સંવાદસંપદા/રાજેશ વ્યાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૪. રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ સાથે વાર્તાલાપ

આરાધના ભટ્ટ

Rajesh Vyas Miskeen.jpg





વાર્તાલાપની શ્રાવ્ય કડી - ૧





વાર્તાલાપની શ્રાવ્ય કડી - ૨



દેશના સાહિત્ય જગત સાંપ્રત ગુજરાતી ગઝલવિશ્વમાં એક અગ્રેસર અને આદરપાત્ર નામ તે રાજેશ વ્યાસ ‘મિસ્કીન’. કોઈ સર્જકની સર્જકતા દ્વારા વર્ષોથી એમનો પરિચય હોય પછી જ્યારે એ સર્જકને રૂબરૂ મળવાનું થાય અથવા એમની સાથે દીર્ઘ વાર્તાલાપ કરવાનું બને ત્યારે સર્જક અને એમનાં સર્જનો અલગ માર્ગે ચાલતાં હોવાનું ક્યારેક દેખાય. આવું થાય ત્યારે ભાવક ચિત્ત મૂંઝવણ અનુભવે. રાજેશભાઈ સાથેનો આ સંવાદ, એઓ એમની રચનાઓને નખશીખ જીવે છે એની પ્રતીતિ કરાવનાર નીવડ્યો. આવી પ્રતીતિ ભાવક માટે સર્વથા પરિતોષની અનુભૂતિ લઈને આવે અને એ પરિતોષ ભાવકની શ્રદ્ધાની પુષ્ટિ કરાવનાર નીવડે છે.

૧૬ ઑક્ટોબર ૧૯૫૫ના દિવસે અમદાવાદમાં જન્મેલા રાજેશભાઈએ ગુજરાત યુનિવર્સીટીમાંથી એમ.એ અને ત્યાર બાદ ચંદ્રકાંત ટોપીવાળાનાં માર્ગદર્શન હેઠળ ‘ગુજરાતી ગઝલ, એના વિવિધ પરીપેક્ષ્યમાં’ વિષય પર શોધનિબંધ પ્રસ્તુત કરી પીએચડીની પદવી મેળવી. ગઝલસંગ્રહો ઉપરાંત એમણે ‘ગઝલ સંદર્ભ’, ‘ગઝલ વિમર્શ’, ‘ગઝલ પ્રવેશિકા’ જેવાં ગઝલ મિમાંસાનાં પુસ્તકો આપ્યાં. ઉપરાંત એમણે મરીઝ, શૂન્ય પાલનપુરી અને રમેશ પારેખની ગઝલોના સંપાદનો અને‘ગઝલવિશ્વ’ સામયિકનું સંપાદન પણ કર્યું.

નવનીત સમર્પણના વાચકો એમની ગઝલો ઉપરાંત ‘લલિતાસહસ્રનામ’ની મિમાંસાની એમની લેખમાળા દ્વારા એમનાથી સુપરિચિત છે. તાજેતરમાં એમને ૨૦૨૧ માટેના કવીશ્વર દલપતરામ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. તે પૂર્વે ૨૦૧૪માં એમને વલી ગુજરાતી સન્માન, ૨૦૦૫માં હરીન્દ્ર દવે પુરસ્કાર, ૨૦૧૦માં કુમાર ચંદ્રક, ઉપરાંત ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી અને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પુરસ્કારો એનાયત થયા. ‘લલિતાસહસ્રનામ’ પુસ્તક માટે એમને સંસ્કૃત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર સાંપડ્યો અને શ્રી અરવિંદ સુવર્ણચંદ્રકથી પણ એમને પુરસ્કૃત કરાયા. પ્રસ્તુત સંવાદ એમનો અંતરંગ પરિચય કરાવશે....

પ્રશ્ન: આપણી ચર્ચાની શરૂઆત આપના તખલ્લુસથી કરીએ. તખલ્લુસ કેમ? અને બીજો પ્રશ્ન-‘મિસ્કીન’ નો એક અર્થ ખુદના બંદા થાય છે, એમાં ફકીરીનો મર્મ સમાયેલો છે. શું આ જ આપના જીવન અને સર્જનનો સાર છે?

મેં જ્યારે ‘મિસ્કીન’ તખલ્લુસ રાખ્યું ત્યારે મને એટલી જ ખબર હતી કે મિસ્કીનનો અર્થ ગરીબ થાય. નવમા-દસમા ધોરણમાં ભણતા છોકરાએ આ તખલ્લુસ રાખેલું. પછી એક મિત્રએ કહ્યું કે તખલ્લુસ રાખવા જેવું છે એટલે મેં રાખ્યું. એની પાછળ કોઈ જ ગણિત કે એ નામ કોઈ રીતે ગમી ગયેલું એવું કશું જ નહોતું. બસ એટલું લાગેલું કે કવિતા છપાય તો આપણા નામ સાથે કોઈ તખલ્લુસ હોવું જોઈએ. પછી સહેજ આગળ જતાં પહેલી વાર એનો અર્થ મને કોઈએ સમજાવ્યો હોય તો એ મરીઝ સાહેબે. એમણે કહ્યું કે મસ્કન એટલે ખૂણો અને મિસ્કીન એટલે ખૂણામાં રહીને બંદગી કરનારો. એ ઉપરાંત અમદાવાદમાં કોઈક મસ્જીદ પાસેથી પસાર થયો હોઉં ને મારા કાને રમઝાન મહિનામાં શબ્દો સંભળાયા છે કે ‘અગર એક દિન રોજા ન રખા તો કિસી મિસ્કીન કો ખિલાયા જાય’. જલન માતરીએ મને એવું કહેલું કે મિસ્કીન નો અર્થ છે જેને એક દિવસ પછી હવે શું ખાવાનો છે એની ખબર નથી. કુરાનમાં એવો ઉલ્લેખ આવે છે કે મિસ્કીન એટલે એવું પ્રતિભાશાળી ઈશ્વર તરફ જતું વ્યક્તિત્વ જેને કોઈ મદદ કરવાની હિંમત પણ ન કરે, બહારથી એ એટલો પ્રતિભાશાળી અને શ્રીમંત લાગે અને એ અંદરથી બધું જ લૂંટાવીને બેઠેલો હોય. અને જેમજેમ હું અર્થો જાણતો ગયો એમ એમ મને લાગતું ગયું કે આ અર્થ તો હું જીવું છું. અને આમ એ શબ્દ મારા જીવન સાથે જોડાતો ગયો. મને લાગે છે આપણે જીવનમાં જે કઈ બોલીએ છીએ કે જે વિચારીએ છીએ એ આપણા ભવિષ્યનું સર્જક પણ બની જતું હોય છે. કદાચ મિસ્કીન એ મારું ભવિષ્ય હતું અને મેં એને પસંદ કરેલું છે.

પ્રશ્ન: મરીઝથી મિસ્કીન સુધીની ગઝલયાત્રાના મુખ્ય પડાવો આપ કયા ગણો છો? સમય સાથે ગઝલનાં સ્વરૂપો અને મિજાજ બદલાતાં રહ્યાં છે.

