શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/મા, તારો ટપાલી હું થઉં…

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મા, તારો ટપાલી હું થઉં…


મા, તારો ટપાલી હું થઉં,
તને પપ્પાના કાગળ હું દઉં,
વાંચતાં વાંચતાં મલકે જો માવડી,
રાજીનો રેડ બની જઉં. —

મા, તારો રસોઇયો થઉં,
તને મનગમતાં ભોજન હું દઉં,
જમતાં રે જમતાં તું મલકે જો માવડી,
આનંદે ઓડકાર ખઉં! —

મા, તારો હું માળીડો થઉં,
તને તાજાં રે ફૂલ રોજ દઉં,
ફૂલ ફૂલ ગૂંથતાં મલકે જો માવડી,
ફૂલીને ફાળકો થઉં! —

મા, દામોદર દોશી હું થઉં,
તને પચરંગી સાડી હું દઉં,
પ્હેરતાં રે પ્હેરતાં મલકે જો માવડી,
પાલવડે લ્હેરી હું લઉં! —

મા, તારો ભોમિયો રે થઉં,
તારા ઝાંઝરિયે રણઝણતો રહું,
રૂમઝૂમ રૂમઝૂમ ચાલે તું મલકે તો,
પૂનમની રાત બની રહું. —

મા, મીઠું મીઠું પાણી

મા, મીઠું મીઠું પાણી,
જેવી તારી વાણી!

તરસ્યાને મા પાણી પાઉં,
મનમાં રાજી રાજી થાઉં.

મા, પાણી લાગે પ્યારું,
જેવું હૈયું તારું!

રહીશ એમાં હું તરબોળ,
કર્યા કરીશ મા, બહુ કલ્લોલ.

મા, પાણી જાણે કાચ,
સંતોનું જ્યમ સાચ!

સાકર જેવા થઈને રહીએ.
મા, પાણીમાં, ભળતા જઈએ.

મા, કોઈ પીએ જો પાણી,
મધુરપ ર્‌હેશે માણી;

મા, મીઠાં પાણી થઈએ રે,
સૌને લીલાં કરીએ રે.

*