સંવાદસંપદા/ડૉ નરેશ વેદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ડૉ નરેશ વેદ સાથે વાર્તાલાપ

આરાધના ભટ્ટ

SS dr naresh ved.png





વાર્તાલાપની શ્રાવ્ય કડી


ડો નરેશ વેદનું નામ આજના ગુજરાતી ભાષી વિદ્વાનોની યાદીમાં આગલી હરોળમાં લેવાય છે. લેખન, અધ્યયન, અધ્યાપન, વક્તવ્યો અને સંસ્થાવહીવટ દ્વારા તેઓ છેલ્લા ચાર દાયકાથી આપણા સમાજના સંસ્કાર ઘડતરમાં રત છે. ૧૯૪૮માં ગોંડળમાં એમનો જન્મ અને પછી અભ્યાસમાં એમની તેજસ્વી કારકિર્દી દરમ્યાન એમણે પ્રથમ વર્ગમાં ડિગ્રીઓ અને ત્યારે બાદ પી.એચ.ડી ની પદવી પ્રાપ્ત કરી. એમને ભારત સરકાર દ્વારા નેશનલ સ્કોલરશિપ અને યુ.જી.સી દ્વારા કેરિયર એવોર્ડ એનાયત થયો હતો. ગુજરાતીના અધ્યાપક તરીકે શિક્ષણ ક્ષેત્રે પ્રવેશ કરી એમની કારકિર્દી દરમ્યાન તેઓ ગુજરાતની ચાર યુનિવર્સીટીઓમાં ઉપકુલપતિપદ તેમજ સત્તા મંડળોમાં નિયુક્ત થયા. આ ઉપરાંત તેમણે યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડ સહિત અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં સલાહકાર તરીકે સેવાઓ આપી. શિક્ષણ ઉપરાંત સંશોધન, લેખન અને સંપાદનમાં પણ ડો વેદનું પ્રદાન નોંધપાત્ર છે. એમના એકસોથી વધુ લેખો અને દસ જેટલાં પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. એમણે Dictionary of Literary Terms અને Dictionary of Linguistics પણ તૈયાર કરી અને એમણે તૈયાર કરેલાં કેટલાંક અધિકરણો શ્રી ધીરુભાઈ ઠાકર સંપાદિત ‘ગુજરાતી વિશ્વકોશ’માં સમાવિષ્ટ છે. ‘ઉપનિષદવિમર્ષ’, ‘તત્ત્વબોધ’ અને ‘ભારત શું છે?’ એ એમનાં તાજેતરમાં પ્રકાશિત પુસ્તકો છે. ગુજરાતી ઉપરાંત તેઓ હિંદી ભાષામાં પણ સહજતાથી વ્યક્ત થાય છે. એમની સાથેનો આ વાર્તાલાપ એમની પ્રતિભાનો પરિચય કરાવશે.

પ્રશ્ન: ગુજરાતી સંસ્કારજગત આપના અધ્યયનશીલ વ્યક્તિત્વથી સુપરિચિત છે. આપની આ અધ્યયનશીલતા, આપની આ પરિશીલનવૃત્તિનાં મૂળ આપના પરિવારમાં આપને મળેલ વાતાવરણ- ઉછેરમાં હશે એમ માનું છું. એ વિશે જાણવાની ઇચ્છા છે.

હું એક સદભાગી સંતાન છું, મને માતા અને પિતા બંને તરફથી અને એ બંનેનાં પરિવારો તરફથી મળેલો વારસો એ સંસ્કારનો વારસો છે, સાહિત્યનો વારસો છે, અધ્યાત્મનો વારસો છે. અમારું ગામ તે સૌરાષ્ટ્રનું મોરબી અને અમે મોરબી સ્ટેટના ભાયાતો. એટલે રતનપર અને રંગપર બેલા એ અમારાં મહેસૂલી ઉપજનાં બે ગામો. મારા પિતાને ગામના લોકો દરબાર કહીને સંબોધે. મારા વડદાદાએ વઢવાણમાં એ વખતે મિલ કરેલી. મોરબી સ્ટેટના મહારાજા મારા વડદાદાને કાકા કહીને બોલાવતા અને પોતાના દરબારમાં માનભેર પોતાની બાજુમાં બેસાડતા. વઢવાણ એ વખતે બ્રિટીશ સલ્તનતના તાબામાં હતું. એટલે એમણે રાજાને ખુશ કરવા મિલનું નામ‘સર વાઘજી મિલ’ આપેલું. પણ મારા વડદાદા બહુ મોટા સાહિત્યકાર હતા અને અમારી મિલના લેટરહેડ ઉપર છંદોનાં બંધારણો એમણે તૈયાર કરેલાં અને અધ્યાત્મશાસ્ત્ર ઉપર બે પુસ્તકો પણ એમણે પ્રગટ કરેલાં. મારા પિતાજી પણ વાંચનના જબરદસ્ત શોખીન હતા. એમને માટે મોરબીની લાઈબ્રેરીમાંથી હું એમને નિયમિત પુસ્તકો લાવી આપતો. એ કનૈયાલાલ મુનશી, રમણલાલ દેસાઈ અને ગુણવંતરાય આચાર્યના બહુ પ્રેમી હતા. તે સમયે ધર્મયુગ, જન્મભૂમિ પ્રવાસી, ઈલસ્ટ્રેટેડ વીકલી એ બધું અમારે ઘેર આવે. એ હું નિયમિત વાંચતો. એટલે હું મેટ્રિક પાસ થયો ત્યાં સુધીમાં મેં આપણા લગભગ બધા જ ખ્યાતનામ સર્જકોને વાંચી નાંખેલા. પ્રેમચંદજી, મુનશીજી, ટાગોર, શરદબાબુ, વિભૂતિભુષણ બંદોપાધ્યાયએ બધા ઉપરાંત વિદેશના અન્ય લેખકો જે અનુવાદમાં ઉપલબ્ધ હતા એ પણ મેં વાંચ્યા હતા. મારાં માતુશ્રી બહુ જાજરમાન હતાં અને એ બહુ ધર્મિષ્ઠ પણ હતાં. એમની લાયબ્રેરી વૈષ્ણવ સંપ્રદાયની હતી. એમણે કેટલીક હસ્તપ્રતો પણ વસાવેલી અને અમને કેટલાક નિત્ય પાઠ શીખવ્યા હતા. મારા મોટા ભાઈ નવીનભાઈ વેદ એડવોકેટ હતા અને એ ક્રિયાયોગી હતા. એમણે ૧૯૬૭માં વાય.એસ.એસ.આર.નાં આંતરરાષ્ટ્રીય પ્રમુખ દયામાતા પાસે દીક્ષા લઈ લીધેલી. એટલે એ થઇ-થાવી બધું જાણતા હતા. એ બહુ જ સારા જ્યોતિષ હતા. એમને કોઈ કુંડળીની, કોઈ હસ્તરેખાની, કોઈ સામુદ્રિકશાસ્ત્રની જરૂર નહોતી પડતી. એમની પણ અધ્યાત્મની લાયબ્રેરી ખૂબ સમૃદ્ધ હતી. મારા મોસાળમાં મારા નાના દૈવી આત્મા હતા, અને એમને માટે તો કહેવાય છે કે એ સાક્ષાત દર્શન પણ પામેલા. મારા મામા ગોંડલમાં બહુ મોટા બિઝનેસમેન હતા પણ કાનજીસ્વામીના બહુ ચાહક હતા. મામાએ જિંદગીભર લખેલી ડાયરીઓ મને અને મારા મોટા ભાઈને એ વારસામાં આપતા ગયા. એટલે આ બધો વારસો મને મળ્યો. પિતાએ મુંબઈમાં કામ કરેલું, અમદાવાદમાં કામ કરેલું. અમારી ધીરદારની પેઢી ચાલે. અને અમારો શિક્ષિત પરિવાર, કુટુંબ સંસ્કારી અને આર્થિક રીતે સમૃદ્ધિ. એટલે હું ઘણીવાર કહું છું કે હું એવો સદ્‌ભાગી માણસ છું કે આપણી જન્મકુંડળીમાં જે બાર સ્થાનો હોય એ બારેબાર સ્થાનો મારે માટે શુભ સ્થાનો છે.

