સંવાદસંપદા/જવાહર બક્ષી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જવાહર બક્ષી સાથે વાર્તાલાપ

આરાધના ભટ્ટ

SS Jawahar Bakshi.jpg





વાર્તાલાપની શ્રાવ્ય કડી - ૧





વાર્તાલાપની શ્રાવ્ય કડી - ૨




પ્રશ્ન: જવાહરભાઈ, આપનો જન્મ જૂનાગઢમાં મહાશિવરાત્રીના દિવસે, ભારત સ્વતંત્ર થયું એ વર્ષમાં. આપના બાળપણ અને ઉછેર વિશે જાણવાનું કુતૂહલ છે. આપે નાનપણમાં પિતાને ગુમાવ્યા એટલે જીવન સંઘર્ષપૂર્ણ રહ્યું હશે. પહેલાં એક ભૂમિકા હું સ્પષ્ટ કરી દઉં, કેમ કે જીવનનું રહસ્ય એ અસ્તિત્વના અનેક સ્તર પર રોમાંચક રીતે પમાતું હોય છે. એક વાર ધ્યાનમાં મને મારા પાછલા જન્મના અનુભવ થતા હતા, ત્યારે મેં મારા ગુરુ મહર્ષિ મહેશ યોગીને પૂછ્યું તો એમણે એમ કહ્યું કે એ આપણું ઓછું વિકસિત સ્તર હતું, અત્યારે જે છે તે તેમાં પાછા આવી જાવ અને એ જૂનામાં રમમાણ નહીં રહો. પણ આપણે તો કવિ હૃદય હતા એટલે મેં તો મારી આખ્યાન-ગઝલમાં લખ્યું પણ છે કે ‘ડગલે-પગલે જાણ્યાં-અણજાણ્યાં સ્મરણોના મઘ મઘ મેળા. મેળે મેળે અટક્યા ભટક્યા ભૂલ્યાના કંઈ જલસા માંડ્યા.” તો આ જલસાઓ માંડવાની નાનપણથી વૃત્તિ છે. પહેલી વાત એ છે કે જેમ ગીતામાં કહ્યું છે કે ‘શુચિનામ શ્રીમતામ ગેહે યોગભ્રષ્ટોભિ જાયતે’. જે લોકો પુનર્જન્મમાં માનતા નથી એ લોકો માટે આ વાત નકામી છે. આપણા પાછલા જીવનની અંતિમ ક્ષણે જે આપણી દિશા, આપણી ભૂમિકા અને મનનો ભાવ હોય છે એ પ્રમાણે એ થતું હોય છે. પણ જૂનાગઢના મારા પર એટલા બધા ઉપકાર છે કે એ ઉપકાર હું જિંદગીમાં ચૂકવી શકવાનો નથી. એ ગિરનાર, ગિરના જંગલનું વાતાવરણ. એક તરફથી નાગર કુળમાં જન્મ, અને બીજી તરફ એ જમાનામાં આપણે જેને લોકવરણ કહેતા એવા મારા મિત્રો, એટલે હું એમ કહી શકું કે મને લોકસંસ્કૃતિ અને ભદ્ર સંસ્કૃતિનું ઉત્તમ તત્ત્વ મળ્યું. તે ઉપરાંત ત્યાં મિલન નામની સંસ્થા ચાલતી હતી, જેમાં તે વખતે તખ્તસિંહ પરમાર જેવા પ્રબુદ્ધ આચાર્ય અને પિંગલસિંહ ગઢવી જેવા લોકસાહિત્યના મર્મજ્ઞ, તે ઉપરાંત મકરંદભાઈ, ‘ઘાયલ’, એ બધા આવે અને મનુભાઈ ત્રિવેદી હતા. મારી સાથે સહાધ્યાયીઓમાં હતા રાજેન્દ્ર શુક્લ, મનોજ ખંડેરિયા, શ્યામ સાધુ, વીરુ પુરોહિત. તો એ ત્યાનું એક પાસું હતું, એ ઉપરાંત ત્યાં અઘોરી, ખાખીથી લઈને તાંત્રિકો મળતા. શિવરાત્રીના મેળામાં અમે જતા ત્યારે હું એ બધા પાસે જતો. જુનાગઢમાં એક તો પ્રાકૃતિક સૌન્દર્ય એટલું બધું હતું, એ જ રીતે માનવ મૂલ્યો, માનવ સંઘર્ષો, હું છ બહેનોમાં ઉછરેલો. મારા પિતાનું મૃત્યુ, મારી મોટી બહેન, મારી નાની બહેન, એ ઉપરાંત મારા માસા, કાકી, ફૂવા ગયાં. નાનપણમાં આપણને મૃતદેહ પાસે લઈ જાય, બધા રડતા હોય અને આપણે પૂછીએ કે ક્યા લઈ જાય છે તો કહે કે ભગવાનને ઘરે લઈ જાય છે. ત્યારે ભગવાન પર આક્રોશ આવે કે આપણા બધા માણસોને લઈ જાય છે અને પાછો મોકલતો નથી. એટલે મૃત્યુ વિશે મારું કુતૂહલ ઉત્કટ થઇ ગયું- કે મૃત્યુ પછી શું છે? અને મારી ચેતનામાં ક્ષણભંગુરતાની પુષ્ટિ થઈ ગઈ. મારા પિતાનું ખૂન થયેલું જેની વાત હું અત્યારે કરવા નથી માંગતો. એ ડીસ્ટ્રીકટ જજ હતા. એ આખી કશ્મકશ હતી, એ મારા યૌવનમાં અને હજુ મારી સાથે છે.