લગભગ પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલાં મારે ગઝલો વિષે વાત કરવાનું બન્યું હતું. ત્યારે હું વિચારવા લાગ્યો અને મને થયું કે ઓહો, ઘણા બધા શાયરોની ગઝલો મને કંઠસ્થ છે. બીજું મને એ ખ્યાલ પણ આવ્યો કે ઘણા ગઝલકારો ગઝલ લખતા હતા ખરા, પણ શક્ય છે કે એમને એ ગઝલો રજૂ કરતાં ન ફાવી હોય. કુદરતી રીતે મારામાં ગઝલના છંદ, ગઝલનું તત્ત્વ અને રજૂઆત લોહીમાં વણાયેલાં હોય એવું મને લાગે છે. અને એ રીતે હું ગઝલની રજૂઆત કરતો ગયો અને આશ્ચર્ય વચ્ચે એવું બન્યું કે હું ગઝલો બે –અઢી કલાક સુધી બોલી શક્યો. મારી દૃષ્ટિએ ગઝલના પાંચ સ્તબક કહી શકાય. પહેલો તબક્કો જો કહીએ તો અમૃત કેશવ નાયક, કલાપિ, કાન્ત, બાલાશંકર કંથારિયા, મણિલાલ નભુભાઈ દ્વિવેદી, ત્યાંથી ગઝલની શરૂઆત થઈ. એ પછી આવે છે ગઝલનું બીજું સ્તબક અમૃત ઘાયલ, બેફામ, સૈફ, શૂન્ય, મરીઝ, ઓજસ પાલનપુરી, ગની દહીંવાલા, જલન માતરી, નઝીર દેખૈયા, મકરંદ દવે, શેખાદમ આબુવાલા, મગનભાઈ પટેલ, મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’, રતિલાલ અનિલ, શયદા, શૌકીન, - આ કદાચ ગઝલનો સૂવર્ણકાળ છે. એટલા માટે સૂવર્ણકાળ છે કે ગઝલને લોકોને હૈયે અને હોઠે આ સમયગાળાના આ ગઝલકારોએ રમતી કરી છે. આજે પણ શ્રોતાઓ સુધી કોઈક વાત પહોંચાડવાની હોય ત્યારે આ જ શાયરોની ગઝલો, નઝમ, શેર, રૂબાઈનો આશરો લેવો પડે છે. ત્યાર પછીનો, જેને હું ત્રીજો અને બહુ મહત્ત્વનો તબક્કો કહું છું, તે એટલા માટે મહત્ત્વનો છે કે, એ સમયમાં ગઝલ ગુજરાતણ બને છે. કલાપિની ગઝલમાં અને એવા બધાની ગઝલોમાં ઉર્દુ-ફારસીની અસર જોવા મળે છે. પરંતુ જ્યાં શયદા આવે છે, મરીઝ અને ઘાયલ આવે છે એ બધાની ગઝલોમાં ગઝલ ગુજરાતણ બનતી દેખાય છે. આ ત્રીજો તબક્કો છે જેને હું આદીલ મન્સૂરી, ચિનુ મોદી, જવાહર બક્ષી, બરબાદ જૂનાગઢી, મનહર મોદી, રાજેન્દ્ર શુક્લ, રમેશ પારેખ, મનોજ ખંડેરિયા, ભગવતીકુમાર શર્મા, શ્યામ સાધુ, હરીન્દ્ર દવે ... આ બધાએ ગુજરાતણ બનેલી ગઝલને ગુજરાતી કવિતાના મુખ્ય પ્રવાહ સાથે જોડી આપી. હવે ગઝલ ગુજરાતી કાવ્ય તત્ત્વની તદ્દન નજીક છે. અમદાવાદના લોકોને કદાચ આશ્ચર્ય થશે કે અમદાવાદમાં વહેતી નદી સાબરમતિ ક્યારેક બરાબર માણેકચોકની વચ્ચેથી વહેતી હતી. પણ નદી ધીરે ધીરે વહેણ બદલતી જતી હોય છે. બસ એ જ રીતે ગુજરાતી ગઝલે પણ પોતાનું વહેણ બદલ્યું છે. એટલે જુઓ, મરીઝ સાહેબને સાંભળીએ, ઘાયલ સાહેબને વાંચીએ ત્યારે આપણા ચહેરા પર જે ‘વાહ’ અને ચહેરાના જે ભાવ આવે એ જ વસ્તુ જ્યારે રાજેન્દ્ર શુક્લ, રમેશ પારેખ કે મનોજ ખંડેરિયાનીગઝલો વાંચીએ ત્યારે આપણા ચહેરાની વાહ અને સ્પંદનો કદાચ જુદાં હોય છે, કદાચ વધારે ઊંડા હોય છે. જે સાકીની ગઝલ હતી તે પછી હૃદયની વાતમાં આવી ગઈ હતી તે ગઝલે હવે એની ક્ષિતિજોનો વિસ્તાર કર્યો છે. ચોથો જે તબક્કો છે એની શરૂઆત અદમ ટંકારવી, ઉર્વીશ વસાવડા, ઉદયન ઠક્કર, નયન દેસાઈ, નીતિન વડગામા, મનોહર ત્રિવેદી, મુકુલ ચોકસી, હેમેન શાહ, રઈશ મણિયાર, રશીદ મીર, રાજેશ વ્યાસ, લલિત ત્રિવેદી, શોભિત દેસાઈ, હર્ષ બ્રહ્મભટ્ટ, હર્ષદ ચંદારાણા, હર્ષદ ત્રિવેદી... આ બધાએ અગાઉની પેઢીના ગઝલકારોની ગઝલને લઈને એને વધારે સમૃદ્ધ કરી છે. આજે ગઝલ આપણને ગુજરાતી જ લાગે છે અને એમ કહું તો ચાલે કે આજની ગુજરાતી ગઝલ ઘણી બધી રીતે ઉર્દૂ કરતાં પણ મુઠ્ઠી ઉંચેરી છે.

પ્રશ્ન: આપ આપની પોતાની કેટલીક ગઝલોને અનુ-આધુનિક ગઝલો કહેશો? હા, પણ કોઈ લેબલ લગાડવા ખાતર નહીં. એક ગઝલ બહુ સહજ રીતે લખાઈ હતી –‘ખાંસે છે વૃદ્ધ ફાધર એ ઓરડો જુદો છે, બેસે છે ઘરના મેમ્બર એ ઓરડો જુદો છે.’ આ ગઝલ લખાઈ, છપાઈ ગઈ અને પછી ચંદ્રકાંત ટોપીવાળાએ જ્યારે વાત કરી કે આમાં ફાધર અને મેમ્બર એ બે કાફિયા અંગ્રેજી આવ્યા છે, ત્યારે આશ્ચર્ય થયું અને છ મહિના પછી મને પહેલી વાર ખ્યાલ આવ્યો કે હા આ બે કાફિયા અંગ્રેજીના આવ્યા છે અને છતાં એ હઝલ નથી બની. નહીં તો સામાન્ય રીતે અંગ્રેજી શબ્દો ગઝલની અંદર આવે ત્યારે એ હઝલ અથવા હાસ્યની વાત બનતી હોય છે. પણ હું આ સમયગાળાનો છું અને આ સમયગાળાની વ્યાખ્યા હજુ કોઈ થઈ નથી. અમારી પેઢીના ગઝલકારોને નવી પેઢીનો કોઈ વિવેચક પણ મળ્યો નથી એટલે એ વ્યાખ્યાઓમાં બંધાવા કરતાં હું એમ કહીશ કે આદિલ પછીના સમયગાળાના ગઝલકારો પૈકીનો હું એક ગઝલકાર છું.