પ્રશ્ન: અને પછી આપે કારકિર્દી શિક્ષણની અપનાવી. આપ ચાર-ચાર યુનિવર્સીટીના વહીવટીતંત્રમાં હતા, એ પૈકી ત્રણ યુનિવર્સીટીના ઉપકુલપતિ હતા. અધ્યયન-સંશોધનની સાથે વહીવટનો મેળ કેવી રીતે ચાલ્યો? નાનપણમાં મારા ગુજરાતીના શિક્ષક કરુણાશંકર ભટ્ટ હતા, એમની છાપ મારા પર બહુ સુંદર પડી. ત્યારથી મારો વિચાર એવો બંધાયેલો કે મારે પણ આવા સારા ભાષાના શિક્ષક થવું છે. એ વખતે હું વાર્તાઓ લખતો, કાવ્યો પણ લખતો અને એ છપાતાં પણ હતાં. જેમજેમ દુનિયાનું ઉત્તમ સાહિત્ય વાંચતો ગયો તેમતેમ મને થયું કે આપણે તો કચરો લખીએ છીએ, એટલે મેં લખવાનું ઓછું કરી દીધું અને વાંચવાનું વધાર્યું. પિતાની ઇચ્છા એવી કે એમની જેમ હું પણ ધંધો કરું, એટલે એમણે મને કોમર્સમાં દાખલ થવાનું સૂચવ્યું. પણ મારી ઇચ્છા આર્ટ્સમાં જવાની અને કૉલેજમાં અધ્યાપક થવાની હતી. એને માટે મેં મોટા ભાઈની મદદ લીધી, એમણે મને આર્ટ્સમાં એડમીશન અપાવ્યું અને પછી પિતાએ પણ મંજૂર કર્યું. મારી કૉલેજમાં મને એટલા સારા અધ્યાપકો મળ્યા. જયાનંદભાઈ દવે, જે સંસ્કૃતના પ્રકાંડ પંડિત હતા એ અમારા પ્રિન્સિપાલ હતા. જે. એન. રાવળ સાહેબ જે સાક્ષાત ગીતાનો કર્મયોગ જીવતા હતા, બહુ જ પવિત્ર આત્મા. એ મારા સંસ્કૃતના પ્રૉફેસર હતા. ગુજરાતીમાં મને પ્રભાશંકર તેરૈયા, ડી. કે. પંડ્યા, પછી ડો ઉપેન્દ્ર પંડ્યા, ઈશ્વરલાલ દવે, ડો રમેશ શુક્લ, નટુભાઈ રાજપરા, જનાર્દનભાઈ વૈદ્ય. આવા ઉત્તમમાં ઉત્તમ અધ્યાપકો મળ્યા. એટલે એમની પાસે હું ખૂબ ઘડાયો અને ૨૧ વર્ષની ઉંમરે અધ્યાપક બનવાનું મારું સ્વપ્ન સાકાર થયું. એ પહેલાં પિતાજીએ એમની વગથી મને બેંક ઓફ બરોડામાં નોકરી અપાવેલી. પણ એમાં મારું દિલ નહોતું લાગતું. લેજરનું આખું પાનું હોય એના સરવાળામાં મારી હંમેશા ભૂલ થાય. પછી ૨૮ વર્ષની ઉંમરે હું અહીં સરદાર પટેલ યુનિવર્સીટીમાં આવી ગયો. અને ત્યારથી મને એક બહુ જ મોટી લાયબ્રેરી મળી. એટલે જેમ દુષ્કાળ પીડિત ભૂખ્યો ડાંસ માણસ ભોજન પર તૂટી પડે એ રીતે હું વાંચન પર તૂટી પડ્યો. અહીનું વાતાવરણ સરસ, પછી હું રીડર અને પછી પ્રૉફેસર થયો. એ દરમ્યાન કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતા. અને એમણે મને બોલાવ્યો અને કહ્યું કે ગુજરાતની યુનિવર્સીટીઓમાં ચારે બાજુ બહુ પોલિટિક્સ વિકસી ગયું છે, એ અમારે કંટ્રોલ કરવું છે. અમારી ઇચ્છા છે કે તમે યુનિવર્સીટીનું વાઈસ-ચાન્સેલર પદ સ્વીકારો. મેં એમને ચોખ્ખી ના પાડી, મેં કહ્યું કે હું શિક્ષક છું. મને ભણવું અને ભણાવવું ગમે છે, લખવું-વાંચવું ગમે છે અને મને કોઈ વહીવટી અનુભવ નથી. એમણે મને સમજાવવાનો પ્રયત્ન કર્યો, મેં એમને જરાય મચક ન આપી. બીજી વખત પણ મેં ના પાડી. અને ત્રીજી વખત એમણે મને દિલ્હીથી ફોન કરાવ્યો અને દબાણ કર્યું, ત્યારે બાજપાઈ સરકાર હતી.એટલે મેં મારા ભાઈને ફોન કર્યો. ગોંડલમાં એક મોટા યોગી હતા, મકરંદભાઈ દવે અને મારા મોટા ભાઈના એ ગુરુ હતા-નાથાભાઈ જોશી. મોટા ભાઈએ એમને પૂછ્યું, એમણે કહ્યું કે અમારી ઇચ્છાથી જ આ બધું થઈ રહ્યું છે અને એમને કહો કે આ જવાબદારી સ્વીકારી લે, અમે સદા એમની સાથે છીએ, એમના દ્વારા કેટલાંક કામો કુદરત કરાવવા ઇચ્છે છે. એટલે મેં એ કામ સ્વીકાર્યું અને સ્વીકાર્યા પછી મારો એ અનુભવ રહ્યો કે ઈશ્વરી શક્તિ સતત મારી સાથે રહી. એવા એવા પ્રસંગો અને એવી ઘટનાઓ બનતી હતી કે જેમાં મારી પાકી કસોટી થાય. પણ બધું પાર પડતું રહ્યું એમાં મારી કોઈ વિશેષ સિદ્ધિ હોવાને બદલે એ ઈશ્વરની ઇચ્છાથી જ બધું થયું હશે એમ માનું છું. બધા દિગ્ગજો એ વખતે સિન્ડીકેટના મેમ્બર હતા. ગુજરાત યુનિવર્સીટીમાં મારા પહેલાં પાંચ ઉપકુલપતિઓને ભગાડી દીધેલા-કોઈકને એક જ દીવસમાં, કોઈકને૧૩ દિવસમાં. ગુજરાત યુનિવર્સિટીનાં ત્રણે ત્રણ વર્ષ મારાં કસોટીનાં વર્ષ હતાં. ૨૦૦૦ની સાલમાં બહુ મોટી અતિવૃષ્ટિ થઈ, અને આખા અમદાવાદનું સડેલું અનાજ, કચરો બધું કેમ્પસમાં આવ્યું. મારે દોઢ મહિનો રસોડું ચલાવવું પડ્યું અને હજારો કિલો દવાઓનો છંટકાવ કરવો પડ્યો. ૨૦૦૧માં ભૂકંપ આવ્યો અને યુનિવર્સિટીનાં ૬૫ મકાનો તૂટી ગયાં. ત્રીજા વર્ષે ભયાનક કોમી રમખાણો થયાં, પરીક્ષા લઈ ન શકાય એવી પરિસ્થિતિ થઈ.એ વખતે ભારે તંગદિલીમાં મેં પરીક્ષાઓ લેવડાવી. એક બાજુ છરાબાજી ચાલે, જાતજાતની માંગણીઓ આવે, ધમકીઓ આવે. આ બધી જ કસોટીઓ આવી પણ એ તમામ કસોટીઓમાંથી ભગવાને અણિશુદ્ધ મને પાર ઉતાર્યો.