પ્રશ્ન: સાહિત્ય પ્રત્યે લગાવ તો નાનપણથી હતો, વાતાવરણ પણ હતું. છતાં અભ્યાસ આપે એકાઉન્ટન્સીનો કર્યો. આંકડા અને શબ્દનો મેળ ક્યાંથી થઈ ગયો? એવું છે કે ભગવાને ઉરતંત્રની સાથે બુદ્ધિ પણ આપેલી. નાનપણથી મારો એક અંગત વિચાર હતો. સંસ્કૃત કવિઓએ ધન, યશ એ બધાને પણ કવિતાના પ્રયોજન તરીકે ગણાવ્યા છે, પણ મેં નક્કી કરેલું કે મારું અધ્યાત્મ કે મારા સાહિત્યમાં કોઈપણ ધંધાકીય પરિમાણ ન હોવું જોઈએ. તો મને થયું કે નિર્વાહ કેવી રીતે કરવો? અમારે ત્યાં જુનાગઢમાં બે પુસ્તકાલય હતાં અને હું ખૂબ વાંચતો. સાતમા ધોરણમાં મારા ૯૬-૯૭ ટકા માર્ક આવેલા. મને એમ થયેલું કે આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો ધંધો એવો છે કે કંપની ચાલુ થાય તે પહેલાથી માંડીને તે બંધ થઈ જાય પછી એની જરૂર પડે છે. એટલે મને થયું કે જીવન નિર્વાહ માટે આ ધંધો ઉત્તમ છે. મારું ગણિત બહુ સારું હતુ. ગુજરાત બોર્ડમાં મેં મેટ્રીકની પરીક્ષા આપી ત્યારે ગણિતમાં મારા ૧૦૦ માંથી ૯૮ માર્ક હતા, અને એને કારણે મને સીડનહેમ કૉલેજ જેવી ઉત્તમ કોલેજમાં પ્રવેશ મળી ગયો. એટલે સી.એ. મેં માત્ર જીવનનિર્વાહના ખપ પૂરતું રાખ્યું છે. જ્યારે હું મહેશ યોગી સાથે હતો ત્યારે ૧૧૫ કેન્દ્રો ૧૧૩ દેશોમાં હતા એને માટે આ એકાઉન્ટન્સી ને કારણે ઘણું કામ થયું, એમાં હું નિમિત્ત બન્યો. હવે છેલ્લાં પાંત્રીસ વર્ષથી સી.એ નું કોઈ કામ હું કરતો નથી.

પ્રશ્ન: આપે ઘણું લખ્યું, પણ પ્રગટ ઘણું ઓછું કર્યું. આવું કેમ? પહેલી વાત એ છે કે મેં જે કંઈ લખ્યું એ મારું છે એમ હું માનતો નથી. છતાં ‘મારો શેર’ કે ‘મારી ગઝલ’ એવું વ્યવહારમાં બોલવું પડે. પણ મારી જે આધ્યાત્મિક યાત્રા હતી એ જ મારી સર્જનની યાત્રા- માર્યાદમાં અનંતતાને પામવાની. જે ભાવ હોય એને ધીમે ધીમે સુધી સૂક્ષ્મતર સુધી જવા દેવો, અને મેં બળવંતરાય ઠાકોરની વિચારપ્રધાન કવિતાનો પણ ઘણો અભ્યાસ કરેલો. જો એ જીવતા હોત તો મારી અનેક કવિતાને એ વિચારપ્રધાન ગઝલો ગણતે પણ ખરા. કારણકે એમાં મેં એટલું બધું કામ કર્યું છે કે ગુજરાતના વિદ્વાનોને તો એ જોવાનો પણ સમય નથી. પણ એટલું ચોક્કસ કે મેં ક્યારેય કશું સામેથી છપાવવા મોકલ્યું નથી. હું એવું માનતો કે તંત્રી જો સારા હોય તો એ એનું ઉત્તરદાયિત્વ છે કે એ સામેથી સારી રચનાઓ શોધે. અને હું જ્યારે ૧૯૬૪મા ૧૭ વર્ષની ઉંમરે મુંબઈ આવ્યો ત્યારે મેં નક્કી કરેલું કે મુશાયરામાં જવું નહીં, અને છપાવવું નહીં. જૂનાગઢમાં મળતા એમ મુંબઈમાં પણ અમે દર અઠવાડિયે બધા સાહિત્યકારો મળતા. એમાં હરીન્દ્ર દવે, સુરેશ દલાલ એ લોકો આવતા અને એ લોકોએ ખૂબ આગ્રહ કરીને મારી પાસે છપાવ્યું. પહેલી વાર હું મરીઝના અવસાન વખતે એક મુશાયરામાં ગયેલો, તે પહેલાં મુંબઈ આવ્યા પછી મેં પચાસેક મુશાયરામાં જવાના આમંત્રણ નકારેલાં. અહીં મુંબઈમાં એક શેઠિયા કલ્ચર હતું એનો મને સખત વિરોધ હતો. અને કોમર્શિયલ મુશાયરામાં આજ સુધી હું ગયો નથી. એટલે છપાવવાનું, બધા સમક્ષ રજૂ કરવાનું એ બધું કરવું જ જોઈએ એવું મને કદી લાગતું જ નથી.