પ્રશ્ન: આપની લેખનયાત્રા લગભગ ૧૯૭૦ના દાયકામાં શરુ થઈ. આપે કહ્યું છે કે તે વખતે એક ગઝલ સ્વયંભૂ પ્રગટેલી. આપના ઘરમાં સાહિત્યનુ વાતાવરણ નહોતું, તેમ છતાં આપ સર્જન તરફ વળ્યા તો આપને વાળનાર પરિબળો વિષે, આપના ઉછેર અને બાળપણ વિષે જાણવું છે. બાળપણમાં કવિતા સાથે કોઈ સંબંધ નહોતો, પણ કવિતા જેવા કોઈક લય સાથે સંબંધ હતો. બાળપણમાંકલાકો સુધી હું વહેતા પવનમાં કોઈક લય છે એવું અનુભવી શકતો, બેસીને હું સાંભળતો. બાળપણમાં નદીને જોતો તો મને લાગ્યા કરતુ કે નદીમાં પણ એક લય છે. એ વખતે સમજણ નહોતી, એટલે આ રીતે શબ્દોમાં મૂકી નહોતો શકતો, પણ દરિયાના ઉછળતાં મોજાં જોઉં તો મને એમ લાગે દરિયામાં એક ચોક્કસ લય છે, એક રિધમ છે, એક ચોક્કસ સ્પંદન છે. અને એ સમયે હું બહુ નાનો હતો ત્યારે મને સાધુ થઈ જવાનું મન હતું. મને થયા કરતુ હતું કે હું આ જગતને જુદી રીતે જોઉં, પણ આ અંદર શું ચાલતું હતું એ ખબર નહોતી. એવા સમયના ગાળાની અંદર મેં પહેલી આ પંક્તિઓ લખી હતી ‘હૃદયની વેદનાનો આંસુથી અણસાર આપું છું, કથા પૂરી નથી કહેવી નીતરતો સાર આપું છું’. અને આ પંક્તિને ગઝલ કહેવાય એવું ૧૯૭૨ની સાલમાં ઇડરની અંદર સાહિત્ય પરિષદનું જ્ઞાનસત્ર હતું એમાં ગની દહીંવાલા મળ્યા ત્યારે એમણે કહ્યું કે,‘અરે છોકરા, આ તો તેં ગઝલ લખી છે, આનો મત્લા તો સરસ થયો છે’.

પ્રશ્ન: અને ત્યાર પછી આપે છેક પીએચડી સુધી ગઝલનો બાકાયદા અભ્યાસ પણ કર્યો. ગઝલ એ પદ્યનું એક અત્યંત બારીક નકશીકામવાળું સ્વરૂપ છે. સહજ સ્ફૂરણાથી માંડીને કસી-ઘસીને પોલિશ કરાયેલા પદ્ય સ્વરૂપે ગઝલવાચક સમક્ષ પહોંચે છે,એ પ્રક્રિયા સમજાવશો? અહીં હું ઘણા બધાથી કદાચ જુદો પડતો લાગું, પણ મારી ગઝલોમાં તો ‘જો લિખા સો લિખા’ જેવું છે. જે એક વાર લખું છું એ લખી નાખું છું. પછી એને પોલિશ નથી કરતો, એને મઠારતો નથી. કારણ કે હું ચોક્કસ માનું છું કે એ પળે જે ધક્કો આવે છે અને જે લખાય છે એમાં પછી જે કંઈ કરીએ એ કૃતકતા છે. અને મેં એ અનુભવ્યું છે કે એ એક સમયે જે ધક્કો લાગ્યો, જે લખાયું, જે બોલાયું, જે લય આવ્યો એ એટલો બધો સાચકલો હોય છે કે ત્યાં બીજા કોઈ શબ્દો ગોઠવવા મને યોગ્ય નથી લાગ્યા. પ્રત્યેક ગઝલ એક ચોક્કસ મનોસ્થિતિમાંથી પ્રગટે છે. અને એ ગઝલ પોતે જ પોતાનો રદીફ, પોતાનો કાફિયા અને પોતાનો છંદ લઈને આવતી હોય છે, એટલે એને વહેવા દેવાની હોય છે. તો મોટા ભાગની મારી ગઝલો લખાઈ છે અને પછી હું એમાંથી મુક્ત પણ થઈ ગયો છું.

પ્રશ્ન: હા, આપે કહ્યું છે કે ‘મોકલું છું’ રદીફ વાળી આપની પંદર ગઝલો એક જ રાતમાં રચાયેલી. આટલીબધી ગઝલો એકી સાથે કઈ રીતે સ્ફુરે? હા, એક જ રાતમાં. ખબર નહીં, મને ગળથૂથીમાંથી મા પછી બીજો કોઈ શબ્દ સમજાયો હોય તો એ કદાચ ગઝલ છે. એટલે હું કહી શકું છું કે કોઈપણ ગઝલને કઈ રીતે બોલવી કે કઈ રીતે એની રજૂઆત કરવી એ સમજતાં મને બે-ત્રણ સેકંડ જ લાગે છે. પ્રત્યેક ગઝલકાર પાસે હું તીર્થની જેમ જાઉં છું અને એમને માણું છું. પણ મારે મારી ગઝલ ક્યારેક જ મઠારવાની થાય છે, એકાદ શબ્દ આઘો-પાછો કરવા માટે, ક્યારેક જ.

પ્રશ્ન: સર્જનની એ પળોમાં આપ કેવા હો છો? હું મોટે ભાગે ખસી જાઉં છું. કારણકે હું જે પળે સભાન થયો છું, ગઝલમાં કૃતકતા આવી ગઈ છે. એવે વખતે મને લાગ્યું છે કે હું સભાન થઈને લખી રહ્યો છું. મોટાભાગે એવું થયું છે કે ગઝલ મેં કોઈ સભાનતા સાથે ન લખી હોય, એક ચોક્કસ પ્રકારના ટ્રાન્સમાં હું વહેતો હોઉં, અથવા તો કોઈક પરિસ્થિતિ મારી પાસે એ લખાવી રહી હોય. સુન્દરમ્‌ને મેં એક વાર પ્રશ્ન પૂછ્યો હતો કે, આ કવિતાઓ તમે કેવી રીતે લાખો છો? ત્યારે એમણે એમ કહેલું કે આકાશમાંથી કોઈ પોટલું ફેંકતું હોય ને એમ ફેંકે છે. જાણે કોઈ લખાવતું હોય એમ લખાઈ જાય છે. એ દિવસોમાં મેં એક મત્લા લખી નાખ્યો હતો ‘કોઈ આવીને લખાવી જાય છે, જળ ઉપર પગલાં પડાવી જાય છે.’ મને ખબર છે કે આ બધાં જળપરનાં પગલાં છે પણ એ કોઈ પડાવે છે અને મને એ પગલાં પાડવાની મજા આવે છે.