પ્રશ્ન: આજના શિક્ષણની વાત કરીએ- શિક્ષણનાં કથળતાં ધોરણો, શિક્ષણમાં રાજ્યની ભૂમિકા વિશે સમાજમાં ચર્ચા થાય છે. આજે એવું પણ કહેવાય છે કે વ્યક્તિત્વના ઘડતરમાં શિક્ષણની ભૂમિકા ખાસ રહી નથી, આપણું શિક્ષણ પાઠ્યપુસ્તકોથી આગળ વધતું નથી અને આપણે ગૂગલિયા પેઢીને ઉછેરી રહ્યા છીએ. આ બધા જ મુદ્દા વિશે આપના વિચારો જાણવા છે. આપણા દેશમાં અત્યારે શિક્ષણની જે હાલત છે તે અત્યંત શોચનીય છે, આપણે ત્યાં શિક્ષણનો જે મૂળ હેતુ છે એ જ વિસરાઈ ગયો છે. શિક્ષણનો હેતુ છે વિદ્યાર્થી માત્રમાં રહેલી અંદરની શક્તિઓને પ્રગટ કરવી અને એને સ્વનિર્ણિત બનાવવો –એ પોતાના નિર્ણયો જાતે લઈ શકે, એ પરાવલંબી ન રહે પણ સ્વાવલંબી બને, એ એક વિચારવાન ચારિત્રવાન અને દેશપ્રેમી નાગરિક તરીકે તૈયાર થાય, એની નિષ્ઠા અને નિસ્બત સમાજ તરફની પણ હોય. આ બધી જ વાત સાવ વિસરાઈ ગઈ છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે સ્કૂલો, કોલેજો અને યુનિવર્સીટીઓ શિક્ષકોવિના, ખંડો વિના, પ્રિન્સીપાલો વિના ચાલે છે. એન.ઓ.સી અપાતાં નથી, નવી જગ્યાઓ ભરાતી નથી, અને પ્રાઈવેટાઈઝેશન આવ્યા પછી બધાં જ વિદ્યામંદિરો લક્ષ્મીમંદિરોમાં ફેરવાતાં જાય છે. કોલેજો અને સ્કૂલો માત્ર નામની રહી છે, પણ ટ્યુશન ક્લાસો રાફડાની જેમ ફાટી નીકળ્યા છે. અને ત્યાં પુસ્તકીયું જ્ઞાન જ અપાય છે કારણ કે ત્યાં સૌની નજર ક્લાસ અને ટકાવારી પર છે. એટલે શૈક્ષણિક મૂલ્યો સદંતર ધોવાઈ ગયાં છે. એટલે તમે કહ્યું એમ આપણે ગૂગલ આશ્રિત પ્રજાને ઉછેરી રહ્યા છીએ. સામાજિક નિસ્બત તો બાજુ પર રહી પણ વ્યક્તિગત અને કૌટુંબિક નિસ્બત પણ રહી નથી. અમારા જેવા જેમણે શિક્ષણનો સુવર્ણકાળ જોયો છે એમને ખૂબ રંજ, ખૂબ વસવસો થાય છે. સરકારે મને તક આપી. હું ઉપકુલપતિ તરીકે નિવૃત્ત થયો પછી ફરી એકેડેમિક સ્ટાફ કોલેજમાં મને પાંચ વર્ષ માટે સોંપી. મેં ભરચક પ્રયત્નો કર્યા, અને એ એક જ હેતુથી કર્યા કે શિક્ષક મજબૂત બને. ભલે ચાણક્યએ વર્ષો પહેલાં કહ્યું હતું કે ‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા. પ્રલય ઔર નિર્માણ દોનો ઉનકી ગોદમેં પલતે હૈ.’ આ વાત જે શિક્ષકો એક મહિનાની તાલિમ લઈને જાય એને દરેકને હું એક મુદ્રિત કાર્ડ રૂપે આપતો હતો અને એમને પ્રેરક ઉદ્‌બોધન પણ કરતો. સરકારે દેશભરમાં મને જ્યાં જ્યાં કામસર મોકલ્યો ત્યાં ત્યાં આ કામ મેં એક મિશનરીની જેમ કર્યું. લેખનમાં પણ મેં આ કર્યું છે. જેમ મેં સાહિત્યના લેખો કર્યા, અધ્યાત્મના લેખો કર્યા એમ મેં શિક્ષણ અને કેળવણીના લેખો પણ કર્યા છે.