પ્રશ્ન: ગઝલ-સર્જનની વાત કરીએ. ગઝલનું સર્જન કેટલી હદે ચૈતસિક, કેટલી હદે બૌદ્ધિક પ્રક્રિયા છે? આપની પંક્તિઓ છે ‘શક્યતાઓમાં સળગ્યા કર્યો, શબ્દ સાથેની રમત મોંઘી પડી’. હા, એ વાત ખરી. મેં આખું જીવન સમર્પિત કરી દીધું. મેં મારા સી.એના ૧-૨ વર્ષ તો માત્ર ગઝલ લખવા માટે વધાર્યા. કારણકે હું એમ માનતો કે પ્રારબ્ધમાં છે એ કોઈ ઝૂંટવી શકવાનું નથી અને પરમાત્માએ મારી એટલી કાળજી રાખી છે કે મને આવતીકાલની રોટલીની કોઈ ચિંતા નથી. પણ બંને હોય છે- કવિતા એ ચેતનાની કળા છે, આમ તો એ આત્માની કળા છે. આમાં સાહિત્યના અને દર્શનના એટલા બધા સિદ્ધાંતો છે કે બહુ ખુલીને વાત કરાવી મુશ્કેલ છે. પણ એક મૃત વ્યક્તિ છે એ બોલી શકતી નથી, એટલે કે ચૈતન્ય હોય ત્યારે જ અભિવ્યક્તિનો આખો વ્યાપાર થતો હોય છે. લેખન-સર્જન એ મારે માટે એક અધ્યાત્મિક પ્રક્રિયા છે, એટલે મેં જેમ બને એમ સ્ફૂરણા ઉપર, પ્રેરણા ઉપર કે મારી પ્રતિભા ઉપર ધ્યાન રાખેલું, પણ એમાં કચરો પણ આવી શકે. એટલે પોલિશ તો કરવું જ પડે. બધા સ્વીકારે છે કે કવિતાનું બાહ્ય કલેવર એ બુદ્ધિથી જ ઘડાય છે. છંદ સાચો છે કે નહીં, શબ્દનું ઔચિત્ય એ બધું જોવું જ પડે. મેં મમ્મટથી લઈને પાશ્ચત્ય વિચારકોને પણ વાંચેલા છે. ગઝલનું એવું છે કે એમાં રદીફ-કાફિયાનું બંધન છે, છંદનું બંધન છે અને એના અલંકારો છે. આજે એવું થાય છે કે ભારતનાટ્યમ્ જેવા નૃત્યને તમે ડિસ્કો સાથે સરખાવી ન શકો. એનું પોતાનું એક લાલિત્ય છે, એનું પોતાનું એક શસ્ત્ર છે, એના પોતાના અભિવ્યક્તિના અનેક રહસ્યો છે. એટલે ગઝલનું હુસ્ને-ખયાલ, એટલેકે કલ્પનાનું સૌન્દર્ય હોય છે, અલંકારશાસ્ત્ર હોય છે, એના લયની આખી કમાલ હોય છે. એનું લાઘવ એ એક બહુ મોટો પડકાર છે. જો મારી ગઝલ કોઈ ધ્યાનથી જુએ તો મારી પહેલાં એ જાતની અભિવ્યક્તિ કોઈએ કરી જ ન હોય. કારણકે મને કોઈ છપાવવાનો કે પ્રસિદ્ધિનો મોહ નહોતો, ખાલી અંદરથી એવું હતું કે કંઈક કરવું જેનાથી આપણને આનંદ આવે અને ચીલાચાલુ ન હોય. એટલે ઉર્દૂના શબ્દો અને પ્રતીકો- જામ, બુલબુલ, ચમન, પયમાના, એ બધાનો ત્યાગ કરેલો. જુનાગઢમાં જ, હું રાજેન્દ્ર, અને મનોજ- અમે ત્રણ જાણે નક્કી કરેલું કે આ બધું આપણે કાઢી નાખવું. ગઝલનો સૌથી મોટો પડકાર એ એના સ્વરૂપની જે જડતા છે એમાં સાહજિકતા લાવવાનો. એમાં સ્વયંસ્ફૂરણા હોય અને એની સાથે બ.ક.ઠાની વિચારપ્રધાન કવિતા હોય. એ માટે તમારી પાસે પર્યાય બાહુલ્ય હોવું જોઈએ, તમારું પોતાનું એક દર્શન હોવું જોઈએ. તો આ બધું હું જૂનાગઢથી જ લઈને આવેલો. એટલે શૂન્ય પાલનપુરી, મરીઝ, સૈફ એ બધાને એટલી બધી નવાઈ લાગી કે આ ૧૭-૧૮ વર્ષનો છોકરો આટલું બધું કેવી રીતે જાણે છે. ૧૨ વર્ષે જૂનાગઢના નાગર મંડળમાં પહેલી વાર કાવ્ય મેં પઠન કરેલું. પછી મુંબઈ આવ્યો ત્યારે ત્યાં મને જે માહોલ મળ્યો તેમાંથી મને થયું કે કામ કરવું તો આ એક સ્વરૂપમાં જ. જેમ બ.ક.ઠા એ એક સોનેટ શોધ્યું. પણ મેં ગીતો પણ લખ્યાં, ‘પરપોટાના કિલ્લા’ પુસ્તકમાં મારી રૂબાઈ છે, મુક્તક છે, અછાંદસ છે, ત્રિપદી છે, એને મેં ત્રિપાદ કુંડળનો તો આખો કાવ્ય પ્રકાર આપ્યો છે, જે પહેલાં વિશ્વ-સાહિત્યમાં ક્યાંય નહોતો. પણ મારો આશય એ રહ્યો છે કે ગઝલના સ્વરૂપમાં બને એટલી શુદ્ધ કવિતા અને બને એટલી જાતની કવિતા આપવી.

પ્રશ્ન: ગઝલના પારંપરિક સ્વરૂપ સાથે આપે અનેક પ્રયોગો પણ કર્યા. ગઝલમાં આપ તળપદના લય, તળપદનું ભાવજગત લઈ આવ્યા. વિષય-વૈવિધ્ય, છંદ-વૈવિધ્ય, પણ તમારી ગઝલોમાં છે. જૂનાગઢમાં મારો પહેલો સંગ લોકસાહિત્યનો હતો. દિવાળીબહેન ભીલ મારા ઘેર આવતા, પ્રાણલાલ વ્યાસ મારા ફળિયામાં રહેતા હતા. કાનજી ભુટા બારોટ, હેમુ ગઢવી વગેરેને સાંભળવા અમે જતા. એનો ખાસ કરીને જે છંદ વૈભવ છે, ભલે એને ડીંગલ કહેવામાં આવે છે. જ્યારે મેં ગઝલ લખવાનું શરૂ કર્યું ત્યારે મને એની સ્વરૂપ જડતા બહુ નડતી હતી. અને બધા જ એ ઘરેડમાં લખતા હતા. એટલે મને થયું કે આપણા જે તળપદી પ્રકારો છે એમાં પણ પ્રાસ જાળવીને લખી શકાય છે. એટલે દોહા-ગઝલ, ભજન-ગઝલ, આખ્યાન-ગઝલ, ગીત-ગઝલ મેં લખી. એવી જ રીતે રંગતાળીની ગરબી ગઝલ છે. સિતાંશુ યશશ્ચંદ્ર સાથે મુંબઈ ટીવીના પહેલા મુશાયરામાં મેં ઝેન ગઝલ રજૂ કરેલી “બેઠો’તો વૃક્ષ નીચે, હવે ભોગવાઉં રે. ખિસકોલીના અવાજમાં ખેંચાતો જાઉં રે’. પરંપરાના લોકો આ સ્વીકારતા નહોતા. પણ એમાં કવિતાના જે ઘટકો છે – ભાવ, કલ્પન, નાદ, શબ્દ, વિચાર, અધ્યાત્મ, દર્શન એ બધું મને એમ લાગતું હતું કે ગઝલની સ્વરૂપ જડતાને કારણે નહીં આવી શકે. મારી આખ્યાન ગઝલ ૫૦૦ કલાકની મહેનતે મેં લખી તો ‘દશે દિશાઓ’ વાળી ગઝલ આખેઆખી અનાયાસની ગઝલ છે, જેને ઉર્દૂમાં ‘આમદ’ની ગઝલ કહે છે. હું તમને આખ્યાન ગઝલનો એક દાખલો આપું- ક્ષણભંગૂરતામાં અનંતતાને પામવાની જે યાત્રા છે, આખ્યાનમાં જેને મુખબંધ કહેવાય છે એણે ગઝલમાં અમે મત્લા કહીએ છીએ. તો ‘ભગ્ન સમયની સોય ઉપર એને મળવાના પાયા બાંધ્યા, જાત ફનાની સાવ અણી પર પરપોટાના કિલ્લા બાંધ્યા.’ એટલે પરપોટાને દૃઢ કરીને એના પર કિલ્લો બનાવ્યો. એમાં દસ શેર છે અને જ્યારે તમે ફ્યુઝન કરો છો ત્યારે એ ગઝલની ગઝલ અને આખ્યાનનું આખ્યાન લાગવું જોઈએ.