પ્રશ્ન: આપે કહ્યું કે ગઝલ આપના લોહીમાં વણાઈ ગયેલી છે. અન્ય કાવ્ય પ્રકારોમાં સર્જનનું શું? હા, તમે બહુ અદભુત વાત પૂછી. હું ગઝલ સિવાય કશું લખી શકું કે કેમ એ મને પણએક પ્રશ્ન હતો. અને મને ઘણા બધા કવિ મિત્રો દ્વારા, ઘણા બીજા મિત્રો દ્વારા એમ કહેવામાં આવતું કે તું ગઝલ સિવાય બીજું પણ લખ. મારાં થોડાંક કાવ્યો‘કુમાર’માં, થોડાંક ‘નવનીત-સમર્પણ’માં પ્રગટ થયેલાં છે, જેને ભજનની પરંપરા કે ગીતની પરંપરા સાથે જોડી શકાય. પણ વચ્ચે એક એવો સમયગાળો આવ્યો કે હું લગભગ પાંચેક વર્ષ સુધી સંપૂર્ણ મૌન થઈ ગયો. અને સંપૂર્ણ મૌન એટલે વિચારો પણ નહીં, બધા જ વિચારોથી મુક્ત. કોઈ એને રાઈટર્સ બ્લોક કહે છે, પણ એવું પણ નહોતું. હું મારું રોજિંદુ કામ કરું, પણ મને એવું ન લાગે કે મારે કોઈ વિચારોની જરૂર છે. ધીરેધીરે મને એવું લાગ્યું કે હવે જીવનમાં હું ક્યારેય લખી નહીં શકું. મિત્રોને એવું લાગ્યું કે આ બોલતો પણ ઓછો થઇ ગયો છે. પણ એ પાંચ વર્ષ પછીના ગાળામાં મેં ઓચિંતા કાવ્યો લખ્યાં. પછી બસ કાવ્યો લખાતાં ગયાં. એ કાવ્યોની વાત જુદી હતી, મને ત્યારે એવું થયું કે મારાં કાવ્યો ભક્તિ માર્ગ તરફ જઈ રહ્યાં છે. પણ ભક્તિ માર્ગની એક વિશેષતા હું જાણતો હતો, કેઆ ઉપનિષદ પરંપરાને લીધેબધા બહુ ઝળહળ ઝળહળ લખે છે, એનાથી મને પૂછવાનું મન થાય કે આવો કંઈક અનુભવ છે ખરો? અનહદ શબ્દ વાપર્યો છે પણ અનહદ શું છે એ ખ્યાલ છે ખરો? આવો પ્રશ્ન મને થાય, કારણ કે મને તો એવો કશો અનુભવ થતો જ નહોતો. અને કોઈક અનુભવ થાય તો એ કાલ્પનિક પણ હોઈ શકે. એ સમયમાં મને ઉપનિષદ મદદરૂપ થયું. એ સમયે સદગુરુની પરંપરા મને મદદરૂપ થઈ. ખ્યાલ આવે છે કે ભક્તિનો આવેશ પણ હોય છે અને ભક્તિનો પ્રવેશ પણ હોય છે. લાકડા પર ઉકળતું પાણી જોયું હશે, એ પાણીની અંદર સહેજ પણ હાથ નાખીએ તો દાઝી જવાય, ચામડી નીકળી જાય. આ અગ્નિનો પાણીમાં આવેશ હોય છે કારણકે એ પાણી પાછું ઠરી જાય પછી એમાં હાથ નાખો તો કશું નથી હોતું. અમુક સમયે બહુ ઉંચી અવસ્થા છે એવું લાગ્યા કરે અને પછી ફરી ત્યાંથી નીચે ઉતરીએ ત્યારે આપણે સાવ સામાન્ય કક્ષાના માણસ કરતાં પણ ઉતરતાં એવા થઈ જઈએ. તો એ ભક્તિનો આવેશ છે. પણ લાકડું જે સળગાવ્યું છે એમાં જ્યારે અગ્નિનો પ્રવેશ થાય છે ત્યારે લાકડું અંગારો બની જાય છે અને એ જ અંગારો પછી ભસ્મ બની જાય છે. આ અગ્નિનો પ્રવેશ છે. આ આખું રૂપાંતર થઈ ગયું, મનનું. જો ભક્તિ એ મનનો આવેશ જ હોય, એનાથી મનનું રૂપાંતર ન થતું હોય તો કવિતાઓમાં ઝળહળ ઝળહળ લખવાનો બહુ અર્થ નથી, આવું હું સ્પષ્ટપણે માનું છું. મજાની વાત કેવી છે કે એને લીધે બે-ત્રણ વર્ષની અંદર લગભગ પ૦૦ જેટલી કવિતાઓ લખાઈ ગઈ. એ સમયમાં મેં અગાઉ કહ્યું તેમ વિચારો બંધ થઈ ગયા હતા. એ દરમ્યાન હું ખૂબ ફર્યો. મેં હિમાલયની યાત્રાઓ કરી, જંગલોમાં ફર્યો. મેં બીજી અંદરની યાત્રા પણ શરૂ કરી, વાંચતો ગયો. અને જે કાવ્યો આવ્યાં, એમાંનાં એક કાવ્યની વાત કરું તો મને એમ થયા કરતું હતું કે આ કોઈ ચાલીને જાય છે, આ પગપાળા જવાનો અર્થ શું છે? કોઈ ભજન કરતું હોય તો મને એમ થાય કે આ ભજનનો અર્થ શું છે? કોઈ શીર્ષાસન કરતું હોય, યોગમાર્ગી હોય, એને મને પૂછવાનું મન થાય કે પેલો માંહ્યલો તો અંદર બેઠો છે અને તું આ શરીર શું કરવા તોડે છે? આ બધાંએ મને કેડીઓ બતાવી અને આ કાવ્યો આવ્યાં. એમાંની એક કવિતાની કડી કહીશ તો તમને મજા આવશે. “આ તો કેવળ વિધિ રે માનવા ભરચક મન ખાલી કરવાની, સિદ્ધાસન કે પદ્માસન કે જપ-તપ પૂજા-પાઠ, કળથી બળથી ઉકેલવાની જેની જેવી ગાંઠ, ભજન મહી પણ ભટકે સઘળે, તારે શું તાળી કરવાની? આ તો કેવળ વિધિ રે મનવા.....ધૂપ, દીપ, આરતી નૈવેદ્ય ચંદન, ચોખા ને ગંગાજળ, ખૂણે ખૂણેથી બાવળજાળાં કાઢીને થઈ જાવું નિર્મળ, મબલખ કાંટા તોયે બોરડી શબરીને વ્હાલી કરવાની, આ તો કેવળ વિધિ રે મનવા ભરચક મન ખાલી કરવાની......’ મહાવીર સ્વામિને નિર્ગ્રંથ કહ્યા છે. આપણે નિર્ગ્રંથ થવાનું છે. ગ્રંથિ છૂટે એ કરવાનું છે. આવાં કાવ્યોના દસ પુસ્તક પ્રગટ થયાં એને મેં ‘કાવ્ય-સત્સંગ’ નામ આપ્યું છે. કાવ્યમાં અધ્યાત્મ, અધ્યાત્મમાં કાવ્ય. તોમારાં કાવ્યનું સ્વરૂપ આમ બદલાયું.

પ્રશ્ન: આપે ગઝલનાં પુસ્તકો આપ્યાં, ગઝલમિમાંસાનાં પુસ્તકો આપ્યાં, આપનાં સંપાદનોમાં અન્ય ગઝલકારોની ગઝલોનાં સંપાદનનાં પુસ્તકો અને‘ગઝલવિશ્વ’ નું સંપાદન પણ છે. સંપાદન કાર્ય વિષે કંઇક કહેશો? એક સર્જક સંપાદન કરવા તરફ કેમ વળે?