પ્રશ્ન: આપનું પ્રદાન સંસ્કારજીવન ક્ષેત્રે પણ મહત્ત્વનું છે. સંસ્કૃતિ માટેની આપની નિષ્ઠા ખૂબ જાણીતી છે. આજે જ્યારે જગત સીમાડા વિનાનું બનતું જાય છે ત્યારે ભારતીય હોવું એટલે શું? ભારતીય શબ્દ આવે છે અને કેટલાક લોકોને એની એલરજી થાય છે કારણકે એ લોકો એને રાજકારણની રીતે જુવે છે. હકીકતે જે માટીના કણમાંથી આપણે પેદા થયા છીએ, જ્યાંના જલવાયુ અને આબોદાણાથી આપણો માનસિક અને બૌદ્ધિક કોષ પરીપોષાયો છે તેના પ્રત્યેની આપણી કેટલીક જવાબદારીઓ હોય છે અને એ આપણા સ્વભાવમાં કેટલાક ગુણ-અવગુણોનું આરોપણ પણ કરતું હોય છે. એટલે તમે જોશો કે દૂનિયાની દરેક પ્રજાની કોઈ કોઈ ખાસિયતો હોય છે. એમ ભારતીય પ્રજાની પણ કેટલીક લાક્ષણિકતાઓ છે. આપણી મુખ્ય ખાસિયત છે એ શાંતિપ્રિયતાની છે. આપણે બહુ જ શાંતિપ્રિય છીએ અને આખી દૂનિયામાં કદાચ આપણો દેશ એક એવો દેશ છે જેણે બીજા પર આક્રમણ ન કર્યું હોય. એની પર આક્રમણો થયાં છે ત્યારે એણે જડબાતોડ જવાબ આપ્યો છે, આટલી મોટી અંગ્રેજ સલ્તનત પાસેથી એણે લોહી વહેવડાવીને આઝાદી નથી મેળવી. એવી જે રીતે પોર્ટુગીઝ પ્રજાને પણ આપણે સમજાવટથી વિદાય કર્યા છે, એમના પર દાદાગીરી નથી કરી. આ આપણી સૌથી મોટી લાયકાત છે. બીજું એ કે ભારતીય પ્રજામાં ધાર્મિકતાનો અથવા અધ્યાત્મનો એક કણ બહુ ઊંડે સુધી પડેલો છે. અંગ્રેજોના સંસર્ગ પછી આપણો પહેરવેશ-ખાનપાન-રીતભાત, રિવાજો અને જીવનશૈલી આ બધું બદલાયું, પણ એક વસ્તુ નથી બદલાઈ તે આપણી આસ્તિકતા, અથવા નૈતિકતાનો અંશ. તમે ઓવરકોટ કે રેઇનકોટને ઉતારીને બાજુ પર મૂકી શકો પણ તમારી ચામડીને ઉતારીને બાજુ પર ન મૂકી શકો. આ આસ્તિકતા અથવા આ નૈતિકતા જે આપણા લોહીમાં છે એ ક્યારેય આપણને હિંસક થવા દે અથવા ક્રૂર થવા દે એવી નથી. આપણામાં એ જન્મજાત છે. ત્રીજી વાત આપણે બહુ પરંપરાગત છીએ, પરંપરાઓના ચૂસ્ત પાલક છીએ. અને ચોથું એ કે આપણે આનંદપ્રિય પ્રજા છીએ.પાશ્ચાત્ય સંસ્કૃતિ કહે છે કે ‘મેન ઈઝ અ સન ઓફ સિન’-માણસ પાપનું સંતાન છે. જ્યારે આપણા વડવાઓએ આપણને ગળથૂથીમાં પાયું છે તે એ કે ‘અમૃતસ્ય પુત્રા’! આપણે તો અમૃતનું સંતાન છીએ, આપણે પાપનું સંતાન શા માટે? આપણે આનંદ અવતાર જ છીએ, આપણે આનંદ માટે એટલાં તો ઉત્સુક હોઈએ છીએ કે દરેક દિનને આપણે તહેવારમાં ફેરવી નાંખ્યો છે. ભારતીય પ્રજાના આ આંતરિક સંસ્કાર છે. ગમે તેવો નાસ્તિક માણસ હશે પણ એના મનના ઊંડાણમાં આ ભાવ પડેલો જ હોય છે. આ સંસ્કારને કારણે ભારતમાં જન્મેલો માનવી દૂનિયામાં જ્યાં જ્યાં જઈને જીવે છે એ એક વતન ઝંખનામાં જીવે છે. આપણામાં જે વતનરાગ પડ્યો છે એ ક્યાંથી આવે છે? એ પેલી માટીમાંથી આવે છે. આ ભૂમિને દેવભૂમિ કે પુણ્યભૂમિ અમસ્તી કહેવામાં નથી આવી. આપણી સંસ્કૃતિમાં આટલી બધી વિવિધતાઓ છે, અને છતાં આટલાં વર્ષોથી આપણે સંપી-જંપીને રહીએ છીએ. અવિશ્વાસની કટોકટી ઊભી થાય, રમખાણો થાય, પણ ફરી પાછા આપણે એક થઈને જીવીએ છીએ. બીજી બાજુ સાતત્ય કેટલું બધું છે. દૂનિયાની ભલભલી સંસ્કૃતિઓ અસ્ત પામી ગઈ, અને એમની મધ્યકાલીન અને અર્વાચીન સંસ્કૃતિઓ વચ્ચે મોટી ખાઈઓ છે. પણ આપણે ત્યાં એવું બન્યું નથી.તો આ બધું આપણને એક વ્યક્તિત્વ આપે છે અને એ આપણા વાણી-વર્તનમાં અનાયાસ પ્રગટ થાય છે. હું ચોક્કસપણે માનું છું કે રાષ્ટ્રનું ચારિત્ર્ય હમેશાં પ્રજાના ચારિત્ર્યથી જ નિર્માણ પામે છે. અને પ્રજાનું ચારિત્ર્ય ઘડવું હોય તો એને માટેનું એકમાત્ર સાધન શિક્ષણ છે. ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં મને ૪૫ વર્ષ થયાં, હું ૨૧ વર્ષે જોડાયો હતો,અને ૬૫ વર્ષે હું નિવૃત્ત થયો.એ દરમ્યાન મારી એક દૃઢ માન્યતા બંધાઈ કે માણસનું ધડથી માથા સુધી રૂપાંતર કરી શકે એવી કોઈ જાદુઈ લાકડી આપણી પાસે હોય, એવું કોઈ રસાયણ હોય તો એ કેવળ શિક્ષણ છે. એટલે જો તમારે સંગીન રાષ્ટ્ર બનાવવું હોય તો શિક્ષણ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવું પડે.