પ્રશ્ન: આપે ભજન-ગઝલની વાત કરી એટલે મને આપની પંક્તિઓ "એવો તે કઈં ઘાટ જીવનને દીધો જી, પરપોટામાં કેદ પવનને કીધો જી" યાદ આવે છે. હા, એ મારું પોતાનું દર્શન છે કે આખું બ્રહ્માંડ એક જ source થી બનેલું છે, હવે તો કવોન્ટમ મિકેનિક્સ પણ ત્યાં સુધી પહોંચી ગયું છે. હું જ્યારે ફીલોસોફીનો વિચાર કરું ત્યારે મને એ વાત સમજાય છે કે આ પૃથ્વી પરનું આપણું માનવજીવન છે એ જો આકસ્મિક હોય તો એકીસાથે કરોડો અકસ્માતો સર્જાય તો જ એ શક્ય છે. એટલે સર્જનની પાછળ કોઈ બુદ્ધિ કામ કરે છે, એને આપણે માયા કહીએ કે લીલા કહીએ છીએ. પણ એ સર્જનશક્તિનો આખો આનંદ છે એ આનંદ જીવનમાં, કવિતામાં, વ્યવહારમાં લેવો એ જ મનુષ્ય જીવનનો એક જલસો છે. અને એ નિત્યનૂતન છે. હું જ્યારે મારો સ્મૃતિગ્રંથ લખીશ ત્યારે લોકોને ખ્યાલ આવશે કે કેટલા વળાંકોમાંથી હું પસાર થયો છું અને છતાં એનો મને જે આનંદ મળ્યો છે એ અદ્‌ભુત છે, એ વર્ણવી શકાય એમ જ નથી.

પ્રશ્ન: આપની અનેક ગઝલો સ્વરબદ્ધ થઈ છે. પોતાની રચનાઓ જ્યારે સ્વરબદ્ધ થાય ત્યારે એના સર્જક તરીકે આપ એ સ્વરાંકનોને કઈ રીતે મૂલવો? કવિતા એક વસ્તુ છે. ઘણા લોકો આમાં પણ બળવંતરાયને ટાંકે છે, પણ એ લોકો ભૂલી જાય છે કે બળવંતરાયે સંગીત ઉપર એક નિબંધ લખ્યો છે અને એમાં એમણે લખ્યું છે કે સંગીત એ સાહિત્ય કરતાં વધારે ઊંચી કળા છે, અવ્યક્તને વ્યક્ત કરવાનું સંગીતનું જે પરિમાણ છે, નાદનો-સ્વરનો જે વ્યાપ છે.. એટલે કવિતા એ અલગ છે. એક વાર કવિતા લખાય પછી એ વાચકની થઈ જાય છે, સંભળાવીએ ત્યારે એ શ્રોતાની થઈ જાય છે. મને મૌખિક પરંપરા માટે એટલું બધું માન હતું કે માત્ર એનું માન રાખવા જ હું મુશાયરામાં જતો. સંગીતકારોની કળા છે એ શબ્દને સૂરમાં ઢાળવાની કળા છે. ખયાલ ગાયકી ધ્રુપદમાંથી વિકસી, એમાં રાગની આખી વિભાવના અને મૂડ બાંધવો, દરેક ગાયકની અભિવ્યક્તિ જૂદી હોય છે અને કળાકાર જ્યારે એમાં રમમાણ થઇ જાય છે ત્યારે ભાવ પ્રગટ કરવાની એક ક્ષમતા આવે છે. પુરુષોત્તમ ઉપાધ્યાય, આશિત દેસાઈ, ઉદય મજમુદાર, રજત ધોળકિયા, આલાપ દેસાઈ એ બધાએ મારી અનેક ગઝલો સ્વરબદ્ધ કરી છે. મારું પહેલું આલબમ નીનુ મજમુદારે કરેલું. અને મેં એમને કહ્યું કે આપણે બનારસી ઠુમરી અંગની ગઝલનું સ્વરાંકન બનાવીએ અને મને ખ્યાલ હતો કે કૌમુદીબહેન સિદ્ધેશ્વરી દેવી પાસે તાલીમ લેતાં હતાં. બીજું પુરૂષોત્તમે મારી એક પાત્ર- ગઝલ હતી એ કરી, રૂપજીવિનીની ગઝલ. ‘એક અણસારનો પડદો છે ને ઘર ખુલ્લું છે, રોજ બત્તીનો સમય છે ને અંધારું છે’. એને માટે મેં સૂચન કરેલું કે બાગેશ્રી- અભોગીમાં એને મુજરાનો ઠાઠ આપીને કરીએ, એમાં સુલતાન ખાનની સારંગી લઈએ. આલાપ દેસાઈનું જે ‘ગઝલ રુહાની’ આલ્બમ છે એ મારી બિલકુલ જાણ બહાર, એમણે એવું નક્કી કર્યું કે જવાહરભાઈના શબ્દો એટલા બધા પ્રભાવશાળી છે કે એમાં આપણે સંગીત સૌથી ઓછું નાખવું. એટલે એમણે એ કાવ્ય-સંગીતની પરંપરામાં કામ કર્યું.

પ્રશ્ન: તત્ત્વજ્ઞાનનાં ગૂઢ રહસ્યોને તાગવાની મથામણ આપની ગઝલોમાં છે, હરીન્દ્ર દવેએ આપને ‘ગઝલ ઋષિ’ કહ્યા છે. અપની ગઝલ ‘દશે દિશાઓ’માં પંક્તિ છે ‘હું સ્થિર છું, મારામાં રાસ ચાલે છે’- આ સર્જન છે કે અનુભૂતિ? બેય. અનુભૂતિ તો હતી જ. મારી જાણ વિના, એક વાર હું અચાનક બેઠો હતો અને આખી ગઝલ, જાણે મને કોઈ સંભળાવતું હોય એમ, જાણે એક વ્યક્તિ બનીને એ સામી આવીને ઊભી રહી ગઈ અને મેં માત્ર એ ગઝલ લખી જ છે. એમાં મારી કોઈ કમાલ નથી. બીજી ગઝલોમાં તો મેં, આપણે વાત કરી તેમ, આયાસ, ગઝલ પૂરી કરવા માટે પ્રયત્નો કરેલા, પોલિશ કરેલું. પણ આ ગઝલમાં મેં કશું જ નથી કર્યું, જેમ આવ્યું એમ લખ્યું. એટલે છંદ, રદીફ, કાફિયા, ભાવ દર્શન- આધ્યાત્મ એમાં જે કહો એ બધું મને મળેલી ભેટ છે. એવી અનેક ગઝલો છે, એક ‘રંગ રંગ’ ગઝલ છે, બીજી એક ગઝલ છે જેનો હરીન્દ્ર દવેએ ‘કવિ અને કવિતા’માં ખૂબ સરસ આસ્વાદ કરાવેલો ‘સમયનો બાદશાહ ક્યારે બિનવારસ મરી જાશે, સવારે ખૂલશે દરવાજા ને હું પહેલો મળી જઈશ’. એમાં બધી લોકવાયકા અને દંતકથાઓના આધારે આવતીકાલ કેટલી સરળતાથી સુંદર થઈ જશે એની વાત છે અને આ કોરોના વાયરસ સંદર્ભે એ બહુ પ્રસ્તુત ગઝલ છે.