હું સંપાદન તરફ અચાનક વળી ગયો છું. મને જવાબદારી સોંપાઈ હતી કે મારે સંપાદનનું કામ કરવું. સંપાદન કરવામાં સરળતા એ રહી કે જે ગઝલો આવતી હતી એમાંથી ઉત્તમ ગઝલ કઈ છે એની મને ખબર પડી. પણ એની સાથેસાથે મને એ પણ ખબર પડી કે આપણે જ્યારે કોઈક વિષે અભિપ્રાય આપવાનો હોય છે ત્યારે આપણે બહુ સરળતાથી આપી દેતા હોઈએ છીએ. ‘આ ગઝલ સારી છે, આની બીજી પંક્તિ વધારે સારી છે’ ‘આ ગઝલ આખી નકામી છે, આ ગઝલમાં બીજો શેર સારો છે’ એવું આપણે કોઈને માટે કહી દઈએ છીએ, પણ આપણે આપણા માટે ઓપિનિયન આપવાનો હોય તો ‘સીદીભાઈને સીદકાં વહાલાં’ આપણને આપણી બધી જ ગઝલો સારી લાગે. સંપાદનની ભૂમિકાએ એક સર્જક તરીકે પણ મને ઘડ્યો છે. મને પહેલી વાર જ ખ્યાલ આવ્યો કે મારે પણ મારી અંદર ઘડાતા જવાનું છે. મારા દીકરા શૌનકે મને ફિલ્મ જોતો કર્યો, એણે મને‘મેટ્રીક્સ’ ફિલ્મ૨-૪-૫-૬ વાર બતાવી. પછી એણે મને સમજાવ્યું, ક્યારેક એ મને જેકી ચેન ની ફિલ્મ બતાવે અને એમાં અમુક દૃશ્ય ન આવે તો એ મને સમજાવે કે એ દૃશ્ય એડિટ કર્યું છે, એટલે સંપાદન હું ત્યાંથી પણ શીખ્યો. હું ક્યાં ક્યાંથી શીખ્યો છું. હિમાલયમાં જતો હોઉં અને હર્ષિલ પાસે અટક્યો હોઉં અને મને યાદ આવે કે અહીં જે પેલી‘રામ તેરી ગંગા મૈલી’ ફિલ્મ બનાવેલી, છતાં એનું આવું કોઈ દૃશ્ય તો ફિલ્મમાં આવતું નથી. પછી ખ્યાલ આવે કે એ દૃશ્ય ફિલ્મને અનુકૂળ નહીં હોય એટલે એને એડિટ કરી નાખ્યું. સંપાદક તરીકે હું શીખ્યો કે ગુજરાતી ભાષામાં જે કામ થાય છે એને વધારે સમૃદ્ધ કઈ રીતે કરી શકાય. આપણે ત્યાં કેવા કેવા તેજસ્વી સિતારાઓ પડેલા છે એનો પરિચય પણ થયો.

પ્રશ્ન: આપ મુશાયરાઓમાં પણ વારંવાર દેખાવ છો. મુશાયરાઓ અને કવિ સંમેલનોનો માહોલ ઘણુંખરું જનરંજનનો બનતો જાય છે. આ માહોલમાં આપ શું અનુભવો છો? હા, મુશાયરાઓનો માહોલ લોકરંજનનો હોય એવું લાગે, પણ છેવટે તો ગઝલકારની સજાગતા ઉપર અને એની સભ્યતા ઉપર પણ બહુ મોટો આધાર રાખે છે. પહેલી વાત એ છે કે ગઝલ જેમ છપાઈ એમ એ રજૂ નથી કરવાની. ગઝલ રજૂ કરવાની પણ એક કળા છે. એટલે રજૂઆત તો જોઈશે જ, રજૂઆતમાં નબળા હશો તો નહીં ચાલે. આ પહેલો નિયમ છે. મને એક બહુ સરસ પ્રસંગ યાદ આવે છે. ૧૯૮૨માં હું બે દિવસ કાવ્યપઠન કરવા માટે સિંગાપોર ગયો હતો. પણ એમાં એવું થયું કે ધીરેધીરે કરતાં હું પંદરેક દિવસ રોકાઈ ગયો અને એ લોકોએ મારું કાવ્ય પઠન પંદર દિવસ કરાવ્યું. આ પહેલો પ્રસંગ હતો જ્યારે કોઈ કવિને કાવ્યપઠન માટે પંદર દિવસ રોકે. એ લોકોએ કહ્યું કે પહેલી વાર ગુજરાતી ભાષામાં આટલું બધું કામ થાય છે અને ગુજરાતી ભાષામાં આવી આવી ગઝલો લખાઈ છે એની અમને ખબર પડી. હા, શાયર મુશાયરાઓમાં ગઝલ રજૂ કરતાં કરતાં શરૂઆતમાં થોડો નીચે ઉતરે છે ખરો. પણ એ એટલો જ નીચે ઉતરે, એટલો જ વાંકો વળે, જ્યાંથી પ્રેક્ષકનો હાથ પકડીને એને ઉપર ખેંચી લેવાય. પ્રેક્ષકનો હાથ પકડીને આપણે એને આપણી નજીક, ઉપર લેવાનો છે. આપણે એની જોડે નીચે ઉતરી જવાનું નથી. શાયરે આટલી કાળજી તો રાખવી જ જોઇશે. પણ હા, મનોરંજનના તત્ત્વમાં તાળીઓની ટેવ પડી જાય તો આવું થાય છે. બાકી ઓડીયન્સ બહુ જ સજ્જ અને સમજુ હોય છે અને ઘણી બધી ગઝલો ઓડીયન્સને કંઠસ્થ પણ હોય છે.

પ્રશ્ન: આપની કેટલીક ગઝલો સ્વરબદ્ધ પણ કરાઈ છે. કોઈ ગઝલકાર પોતાની ગઝલોનું સ્વરાંકન સાંભળે ત્યારે એ પોતાની રચનાઓને કેવી રીતે અનુભવે? મારી ગઝલોનાં જે સ્વરાંકનો થયાં છે એ મને ખૂબ ગમ્યાં છે. પણ મજાની વાત એ છે કે મારી બધી જ ગઝલોનાં સ્વરાંકનો મને પરદેશમાં કોઈક ગુજરાતીએ સંભળાવેલા છે. ત્યાં હું ગયો હોઉં અને મને પૂછે કે ‘તમે આ સાંભળી છે તમારી ગઝલ?’ અમર ભટ્ટે સરસ સ્વરાંકનો કર્યાં છે, ઓસમાણ મિરે અને પુરુષોત્તમ ઉપાધ્યાયે ગાયાં છે. આમ તો પરદેશની ભૂમિમાં આપણને કોઈ ગુજરાતી બોલનાર મળી જાય તોયે આપણને આશ્ચર્ય થાય તો આ તો પરદેશમાં આપણને આપણું કંઈક સાંભળવામળે તો એનો આંનંદ કંઈક જુદો હોય. મારાં સ્વરાંકનો સાંભળીને સારું લાગે છે કે સંગીત દ્વારા હું લોકો સુધી પહોંચ્યો. કારણકે કવિતા છપાઈને કે મુશાયરા દ્વારા લોકો સુધી પહોંચે એના કરતાં સંગીત દ્વારા એ વધારે પહોંચે છે.

