શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૫૧. કોનું અજવાળું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૫૧. કોનું અજવાળું


આ અદીઠ કોનું અજવાળું છે મીઠું,
જે ભીતર મારે વળી વળીને વમળે ચઢતું દીઠું. –

આંખ મીંચતાં શશિયર ઊગે,
જાગે ઝળહળ તારા;
શૂન્ય ઉપર રણઝણવા લાગે
ગેબી રસની ધારા;
આ એકાંતે ફરકે ઝીણું કોનું વસન અદીઠું? –

ખાલી હાથે હું નહીં ખાલી,
નહીં છેડો, નહીં ગાંઠ,
રમત રમતમાં ખૂલી પડ્યું શું
ફૂલની થઈને ફાંટ?
શબરી-ફળ શું કોણે મારું કીધું સકળ અજીઠું? –

(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૮૯)