શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૪૪. દરિયા ખોલીને...

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૪. દરિયા ખોલીને...



દરિયા ખોલીને મેં તો દરિયા દીધા છે હવે,
પ્હાડો ખોલીને દઈશ પ્હાડ;
માટી ખોલીને દઈશ માટીનાં તેજ તને,
જાણી લે : કોઈ નથી આડ. –

છોડ રે સુકાન, છોડ કાંઠાની વાત,
દેખ, સઢમાં તોફાન ફાટફાટ!
પગલીનો છંદ પણે પડઘાતો તારલિયે,
ઊડુંઊડું થાય વાટ વાટ!
ખોલું અહીં કંઠ, પણે ખૂલે છે આભ,
ખૂલે – ખૂલે છે બંધ સૌ કમાડ. –

ખુલ્લા સૂરજ, હવે ખુલ્લા ગ્રહ–ચાંદ બધા,
ખુલ્લો બે આંખનો ઉઘાડ;
મુઠ્ઠી ખૂલ્યાના આજ કેવા આ રંગ!
નથી દેખાતી ક્યાંય કોઈ વાડ!
છલકું છું જેમ જેમ, મારામાં તેમ તેમ,
આવે છે બાઢ પરે બાઢ! –

(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૪૦)