શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૯. રસ્તો ક્યાં છે?

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૯. રસ્તો ક્યાં છે?


બ્હાર નીકળવું મારે,
રસ્તો ક્યાં છે?

પાંખ નથી રે પીંછાં પીંછાં,
ડાળો વચ્ચે પિંજર દીઠાં,
એક વિહગને બહાર જવું છે,
નભમાં બારી ક્યાં છે?

છીપની દીવાલ બંધ,
કણ રેતીનો,
સહરા જેવો.

સ્વાતિનો આ સમય
આખુંયે આભ ઊજડ્યા જેવો.
આંખોમાં તરફડતાં મીન,
જનારના પડછાયા વાગે, ભીતર ઊતરે ખીણ :
ઊભા રહો તો જાવ ચણાતા,
ચાલો તો વીખરાતા!
દરિયાનાં મોજાંય મગર થૈ મરજીવાને ખાતાં!

કાંઠો હોડી ગળી રહ્યો છે…
ભીંત ભીતરને ગળી રહી છે…

પથ્થર! મોઢું ખોલી બોલો, રસ્તો ક્યાં છે?
તમે અહીં જ્યાંથી આવ્યા તે રસ્તો ક્યાં છે?

(પવન રૂપેરી, ૧૯૭૨, પૃ. ૬૪)