પ્રશ્ન: સંસ્કૃતિના આપણા પરસેપ્શનનો જીવાતા જીવન સાથે સંબંધ શું? બહુ સારો પ્રશ્ન છે તમારો. અત્યારે સ્થિતિ એ છે કે લોકોને સભ્યતા અને સંસ્કૃતિના વિભાવનનો જ ખ્યાલ નથી, અને એનું કારણ એ છે કે આપણે અભ્યાસક્રમમાં એને ક્યાંય સ્થાન નથી આપ્યું. દાખલા તરીકે, નીતિ અને ધર્મ વચ્ચનો તફાવત શું? સંપ્રદાય, ધર્મ અને અધ્યાત્મ વચ્ચેનો શું તફાવત? આરાધના, સાધના, ઉપાસના અને ભક્તિ વચ્ચેનો શું તફાવત? આવું આપણે ક્યાંય શીખવતા જ નથી. આપણે આઈ.ક્યુની ઈ.ક્યુ ની, એસ.ક્યુ ની વાતો કરીએ છીએ પણ આપણે સ્પિરિચ્યુઅલ ક્વોશંટની વાતો કરતા નથી. તમે જુઓ કે તમારે વ્યક્તિનો સર્વાંગી વિકાસ કરવો હોય તો ફિઝિકલ આંકથી માંડીને તમારે ઈમોશનલ, આઈડીયોલોજીકલ અને એની સાથે સોશિયલ અને સ્પિરિચ્યુઅલ એ બધા આંક સમૃદ્ધ કરવા પડે. એટલા માટે આપણી પાસે કેવળ શિક્ષણ શબ્દ નહોતો, આપણી પાસે કેળવણી શબ્દ પણ હતો. ભણતર, ગણતર અને ચણતર એ બધા જ શબ્દો આપણી પાસે હતા એ અર્થપૂર્ણ હતા. શરીરને, મનને અને વિચારને કેળવવા અને સર્વાંગી વિકાસ થાય એ એમાં અભિપ્રેત છે. આજે દેશાભિમાન નથી, રાષ્ટ્ર માટેનો આદર નથી એની પાછળ પણ આ જ કારણ છે. નવી શિક્ષણ નીતિ આવી ત્યારે મેં વારેવારે લખાપટ્ટી કરીને કહ્યું, અનેક સભાઓમાં જઈને મેં આ વાત કરી. આપણે બધા પ્રોફેશનલ કોર્સ દાખલ કર્યા પણ આપણે માણસો નથી બનાવ્યા, યંત્રો બનાવ્યાં છે. આજે હવે જ્યારે અમેરિકાની સરકારે અને યુ.કેની સરકારોએ કહ્યું કે હ્યુમેનીટિઝ તો જોઈશે ત્યારે આપણને સમજાયું કે માનવવિદ્યાઓ તો જોઈશે, એટલે આજે હવે એકાદ પેપર અભ્યાસક્રમમાં દાખલ કરવાના પ્રયત્ન થાય છે. એટલે બહારથી કોઈ આપણને કહે ત્યારે આપણને ભાન પડે છે. જીવાતા જીવન અને સંસ્કૃતિ વચ્ચેની જે ખાઈ આપણને દેખાય છે એનું કારણ આ છે. આપણી પોતાની સંસ્કૃતિ, એનો વૈભવ વારસો એ બધા વિશે આપણને ખ્યાલ જ નથી. અત્યંત શ્રીમંત અને ધીમંત એવા તેજસ્વી આપણા પૂર્વજોના નાલાયક અને નપાવટ સંતાનો આપણે આપણી જાતને સાબિત ન કરવા હોય તો આપણે આ વસ્તુ સમજવી પડશે. આ શબ્દો કોઈને આકરા કે તોછડા લાગે, છતાં હું એ વાપરું છું. આપણા વડવાઓ પાસે ભલે ડિગ્રીઓ નહોતી, પણ સંસ્કારથી એ લોકો બહુ સંપન્ન હતા, એમની પાસે જીવનની સમજ કેટલી બધી હતી. આપણા શાસ્ત્રોમાં એક એક જે સુવાક્યો છે એ કેટલાં અર્થસભર છે. એ વારસો ગળથૂથીમાં હશે તો આપણો કોઈપણ પ્રજાજન દુનિયાના કોઇ પણ છેડે હશે તો એ પાછો નહીં પડે, એનામાં એક પ્રકારની ખુમારી અને ખુદ્દારી હશે. પણ હવે એક જાગૃતિનો સમય આવી રહ્યો છે, સંસ્કૃતિક પુનર્જાગૃતિનો સમય હવે શરૂ થઇ રહ્યો છે, લોકોને એક વસ્તુ સમજાતી થઈ છે કે આપણે ક્યાંક કંઈક ચૂકી ગયાં છીએ. આઝાદીનાં પચાસ વર્ષની ઉજવણી આપણે કરી રહ્યાં હતાં ત્યારે કોંગ્રેસની સરકાર હતી અને પી. કે. સંગમા આપણી સંસદના અધ્યક્ષ હતા. ત્યારે મેં એમને એક પત્ર લખીને કહ્યું હતું કે આપણે આ ઉજવણી તો કરીશું પણ સરકારની બધી જ નીતિઓનો પુનર્વિચાર કરો. આપણી પાસે એક રોડ-મેપ હોવો જોઈએ કે આઝાદીનાં પચાસ વર્ષમાં આપણે કેટલી પ્રગતિ કરી અને આપણું ધ્યેય શું છે. પી. કે. સંગમાને મારું એ સૂચન એટલું બધું ગમી ગયું કે એમણે એનો અમલ કર્યો અને દુનિયાભરના લોકોને એમણે નિમંત્ર્યા અને એક સુવેનિયર બહાર પાડવા માટે એમણે લેખો મંગાવ્યા. એ સમૃદ્ધ સુવેનિયર ભારતની સંસદે બહાર પાડ્યું અને એમાં એટલો ડેટા છે કે એમાંથી પચીસ-ત્રીસ પીએચડીની થીસીસ કરી શકાય. આ સુવેનિયર જ્યારે સંસદમાં રજૂ થયું ત્યારે હું ત્યાં હાજર હતો અને મને કહેતાં શરમ આવે છે કે કેટલાક અપવાદોને બાદ કરતાં મોટાભાગના સાંસદો પોતાની નકલ ત્યાં મેજ ઉપર જ છોડીને જતા રહ્યા હતા. હવે ફરીથી જ્યારે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવીએ છીએ ત્યારે આ પાયાની જરૂરિયાત છે. આપણી શિક્ષણ નીતિ, આપણી આર્થિક નીતિ, આપણી વિદેશનીતિ, આપણી અન્નનીતિ, આપણી તમામ નીતિઓનો પુનર્વિચાર કરવો જરૂરી છે. સમાજમાં પ્રવર્તતી દરેક પ્રકારની અસમાનતા એ આપણો દોષ છે, આપણી નિષ્ફળતા છે. પણ હવે ધીમેધીમે સજાગતા આવી રહી છે. હવે આપણે વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતા શીખવવાની વાત કરીએ છે. પણ જૂના રજવાડાઓ કેટલાં દીર્ઘદ્રષ્ટા હતા. ગોંડલના મહારાજા જે વિદ્યાર્થી ગીતા મોઢે કરે એને આજીવન શિક્ષણ ફીમાંથી મુકાતી આપતા હતા. ગોંડલ સ્ટેટે એ સમયે ઉત્તમ ગણાતી પુનાની યુનિવર્સિટીઓ અને કૉલેજોમાં ડોનેશન આપીને તેજસ્વિ વિદ્યાર્થીઓ માટે બેઠકો રાખી હતી, અને મને ખુદને એનો લાભ મળેલો, કારણકે હું ગોંડલમાં જન્મેલો. સયાજીરાવ ગાયકવાડે કેવી સુંદર લાયબ્રેરી બનારસ હિંદુ યુનિવર્સીટીને બનાવી આપી હતી. તો આપણા રાજવીઓ આવા દીર્ઘદ્રષ્ટાઓ હતા અને પ્રજાવત્સલ થઈને એ લોકો કામો કરતા હતા.