પ્રશ્ન: અધ્યાત્મ અને યોગસાધના માટે આપે દસ વર્ષ સ્વીત્ઝરલૅન્ડ નિવાસ કર્યો, યુરોપ પ્રવાસ કર્યો. આ નિવાસ અને પ્રવાસે આપને શું આપ્યું? મેં કહ્યું એમ મારી સાધના તો બહુ નાનપણથી શરૂ થઈ હતી. ૧૪-૧૫ વર્ષની ઉંમરે હું મારા ભાઈના સસરા બટુકરાય નાણાવટી પાસે વેદાંત શીખવા જતો. અને શંકરાચાર્યના ગ્રંથો ત્યારે જ વાંચવા શરૂ કરેલા. એ વખતે મને અમુક સમજાતું હતું અને અમુક નહોતું સમજાતું. પણ મને જે એક વળાંક મળ્યો તે બાબા રામદાસ કરીને હાર્વર્ડ યુનિવર્સિટીના મનોવિજ્ઞાનના અધ્યાપક હતા, એમણે મુક્તાનંદ સાથે એક પ્રવચન આપેલું. એ બંનેને મળવા હું વજ્રેશ્વરી ગયેલો. રાત્રે અમે ત્રણેક કલાક વાત કરી અને પછી સવારે હું ત્યાં ગયો અને ૩૦૦-૪૦૦ જણમાંથી અચાનક મને એમણે બોલાવીને મારા માથા પર ટપલી મારીને કહ્યું કે આને મારા બેડરૂમની નીચેની ગુફામાં ધ્યાન કરવા લઈ જાવ. અને ત્યાં મને જે અનુભવ થયો એણે મારું આખું જીવન બદલી નાખ્યું. એ કુંડલિની જાગૃતિનો અનુભવ હતો. પહેલાં મને એમ લાગ્યું કે જાણે બધાં રુવાડાં એકદમ ઊભા થઈ ગયાં છે, લાકડા જેવા થઈ ગયાં છે, પછી અચાનક પાંચ સેકંડ માટે મને એવું લાગ્યું કે મારું હૃદય બંધ થઈ ગયું છે અને એક પ્રકાશની પટ્ટી ફટાક દઈને મારા હૃદય સુધી આવી અને પછી હું સમજ્યો કે આ મારા પૂર્વજન્મની અવસ્થા હતી જ્યાંથી હવે મારે આગળ જવાનું છે. પણ એમણે મને મંત્ર આપેલો એ સન્યાસનો હતો અને મને બરાબર ખબર હતી કે આ મારો રસ્તો નથી. એટલે હું એમની સાથે સંપર્કમાં હતો પણ એમને અનુસર્યો નહીં. પછી ૧૯૭૦મા મારી પાસે ઘણો સમય હતો, ત્યારે દક્ષા ગઈ હતી, અને એ દરમ્યાન મને અનાયાસ મહેશ યોગી પાસે જવાનું થયું. પછી ૧૯૭૩મા દક્ષા પાછી આવી ત્યારે મેં એને કહ્યું કે મારું તો અંદરનું બધું બદલાઈ ગયું છે. અમે લગ્ન કર્યાં અને મને પણ યુ.કે.માં તરત નોકરી મળી ગઈ. આ બધું કંઈક ડિવાઇન હતું. યોગનો માર્ગ એ ચિત્તવૃત્તિ નિરોધનો માર્ગ છે અને કૃષ્ણમૂર્તિથી લઈને રજનીશ સુધી કોઈ એ વાતનું ખંડન કરી શક્યું નથી. એમ સમજો કે એક મોજું છે એ સાવ શાંત થઇ જાય ત્યારે એ બેસતાં બેસતાં સમુદ્ર સ્વરૂપ થઇ જાય છે. એ તરંગનું શાંત થવું અને એ જ વખતે સમુદ્ર સાથે એનું એકરૂપ થવું એજ યોગની ક્રિયા છે. પણ આપણી ચેતનાની જે મલીનતાઓ છે એ સાફ કરીને ત્યાં સુધી પહોંચતાં પહોંચતા તો વાર લાગે. જ્યારે તમારી ચિત્તવૃત્તિ શાંત થાય છે ત્યારે તમે તમારાં સ્વ સ્વરૂપમાં સ્થિત થાવ છો. આ સ્વ સ્વરૂપ શું છે? આપણને સારી ઊંઘ આવે અને આપણે ઊઠીને એમ કહીએ કે મને બહુ સારી ઊંઘ આવી, તો પ્રશ્ન એ થાય કે તું તો ઊંઘતો હતો, તને કેવી રીતે ખબર પડી કે સારી ઊંઘ આવી? તો એને જે કહો તે- પુરુષ કહો, ચૈતન્ય કહો, બુદ્ધિ કહો- જે કહો તે. એ જ આપણો આત્મા છે, પરમાત્મા છે અને એ જ બ્રહ્મ છે. મને બૌદ્ધિક રીતે કશું વાંચવાની પણ હવે વૃત્તિ થતી નથી. હું સર્વજ્ઞ છું એવું કહેવા માંગતો નથી, હું તો સાવ અજાણ છું. મારી સ્મૃતિ પણ હવે કેટલી બધી વસ્તુ કાઢતી જાય છે, હું ભૂલી જાઉં છું એના કરતાં. એ બિનજરૂરી જે બોજ છે એ બધું નીકળી જઈ રહ્યું છે. જે પરમ સ્વરૂપ છે, જે આખા અસ્તિત્વનો આધાર છે, જેમાંથી આખું બ્રહ્માંડ નીકળ્યું છે, જે આખા બ્રહ્માંડને શક્તિ આપી રહ્યું છે, ચૈતન્ય આપી રહ્યું છે, જે સચ્ચિદાનંદ પરબ્રહ્મ છે એમાં કોઈ શંકા નથી. મારે માટે એ જ સત્ય છે, બીજા માટે ન હોય તો કંઈ નહીં. જ્યારે એની સાથે તમારો સંપર્ક થાય છે ત્યારે ગીતામાં કહ્યું છે એમ દુઃખથી તમારો વિયોગ થાય છે, તમારી ચેતના એટલી મજબૂત થઈ જાય છે કે તમને કોઈ બાહ્ય વસ્તુઓ સ્પર્શ કરતી નથી. મને તકલીફો ઘણી પડી છે, પણ એ તકલીફોનું હવે મારે માટે કોઈ અસ્તિત્વ જ નથી. એટલે બધા ગ્રંથસ્થ થવાનો આગ્રહ કર્યો અને ચાળીસ વર્ષ પછી મેં ‘તારાપણાના શહેરમાં’ પુસ્તક આપ્યું. મારા મિત્રોએ મારી ગેરહાજરીમાં ‘જવાહર બહુ અઘરો કવિ છે’ એવો પ્રચાર કરેલો છતાં એની પાંચ આવૃત્તિ થઈ. મને એનો કોઈ હરખ-શોક નથી, પણ મૂળ વાત એ છે કે જો તમે તમને વફાદાર હો તો એ ખુદવફાઈ લોકો સુધી પહોંચે છે. અને મને એવોર્ડની કોઈ પડી નથી, છતાં મેં એવોર્ડ સ્વીકાર્યા છે. જ્યારે મહેશ યોગીથી હું છૂટો પડ્યો ત્યારે એમણે મને અમુક સલાહો આપેલી, એમાં એમણે કહેલું કે કોઈ પ્રેમ કરતું હોય તો એનો અનાદર ન કરવો. મારી કવિતા વિશેષ છે, બધા કવિઓ પોતપોતાની રીતે વિશેષ છે. પણ છસો વર્ષ સુધી કોઈને સૂઝ્યું નહીં કે નરસિંહનું ‘નીરખને ગગનમાં’ છે એ આખું માંડૂક્ય ઉપનિષદ છે, કે ‘જળકમળ છાંડી જા ને બાળા’ એ કુંડલિની છે. એવાં અનેક રહસ્યો મેં મારા સંશોધનમાં મૂક્યા છે.