પ્રશ્ન: આપને અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે, હમણાં છેલ્લો કવિશ્રી દલપતરામ એવોર્ડ આપને એનાયત થયો. આ સન્માનોનું આપના સર્જકજીવનમાં શું સ્થાન છે? આ સન્માનો મેં સ્વીકાર્યાં છે અને એનાથી મને એવું લાગ્યું કે જે મેં લખ્યું છે એ સ્વીકારાયું છે, લોકો સુધી પહોંચ્યું છે, અને એનો એક આનંદ હોય છે. પણ એને મેં મારા મનમાં બહુ ઊંડે સુધી જવા નથી દીધું. સન્માનને લીધે એમ લાગે કે સમાજે મને સ્વીકાર્યો, સાહિત્યએ મને સ્વીકાર્યો અને મા સરસ્વતિની કૃપા થઈ

પ્રશ્ન: આપે કરેલું એક અદભુત તત્ત્વ-મિમાંસાનું કામ તે ‘નવનીત સમર્પણ’માં હપ્તાવાર પ્રગટ થયેલું ‘લલિતાસહસ્રનામ’, જે પછીથી પુસ્તક સ્વરૂપે પણ પ્રસિદ્ધ થયું. એના અવતરણ પાછળની પ્રેરણા વિષે અમને કંઈક કહી શકો? એ સમયની આપની મનઃસ્થિતિ વિષે જાણવાની પણ ઇચ્છા છે. લલિતાસહસ્ર અદ્‌ભુત છે. ભારતીય પરંપરાની દૃષ્ટિએ કહેવા જાઉં તો એ મા સરસ્વતિએ પોતે રચેલું છે. સ્કંદપુરાણની અંદર, બ્રહ્મપુરાણની અંદર આ વાત આવે છે. વિષ્ણુસહસ્ત્રનામમાં એકનાં એક નામ ફરીફરીને આવતાં જણાશે, લલિતાસહસ્રમાં કોઈપણ નામ બીજી વખત નથી આવતું, એ લલિતાસહસ્રની એક વિશિષ્ટતા છે. માતાજીનાં એક હજાર નામ અને એ દરેક નામની પાછળ એક વિશેષ અર્થ સમાયેલો છે, પ્રત્યેકનો એક વિશિષ્ટ સંદર્ભ છે. લલિતાસહસ્ર વિષે લખવાનું મને દીપકભાઈએ નિમંત્રણ આપ્યું હતું. એમને મારી આ ઉપાસના વિષે થોડીક ખબર પણ હતી, એ પોતે પણ એ માર્ગના ઊંડા પ્રવાસી છે. બહેન, મારા જીવનમાં કોઈએ પહેલી વાર મને આ પ્રશ્ન કર્યો છે, અને એના વિષે હું પહેલી વાર આ બોલી રહ્યો છું. ભારતીય પરંપરામાં જેને શ્રી વિદ્યા કહે છે એનો હું ઉપાસક છું. મારા ગુરુના અનેક જ્ઞાની શિષ્યો છે, એ શિષ્યોમાં હું મારી જાતને ઠોઠ ગણું છું. આમ જોવા જાવ તો આદિ શંકરાચાર્ય પાસે પેલા ગિરિની અવસ્થા હતી એવી જ અવસ્થા મારી છે. દીપકભાઈએ આમંત્રણ આપ્યું અને કહ્યું કે રાજેશભાઈ તમે લખી જ શકશો. આ ‘લખી શકશો’ એમના અવાજમાં હતું ને, એમના અવાજમાં શ્રદ્ધાની જે તાકાત હતી એટલી મારામાં નહોતી. મેં એમને ચાર-પાંચ વાર ફોન પણ કર્યા. મેં એમને કહ્યું કે તમે મને આ કેવું કામ સોંપી રહ્યા છો ખબર છે? દરિયાની ઓળખાણ ટીપાંથી લોકોને કરાવવાની છે, અને મારી પાસે સોનાની ચમચી પણ નથી, મારી પાસે તો સ્ટીલની ચમચી જ છે. મેં મારા ગુરુના આશીર્વાદ માંગ્યા, કે મને આ નિમંત્રણ મળ્યું છે તો હું શું કરું? મને એમણે કહ્યું કે લખો, ગુજરાત માટે લખો અને ગુજરાતી ભાષામાં લખો. મેં કહ્યું કે મારી પાસે કોઈ સંદર્ભગ્રંથો નથી, તો એમણે કહ્યું કે બધા ગ્રંથો આવી મળશે. ફરી પાછો, પહેલાં જેમ હું પાંચ વર્ષ મૌન થઇ ગયો હતો અને પેલા કાવ્ય-સત્સંગ પ્રગટ થયા, એમ હું લખવા બેઠો અને સાડા ત્રણ, પોણા ચાર વર્ષ સુધી હું ઘરની બહાર નથી નીકળી શક્યો. એ સમયમાં હું વહેલી સવારે ઉઠીને પૂજા-પાઠ કરું, ક્યારેક બ્રશ કર્યા વગર કે ક્યારેક સ્નાન કર્યા વગર પણ બેસી રહ્યો હોઉં, અને મા સરસ્વતિની કૃપા બધું સૂઝાડતી હતી. તો જ્ઞાન તરે છે. આપણે એમ માનીએ કે આ બધી માહિતી છે, જીવન નિર્વાહ માટે જરૂરી છે. પણ જેમ સ્મરણ વધતું જાય એમ જ્ઞાન પ્રગટે છે. આ બધા જે સંતો, સદ્‌ગુરુઓ, મહાકવિઓ થઈ ગયા, નરસિંહ મહેતા કે ટાગોર જેવા, એ બધામાં એ કઈ રીતે પ્રગટ્યું હશે એનો મને ખ્યાલ આવે છે. સાવ ખાલી થઈ જઈએ ત્યારે ક્યાંકથી ઝરણાની જેમ એ અર્થો ફૂટે છે. આ સાડા ત્રણ-પોણા ચાર વર્ષ દરમ્યાન લખાયું ત્યારે હું કંઈક મૂંઝાઉં, તો મને કોઈક સંદર્ભ ગ્રંથ આપવા આવ્યું હોય અને એમાં કંઈક જોઈને મને થાય કે હા, મારા મનમાં જે અર્થ હતો એ આમાંથી આવ્યો હશે. એક –દોઢ વર્ષ પછી તો એવું થયેલું કે ઘણા બધા અર્થો મને રાત્રે નિદ્રામાં પણ, જાગતાં, હરતા-ફરતાં, બગીચામાં કામ કરતાં પણ સ્ફુરવા મંડ્યા. દાખલા તરીકે હું એક વૃક્ષને રોજ પાણી પાતો. એ સૂકાઈ ગયું હતું. હું એને કહેતો કે તું લીલું થા, તું મારા પિતાજીના સમયનું છું. થોડા સમય પછી એ સૂકાઈ ગયેલા ઝાડમાં કૂંપળો ફૂટી,અને એની ટોચ પર એક ફૂલ ખીલ્યું. તો મને થયું કે વૃક્ષની ચેતનાનું સર્વોચ્ચ સ્વરૂપ એટલે ફૂલ. તો આ રીતે ચેતનાનું સર્વોચ્ચ સ્વરૂપ મને અનુભવાયું એક વૃક્ષમાં અને આમ લલિતસહસ્રના અર્થો મને જડતા ગયા. મા એમને શીખવાડવા માટે દીપકભાઈને નિમિત્ત બનાવીને આ કામ કરાવડાવ્યું, જેને લઈને માતાજીના ઉપાસકોને એ ઉપયોગી થયું, ગુજરાતને એ મળ્યું.

