાગે છે, વિપદની ધાર પામેલી કોઠાબુદ્ધિથી શ્વાનોને ભૂલવવા કદીક ઘેટાંના સમૂહમાં ભળી જતું અને કદીક જંગલના કોળની બખોલોમાં લપાતું એવો તો’ રતિવિન્યાસ કરે છે કે ઘડીક તો પેલા યમરાજના દૂત થાપ ખાય છે, ને નિનાદ ભાવે છે, પણ એ તો ઘડીક. ઘ્રાણેન્દ્રિયના આકર્ષણે ફરીને સસલું કંપે છે. હવે એના હોશ રહ્યા નથી, ઝાકળે એનાં રૂંવાડાં ભીંજવ્યાં છે, મોતના ખ્યાલે એ નિરાશ બનીને ગોથાં ખાય છે, પડછાયા માત્રથી એ ચોંકે છે, કંપે છે, રવ માત્રથી એ વિરમે છે – અને દયામણું સસલું વેટ આર્ડન છોડીને ગ્રીસના અરણ્યમાં કવિના નંદનવનમાં, કરુણાના અધિકારથી પ્રવેશ મેળવે છે. એ પ્રથમ કાવ્યની જુબાની એવી પડે છે કે સોળસત્તરનો વિલિયમ શેક્‌સ્પિયર એણે વર્ણવેલાં ખિસકોલી, સસલાં અને વનવૈભવ સમેત કાવ્યના નંદનવન પ્રતિ ડગ માંડતો હશે. છાનાંછપનાં કવિત એણે પ્રારંભ્યાં પણ હશે. કદાચ પ્રિય ઑવિડને પગલે ભાષાંતર, રૂપાંતરનો રાહ એણે લીધો હશે. કવિની કંઠી એણે બાંધી નહીં હોય તોયે મનસૂબો એણે અવશ્ય ઘડ્યો હશે. The sights ands sounds of the English Country-side : નિસર્ગ અને લોકજીવનનાં દૃશ્યોની એણે નયન ભર્યાં છે, એની શ્રુતિઓ એના કાનમાં ગૂંજી રહી છે. હવે એ ગીતોમાં યૌવનસૂર ઉમેરાયા છે. એના જન્મ પછીનો બીજો ઉલ્લેખ ધર્મને ચોપડે એના લગ્નનો મળે છે. 158રના નવેમ્બરની 27મી તારીખે વુસ્ટરના બિશપની અદાલતમાં(Consistory Court) ડૉ. કઝિને વિલિયમ શેક્‌સ્પિયરની અરજી સ્વીકારીને લગ્નનો પરવાનો કાઢી આપ્યો – વિલિયમ શેક્‌સ્પિયર અને એન વ્હેટલીના લગ્ન માટે. એમ લાગે છે કે કન્યાનું નામ લખવામાં કારકુને ભૂલ કરી હતી. બીજે દિવસે શેક્‌સ્પિયરે જામીનખત લખી આપ્યું જેમાં એન હેથાવે સાથેનું એનું લગ્ન વાંધાજનક નીવડે તો પરવાના આપનાર અદાલતને જવાબદારીથી બચાવી લેવાની કબૂલાત અને દંડની રકમ એણે ભર્યાં હતાં. સામાન્ય રીતે ખ્રિસ્તી લગ્નો દેવળમાં જાહેર (Banns) કરીને પછી યોગ્ય મુદતે લેવાતાં. પરંતુ ઘડિયાં લગ્ન ગોઠવાયા ત્યારે અદાલતનો પરવાનો લેવાતો. શેક્‌સ્પિયરને દાંપત્યના છ માસમાં જ સંતાનપ્રાપ્તિ થઈ હતી એ કદાચ ઉતાવળનું કારણ હશે. દેવળો પ્રોટેસ્ટન્ટ હોવાથી કૅથોલિક અને અન્ય સંપ્રદાયો પરવાનો મેળવી પોતાના પંથના ધર્મગુરુ પાસે લગ્ન