પ્રશ્ન: ભારતના ઇતિહાસની વાત કરીએ છીએ તો, આપણા દેશ પર અનેક વિદેશી આક્રમણો થયાં, છતાં આપણી સંસ્કૃતિ અકબંધ રહી છે. આપણા કેટલાક પ્રશ્નો તો છે, છતાં આત્યંતિક વિચારધારા અથવા જેને ફંડામેન્ટાલિઝમ કહીએ એ આપણે ત્યાં બહુ વિકસ્યું નથી. એનું કારણ આપને શું લાગે છે? આપણું દર્શન? આપણાં શાસ્ત્રો? આજે દુનિયાના કેટલા બધા દેશો છે જ્યાં સત્તા દ્વારા ધર્મનું સ્થાપન થતું આપણે જોઈ રહ્યા છીએ. મેં પહેલાં કહ્યું એમ આ આત્યંતિક વિચાર આપણામાં નથી આવ્યો એનું મુખ્ય કારણ આપણને ગળથૂથીમાંથી મળેલો વારસો છે. જીવનનો અંતિમ ઉદ્દેશ આપણા પૂર્વજોએ જે રીતે નક્કી કરીને આપણને આપ્યો છે એ એટલું બધું પરફેક્ટ વિજ્ઞાન હતું. દાખલા તરીકે ચાર વર્ણની વ્યવસ્થા, ચાર પુરુષાર્થની વ્યવસ્થા, ચાર આશ્રમની વ્યવસ્થા. આ બધું શા માટે આપણા પૂર્વજોએ વિચાર્યું હશે? તમે જુઓ કે આખી દૂનિયામાં એકમાત્ર ભારતીય પ્રજા એવી છે જેણે જીવનનું વ્યાકરણ પોતાના વંશ-વારસ માટે તૈયાર કરીને આપ્યું છે. વર્ણવ્યવસ્થાનો ખોટો અર્થ આપણે કરીને બેઠાં, પણ ખરેખર એવો ખ્યાલ હતો જ નહીં. આશ્રમ વ્યવસ્થામાં પણ આખો વૈજ્ઞાનિક અભિગમ છે. ભગવદ્ગીતાનો આજે આટલો મહિમા છે એનું કારણ એ છે કે એમાં જીવનનું વિજ્ઞાન છે. ભગવદગીતાનાં હજારો અર્થઘટનો થયાં છે. પણ સાચી વાત એ છે કે એ પુરુષાર્થ પ્રબોધિની છે. જે માણસ નિરુત્સાહી થઈ ગયો છે, ભાંગી પડ્યો છે એને પોતાના જીવનમાં સ્વ-ભાવ ઓળખી, સ્વધર્મ અને સ્વકર્મ વડે કયો પુરુષાર્થ કરવાનો એ ગીતા સમજાવે છે. હવે પુરુષાર્થ એટલે માત્ર પ્રયત્નની વાત નથી, આ એનાથી મોટી વાત છે. તમારા પોતાના જીવનનું અંતિમ ધ્યેય શું છે અને એ ધ્યેય પ્રાપ્ત કરવા માટે તમે શું શું કરો છો. નર્મદ કહેતો હતો એમ એક ઝનૂન અને એક જુસ્સો તમારી પાસે હોવો જોઈએ. આ આખી વાત આપણી પ્રજાને જાણે કે અજાણે ગળથૂથીમાં મળી છે. આ બધાને કારણે આપણે આક્રમક કે ઉગ્રવાદી નથી બનતા. હિંદુ, જૈન અને બૌદ્ધ એ ત્રણે ધર્મોએ જે ચાર મુખ્ય ભાવનાઓ પ્રબોધિ છે તે મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા. યોગદર્શનમાં પણ આ જ વાત આવે છે. અને ઉપેક્ષા એટલે કોઈને નિગ્લેક્ટ કરવાની વાત નથી. જીવનમાં ઘણી આડખીલીઓ આવવાની છે એ વખતે જીવનમાં એના પ્રત્યે ઉપેક્ષાભાવ સેવો, ઉદાસીન થઇ જાવ, એવો એનો અર્થ છે. યોગની પણ જુદીજુદી વ્ય્ખ્યાઓ છે- ચિત્તવૃત્તિ નિરોધ યોગ, કર્મસુ કૌશલમ યોગ, અનેપાયાની વ્યાખ્યા તે ‘समत्वं योग उच्यते’.. આ બધી વાતો આપણા લોહીમાં પડેલી છે. આપણે ત્યાં કુટુંબપ્રથા અને લગ્નપ્રથા ભલે ઘસાતી જાય છે, પણ હજુ ચાલે છે.આ બધાને કારણે આપણે ઉગ્રવાદી પ્રજા નથી બન્યાં.