પ્રશ્ન: રાજેશભાઈ, સાધના શબ્દના અનેક સંદર્ભો છે. કદાચ આપણે એ શબ્દને વાપરી પણ નાંખ્યો છે અને સાધના એ ચર્ચાનો વિષય પણ નથી. છતાં સાધક હોવું એટલે કેવા હોવું? એ પ્રશ્ન પૂછ્યા વિના રહી નથી શકતી. આમ તો સાધનાને સંબંધ સિદ્ધિ સાથે છે. હું મારે માટે સાધકને બદલે ઉપાસક શબ્દ વાપરું છું. કારણ કે એમાં નજીક બેસતા જવાનું છે. ‘દીપો દિપાંતરમ યથા’ એક અપ્રગટ દીવાએ એક પ્રગટ દીવાની એટલા નજીક જવાનું છે કે પેલા પ્રગટ દિવાની જ્યોત કૂદકો મારીને પેલા અપ્રગટ દીવાને પ્રગટાવી દે. તો એ દીપાંતરની રીતે જ હું ઉપાસનાને મહત્વ આપું છું. સાધના એનો ભાગ છે, સકામ સાધના –નિષ્કામ સાધના એના પ્રકારો છે, પણ એ ક્ષેત્ર તરફ હું નથી વળ્યો. મારું વળી જવાયું, કુદરતી રીતે, ઉપાસના તરફ. એટલે જે ઘણા બધાં વિધિ-વિધાન છે એ બધાંથી હું દૂર ચાલ્યો ગયો. કઈ રીતે આપણે આપણને ઓળખી શકીએ, આપણને પામી શકીએ એ તરફ ચાલ્યો ગયો.

પ્રશ્ન: એક ઉપાસક-ગઝલકાર દૂનિયાદારી સાથે કેવી રીતે સંકળાય છે? નથી સંકળાઈ શકાતું. દૂનિયાદારીની દૃષ્ટિએ બહુ ગણતરીબાજ હોવું જોઈએ, બહુ કુશળ, વ્યવહારદક્ષ હોવું જોઈએ, એ રીતે નથી થવાતું. પણ જતે દિવસે દૂનિયા આપણને સમજી જાય છે કે આની જોડે ગણતરીથી વાત નહીં કરવી. ક્યારેક અમસ્તા રડવા બેસી જવાય, ક્યારેક સાવ ખાલી થઈ જવાય, ક્યારેક સારા સારા અનુભવો થાય એને પણ કમે યાદ ન કરીએ? પણ આમ ઉપાસક તરીકે મને દૂનિયાદારીમાં ફાવતું નથી, જરઠ વાતોમાં ફાવે નહીં, દૂનિયાદારીના રિવાજો પાળવા ફાવે નહીં. મને લાગે છે કે મને પરમ ચૈતન્યએ આ ભૂમિકા ભજવવાની કહી છે, એટલે આ ભૂમિકા ભજવું છું.

પ્રશ્ન: શું આધુનિક વિશ્વ માર્મિક સાધનાનો મર્મ જાળવી શકે એમ છે? હા, જબરજસ્ત રીતે વાત કરી શકે છે. અત્યારના જે યુવાનો છે, એ આને વધારે ને વધારે સમજતા થયા છે. એક બહુ સાદો દાખલો આપું. જ્યોતિષની વાત છે, બહુ મોટી આધ્યાત્મિક વાત નથી. એક સમયે અગિયાર રૂપિયામાં અને એકાવન રૂપિયામાં અને પાંચ રૂપિયામાં જન્માક્ષર જોવાતા હતા. હવે આજના યુવાનો છે એ કયો ગ્રહ, કયું નક્ષત્ર કઈ દિશામાં છે, એની શું અસર છે એની ચર્ચાઓ કરે છે, હું એને સાંભળું છું, એ લોકોને મળું છું, એ લોકોની સાથે વાત કરું છું. અને મને આશ્ચર્ય અને આનંદ થાય છે. એ લોકો અધ્યાત્મમાં પણ ઊંડા ઉતર્યા છે, એ લોકો શબ્દોના અર્થ સમજી શક્યા છે, એ લોકો ઉચ્ચારોનું વિજ્ઞાન સમજી શક્યા છે. Peace-શાંતિઅને silence-મૌનની વચ્ચેનો ભેદ સમજી શક્યા છે. અને એ લોકો આ તરફ વળશે જ. કારણકે કોઈ એક દિશામાં ખૂબ આગળ વધી ગયા પછી એ દિશામાંથી પણ પાછા વળવાનું હોય છે. કદાચ એ લોકો વધુ સાચી રીતે સમજશે, કદાચ પૂર્વજોનું જે વિજ્ઞાન હતું એ વિજ્ઞાન આવતી પેઢી આપણને સમજાવશે, એવી મને શ્રદ્ધા છે.

પ્રશ્ન: આપને એવું લાગે છે કે પ્રાચીન સાધના પદ્ધતિ આજે વિધિ-વિધાનમાં અટવાઈ ગઈ છે? અત્યારે આપણી પ્રાચીન પરંપરા અંધશ્રદ્ધામાં અટવાયેલી છે, અજ્ઞાનમાં અટવાયેલી છે. પણ છતાંય જે સાચો માણસ છે, જેની સૂઝ છે, એને સાચી દિશા મળી જાય છે. બાકી તો દરેક યુગમાં, દરેક ધર્મમાં આ રીતે વિધિ-વિધાનમાં અટવાતા લોકો હશે. છતાંય હિંદુ ધર્મની એક વિશેષતા છે કે એ મંજાતો રહ્યો છે, ઉપનિષદોના અર્થો પેઢી દર પેઢી નવા નવા થતા રહ્યા છે. ઉપાસના એ ખળખળ વહેતી નદી જેવી છે. એ તાજી ને તાજી રહે છે. એમાં નવા નવા અર્થો ઉમેરનારા પ્રગટ્યા છે.

પ્રશ્ન: ગુરુ અને જ્ઞાનનો સંદર્ભ સમજાવશો? ગુરુ વગર જ્ઞાન શક્ય નથી અને ગુરુ પણ જાણતો હોય છે કે એ ગુરુ નથી. આ એક બહુ મજાની વાત છે. ગુરૂ માત્ર શિષ્યના સંદર્ભમાં જ ગુરુ છે. શિષ્ય ન હોય તો એ માત્ર એક સીધો સાદો માણસ છે, જેમ એક સ્ત્રી એક બાળકના સંદર્ભમાં માતા છે, બાકી તો એ સ્ત્રી છે. જ્યારે શિષ્ય હોય ત્યારે એ વ્યક્તિ ગુરુ બની જાય છે અને ત્યારે શિષ્યને એનામાં ગુરુ-તત્ત્વ દેખાય છે. ગુરુ-તત્ત્વ એ એની અંદરની એક ભૂમિકા છે, એક અવસ્થા છે. જ્યારે હૃદયમાંથી કરુણા પ્રગટે છે ત્યારે એક ભૂમિકા પ્રગટે છે. એક વ્યક્તિ માટે એક જ ગુરુ હોઈ શકે, ક્યારેક એક વ્યક્તિ માટે અસંખ્ય ગુરુઓ હોઈ શકે. અરે ભારતમાં તો મજાની વાત બને છે કે રસ્તામાં ચાલતા હોઈએ અને એક મિકેનિક હોય એને પેલા શીખાઉ છોકરાઓ ઉસ્તાદ કહે. ‘ઉસ્તાદ પંદરકા પાના લાઓ’ ‘ઉસ્તાદ યહ કરના હૈ’. તો એ ગુરુ-શિષ્ય તો કોઈપણ ભૂમિકાએ છે, દરેક જગ્યાએ છે. પણ જે દુનિયા માટે છે એને આપણે માહિતી કહીએ, પેલું જે ગુરુજ્ઞાન છે એને આપણે અવિનાશી કહીએ છીએ. જે હતું અને જે હશે, એની સાથે એ જ્ઞાન આપણને જોડી આપે છે.

