સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/‘વિભાવ’ ‘અનુભાવ’ - સાપેક્ષતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

‘વિભાવ’ ‘અનુભાવ’ એ સંજ્ઞાઓની સાપેક્ષતા

‘વિભાવ’ ‘અનુભાવ’ એ સંજ્ઞાઓ પણ અમુક અંશે સાપેક્ષ છે એ ખ્યાલમાં રાખવા જેવું છે. અતુલચન્દ્ર ગુપ્તે મોટા નાગ જેવો વેણીબદ્ધ કેશકલાપ ડાબા હાથે પકડીને ગજગતિએ ચાલતી કૃષ્ણ પાસે જઈ આંસુભરી આંખે બોલતી દ્રૌપદીને એક મહાકવિમાં સંભવે એવો વિભાવ કહ્યો. પણ આમાં કેશકલાપ પકડીને બતાવવો, આંસુભરી આંખ અને પ્રતિશોધની ભાવનાવાળા ઉદ્ગારો એ તો દ્રૌપદીના ક્રોધને ને એના દૈન્યને અભિવ્યક્ત કરતી ચેષ્ટાઓ એટલે કે અનુભાવો નહીં? હા, દ્રૌપદીને ભાવના આશ્રય તરીકે જુઓ એટલે આ અનુભાવો જ કહેવાય. દ્રૌપદીના ક્રોધનું આલંબન તો છે દુઃશાસન. એ રીતે જોઈએ તો દ્રૌપદીને ચોટલો પકડીને દુ :શાસને ઢસડી એ વિભાવ કહેવાય. પણ આપણને રૌદ્રરસનો જે સાક્ષાત્કાર થાય છે તે તો દ્રૌપદીનું જે વર્ણન થયું છે તેને કારણે. આ દૃષ્ટિએ એ વિભાવસામગ્રી કહેવાય. રસનિરૂપણમાં ભાવનો આશ્રય અને ભાવનું આલંબન એવો ભેદ કરો એટલે પરિસ્થિતિ પલટાઈ જાય છે. પેલી બજારુ ઓરતને રતિભાવના આશ્રય તરીકે જુઓ એટલે એના સાજશણગાર ને એની ગોષ્ઠી એના રતિભાવને વ્યક્ત કરનારા અનુભાવો કહેવાય, પરંતુ એ ઓરતને શિવપ્રસાદજીના રતિભાવના આલંબન તરીકે જુઓ એટલે એના સાજશણગાર વગેરે એ રતિભાવની ઉદ્દીપક સામગ્રી બની જાય. ‘એક ઘા’માં પક્ષીની ચેષ્ટાઓ અને એનો અવિશ્વાસ પણ કાવ્યનાયકના મનમાં વિવિધ ભાવો જગાડે છે. એટલે એ રીતે એ અનુભાવો ને વ્યભિચારી ભાવો કાવ્યનાયકના ભાવની વિભાવ – સામગ્રી છે. ‘નાટયદર્પણ’ તો કહે જ છે કે અનુભાવો અને વ્યભિચારી ભાવો બીજામાં રહેલા સ્થાયીને રસોન્મુખ બનાવે છે એ રીતે તે બધા રસના જનક છે અને તેથી ‘વિભાવ’ ગણાય. (ભારતીય સાહિત્યશાસ્ત્રની વિચારપરંપરાઓ, તપસ્વી નાન્દી, પૃ.૩૩૪) એમ કહેવાય કે કાવ્યમાં વિભાવ-અનુભાવ-વ્યભિચારીની અરસપરસ ગૂંથણી હોય છે, એક રમણા હોય છે અને સમગ્ર કાવ્યસૃષ્ટિ તો આપણે માટે વિભાવસામગ્રી જ છે.