શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૬૪. એક માછલી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૬૪. એક માછલી


એક માછલી નથી માનતી,
જળમાં રહી સુકાતી;
એક વાદળી નથી માનતી,
વ્યોમ ચડી વસૂકાતી!

આટઆટલા બગલા વચ્ચે
કેમ જિવાશે જળમાં?
મસમોટા જ્યાં મગરમચ્છ ત્યાં
કેમ ટકાશે તળમાં?
એક માછલી સતત ખડકની
છાયા તળે ભીંસાતી!
– એક માછલીo

આટઆટલા વંટોળો ત્યાં
કેમ ઠરાય ગગનમાં?
ક્યાંક ઝાંઝવે મળી જવાથી
સિદ્ધ થશે શું રણમાં?
એક વાદળી વીજ-નજરથી
ભીતર સતત ઘવાતી!
– એક વાદળીo

(‘શગે એક ઝળહળીએ’, ૧૯૯૯, પૃ. ૨૨)