પ્રશ્ન: જી, આપણે એ તરફ જ જઈ રહ્યા છીએ. આટલાં વર્ષે, જીવનના આ તબક્કે નરસિંહ મહેતાની આધ્યાત્ત્મિકતા પર સંશોધન કરવાનો વિચાર કે એ પ્રેરણા ક્યાંથી થઈ? એની ભૂમિકા સમજાવશો? મહર્ષિને ત્યાં નિરાકારની ઉપાસના હતી. ત્યાંથી હું છૂટો પડ્યો પછી જૂનાગઢના અંબાજીનું મને ભારે આકર્ષણ રહેતું. અને મને માતાજીએ પોતે જ ખેંચ્યો અને મેં નવલખ ચંડીની ઉપાસના કરી, એ રીતે સાકારની ઉપાસના મેં શરૂ કરી. એનો એક અદ્‌ભુત આનંદ હોય છે. શ્રી નાથાભાઈ જોશીને હું અનેકવાર મળ્યો હતો અને એમની અનુભૂતિ મને બહુ વિશુદ્ધ લાગતી. મને એમના સત્સંગનો લાભ, એમના આશીર્વાદ અને એમનું માર્ગદર્શન મળ્યું. મેં નવલખ ચંડીનો યજ્ઞ કર્યો, મારી પત્ની સાથે. નરસિંહ મહેતા વિશે અમુક વાતો તો મેં હજી લખી નથી, કારણકે મારા પી.એચ.ડીના ગાઈડે એમ કહ્યું કે બધું તર્કબદ્ધ લખવું પડે. પણ આ આખું ભાવજગત છે, કૃષ્ણલીલાનાં શૃંગારનાં જે પદો છે એ બધા વિશે મેં લખાય એટલું લખ્યું છે. પણ ઘણું બધું કામ બીજા માટે રાખેલું છે, કે કોઈક બીજો મારા કરતાં વધારે સારો, વધારે આધ્યાત્મિક અનુભવ વાળો કોઈક એ કામ કરશે તો એને આ એક આધાર મળશે. પણ એ રાધા, એ કૃષ્ણ કોણ, એની લીલા શું? એના સંકેતો શું? મેં મારા સંશોધનમાં એ સિદ્ધ કર્યું છે કે નરસિંહ એ યોગી હતો, એ વેદાંતી હતો, એ અવધૂત હતો, એ ઋષિ હતો, એક નિપુણ કવિ પણ હતો અને ભક્ત પણ હતો. એટલે એનું આખું સર્જક વ્યક્તિત્વ છે એમાં પાણીમાંથી પોરાં કાઢવાનો કોઈ અર્થ નથી. એ એમ કહે કે ‘દેહ દશા ટળી, માંહે રહ્યો ભળી’. એનો મતલબ શું થાય એ કેટલા સમજે? અને એ એમ કહે છે કે ‘અચેત ચેતન થયો, ભાવતણો હગ ગયો, સૂતી ઊઠી મારી આદ્યવાણી’. આ આદ્ય વાણી એટલે શરૂઆતમાં હું જે વાત કરતો હતો એ. ઋચા ક્યાં છે? તો એ અક્ષરતત્ત્વમાં છે. અક્ષરતત્ત્વ ક્યાં છે, તો એ આપણી ચેતનાનું જે અતિન્દ્રીય રૂપ છે –જે ભાવાતીત, દ્વન્દ્વાતીત, ત્રિગુણાતીત છે. એટલે કોઈ મર્યાદા ન રાખવી. અને નરસિંહની જે સાકારની અનુભૂતિ હતી એ કોઈ સમજ્યું નથી. એક બાજુ એ ‘નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો’ અને ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે’ કહે છે. ‘જાગીને જોઉં તો જગત દીસે નહીં’ એ અંતિમ અવસ્થા છે, પણ એ સ્થિતિએ પહોંચ્યા પછી પણ ઈશ્વરનો સાક્ષત્કાર છે એ તમારો વ્યક્તિગત સંબંધ છે. એટલે સંપ્રદાયો, ધર્મો, સાહિત્યના વાદ-વિવાદો એ બધા આનંદના વિષયો છે. એ બધું પરમાત્માએ જે વૈવિધ્યનું સર્જન કર્યું છે એના ભાગરૂપે છે. દૂરતાની પણ એક મજા છે, દ્વૈત વિના કશો વ્યવહાર સંભવ જ નથી. જે શક્તિથી આ આખું બ્રહ્માંડ વિલસી રહ્યું છે એ સત પણ છે, એ ચિત પણ છે અને એ જ આનંદ પણ છે. એટલે એને કઈ રીતે ઓળખવું એ આપણી પોતાની પસંદગી છે. બધું એક સરખું છે. ‘બોલવું ન બોલવું એક સરખું લાગવું’ એ મારી એક ગઝલ છે.