પ્રશ્ન: આપણે જેમ ભારતીયતાની વ્યાખ્યા કરી એમ ભારતીય સાહિત્યની વ્યાખ્યા કરવા પ્રયત્ન કરીએ તો ઇન્ડિયન લિટરેચર કોને કહીશું? આજે અંગ્રેજી વિશ્વભાષા બની છે એની સાથે અનેક ભારતીય મૂળના લેખકો-સર્જકો અંગ્રેજીમાં લખતા થયા છે અને ડાયસ્પોરા સાહિત્ય વિકસી રહ્યું છે. તો સાહિત્યની ભારતીયતા વિશે કંઈક વાત કરો. બહુ સારો મુદ્દો છે, એના વિશે મેં એક લેખ કર્યો છે અને ભારતની નવેક ભાષાઓમાં એનો અનુવાદ થયો છે. છેક સુનીતિકુમાર ચેટરજી અને સર્વપલ્લી રાધાકૃષ્ણનથી માંડીને આપણા ઉમાશંકર જોશી સુધીના દેશના નામાંકિતો, એમાં આપણા ઇન્દ્રનાથ ચૌધરી, શંકરદેવ, કે.એમ જોર્જ, પૈરપ્પા, શ્રી અરવિંદ પણ આવી જાય છે- એવા પુષ્કળ લોકોએ એના વિશે વિચાર કર્યો છે. કેટલાક લોકો સાવ સામા છેડેથી જુએ છે કે હવે ગ્લોબલાઈઝેશનના જમાનામાં તમે ભારતીય સાહિત્યની વાત કરો એ કેટલે અંશે વ્યાજબી છે? તમે વૈશ્વીકરણના જમાનામાં જીવો છો અને આવી સંકુચિતતામાં રાચો છો? કોઈ એને રાજકીય મુદ્દા તરીકે જુએ છે. પણ સાચી વાત એ છે કે આવી કોઈ શંકામાં ઘેરાવાની કે કોઈ વિવાદોમાં ઉતરવાની જરૂર નથી. જો જર્મન સાહિત્ય, ફ્રેંચ સાહિત્ય, ઇટાલિયન સાહિત્ય વેગેરેને આપણે સ્વીકારી શકતા હોઈએ તો ભારતીયસાહિત્યના વિભાવનને આપણે કેમ ન સ્વીકારી શકીએ? આપણા દેશમાં કેટલાય પ્રકારનું સંગીત છે, એ જ રીતે કેટલીય નૃત્યશૈલીઓ છે, કેટલાય પ્રકારની ફિલ્મો છે, એ બધાને આપણે ભારતીય તરીકે સ્વીકારી શકીએ છીએ તો પછી ભારતની વિવિધ ભાષાઓમાં રચાતા સાહિત્યને આપણે ભારતીય તરીકે કેમ ન સ્વીકારી શકીએ? કે.એમ. જોર્જે એક રૂપક વાપરીને વાત કરેલી અને કહેલું કે ગુલાબી ગુલાબનો છોડ એ અસલી ગુલાબ છે, પણ તમે કલમ કરીને એની પ્રત્યેક ડાળીમાં જુદાજુદા રંગના ગુલાબનું રોપણ કરો તો મૂળ છોડ ગુલાબી રંગનાં ફૂલનો હોવા છતાં એમાં જુદાજુદા રંગના ફૂલો થાય છે ને, તેમ ગમે તે ભારતીય ભાષામાં લખાતું સાહિત્ય અંતે તો ભારતીય સાહિત્ય છે. આપણે સમજવાની વાત એ છે કે કોઈ પણ રાષ્ટ્રનું સાહિત્ય મુખ્યત્ત્વે ત્રણ બોધ કરાવે. એક વાસ્તવબોધ, બીજો સૌન્દર્ય બોધ અને ત્રીજો મૂલ્ય બોધ. ભારતીય સાહિત્યની આગવી ઓળખ આ ત્રણ બોધમાં છે. ભારતીય સાહિત્યને તમારે ઓળખવું હોય તો એ બે રીતે ઓળખાય. એક એમાં ભારતીયતાનું કેટલું નિરૂપણ છે, જેને વાંચીને પ્રત્યેક ભારતીયને એમ થાય કે એમાં મારી સંવેદના અને મારી સમસ્યાનું નિરૂપણ છે. ભારતીય પ્રજાને થાય એ ઉપરાંત બીજી પ્રજાઓને પણ થાય કે આ ટીપીકલ ઇન્ડિયન સેન્સીટીવીટી છે. તો એને તમે ભારતીય સાહિત્ય કહી શકો. બીજી બાજુ દુનિયાભરનું સાહિત્ય વાસ્તવિકતાનું નિરૂપણ કરે છે. પણ ભારતીય સાહિત્યના વાસ્તવિકતાના અભિગ્રહણમાં જે દૃષ્ટિકોણ છે તે આખી દુનિયાની સાહિત્યની કૃતિઓ કરતાં જુદો છે. એવું જ સૌન્દર્ય બોધનું છે. ભારતીય પ્રજાની સૌન્દર્ય દૃષ્ટિની બે વિશેષતાઓ છે. આપણી પાસે સૌન્દર્ય માટે બે સંજ્ઞાઓ છે- રમણીયતા અને લાવણ્ય. એને કારણે તમે જોશો કે ભારતીય પ્રજામાં જેટલાં ચિત્રો કે શિલ્પો છે એ વસ્ત્રાવૃત છે અને નેત્રો અર્ધનિમિલિત નેત્રો છે. આ આપણો સૌન્દર્ય વિશેનો ખ્યાલ સૂચવે છે. યુરોપનાં ચિત્રો કે શિલ્પો જોજો, એમાં ઓછામાં ઓછાં વસ્ત્રો છે. ત્રીજી વાત- ભારતીય સાહિત્યમાં પ્રજાની સંવેદનાઓ અને સમસ્યાઓનું જે નિરૂપણ છે એની ત્રણ લાક્ષણિકતાઓ છે. પહેલી વાત એ છે કે આપણો પ્રણયભાવ, ભક્તિભાવ અને મોક્ષનો ભાવ આ ત્રણ આખી દૂનિયાની પ્રજામાં વિશિષ્ટ છે. સ્ત્રી પ્રત્યેનો આપણો અભિગમ પણ વિશિષ્ટ છે. સાહિત્યમાં માતાનું નિરૂપણ તમે લો.न मातुः परदैवतम्.. ભારતીય સાહિત્યમાં સ્ત્રીની વિવિધ ભૂમિકાઓનાં ચિત્રણ તમે લો તો, ‘નરનારીનાં જોડલાં એની ઉરદોરી એક’, એવું ચિત્રણ પણ થયું છે આપણે ત્યાં. પણ ભારતીય પરંપરાએ કામને વામ ગણ્યો છે અને એની જગ્યાએ પ્રેમનો મહિમા સ્થાપ્યો છે. અને આપણે ત્યાં રાધા-કૃષ્ણ, શિવ-પાર્વતી, સત્યવાન -સાવિત્રી એવાં એનાં પ્રતીકો બનાવ્યાં છે. હવે તમે જોશો કે ‘ઠુમક ચલત રામચંદ્ર’,‘મા મને ચાંદલિયો વાલો’, એટલેકે માના ખોળામાં બેસીને લાડ કરતું બાળક એવાં પદ શું કામ આવે છે? તો માનો મહિમા જે રીતે ભારતીય સાહિત્યમાં છે, ભાભી કે બહેનનો અનર્ગળ પ્રેમ જે ભારતીય સાહિત્યમાં છે એ તમને વિશ્વના અન્ય સાહિત્યમાં ભાગ્યે જ જોવા મળશે. બે જ ઉદાહરણ લો-ટાગોરની નવલકથા ‘ગોરા’ અને‘વિપ્રદાસ’ શરદબાબુની નવલકથા. બીજું, ભક્તિની સંવેદના આપણી એટલી બધી પ્રબળ છે, ભારતનો કોઈપણ ખૂણો એવો નથી જે સંત-ભક્ત-કવિથી વંચિત હોય. વિદેશી આક્રમણનો સમય હતો ત્યારે એ બધાએ હરતી ફરતી યુનિવર્સિટીનું કામ કર્યું. એક તુલસીદાસ કે સુરદાસ, કબીર-રહીમ, દાદુ દયાળ, નાનક, લલ્લેશ્વરી, મીરાં કે નરસિંહ ન થયા હોય તો શું થાત આપણી પ્રજાનું? અને ત્રીજું આપણી જે મોક્ષની સાધના છે, જીવનનું અંતિમ ધ્યેય એ ખરેખર તો આપણા આત્મા સાથે આપણું સંધાન કરવાનું છે, આપણી વૃત્તિઓમાંથી નિવૃત્ત થવાનું છે. એ મોક્ષ માટેની તાલાવેલી આપણા સાહિત્યમાં પ્રગટ થઈ છે એ દૂનિયાના કોઈપણ સાહિત્યમાં તમને નહીં મળે. એની સાથે આપણી નરદમ સમસ્યાઓનું ચિત્રણ પણ આપણા સાહિત્યમાં છે. જીવનની સમસ્યાઓને નિહાળવાનો અને એનો પ્રતિભાવ આપવાનો ભારતીય દૃષ્ટિકોણ અનન્ય છે. એટલે સાહિત્ય એ દર્પણ પણ છે અને એક દીપ પણ છે. આ બેવડું કામ ભારતીય સાહિત્યએ અદ્‌ભુત રીતે બજાવ્યું છે.

પ્રશ્ન:સાહિત્યની વાત કરીએ તો આપણે ત્યાં વિદ્વત્તા વિસારે પડી રહી છે. વાંચન, અધ્યયન, એ આપણી નવી પેઢીના રસના વિષયો નથી. એવા સમયમાં સર્જનાત્મકતા-મૌલિકતાની વ્યાખ્યા શું કરી શકાય? એનું મુખ્ય કારણ એ મીડિયાનો ઉપદ્રવ છે. તમે જુઓ કે બાળક રડે છે તો એને છાનું રાખવા માતા હાલરડું ગાતી નથી, એક વાર આ ખબર પડી કે એલેક્સા આ ગીત વગાડે છે તો બાળક છાનું રહી જાય છે. સુવડાવતી મા હાલરડાં-જોડકણાં કરતી હતી એમાં સર્જનાત્મકતા-મૌલિકતા હતી. એના હૈયામાંથી ઉઠતો જે ભાવ હતો, જે સંવેદના હતી તે એ પ્રગટ કરતી હતી. એ તો આખું લોકસાહિત્ય છે. ‘નૈયા ઝૂકાવી મેં તો જોજે ડૂબી જાય ના, ઝાંખો ઝાંખો દીવો મારો...’ કોઈકે એક પંક્તિ વહેતી મૂકી પછી જેને જે ઠીક લાગ્યું તે ઉમેરતા ગયા. એ એક પ્રકારની સ્વાભાવિક-નૈસર્ગિક સર્જનાત્મકતા હતી, એની ઉપર કુઠરાઘાત થઈ ગયો. એટલે શિક્ષણે જે કામ કરવાનું હતું એ નથી કર્યું, વ્યક્તિમાં રહેલી સર્ગશક્તિઅથવા પ્રતિભાશક્તિને એણે કુંઠિત કરી નાખી છે. આજના શિક્ષકને કે વિદ્યાર્થીને પોતાની અંદર કેટલી સર્જનશક્તિ પડેલી છે એની ખબર જ નથી. બધું કટિંગ-પેસ્ટીન્ગથી ચાલે છે. પીએચડીની થીસિસ પણ એ જ રીતે થાય છે, અહીંથી લીધું અને અહીં જોડ્યું. પણ એમાં એક પરિસ્થિતિ કાયમ રહેવાની. કલ્પનાશીલતા ક્યારેય મરે નહીં, ક્યારેક જેમ ધરતી ફાડીને કુંપળ ફૂટે એમ એ નીકળે. આખો માહોલ છીછરાપણાનો છે. પણ એમાં પણ ક્યાંક અસલ મૌલિક પ્રગટે છે. વિનોદ જોશીનો દાખલો લો, એમની કવિતાઓ કેમ આટલી બધી બળકટ લાગે છે? એ લોકગીતોમાંથી કલ્પનો ઉપાડે છે, એ સંવેદનો પણ એમાંથી આવે છે. સોપારીના કટકાની વાત હોય કે બાઈજી સાથેનો સંવાદ હોય. કે પારુલ ખખ્ખરને જુઓ. એટલે હૃદયનો પાતાળકૂવો ફૂટે અને એની અંદરથી સરવાણીઓ નીકળવા માંડે ત્યારે એ કેટલી તાકાત સાથે નીકળે છે. આપણા અનિલ જોશી, રમેશ પારેખ, માધવ રામાનુજ વગેરે બધા આ પ્રકારનાં ઉદાહરણો છે. અમરેલીના છોકરા પ્રણવે હજુ તો કોલેજનું પહેલું પગથિયું હશે ત્યાં એણે એક સરસ કાવ્ય રચી દીધું, ‘હરિ મારી આંખ્યુંમાં કરજો વિસામો, હું દ્વારે ઊભો બની સુદામો’. હવે તમે જુઓ કે આ ભાવ કેટલી સહજતાથી આવે છે. આવા ઉન્મેષો જ્યારે આવે ત્યારે આપણને સમજાય છે કે સર્જનાત્મકતા એ ઢાંકી ઢંકાય એમ નથી. એટલે આ વાતાવરણમાં પણ હું નિરુત્સાહી નથી.