કરાવતા. શેક્‌સ્પિયરનું લગ્ન આ રીતે કૅથોલિક ગુરુ પાસે કરાવ્યું હોય એટલે પણ પરવાનો લઈને જામીનખત લખી આપવું પડે. શેક્‌સ્પિયરની વય લગ્નસમયે 18 વર્ષની હતી જ્યારે એન હેથાવેની વય 26 વર્ષની હતી. એનના પિતા શોટરી ગામમાં મિલકતદાર હતા. લગ્નના છ માસ પૂર્વે એમનું અવસાન થયું હતું. પુત્રીના વારસાની જોગવાઈ એમના વસિયતનામામાં કરવામાં આવી હતી. શેક્‌સ્પિયરના લગ્નખતમાં શોટરીના બે રહીશ જામીન બન્યા હત તેમનાં નામ હતાં – જ્હૉન રિચાર્ડસન અને ફુલ્ક સેન્ડેલ. લગ્નસમયે શેક્‌સ્પિયર સગીર વયનો હોવાથી એના પિતાની સંમતિ વિના એને અદાલતમાં પરવાનો મળે નહીં. એટલે એના લગ્નમાં પિતાની સંમતિ હશે, કદાચ કુટુંબની આબરૂ વિષે આળી લાગણી ધરાવતા પિતાએ પરિસ્થિતિ પામીને લગ્નનો આગ્રહ સેવ્યો હશે. જ્હોન શેક્‌સ્પિયરના સ્ટ્રેટફર્ડ ગામમાં અડોઅડ ત્રણ મકાનો હતાં. તેમાં વચલા મકાનમાં મે માસમાં એમને પુત્રી પ્રસવી. 1583ની 26મી મેએ એનું સુઝાન નામ રાખવામાં આવ્યું અને દેવળની નોંધમાં સચવાયું. સ્ટ્રેટફર્ડમાં ‘સુઝાન’ નામ નવું હતું, માત્ર ઉગ્રમતવાદી (Puritans) કુટુંબોમાં એ નામ પ્રિય હતું. એન હેથાવેના પિતાનું વીલ એમ માનવા પ્રેરે છે કે તેઓ પ્યુરિટન હતા. એમણે ‘honest burial’ સાદી દફનક્રિયાનો આગ્રહ રાખ્યો હતો, જે પ્યુરિટનોનું લક્ષણ હતું. એનનો ભાઈ બાર્થોલોમ્યુ પણ પ્યુરિટન મતનો આગ્રહી હતો અને એ સંપ્રદાયનો ગામમાં મોવડી હતો. આ સંસ્કારમાં ઊછરેલી એન અને કવિ શેક્‌સ્પિયર વચ્ચે મનદુઃખની પૂરી સંભાવના હતી. પ્યુરિટન સંપ્રદાયની કન્યાને શાપ આપવો હોય તો ‘નટને પરણજે’ એમ કહેવાય. 1640માં પ્યુરિટન-વર્ચસ્વ આવ્યું ત્યારે દેશનાં બધાં નાટ્યગૃહને તાળાં મારેલાં. 1587માં લંડનમાં છપાયેલા એક પ્યુરિટન ચોપાનિયામાં નટનું વર્ણન આ પ્રમાણે થયું છે – “છદ્મવેશે દુનિયામાં પ્રવેશીને શેતાનની પ્રેરણાથી લોકોને મનોરંજનને માર્ગે જહન્નમમાં ઘસડી જનારા.” આ ઉપરાંત એ લેખકે નટોને આવાં બિરુદે નવાજ્યા છે – વાનરો, દોજખી કુત્તા, સુરીસૃપો, હાલતાંચાલતાં કબ્રસ્તાનો અને તીડનાં ટોળાં. એ ચોપાનિયાનું શીર્ષક છે – ‘દૈત્યોનું દર્પણ’ (A Mirror for Monsters). શેક્‌સ્પિયરે પ્યુરિટન મત વિષે પાણિગ્રહણ પછી એકમાત્ર ઉલ્લેખ આપ્યો હોય તો તે માલવોલિયોને આપેલો જવાબ છે : “Dost thou think because thou art virtuous, there shall be no more cakes and ale? – અલ્યા તું પ્યુરિટન (ચોખલિયો) બન્યો એટલે જગતે ખાણીપીણી છોડવી શું?” લગ્નનાં ત્રણ વર્ષમાં જ શેક્‌સ્પિયરનું દાંપત્ય ખરાબે અથડાયું. 