પ્રશ્ન: આપે ‘જળકમળ છાંડી જા ને બાળા’ એ પદનો અગાઉ ઉલ્લેખ કર્યો. પણ એ પદ વિશે થોડી વિગતે વાત કરીએ, એનું આધ્યાત્મિક રહસ્ય અમને સમજાવશો? બહુ જાણીતી વાત છે કે કબીર સંપ્રદાયમાં, શ્રીવિદ્યાના સંપ્રદાયમાં, અનેક વિદ્યાઓના સંપ્રદાયોમાં કે યોગમાં કમળ અને નાગણ ભેગાં થાય તો એક જ અર્થ થાય, કે કુંડલિની. હવે ‘જળ ગહન છાંડી’ નથી લખ્યું, ‘જળકમળ છાંડી’ લખ્યું છે. બીજું કે આખી જે અસંગતતા છે- ઘડીકમાં કહે છે કે ‘જાગશે તને મારશે’, ઘડીકમાં કહે છે કે ‘લાખ સવાનો મારો હાર આપું’, તો આ બધું બખડજંતર છે શું? પચીસ વર્ષથી હું આ વિશે બોલું છું અને જેવા ભાવકો એવું બોલું છું. પણ કુંડલિની એટલે ભૌતિક શરીરમાં જે સૂક્ષમ શરીર છે અને એમાં એક ઊર્જા છે અને પરમાત્મા સુધી પહોંચવું હોય તો એમાં વચ્ચે અમુક સ્ટેશન છે. જેમ કે નાભિચક્ર છે, એવાં અનેક સ્ટેશન આવે. એનું વર્ણન આમાં છે. બીજું કે આપણા જે ષડશત્રુઓ કહ્યા છે- રાગ, દ્વેષ, કામ ક્રોધ, મોહ વગેરે. આ જે ‘રંગે રૂડો, રૂપે પૂરો, દીસંતો કોડીલો કોડામણો’ જે છે એ કામનું છે, એને મણિપૂર કહેવાય છે. આ બધું મેં યોગના પ્રમાણિત ગ્રંથોથી પુષ્ટ કર્યું છે. ‘જાગશે તને મારશે’માંથી આટલું બધું થયું તો પણ છસો વર્ષમાં ગુજરાતી સાહિત્યમાં કોઈના પેટનું પાણી હાલતું નથી, તમે જુઓ તો ખરા. કામ પછીનું સ્ટેશન તે મોહનું એ હૃદયચક્રનું, લાગણીનું અને ભાવનું ચક્ર છે. આગળ વધે છે તો મોહ આવે છે ‘લાખ સવાનો મારો હાર આપું’. નાગણ જો નવલખો હાર પહેરે તો એનું ડોકું ન કપાઈ જાય? એટલે આ આખું જે પ્રતીક છે એ એટલું જડબેસલાક છે અને દરેક યોગશાસ્ત્ર સાથે મેળ ખાય છે. આમાં ઘણું બધું છે કદાચ એને માટે આપણે બીજો વાર્તાલાપ કરવો પડે. એટલે સાધક જ્યારે શિવતત્ત્વને પામે છે એની આખી વાત છે. અને સ્વામીનું જે બદલવું છે ‘જળ કમળ છાંડી જા ને બાળા, સ્વામી અમારો જાગશે’ એટલે પહેલી પંક્તિમાં ‘સ્વામી’ એ કાળીનાગ છે. પછી છેલ્લે કહે છે ‘બેઉ કર જોડી વીનવે સ્વામી, મૂકો અમારા કંથને’ અહીં ‘સ્વામી’ એ આઠમી વિભક્તિનું સંબોધન છે. એટલે સ્વામી બદલાઈ ગયો. એનું મહત્ત્વ એ છે કે આ જમુનાનું જળ છે આપણા જીવન-જળનું પ્રતીક છે. એનો સ્વામી-કાળીનાગ એટલે કે આ માયાનો મોહપાશ છે ત્યારે પ્રતિક્ષણે તમે મૃત્યુ પામી રહ્યા છો. પણ જ્યારે તમારો સ્વામી કૃષ્ણ થાય છે ત્યારે તમે અનંતતાને પામો છો. તમે શરીર નથી એનું તમને ભાન થાય અને પછી તમે અનંતતત્ત્વ સાથે એકતા પામો ત્યારે આ જીવન-મરણના ચક્કરમાંથી તમે નીકળી ગયા છો. એ જે અવધૂતિનો આનંદ છે, એ નરસિંહનો હતો.