પ્રશ્ન: ભારતીય સમાજ સામે આજે કયા મોટા પડકારો છે? શું આજે આપણા દેશને અને દુનિયાને ગાંધી જેવા યુગપુરુષની જરૂર છે? આ સવાલ કોઈના પણ મનમાં ઊઠે એ વાજબી છે.આ સંસ્કૃતિની વિશેષતા જ એ છે કે યુગાવકાશે આપોઆપ એને યુગપુરુષની દેન મળતી રહી છે. પછી તમે એને રૂપ ગમે તે આપો, એને અવતાર કહો કે ન કહો. ગાંધીજીએ તો અવતારની વ્યાખ્યા આપી છે. એમણે કહ્યું કે એ એક એવો વ્યક્તિવિશેષ હોય જેને એના પછીની પેઢી યુગપ્રવર્તક તરીકે જુએ. તો કેટલા બધા અવતારી લોકો આપણી વચ્ચે આવતા રહ્યા. આપણા સમાજમાં આજે સંબંધો મરતા જાય છે, વહેવારો મરતા જાય છે, ભાષા ઘસાતી જાય છે, પ્રેમ ઘસાતો જાય છે. આપણાં આચારો, આદર્શો, મૂલ્યો, પરંપરાઓ, આ બધાંમાં આપણે અવનતિ જોઈ રહ્યા છીએ. સમાજ બિલકુલ સ્વાર્થપરત, અંગત, નિજી, બૌદ્ધિક અને યાંત્રિક, સુખાકારીનું જીવન જીવતો થઈ ગયો છે. પણ સમાજમાં એક તરફ ઘસારો ચાલે છે તેમ બીજી બાજુ નવનિર્માણ પણ ચાલી રહ્યું છે. એટલે સમાજ જયારે પતનના માર્ગે જતો લાગે ત્યારે એની અંદરથી જ કેટલાક લોકો એવા જાગે છે જેમને એમ થાય કે આ અજુગતું થઈ રહ્યું છે. એવી કેટલી બધી સેવાભાવી સંસ્થાઓ છે જે લોકો માનવતાને વાવી રહ્યા છે, જીવનને ઉગાડીને એની માવજત કરી રહ્યા છે. એ જ સાચી ધાર્મિકતા અને આધ્યાત્મિકતા છે. માણસમાં રહેલી દૈવી સંપત્તિ ક્યારેય નાશ નથી પામતી. આપણી પાસે શંકરાચાર્ય જેવા બૌદ્ધિક, ગાંધીજી જેવા અધ્યાત્મવીર, વિવેકાનંદ જેવા પ્રાણપુરુષ, રમણ મહર્ષિ, શ્રી અરવિંદ, રામકૃષ્ણ પરમહંસ સમયે સમયે પ્રગટતા રહ્યા. સાહિત્યકારોએ પણ યુગપ્રવર્તકનો આવો જ ધર્મ નિભાવ્યો છે-ટાગોર રૂપે, કે શરદબાબુ રૂપે, કે ગોવાર્ધનરામ રૂપે, કે વિશ્વનાથ સત્યનારાયણ રૂપે. આ બાબતમાં પણ હું નિરાશાવાદી નથી.

પ્રશ્ન: આપણા આ સંવાદનું સમાપન કરીએ ત્યારે- આપણા જીવનને આપણે બદલાતું જોઈ રહ્યા છીએ, તો આવા પરિવર્તનના સમયમાં આપણે જીવનને શું આપી શકીએ? તમે મને બહુ જ સુંદર મોકો આપ્યો. સૌથી મહત્ત્વની વાત એ કે લોકોને એ ખબર હોવી જોઈએ કે પોતે શું આપી શકે એમ છે. અડધી દૂનિયા પર જેના શબ્દોની અસર પડતી હતી, જેની સત્તા ચાલતી હતી એવા બિલ ક્લીન્ટન પ્રમુખપદેથી નિવૃત્ત થયા કે તરત એમણે પહેલાં વિચાર કર્યો કે ગઈકાલ સુધી મારી પાસે આટલી સત્તા હતી, હવે મારે ખરેખર કશુંક કરવું છે, પણ મારી પાસે શું છે? હું શું કરી શકું? એ સમજવા માટે એમણે આખી દૂનિયાનો પ્રવાસ કર્યો અને એના પરથી એમણે પુસ્તક લખ્યું, ‘ધ ગિવીંગ’. એમણે બહુ સરસ રીતે વાત સમજાવી કે આપણી પાસે સત્તા અથવા સંપત્તિ ન હોય તો કંઈ નહીં, આપણી પાસે પ્રેમ, સમય, હિંમત, માનવતાતો છે ને. એ કોઈકને આપી શકીએ. કોઈને ટેકો, કોઈને ખભો, કોઈને આશ્વાસન, કોઈને માટે ઘસાઇ છૂટીએ, કોઈને હાથ આપીએ. ઘણું બધું થઇ શકે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે હું ખાલી નથી એવું દરેકને ભાન થવું. એટલે જેને કરવું છે એ ગમે તે કરી શકે છે અને એ કરવું એ નાગરિક તરીકેની આપણી જવાબદારી અને ફરજ છે. એટલે કોઈને નડીએ નહીં, આપણા પૂર્વજોએ એક નાનકડા વાક્યમાં જીવનનો આ સંદેશ આપી દીધો છે. ‘સ્વમાં વાસ, આઘો ખસ, એટલું બસ.’ તારી જાતમાં વસતાં શીખ, પોતાનામાં આત્મશ્રદ્ધા રાખતાં શીખ. સમાજની બુરાઈઓથી તું આઘો ખસ. આટલું કરીશ તોય ઘણું છે. આવું કંઈક થાય તો મનુષ્યને સાર્થકતાનો અનુભવ થાય.