1585માં એનને જોડકાં બાળક અવતર્યાં. રજી ફેબ્રુઆરીને દિવસે એમનું નામકરણ થયું – પુત્રનું નામ હેમ્નેટ અને પુત્રીનું નામ જુડીથ. તે પછી એને એકે સંતાન ન હતું અને થોડા સમય બાદ એણે સ્ટ્રેટફર્ડ છોડ્યું. એમાંયે લોકકથાએ ગ્રામ્ય મરોડ આપ્યો છે. ગામના એક ન્યાયધીશ સર ટોમસ યુસી જોડે કિશોર કવિને તકરાર થઈ. એમના નિવાસ શાર્લકોટની વાડીમાંથી તોફાની શેક્‌સ્પિયરે હરણાં ચોર્યાં. પકડાઈ જતાં એને ન્યાયાધીશે ખોખરો કરાવ્યો. ચીઢમાં કવિએ ન્યાયાધીશને ભાંડતું ફિરદોસી કવિત રચ્યું. એટલે સર ટોમસે એને પકડવા વૉરંટ કાઢ્યું અને શેક્‌સ્પિયરે ગામ છોડ્યું. પૂરાં બસો વર્ષ આ બીના સત્ય ઘટના માનવામાં આવી. વિવેચકોએ એ પણ નોંધ્યું કે, શેક્‌સ્પિયરના નાટક ‘વિન્ડસરની લહેરી નારીઓ’માં આવતો ન્યાયાધીશ શેલો શેક્‌સ્પિયરે સર લ્યુસી ઉપર વેર વાળવા રચેલું પાત્ર છે. વીસમી સદીના સંશોધને પુરવાર કર્યું છે કે 1620 સુધી સ્ટ્રેટફર્ડમાં કશે હરિણોદ્યાન (Deer Park) ન હતાં. ન્યાયાધીશ લ્યુસીના શાર્લકોટમાં એકે હરણું નહોતું. એટલે વાત નિર્મૂળ ઠરી. હા, સર લ્યુસીએ રાજ્યના હાથા બનીને કૅથોલિક કુટુંબોને ભારે દંડ કર્યા હતા. એ ચુસ્ત પ્રોટેસ્ટન્ટ હતા. તેથી વિશેષ અમરત્વના તે અધિકારી ન હતા અને શેક્‌સ્પિયરના નાટકના ન્યાયાધીશ શેલોનું પગેરું તો લંડન ભણીનું હતું. જે રીતે સ્નિટરફિલ્ડ ગામ છોડીને 1555માં જ્હૉન શેક્‌સ્પિયરે નસીબ અજમાવવા સ્ટ્રેટફર્ડ શોધ્યું હતું તેવી જ અદૃશ્ય એષણાથી 1585ના અરસામાં પુત્ર વિલિયમ શેસ્પિયરે સ્ટ્રેટફર્ડ છોડીને લંડનની વાટ પકડી.


  1. * જુઓ, `The English Recusants’ by Dr. Magee
  2. * જુઓ Two Gentlemen of Verona, II. i. "to sigh like a schoolboy that had lost his A. B. C."
  3. * Then the whining schoolboy with his satchel And shining morning face, creeping like snail Unwillingly to shcool. (As You Like It, II, vii)