પ્રશ્ન: આપને જીવનમાં ક્યારેય નિષ્ફળતા કે નિરાશા જેવું લાગ્યું છે? હા, ઉમાશંકરની એક પંક્તિ મને જીવાડી ગઈ છે.‘મને મળી નિષ્ફળતા અનેક તેથી સફળ થયો હું જિંદગીમાં...’ અને મરીઝનો એક બહુ સરસ શેર છે ‘બની શકે તો શ્રવણના હક મને આપો, કે જિંદગીમાં હું નિષ્ફળ છું, કામયાબ નથી.’ જિંદગીમાં ક્યારેય સફળ માણસ પાસે કોઈ સલાહ ન લેવી. નિષ્ફળ ગયેલો માણસ કદાચ સાચી અને વધારે સારી સલાહ આપી શકે. હા, જીવનમાં હું નિષ્ફળ ગયો છું એવું મને લાગે છે પણ શ્રદ્ધાએ અને પ્રેમે મને જિવાડ્યો છે. શ્રદ્ધા કોઈ પણ પરિસ્થિતિમાં આપણને જીવતા કરે છે, આપણને સમજાવે છે. શ્રદ્ધા જ આપણી નિષ્ફળતાઓને સફળતામાં પરિવર્તિત કરી આપે છે.

પ્રશ્ન: આપણે આ સંવાદનું સમાપન કરીએ તે પહેલાં, આપના જીવનમાંથી આપને લાધેલાં સત્યો વિષે થોડી વાત કરશો? બસ, હું પ્રત્યેક પળને જીવી લેવામાં માનું છું. છેલ્લે એક અદભુત વાત કહેવી છે, જે વાચકો પણ જિંદગીભર યાદ રાખશે, એમને પણ લાગશે કે કશુક નવું સાંભળ્યું. હું નાનો હતો ત્યારથી મને એવી ઈચ્છા હતી કે સાધુ થઈ જવું, ક્યાંક ચાલ્યા જવું. એ સમયગાળામાં હું કેટલાય લોકો પાસે ગયો હોઈશ. પણ એક વ્યક્તિ પાસે હું અટકી ગયો હતો, કારણ કે એ વ્યક્તિની વિશેષતા એ હતી કે એ પૂજા કરીને એમના રૂમની બહાર આવે, તમારી સામે જુએ પછી તમારી તારીખ બોલે, મહિનો બોલે, સાલ બોલે, અને એ જો બધું સાચું હોય તો તમારા વિશેનું ભવિષ્ય કહી દે. એ વ્યક્તિ મને જીવતી જાગતી ભૃગુસંહિતા લાગતી હતી. લોકો એમની પાસે ખૂબ જતા હતા. આપણે ત્યાં તો નિયમ છે કે આવું કોઈક દુઃખ-દર્દ દૂર કરનારું હોય તો એની પાસે લોકો ઉભરાય. મને એ વ્યક્તિના જ્ઞાનમાં રસ હતો, કે આ વ્યક્તિને આ સૂઝે છે કઈ રીતે. છઠ્ઠા-સાતમા ધોરણમાં ભણતો છોકરો, અંજાયેલો તો હતો જ, પ્રભાવિત તો હતો જ, એમના પગ દબાવે, એમને સ્તોત્રો સંભળાવે ‘ચિદાનંદ રૂપઃ શિવોહમ શિવોહમ’. એ હસી પડે. બધા આવીને ચાલ્યા જાય, હું એમની પાસે બેસી રહું, પગ દબાવું, શ્લોક સંભળાવું, ધીરેધીરે એમની પાસે આવનારાની સંખ્યા ખૂબ વધતી ગઈ અને એક દિવસ અચાનક એ ગુમ થઈ ગયા. બધા એમને બાપજી કહેતા, પણ એથી વિશેષ કંઈ નહીં. હું એમ.એ નું ભણતો હતો ત્યારે મારા ઘર પાસે આવીને કોઈકે કહ્યું કે અહીં રાજેશ નામનો એક છોકરો રહેતો હતો તે ક્યાં છે? મેં કહ્યું કે એ હું જ છું. એ મને કહે કે બાપજી આવ્યા છે અને યાદ કરે છે. હું ગયો, પલંગ પર એક ૯૫ વર્ષ જેટલી વયની એક વ્યક્તિ ટેકો લઈને સૂતી હતી. એ મને જોઈને બેઠા થયા, મારી આંખો ચમકી, એમની આંખો ચમકી. ૯૦-૯૫ વર્ષના વ્યક્તિ, કદાચ એમ કહેવાય કે એ જીવનના છેલ્લા દિવસો તરફ જઈ રહ્યા છે. અને એમણે એટલા બધા આનંદથી મને આવકાર્યો, મારી આંખોમાંથી પાણી વહી રહ્યું. પછી એમણે કહ્યું, ‘ચાલ પગ દબાવ’ એટલે મેં પગ દબાવ્યા. મારો એકનો એક જ પ્રશ્ન હતો, ‘તમે ક્યાં ચાલ્યા ગયા હતા? ક્યાં જતા રહ્યા હતા?’ એ કશું જ બોલ્યા નહીં, એમણે એટલું જ કહ્યું ‘પ્રસિદ્ધિ પરપોટા જેવી છે’ બીજે દિવસે હું પાછો ગયો તો મને કહે કે ‘તારે કંઈ પૂછવું છે? તારે કંઈ કામ છે? તારે કંઈ જોઈએ છે?’ અને મારાથી પુછાઈ ગયું કે ‘તમે હવે દેહ છોડવા જઈ રહ્યા છો?’ તો મને કહે કે ‘તારે કંઈ પૂછવું હોય તો કહે’. ત્રીજા દિવસે મેં એમને કહ્યું કે ‘તમે અસંખ્ય માણસોને જોયા, ચાહ્યા, તમે ફકીરની જેમ જીવ્યા. આટલું બધું જોયા પછી કંઈ સારરૂપ મને કંઈ કહેવું હોય તો કહો. જીવનમાં મને ક્યારેક સુખ મળે, ક્યારેક દુખી થાઉં, ક્યારેક લૂંટાઈ જાઉં, ક્યારેક કોઈને અપાર પ્રેમ મળે. તો મને એમ લાગે કે જીવી શકાય એવું તમને મળેલું કોઈક સત્ય હોય તો મને કહો’. એમણે મને કહેલું એ સત્ય આજે હું તમને કહું છું. એમણે મારા બંને હાથ પકડી લીધા અને પછી આંખોમાં આંખ પરોવીને કહે છે ‘જીવનભર યાદ રાખજે, મળેલા જ મળે છે. કોઈ છેતરી જાય તોયે સમજવું કે આ મળેલા મળ્યા, કોઈ વરસી જાય તોયે સમજવું કે મળેલા જ મળ્યા. આ ઋણાનુબંધ, આ લેણ-દેણ, આ પ્રારબ્ધ, તમે નામ ગમે તે આપો, આ જગતમાં મળેલા જ એકબીજાને મળીએ છીએ’. એ સંદર્ભમાં મને છેલ્લે બે પંક્તિ યાદ આવે છે ‘હશું કોઈ કાળે, કોઈનાસદ્મખંડે, જગાએ જગાનું સ્મરણ ઝાંખું પાંખું’. એટલે ચાલ્યા કરે છે, પુનરપિ જનનમ, પુનરપિ મરણમ’. એ વખતે મને નરસિંહ મહેતા યાદ આવે છે કે ‘હરિનાં જન તો મુક્તિ ન માંગે, માંગે જનમ જનમ અવતાર રે’.