શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૬૩. ભલે કિનારા અલગ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૬૩. ભલે કિનારા અલગ



ભલે કિનારા અલગ, આપણે દરિયે એક ઊછળીએ;
ભલે ફૂલ બે અલગ, મ્હેકતાં એક લહરમાં લળીએ.

એક મૂળ છે, એક ગગન છે,
એક બારી આ મનની:
ત્યાંથી એવું કૌતુક હેર્યું;
વાત વીસર્યાં તનની!

ભલે આપણા અલગ રાહ, પણ એક વિસામે વળીએ,
ભલે કોડિયાં અલગ, આપણે શગે એક ઝળહળીએ.

એક માટીની કથા આપણી,
એક શિખરની વાત;
તાણા-વાણા અલગ, આપણી
એક પટોળે ભાત :

સૂર આપણા ભલે અલગ, પણ એક જ રાગે ઢળીએ,
દૂર આપણા ભલે દેહ, પણ હરદમ હૈયે હળીએ.

(‘શગે એક ઝળહળીએ’, ૧૯૯૯, પૃ. ૧૬)