પ્રશ્ન: જવાહરભાઈ, નરસિંહના આજે ગવાતાં પદોની આધારભૂતતા વિશે શું કહેશો? જેમ મીરાંના નામે અનેક રચનાઓ પાછળથી લખાઈ, એવું નરસિંહનું પણ થયું? ખરી વાત છે. ટૂંકમાં એમ કહું કે નરસિંહના મૃત્યુ પછી લગભગ દોઢસો વર્ષે પહેલી હસ્તપ્રત મળે છે. ત્યાં સુધી એ માત્ર કંઠ પરંપરામાં સચવાયેલો. એ દરમ્યાનમાં જેસલપરાએ ખૂબ મહેનત કરી. લગભગ મૂળ ૧૨૧ હસ્તપ્રતોમાંથી માખણ કાઢીને જે ૮૦૭ પદ કર્યાં એમાં બહુ પુનરાવર્તન છે. અમુક કવિતા નિઃશંક નરસિંહની નથી એમ કહી શકાય એમ છે. તમે નરસિંહનો ઝૂલણા જુઓ ‘જાગીને જોઉં તો જગત દીસે નહીં’, ‘જે ગમે જગતગુરુદેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો’ કે ‘નાચતાં નાચતાં નયણે નેણાં મળ્યાં’. ‘નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો’ કે ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ’ ત્યાંથી લઈને ‘જાગ ને જાદવા કૃષ્ણ ગોવાળિયા’. તમે એનો છંદ જુઓ, વર્ણાનુપ્રાસ જુઓ. તો બીજાં કેટલાંક પદો જોઈએ, એના પ્રાસ જોઈએ તો મને એમાં ચોક્કસ વિશ્વાસ છે કે એ નરસિંહનાં હોય જ નહીં. અને એમાંથી તો મને આખું માંડૂક્ય ઉપનિષદનું અર્થઘટન મળ્યું. આમાં ઘણું ઊંડાણ છે અને બુદ્ધિથી આ બધું આવતું નથી. હું દૂનિયાના વિદ્વાનો સાથે બેસીને ચર્ચા કરવા તૈયાર છું કે આ ત્રીજા નેત્રની પ્રસાદી, જે વાત બળવંતરાય ઠાકોરના શિષ્યો ભૂલી જાય છે કે ક્યારેક ત્રીજા નેત્રની પ્રસાદી જેવી કવિતા પણ હોય છે. એટલે એ ત્રીજા નેત્રની પ્રસાદીથી હું પણ કહી શકું છું કે આ રચના નરસિંહની છે અને આ એની રચના નથી. એટલે મૂળ વાત એ છે કે નરસિંહની રચનાઓનાં અમુક વ્યવાર્તક લક્ષણો છે, એની આખી શૈલી છે, છંદ પરની એની પકડ છે. એનો એક આધાર ભાગવત છે પણ બીજો આધાર જયદેવનું ‘ગીતગોવિંદ’ પણ છે. બીજું મેં એક આખો વિભાગ કર્યો છે કે અમુક પદો નરસિંહને મળતાં આવે છે પણ એ નરસિંહનાં નથી. જેમ કે ‘મથુરામાં ખેલ ખેલી આવ્યા, ઓ કાન ક્યાં રમી આવ્યા?’ હવે આ શબ્દો, આ લય નરસિંહના નથી. મારું નરસિંહ વિશેનું આ આખું સંશોધન એ એક દૈવી આદેશ જ હતો, બાકી હું તો બહુ આળસુ માણસ છું. એ પ્રેરણાથી જ આ લખાયું છે, બાકી મારી બુદ્ધિ એટલી નથી કે હું આ પામી શકું.

પ્રશ્ન: સાધના દ્વારા વિચારાતીત થવું કદાચ શક્ય બને, પણ ભાવાતીત દશા સુધી પહોંચી શકાય ખરું? વિચાર અને ભાવ એ બંને ઉપરની સપાટી પર જ હોય છે. જે તરંગની વાત કરી, જે યોગ ચિત્તવૃત્તિ નિરોધની વાત કરી, એમાં ભાવ પણ એક જાતની વૃત્તિ જ સમજો, કારણકે એ પ્રમાણ અવસ્થામાં આવતી હોય છે. જે નિર્ગુણ નિરાકાર છે, જે મહામૌન છે, જ્યાં કોઈ સ્પંદન નથી, કોઈ ભાવ નથી, કોઈ શબ્દ નથી, કોઈ વિચાર નથી. જેમ જેમ ઉપર આવતા જાવ અને પરાવાણીની સ્થિતિ પર પહોંચો તો એ ભાવાતીત છે, એ દ્વન્દ્વાતીત છે, એ વિચારાતિત છે. પતંજલિ એમ કહે છે કે અષ્ટાંગમાંથી આસન-પ્રાણાયામ એ બધું તો બાહ્ય છે. જે અંતરંગ છે એ ધારણા, ધ્યાન અને સમાધિ છે. ધારણામાં તમે કોઈ વિચાર કે ભાવ ઉપર કેન્દ્રિત થાવ છો. ધીમેધીમે તમે એમાં લીન થતા જાવ. જેમજેમ તમારો રસ વધતો જાય એમ તમે ઊંડા ઉતરતા જાવ. ધ્યાન કરવાથી તમારા મનની સ્થિતિ સ્થિતપ્રજ્ઞા તરફ અથવા તો પ્રબુદ્ધતા તરફ ગતિ કરે.એ અવસ્થા નિયમિત અભ્યાસથી પ્રાપ્ત થાય છે અને પછી ગુરુકૃપાથી એમાં આગળ વધાય છે. અને એક સ્તર એવું આવે છે જ્યારે તમારાં કોઈપણ પ્રયત્ન કામ નથી આવતા, માત્ર એની કૃપાથી આવે છે. વાંચવાથી કે કથા સાંભળવાથી એ આવતો નથી, બ્રહ્મ જ એની પસંદગી કરે છે. શબ્દ વરેણ્યમ છે, એ વરણી કરે છે કે આની સામે મારે પ્રગટ થવું છે. હું દૂનિયામાં અનેક ખંડોમાં જઈ ચૂક્યો છું- ખંડેરો, આદિ સંસ્કૃતિમાં મને રસ છે. એટલે જે અનંત વૈવિધ્ય છે એનો આપણી શક્તિ પ્રમાણે આનંદ માણવો અને પરમાત્માની કૃપાનો હંમેશા અનુભવ કરવો એમાં સંતૃપ્તિ આવે છે. આજે મને લાગે છે કે મારે જે કરવું હતું તે થઈ ગયું. જે જીવું છું એ બોનસમાં જીવું છું. નરસિંહ કહે છે ‘લટકે મળે નરસૈનો સ્વામી, હીંડે મોડામોડ રે’. એટલે ‘આજની ઘડી તે રળિયામણી’. એ બહુ મોટી વાત છે. નરસિંહ કહે છે ‘શ્યામ શોભા ઘણી, બુદ્ધિ નવ શકે કળી, અનંતોત્સવમાં પંથ ભૂલી’. જિંદગીની વ્યાખ્યા જ એ છે– દરેક ક્ષણ એ પરમનો ઉત્સવ છે. હવે ઉપદેશકો કહે છે કે વર્તમાનમાં જીવો, નરસિંહ તો ક્યારનો કહી ગયો છે કે ‘આજની ઘડી તે રળિયામણી’.

પ્રશ્ન: જવાહરભાઈ, પોતાને કઈ રીતે જોવાનું બને? એક વ્યક્તિ, સર્જક, કે એક સાધક? કંઈ નહીં, બસ એક માણસ. બસો ટકા આનંદમાં જીવતો, જે પોતાની જાતને શરીર માનતો નથી, પરમાત્માના અનંતનો અંશ છું. અને એની કૃપાની ધન્યતામાં જીવું છું, બસ.